CIA ALERT

ઇન્ટરનેશનલ Archives - Page 8 of 52 - CIA Live

March 10, 2025
traudo-and-carni.png
1min466

બેન્ક ઓફ કેનેડા અને બેન્ક ઓફ ઈંગ્લેન્ડના પૂર્વ ગવર્નર માર્ક ક્રાનીને કેનેડાની સત્તાધારી પાર્ટી લિબરલના નવા નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. આ સાથે માર્ક કાર્ની કેનેડાના નવા વડાપ્રધાન બનશે અને જસ્ટિન ટ્રુડોનું સ્થાન લેશે.

ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષની શરૂઆતમાં જ જસ્ટિન ટ્રુડોએ કેનેડાના વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું હતું. ત્યાર બાદ 59 વર્ષીય કાર્નીએ 86% સભ્યોના વોટ મેળવીને વડાપ્રધાન પદ મેળવવામાં સફળતા મેળવી હતી. એવું કહેવાય છે કે કાર્નીને રાજકારણનો અનુભવ નથી. તેમણે કહ્યું કે હું પાર્ટીને પુર્નજીવીત કરવા અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વેપાર અંગે મંત્રણા કરવા સૌથી ઉપયોગી વ્યક્તિ સાબિત થઈશ.

રાજકારણમાં પ્રવેશેલા કાર્નીએ કહ્યું કે ટ્રમ્પ સતત ટેરિફની ધમકીઓ આપી રહ્યા છે અને તેના કારણે કેનેડાના અર્થતંત્રને ઝટકો લાગી શકે છે. ઉલ્લેખનીય છે કે કેનેડામાં આવું પહેલીવાર થશે જ્યારે કોઈ એવી વ્યક્તિ વડાપ્રધાન બનશે જેને રાજકારણ સાથે કોઈ લેવા દેવા નહોતા. કાર્નીએ કહ્યું કે બે G7 સેન્ટ્રલ બેન્કના ગવર્નર તરીકે સેવા કરનાર હું પ્રથમ વ્યક્તિ છું અને આ જ મારો અનુભવ દર્શાવે છે કે હું ટ્રમ્પનો સામનો કરવા સૌથી ઉપયોગી અને યોગ્ય વ્યક્તિ સાબિત થઇશ.

માર્ક કાર્નીનો જન્મ કેનેડાના ફોર્ટ સ્મિથ, નોર્થવેસ્ટ ટેરેટરીઝમાં થયો હતો. તેમનું બાળપણ એડમંટનમાં વીત્યું અને પછી તે અમેરિકા ગયા જ્યાં હાર્વર્ડ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રનો અભ્યાસ પૂર્ણ કર્યો. ત્યારબાદ તે યુકે ગયા જ્યાં ઓક્સફોર્ડ યુનિવર્સિટીથી માસ્ટર ડિગ્રી અને પછી 1995માં અર્થશાસ્ત્રમાં ડૉક્ટરેટની ડિગ્રી મેળવી. કાર્નીને 2008માં બેન્ક ઓફ કેનેડાના ગવર્નર બનાવાયા હતા.

February 5, 2025
sweden.png
1min289

યુરોપિયન દેશ સ્વિડનના ઓરેબ્રૂ શહેરમાંથી એક ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. અહીં એક સ્કૂલમાં અંધાધૂંધ ગોળીબાર કરાયાની ઘટના સામે આવી છે જેમાં ઓછામાં ઓછા 10 લોકો મૃત્યુ પામી ગયા. આ હુમલામાં પોલીસે કાર્યવાહી કરતાં હુમલાખોરને પણ ઠાર માર્યો હોવાની જાણકારી મળી છે.

પોલીસે કહ્યું કે આ સમગ્ર હુમલામાં એક જ હુમલાખોરની સંડોવણી હતી પણ તેણે આ હુમલો કેમ કર્યો તેની કોઈ ચોક્કસ માહિતી સામે આવી શકી નથી. આ ઘટના સ્વિડનની રાજધાની સ્ટૉકહોમથી લગભગ 200 કિલોમીટર પશ્ચિમે આવેલા ઓરેબ્રૂ શહેરના કેમ્પસ રિસબર્ગસ્કામાં બની હતી. અહીં યુવાઓ ભણવા આવે છે.

કેમ્પસ રિસબર્ગસ્કામાં એવા યુવાઓ ભણવા આવે છે જેનો સમયસર તેમનો અભ્યાસ પૂર્ણ કરી શક્યતા નહોતા. જોકે આ કેમ્પસની નજીકમાં જ એક બાળકોની સ્કૂલ પણ આવેલી છે. સ્વિડનના વડાપ્રધાન ઉલ્ફ ક્રિસ્ટરસને ઘટનાને દેશની સૌથી ભીષણ સામૂહિક ગોળીબારની ઘટના ગણાવી હતી. તેમણે કહ્યું કે આજે અમે નિર્દોષ લોકો વિરુદ્ધ ભયાનક અને જીવલેણ હિંસા જોઇ. આ હુમલાએ આખા દેશને હચમચાવી મૂક્યો છે.

