ગુજરાતમાં વિધાનસભા પેટા ચૂંટણીઓનો માહોલ જામ્યો છે, ત્યારે લાંબા સસ્પેન્સ બાદ ભારતીય જનતા પાર્ટીએ કડી અને વિસાવદર વિધાનસભા બેઠક માટે પોતાના ઉમેદવારના નામ જાહેર કર્યા છે. ભારતીય જનતા પાર્ટીએ વિસાવદર બેઠક પરથી કિરીટ પટેલને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે કડી વિધાનસભા બેઠક પરથી રાજેન્દ્ર ચાવડા પર પસંદગીનો કળશ ઢોળ્યો છે.
ઉલ્લેખનીય છે કે વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલીયાને મેદાનમાં ઉતાર્યા છે. આ બેઠક પર પાટીદાર મતોનું પ્રભુત્વ હોઈ રાજકીય પાર્ટીઓ આ બેઠક પર પાટીદાર કાર્ડ ખેલવા જઈ રહી છે. પરંતુ આમ આદમી પાર્ટી સાથે પત્તુ ફાડીને ભાજપનો ખેસ ધારણ કરનારા ભુપત ભાયાણીને ટિકિટ આપવામાં ન આવતા રાજકીય અટકળોનું બજાર તેજ બન્યું છે. ભુપત ભાયાણી, હર્ષદ રીબડીયા સહિતના નેતાઓનું પત્તુ કપાયું છે.વિસાવદર બેઠક પર કોંગ્રેસના ઉમેદવારના નામ પર સસ્પેન્સ યથાવત રહ્યું છે.
કડી વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીએ જગદીશ ચાવડાને ટિકિટ આપી છે, જ્યારે કોંગ્રેસે રમેશ ચાવડાને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે હવે ભાજપે પસંદગીનો કળશ રાજેન્દ્ર ચાવડા પર ઢોળ્યો છે.
ગુજરાતની 8327 ગ્રામપંચાયતની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. ગ્રામપંચાયતની ચૂંટણી માટે 22 જૂને મતદાન યોજાશે અને 25 જૂને મતગણતરી હાથ ધરાશે. 2 જૂને ચૂંટણી અંગેનું જાહેરનામું બહાર પડાશે. 9 જૂન સુધી ઉમેદવારીપત્ર ભરી શકાશે. 10 જૂને ફોર્મની ચકાસણી કરાશે અને 11 જૂન સુધી ઉમેદવારી પત્ર પરત ખેંચી શકાશે. ગ્રામપંચાયતની ચૂંટણીમાં કુલ 1.30 કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
ગુજરાતની 8327 ગ્રામપંચાયતની ચૂંટણીની તારીખો જાહેર
2 જૂને ચૂંટણી અંગેનું જાહેરનામું બહાર પડાશે.
9 જૂન સુધી ઉમેદવારીપત્ર ભરી શકાશે.
10 જૂને ફોર્મની ચકાસણી કરાશે
11 જૂન સુધી ઉમેદવારી પત્ર પરત ખેંચી શકાશે.
22 જૂને મતદાન યોજાશે.
25 જૂને મતગણતરી હાથ ધરાશે.
ગુજરાતમાં ગ્રામપંચાયતોની ચૂંટણી માટે રોટેશન પ્રક્રિયામાં ઓબીસી માટે અનામત 10 ટકાથી વધારી 27 ટકા કરવાની પ્રક્રિયા વિચારણા હેઠળ હતી. આ માટે રાજ્ય સરકારે ઝવેરી કમિશનની રચના કરીને વિધાનસભા ગૃહમાં કાયદો પસાર કર્યો હતો. આ કાયદાને લગતી પ્રક્રિયા પૂર્ણ નહીં થતાં ગ્રામપંચાયતોની ચૂંટણી લંબાઈ હતી, પરંતુ હવે તમામ જિલ્લા કલેક્ટરોને સરપંચ સહિતના પદો માટે રોટેશન જાહેર કરવા સૂચના આપવામાં આવી છે. ગ્રામપંચાયતની ચૂંટણી યોજવા માટે સૂચના અપાયા બાદ 1 એપ્રિલ 2022 થી 30 જૂન 2025 સુધીમાં જે ગ્રામપંચાયતોની મુદત પૂર્ણ થતી હોય એની ચૂંટણી યોજાશે.
તમને જણાવી દઈએ કે, વર્ષ 2021માં ગુજરાત ગ્રામપંચાયતની ચૂંટણી પૂર્ણ થયા બાદ રાજ્ય ચૂંટણી પંચે જણાવ્યું હતું કે ચૂંટણી માટે અંતિમ મતદાન 78.30 ટકા હતું, જેમાં 1.81 કરોડ લાયક મતદારોમાંથી 1.42 કરોડથી વધુ લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. 47,000 થી વધુ પંચાયત વોર્ડમાં સરપંચ પદ માટે કુલ 27,200 ઉમેદવારો અને સભ્યો પદ માટે 1,19,998 ઉમેદવારો મેદાનમાં હતા.
