31મી મે 2018ની તારીખ કદાચ ભારતીય રાજકારણમાં ટર્નિંગ પોઇન્ટ બની રહે તેવી શક્યતા છે. 31મી મે 2018ના ગુરુવારે દેશભરની જુદી જુદી 11 લોકસભા બેઠકોની પેટાચૂંટણીના પરિણામો નરેન્દ્ર મોદીના શાસનના ચાર વર્ષની વિરુદ્ધના છે તેમ જ ભારતીય જનતા પક્ષના સામ્રાજ્યના અંતનો આરંભ છે. દેશભરનાં ૧૧ રાજ્યમાં જાહેર થયેલા લોકસભાની ચાર અને વિધાનસભાની ૧૦ બેઠક માટેનાં પરિણામોમાં ભાજપને પડેલા ફટકાને લીધે વિરોધ પક્ષો ગેલમાં આવી ગયા હતા.
ઉત્તર પ્રદેશમાં કૈરાના અને નૂરપુર પેટાચૂંટણીના ગુરુવારે આવેલા પરિણામોમાં સરકારની વિભાજનવાદી નીતિની હાર થઈ છે, એમ સમાજવાદી પક્ષના નેતા અખિલેશ યાદવે જણાવ્યું હતું. મતદારોએ ભારતીય જનતા પક્ષ (ભાજપ)ને જડબાતોડ જવાબ આપ્યો છે.
વર્ષ ૨૦૧૯માં લોકસભાની ચૂંટણી પૂર્વે યોજાયેલી સેમી-ફાઇનલ તરીકે આ ચૂંટણીઓને જોવામાં આવી હતી અને ભાજપ ચૂંટણી હારી ગયું છે.
દેશના ૧૧ રાજ્યમાં લોકસભાની ચાર અને વિધાનસભાની ૧૦ મળીને કુલ ૧૪ બેઠકની યોજાયેલી પેટાચૂંટણીમાં વિપક્ષોએ ૧૧ અને ભારતીય જનતા પક્ષ (ભાજપ) તેમ જ તેના સાથી પક્ષોએ ત્રણ બેઠક જીતી હતી.
ઉત્તર પ્રદેશમાં લોકસભાની કૈરાના બેઠક પરથી ભાજપનો પરાજય થતાં તેને મોટો ફટકો પડ્યો ગણાય.
આ ઉપરાંત, મહારાષ્ટ્રમાં ભંડારા – ગોંદિયાની લોકસભાની બેઠક જીતવામાં પણ ભાજપ નિષ્ફળ ગયો હતો.
આમ છતાં, ભાજપને મહારાષ્ટ્રમાંની લોકસભાની પાલઘરની બેઠક મળી હતી. આ બેઠક પર તેણે પોતાના સાથી પક્ષ શિવસેનાનો જ સામનો કરવો પડ્યો હતો.
ભાજપના રાજેન્દ્ર ગાવિતે શિવસેનાના શ્રીનિવાસ વનગાને ૨૯,૫૭૪ મતના તફાવતથી હરાવ્યા હતા.
નાગાલેન્ડમાં લોકસભાની બેઠક પરથી ભાજપના સાથી નેશનાલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટીના ઉમેદવારનો વિજય થયો હતો.લોકસભાની ચાર બેઠકની પેટાચૂંટણીના પરિણામ જોઇએ તો તે ભાજપ અને વિપક્ષો વચ્ચે ૨ – ૨થી સરખી વહેંચણી થઇ ગણાય.
વિધાનસભાઓની દસ બેઠક પરથી યોજાયેલી પેટાચૂંટણીમાં શાસક પક્ષને માત્ર એક (ઉત્તરાખંડની) બેઠક મળી હતી, જ્યારે કૉંગ્રેસને ત્રણ (મેઘાલય, કર્ણાટક અને પંજાબના શાહકોટની) બેઠક મળી હતી.
ઝારખંડમાં ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ)ને બે બેઠક મળી હતી.
કેરળમાં માર્ક્સવાદીને એક, ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પક્ષને એક, બિહારમાં રાષ્ટ્રીય જનતા દળને એક અને પશ્ર્ચિમ બંગાળમાં તૃણમૂલ કૉંગ્રેસને એક બેઠક મળી હતી.
ભાજપ અને તેના સાથી પક્ષોએ લોકસભાની પેટાચૂંટણીમાં મહારાષ્ટ્રમાંથી એક અને નાગાલેન્ડમાંથી એક બેઠક જીતીને સંતોષ માનવો પડ્યો હતો.
વિધાનસભાઓની દસ બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપ અને તેના સાથી પક્ષો ઉત્તર પ્રદેશમાંની નૂપુર અને પંજાબમાંની શાહકોટની બેઠક પોતાની પાસે જાળવી રાખવામાં નિષ્ફળ ગયા હતા, જ્યારે કૉંગ્રેસ, માર્ક્સવાદી પક્ષ, ઝારખંડ મુક્તિ મોરચા અને તૃણમૂલ કૉંગ્રેસે પોતાની બેઠકો જાળવી રાખી હતી.
બિહારમાં રાષ્ટ્રીય જનતા દળના ઉમેદવારે વિધાનસભાની જોકિહાટની બેઠક ભાજપ અને જનતા દળ (યુ)ની યુતિના ઉમેદવારને મોટા તફાવતથી હરાવીને જીતી હતી. આ બેઠક પરના પરાજયને લીધે મુખ્ય પ્રધાન નીતીશ કુમારને મોટો ફટકો પડ્યો હતો.
ભાજપના નેતા અને કેન્દ્રના ગૃહપ્રધાન રાજનાથ સિંહે પેટાચૂંટણીના પરિણામ અંગે ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે મોટો વિજય મેળવતા પહેલાં બે ડગલાં પીછેહઠ કરવી પડે છે.
લોકસભાની કૈરાના બેઠક પરથી રાષ્ટ્રીય લોકદળ (આરએલડી)નાં ઉમેદવાર તબસ્સુમ હસને ભાજપના ઉમેદવાર મૃગાન્કા સિંહને ૪૪,૬૧૮ મતના તફાવતથી હરાવ્યા હતા.