પોલીસ પ્રમુખ રોબર્ટો ઈડ ફોરેસ્ટે જણાવ્યું કે ક્રાઈમ સ્પૉટ પર થયેલા નુકસાનને જોતાં અમે મૃતકોની સાચી સંખ્યા હજુ સુધી જાહેર કરી શક્યા નથી. મૃતકાંક વધી શકે છે કેમ કે અનેક ઈજાગ્રસ્તોની હાલત ગંભીર છે. પોલીસે કહ્યું કે હજુ સુધી આ હુમલા અને આતંકવાદ વચ્ચે કોઈ કનેક્શન સામે આવ્યું નથી પણ અમે એ એંગલની પણ તપાસ કરી રહ્યા છીએ.

January 20, 2025
trumph.jpg
1min440

અમેરિકામાં ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સોમવારે 47મા પ્રમુખ તરીકે શપથ લેવાની તૈયારી કરી રહ્યા છે ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓના વિરોધમાં રાજધાની વોશિંગ્ટનમાં હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. સખી ફોર સાઉથ એશિયન સર્વાઈવર્સ સહિત કેટલીક સંસ્થાઓ પીપલ્સ માર્ચના બેનર હેઠળ એક મંચ પર આવી હતી અને તેમણે ઈમિગ્રેશન સહિતની ટ્રમ્પની નીતિઓ સામે દેખાવો કર્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પે વર્ષ 2017માં પહેલી વખત પ્રમુખપદના શપથ લીધા ત્યારે પણ હજારો લોકો વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. બીજીબાજુ ટ્રમ્પે રવિવારે તેમના સમર્થનમાં યોજાયેલી ‘મેક અમેરિકા ગ્રેટ અગેઈન વિક્ટરી’ રેલીને સંબોધન કર્યું હતું.

રાજધાની વોશિંગ્ટનમાં કેપિટોલ હિલ ખાતે 78 વર્ષના રિપબ્લિકન નેતા ડોનાલ્ડ ટ્રમ્પ સોમવારે પ્રમુખપદના શપથ લઈને 82 વર્ષના જો બાઈડેનના ઉત્તરાધિકારી બનશે. અગાઉ વીમેન્સ માર્ચ તરીકે ઓળખાતી પીપલ્સ માર્ચના બેનર હેઠળ વર્ષ ૨૦૧૭થી પ્રત્યેક વર્ષે દેખાવો યોજવામાં આવે છે. ટ્રમ્પ વિરોધી પોસ્ટર અને બેનરો દર્શાવતા દેખાવકારોએ નવા પ્રમુખ અને દુનિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ ઈલોન મસ્ક સહિત ટ્રમ્પના કેટલાક સમર્થકો વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યો હતો. આ જ ગૂ્રપે રિપબ્લિકન નેતા ડોનાલ્ડ ટ્રમ્પ પહેલી વખત અમેરિકાના પ્રમુખ બન્યા ત્યારે જાન્યુઆરી 2017માં પણ તેમનો વિરોધ કર્યો હતો.
રાજધાની વોશિંગ્ટન ડીસીમાં શનિવારે ત્રણ વિવિધ પાર્કમાં શ્રેણીબદ્ધ દેખાવો શરૂ થયા હતા અને તેઓ લિંકન મેમોરિયલ નજીક એકત્ર થયા હતા. પીપલ્સ માર્ચે જણાવ્યું હતું કે, સામુહિક વિરોધ અમારી કોમ્યુનિટીસની તાકત દર્શાવવાની સૌથી અસરકારક રીત છે. અમે ફાસીવાદ સામે ઝૂક્યા નથી. વોશિંગ્ટન ડીસીમાં આ રેલીઓ અને દેખાવો એવા સમયે થઈ રહ્યા છે જ્યારે યોગાનુયોગ ડોનાલ્ડ ટ્રમ્પ શપથ સમારંભ માટેના વીકએન્ડ કાર્યક્રમોમાં ભાગ લેવા માટે વોશિંગ્ટન ડીસી પહોંચ્યા છે.

ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સામે દેખાવો યોજનારી સંસ્થાઓમાં એબોર્શન એક્શન નાઉ, ટાઈમ ટુ એક્ટ, સિસ્ટર સોંગ, વીમેન્સ માર્ચ, પોપ્યુલર ડેમોક્રસી ઈન એક્શન, હેરિએટ્સ વાઈલ્ડેસ્ટ ડ્રીમ્સ, ધ ફેમિનિસ્ટ ફ્રન્ટ, નાઉ, પ્લાન્ડ પેરેન્ટહૂડ, નેશનલ વીમેન્સ લો સેન્ટર એક્શન ફંડ, સિએરા ક્લબ અને ફ્રન્ટલાઈનનો સમાવેશ થાય છે. આ સંગઠનો દ્વારા વોશિંગ્ટન ડીસી ઉપરાંત ન્યૂયોર્ક, સીએટલ અને શિકાગો જેવા અન્ય શહેરોમાં પણ નાના પાયે વિરોધ પ્રદર્શન અને રેલી યોજવામાં આવ્યા હતા.

