CIA ALERT

ઇન્ટરનેશનલ Archives - Page 3 of 52 - CIA Live

February 28, 2026
image-34.png
1min93

Dubai Suspends All Flight: મિડલ ઈસ્ટમાં યુદ્ધનો માહોલ છે. ઇઝરાયલે ઈરાન વિરૂદ્ધ ઓપરેશન રોઅરિંગ લાયન શરૂ કર્યું અને અમેરિકા સાથે મળીને હુમલા કરી રહ્યું છે. ત્યારે ઈરાન પણ જવાબી હુમલા કરી રહ્યું છે. ઈરાને સાઉદી અરેબિયા, UAE, કતાર, જોર્ડન, બહેરીન સહિતના દેશોમાં આવેલા US મિલિટરી બેઝને નિશાન બનાવ્યા છે. આ બધા વચ્ચે અનેક દેશોએ પોતાના એરસ્પેસ બંધ કરી દીધા છે અને ફ્લાઈટ્સ રદ કરી છે. મળતી માહિતી અનુસાર, ઈરાન-ઈઝરાયેલ તણાવની વચ્ચે દુબઈ ઍરપોર્ટ પર તમામ ફ્લાઈટની અવર-જવર બંધ કરાઈ છે. મધ્ય-પૂર્વના ઘણાં દેશોમાં વિમાનસેવા પ્રભાવિત, મુસાફરોને સ્ટેટસ ચૅક કરીને ટ્રાવેલ કરવા સૂચના અપાઈ છે.

દુબઈ મીડિયા ઓફિસ દ્વારા પોસ્ટ કરાયેલા એક નિવેદનમાં જણાવાયું છે કે, દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ (DXB) અને દુબઈ વર્લ્ડ સેન્ટ્રલ, અલ મક્તૂમ ઈન્ટરનેશનલ એરપોર્ટ (DWC) પરની તમામ ફ્લાઈટની અવર જવર આગામી સૂચના સુધી સ્થગિત કરવામાં આવી છે.

દુબઈ એરપોર્ટ્સે તેની સલાહકારમાં આગમન અને પ્રસ્થાન બંને સ્થગિત કરવાની પુષ્ટિ કરી છે. મુસાફરોને હાલમાં એરપોર્ટ પર મુસાફરી ન કરવાની અને તેમની ફ્લાઈટ્સ સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે સીધા જ તેમની સંબંધિત એરલાઈન્સનો સંપર્ક કરવાની સલાહ આપવામાં આવી છે.

નિવેદનમાં ઉમેર્યું હતું કે, ‘અમે અમારા મહેમાનોના સહકારની પ્રશંસા કરીએ છીએ. અમે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા હોવાથી વધુ અપડેટ્સ પ્રદાન કરવામાં આવશે.’

February 28, 2026
image-31.png
1min85

બોલિવિયામાં વાયુસેનાનું એક હર્ક્યુલસ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતા મોટી જાનહાનિના સમાચાર સામે આવ્યા છે. આ ભયાનક અકસ્માતમાં અત્યાર સુધીમાં 15 લોકોના મોત થયા છે અને 30 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે.

શુક્રવારે સાંજે અંદાજે 6 વાગ્યાની આસપાસ (સ્થાનિક સમય મુજબ), બોલિવિયાની રાજધાની લા પાઝ પાસે આવેલા એલ અલ્ટો શહેરમાં વાયુસેનાનું હર્ક્યુલસ C-130 વિમાન દુર્ઘટનાનો શિકાર બન્યું હતું. અહેવાલો મુજબ, ખરાબ હવામાનને કારણે ટેક-ઓફ અથવા લેન્ડિંગ દરમિયાન વિમાન રનવે પરથી લપસી ગયું હતું અને એરપોર્ટની બાઉન્ડ્રી તોડીને સીધું જાહેર રોડ પર આવી પડ્યું હતું. રસ્તા પર ઉભેલા અનેક વાહનો સાથે વિમાન ટકરાતા ભારે નુકસાન થયું હતું.

આ અકસ્માતની સૌથી ચોંકાવનારી વિગત એ છે કે, આ વિમાન દેશના અન્ય ભાગોમાં નવી ચલણી નોટો (બેંક નોટ્સ) લઈ જઈ રહ્યું હતું. અકસ્માત બાદ વિમાનમાંથી આ નોટો રસ્તા પર ચારેબાજુ વિખરાઈ ગઈ હતી, જેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

દુર્ઘટનામાં 30 લોકો ઘાયલ થયા છે, જેમાંથી કેટલાકની હાલત અત્યંત ગંભીર હોવાનું જણાવાયું છે. સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે એલ અલ્ટો એરપોર્ટને કામચલાઉ ધોરણે બંધ કરી દેવામાં આવ્યું છે. જોકે, વિમાનમાં કુલ કેટલા લોકો સવાર હતા તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી.

February 23, 2026
image-24.png
1min165

મેક્સિકોમાં ડ્રગ કાર્ટેલ અને સેના વચ્ચે ચાલી રહેલી જંગને પગલે સ્થિતિ અત્યંત તણાવપૂર્ણ બની છે. આ હિંસક વાતાવરણને જોતા મેક્સિકો સિટી સ્થિત ભારતીય દૂતાવાસે ત્યાં વસતા ભારતીય નાગરિકો માટે સુરક્ષા એડવાઈઝરી જાહેર કરી છે. 22 ફેબ્રુઆરી, 2026ના રોજ જાહેર કરાયેલા આ નિવેદનમાં તમામ ભારતીયોને સતર્ક રહેવા, ભીડભાડ વાળા વિસ્તારોથી દૂર રહેવા અને સુરક્ષિત સ્થળોએ આશરો લેવાની કડક સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને જાલિસ્કો, તમાઉલિપાસ, મિચોઆકાન અને ગુએરેરો જેવા રાજ્યોમાં ગુનાહિત પ્રવૃત્તિઓ અને રસ્તા જામની ઘટનાઓ વધી રહી હોવાથી, ત્યાં રહેતા ભારતીયોને આગામી સૂચના સુધી ઘરની બહાર ન નીકળવા જણાવાયું છે.

