સુરતનો કહેવાતો યોગ ગુરૂ પ્રદીપ જોટાંગિયા નકલી નોટનો માસ્ટર માઇન્ડ નીકળ્યો

સુરતના કહેવાતા યોગ ગુરુ પ્રદીપ જોટાંગિયા અને તેના સાગરીતો દ્વારા આચરવામાં આવેલા કરોડો રૂપિયાના નકલી નોટના કૌભાંડે સમગ્ર દેશની તપાસ એજન્સીઓને ચોંકાવી દીધી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ કેસમાં સાત આરોપીઓની ધરપકડ કરી છે, જેમને ઘી કાંટા ફોજદારી કોર્ટે 10 દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપ્યા છે. આ કૌભાંડમાં હવે પાકિસ્તાન પ્રેરિત ‘ઈકોનોમિક ટેરર’ની આશંકા સેવાઈ રહી છે.
તપાસમાં બહાર આવ્યું છે કે, સુરતના ‘શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશન’ના નામે પ્રદીપ જોટાંગિયા નકલી નોટોનું નેટવર્ક ચલાવતો હતો. આરોપીઓએ છેલ્લા બે થી ત્રણ મહિનામાં જ આશરે અઢી થી ત્રણ કરોડ રૂપિયાની બનાવટી નોટો બજારમાં ફરતી કરી દીધી છે. પોલીસે મુકેશ ઠુમ્મરના ઘરે દરોડો પાડી 500 રૂપિયાના દરની 15,600 નકલી નોટો જપ્ત કરી છે. આરોપીઓ અત્યંત આધુનિક રીતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ની મદદથી અસલી નોટો સ્કેન કરી તેના સીરીયલ નંબર બદલીને આબેહૂબ નકલી નોટો છાપતા હતા.
બનાવટી ચલણી નોટોના કરોડોના કૌભાંડમાં રિમાન્ડ પર સોંપાયેલા અન્ય આરોપીઓમાં મુકેશ ઠુમ્મર, અશોક માવાણી, રમેશ બાલાર, દિવ્યેશ રાણા, ભરત કોટડિયા અને આરતીનો સમાવેશ થાય છે.
રો-મટીરીયલ: નકલી નોટ છાપવા માટે ખાસ પ્રકારનો કાગળ ચીનથી મંગાવવામાં આવતો હતો. આ કાગળમાં આરબીઆઈનો લોગો અને ભારતનું નામ અગાઉથી હોવાની શક્યતા છે.
આતંકી એજન્સીઓની એન્ટ્રી: પાકિસ્તાન દ્વારા ચીન મારફતે ભારતના અર્થતંત્રને તોડવા માટે આ ‘ઈકોનોમિક ટેરર’ ચલાવવામાં આવતું હોવાની આશંકા છે. જેને પગલે NIA (નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી) અને R&AW (રૉ) જેવી કેન્દ્રીય એજન્સીઓ પણ તપાસમાં જોડાઈ છે.
કયા મુદ્દે તપાસ કરવામાં આવશે?
•આરોપીઓએ શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશનની સંસ્થા સહિત કયા કયા ખાતાઓમાંથી પૈસા ટ્રાન્સફર કર્યા?
•આરોપી મુકેશ ઠુમ્મરે નકલી નોટો છાપવા માટે ચાઈનાથી ખાસ કાગળ કોના મારફતે અને કઈ રીતે મંગાવ્યો હતો?
•આરોપીઓના વાર્ષિક આઈટી રિટર્ન તપાસીને નકલી નોટોના આ કૌભાંડથી મેળવાયેલી રકમમાંથી કોઈ અપ્રમાણિક મિલકતો વસાવવામાં આવી છે કે કેમ?
•આ સમગ્ર પ્રકરણમાં કુલ કેટલા લોકો સંડોવાયેલા છે તેની તપાસ.
•આરોપીઓના ફોન કોલ્સ અને સીડીઆર ડેટાના આધારે તેમના સંપર્કોની તપાસ.
•આરોપીઓ એઆઈ (AI)ની મદદથી 500 રૂપિયાની અસલ નોટ સ્કેન કરીને સિરિયલ નંબર બદલી નકલી નોટો છાપતા હતા.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now