દરમિયાન હજારો લોકોના વિરોધ વચ્ચે ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સોમવારે શપથ સમારંભ પહેલાં રવિવારે વોશિંગ્ટન ડીસીમાં કેપિટલ વન અરેના ખાતે ‘મેક અમેરિકા ગ્રેટ અગેઈન વિક્ટરી’ રેલીમાં જોડાયા હતા. આ એ જ જગ્યા છે જ્યાં ટ્રમ્પે ૬ જાન્યુઆરી ૨૦૨૧માં તેમના પરાજયના વિરોધમાં સમર્થકોને કેપિટોલ હિલ કબજે કરવાની હાકલ કરી હતી. આ ઘટના પછી ટ્રમ્પે પહેલી વખત આ સ્થળ પર તેમના સમર્થકોને સંબોધન કર્યું હતું. આ રેલીને ઈલોન મસ્ક અને ચૂંટાયેલા ઉપપ્રમુખ જેડી વાન્સ, અલ્ટિમેટ ફાઈટિંગ ચેમ્પિયનશિપના સીઈઓ ડેના વ્હાઈટ, કન્ઝર્વેટિવ એક્ટિવિસ્ટ ચાર્લી કિર્ક અને કન્ઝર્વેટીવ ટેકેદાર મેગન કેલીએ પણ સંબોધન કર્યું હતું.

દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે પ્રમુખપદે શપથ લીધા પછી કોઈપણ સમય બગાડયા વિના પહેલા જ દિવસે ૧૦૦થી વધુ આદેશો પર હસ્તાક્ષર કરવાની તૈયારી કરી લીધી છે. આ આદેશોમાં મોટાભાગે ટ્રમ્પના ચૂંટણી વચનોને પૂરા કરવાનો આશય છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે, પ્રમુખપદે શપથ લીધા પછી પહેલાં જ દિવસે વિક્રમી સંખ્યામાં આદેશો પર હસ્તાક્ષર કરવાની તેમની યોજના છે.

ટ્રમ્પના સહયોગીઓમાંના એક સ્ટીફન મિલરે જણાવ્યું હતું કે, પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પહેલા દિવસે દક્ષિણની સરહદ સીલ કરવા, ગેરકાયદે વસાહતીઓની સામૂહિક હકાલપટ્ટી, મહિલાઓની રમતોમાં ટ્રાન્સજેન્ડર્સને દૂર કરવા, એનર્જી એક્સ્પ્લોરેશન પરના પ્રતિબંધો દૂર કરવા અને સરકારની કાર્યક્ષમતામાં સુધારા સહિતના આદેશો પર હસ્તાક્ષર કરશે. વધુમાં ડોનાલ્ડ ટ્રમ્પ ચાર વર્ષ પહેલાં ૬ જાન્યુઆરીએ યુએસ કેપિટોલ હિલ પર હુમલામાં કાયદાકીય એજન્સીઓએ ધરપકડ કરેલા ટ્રમ્પના સમર્થકોને માફી આપવાના આદેશો પર પણ હસ્તાક્ષર કરે તેવી શક્યતા છે.

અમેરિકાના ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સોમવારે પ્રમુખપદના શપથ લેશે. આ સમારંભમાં હાજરી આપવા માટે દુનિયાના 100થી વધુ દિગ્ગજોને આમંત્રણ અપાયું છે. આ દિગ્ગજોમાં ભારતના ટોચના ઉદ્યોગપતિ દંપતિ મુકેશ અને નીતા અંબાણીનો પણ સમાવેશ થાય છે. આ શપથ સમારંભ પહેલાં શનિવારે અંગત ડિનરનું આયોજન કરાયું હતું. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને રિલાયન્સ ફાઉન્ડેશનનાં ચેરપર્સન નીતા અંબાણીએ આ કાર્યક્રમમાં પણ હાજરી આપી હતી અને ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી હતી. અંબાણી પરિવાર અને ટ્રમ્પ પરિવાર લાંબા સમયથી એકબીજાની નજીક રહ્યા છે. વર્ષ 2017માં ગ્લોબલ એન્ટરપ્રિન્યોરશિપ સમિટ સમયે ઈવાન્કા ટ્રમ્પ હૈદરાબાદ આવી હતી ત્યારે મુકેશ અંબાણી તે કાર્યક્રમમાં જોડાયા હતા. આ સિવાય ૨૦૨૪માં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પહેલાં જામનગરમાં યોજાયેલા પ્રી-વેડિંગમાં ઈવાન્કા ટ્રમ્પ, પતિ જેરેડ કુશનર અને પુત્રી અરેબેલા સાથે આવી હતી.

January 9, 2025
carlifonia-fire.png
1min298

અમેરિકાના લોસ એન્જેલસમાં ભીષણ આગ ભડકી છે જે હવે શહેરો તરફ આગળ વધી રહી છે. આ ભીષણ આગને લીધે અત્યાર સુધી 2 લોકો મૃત્યુ પામી ગયા છે ત્યારે 70000 થી વધુ લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. આગની લપેટમાં અત્યાર સુધીમાં 1000થી વધુ ઈમારતો આવી ચૂકી છે. લોસ એન્જેલસમાં લાગેલી આ આગની ભયાનક તસવીરો હવે સામે આવવા માંડી છે. તસવીરોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ઈમારતો આખે આખી સળગી ગઈ છે.