ભારતીય દૂતાવાસે નાગરિકોને સ્થાનિક વહીવટીતંત્રના સંપર્કમાં રહેવા અને મીડિયા દ્વારા અપડેટ મેળવતા રહેવા અપીલ કરી છે. કોઈપણ કટોકટીના સમયે સ્થાનિક હેલ્પલાઈન નંબર 911 અથવા ભારતીય દૂતાવાસના ખાસ નંબર +52 55 4847 7539 પર સંપર્ક કરવા જણાવાયું છે. આ ઉપરાંત, પ્રવાસીઓને પોતાની સુરક્ષા અંગેની જાણકારી પરિવાર અને મિત્રોને સોશિયલ મીડિયા કે ફોન દ્વારા સતત આપતા રહેવા સૂચન કરવામાં આવ્યું છે. મેક્સિકોમાં હાલ જે રીતે સુરક્ષા અભિયાનો ચાલી રહ્યા છે, તેને જોતા બિનજરૂરી અવરજવર ટાળવી હિતાવહ છે.

આ હિંસા પાછળનું મુખ્ય કારણ કુખ્યાત ડ્રગ માફિયા અને ‘જાલિસ્કો ન્યૂ જનરેશન કાર્ટેલ'(CJNG)નો પ્રમુખ નેમેસિયો રૂબેન ઓસેગેરા સર્વાંતેસ ઉર્ફે ‘એલ મેન્ચો’નું મોત હોવાનું મનાય છે. સેના સાથેની એક ભીષણ અથડામણમાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો અને મેક્સિકો સિટી લઈ જતી વખતે રસ્તામાં જ તેનું મોત નીપજ્યું હતું. એલ મેન્ચોનું નેટવર્ક એટલું શક્તિશાળી હતું કે અમેરિકાના તમામ 50 રાજ્યો સુધી તેના ડ્રગ્સના કાળા કારોબારના છેડા અડેલા હતા. તેના ગંભીર પડઘા હાલ મેક્સિકોમાં જોવા મળી રહ્યા છે, જેના કારણે ભારત સરકારે પોતાના નાગરિકોની સુરક્ષાને સર્વોચ્ચ અગ્રતા આપી છે.

February 13, 2026
image-19.png
1min115

ભારતના પડોશી દેશ બાંગ્લાદેશમાં લાંબા સમય બાદ યોજાયેલી 13મી સંસદીય ચૂંટણીમાં મોટું પરિવર્તન આવ્યું છે. શેખ હસીનાના શાસનકાળના અંત પછી યોજાયેલી આ પ્રથમ ચૂંટણીમાં જનતાએ પરિવર્તનની તરફેણમાં મતદાન કર્યું છે. બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીની આ ઐતિહાસિક જીત બાદ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં પણ નવી શરૂઆત થવાની આશા સેવાઈ રહી છે. ભારત સરકારે આ જીતને આવકારીને બાંગ્લાદેશી જનતાના જનાદેશનું સન્માન કર્યું છે.

બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) ની પ્રચંડ જીત બદલ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ (X) પર તારિક રહેમાનને અભિનંદન પાઠવ્યા છે. પીએમ મોદીએ લખ્યું કે, “સંસદીય ચૂંટણીમાં BNP ને નિર્ણાયક વિજય અપાવવા બદલ હું તારિક રહેમાનને હાર્દિક અભિનંદન આપું છું. આ જીત તમારા નેતૃત્વમાં બાંગ્લાદેશી લોકોના અતૂટ વિશ્વાસને દર્શાવે છે.” ભારતે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે તે એક લોકશાહી અને સર્વસમાવેશક બાંગ્લાદેશના સમર્થનમાં હંમેશા ઊભું રહેશે.

ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશની રાજનીતિમાં આ ચૂંટણી એક મોટો ‘ટર્નિંગ પોઈન્ટ’ સાબિત થઈ છે. તારિક રહેમાનની પાર્ટી BNP લગભગ 17 વર્ષ બાદ ફરી સત્તામાં પરત ફરી રહી છે. ગુરુવારે યોજાયેલા મતદાન બાદ જાહેર થયેલા પરિણામો મુજબ, 300 સભ્યોવાળી ‘જાતીય સંસદ’માં BNP ગઠબંધને 209 બેઠકો જીતીને બે-તૃતિયાંશ બહુમતી હાંસલ કરી લીધી છે. દક્ષિણ એશિયાની ભૂ-રાજનીતિ (Geopolitics) માટે આ પરિવર્તન અત્યંત મહત્વનું માનવામાં આવે છે.

ભવ્ય વિજય મેળવ્યા હોવા છતાં, BNP એ પરિપક્વતા બતાવીને પોતાના સમર્થકોને વિજય ઉત્સવ ન મનાવવા વિનંતી કરી છે. પાર્ટીએ એક નિવેદન જારી કરીને કાર્યકરોને અપીલ કરી છે કે તેઓ વિજય સરઘસ કાઢવાને બદલે શુક્રવારની નમાઝ અદા કરે અને પૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાની તબિયત તેમજ દેશની શાંતિ માટે દુઆ કરે. આ નિર્ણયથી સંગઠન દેશમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે કટિબદ્ધ હોવાનો સંદેશ આપી રહ્યું છે.

વિશ્લેષકોનું માનવું છે કે તારિક રહેમાનના નેતૃત્વવાળી નવી સરકાર સાથે ભારત મજબૂત દ્વિપક્ષીય સંબંધો જાળવી રાખવા માટે ઉત્સુક છે. પીએમ મોદીએ સહિયારા વિકાસલક્ષી લક્ષ્યોને મજબૂત કરવા માટે સાથે મળીને કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આવનારા દિવસોમાં બંને દેશો વચ્ચે વ્યાપાર, સુરક્ષા અને કનેક્ટિવિટીના ક્ષેત્રમાં નવા કરારો થાય તેવી શક્યતા છે, જે દક્ષિણ એશિયામાં શાંતિ સ્થાપવામાં મદદરૂપ થશે.

