CIA ALERT

ઇન્ડીયા Archives - Page 45 of 217 - CIA Live

June 10, 2022
rajya_sabha.jpg
1min457

15 રાજ્યની 57માંથી 41 બેઠકો ઉપર નિર્વિરોધ જીત પછી બાકીની 16 બેઠકો માટે
આજે ખરાખરીનો ખેલ: તોડજોડ અને ક્રોસવોટિંગની આશંકા વચ્ચે રિસોર્ટ પોલિટિક્સથી રોમાંચ
દેશનાં રાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખનું આજે એલાન થયું છે પણ તે પહેલા અત્યારે સંસદનાં ઉપલા ગૃહ રાજ્યસભાની ચૂંટણીનો ગરમાવો અને ધમધમાટ ચરમસીમાએ છે. આવતીકાલે યોજાનારી ચૂંટણી અને તેનાં પરિણામો વચ્ચે હવે ગણતરીનાં કલાકો જ બચ્યા છે. આ વખતની રાજ્યસભાની દ્વિવાર્ષિક ચૂંટણી આમ તો 1પ રાજ્યોની કુલ મળીને પ7 બેઠકો ઉપર થવાની હતી પણ ઉમેદવારી પરત ખેંચવાના અંતિમ દિવસે 41 સદસ્યો નિર્વિરોધ ચૂંટાઈ આવ્યા હોવાથી હવે માત્ર 16 બેઠકો ઉપર જ કાલે ચૂંટણી યોજાશે.

અત્યાર સુધીમાં આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, બિહાર, ઝારખંડ, મધ્યપ્રદેશ, ઓરિસ્સા, તામિળનાડુ, તેલંગણ, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ અને પંજાબ એમ કુલ મળીને 11 રાજ્યોમાં વિભિન્ન પક્ષનાં 41 ઉમેદવારો બિનહરીફ જીતી ગયા છે. બાકી બચતી 16 બેઠકો માટે જ શુક્રવારે મતદાન થવાનું છે અને તેમાં કેટલીક બેઠકો ઉપર તો ભારે રોમાંચક રસાકસી જામવાની છે.
જે 16 રાજ્યસભા બેઠકો માટે આવતીકાલે ચૂંટણી યોજાવાની છે તેમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરિયાણા અને કર્ણાટકની બેઠકોનો સમાવેશ થાય છે. પક્ષોને આમાં સોદાબાજીથી લઈને ક્રોસ વોટિંગ સુધીનો ડર સતાવી રહ્યો છે. ઉમેદવારો પણ તોડજોડનાં રાજકારણમાં વ્યસ્ત છે અને પક્ષોએ પોતાનાં આંકડા ટકાવી રાખવા માટે વિધાયકોને રિસોર્ટમાં છૂપાવવા સુધીની રણનીતિઓ અપનાવેલી છે. કોઈ ધારાસભ્ય આડાઅવળો ન થઈ જાય એટલે તેમની પહેરેદારી થઈ રહી છે.
મહારાષ્ટ્રની છ બેઠકો ઉપર ચૂંટણી થવાની છે. જેમાં કોંગ્રેસ, એનસીપી પાસે એક-એક બેઠક જીતવા માટે પૂરતું સંખ્યાબળ છે.

તો ભાજપ પાસે બે બેઠકો માટે તાકાત છે. આવી જ રીતે શિવસેના પાસે એક બેઠક ઉપર ઉમેદવારને રાજ્યસભામાં મોકલવાની પર્યાપ્ત સંખ્યા છે. જો કે શિવસેનાએ પોતાનાં બીજા ઉમેદવારની જીત સુનિશ્ચિત કરવાં માટે પોતાનાં સહયોગી અને અપક્ષ સહિત કુલ 30 મતની આવશ્યકતા છે.

