CIA ALERT

ઇન્ડીયા Archives - Page 216 of 217 - CIA Live

May 25, 2018
mudra.jpg
1min12910

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં પ્રધાન મંત્રી મુદ્રા યોજના (PMMY)ના ૧૦૦થી પણ વધારે લાભકર્તાઓ સાથે થયેલી વાતચીતમાં જણાવ્યું હતું કે પ્રધાન મંત્રી મુદ્રા યોજના દ્વારા દેશના અંદાજે ૧૧ કરોડ નાગિરકોને લાભ મળ્યો છે.

PMMY ૨૦૧૫ની ૮ એપ્રિલે શરૂ કરવામાં આવી હતી, જેમાં ૧૦ લાખ રૂપિયા સુધીની લોન નૉન-કૉર્પોરેટ, નૉન-ફાર્મ સ્મૉલ-માઇક્રો બિઝનેસને આપવામાં આવે છે. આ પ્રકારની લોન કમર્શિયલ બૅન્ક, રીજનલ રૂરલ બૅન્ક, સ્મૉલ ફાઇનૅન્સ બૅન્ક, કો-ઑપરેટિવ બૅન્ક, માઇક્રો ફાઇનૅન્સ ઇન્સ્ટિટ્યુશન અને નૉન-બૅન્કિંગ ફાઇનૅન્શિયલ કંપનીઓ દ્વારા આપવામાં આવે છે.

વડા પ્રધાને મુદ્રા સ્કીમની સફળતા વિશે વાત કરતાં ઉક્ત ઇન્સ્ટિટ્યુશનોની પીઠ થાબડી હતી. સામાન્ય જનતા પ્રાઇવેટ અથવા તો પબ્લિક સેક્ટરમાં નોકરી શોધતી હોય છે, પણ હવે પર્સનલ સેક્ટરના વિકાસ તરફ આપણે ધ્યાન આપવું જોઈએ એ વાત પર નરેન્દ્ર મોદીએ ભાર મૂક્યો હતો. આ ઉપરાંત તેમણે મુદ્રા લોનના કેટલાક સફળ લાભકર્તાનાં ઉદાહરણો પણ લોકો સમક્ષ મૂક્યાં હતાં.

May 25, 2018
indianeco.jpg
1min12570

ભારતની રાષ્ટ્રીય આવક ૨૦૧૭માં ૨.૬ ટ્રિલ્યન (એક ટ્રિલ્યન બરાબર ૧૦૦૦ બિલ્યન) ડૉલરમાંથી વધીને ૨૦૨૫મા પાંચ ટ્રિલ્યન ડા÷લર થશે એવો આશાવાદ ગયે મહિને મળેલી વિશ્વબૅન્કની મીટિંગમાં ભારત સરકારના આર્થિક બાબતોના સચિવ સુભાષચંદ્ર ગર્ગે વ્યક્ત કર્યો છે. ૨૦૦૭થી ૨૦૧૪ના સાત વરસના ગાળામાં ભારતનું અર્થતંત્ર એક ટ્રિલ્યન ડૉલરમાંથી વધીને બે ટ્રિલ્યન ડૉલરનું થયું. વિકાસનો આ દસ ટકાનો વાર્ષિક દર જોતાં આવતાં આઠ વરસ (૨૦૧૮થી ૨૦૨૫)માં આર્થિક વિકાસનો વાર્ષિક દર ૪.૭ ટકાનો રહે તો પાંચ ટકાના ભાવવધારા સાથે ચાલુ ભાવે અર્થતંત્ર ૯.૭ ટકાના દરે વધતું રહેવું જોઈએ, પણ શરત એટલી કે આ વરસો દરમ્યાન રૂપિયાની ડૉલર સામેની કિંમતમાં ઘટાડો થવો ન જોઈએ. આમ થાય તો આપણું પાંચ ટ્રિલ્યન ડૉલરના અર્થતંત્રનું સ્વપ્ન ફળે.