February 9, 2026
1min163

જાપાનના નવ નિયુક્ત વડાપ્રધાન Sanae Takaichi સાને તાકાઈચીએ ઇતિહાસ રચી દીધો છે. તેઓના નેતૃત્વ નીચેની જાપાનની સત્તારૂઢ પાર્ટી ચૂંટણીમાં બે તૃતીયાંશ બહુમતિ તરફ આગળ વધી રહી છે. તેઓના વિજય સાથે તેઓના રૂઢીવાદી એજન્ડાને મજબૂત જનાદેશ મળી ગયો છે. હજી સુધીમાં પ્રાપ્ત થયેલા આંકડા પ્રમાણે જાપાનની સંસદનાં નીચલા સદનમાં તાકાઈચીએની લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (એલડીપી)નાં નેતૃત્વ નીચેના ગઠબંધને નીચલા ગૃહની ૪૬૫ માંથી ૩૫૨ સીટ જીતી છે. એકલી LDP એલડીપીએ જ ૩૧૬ની બહુમતી પ્રાપ્ત કરી છે.

જાપાનના સૌથી પહેલા મહિલા વડાપ્રધાન બન્યા પછી માત્ર ચાર જ મહિનામાં ચૂંટણી યોજાવી, તેઓએ સ્પષ્ટ જનાદેશ માગ્યો હતો. તેઓએ કહ્યું હતું કે જો તેઓની પાર્ટી બહુમતી પ્રાપ્ત કરી ન શકે, તો તેઓ પદત્યાગ કરશે. સ્નેપ-ઇલેકશન તેઓ માટે મોટો જુગાર હતો. પરંતુ તેમાં જબ્બર બહુમતી સાથે, તેઓ સફળ થયા હતા.

૨૦૨૪માં એલડીપીએ સંસદના બંને ગૃહમાં બહુમતી ગુમાવી હતી અને કોમીટો પાર્ટી સાથેનું ગઠબંધન તૂટી ગયું હતું. દશકો જૂનું આ ગઠબંધન તૂટતા એલડીપીને ધક્કો તો લાગ્યો જ હતો.

ચૂંટણી પરિણામો દર્શાવે છે કે, તાકાઈચીની વ્યકિતગત લોકપ્રિયતાએ જ પાર્ટીને સહાય કરી હતી. તેઓની પાર્ટીનું એપ્રૂવલ રેટિંગ મહદઅંશે ૭૦ ટકા ઉપર જ રહ્યું છે.

સાને તાકાયીચીને પોતાની જનતાનો સપોર્ટ તે સમયે મળ્યો છે કે જ્યારે જાપાન અને ચીનના સંબંધો વચ્ચે તણખા ઝરી રહ્યા છે. અત્યારે બંને દેશો વચ્ચેના સંબંધો તળીએ જઈ પહોંચ્યા છે. તાકાઈચીએ તાજેતરમાં જ કહ્યું હતું કે, ‘જો ચીન તાઈવાન સામે કોઈ લશ્કરી કાર્યવાહી કરશે તો જાપાન તેમાં હસ્તક્ષેપ કરશે જ. તાઈવાન એક સ્વતંત્ર અને લોકશાહીવાદી દ્વિપ છે. ચીન તેની ઉપર પોતાનો દાવો કરે છે. તેવામાં તાકાઈચીના આ નિવેદનથી ચીન-જાપાન વચ્ચે તંગદિલી વધી ગઈ છે અને બંને દેશો એકબીજા સામે શત્રુતાપૂર્ણ કાર્યવાહી અને બયાનબાજીમાં પડી ગયા છે. હવે કેટલાક તારણો જોઈએ :

(૧) જાપાની મતદાતાઓ, તાકાઈચીની સીધીસાદી, મહેનતુ ઇમેજથી આકર્ષાયા છે. પરંતુ તેમના તીવ્ર રાષ્ટ્રવાદી વિચારો અને સંરક્ષણ પર વજન આપવાના નિવેદનોને લીધે ચીન ગિન્નાયું છે.

(૨) તેઓ સૈન્યની ક્ષમતા અને લશ્કરી ખર્ચ બંને વધારવા માગે છે. વાત સીધી છે. તેઓ ચીનનો વધતો પ્રભાવ રોકવા માગે છે.

(૩) તાકાઈચી વડાપ્રધાન પદે નિશ્ચિત થયા કે લગભગ તુર્ત જ ટ્રમ્પ અને મોદીએ તેઓને વધાઈ આપી હતી. પરંતુ ચીને તુર્તજ વધાઈ પણ આપી નથી.

(૪) જાપાને સંરક્ષણ ખર્ચમાં જબરજસ્ત વધારો કર્યો છે. તેથી ખીજાયેલા ચીને કહ્યું છે કે જાપાન સામે રાજદ્વારી રીતે જવાબ આપશે. હવે બંને દેશો વચ્ચે વ્યાપાર અને નિવેશના મુદ્દાઓ પર ક્ષેત્રીય સ્તરે ટકરાવ થશે તે નક્કી છે. બંને વચ્ચે પ્રતિસ્પર્ધા પણ વધશે. સંભવ તે પણ છે કે માત્ર ચીન જાપાન સંબંધો જ નહીં પરંતુ સમગ્ર એશિયાનો સંરક્ષણ માહોલ બદલાઈ શકે.

(૫) કેટલાક એક્ષપર્ટસ કહે છે કે, હવે સંપૂર્ણ બહુમતી મળ્યા પછી તાકાઈચી ચીન સામેનું વલણ થોડુ નરમ પણ કરે. તેઓએ મતદાન પૂર્વે એએફપીને જણાવ્યું હતું કે, હવે તેઓને ૨૦૨૮ સુધી ચૂંટણી વિષે ચિંતા કરવાની જરૂર નથી. જ્યારે હવે પછીની ચૂંટણી યોજાશે, તો જાપાન માટે શ્રેષ્ઠ હકીકત તે બની રહેશે કે તે ચીન સાથે સંબંધો સુધારવા ઉપર ધ્યાન આપે.