રાજસ્થાનની વાત કરવામાં આવે તો ત્યાં 4 બેઠકો ઉપર સીધી ટક્કર છે. કોંગ્રેસનાં ત્રણ ઉમેદવાર મુકુલ વાસનિક, રણદીપ સુરજેવાલા અને પ્રમોદ તિવારી મેદાને છે. આ ત્રણેય ઉમેદવાર માટે 123 વિધાયકોનાં મતની જરૂર કોંગ્રેસને છે. બદલાતા માહોલમાં જ ફક્ત ત્રણ જ વિધાયકનાં ઉલટસુલટ થઈ જાય તો કોંગ્રેસનાં ત્રીજા ઉમેદવારની હાર પણ સંભવ છે. કારણ કે કોંગ્રેસ પાસે પોતાનાં ફક્ત 108 ધારાસભ્ય છે. એક આરએલડી, 13 અપક્ષ, બે સીપીએમ અને બે બીટીપીનાં મત કોંગ્રેસને મળે ત્યારે તેના 126 મત થઈ શકે તેમ છે. ભાજપનાં સમર્થન સાથે સુભાષ ચંદ્રા અપક્ષ ઉમેદવાર બનેલા છે. તેમને 11 મતની જરૂર છે. જેમાં તેમને ભાજપનાં 30 સરપ્લસ અને આરએલપીનાં ત્રણ વિધાયકનાં મત મળી શકે તેમ છે.
હરિયાણામાં બે બેઠકો માટે રાજ્યસભાની ચૂંટણી થશે. અહીં કાર્તિકેય શમાએ મુકાબલાને રસાકસી ભરેલો બનાવી દીધો છે. શર્માને ભાજપનું સમર્થન છે. તેમને જીત માટે 31 મતની જરૂર છે. જે અજય માકન માટે પડકાર સમાન બની ગયું છે. માકન તો જ જીતી શકશે જો તેને કોંગ્રેસનાં 31માંથી 30 વિધાયકનાં મત મળે. એવું કહેવાય છે કે, કોંગ્રેસનાં ત્રણ મત એવા છે જેણે પોતાનાં તમામ વિકલ્પો ખુલ્લા રાખ્યા છે.

કર્ણાટકમાં 4 બેઠકો ઉપર ચૂંટણી થવાની છે. પહેલા અહીં આસાન ચૂંટણી દેખાતી હતી પણ કોંગ્રેસે પ્રદેશ મહાસચિવ મન્સૂર અલીને પોતાનાં ઉમેદવાર બનાવીને પેચ ફસાવી દીધો છે. ભાજપે અહીં વિધાન પરિષદનાં સભ્ય લહેરસિંહને પોતાના ત્રીજા ઉમેદવાર બનાવ્યા છે. 224 બેઠકોની કર્ણાટક વિધાનસભામાં એક રાજ્યસભા બેઠક માટે 4પ વિધાયકનાં મતની જરૂર હોય છે. કોંગ્રેસ પાસે 70 છે પણ પક્ષે જયરામ રમેશ અને મન્સૂર અલી ખાનને મેદાને ઉતારીને લડત આપવાનું મન બનાવ્યું હતું. કોંગ્રેસને હવે બીજી બેઠક માટે વધારાનાં 20 મતની જરૂર છે.

June 9, 2022
mask_in_flights.jpg
1min487

એવિયેશન રેગ્યુલેટર DCGAએ એરપોર્ટ અને હવાઈ મુસાફરી દરમિયાન માસ્ક ન પહેરનારાઓની સામે કડક વલણ અપનાવ્યું છે. તેમણે કહ્યું છે કે જે મુસાફરોએ માસ્ક નહી પહેર્યુ હોય તેમને અનિયંત્રિત ગણવામાં આવશે અને વિમાનનું ટેક ઓફ થાય તે પહેલા તેમને ફ્લાઈટમાંથી બહાર નીકાળવામાં આવશે. 

તાજેતરમાં કોરોનાના કેસોમાં થયેલો વધારો જોતા આ સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. DCGAએ બુધવારના રોજ એટલે કે આજે જણાવ્યું કે, CISFના જવાન માસ્કના નિયમનો અમલ કરશે. જો કોઈ પણ મુસાફર આ નિયમોને અનુસરવાની ના પાડશે તો તેને વિમાનના ટેક ઓફ પહેલા જ ઉતારી શકાશે.