તમિલનાડુની ડીએમકે સરકારે એક ઐતિહાસિક નિર્ણય લઇને 10 બિલોને રાજ્યપાલ કે રાષ્ટ્રપતિની મંજૂરી વગર જ સત્તાવાર રીતે કાયદા તરીકે અમલ કરી દીધો છે. આ નિર્ણય સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદા બાદ લેવામાં આવ્યો છે. પ્રથમ વખત એવું બન્યું છે કે કોઇ રાજ્યએ રાજ્યપાલ કે રાષ્ટ્રપતિની દખલ વગર જ બિલોને કાયદાનું સ્વરૂપ માનીને લાગુ કર્યા છે.
વિપક્ષ આ ફેરફારોને રાજ્ય સરકારની સ્વાયતત્તા અને દેશના સંઘીય ઢાંચાની જીત તરીકે જોઇ રહ્યો છે. તમિલનાડુ સરકાર દ્વારા જે પણ બિલોનો અમલ કરવામાં આવ્યો છે તે વર્ષ 2023થી રાજ્યપાલ પાસે પેન્ડિંગ હતા. આ બિલોમાં મોટાભાગનાને વિધાનસભા દ્વારા બે વખત પસાર કરવામાં આવ્યા હોવા છતા તેને મંજૂરી નહોતી મળી તેથી તમિલનાડુ સરકારે અંતે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી જ્યાં તેની જીત થઇ હતી. સુપ્રીમ કોર્ટે આઠ એપ્રીલના રોજ આપેલા ચુકાદામાં બિલોને દબાવી રાખવાના રાજ્યપાલના નિર્ણયને મનમાનીભર્યો ગણાવીને તેને રદ કર્યો હતો.
સુપ્રીમના આ ચુકાદાને આધાર બનાવીને હવે તમિલનાડુની ડીએમકે સરકારે કહ્યું છે કે બિલોને બીજી વખત પસાર કરીને રાજ્યપાલ પાસે મોકલવામાં આવ્યા હતા જેને મંજૂરી આપવી જ પડે. સુપ્રીમનો ચુકાદો આ બિલોને મંજૂરી મળી ગઇ છે તે રીતે લઇને તેને કાયદાના સ્વરૂપમાં અમલ કરવામાં આવી રહ્યો છે. જે પણ બિલોને લઇને રાજ્ય સરકાર દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે તેમાં તમિલનાડુ યુનિવર્સિટી કાયદામાં સુધારો 2022, તમિલનાડુ ફિશરિઝ યુનિવર્સિટી કાયદામાં સુધારો 2020, ડો. આંબેડકર યુનિ. કાયદામાં સુધારો 2022 વગેરે યુનિવર્સિટીઓ સાથે સંકળાયેલા 10 બિલોનો સમાવેશ થાય છે. પ્રથમ વખત એવુ જોવા મળ્યું કે આ નોટિફિકેશનમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાને ટાંકીને તેના અમલ અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે.
બંધારણીય જોગવાઇ મુજબ વિધાનસભામાં પસાર બિલોને રાજ્યપાલ પાસે મોકલાય છે. રાજ્યપાલ તેને મંજૂર કરે, અસ્વીકાર કરે અથવા સુધારા માટે પરત મોકલી શકે છે. પરંતુ જો વિધાનસભા પરત મોકલાયેલા બિલને ફરી પસાર કરે અને પછી રાજ્યપાલ પાસે મોકલે તો રાજ્યપાલ પછી આવા બિલોને રાષ્ટ્રપતિ પાસે ફરી વિચારણા માટે ના મોકલી શકે. તેમણે ફરજિયાત તેને મંજૂરી આપવી જ પડે. સુપ્રીમ કોર્ટે આ જોગવાઇને ધ્યાનમાં રાખીને તમિલનાડુ સરકારની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.
ભાજપના ધારાસભ્ય રેખા ગુપ્તાને દિલ્હીના મુખ્યમંત્રી પદે શપથ ગ્રહણ કર્યા છે. રામલીલા મેદાનમાં આજે બપોરે 12.35 વાગ્યે રેખા ગુપ્તાએ મુખ્યમંત્રી પદે શપથ લેતાં જ ભાજપનો દિલ્હીમાં 27 વર્ષનો વનવાસ પૂરો થયો છે. દિલ્હીમાં સુષ્મા સ્વરાજ, શીલા દિક્ષિત અને આતિશી બાદ રેખા ગુપ્તા ચોથા મહિલા મુખ્યમંત્રી છે. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા ઉપરાંત પરવેશ વર્મા, આશિષ સૂદ, મનજિંદર સિંહ સિરસા, રવિન્દ્ર ઈન્દ્રરાજ, કપિલ મિશ્રા અને પંકજ સિંહે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આ શપથગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહમાં ટોચના ધર્મગુરુઓ અને ધાર્મિક નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેમના માટે કેન્દ્રીય મંચની બાજુમાં જ સ્ટેજ બનાવવામાં આવ્યો હતો.