ભારતનું અર્થતંત્ર જે રીતે વિશ્વના અર્થતંત્ર પર આધાર રાખે છે એ જોતાં વિકાસના ૯.૭ ટકાના દરે આ લક્ષ્યાંક સિદ્ધ કરવાનું થોડું મુશ્કેલ બની શકે. વિશ્વમાં વધવા માંડેલા વ્યાજના દર અને બૉન્ડ પરના યીલ્ડને કારણે વિદેશી મૂડીરોકાણનો પ્રવાહ ઘટી શકે.

ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમની દક્ષિણ કોરિયા અને ચીનની મુલાકાત પછી અને અમેરિકાની ગોઠવાઈ રહેલી મુલાકાતને કારણે એના પરમાણુશસ્ત્રોના ઉપયોગના વલણના અકલ્પનીય ફેરફારને લીધે વિશ્વની તણાવભરી ભૌગોલિક-રાજનીતિ વિષયક પરિસ્થિતિ હળવી બની શકે એમાં ટ્રમ્પે ઉત્તર કોરિયા પર મૂકેલા આર્થિક પ્રતિબંધોએ પણ મહત્વનો ભાગ ભજવ્યો હોય.

વડા પ્રધાન મોદીની ચીનની અનૌપચારિક મુલાકાત દરમ્યાન જિનપિંગ સાથે થયેલી વાતચીતના અંજામનો તાગ મેળવવો મુશ્કેલ છે. એમ છતાં ચીનની અમેરિકા સાથેની વધતી જતી મુશ્કેલીઓ વચ્ચે ચીનને ભારત જેવું વિશ્વનું સૌથી મોટું બજાર ગુમાવવું પરવડે એમ નથી.

અમેરિકાએ બહુ સ્પષ્ટ અને મક્કમ રીતે ચીનને અમેરિકા સાથેની એની ટ્રેડ સરપ્લસમાં તાત્કાલિક ધોરણે ૧૦૦ બિલ્યન ડૉલરનો અને ૨૦૨૦ સુધીમાં ૨૦૦ બિલ્યન ડૉલરનો ઘટાડો કરવાની તથા ચીન દ્વારા ૨૦૨૫ માટેના મેડ ઇન ચાઈના પ્લાન અન્વયે સ્થાનિક ઉદ્યોગોને અપાતી રોકડ સહાય (જેના દ્વારા ચીનની ઔદ્યોગિક ઉત્પાદનની ક્ષમતા વધે છે) બંધ કરવાની તાકીદ કરી છે. આ માટે ચીને અમેરિકાથી થતી આયાતો વધારવાની ઑફર કરી છે.

આમ ચારે બાજુથી સર્જાયેલી વિકટ પરિસ્થિતિ વચ્ચે ચીને છેલ્લાં ૧૭ વરસમાં પહેલી જ વાર ૨૦૧૮ના પ્રથમ ક્વૉર્ટર (જાન્યુઆરી-માર્ચ)માં કરન્ટ અકાઉન્ટ ડેફિસિટ (૨૮ બિલ્યન ડૉલર)નો અનુભવ કર્યો છે (છેલ્લે ૨૦૦૧ના એપ્રિલ-જૂન દરમ્યાન આવો અનુભવ કરેલો). છેલ્લાં સત્તર વરસથી વિશ્વના એક મોટા નિકાસકાર દેશ તરીકે સતત ટ્રેડ સરપ્લસ અને નેગેટિવ CAD દ્વારા ત્રણ ટિલ્યન ડૉલર જેટલું માતબર વિદેશી હૂંડિયામણ જમા કરનાર ચીન માટે આ હકીકત સ્વીકારવી અને વિદેશવેપારક્ષેત્રે આવી હાર પચાવવી મુશ્કેલ છે. આ પરિસ્થિતિમાં જિનપિંગ માટે ચીનમાં પોતાનું સ્થાન કાયમી ધોરણે જાળવી રાખવા માટે ચીનના ભારત સહિત અન્ય દેશો સાથેના સંબંધો સુધારવા અનિવાર્ય ગણાય. ભૂતકાળના અનુભવોને આધારે ચીનનો વિશ્વાસ કરવો અઘરું ગણાય એમ છતાં એની આવી નબળાઈઓનો અણધાર્યો લાભ ભારતને મળી શકે.