ઉલ્લેખનીય છે કે DCGAની આ ગાઈડલાઈન દિલ્હી હાઈકોર્ટ તરફથી કોવિડ સુરક્ષાના ઉપાયોનું પાલન કરવાની ના પાડતા મુસાફરો સામે કડક પગલા લેવાના આદેશ બાદ આવી છે. હાઈકોર્ટે 3 જૂનના રોજ પોતાના આદેશમાં કહ્યું હતું કે, કોરોના મહામારી હજું સમાપ્ત થઈ નથી અને જો મુસાફરો વારંવારના રીમાઈન્ડર છતાં પણ પ્રોટોકોલનું પાલન કરવાની ના પાડતા હોય તો તેમની સામે સ્વાસ્થ્ય મંત્રાલય અને DCGAની ગાઈડલાઈન પ્રમાણે પગલા લેવા જોઈએ. 

કોર્ટે કહ્યું હતું કે આવા મુસાફરોને ‘નો ફ્લાય લિસ્ટ’માં મૂકી શકાય છે અથવા આગળની કડક કાયદેસર કાર્યવાહી માટે સુરક્ષા એજન્સીઓને સોંપી શકાય છે. કોર્ટે જણાવ્યું હતું કે અમારી વિચારણા પ્રમાણે આ જ સાચું પગલું હશે કારણકે હજુ કોરોના મહામારી સમાપ્ત નથી થઈ અને ફરીથી તેનું જોર વધી રહ્યું છે.

June 9, 2022
nupur-1280x1195.jpg
1min505

પયગંબર મોહમ્મદ વિરુદ્ધ કથિત ટિપ્પણી કરવા બદલ ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા નુપુર શર્માની મુશ્કેલી વધી ગઈ છે. દિલ્હી પોલીસે ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્મા અને દિલ્હી ભાજપના પૂર્વ નેતા નવીન કુમાર જિંદાલ સહિત સોશિયલ મીડિયા પર નફરત ફેલાવવા બદલ કેટલાક લોકો વિરુદ્ધ FIR નોંધી છે. જેમાં ભાજપની પૂર્વ પ્રવક્તા નૂપુર શર્મા અને દિલ્હી ભાજપના પૂર્વ નેતા નવીન કુમાર જિંદલનું નામ પણ સામેલ છે. દિલ્હી પોલીસે બુધવારે જણાવ્યું હતું કે, તેમણે કેટલાક લોકો સામે કેસ નોંધ્યો છે જેઓ કથિત રીતે નફરતના સંદેશાઓ ફેલાવી રહ્યા છે એટલે કે હેટ મેસેજ ફેલાવી રહ્યા છે. જુદા જુદા જૂથોને ઉશ્કેરી રહ્યા છે અને એવી સ્થિતિ સર્જી રહ્યા છે કે, જે જાહેર શાંતિ અને વ્યવસ્થા જાળવવા માટે હાનિકારક છે.

દિલ્હી પોલીસે જણાવ્યું કે, સ્પેશિયલ સેલના ઈન્ટેલિજન્સ ફ્યુઝન એન્ડ સ્ટ્રેટેજિક ઓપરેશન યુનિટે નુપુર શર્મા અને નવીન જિંદાલ સહિત લગભગ 9 લોકો વિરુદ્ધ FIR નોંધી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે  FIRમાં નૂપુર શર્મા, નવીન કુમાર જિંદલ, શાદાબ ચૌહાણ, સબા નકવી, મૌલાના મુફ્તી નદીમ, અબ્દૂર રહેમાન, ગુલઝાર અંસારી, અનિલ કુમાર મીણા અને પૂજા શકુનનું નામ સામેલ છે. આ બધા પર ઉશ્કેરણીજનક નિવેદન દ્વારા માહોલ ખરાબ કરવાનો આરોપ છે. 

ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ કેપીએસ મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, FIR વિવિધ ધર્મો વિરુદ્ધ નિવેદનોથી સંબંધિત છે. મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, યુનિટ સાયબર સ્પેસ પર અશાંતિ પેદા કરવાના ઈરાદાથી જૂઠી અને ખોટી માહિતીને પ્રોત્સાહન આપવામાં વિવિધ સોશિયલ મીડિયા સંસ્થાઓની ભૂમિકાની તપાસ કરશે. તમને જણાવી દઈએ કે, ટીવી ડિબેટમાં કથિત વિવાદાસ્પદ ધાર્મિક ટિપ્પણી માટે ભાજપ નેતા નૂપુર શર્માને સસ્પેન્ડ કરવાના વિવાદ વચ્ચે આ મામલે સામે આવ્યો છે. આ અગાઉ નૂપુર શર્માની વિરુદ્ધ મુંબઈમાં પણ FIR નોંધવામાં આવી ચૂકી છે. 

પયગંબર મોહમ્મદ પર કથિત ટિપ્પણી બાદ નૂપુર શર્માને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. જેને લઈને દિલ્હી પોલીસે FIR નોંધી હતી અને નૂપુર શર્મા તથા તેમના પરિવારને સુરક્ષા પૂરી પાડી હતી. નુપુર શર્માએ તેમને મળી રહેલી ધમકીઓનો હવાલો આપતા પોલીસને સુરક્ષા પ્રદાન કરવાની વિનંતી કરી હતી.

June 2, 2022
soniya.jpg
1min502

દેશભરમાં કોરોનાનું સંક્રમણ યથાવત છે. કોરોનાના વધતા જતા કેસની વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી કોરોના સંક્રમિત થયા છે. હાલમાં તેઓ પોતે આઈસોલેશન થયા છે. કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ કહ્યું હતું કે, સોનિયા ગાંધી કોરોના સંક્રમિત થયા છે. તેઓને હળવો તાવ અને કેટલાક અન્ય લક્ષણો છે. તેથી તેમને જરૂરી સારવાર આપવામાં આવી રહી છે.  હાલમાં તે આઈસોલેશનમાં છે પરંતુ તેમને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)માં હાજરી આપવામાં કોઈ અસર નહી પડશે. 

તમને જણાવી દઈએ કે, સોનિયા ગાંધીને 8મી જૂનના રોજ નેશનલ હેરાલ્ડ અખબાર સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)માં હાજર થવાના હતા. તેમની સાથે તેમના પુત્ર અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીને પણ હાજર કરવામાં આવશે. તેમણે (રાહુલ)ને ગુરૂવારે હાજર થવા માટે કહેવામાં આવ્યું છે પરંતુ તેઓ હાલમાં દેશમાં નથી. આવી સ્થિતિમાં તેણે તપાસ એજન્સીને વિનંતી કરી છે કે, તેમને 5 જૂન બાદ કોઈપણ દિવસે હાજર થવાની તારીખ આપવામાં આવે.

June 1, 2022
kk.jpg
1min558

કોલકાતા ખાતે એક કાર્યક્રમ દરમિયાન તબિયત ખરાબ થયા બાદ ગાયક કેકેનું મંગળવારના રોજ અવસાન થયું છે. 

ફેમસ સિંગર કેકે ઉર્ફે કૃષ્ણ કુમાર કુન્નથ માત્ર 53 વર્ષની ઉંમરે આ દુનિયાને અલવિદા કહી ગયા છે. કોન્સર્ટ બાદ કેકેની તબિયત બગડી હતી અને હાર્ટ એટેકના કારણે તેમનું અવસાન થયું હોવાનું કહેવામાં આવ્યું હતું. 

ડોક્ટર્સના કહેવા પ્રમાણે પોસ્ટમોર્ટમ બાદ મૃત્યુનું સાચુ કારણ જાણી શકાશે પરંતુ કેકેના મોઢા અને માથાના ભાગે ઈજાના નિશાન મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે. જાણવા મળ્યા મુજબ કોલકાતાના ન્યૂ માર્કેટ પોલીસ સ્ટેશન ખાતે કેકેના અપ્રાકૃતિક મૃત્યુનો એક કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ કેકેના પરિવારની રાહ જોઈ રહી છે. પરિવારની મંજૂરી બાદ અને બોડીની ઓળખવિધિ બાદ પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. કેકેના પત્ની અને દીકરો કોલકાતા પહોંચી રહ્યા છે અને પોલીસ દ્વારા તેમનું નિવેદન પણ નોંધવામાં આવશે.તેઓ કોલકાતાના નજરૂલ મંચ પર ગુરૂદાસ કોલેજના ફેસ્ટિવલ દરમિયાન પ્રસ્તુતિ આપી રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન તેમની તબિયત ખરાબ થઈ ગઈ હતી. જાણવા મળ્યા મુજબ તેઓ જે હોટેલમાં રોકાયા હતા તેની સીડીઓ પરથી કથિત રીતે પડી ગયા હતા. હોસ્પિટલના પ્રવક્તાએ ગાયકને હોસ્પિટલ લાવવામાં આવ્યા ત્યારે તેઓ મૃત હોવાની જાણકારી આપી હતી. 