February 9, 2026
image-13.png
1min114

ઈરાનમાં માનવાધિકાર અને મહિલાઓના અધિકારો માટે અવાજ ઉઠાવનાર નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા નરગીસ મોહમ્મદીને ઈરાની સરકારે ફરી એકવાર મોટો ઝટકો આપ્યો છે. તેમને વધુ એકવાર સાડા સાત વર્ષની વધારાની જેલની સજા ફટકારવામાં આવી છે, જેના કારણે વિશ્વભરમાં ઈરાની શાસન સામે રોષ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે આ નવા ચુકાદા સાથે નરગીસની જેલની સજા 44 વર્ષ થઇ ચૂકી છે. નરગીસ અત્યાર સુધીમાં 13 વખત ધરપકડ અને 5 વખત દોષિત ઠરી ચૂક્યા છે.

53 વર્ષીય નરગીસ મોહમ્મદી એક જાણીતા ઈરાની એક્ટિવિસ્ટ, એન્જિનિયર અને લેખિકા છે. તેઓ નોબેલ વિજેતા શિરીન એબાદી દ્વારા સ્થાપિત ‘ડિફેન્ડર્સ ઓફ હ્યુમન રાઈટ્સ સેન્ટર’ (DHRC) ના ઉપાધ્યક્ષ છે. નરગીસ છેલ્લા દાયકાનો મોટાભાગનો સમય જેલમાં જ વિતાવી ચૂક્યા છે. ઈરાની સત્તાવાળાઓ તેમના પર રાજ્ય વિરુદ્ધ પ્રચાર કરવાનો અને વિરોધ પ્રદર્શનો યોજવાનો આરોપ લગાવે છે, જ્યારે તેમના સમર્થકોનું કહેવું છે કે આ બધું માત્ર તેમના શાંતિપૂર્ણ આંદોલનને દબાવવા માટે કરવામાં આવી રહ્યું છે.

નરગીસ મોહમ્મદીને 12 ડિસેમ્બર, 2025 ના રોજ મશહદ ખાતે પકડવામાં આવ્યા હતા. તેઓ ત્યાં માનવાધિકાર વકીલ ખોસરો અલીકોર્ડીની શોકસભામાં હાજરી આપવા ગયા હતા. ઈરાની સરકારે તેમના પર ભડકાઉ ભાષણ આપવા, નિયમો વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવા અને શાંતિ ભંગ કરવાનો ગંભીર આરોપ મૂક્યો છે.

જ્યારે 2023 માં તેમને નોબેલ શાંતિ પુરસ્કાર જાહેર થયો ત્યારે તેઓ તેહરાનની કુખ્યાત જેલમાં બંધ હતા. આ સન્માન તેમના બાળકોએ તેમના વતી સ્વીકાર્યું હતું. 2021 થી તેઓ રાષ્ટ્રીય સુરક્ષાના આરોપો હેઠળ 13 વર્ષની સજા ભોગવી રહ્યા છે. નરગીસ ફાઉન્ડેશન મુજબ, ઈરાની વહીવટીતંત્ર તેમને શારીરિક અને માનસિક રીતે તોડવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ તેમનો જુસ્સો હજુ પણ અડગ છે.

February 3, 2026
image-2.png
2min215
  • નરેન્દ્ર મોદી સાથે વાતચીત પછી અમેરિકન પ્રમુખ ટ્રમ્પની જાહેરાત
  • નરેન્દ્ર મોદીની વિનંતીના પગલે ટેરિફ 50 ટકાથી ઘટાડીને 18 ટકા કરાયો : ભારતીય વડાપ્રધાને આનંદ વ્યકત કર્યો
  • ભારતે અમેરિકા પાસેથી ઉર્જા, ટેકનોલોજી, કૃષિ, કોલસા એમ 500 અબજ ડોલરની ખરીદીની ખાતરી આપી : ટ્રમ્પ
  • ટ્રેડ ડીલ હેઠળ અમેરિકાની દરેક પ્રોડક્ટ્સ પર ભારતમાં ઝીરો ટેક્સ, પણ યુએસમાં ભારતીય ઉત્પાદનો પર 18 ટકા ટેરિફ

Dated 02/02/2026
ભારતે યુરોપીયન યુનિયન પછી હવે અમેરિકા સાથે પણ ટ્રેડ ડીલ કરવામાં સફળતા મેળવી છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય પીએમ મોદી સાથે વાતચીત કર હતી અને તેના તેના પછી યુએસ-ભારત ટ્રેડ ડીલની જાહેરાત કરી હતી. તેના કારણે ભારત પર લાદવામાં આવેલો રેસિપ્રોકલ ટેરિફ ૨૫ ટકાથી ઘટીને ૧૮ ટકા થઈ જશે, એમ તેમણે જણાવ્યું હતું. જ્યારે રશિયન ઓઇલ ખરીદી પરનો ૨૫ ટકા ટેરિફ સંપૂર્ણ નાબૂદ થશે. આમ કુલ ૫૦ ટકાના બદલે હવે ફક્ત ૧૮ ટકા જ ટેરિફ તાત્કાલિક અસરથી અમલમાં આવશે.

ભારત પર અમેરિકાએ કુલ ૫૦ ટકા ટેરિફ નાખ્યો હતો અને તેમા ૨૫ ટકા ટેરિફ રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવા બદલ નાખ્યો હતો. ટ્રમ્પે તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશ્યલ પર આ ડીલની જાહેરાત કરી હતી. હવે ભારત રશિયાના બદલ અમેરિકા પાસેથી ઓઇલ ખરીદવાનું હોઈ તે ૨૫ ટકા ટેરિફ હટી ગયો છે.