દિલ્હીના મુખ્યમંત્રી પદ ગ્રહણ કરતાં પહેલાં જ રેખા ગુપ્તાને ઝેડ કેટેગરીની સુરક્ષા પ્રદાન કરવામાં આવી હતી. ગૃહ મંત્રાલયના આદેશ પર દિલ્હી પોલીસે રેખા ગુપ્તાના ઘર પર ચાર પોલીસ કર્મી, બેક સાઇડ પર ચાર પોલીસ કર્મી અને બે કમાન્ડો સાથે ઝેડ કેટેગરીની સુરક્ષા વ્યવસ્થા કરી છે. મુખ્યમંત્રી બનતાં જ તેમને આ સુરક્ષા આપવામાં આવશે.
૨૦૧૯ની લોકસભા ચૂંટણી પહેલા ૨૦૧૮-૧૯માં ભાજપને રૃ. ૭૪૦ કરોડ અને કોંગ્રેસને રૃ. ૧૪૬ કરોડ નું દાન મળ્યું હતું કોંગ્રેસને રૃ. ૨૮૧ કરોડનું દાન મળ્યું ઃ ચૂંટણી પંચ
દેશના શાસક પક્ષ ભાજપને નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન ૨૬૦૪.૭૪ કરોડ રૃપિયાનું દાન પ્રાપ્ત થયું છે. જ્યારે વિરોધ પક્ષ કોંગ્રેસને ૨૮૧.૩૮ કરોડ રૃપિયા દાનમાં મળ્યા છે તેમ ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે.
ડોનેશનના આ આંકડા એક એપ્રિલ, ૨૦૨૩ થી ૩૧ માર્ચ, ૨૦૨૪ સુધીના છે. ૨૦૧૯ની લોકસભા ચૂંટણી પહેલાના નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં ભાજપને ૭૪૦ કરોડ રૃપિયા દાનમાં મળ્યા હતાં. જ્યારે કોંગ્રેસને ૧૪૬ કરોડ રૃપિયાનું ડોનેશન મળ્યું હતું.
ભાજપ અને કોંગ્રેસ બંનેને સૌથી વધારે ડોનેશન પ્રૂડેંટ ઇલેક્ટોરલ ટ્રસ્ટ પાસેથી મળ્યું છે. જેણે ભાજપને ૭૨૩ કરોડ રૃપિયા અને કોંગ્રેસને ૧૫૬ કરોડ રૃપિયા આપ્યા છે. બીજા શબ્દોમાં કહેવામાં આવે તો ૨૦૨૩-૨૪માં ભાજપને લગભગ ૩૩ ટકા અને કોંગ્રેસને ૫૦ ટકાથી વધુ દાનની રકમ પ્રૂડેંટ ઇલેક્ટોરલ ટ્રસ્ટે આપી હતી.
ભાજપ અને કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલા દાનની રકમમાં ઇલેકટોરલ બોન્ડ દ્વારા આપવામાં આવેલા નાણાંનો સમાવેશ થતો નથી.
માન્યતા પ્રાપ્ત રાષ્ટ્રીય પક્ષ આમ આદમી પાર્ટી (આપ)ને નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં ૧૧.૦૬ કરોડ રૃપિયાનું દાન મળ્યું છે. અન્ય રાષ્ટ્રીય પક્ષ સીપીઆઇ-એમને ૭.૬૪ કરોડ રૃપિયાનું ડોનેશન મળ્યું હતું.
ઉત્તર પૂર્વના એક માત્ર માન્યતા પ્રાપ્ત રાષ્ટ્રીય પક્ષ નેશનલ પીપલ્સ પાર્ટી (એનપીપી)ને દાનમાં ૧૪.૮૫ લાખ રૃપિયા મળ્યા છે.
કોંગ્રેસને ૧.૩૮ લાખ રૃપિયાની એવી દાનની રકમ પ્રાપ્ત થઇ છે જેમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા, કે સી વેણુગોપાલ અને દિગ્વિજય સિંહ સહિતના ટોચના નેતાઓ પાસેથી મળેલ દાન પણ સામેલ છે.
મહારાષ્ટ્રના આગામી મુખ્ય પ્રધાન તરીકે દેવેન્દ્ર ફડણવીસ ગુરુવારે શપથગ્રહણ કરશે, રાજ્યપાલ સી. પી. રાધાકૃષ્ણને તેમને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું છે. દેવેન્દ્ર ફડણવીસ 10 વર્ષમાં ત્રીજી વખત મુખ્ય પ્રધાન તરીકેના શપથ ગ્રહણ કરશે જ્યારે આ વિશેષ સમારંભમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. 2014માં પહેલી વખત મુખ્ય પ્રધાન બનેલા દેવેન્દ્ર ફડણવીસે પાંચ વર્ષની પૂરી મુદત સરકાર ચલાવી હતી. 2019માં તેઓ ફક્ત ત્રણ દિવસ માટે મુખ્ય પ્રધાન બન્યા હતા.