કેકે તેમના ‘પલ’ અને ‘યારોં’ જેવા ગીતો માટે પ્રખ્યાત છે જે 1990ના દશકાના અંતમાં યુવાવર્ગમાં ખૂબ જ હિટ રહ્યા હતા. આ ગીતો મોટા ભાગે શાળા અને કોલેજીસના વિદાય અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં લોકપ્રિય છે. 

કેકેના 1999માં આવેલા પ્રથમ આલ્બમ ‘પલ’ની સંગીત સમીક્ષકોએ ખૂબ જ પ્રશંસા કરી હતી. 2000ના દશકની શરૂઆતથી તેમણે પાર્શ્વ ગાયનમાં પોતાની કરિયર બનાવી અને બોલિવુડની ફિલ્મો માટે પણ લોકપ્રિય ગીતોની એક વિસ્તૃત શૃંખલા રેકોર્ડ કરી. તેમણે હિંદી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, મરાઠી અને બંગાળી સહિત અન્ય કેટલીય ભાષાઓમાં ગીત રેકોર્ડ કર્યા હતા.

June 1, 2022
rain_forecast.png
1min478

હવામાન વિભાગે ગુજરાત સહિત દેશના મોટા ભાગનાં રાજ્યોમાં આ વખતે ચોમાસામાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડવાની આગાહી કરી હતી.

ગુજરાતથી ઓડિશા સુધીનાં રાજ્યોમાં વરસાદની લાંબા ગાળાની સરેરાશ ૧૦૬ ટકાથી વધુ રહેવાની આશા છે. દેશમાં આ સતત ચોથા વર્ષે સારું ચોમાસું રહેવાની આગાહી છે. સારા વરસાદને લીધે પાકનું વિપુલ ઉત્પાદન થવાની અને ફુગાવો અંકુશમાં આવવાની આશા રખાય છે.

હવામાન વિભાગના ડિરેક્ટર જનરલ મૃત્યુંજય મોહપાત્રે અહીં પત્રકારોને સંબંધિત માહિતી આપતા જણાવ્યું હતું કે દેશમાં ચોમાસા દરમિયાન (લાંબા ગાળાનો) સરેરાશ વરસાદ ૧૦૩ ટકા થવાની આશા છે. અગાઉ, હવામાન વિભાગે (લાંબા ગાળાનો) સરેરાશ વરસાદ ૯૯ ટકા થવાની એપ્રિલમાં આગાહી કરી હતી. આખા દેશમાં ચોમાસા દરમિયાન  વરસાદની લાંબા ગાળાની સરેરાશની ગણતરી ૧૯૭૧થી ૨૦૨૦નાં પચાસ વર્ષ દરમિયાન પડેલા વરસાદની સરેરાશને આધારે કરાય છે.
હવામાન વિભાગના ડિરેક્ટર જનરલ મૃત્યુંજય મોહપાત્રે જણાવ્યું હતું કે મધ્ય ભારત અને દક્ષિણ દ્વીપકલ્પમાં વરસાદ સામાન્ય કરતાં વધુ પડવાની અને ઇશાન તેમ જ વાયવ્ય ભારતમાં સામાન્ય વરસાદ પડવાની આશા છે. આગામી થોડાં વર્ષો દરમિયાન પણ ચોમાસું સારું રહેવાની શક્યતા છે.

