અરુણાચલ પ્રદેશને ભારતનો ભાગ દર્શાવતા અને તાઈવાનને સ્વતંત્ર દેશ દર્શાવતા 30000 વિશ્ર્વના નકશાનો ચીની કસ્ટમ વિભાગે નાશ કર્યો છે.
ચીનના શાનડોંગ ક્ષેત્રના કિવંગડો શહેરમાં કસ્ટમ અધિકારીઓ નકશા તૈયાર કરતી કંપની પર ત્રાટક્યા હતા. અંગ્રેજીમાં તૈયાર કરાયેલા આશરે 30000 નકશા ભરેલા 800 બોક્સનો અધિકારીઓએ નાશ કર્યો હતો. ચીન સત્તા વિભાગે ચીનના સાર્વભૌમત્વ અને અખંડિતતાની સલામતીને પડકારરૂપ નકશાનો નાશ કરાયો હોવાનું જણાવ્યું હતું.
ચીન ભારતના અરુણાચલ પ્રદેશ પર હકનો દાવો કરતું આવ્યું છે. ચીનના નકશામાં અરુણાચલ પ્રદેશને સાઉથ તિબેટ ઓટોનોમસ રિજિયન (ટીએઆર)નો ભાગ બતાવવામાં આવ્યો છે.
તાઇવાન પણ ચીનનો જ ભાગ હોવાનો દાવો ચીન દ્વારા થઈ રહ્યો છે.
28908 નકશા ભરેલા 803 બોક્સનો નાશ કરવામાં આવ્યો હોવાના સમાચારને ચીનના નેચરલ રિસોર્સિઝ મિનિસ્ટ્રીએ સમર્થન આપ્યું હતું.
વિભાગે પત્રકાર પરિષદમાં જાહેરાત કરી હતી.
પૂર્વ ચીનના અન્હુઈ વિસ્તાર સ્થિત કંપનીએ અન્ય વિદેશી દેશમાં મોકલવા નકશા તૈયાર કર્યા હોવાનું બહાર આવ્યું છે.
સંલગ્ન વિભાગે ચીનના બજારમાં વેચાતા 10,000 વિશ્ર્વના નકશાનો નાશ કર્યો હતો જેમાં સાઉથ તિબેટ, તાઈવાન તથા અરુણાચલ પ્રદેશને ચીનના ભાગ તરીકે દર્શાવવામાં ન આવ્યા હોય. નેશનલ રિસોર્સ મંત્રાલયના જિયોગ્રાફિકલ ઇન્ફોર્મેશન સેન્ટરના અધિકારી મા વેઈએ જણાવ્યું હતું કે નકશો દેશની અખંડતા દર્શાવે છે. સાર્વભૌમત્વ દર્શાવે છે. તેથી જે નકશામાં દેશની અખંડતા અને સાર્વભૌમત્વ ખંડિત થતા હોય તેનો નાશ કરવો દેશની સલામતી માટે જરૂરી હોય છે. તેમણે ચીનના પગલાંને યોગ્ય ઠેરવ્યું હતું.
ચીન વિદેશ મંત્રાલયના આંતરરરાષ્ટ્રીય કાયદા વિભાગના લૂઈ વેંગજોંગે પણ ચીનના પગલાંને યોગ્ય ઠેરવતા ઉમેર્યું હતું કે આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર પણ સાઉથ તિબેટ ચીનની ટેરિટરીનો ભાગ છે.
ભારતીય નેતાની અરુણાચલ પ્રદેશની મુલાકાતનો પણ ચીને વિરોધ વ્યક્ત કર્યો હતો. એપ્રિલ 2017માં પણ દલાઈલામાની અરુણાચલ પ્રદેશની મુલાકાતનો ચીને વિરોધ દર્શાવ્યો હતો.
અરુણાચલ પ્રદેશના 6 પ્રદેશના નામ આપી તેના વિશે વિવિધ દલીલો
દ્વારા તે ઐતિહાસિક અને સાંસ્કૃતિક રીતે ચીનનો ભાગ હોવાનો દાવો કર્યો હતો. અરુણાચલ પ્રદેશ સાંસ્કૃતિક રીતે અને ઐતિહાસિક રીતે ચીનની સંસ્કૃતિ દર્શાવતો હોવાનું ચીને જણાવ્યું હતું.
ફેબ્રુઆરીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અરુણાચલની મુલાકાત અંગે પણ ચીને વાંધો વ્યક્ત કર્યો હતો. ચીન દ્વારા તાજેતરમાં તાઇવાનને ચીનના ભાગ તરીકે મંજૂરી આપવા આંતરરાષ્ટ્રીય એરલાઇન તથા ઇન્ટરનેશનલ ફર્મ પર દબાણ કર્યું છે.




