અજિત પવાર સહિત બે નાયબ મુખ્ય પ્રધાન પણ આઝાદ મેદાનમાં આયોજિત ભવ્ય કાર્યક્રમમાં શપથ ગ્રહણ કરશે. વિદાયમાન મુખ્ય પ્રધાન એકનાથ શિંદે નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લેશે કે નહીં તેની હજી સુધી સ્પષ્ટતા કરવામાં આવી નથી, પરંતુ ફડણવીસે એમ જણાવ્યું હતું કે તેમણે શિંદેને સરકારમાં જોડાવા માટે વિનંતી કરી છે. શિંદેએ કહ્યું હતું કે તેમની પાર્ટીમાંથી કોણ નાયબ મુખ્ય પ્રધાન બનશે તેની જાહેરાત બાદમાં કરવામાં આવશે.
મહાયુતિના ઘટક પક્ષોનું એક પ્રતિનિધિમંડળ રાજ્યપાલને મળવા રાજભવન પર પહોંચ્યું હતું અને સરકાર રચવાનો દાવો કર્યો હતો.
આ પહેલાં વિધાનભવનમાં ભાજપના વિધાનસભ્યોની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં કેન્દ્રીય નિરીક્ષકો વિજય રૂપાણી અને નિર્મલા સીતારમણની હાજરીમાં દેવેન્દ્ર ફડણવીસને વિધાનમંડળ પક્ષના અધ્યક્ષ ચૂંટી કાઢવામાં આવ્યા હતા. ભાજપના નેતા ચંદ્રકાંત પાટિલે ફડણવીસના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો.
ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને કેન્દ્રીય નિરીક્ષક વિજય રૂપાણીએ ફડણવીસ ભાજપ વિધાનમંડળ પક્ષના નેતા ચૂંટાઈ આવ્યા હોવાની જાહેરાત કરી હતી.
અન્ય કેન્દ્રીય નિરીક્ષક નિર્મલા સીતારમણે જાહેરાત કરી હતી કે ડબલ એન્જિનની સરકાર વિકાસને ગતિ આપશે. ફડણવીસે ભાજપના વિધાનસભ્યોનો તેમનામાં વિશ્ર્વાસ રાખવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
આઝાદ મેદાનમાં શપથ ગ્રહણ કાર્યક્રમ માટે ભાજપના 40,000 સમર્થકો અને 2,000 વીવીઆઈપીઓ માટે બેઠકની વ્યવસ્થા કરવામાં આવી છે. આ કાર્યક્રમને ધ્યાનમાં રાખીને સુરક્ષા માટે 4,000 પોલીસ જવાનોને બંદોબસ્ત માટે ગોઠવી દેવામાં આવ્યા છે, જેમાં 520 અધિકારીઓનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત એસઆરપીએફ, ક્યુઆરટી (ક્વિક રિસ્પોન્સ ટીમ), રાયટ ક્ધટ્રોલ ટીમ, ડેલ્ટા, કોમ્બેટ ટીમ અને બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વૉડને પણ ફરજ પર ગોઠવી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત ટ્રાફિકની વ્યવસ્થા સંભાળવા માટે ટ્રાફિક પોલીસના 280 જવાનો ખડેપગે ફરજ બજાવશે. રાજ્યના મુખ્ય સચિવ સુજાતા સૌનિક દ્વારા આ સમારંભની આમંત્રણ પત્રિકાઓ વિતરિત કરવામાં આવી હતી, જેમાં દેવેન્દ્ર ફડણવીસના નામમાં પહેલાં માતા સરિતા અને પછી પિતા ગંગાધર લખવામાં આવ્યું હતું. આમ દેવેન્દ્ર સરિતા ગંગાધર ફડણવીસના મુખ્ય પ્રધાન તરીકેના શપથ ગ્રહણનું આમંત્રણ અપાયું છે.
મહારાષ્ટ્રમાં સરકારની સ્થાપનાની તૈયારીઓ ચાલી રહી છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતે હાજર રહેવાના હોવાથી આઝાદ મેદાનમાં શપથગ્રહણ સમારોહની તૈયારીઓ જોરશોરથી થઈ રહી છે. આ બધાની વચ્ચે હજી સુધી રાજ્યના આગામી મુખ્ય પ્રધાનના નામને લઈને સસ્પેન્સ અકબંધ છે. દેવેન્દ્ર ફડણવીસ મુખ્ય પ્રધાન બનશે એવું માનવામાં આવી રહ્યું છે, પરંતુ આ સસ્પેન્સનો બુધવારે અંત આવશે. બુધવારે 04/12/24 સાંજ સુધીમાં મુખ્ય પ્રધાનનું નામ જાહેર કરવામાં આવે એવી શક્યતા જોવાઈ રહી છે.