ટ્રમ્પે જણાવ્યું હતું કે ભારતીય વડાપ્રધાન પીએમ મોદી વેપાર અને રશિયા-યુક્રેન યુદ્ધનો અંત લાવવા સહિત ઘણા બધા પાસા પર ચર્ચા કરી. તેઓ રશિયાનું ઓઇલ ખરીદવાનું બંધ કરવા સંમત થયા છે અને વધુને વધુ પ્રમાણમા ઁઅમેરિકા પાસેથી અને મુખ્યત્વે વેનેઝુએલાનું ઓઇલ ખરીદવા સંમત થયા છે. આના કારણે યુદ્ધનો અંત લાવવામાં મદદ મળશે. રશિયા-યુક્રેન યુદ્ધમાં હજારો લોકો દર સપ્તાહે મરી રહ્યા છે. તેમની જ વિનંતીના પગલે તેમને સન્માન આપતા અમે ભારત પરનો રેસિપ્રોકલ ટેરિફ ૨૫ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કર્યો છે. આ ટ્રેડ ડીલના લીધે અમેરિકાની ભારત સાથેના વેપારની ટેરિફ અને નોન-ટેરિફ બેરિયર લગભગ શૂન્ય થઈ જશે.

વડાપ્રધાને બાય અમેરિકન પ્રત્યે પ્રતિબદ્ધદા દાખવી છે. તે અમેરિકન એનર્જી, ટેકનોલોજી, કૃષિ, કોલસા અને બીજી ઘણી પ્રોડક્ટ્સના થઈને ૫૦૦ અબજ ડોલરની ખરીદી કરશે. આના કારણે બંને દેશોના વ્યાપારિક સંબંધ વધુને વધુ મજબૂત થશે. આ અગાઉ ભારત ખાતેના અમેરિકન રાજદૂત સર્જિયો ગોરે ટ્વીટ કરી હતી કે અમેરિકન પ્રમુખ ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન મોદી વચ્ચે વાતચીત ચાલી રહી છે, ગમે ત્યારે મોટી જાહેરાત આવી શકે છે. અમેરિકાનો દાવો છે કે તેના ટેરિફના દબાણના કારણે ભારતે રશિયાનું ક્રૂડ ખરીદવાનું બંધ કર્યુ છે અને તે અમારી પાસેથી ક્રૂડ ખરીદશે.

અમેરિકાએ ભારત પરનો ટેરિફ ૫૦ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કરતાં ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી અને તેના કારણે અમેરિકન બજારમાં ભારતીય ઉત્પાદનો સ્પર્ધા કરી શકશે તેમ જણાવ્યું હતું.

વડાપ્રધાન ટ્રેડ ડીલને લઈને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાં જણાવ્યું હતું કે ભારત ૧.૪ અબજ લોકો વતી અમેરિકન પ્રમુખ ટ્રમ્પનો આભાર માને છે. પીએમ મોદીએ જણાવ્યું હતું કે વિશ્વના બે સૌથી મોટા અર્થતંત્રો અને વિશ્વની બે સૌથી મોટી લોકશાહી સાથે મળીને કામ કરશે. તેના કારણે કરોડો લોકોને નોંધપાત્ર પ્રમાણમાં ફાયદો થશે.

તેમણે જણાવ્યું હતું કે અમેરિકન પ્રમુખ ટ્રમ્પની નેતાગીરી વૈશ્વિક શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે મહત્ત્વની છે. ભારત તેમના શાંતિ સ્થાપવાના પ્રયત્નોને સંપૂર્ણપણે સમર્થન આપે છે. અમેરિકા સાથેની ભાગીદારી નવી ઊંચાઈએ લઈ જવા પર અમે મીટ માંડી રહ્યા છીએ.

તેની સામે ભારતીય પક્ષે નિષ્ણાતોનું કહેવું છે કે ભારતે યુરોપીયન યુનિયનના સ્વરૂપમાં અમેરિકાનું વૈકલ્પિક ભાગીદાર શોધી લેતા અમેરિકા પોતે જ ડીલ કરવા સંમત થઈ ગયું છે. તેને લાગ્યું કે જો ઇયુ સાથે ભારતનું ટ્રેડ ડીલ ઝડપથી અમલી બન્યું તો અમેરિકન કંપનીઓ પાછળ રહી જશે અને યુરોપીયન યુનિયનની કંપનીઓ ભારતીય બજારમાં પ્રભુત્વ જમાવશે. જો કે આ ટ્રેડ ડીલની જાહેરાત છતાં અમેરિકાએ ભારત પરનો સંપૂર્ણ રેસિપ્રોકલ ટેરિફ નાબૂદ કર્યો નથી તે હકીકત છે.

  • વિદેશ મંત્રી એસ જયશંકર ત્રણ દિવસ માટે અમેરિકાના પ્રવાસે, દુર્લભ ખનીજની બેઠકમાં ભાગ લેશે

ભારત અને અમેરિકાના સંબંધો સુધરતા હોવાનો સંકેત આપતા ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રૂથમાં પોસ્ટ મૂકી હતી. નવી દિલ્હીના આઈકોનિક ઈન્ડિયા ગેટની તસવીર મૂકીને ટ્રમ્પે કહ્યું હતું કે ભારતનું આ વિજયદ્વાર સુંદર છે. આપણું તો એનાથી પણ સુંદર હશે. અમેરિકામાં સ્વતંત્રતા ગેટ બનવાનો છે. તે સંદર્ભમાં આ પોસ્ટ મૂકાઈ હતી.

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા-વેનેઝુએલા-ઈરાન જેવા દેશો પાસેથી ક્રૂડની ખરીદી મુદ્દે ભારતને ધમકી આપતા રહે છે. આ ઘટનાક્રમ વચ્ચે ભારત સ્થિત અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે પોસ્ટ મૂકીને કહ્યું હતું કે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે વાતચીત થઈ.