પાકિસ્તાનની શાંતિ અને સમૃદ્ધિ પાકિસ્તાનના લશ્કરના ભારતના લશ્કર સાથેના સુમેળભર્યા સંબંધો સિવાય શક્ય નથી એવું પાકિસ્તાનના લશ્કરી વડાનું વિધાન ભારત-પાકિસ્તાન વચ્ચેના સંબંધો સુધરે એવી આશા જન્માવે છે. આજે લશ્કરી અને સંરક્ષણ ખર્ચની બાબતમાં ભારતનો વિશ્વના ટોચના દેશોમાં અમેરિકા, રશિયા, ચીન અને સાઉદી અરેબિયા પછી પાંચમો નંબર છે. વિશ્વમાં પ્રવર્તતા ભૌગોલિક-રાજનીતિ વિષયક તણાવમાં સુધારો થવાની જન્મેલી આશાને લીધે આ ખર્ચ સીમિત બનવાની સંભાવના ખરી જે આપણા અર્થતંત્રના લાભમાં હશે. જોકે ઈરાન અને સાઉદી અરેબિયાના સંબંધો અને સિરિયામાં ચાલી રહેલું ગૃહયુદ્ધ કેવો વળાંક લે છે એના પર પણ વિશ્વની શાંતિ અને સમૃદ્ધિનો મોટો આધાર છે. અમેરિકા દ્વારા ઈરાનના ન્યુક્લિયર પ્રોગ્રામ પર મૂકવામાં આવેલા અંકુશો વધે તો પરિસ્થિતિ વણસી પણ શકે.

ઈરાનના પ્રમુખ હસન રૂહાનીએ અમેરિકાને ચેતવણી આપી છે કે જો અમેરિકા ઈરાન અને વિશ્વની મહાસત્તાઓ વચ્ચે ૨૦૧૫માં કરવામાં આવેલા પરમાણુકરારની શરતો બદલવાની કે એ બહાના હેઠળ ઈરાન પર વેપાર પ્રતિબંધ લાદવાની ગુસ્તાખી કરશે તો એનાં માઠાં પરિણામ ભોગવવા માટે અમેરિકા અને અન્ય દેશોએ તૈયાર રહેવું પડશે.

આ પરિસ્થિતિમાં ઉત્તર કોરિયા એના પરમાણુપરીક્ષણ બંધ કરવા માટે તૈયાર ન પણ થાય. લિબિયા અને ઇરાકે પોતપોતાના ન્યુક્લિયર પ્રોગ્રામ છોડી દીધા પછી એમના જે હાલહવાલ થયા એ પણ ઉત્તર કોરિયાને પરમાણુપરીક્ષણ બંધ કરવામાંથી અટકાવી શકે. આ સંજોગોમાં વિશ્વની ભૌગોલિક-રાજનીતિ વિષયક પરિસ્થિતિ બગડે તો વિશ્વના અને ભારતના આર્થિક વિકાસ પર એના છાંટા ઊડ્યા વિના ન રહે.

બીજા શબ્દોમાં રૂપિયાનું છેલ્લાં સાત વરસ (૨૦૧૧-૨૦૧૭)માં થયું એટલું અવમૂલ્યન ૨૦૧૮થી ૨૦૨૫મા થાય તો ભારતે ચાલુ ભાવે હવે પછીનાં આઠ વરસમાં વિકાસનો વાર્ષિક દર ૧૫.૩ ટકા જેટલો વધારવો પડે અને તો જ આપણું અર્થતંત્ર ૨૦૨૫માં પાંચ ટ્રિલ્યન ડૉલરનું થઈ શકે. એટલે કે પાંચ ટકાના ભાવવધારા સાથે સ્થિર ભાવે આર્થિક વિકાસનો વાર્ષિક દર ૧૦ ટકાથી પણ વધુ રહેવો જોઈએ જે અશક્ય નહીં પણ મુશ્કેલ તો છે જ.