દક્ષિણ કેલિફોર્નિયાનાં લૉસ એન્જલસ શહેરની પાસેનાં જંગલમાં ભયંકર આગ ફેલાઈ ગઈ છે. પેસિફિક મહાસાગરનાં તટે રહેલા આ વિસ્તારમાં મહાસાગર પરથી આવતા પવનોએ આગને ચોપાસ અને ઝડપભેર ફેલાવી દીધી હતી. ઇટન-ફાયર કહેવાતી આ આગ લૉસ એન્જલસ નગરની નજીકનાં શહેર અલ્ટાડીના પાસેનાં જંગલમાંથી મંગળવારે શરૂ થઇ હતી. સાંજના આશરે 6:30 કલાકે, અભયારણ્ય પાસેથી આગ શરૂ થઇ હોવાનું અનુમાન છે.

આગ એટલી ઝડપથી ફેલાવા લાગી કે હોસ્ટિલ્સમાં રહેલાઓને પાર્કીંગ વૉર સુધી પહોંચાડવા માટે તેમનાં દર્દીનાં કપડામાં જ પૈડાંવાળા ખાટલા અને વ્હીલ ચેર્સમાં લઇ જવા પડયા હતા અને પાર્કીંગ વોરમાં ઉભેલી એમ્બ્યુલન્સોમાં ચઢાવી ભયાવહ વિસ્તારમાંથી બહાર કાઢવા પડયા હતા.

આ આગને લીધે આકાશ પહેલાં નારંગી રંગનું પછી લાલ અને તે પછી ધૂમાડાને લીધે કાળું દેખાતું હતું તેમ સોશ્યલ મીડીયા પર વીડીયો દર્શાવતા હતા.પેસિફિક તટ વિસ્તાર આનો હાહાકાર મચાવી દીધો હતો અને પૃથ્વી પરનાં સ્વર્ગ સમાન હોલીવૂડના થોડા કીલોમીટર દૂરનો વિસ્તાર ભડકે બળી રહેતાં ત્યાં રહેલા 70000થી વધુ નાગરિકોને મહેનતે બહાર કાઢવામાં આવ્યાં હતાં તે સમયે એક વૃદ્ધે કહ્યું હતું કે મારાં સાંભળવાનાં વર્ષમાં મેં કદી આવી પ્રચંડ આગ જોઈ નથી.
આ જંગલની આગ શમાવવા ઠેર ઠેરથી લાઈબંબાઓ દોડાવવામાં આવ્યા હતા પરંતુ તેમને મોટી મુશ્કેલી તો તે ઉભી થઇ હતી એક જંગલના પ્રમાણમાં સાંકડા માર્ગો ઉપર અનેક લોકો પોતાની મોટરો પડતી મુકી પગપાળા નાસી રહ્યા હતા. તેનું એક કારણ તે પણ હતું કે આગની અસહ્ય ગરમીથી કદાચ મોટરની ટાંકીમાં રહેલું પેટ્રોલ કે ડીઝલ સળગી ઉઠે તો તેવો મોટરમાં ભડથું થઇ જાય. આડેધડ પડેલી આ મોટરો પેલા લાઈબંબાઓનો માર્ગ અવરોધાતી હતી. તેથી ક્રેનો બોલાવી તે મોટરો દૂર કરવી પડી હતી. તેમાંસમયનો ઘણો દુર્વ્યય થયો હતો. દરમિયાન આગ ભભૂકતી ગઈ.

હેલિકોપ્ટર્સથી પાણીનો છંટકાવ કરવાનું પણ મુશ્કેલ બન્યું હતું કારણ કે આગની જ્વાળાઓની ગરમીથી હેલિકોપ્ટર્સમાં રહેલી ટાંકીનું વિશિષ્ટ પેટ્રોલ પણ સળગી ઉઠવાની ભીતિ હતી. છેવટે વિમાન દ્વારા પાણીનો છંટકાવ શરૂ કર્યો પરંતુ તે બહુ કામયાબ નીવડયો નહીં. નામ માત્રની આગ શમાવી શકાઈ.

આ સમયે કેલિફોર્નિયાના ગવર્નર ગેવીન ન્યૂસમ દક્ષિણ કેલિફોર્નિયામાં હતા. તેઓ તુરત જ તે ઘટના સ્થળ તરફ પહોંચી ગયા હતા અને પરિસ્થિતિનો ક્યાસ મેળવી રહ્યા હતા. તેમાં X પ્લેટફોર્મ પરના વીડિયોએ દર્શાવ્યું હતું. ચારે તરફ માત્ર ધૂમાડો જ દેખાતા હતા. ઇમર્જન્સી સાયરનો વાગી રહી હતી. તેમાં પણ આ વર્ષે કેલિફોર્નિયામાં વિશેષત: દ.કેલિફોર્નિયામાં વરસાદ ઘણો ઓછો થયો હોવાથી ભૂમિ પણ સુકી ભઠ્ઠ બની રહી છે. લોસ એન્જલસના ફાયર ડીપાર્ટમેન્ટના વડા ક્રીસ્ટીન ક્રાઉલીએ 110 ફાયર એન્જિન્સ કામે લગાડયાં છે. છતાં આશરે 645 ચો.કીમી.માં વ્યાપેલી આગ કાબુમાં કેમ લેવી તે પ્રશ્ન છે. સમગ્ર અભયારણ્ય તો ખતમ થઇ ગયું છે.