મહારાષ્ટ્રના આગામી મુખ્ય પ્રધાન ભાજપના જ હશે એમાં હવે કોઈ શંકા નથી. ભાજપના વિધિમંડળ પક્ષના નેતા હજી સુધી નક્કી કરવામાં આવ્યા નથી. આ બધી બાબતોને કારણે વિપક્ષની થઈ રહેલી ટીકાથી કંટાળેલા ભાજપે મંગળવારે બે કેન્દ્રીય નિરીક્ષકોને મુંબઈ મોકલ્યા હતા. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ મંગળવારે મુંબઈ આવી પહોંચ્યા હતા.
આ બંને કેન્દ્રીય નિરીક્ષકોની હાજરીમાં બુધવારે 04/12/24 ભાજપના વિધિમંડળ પક્ષની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાજપના બધા જ વિધાનસભ્યો હાજર રહેશે અને તેઓ પોતાના નેતાને ચૂંટી કાઢશે. આ સંપૂર્ણ પ્રક્રિયા પર કેન્દ્રીય નિરીક્ષકો નજર રાખશે અને ભાજપ વિધિમંડળ પક્ષની પસંદગી અંગે તેઓ કેન્દ્રીય નેતૃત્વને જાણકારી આપશે. આને પગલે કેન્દ્રીય નેતૃત્વ મહારાષ્ટ્રના આગામી મુખ્ય પ્રધાનની જાહેરાત કરશે. આ બધું સાંજ પહેલાં પૂરી થવાની અપેક્ષા છે અને તેથી જ સાંજ સુધીમાં આગામી મુખ્ય પ્રધાનનું નામ જાહેર થતાં 10 દિવસથી ચાલી રહેલી રાજ્યના લોકોની ઈંતેજારીનો અંત આવશે.
સુપ્રીમ કોર્ટે મંગળવારે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનના બદલે બેલેટ પેપર મારફત ચૂંટણી કરાવવાની માગ કરતી અરજી ફગાવી દીધી છે. તેમજ ફટકાર લગાવી હતી કે, ‘જ્યારે તમે ચૂંટણી હારી જાઓ છો, ત્યારે ઈવીએમ સાથે ચેડાં થઈ જાય છે. અને જીતો તો કોઈ ફરિયાદ કરતાં નથી.’
ખ્રિસ્તી ધર્મના પ્રચારક તથા પોતાને રાજકીય વિશ્લેષક ગણાવતાં કે.એ પોલ દ્વારા કરવામાં આવેલી અરજીમાં લોકતંત્રની રક્ષા માટે ફરીથી બેલેટ પેપર મારફત ચૂંટણી કરવાની જરૂરિયાત દર્શાવાઈ હતી. અરજદારે કહ્યું કે, ‘આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડૂ, પૂર્વ મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીએ પણ દાવો કર્યો હતો કે, ઈવીએમને હેક કરી શકાય છે. ઈલોન મસ્કે પણ ઈવીએમ હેક થતુ હોવાનો દાવો કર્યો હતો.’
સુપ્રીમ કોર્ટની બેન્ચે અરજી ફગાવતાં કહ્યું કે, ‘જ્યારે ચંદ્રબાબુ નાયડૂ કે રેડ્ડી હારી જાય છે, તો તેઓ ઈવીએમ સાથે ચેડાં થયા હોવાનો દાવો કરે છે, પરંતુ જ્યારે જીતે છે, ત્યારે કઈ કહેતા નથી. અમે આવુ બેવડું વલણ કેવી રીતે ચલાવી લઈએ? આ અરજીને અમે રદ કરીએ છીએ.’ જસ્ટિસ નાથે જણાવ્યું કે, ‘આ એ સ્થળ નથી કે, જ્યાં તમે વિવાદ કરી શકો.’
અરજીમાં બેલેટ પેપરથી મતદાન કરવા ઉપરાંત અનેક દિશા-નિર્દેશોની માગ કરવામાં આવી હતી. જેમાં ચૂંટણી પંચને કડક વલણ અપનાવવા માગ કરાઈ છે. જો કોઈ ઉમેદવાર ચૂંટણી દરમિયાન મતદાતાઓને પૈસા, દારૂ કે અન્ય ભૌતિક સાધનોની લાંચ આપતો ઝડપાય તો તેને ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી અયોગ્ય જાહેર કરવામાં આવે.
અરજદાર કે.એ. પોલે સુપ્રીમ કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે, ‘આ એક PIL છે. હું એવા સંગઠનનો અધ્યક્ષ છું કે, જે 3 લાખથી વધુ અનાથો અને 40 લાખ વિધવાઓની મદદ કરે છે. બેન્ચે આ મુદ્દે ફટકાર લગાવ્યો કે, ‘તો તમે રાજકારણમાં કેમ ઉતર્યા છો? તમારૂ કાર્યક્ષેત્ર તદ્દન અલગ છે.’