એસ જયશંકર પાંચમી ફેબુ્રઆરી સુધી અમેરિકામાં છે. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો સાથે મુલાકાત કરશે. દુર્લભ ખનીજની બાબતમાં વિદેશ મંત્રીઓની એક મહત્ત્વની બેઠક યોજાઈ છે એમાં ભાગ લેવાના છે. જોકે, અહેવાલોમાં એવોય દાવો થઈ રહ્યો છે કે વિદેશમંત્રી અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ગુપ્ત બેઠક કરશે અને ભારત-અમેરિકા વચ્ચે વેપારની ડીલનું વાતાવરણ બને તેવા પ્રયાસો કરશે. ભારતની ચીજવસ્તુઓ પર ટેરિફ વધારીને ૫૦ ટકા કર્યા બાદ અને રશિયાના ક્રૂડ પર વધારાના ૨૫ ટકા ટેરિફ પછી થનારી આ મુલાકાત કેવી રહેશે તેના પર નજર રહેશે.

January 29, 2026
1min122

કોલંબિયામાં બુધવારે 28/01/2026 સર્જાયેલી એક ભયાનક વિમાન દુર્ઘટનામાં સાંસદ સહિત તમામ 15 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. કોલંબિયામાં કુકુટાથી ઓકાણા જઈ રહેલું ‘Beechcraft 1900’ નામનું કોમર્શિયલ વિમાન બુધવારે સવારે 11:42 વાગ્યે ઉડાન ભર્યા બાદ રહસ્યમય રીતે ગુમ થઈ ગયું હતું. ઉડાનના થોડા સમય બાદ, લેન્ડિંગની માત્ર 11 મિનિટ પહેલા જ રડાર સાથેનો તેનો સંપર્ક તૂટી ગયો હતો. રાજ્ય એરલાઇન SATENA અનુસાર, વિમાનનો છેલ્લો સંપર્ક ‘કૅટટુમ્બો’ (Catatumbo) ક્ષેત્ર ઉપર નોંધાયો હતો, ત્યારબાદ વ્યાપક સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.

સઘન શોધખોળ બાદ બચાવ ટીમોને વિમાનનો કાટમાળ કૅટટુમ્બોના અત્યંત દુર્ગમ અને પહાડી વિસ્તારમાંથી મળી આવ્યો છે. સ્થાનિક મીડિયા અને એરલાઇન સત્તાવાળાઓએ પુષ્ટિ કરી છે કે આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર તમામ 13 મુસાફરો અને 2 ક્રૂ મેમ્બર્સ સહિત કુલ 15 લોકોના મોત થયા છે. આ વિસ્તાર ઊબડ-ખાબડ પહાડો અને ખરાબ હવામાન માટે જાણીતો હોવાથી બચાવ કામગીરીમાં ટીમોને ભારે પડકારોનો સામનો કરવો પડ્યો હતો.

આ દુર્ઘટનામાં કોલંબિયાની સંસદ (ચેમ્બર ઓફ ડેપ્યુટીઝ) ના સભ્ય ડિયોજેનેસ કિંતેરો અને આગામી ચૂંટણીના ઉમેદવાર કાર્લોસ સાલ્સેડોનું પણ નિધન થયું છે. સાંસદ વિલમર કેરિલોએ આ અંગે ઘેરો શોક વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેમના સાથી કિંતેરો અને તેમની ટીમ આ વિમાનમાં મુસાફરી કરી રહી હતી. તપાસકર્તાઓ હવે મલબાની તપાસ કરી રહ્યા છે જેથી અકસ્માત પાછળ ટેકનિકલ ખામી હતી કે ખરાબ હવામાન તે જાણી શકાય.

કોલંબિયાની સિવિલ એવિએશન એજન્સીએ અકસ્માતના કારણોની તપાસ માટે ઉચ્ચ સ્તરીય ટીમની રચના કરી છે. સરકારે મૃતકોના પરિજનોની સહાયતા માટે વિશેષ હેલ્પલાઇન નંબર પણ જારી કર્યો છે. હાલમાં એરોસ્પેસ ફોર્સ અને નાગરિક ઉડ્ડયન સત્તાવાળાઓ ઘટનાસ્થળે પુરાવા એકત્રિત કરી રહ્યા છે.

January 28, 2026
image-15.png
3min129

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુરોપિયન યુનિયનના નેતાઓએ 27/01/2026 આજે નવી દિલ્હીમાં ભારત-યુરોપની ઐતિહાસિક ફ્રી ટ્રેડ ડીલને અંતિમ રૂપ આપ્યું. આશરે 18 વર્ષ લાંબી વાટાઘાટો બાદ આજે આખરે આ ડીલ પર મહોર વાગી. આ ડીલને ‘મધર ઓફ ઑલ ડીલ્સ’ કહેવામાં આવે છે, જે દુનિયાની 25 ટકા GDPનું પ્રતિનિધિત્વ કરે છે. ફ્રી ટ્રેડ ડીલમાં સૌથી મોટી જાહેરાત ઓટોમોબાઈલ ક્ષેત્રને લગતી છે, જે અંતર્ગત યુરોપથી ભારત આવતી કાર પર ટેક્સ ઘટાડીને 10 ટકા કરાશે.

તમને જણાવી દઈએ કે, યુરોપિયન યુનિયનના પ્રેસિડેન્ટ ઉર્સુલા વોન ડેર લેયેન અને યુરોપિયન કાઉન્સિલના પ્રેસિડેન્ટ એન્ટોનિયો કોસ્ટા હાલ ભારતના પ્રવાસે છે. આ બંને નેતા ગઇકાલે પ્રજાસત્તાક દિવસની પરેડમાં ચીફ ગેસ્ટ તરીકે જ ભારત આવી ગયા હતા. આ મુદ્દે બંને પક્ષે 26 જાન્યુઆરીએ જ ફ્રી ટ્રેડ ડીલ અંગે વાટાઘાટો શરૂ કરી હતી, જેને 27 જાન્યુઆરીએ આયોજિત 16માં શિખર સંમેલનમાં અંતિમ રૂપ અપાયું હતું. યુરોપ આ ડીલને ‘મધર ઓફ ઑલ ડીલ્સ’ કહે છે.