January 3, 2025
china-virus.png
1min338

કોવિડ-19ની યાદો એટલી ભયાનક છે કે જે કદાચ લોકોના મગજમાંથી વર્ષો સુધી નહીં ભૂલાવાની. જોકે એ વચ્ચે કોરોના કાળના 5 વર્ષ બાદ ફરી એકવાર ચીનથી એક ડરામણાં અહેવાલ સામે આવ્યા છે. ચીનમાં ફરી એકવાર કોરોના જેવો જ ઘાતક વાયરસ તબાહી મચાવી રહ્યો હોવાના દાવા થઇ રહ્યા છે.

માહિતી અનુસાર આ વાયરસ કોરોના જેવો જ ઘાતક છે અને તેના લક્ષણ પણ કોરોના જેવા જ છે. આ નવા વાયરસનું નામ હ્યુમન મેટાન્યૂમોવાયરસ (HMPV) છે જે એક RNA વાયરસ છે. જે પણ વ્યક્તિ આ વાયરસથી ચેપગ્રસ્ત થાય છે તેનામાં કોરોના જેવા જ લક્ષણ દેખાય છે. આ વાયસરની લપેટમાં સૌથી વધુ બાળકો જ આવી રહ્યા છે. એમાંય 2 વર્ષની નાની વયના બાળકો સૌથી વધુ પીડિત બની રહ્યા છે.

ચીનના રોગ નિયંત્રણ તથા રોકથામ કેન્દ્ર (CDC) ના અહેવાલ અનુસાર તેના લક્ષણોમાં ખાંસી, તાવ, નાક બંધ થવી અને ગળામાં ખરાશ વગેરે થાય છે. HMPV ઉપરાંત ઈન્ફ્યૂએન્ઝા એ, માઈક્રોપ્લાઝમા, ન્યૂમોનિયા અને કોરોનાના કેસ પણ સામે આવી રહ્યા છે. જેમાં દર્દીઓની સંખ્યા સતત વધતી જઇ રહી છે.

સોશિયલ મીડિયા પર કરાયેલી એક પોસ્ટમાં દર્દીઓની તસવીરો જાહેર કરવામાં આવી છે જેમાં બતાવાયું છે કે ચીને વાયરસ ફેલાયા બાદ અનેક જગ્યાએ ઈમરજન્સી જાહેર કરી દીધી છે. આ દાવા અનુસાર હોસ્પિટલ અને સ્મશાન ઘાટ પર ફરી ભીડ જોવા મળી રહી છે. જોકે ચીન તરફથી હાલ એવી કોઈ માહિતીની પુષ્ટી કરવામાં આવી નથી. અનેક મીડિયાના અહેવાલોમાં સીડીસીએ પહેલાથી અસ્થમા અને ક્રોનિક ઓબ્સટ્રક્ટિવ પલ્મોનરી જેવા રોગો સામે ઝઝૂમતા દર્દીઓમાં સંક્રમણનો ખતરો વધવાની આશંકા વ્યક્ત કરી છે.

December 29, 2024
south-korea.jpg
1min458

દક્ષિણ કોરિયામાં એક દુઃખદ અકસ્માત સર્જાયો છે. રવિવારે એરપોર્ટ પર એરક્રાફ્ટનું લેન્ડિંગ ગિયર ખરાબ થઈ ગયું હતું. જેના કારણે વિમાન રનવે પરથી સરકીને વાડ સાથે અથડાયું હતું. આ પછી પ્લેનમાં આગ લાગી હતી. આ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને હવે 179 પર પહોંચી ગયો હોવાની આશંકા છે. અમુક અહેવાલોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે વિમાનમાં હાજર 179 લોકો મૃત્યુ પામી ગયા છે જ્યારે માત્ર 2ને જ બચાવી શકાયા છે.

સ્થાનિક ન્યૂઝ એજન્સીના અહેવાલ અનુસાર આ વિમાન દુર્ઘટના બાદ લાગેલી આગમાં 179 લોકોના મોત થયાનો દાવો કરવામાં આવ્યો છે. આગના સમાચાર મળતા જ એરપોર્ટ પર તૈનાત ફાયર બ્રિગેડની ટીમ એક્શનમાં આવી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. તમને જણાવી દઈએ કે આ પ્લેનમાં લગભગ 181 લોકો સવાર હતા. જેમાંથી 2ને બચાવી શકાયાની માહિતી મળી રહી છે. હજુ બચાવકામગીરી ચાલી રહી છે. વર્ષના અંતે આ સૌથી મોટી કરુણાંતિકા માનવામાં આવી રહી છે.

કેવી રીતે સર્જાઈ દુર્ઘટના?

સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા વીડિયો અને માહિતી અનુસાર દક્ષિણ કોરિયામાં વિમાન દુર્ઘટના હવામાં વિમાન સાથે પક્ષીના અથડાવાને કારણે સર્જાઈ હોવાનું પણ મનાય છે. આ દુર્ઘટનામાં 179 લોકો જીવ ગુમાવી ચૂક્યાની માહિતી સામે આવી રહી છે. પહેલા મૃત્યુઆંક 28 જાહેર કરવામાં આવ્યો હતો. જે વધીને 85 પર પહોંચ્યો હતો. જોકે વિમાનમાં કુલ 175 મુસાફર અને 6 ક્રૂ મેમ્બર્સ સહિત 181 લોકો મુસાફરી કરી રહ્યા હતા. જેજુ એરનું આ વિમાન થાઈલેન્ડથી ઉડ્યું હતું. તે દક્ષિણ કોરિયાના મુઆન ઈન્ટરનેશન એરપોર્ટ પર લેન્ડ કરવા જતાં જ આગની લપેટમાં આવી ગયું હતું અને રનવેથી લપસી થતાં દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું હતું.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સાઉથ કોરિયાના મુઆન એરપોર્ટ પર રવિવારે એક વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. આ ઘટના મુજબ જેજુ એરના વિમાનમાં આગ લાગી. આ ફ્લાઈટ થાઈલેન્ડથી પરત ફરી રહી હતી. સ્થાનિક મીડિયા દ્વારા શેર કરવામાં આવેલી તસવીરોમાં પ્લેન સળગતું જોઈ શકાય છે. મૃત્યુઆંક વધવાની શક્યતા છે. અકસ્માતના કારણની તપાસ ચાલુ છે.

December 27, 2024
azarbaijan-air.png
1min482

એક તરફ એવી પણ શંકાઓ તે દુર્ઘટનાગ્રસ્ત અઝરબૈજાન એરલાઇન્સનું પ્લેન એમ્બ્રિટ-190, અઝરબૈજાનમાં તુટી પડયું તે અંગે એવી પણ થીયરી ચાલે છે કે કોઈ મોટુ પક્ષી તે વિમાન સાથે અથડાતાં એ દુર્ઘટના બની હશે. સાથે બીજી થીયરી જોર પકડતી રહી છે કે, રશિયાની સ્વયમ-સંચાલિત એર-ડીફેન્સ સિસ્ટીમે તે વિમાન યુક્રેનનું ડ્રોન માની તોડી પાડયું હશે.

આ થિયરી અત્યારે સોશ્યલ મિડીયા ઉપર ચાલી રહી છે. તે દુર્ઘટના વિમાનમાં 67 પ્રવાસીઓ અને બે પાયલોટ તથા ત્રણ અન્ય ક્રૂ મેમ્બર્સ સાથેનું તે વિમાન અઝરબૈજાનથી ચેચાન્યાના ગ્રોઝની જઈ રહ્યું હતું. તે કઝાખસ્તાનનાં આકતુ નજીક તૂટી પડયું. આકતુ વિમાનગૃહ ઉપર ઇમરજન્સી-લેન્ડિંગ કરવા તે વિમાને પરવાનગી માગી હતી. ત્યાં ઉતરતાં તે તૂટી પડયું.
આ ઘટના અંગે જે વિડીયો પ્રસિદ્ધ થયા છે તેમાં વિમાનમાં ગોળીથી પડેલા છિદ્રો દેખાય છે. તેથી નેટિઝન્સ માને છે કે તે વિમાનને રશિયાની સ્વચાલિત એર-ડીફેન્સ સિસ્ટીમે યુક્રેનનું ડ્રોન માની ગોળીબાર કરતાં વિમાન તૂટી પડયું હશે. તે ગોળીઓના છિદ્રો તો વિમાનની બેઠકોમાં પણ જોવા મળ્યા છે.

પહેલા તેમ મનાતું હતું કે, કોઈ મોટુ પક્ષી કે પક્ષીઓનું જુથ તે વિમાન સાથે અથડાતા તે વિમાન તૂટી પડયું હશે. પરંતુ પછીથી જાણવા મળ્યું છે કે ઓકિસજન ટેન્કમાં ધડાકો થતાં તે વિમાન તૂટી પડયું હશે. આ ઓકિસજન ટેન્કની સપ્લાઈ પાઈપ કોકપીટમાં પણ પહોંચે છે. આ ધડાકાથી વિમાન ટુકડે ટુકડા થઈ ગયું હશે, તેમ પણ અનુમાન કરાય છે.

December 12, 2024
thailand-flag-1280x829.jpg
1min459
Thailand country profile -

નવી દિલ્હીમાં રોયલ થાઈ એમ્બેસીએ 11/12/24, બુધવારે જાહેરાત કરી છે કે ભારતના વિઝીટર્સ માટે થાઈલેન્ડના ઈ-વિઝા ભારતમાં 1 જાન્યુઆરી, 2025થી ઉપલબ્ધ કરાવવા આવશે. થાઇલેન્ડ દૂતાવાસે એ બાબતે પણ માર્ગદર્શિત કર્યા કે ભારતીય પાસપોર્ટ ધારકો ઈ-વિઝા લઈને થાઈલેન્ડમાં 60 દિવસ સુધી રોકાણ કરી શકશે.