૨૦૧૮ની શરૂઆતથી અત્યાર સુધી (૭ મે) ડૉલર સામે રૂપિયો ૪.૫ ટકા જેટલો ઘસાયો છે અને આમ રૂપિયાની કિંમત ૬૭ રૂપિયાથી પણ ઘટીને ૧૫ મહિનાની નીચી સપાટી પર ઊતરી ગઈ છે. ક્રૂડના ભાવ નવેમ્બર-૨૦૧૪ પછીના સૌથી ઊંચા છે. અમેરિકા ઈરાન પર વેપાર વિષયક પ્રતિબંધ મૂકે એનાથી અને વેનેઝુએલાની આર્થિક કટોકટીથી પણ ક્રૂડની તેજી વણથંભી આગળ વધી શકે.

આર્જેન્ટિનાનો પિઝો ડૉલર સામે ગગડી ન જાય એટલે હાલમાં એની સેન્ટ્રલ બૅન્કે વ્યાજના દર વધારીને ૪૦ ટકા જેટલા કર્યા છે. ભારતને અને એનાં મૅક્રો-ઇકૉનૉમિક પરિબળોને આર્જેન્ટિના સાથે સરખાવીને ખતરાની ઘંટી વગાડવાનો આ પ્રયાસ નથી. આર્જેન્ટિનાના કડવા અનુભવે ઊભરતા અને વિકસતા દેશોએ સાવધ બની જવું જોઈએ. એમ છતાં સારી રીતે મૅનેજ કરતા ઊભરતા દેશો પર પણ આની ખરાબ અસર થોડેઘણે અંશે પડવાની જ.

ભારતના મૅક્રો-ઇકૉનૉમિક પરિબળો વિકાસના આપણા તબક્કે હોય એવા દેશો કરતાં ઘણાં મજબૂત છે. જુલાઈ-૨૦૧૩માં અમેરિકાએ નરમ મૉનિટરી પૉલિસી પાછી ખેંચી લેવાની શરૂઆત કરી ત્યાર કરતાં પણ ભારતની સ્થિતિ આજે મજબૂત છે.

GSTની મન્થ્લી સરેરાશ આવક ફિસ્કલ ૨૦૧૮ના લગભગ ૯૦,૦૦૦ કરોડ રૂપિયા સામે ફિસ્કલ ૨૦૧૯ના પ્રથમ મહિને પહેલી વાર એક લાખ કરોડ રૂપિયાનો આંક વટાવીને ૧.૦૩ લાખ કરોડની થઈ છે. ફિસ્કલ ૨૦૧૯નો ૧૨ લાખ કરોડ રૂપિયાનો GSTનો લક્ષ્યાંક સરકાર હાંસલ કરે એવી સંભાવના છે. એ માટેનાં બે કારણો છે- (૧) ફિસ્કલ ૨૦૧૯માં આર્થિક વિકાસનો દર સાત ટકા ઉપર (ફિસ્કલ ૨૦૧૮મા સંભવિત ૬.૬ ટકા) રહેવાની ધારણા છે. (૨) GSTના સરળીકરણ સાથે વધુ ને વધુ ઉદ્યોગ-ધંધા GSTના દાયરામાં આવી શકે.

GST કાઉન્સિલની છેલ્લી મીટિંગના નિર્ણય પ્રમાણે GST રિટર્ન ફાઇલ કરવાની પ્રક્રિયા સરળ બનશે અને છ મહિના પછી દર મહિને એક જ રિટર્ન (હાલના રિટર્નને બદલે) ફાઇલ કરવાનું રહેશે. વેચાણકારે ઇન્વૉઇસ અપલોડ કરવાના રહેશે. GSTના અમલની શરૂઆતની મુશ્કેલીઓ દૂર થયા પછી GST દ્વારા કરવેરાની આવક અને આર્થિક વિકાસનો દર વધવાની સરકારને આશા છે.

મોટરકારના વેચાણમાં એપ્રિલ-૨૦૧૮માં ૧૨ ટકાનો વધારો થયો છે. ગ્રામ્ય વિસ્તારની ડિમાન્ડના વધારાનો એમાં મોટો ફાળો છે. સેવાક્ષેત્રનો પર્ચે‍ઝિંગ મૅનેજર્સ ઇન્ડેક્સ (PMI) એપ્રિલમાં ત્રણ મહિનાની ઊંચી સપાટીએ છે. ઉત્પાદનક્ષેત્રનો PMI પણ એપ્રિલમાં સતત નવ મહિનાથી સુધરતો રહ્યો છે. પરિણામે સર્વિસ અને ઉત્પાદનનો કમ્પોઝિટ ઇન્ડેક્સ પણ ત્રણ મહિનાની ઊંચી સપાટીએ હતો.