ભારત-યુરોપની સંયુક્ત પત્રકાર પરિષદમાં PM મોદીએ કહ્યું હતું કે, વિશ્વની બે સૌથી મોટી લોકશાહી શક્તિઓએ આજે નવો અધ્યાય સ્થાપિત કર્યો. છેલ્લા ઘણાં વર્ષોથી ભારત અને યુરોપ વચ્ચેના સંબંધો મજબૂત થઈ રહ્યા હતા. આજે આ સંબંધોને નવી ઊંચાઈ પ્રાપ્ત થઈ. ભારતે આજે વિશ્વના સૌથી મોટા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા છે. આ એગ્રીમેન્ટ સમૃદ્ધિની નવી બ્લૂપ્રિન્ટ છે. ભારત અને યુરોપની આ ડીલ ઈન્ટરનેશનલ સિસ્ટમને સ્થિરતા અને મજબૂતાઈ આપશે. આ સિવાય અમે યુક્રેન, પશ્ચિમ એશિયા, ઈન્ડો-પેસિફિક સહિતના વૈશ્વિક મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી.

ભારત-યુરોપ ટ્રેડ ડીલની સૌથી મોટી જાહેરાતો

  • મેડિકલ અને સર્જીકલ ઉપકરણોમાં 90 ટકા પ્રોડક્ટ્સ પર કોઈ ટેક્સ નહીં લેવાય.
  • યુરોપના ફ્રૂટ જ્યૂસ પર 100%, મશીનરી પર 44% અને કેમિકલ પર 22% ટેરિફ નાબૂદ
  • યુરોપથી આવતી દવાઓ પર 44 ટકા સુધીનો ટેક્સ લેવાય છે, જે નાબૂદ કરાશે.
  • યુરોપના બિયર પર 50%, લિકર પર 40% અને વાઈન પર 30% ટેરિફ નાબૂદ કરાશે
  • આગામી બે વર્ષમાં કાર્બન ઉત્સર્જન ઓછું કરવા માટે યુરોપ ભારતને 500 મિલિયન યુરો આપશે.
  • યુરોપની ફાઈનાન્શિયલ કંપનીઓમાં ભારતીયોને સરળતાથી એન્ટ્રી મળશે.
  • મેરિટાઈમ, બેન્કિંગ, શિપિંગ સેવાઓ સસ્તી થશે.
  • 2032 સુધીમાં ભારત-યુરોપ વેપાર બમણો કરવાનું લક્ષ્ય.
  • ભારતમાં ગ્રીન ટેકનોલોજી અને ક્લિન એનર્જીમાં પ્રોત્સાહન આપવામાં યુરોપ મદદ કરશે.

યુરોપથી આવતી કાર પર માત્ર 10 ટકા ટેક્સ

સૌથી મોટી અસર કાર બજાર પર પડશે. ભારત હાલમાં યુરોપિયન કાર પર લગભગ 70 ટકા જેટલો ટેક્સ વસૂલે છે, જેને તબક્કાવાર ઘટાડીને માત્ર 10 ટકા કરી દેવામાં આવશે. ટ્રાન્ઝિશન પીરિયડ દરમિયાન દર વર્ષે અઢી લાખ વાહનોના ક્વોટાની મર્યાદા રહેશે. આનાથી ભારતમાં લક્ઝરી કારોના ભાવમાં ધરખમ ઘટાડો થશે.

એવિયેશન સેક્ટરમાં પણ ટેરિફ નાબૂદીની જાહેરાત

એરક્રાફ્ટ અને સ્પેસક્રાફ્ટ સેક્ટરમાં લગભગ તમામ ટેરિફ નાબૂદ કરવામાં આવશે, જે ભારતના એવિયેશન સેક્ટર માટે ફાયદાકારક સાબિત થશે.

ભારતમાં યુરોપની વાઈન અને બિયર સસ્તી થશે

ઓલિવ ઓઈલ અને અન્ય વનસ્પતિ તેલ કોઈ ટેક્સ વસૂલવામાં આવશે. યુરોપથી આવતી વાઈન પર વસૂલાતો ટેક્સ 150 ટકાથી ઘટાડીને 20થી 30 ટકા, બિયર પરનો ટેક્સ 110 ટકાથી ઘટાડીને 50 ટકા તથા સ્પિરિટ પરનો ટેક્સ ઘટાડીને 40 ટકા કરાયો છે. જેથી ભારતીય પ્રીમિયમ આલ્કોહોલ બજારમાં પ્રતિસ્પર્ધા વધશે. ફ્રૂટ જ્યુસ પર પણ 100 ટકા ટેક્સનો ઘટાડો કરાશે.

આ ડીલથી રોકાણ અને વેપારને પ્રોત્સાહન મળશે

આ ડીલથી ભારત અને યુરોપના અર્થતંત્રમાં રોકાણ અને વેપારને પ્રોત્સાહન મળશે. આજે સત્તાવાર જાહેરાત બાદ તબક્કાવાર ડીલ લાગુ કરાશે.

આ ડીલ બાદ ભારત અને યુરોપ વચ્ચેના વેપારમાં ધરખમ વધારો થશે. ઓટોમોબાઈલ, વાઈન, સ્પિરિટ્સ સહિતના સેક્ટર્સમાં પણ ડીલ કરાશે. જેમાં ભારતમાં યુરોપિયન વાહનો પર ટેરિફ ઘટાડવામાં આવી શકે છે. જ્યારે યુરોપ ભારતીય ટેક્સટાઈલ, ફાર્માસ્યુટિકલ, જ્વેલરી, બિયર-વાઈન, સ્પિરિટ સહિતની વસ્તુઓ પર ટેરિફમાં રાહત આપશે.

ભારત-યુરોપ વચ્ચે 2025માં 136.53 અબજ ડૉલરનો વેપાર

વર્ષ 2025માં ભારત અને યુરોપ વચ્ચે કુલ 136.53 અબજ ડોલરનો વેપાર થયો. ભારતે 60.7 અબજ ડોલરનો સામાન આયાત કર્યો જ્યારે 75.9 અબજ ડોલરના સામાનની નિકાસ કરી. એવામાં ટ્રેડ ડીલમાં ટેરિફમાં ઘટાડો થતાં ઉપભોક્તા અને ઉત્પાદક બંનેને લાભ થશે.