હવામાન ખાતાએ જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીર, લદાખ, ઉત્તરાખંડ અને અરુણાચલ પ્રદેશ સિવાયના દેશના મોટા ભાગના વિસ્તારમાં જૂન દરમિયાન મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ઓછું રહેવાની એટલે કે વધુ ઠંડી પડવાની આશા છે.
અગાઉ, દેશમાં ૨૦૦૫થી ૨૦૦૮ અને ૨૦૧૦થી ૨૦૧૩ સુધી સતત ચાર વર્ષ સારું ચોમાસું રહ્યું હતું.

દેશમાં ખેતીનો ઘણો આધાર નૈર્ઋત્યના ચોમાસા પર રહેલો છે અને તે દેશના અર્થતંત્ર માટે ઘણું મહત્ત્વનું ગણાય છે.

May 31, 2022
satyendra_jain.jpg
1min591

Enforcement Directorateએ દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની ધરપકડ કરી છે. મની લૉન્ડ્રિંગ સાથે જોડાયેલા કેસ મામલે તેઓની ધરપકડ કરવામાં આવી છે. હાલમાં Enforcement Directorateએ મોટી કાર્યવાહી કરતા મની લૉન્ડ્રિંગ કેસમાં સત્યેન્દ્ર જૈનના પરિવાર સાથે જોડાયેલી 4.81 કરોડની સંપત્તિને અટેચ કરી હતી. જૈનના નજીકના લોકોનો કેટલીક એવી કંપનીઓ સાથે સંબંધ હતો જેની પ્રિવેન્શન ઓફ મની લૉન્ડ્રિંગ એક્ટ (Prevention of Money Laundering Act) હેઠળ તપાસ ચાલી રહી હતી. અહીં નોંધનીય છે કે સત્યેન્દ્ર જૈન દિલ્હી સરકારમાં સ્વાસ્થ્ય, વીજળી, ગૃહ, પીડબ્લ્યુડી, ઉદ્યોગ, શહેર વિકાસ, સિંચાઈ અને જળમંત્રી છે.

લગભગ 4.81 કરોડ રૂપિયાના મૂલ્યની અચળ સંપત્તિઓ અકિંચન ડેવલપર્સ પ્રાઈવેટ લિમિટેડ, ઈંડો મેટલ ઈંપેક્સ પ્રાઈવેટ લિમિટેડ, પર્યાસ ઈંફોસોલ્યુશન્સ પ્રાઈવેટ લિમિટેડ, મંગલયાતન પ્રોજેક્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ, જેજે આઈડિયલ એસ્ટેટ પ્રાઈવેટ લિમિટેડ, વૈભવ જૈનના પત્ની સ્વાતિ જૈન, અજીત પ્રસાદ જૈનના પત્ની સુશીલા જૈન અને સુનીલ જૈનના પત્ની ઈન્દુ જૈન સંબંધિત છે.

દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ આ ધરપકડનો વિરોધ કર્યો છે. તેમણે એક પછી એક ટ્વિટમાં જણાવ્યું કે સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ 8 વર્ષથી એક ખોટો કેસ ચલાવાઈ રહ્યો છે. અત્યાર સુધીમાં ED તેઓને ઘણી વખત બોલાવી ચૂકી છે. વચ્ચે ઘણાં વર્ષો EDએ તેઓને બોલાવાનું બંધ કરી દીધું હતું કારણકે તેઓને કશું મળ્યું નહોતું. હવે ફરી શરૂ કર્યું છે કારણકે સત્યેન્દ્ર જૈન હિમાચલ ઈલેક્શનના ઈન્ચાર્જ છે. સિસોદિયાએ એવો દાવો કર્યો છે કે હિમાચલમાં બીજેપી હારી રહી છે. માટે સત્યેન્દ્ર જૈનની આજે ધરપકડ કરવામાં આવી છે કે જેથી તેઓ હિમાચલ ના જઈ શકે. જૈન થોડા દિવસોમાં છુટી જશે કારણકે કેસ એકદમ ખોટો છે.

દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ભ્રષ્ટાચાર અને હવાલા કેસમાં જૈન સામે તપાસ ચાલી રહી હતી. સત્યેન્દ્રને અરવિંદ કેજરીવાલના નજીકના માનવામાં આવે છે. બે મહિના અગાઉ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ CBI દ્વારા નોંધાયેલી FIR બાદ જૈનના પરિવાર અને કંપનીઓની રૂપિયા 4.81 કરોડની સ્થાવર મિલકતો અસ્થાયી ધોરણે ટાંચમાં લેવામાં આવી છે.