વિદેશી મૂડીરોકાણકારોએ એપ્રિલમાં મૂડીબજારમાંથી લગભગ ૨૫૦૦ મિલ્યન ડૉલર પાછા ખેંચ્યા છે. આગલા મહિને વિદેશી મૂડીરોકાણકારો દ્વારા મૂડીબજારમાં ૪૫૦ મિલ્યન ડૉલરનું રોકાણ કરવામાં આવેલું.

દેશના મજબૂત મૅક્રો-ઇકૉનૉમિક ફન્ડામેન્ટલ અને વિશ્વનાં ભૌગોલિક-રાજકીય વિષયક પરિબળોમાં કોનો હાથ ઉપર રહે છે એના ઉપર દેશના આર્થિક વિકાસનો દર નિર્ભર છે, પણ એ વિશે અડસટ્ટો લગાવવો મુશ્કેલ ગણાય

May 25, 2018
kanpur.jpg
1min11960

ભારતીય રેલવે દ્વારા જાહેર કરવામાં આવેલા દેશના સૌથી ખરાબ 10 રેલ્વે સ્ટેશનોમાં ઉત્તરપ્રદેશના ચાર સ્ટેશન સામેલ છે. ટોચના 10ની યાદીમાં કાનપુર સેન્ટ્રલ દેશનું સૌથી ખરાબ સ્ટેશન છે, જ્યારે પીએમ નેરેન્દ્ર મોદીનો સંસદીય વિસ્તાર વરાણાસી ચોથા નંબર પર છે. લખનઉનું ચારબાગ આ લિસ્ટમાં 9મા નબર પર છે.
ભારતીય રેલવેએ 11 મી થી 17 મે વચ્ચે મુસાફરોની વાતચીતના આધાર પર સર્વે કર્યો. ત્યારબાદ આ સ્ટેશનોને રેટીંગ આપવામાં આવી. આ યાદી અનુસાર, ટોચના 10 સૌથી વધુ ખરાબ રેલવે સ્ટેશનમાં યુપીનું કાનપુર સેન્ટ્રલ રેલ્વે સ્ટેશન દેશનું સૌથી વધારે ખરાબ રેલવે સ્ટેશન છે. આ ઉપરાંત દેશમાંથી દસ સૌથી ખરાબ રેલવે સ્ટેશનોમાં મુંબઈના ત્રણ રેલવે સ્ટેશનનો સમાવેશ થાય છે. તેમાં મુંબઈના કલ્યાણ ત્રીજુ, લોકમાન્ય ટિલક ટર્મિનલ પાંચમું અને થાણે આઠમું સૌથી ખરાબ સ્ટેશન છે.
સર્વે અનુસાર, કાનપુરમાં સૌથી વધુ 61.06 ટકા લોકોએ ખરાબ હોવાનું જણાવ્યુ. ત્યારબાદ પટના જંક્શનનો નંબર હતો, જે 60.16 ટકા લોકો અત્યંત ખરાબ હોવાનું જણાવ્યુ. યાદીમાં 56 ટકા મત સાથે વરાણસી ચોથા નંબર પર અને આ ઉપરાંત અલ્હાબાદ છઠ્ઠા, જૂની દિલ્હી સાતમાં, લખનઉ નવમાં અને ચંડીગઢ 10માં નંબર પર ખરાબ હોવાનું સામે આવ્યુ છે.
રેલવે અધિકારીઓના મતે આ સર્વે પાછળનો હેતુ લોકોની તકલીફને જોતા સ્ટેશન પરિસરને સૌથી સાફ બનાવવાનો છે. હાલ લોકો પાસેથી નિવેદન લઇને તેને સાફ-સુથરુ બનાવવાનો પ્રયાસ તેજ બનાવવામાં આવશે.