થાઇ એમ્બેસીના જણાવ્યા મુજબ, બિન-થાઈ નાગરિકોએ તમામ પ્રકારના વિઝા માટે https://www.thaievisa.go.th વેબસાઇટ પર અરજી કરવાની રહેશે. અરજદાર પોતે અથવા અન્ય પ્રતિનિધિઓ દ્વારા અરજી કરી શકે છે. જો કે એક વાતનું ધ્યાન રાખવું કે જો કોઈ પ્રતિનિધિ દ્વારા સબમિટ કરવામાં આવેલી અરજી અધૂરી હશે તો તેના માટે એમ્બેસી અને કોન્સ્યુલેટ જનરલ જવાબદાર રહેશે નહીં. અરજી કઈ રીતે કરવી તેની પ્રક્રિયા ઉપરની વેબસાઇટ પર જોઈ શકાય છે.

એમ્બેસીની નવી માર્ગદર્શિકામાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ઑફલાઇન પેમેન્ટ વિકલ્પ દ્વારા અરજી કરનારાઓએ વિઝા ફી ચૂકવવી પડશે. આ માટે સંબંધિત એમ્બેસી અને કોન્સ્યુલેટ જનરલના ઓફલાઈન પેમેન્ટ ઓપ્શન પર વિગતો આપવાની રહેશે. જો કે એ બાબત સ્પષ્ટ છે કે વિઝા ફી કોઈપણ સંજોગોમાં પરત કરવામાં આવશે નહીં. વિઝા પ્રક્રિયામાં ફી મળ્યાની તારીખથી લગભગ 14 કાર્યકારી દિવસો લાગી શકે છે.

થાઈલેન્ડ ભારતીય પ્રવાસીઓ માટે ખૂબ આકર્ષણનું કેન્દ્ર છે. બેંગકોક, પટાયા, ફૂકેટ, ચિયાંગ માઈ અને કોહ સમુઈ સહિતના સ્થળોએ ભારતીય પ્રવાસીઓનો ઘસારો જોવા મળે છે. વર્ષ 2019માં 20 લાખથી વધુ ભારતીય પ્રવાસીઓએ થાઈલેન્ડની મુલાકાત લીધી હતી. માત્ર કોવિડ-19ના ગાળામાં જ પ્રવાસીઓનો ધસારો ઘટ્યો હતો. પરંતુ ત્યારબાદ ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં ઝડપથી વધારો થયો. જો કે તેનો સીધો ફાયદો થાઈલેન્ડને થાય છે.

November 20, 2024
putin-1280x720.jpg
1min312

  • યુક્રેન યુદ્ધના 1000 દિવસ : પુતિને ન્યુક્લિયર એટેકના નિયમો બદલ્યા
  • અમેરિકાની મંજૂરીના બીજા જ દિવસે યુક્રેને રશિયાના બ્રીન્ક્સમાં યુએસ બનાવટના છ એટીએસીએમએસ મિસાઈલ છોડયા
  • યુક્રેનના રહેણાંક વિસ્તારો પર સળંગ ત્રીજા દિવસે રશિયાનો વિનાશક હુમલો : 12નાં મોત, 84 ઘાયલ
    અમેરિકાએ યુક્રેનને યુએસ બનાવટના લાંબી રેન્જના મિસાઈલનો ઉપયોગ રશિયા સામે કરવાની મંજૂરી આપ્યાના દિવસોમાં જ યુક્રેને અમેરિકાના છ એટીએસીએમએસ મિસાઈલ રશિયાના બ્રીન્સ્ક પ્રાંત પર છોડયા હતા. બીજીબાજુ અમેરિકાની બદલાયેલી નીતિના જવાબમાં યુક્રેન સાથે યુદ્ધના ૧૦૦૦ દિવસ થવાની તૈયારી છે ત્યારે રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિને પણ તેમની પરમાણુ નીતિમાં ફેરફાર કરતા વિશ્વ પર ત્રીજા વિશ્વયુદ્ધનું જોખમ તોળાઈ રહ્યું છે. નવી નીતિ હેઠળ રશિયા પરમાણુ શસ્ત્રોથી સજ્જ દેશની ભાગીદારી સાથે ન્યુક્લિયર શસ્ત્રોના હોય તેવા દેશના હુમલાને મોસ્કો પર સંયુક્ત આક્રમણ ગણાશે અને સૈન્ય પરમાણુ હુમલો કરી શકશે.