ભારત યુરોપથી હાઈ કેટેગરી મશીનરી, ઈલેક્ટ્રોનિક્સ, વિમાન, મેડિકલ ઉપકરણ વગેરે આયાત કરે છે. જ્યારે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ, સ્માર્ટફોન, કાપડ, ફાર્મા પ્રોડક્ટ્સ, જ્વેલરી, લોખંડની નિકાસ કરવામાં આવે છે. એવામાં આ ડીલમાં 90 ટકા સામાન પર ટેરિફ ઓછો અથવા નહિવત થઈ શકે છે. આ સેક્ટરમાં કામ કરતાં ઉદ્યોગો અને બિઝનેસમેનને તેનો મોટો લાભ મળશે.

યુરોપના કુલ 27 દેશના બજારમાં ભારતની પહોંચ વધશે

  • યુરોપના 45 કરોડ લોકોના બજારમાં ભારતીય કંપનીઓની સીધી એન્ટ્રી થશે
  • ટેક્સ ઓછો થવાના કારણે ભારતની નિકાસ વધશે
  • યુરોપની કંપનીઓ ભારતમાં રોકાણ વધારશે, FDI વધશે
  • નિકાસ અને રોકાણના કારણે રોજગાર વધશે
  • સપ્લાય ચેઈનમાં સુધારો થતાં ચીન પરની નિર્ભરતા ઘટશે
January 6, 2026
image-2.png
1min132

Iran protests : ઈરાનમાં મોંઘવારી અને નબળી અર્થવ્યવસ્થાના વિરોધમાં શરૂ થયેલું આંદોલન સરકારને ઉથલાવવાના આંદોલનમાં બદલાઈ ગયું છે. લોકો ઈરાનના સુપ્રીમ લીડર આયાતોલ્લા અલી ખામેનેઈને હટાવવા રસ્તા પર ઉતરી આવી છે. ઈરાનના તેહરાન, ઈસ્ફહાન, મશહદ, શિરાજ અને કોમ સહિતના મુખ્ય શહેરોમાં મોટા પ્રમાણમાં દેખાવો થઈ રહ્યા છે.

જોકે ઈરાનની સરકારનું માનવું છે કે આ આંદોલન વિદેશી ષડ્યંત્ર છે. સરકાર આંદોલનને બળપૂર્વક કચડવા પ્રયાસ કરી રહી છે. આયાતોલ્લા અલી ખામેનેઈએ બે દિવસ પહેલા જ ચેતવણી આપી હતી કે હિંસક તત્વોને તેમની જગ્યા બતાવીશું. ન્યૂઝ એજન્સી AP અનુસાર ઈરાનમાં સરકાર વિરોધી હિંસામાં અત્યાર સુધી ઓછામાં ઓછા 35 લોકોના મોત થયા છે જ્યારે 1200થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જોકે આ દેખાવો હજુ શાંત થાય તેવા કોઈ સંકેત નથી.

રિપોર્ટમાં દાવો કરાયો છે કે હિંસક આંદોલનોમાં 250થી વધુ પોલીસ જવાનો અને 45 જેટલા અર્ધલશ્કરી દળોના જવાનો ઘાયલ થયા છે. સત્તા વિરોધી દેખાવોમાં હિંસા વધતાં અમેરિકાના હસ્તક્ષેપની સંભાવના પણ વધી રહી છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સતત ઈરાનને ચેતવણી આપી રહ્યા છે કે જો ઈરાનમાં આંદોલન કરી રહેલા લોકોની હત્યા થઈ અમેરિકા તેમની મદદ માટે આગળ આવશે. હાલમાં જ અમેરિકાએ વેનેઝુએલા પર પણ હુમલો કર્યો હતો. જે બાદથી ટ્રમ્પનો આત્મવિશ્વાસ વધી ગયો છે. વેનેઝુએલાના પ્રમુખ માદુરો ઈરાનના સમર્થક હતા.

નોંધનીય છે કે અગાઉ 2022માં પણ ઈરાનમાં આ જ પ્રકારે દેશવ્યાપી આંદોલનો થયા હતા. 22 વર્ષની યુવતીએ હિજાબ ન પહેરતા તેની ધરપકડ કરવામાં આવી હતી. જેના વિરોધમાં ઈરાનમાં ઠેર ઠેર હિંસક પ્રદર્શનો થયા હતા.

ઈરાનના સુપ્રીમ લીડર આયાતોલ્લા અલી ખામેનેઈ અને રશિયા સાથેના તેમના સંબંધો અંગે એક ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. બ્રિટિશ અખબાર ‘ધ ટાઇમ્સ’ના અહેવાલ મુજબ, જો ઈરાનમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો હિંસક બનશે અને સરકાર પડી ભાંગશે તો ખામેનેઈએ રશિયાના મોસ્કો શહેર ભાગી જવાનો એક સિક્રેટ એસ્કેપ પ્લાન તૈયાર કર્યો છે. અહેવાલો અનુસાર, 86 વર્ષીય આયાતોલ્લા ખામેનેઈએ રશિયાને સુરક્ષિત આશ્રય સ્થાન તરીકે પસંદ કર્યું છે. આ યોજના મુજબ, જો ઈરાનના સુરક્ષા દળો અને સેના આંદોલનકારીઓને રોકવામાં નિષ્ફળ જશે કે બળવો હિંસક બની જશે, તો ખામેનેઈ તેમના પરિવાર અને અંદાજે 20 જેટલા નજીકના સાથીદારો સાથે તેહરાન છોડી રશિયામાં શરણ લેશે. આ યાદીમાં તેમના પુત્ર મોજતબાનું નામ પણ સામેલ હોવાનું મનાય છે, જેમને તેમના અનુગામી માનવામાં આવે છે.