May 25, 2018
adanai.jpg
1min12940

ગૌતમ અદાણીને સૌથી વધુ નુકસાન: સંપત્તિ $3.63 અબજ ઘટીને $6.75 અબજ થઈ

ભારતના ટોચના ૨૦ અબજપતિની નેટવર્થમાં ચાલુ વર્ષે (૨૦૧૮માં) ૧૭.૮૫ અબજ ડોલરનું ધોવાણ થયું છે. જેમાં ટોચના પાંચ અબજપતિ ઉદ્યોગપતિએ ૧૫ અબજ ડોલર ગુમાવ્યા છે. બ્લૂમબર્ગ બિલયનેર ઇન્ડેક્સના ડેટા પ્રમાણે ગૌતમ અદાણીની સંપત્તિમાં સૌથી વધુ ૩.૬૩ અબજ ડોલરનું ગાબડું પડ્યું છે અને તે ઘટીને ૬.૭૫ અબજ ડોલર થઈ છે. ઉલ્લેખનીય છે કે, ૨૦૧૪માં મોદી સરકાર બની ત્યારે તેનો સૌથી વધુ લાભ અદાણીને થવાનું ચર્ચાતું હતું.
અદાણી જૂથની ચાર કંપનીના શેરમાં ૨૦૧૮માં ૭ ટકાથી ૪૫ ટકાની રેન્જમાં ઘટાડો નોંધાયો છે. ૨૦૧૭-‘૧૮માં આ ચાર કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસ, અદાણી પાવર, અદાણી ટ્રાન્સમિશન અને અદાણી પોર્ટ એન્ડ સેઝનો કુલ ચોખ્ખો નફો ૧૩.૭૬ ટકા વધીને રૂ. ૩,૫૪૬ કરોડ થયો છે. સમાન ગાળામાં તેમનું કુલ વેચાણ ૩.૮૫ ટકાની વૃદ્ધિ સાથે રૂ. ૭૩,૨૬૦ કરોડ રહ્યું છે.

બ્લૂમબર્ગ ઇન્ડેક્સ મુજબ ધનકુબેરોની યાદીમાં અદાણી ૨૪૨મા ક્રમે છે. અદાણી પછી વિપ્રોના અઝિમ પ્રેમજીની સંપત્તિમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે. ચાલુ વર્ષે વિપ્રોનો શેર ૧૬ ટકા ઘટ્યો છે. ઉલ્લેખનીય છે કે, ટોચની ચાર IT કંપનીમાં વિપ્રો કામગીરીની બાબતમાં તળિયે છે

એક સમયે ધનાઢ્યોની યાદીમાં નંબર-૧ થયેલા દિલીપ સંઘવીની નેટવર્થ પણ ૨૦૧૮માં ૩.૪૮ અબજ ઘટીને ૯.૩૪ અબજ ડોલર થઈ છે. અમેરિકન બજારમાં સ્પર્ધા અને USFDAના અંકુશને કારણે સન ફાર્માનો શેર ચાલુ વર્ષે ૨૧ ટકા ઘટ્યો છે. કોટક સિક્યોરિટીઝના જણાવ્યા અનુસાર ૨૦૧૯-‘૨૦ના અંદાજિત EPSના આધારે ૧૮ના P/E રેશિયો પર શેરે હાલોલ પ્લાન્ટની સંપૂર્ણ રિકવરી અને સ્પેશિયાલ્ટી પ્રોડક્ટ્સનું ૨૦ કરોડ ડોલરનું વેચાણ ડિસ્કાઉન્ટ કરી લીધું છે. બ્રોકરેજના મતે તીવ્ર સ્પર્ધાના કારણે કંપનીને સ્પેશિયાલ્ટી બિઝનેસમાં અવરોધો નડશે તેવી શક્યતા છે.