અમેરિકાના વિદાય લઈ રહેલા પ્રમુખ જો બાઈડેને યુક્રેનને યુએસ બનાવટના લાંબી રેન્જના મિસાઈલોથી રશિયામાં અંદર સુધી હુમલા કરવાની મંજૂરી આપીને ગંભીર ભૂલ કરી છે. અમેરિકાની મંજૂરી મળ્યા પછી યુક્રેને મંગળવારે સવારે રશિયાના બ્રીન્ક્સ પ્રાંત પર અમેરિકન બનાવટના છ આર્મી ટેક્ટિકલ મિસાઈલ સિસ્ટમ (એટીએસીએમએસ) મિસાઈલ છોડયા હતા, જેમાંથી પાંચ અમે તોડી પાડયા હતા અને એક મિસાઈલને નુકસાન પહોંચાડયું હતું. આ મિસાઈલ યુક્રેનની સરહદથી ૭૫ માઈલ દૂર કારાચેવ વિસ્તારમાં રશિયન મિલિટ્રી ફેસિલિટીમાં પડયું હતું. જોકે, યુક્રેનના આ હુમલાથી અમને કોઈ મોટું નુકસાન થયું નથી તેમ રશિયાના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો હતો.

જોકે, રશિયા પર એટીએસીએમએસ મિસાઈલનો હુમલો કર્યાની બાબતને યુક્રેને હજુ સુધી સત્તાવાર રીતે પુષ્ટી આપી નથી. પરંતુ યુક્રેન પર રશિયાના હુમલાને મંગળવારે ૧,૦૦૦ દિવસ પુરા થયા છે ત્યારે અમેરિકાની મંજૂરી અને યુક્રેનના આ હુમલાથી સ્થિતિ વધુ વણસી હોવાનો નિષ્ણાતો દાવો કરી રહ્યા છે.

યુક્રેનને લાંબા અંતરની મિસાઈલોથી રશિયા પર હુમલો કરવાની અમેરિકાએ મંજૂરી આપી હોવાની ઘટનાને રશિયાએ મોસ્કો સાથે અમેરિકાનું સીધું યુદ્ધ ગણાવ્યું હતું. વધુમાં અમેરિકાની મંજૂરીના બીજા જ દિવસે રશિયાએ તેની પરમાણુ હુમલાની નીતિમાં ફેરફાર કર્યો હતો. આ અંગેના દસ્તાવેજો પર હસ્તાક્ષર કરતાં રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિને કહ્યું કે, કોઈ દેશ જેની પાસે પરમાણુ હથિયારો ના હોય તે પરમાણુ હથિયારોથી સજ્જ દેશની મદદથી રશિયા પર હુમલો કરશે તો તેને રશિયા વિરુદ્ધ યુદ્ધનું સંયુક્ત એલાન સમજવામાં આવશે. રશિયા વિરુદ્ધ બેલિસ્ટિક મિસાઈલનો ઉપયોગ કરાશે તો જવાબમાં પરમાણુ હુમલો કરવામાં આવી શકે છે.

રશિયન પ્રમુખ પુતિને મંગળવારે પશ્ચિમી દેશો અને યુક્રેનને સ્પષ્ટ સંદેશો આપતા નવા ડોક્ટ્રિન પર હસ્તાક્ષર કર્યા હતા, જેમાં રશિયન કેવા સંજોગોમાં પરમાણુ હુમલો કરી શકશે તેનો દાયરો વધારવામાં આવ્યો હતો. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસકોવે યુક્રેન અને પશ્ચિમી દેશોને સ્પષ્ટ સંદેશો આપતા કહ્યું કે, અમારા સિદ્ધાંતોને વર્તમાન સ્થિતિને અનુરૂપ લાવવા જરૂરી હતા. જોકે, તેમણે એમ પણ કહ્યું કે, રશિયા પરમાણુ હુમલો ત્યારે જ કરશે જ્યારે તે તેના માટે મજબૂર હોવાનું અનુભવશે.

અગાઉ રશિયાની નીતિ તેના પર પરમાણુ હુમલો થાય તો જ પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવાની હતી, પરંતુ હવે બેલેસ્ટિક મિસાઈલથી હુમલો થાય તો પણ સૈન્યને પરમાણુ હુમલાની મંજૂરી અપાઈ છે. દરમિયાન રશિયાએ યુક્રેન પર હુમલા વધારી દીધા છે. રશિયાએ સતત ત્રીજા દિવસે યુક્રેનના રહેણાંક વિસ્તારો પર મિસાઈલ અને ડ્રોન હુમલો કર્યો હતો. યુક્રેનના લુખીવ શહેરમાં એક શૈક્ષણિક ઈમારતને મંગળવારે રશિયાએ નિશાન બનાવતાં ૧૨ નાગરિકોનાં મોત નીપજ્યાં હતા અને અન્ય ૮૪ ઘાયલ થયા હતા.

દરમિયાન રશિયા અને યુક્રેન યુદ્ધને ૨૪ નવેમ્બરે ૧,૦૦૦ દિવસ પૂરા થશે ત્યારે આ યુદ્ધમાં અત્યાર સુધીમાં બંને દેશના કુલ ૧૦ લાખ સૈનિકોનાં મોત નીપજ્યાં છે અથવા ગંભીર રીતે ઘાયલ થયા છે તેમ સૂત્રોનું કહેવું છે. ફેબુ્રઆરી ૨૦૨૨માં શરૂ થયેલા યુદ્ધને ૨૪ નવેમ્બરે ૧,૦૦૦ દિવસ થશે.