May 31, 2022
Indian-Defence.jpg
1min457

દુનિયાએ વર્ષ 2021માં સેના પાછળ થતાં ખર્ચમાં 0.7 ટકાનો વધારો કર્યો છે. જે હવે વધીને 2113 અબજ ડોલર એટલે કે આશરે 163 લાખ કરોડ રૂપિયા થાય છે. જે પાંચ દેશે પોતાની સેના ઉપર સૌથી વધુ ખર્ચ કર્યો છે તેમાં અમેરિકા, ચીન, ભારત, બ્રિટન અને રશિયાનો સમાવેશ થાય છે.

આ પાંચ દેશે મળીને દુનિયાના કુલ સૈન્ય ખર્ચના 62 ટકા જેટલો ખર્ચ કર્યો છે. વિદેશી નાણાં અને પોતાનાં શત્રોનાં જોરે હાકલા કરનારા કંગાળ પાકિસ્તાનને આમાં ક્યાંય જગ્યા મળી નથી. પાકિસ્તાને ગત વર્ષે પોતાનાં રક્ષા બજેટમાં 6 ટકાનો વધારો કર્યો હતો. જે વધીને 8.8 અબજ ડોલર એટલે કે 68,227 કરોડ રૂપિયા થાય છે. ભારતની તુલનામાં આ ખૂબ જ ઓછી રકમ છે.

સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટયુટ(સિપ્રી) દ્વારા તાજેતરમાં જ પ્રકાશિત કરવામાં આવેલા એક અહેવાલમાં જાણવા મળે છે કે, કોરોનાકાળનાં બીજા વર્ષે પણ વિભિન્ન દેશોએ પોતાનાં સંરક્ષણ ખર્ચ વધાર્યા છે. છેલ્લાં સાત વર્ષથી સતત દુનિયાનો સંરક્ષણ ખર્ચ વધી રહ્યો છે.

વર્ષ 2021માં અમેરિકાએ પોતાની સેના પાછળ 801 અબજ ડોલર એટલે કે 62.13 લાખ કરોડ રૂપિયા જેટલો ખર્ચ કરેલો. ત્યારબાદ ચીને 293 અબજ ડોલર એટલે કે 22.72 લાખ કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. ત્રીજાં સ્થાને રહેલા ભારતે 76.6 અબજ ડોલર એટલે કે આશરે પ.94 લાખ કરોડ રૂપિયા જેટલો ખર્ચ કર્યો છે. રશિયાએ 6પ.9 અબજ ડોલર-આશરે પ.11 લાખ કરોડ રૂપિયા જેટલો રક્ષા ખર્ચ કર્યો છે.

May 26, 2022
sibal.jpg
1min592
congress leader kapil sibal pain burst out said gandhis should step aside  give some other leader chance - કપિલ સિબ્બલનો સોનિયા ગાંધી પર સીધો પ્રહાર,  કહ્યું હટે ગાંધી પરિવાર, બીજાને ...

ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને દિલ્હીના રાજકારણના મહારથી કપિલ સિબલે બુધવારે કૉંગ્રેસમાંથી રાજીનામું આપીને સમાજવાદી પક્ષના પીઠબળ સાથે રાજ્ય સભા માટે અપક્ષ ઉમેદવાર તરીકે નામંકનપત્ર ભર્યું હતું. કપિલ સિબલનું રાજીનામું લાંબા વખતથી વારંવાર ચૂંટણીઓમાં પછડાટ ખાતા પક્ષ કૉંગ્રેસ માટે વધુ એક મોટો આંચકો છે. કપિલ સિબલે જણાવ્યું હતું કે ત્રણ દાયકાથી જે પક્ષમાં સક્રિય રહ્યો છું, એ જ પક્ષની વિચારસરણી સાથે મારો સંબંધ રહેશે. કપિલ સિબલ બુધવારે લખનઊ ખાતે ઉત્તર પ્રદેશ વિધાનસભાના પરિસરમાં રાજ્યસભાની ઉમેદવારી માટે નામાંકનપત્ર ભરવા ગયા ત્યારે તેમની જોડે સમાજવાદી પક્ષના પ્રમુખ અખિલેશ યાદવ અને વરિષ્ઠ નેતા રામગોપાલ યાદવ તથા પક્ષના અન્ય નેતા પણ હતા. કૉંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તનની માગણી કરનારા ૨૩ નેતાઓમાં એક કપિલ સિબલના રાજ્યસભાના સભ્યપદની મુદત આવતા જુલાઈ મહિનામાં પૂરી થાય છે. 