 

નેટવર્થના ધોવાણની યાદીમાં કુમાર મંગલમ બિરલા પાંચમા ક્રમે છે. બિરલા જૂથની આઠ લિસ્ટેડ કંપનીનું બજાર મૂલ્ય ૧૯.૭૨ ટકા ઘટીને રૂ. ૨,૧૯,૯૦૪ કરોડ થયું છે. હિંદાલ્કો, આઇડિયા, અલ્ટ્રાટેક સિમેન્ટ અને આદિત્ય બિરલા જેવી કંપનીના શેર ચાલુ કેલેન્ડર વર્ષમાં ૭ ટકાથી ૫૦ ટકા સુધી ઘટ્યા છે. બિરલાની નેટવર્થ ૨.૨૪ અબજ ડોલર ઘટીને ૬.૮૩ અબજ ડોલરે પહોંચી છે. અન્ય બિઝનેસ મહારથી અને DLFના પ્રમોટર કે પી સિંઘની સંપત્તિ ચાલુ વર્ષે ૧.૬૫ અબજ ડોલર ઘટીને ૪.૭૯ અબજ ડોલર થઈ છે.

 

 

May 24, 2018
PRICE-PETROL.jpg
1min12770

પેટ્રોલ-ડીઝલના ભાવ દસ દિવસથી સતત વધી રહ્યા છે. રોજ નવી ઊંચી સપાટી દર્શાવી રહ્યા છે. બળતણના ભાવને અંકુશમાં રાખવા સાર્વત્રિક માગ થઈ છે. ઑઈલ કંપનીએ બળતણ પરની એક્સાઈઝ ડ્યૂટી વિશે સમીક્ષા કરવા સૂચન કર્યું હતું.

બળતણના ભાવ વિશે લાંબા ગાળાના ઉકેલની દિશામાં સરકાર કામ કરી રહી છે, એમ આઈટી અને કાનૂન ખાતાના પ્રધાન રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેબિનેટની બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ તેમણે નિવેદન કર્યું હતું. બળતણના ભાવ દર પખવાડિયે જાહેર થતા હતા. આ પદ્ધતિમાં ફેરફાર કરીને ગયા જૂનથી દૈનિક ધોરણે ભાવમાં ફેરફાર થાય છે.

દસ દિવસમાં પેટ્રોલ લિટરે રૂ. ૨.૫૪ તથા ડીઝલ રૂ. ૨.૪૧ મોંઘું થયું છે. બળતણના ભાવમાં વારંવાર વધારો એ ચિંતાનો વિષય છે. સાથોસાથ ચર્ચા પણ માગી લે છે. સરકારે આ દિશામાં બેઠક હાથ ધરી છે.

ક્રૂડતેલના વૈશ્ર્વિક ભાવ ઊંચા જતા અત્રે અસર થઈ છે તે માટે તાત્કાલિક ચર્ચા હાથ ધરાઈ છે. એડ-હોક પગલાં લેવાને બદલે લાંબાગાળાના ઉકેલની દિશામાં પગલાં માટે સરકાર ઉત્સુક છે, એમ તેમણે કહ્યું હતું અને એ દિશામાં પ્રક્રિયા ચાલુ છે. પ્રધાને વધુ માહિતી આપવા ઈનકાર કર્યો હતો.

એક્સાઈઝ ડ્યૂટીના પ્રશ્ર્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે, આવા ટૅક્સનો ઉપયોગ શિક્ષણ, હૉસ્પિટલ, ગામડાંમાં વીજળી, હાઈવે બાંધકામ સહિતના વિકાસના કામમાં વપરાય છે. બળતણ પર ટૅક્સ એ વિકાસના પ્રશ્ર્નો સાથે સંલગ્ન છે. હવે લાંબાગાળાનો ઉકેલ લાવવાનો સમય આવી ગયો છે.

ભૂતપૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમે અગાઉ જણાવ્યું હતું કે ૨૦૧૪થી ૨૦૧૬ દરમિયાન ઑઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ઘટાડાતરફી હતા ત્યારે સરકારને લિટરે રૂ. ૧૫ની બચત થઈ હતી, પરંતુ સરકારે બળતણ પર વધારાનો રૂ. ૧૦નો બોજો નાખી દીધો હતો. જોકે, આ વિશે પ્રસાદે કોમેન્ટ કરવા ઈન્કાર કર્યો હતો.

May 24, 2018
millionares.jpg
1min13510

ભારતમાં અત્યારે વિશ્ર્વના ત્રીજા ક્રમાંકે મોટી સંખ્યામાં અબજોપતિ છે અને હવે પછીના એક દાયકામાં આ ક્લબમાં ૨૩૮ જેટલા વધારે અલ્ટ્રા હાઈ નેટવર્થ ધરાવતા અબજોપતિનો વધારો થશે, તેવું એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.