પોલ દ્વારા બીજી દલીલ કરવામાં આવી કે, ‘તે 150થી વધુ દેશોમાં પ્રવાસ કરી ચૂક્યો છે, જ્યાં બેલેટ પેપરથી મતદાન થાય છે. ભારતે પણ તેનું અનુસરણ કરવુ જોઈએ. દેશના 32 ટકા શિક્ષિત લોકો મતદાન કરતાં નથી, તે આપણા દેશની વિડંબના દર્શાવે છે.’તો બેન્ચે સામો સવાલ કર્યો કે, કેમ તમે વિશ્વ કરતાં અલગ દેખાવા માગતા નથી.
મહારાષ્ટ્રમાં આજે (20 નવેમ્બર, 2024) વિધાનસભા ચૂંટણી યોજાઈ રહી છે. આજે સવારે 7 વાગ્યાથી બંને Maharashtra & Jharkhand રાજ્યોના મતદાન મથકો પર મતદાન શરૂ થઈ ચૂક્યું છે.
મહારાષ્ટ્રના અનેક દિગ્ગજ નેતાઓ જેમ કે શરદ પવાર, મુખ્યમંત્રી એકનાશ શિંદે, ઉદ્ધવ ઠાકરે, અજિત પવાર અને દેવેન્દ્ર ફડણવીસના ભાવિનો ફેંસલો થશે. જણાવી દઈએ કે, મહારાષ્ટ્રમાં આજે મતદાન થઈ રહ્યું છે અને 23મીએ પરિણામ જાહેર કરાશે.
ઝારખંડમાં આજે બીજા(અંતિમ) તબક્કાનું મતદાન થઈ રહ્યું છે અને 23 નવેમ્બરે પરિણામ જાહેર કરાશે. ઝારખંડમાં સત્તાધારી ઈન્ડિયા બ્લોક અને NDA વચ્ચે મુકાબલો છે. આ સિવાય ચાર રાજ્યોની 15 બેઠકો પર પેટાચૂંટણી પણ યોજાઈ રહી છે.
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત વહેલી સવારે મતદાન કરવા પહોંચ્યા હતા. તેમણે ભાઉસાહેબ સ્કૂલમાં મતદાન કર્યું. તેમણે લોકોને મતદાનની અપીલ કરતાં કહ્યું હતું, કે ‘લોકતંત્રમાં મતદાન દરેક નાગરિકની ફરજ છે. હું ઉત્તરાખંડમાં હતો, કાર્યક્રમ ટૂંકાવીને મતદાન કરવા આવ્યો છું.
PM મોદીએ લોકોને કરી અપીલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ X પર પોસ્ટ કરીને ઝારખંડ અને મહારાષ્ટ્રના લોકોને મતદાન કરવા અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું, કે તમારો એક એક મત રાજ્યની તાકાત છે. ઉત્સાહ સાથે લોકતંત્રના ઉત્સવની રોનક વધારો.
મહારાષ્ટ્રમાં 288 અને ઝારખંડમાં 38 બેઠકો પર ચૂંટણી
મહારાષ્ટ્રમાં અલગ-અલગ મોરચા પર અલગ અલગ લડાઈઓ છે. બંને પવાર અને શિંદે-ઠાકરે પોતાની પાર્ટીઓ વચ્ચે જબરદસ્ત લડાઈ શરૂ છે. મહારાષ્ટ્રમાં વિધાનસભાના 288 સભ્યોને ચૂંટવા માટે મતદાન થઈ રહ્યું છે. રાજ્યમાં છેલ્લી વિધાનસભા ચૂંટણીઓ ઓક્ટોબર 2019માં યોજાઈ હતી. જ્યારે ઝારખંડની વાત કરીએ તો રાજ્યની તમામ 81 બેઠકો છે, જેમાં બીજા તબક્કામાં બાકીની 38 બેઠકો પર મતદાન યોજાઈ રહ્યું છે. જેમાં 528 ઉમેદવારોનું ભાવિ આજે ઈવીએમમાં કેદ થશે. ઝારખંડ વિધાનસભાનો કાર્યકાળ પાંચમી જાન્યુઆરી 2025ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લી વિધાનસભા ચૂંટણી ડિસેમ્બર 2019માં યોજાઈ હતી.
કોના કેટલા ઉમેદવારો મેદાનમાં?
ભાજપ 149 બેઠકો પર, શિવસેના 81 બેઠકો પર અને અજિત પવારની આગેવાની હેઠળની NCPએ 59 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. વિપક્ષી ગઠબંધનમાં કોંગ્રેસે 101, શિવસેના (UBT) 95 અને NCP (SP) 86 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. 50થી વધુ સીટો પર બંને શિવસેનાના ઉમેદવારો એકબીજાની સામે છે, જ્યારે 37 સીટો પર બંને પવારે પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે.