નામાંકનપત્ર ભર્યા પછી કપિલ સિબલે જણાવ્યું હતું કે મેં રાજ્યસભાની ચૂંટણીમાં અપક્ષ સ્પર્ધક રૂપે ઉમેદવારી કરી છે. મને ટેકો આપવા બદલ હું અખિલેશજીનો આભાર માનું છું. મેં ૧૬ મેએ કૉંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. હું હવે કૉંગ્રેસનો વરિષ્ઠ નેતા નથી. કૉંગ્રેસ સાથે મારો પ્રગાઢ સંબંધ છે. લગભગ ૩૦-૩૧ વર્ષનો સંબંધ છે. આ નાની વાત નથી. હું ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીને કારણે કૉંગ્રેસમાં જોડાયો હતો. લોકોને એવો વિચાર આવશે કે ૩૧ વર્ષે કોઈ કૉંગ્રેસને કેવી રીતે છોડી શકે? પક્ષ છોડવાનું કઈંક તો કારણ હોય ને! મારા મનમાં પણ કઈંક ખટકો છે, દિલમાં કઈંક રંજ છે. ક્યારેક આવા નિર્ણયો પણ લેવા પડે છે.

May 24, 2022
singla.jpg
1min500
Punjab Minister Vijay Singla Sacked By Bhagwant Mann Over Corruption  Charge, Arrested

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને રાજ્યના આરોગ્ય મંત્રી વિજય સિંગલાને પોતાના પદ પરથી હટાવી દીધા છે. ભ્રષ્ટાચારના આરોપોને કારણે વિજય સિંગલાને તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. જોકે, ગણતરીના કલાકોમાં જ આપના પૂર્વ સ્વાસ્થ્યમંત્રી સિંગલાની ધરપકડ કરવામાં આવી છે.  

મુખ્યમંત્રીએ કહ્યું કે, “હું મંત્રી સામે કડક કાર્યવાહી કરી રહ્યો છું. હું તેમને કેબિનેટમાંથી હટાવી રહ્યો છું, મુખ્યમંત્રીએ એક વીડિયો સંદેશમાં દાવો કર્યો હતો કે સિંગલાએ પોતે ખોટુ કામ કર્યું હતુ તે સ્વીકાર્યું હતુ. 

વધુમાં કહ્યું કે, અમારી તપાસમાં જાણવા મળ્યું છે કે સ્વાસ્થય મંત્રી અરજીઓ મંજૂર કરવા 1%ના કમિશનની માંગણી કરી રહ્યાં હતા. 

AAP પાર્ટી અને ભગવંત માને ચૂંટણી પ્રચાર દરમિયાન રાજ્યમાંથી ભ્રષ્ટાચારને સંપૂર્ણપણે નાબૂદ કરવાનું વચન આપ્યું હતું. તે જ સમયે, હવે ભ્રષ્ટાચારના આરોપી મંત્રીને તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે.

તે જ સમયે, AAP પાર્ટીએ કહ્યું કે આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલના ભ્રષ્ટાચાર વિરોધી મોડલ અનુસાર મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. AAP સાંસદ રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે, તેમની પાર્ટી એકમાત્ર એવી પાર્ટી છે જે ભ્રષ્ટાચારના આધાર પર પોતાના લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે પ્રમાણિકતા, હિંમત અને પ્રામાણિકતા ધરાવે છે. અમે આવુ દિલ્હીમાં જોયું, હવે પંજાબમાં જોઈ રહ્યા છીએ.