કાકા અને ભત્રીજા વચ્ચે રસપ્રદ લડાઈ
પશ્ચિમ મહારાષ્ટ્રમાં કાકા-ભત્રીજાની લડાઈ રસપ્રદ છે, એક સમૃદ્ધ વિસ્તાર છે જ્યાં પવાર કુળના મૂળ છે. રાજ્યના ચાર વખત પૂર્વ મુખ્યમંત્રી શરદ પવારે ‘દેશદ્રોહીઓને હરાવવા’ અપીલ કરી છે. તે સ્પષ્ટ છે કે તેઓ તેમના ભત્રીજા અજિત પવાર અને તેમના ઉમેદવારો તરફ ઈશારો કરી રહ્યા છે. તેના બદલામાં ભત્રીજા અજિત પવારે તેમની વિરુદ્ધ તીક્ષ્ણ શબ્દોનો ઉપયોગ કરવાનું ટાળ્યું છે. લોકસભા ચૂંટણીમાં NCP (SP) એ NCPની એક બેઠક સામે આઠ બેઠકો જીતી હતી. જ્યારે શિવસેના (UBT) નવ બેઠકો પર જીતી હતી જ્યારે શિવસેના સાત પર જીતી હતી.
શરદ પવાર લોકસભાના પ્રદર્શનની જેમ વિધાનસભામાં આશા રાખીને બેઠા
શરદ પવાર આવતા મહિને 84 વર્ષના થશે. તેમણે લોકસભા ચૂંટણીમાં પોતાના ભત્રીજાને જોરદાર ફટકો આપ્યો હતો. તેઓ વિધાનસભાની ચૂંટણીમાં પણ આનું પુનરાવર્તન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે જ્યારે અજિત પવાર પુનરાગમન માટે આશાવાદી છે. શરદ પવારની આગેવાની હેઠળની NCP (SP) અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT) વિપક્ષી મહા વિકાસ અઘાડીનો ભાગ છે, જેમાં કોંગ્રેસ ત્રીજો મહત્વનો ખેલાડી છે. એનસીપી અને શિવસેના ભાજપની આગેવાની હેઠળની સત્તાધારી મહાયુતિ સાથે ગઠબંધનમાં છે.
ઝારખંડમાં 500થી વધુ ઉમેદવારો મેદાનમાં છે
ઝારખંડમાં આજે વિધાનસભા ચૂંટણીનો બીજો તબક્કો છે. આ તબક્કો ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન, તેમની પત્ની કલ્પના સોરેન અને વિરોધ પક્ષના નેતા અમર કુમાર બઉરી (ભાજપ) ઉપરાંત અન્ય 500 થી વધુ ઉમેદવારોના ચૂંટણી ભાવિનો નિર્ણય કરશે. 14,218 મતદાન મથકો પર આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ચૂક્યું છે. જેમાં 31 બૂથ સિવાય સાંજે 5 વાગ્યા સુધી મતદાન ચાલુ રહેશે. આ 31 બૂથ પર મતદાન સાંજે 4 વાગ્યે સમાપ્ત થશે. જણાવી દઈએ કે, ઝારખંડમાં કુલ 2.6 કરોડ મતદારો છે.
ચૂંટણી પ્રચાર દરમિયાન, એનડીએએ બાંગ્લાદેશથી કથિત ઘૂસણખોરી અને જામીન પર બહાર છે તેવા મુખ્યમંત્રી સહિતના નેતાઓના ભ્રષ્ટાચારને લઈને જેએમએમના નેતૃત્વવાળા ગઠબંધન પર પ્રહારો કર્યા છે. ભાજપની આગેવાની હેઠળના ગઠબંધને હિન્દુત્વનો મુદ્દો ઉઠાવ્યો હતો.
પૂર્વ મુખ્યમંત્રીઓ ચંપઈ સોરેન, રઘુવરદાસનાં પુત્રવધૂ, મધુ કોડાનાં પત્ની ગીતા કોડા સહિત કુલ 683 ઉમેદવારો મેદાનમાં
ઝારખંડની 43 માંથી 17 બેઠકો સામાન્ય જ્યારે 20 એસટી અને 6 બેઠકો એસસી માટે અનામત ઝારખંડમાં આજે તા.13 નવેમ્બર 2024ના રોજ પહેલા તબક્કામાં 43 બેઠકો પર મતદાન સવારે 7ના ટકોરે શરૂ થઇ ચૂક્યું છે. આ સાથે વાયનાડની લોકસભા બેઠક સહિત વિવિધ રાજ્યોમાં પેટાચૂંટણીના ભાગરૂપે 31 વિધાનસભા બેઠકો પર પણ મતદાન થવાનું છે. ઝારખંડમાં બુધવારે પૂર્વમુખ્યમંત્રીઓ ચંપઈ સોરેન, રઘુવરદાસ, પૂર્વ સીએમ મધુ કોડાનાં પત્ની ગીતા કોડા જેવા ચર્ચાસ્પદ નેતાઓ સહિત કુલ 683 ઉમેદવારોના ભાવી ઈવીએમમાં કેદ થશે. બીજીબાજુ વાયનાડ લોકસભા બેઠક પર હાલ કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાનો વિજય નિશ્ચિત મનાઈ રહ્યો છે.
ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીમાં 13 નવેમ્બર અને 20 નવેમ્બર એમ બે તબક્કામાં મતદાન થવાનું છે ત્યારે કુલ 2.60 કરોડ મતદારોમાંથી 1.37 કરોડ મતદારો બુધવારે પહેલા તબક્કામાં 43 બેઠકો પર મતદાન કરશે. બાકીની 38 બેઠકો પર ૨૦ નવેમ્બરે મતદાન થશે. ઝારખંડમાં પહેલા તબક્કામાં બુધવારે સૌથી વધુ છ બેઠકો પૂર્વ સિંહભૂમ જિલ્લામાં છે. ત્યાર પછી પલામુ, પશ્ચિમી સિંહભૂમ અને રાંચી જિલ્લામાં પાંચ-પાંચ બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આ બેઠકો પર આજે બુધવારે સવારે 7 થી સાંજે 5 વાગ્યા સુધી મતદાન થશે. જોકે, 950 મતદાન મથકો પર સાંજે 4 વાગ્યે મતદાન પૂરું થઈ જશે. રાજ્યમાં 43માંથી 17 બેઠકો સામાન્ય, 20 એસટી અને 6 બેઠકો એસસી માટે અનામત છે.
ઝારખંડમાં નક્સલી પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખતા ચૂંટણી પ્રક્રિયામાં કાયદો-વ્યવસ્થા અને સુરક્ષા જાળવવા માટે વ્યૂહાત્મક સ્થળો પર સુરક્ષા દળોની 200થી વધુ કંપનીઓ તૈનાત કરાઈ છે. પહેલા તબક્કામાં 73મહિલા સહિત 683 ઉમેદવારો મેદાનમાં છે. અગાઉની વિધાનસભા ચૂંટણીમાં આ 43 બેઠકોમાંથી 30 બેઠકો પર ઝારખંડ મુક્તિ મોરચા, ૨૫ બેઠકો પર ભાજપ અને 16 બેઠકો પર કોંગ્રેસનો વિજય થયો હતો.
ઝારખંડમાં બુધવારે કેટલીક મહત્વપૂર્મ બેઠકોમાં સરાઈકેલા કે જ્યાં પૂર્વ મુખ્યમંત્રી ચંપઈ સોરેન ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. તેઓ આ બેઠક પર 2005થી ઝામૂમોના પ્રતિનિધિ તરીકે ચૂંટાતા હતા. આ વખતે તેઓ પહેલી વખત ભાજપના ઉમેદવાર તરીકે લડશે. આ સિવાય જમશેદપુર પૂર્વમાં ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી અને ઓડિશાના વર્તમાન રાજ્યપાલ રઘુબર દાસનાં પુત્રવધૂ પુર્ણિમા દાસ સાહુ કોંગ્રેસના અજય કુમાર સામે મેદાનમાં છે. જગન્નાથપુરમાં પૂર્વ મુખ્યમંત્રી મધુ કોડાનાં પત્ની ગીતા કોડા ભાજપના ઉમેદવાર તરીકે કોંગ્રેસના નેતા સોના રામ સિંકુ સામે લડશે.
દરમિયાન દેશમાં પેટા ચૂંટણીના ભાગરૂપે વાયનાડ લોકસભા બેઠક સહિત વિવિધ રાજ્યોમાં 31 વિધાનસભા બેઠકો પર પણ મતદાન થશે. કેરળની વાયનાડ લોકસભા બેઠક પરથી પ્રિયંકા ગાંધી વાડ્રા ચૂંટણીના રાજકારણમાં પદાર્પણ કરી રહ્યાં છે. આ પેટા ચૂંટણીમાં મતદાનથી કોઈપણ જગ્યાએ સરકારો પર કોઈ મોટી અસર થવાની નથી, પરંતુ કોંગ્રેસ અને ઈન્ડિયા ગઠબંધન હરિયાણામાં નિષ્ફળ ગયા હોવાથી આ પેટા ચૂંટણીઓને કોંગ્રેસ તથા ઈન્ડિયા ગઠબંધન માટે મોટા પડકાર સમાન માનવામાં આવે છે. આ મોટાભાગની બેઠકો વર્તમાન ધારાસભ્યો લોકસભા ચૂંટણી લડીને જીત્યા હોવાથી ખાલી પડી છે. વિવિધ રાજ્યોમાં વિધાનસભાની પેટા ચૂંટણીઓમાં રાજસ્થાનમાં સાત, પશ્ચિમ બંગાળમાં છ, આસામમાં પાંચ, બિહારમાં ચાર, કર્ણાટકમાં ત્રણ, મધ્ય પ્રદેશમાં બે અને છત્તિસગઢ, ગુજરાત, કેરળ તથા મેઘાલયમાં એક-એક બેઠકો પર મતદાન થશે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.