આફ્રએશિયા બૅન્ક ગ્લોબલ વેલ્થ માઈગ્રેશન રિવ્યૂના જણાવ્યા મુજબ ભારતમાં અત્યારે ૧૧૯ જેટલી અબજોપતિ વ્યક્તિઓ છે, જે ૨૦૨૭ સુધીમાં વધીને ૩૫૭ પર પહોંચવાની આશા છે.

આગામી દસ વર્ષમાં ભારતમાં ૨૩૮ અબજોપતિનો ઉમેરો થશે જ્યારે ચીનમાં ૪૪૮નો ઉમેરો થશે. ૨૦૨૭ સુધીમાં અમેરિકામાં એ આંકડો ૮૮૪નો થઈ જશે, ત્યાર પછી ચીનમાં ૬૯૭ અને ભારતમાં એ આંક કુલ ૩૫૭ પર પહોંચશે.

એક અબજ યુએસ ડૉલર કે તેથી વધારેની અસક્યામતો ધરાવનારાઓનો સમાવેશ આ ધનાઢય વ્યક્તિઓમાં કરવામાં આવે છે. આગામી દસ વર્ષમાં જે દેશોમાં અબજોપતિ માલેતુજારોનો વધારો થશે તેમાં રશિયન ફેડરેશનમાં ૧૪૨, યુનાઈટેડ કિંગ્ડમમાં ૧૧૩, જર્મનીમાં ૯૦ અને હોંગકોંગમાં ૭૮ની આશા રખાય છે.

વિશ્ર્વભરમાં હાલમાં ૨,૨૫૨ અબજોપતિ છે અને ૨૦૨૭ સુધીમાં એ સંખ્યા ૩,૪૪૪ પર પહોંચશે. કુલ અસક્યામતોને સંબંધ છે ત્યાં સુધી ભારત વિશ્ર્વમાં છઠ્ઠા ક્રમનો દેશ છે, જ્યાં અબજોપતિઓ ૮,૨૩૦ અબજ યુએસ ડૉલરની કુલ મિલકતો ધરાવે છે.

અમેરિકામાં સૌથી વધારે અસક્યામતો ધરાવતા અબજોપતિ છે, ત્યાંના અબજોપતિ કુલ ૬૨,૫૮૪ અબજ યુએસ ડૉલરની મિલકતો ધરાવે છે. ત્યાર પછી ૨૪,૮૦૩ અબજ યુએસ ડૉલરની મિલકતો સાથે ચીનનો નંબર આવે છે અને ત્રીજા નંબર પર ૧૯,૫૨૨ અબજ યુએસ ડૉલરની અસક્યામતો સાથે જાપાન આવે છે.

ભારતમાં અસક્યામતો ઊભી કરવા માટે જે પરિબળો મદદરૂપ થશે તેમાં મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ, સારી શૈક્ષણિક પદ્ધતિ, આઈટી ક્ષેત્રે રોબસ્ટ આઉટલૂક, બિઝનેસ પ્રોસેસ આઉટ સોર્સિસિંગ રિયલ એસ્ટેટ, હેલ્થકેર અને મીડિયા સેક્ટરની મદદથી દસ વર્ષમાં બસો ટકા પરિણામ મેળવી શકાશે તેવું અહેવાલ જણાવે છે.

દરમિયાન, આગામી દસ વર્ષમાં વિશ્ર્વસ્તરે ૫૦ ટકા અસક્યામતોમાં વધારો જોવા મળે તેવી શક્યતા છે, જે ૨૦૨૭ સુધીમાં ૩૨૧ ટ્રિલ્યન યુએસ ડૉલરની થશે. ઝડપથી વિકસતી વેલ્થ માર્કેટ્સમાં શ્રીલંકા, ભારત, વિયેતનામ, ચીન અને મોરેશિયસને ગણી શકાય તેવું અહેવાલમાં જણાવાયું છે. (પીટીઆઈ)

May 24, 2018
army_major_gogoi.jpg
1min12760

શ્રીનગરની એક હોટેલમાંથી મળેલા આર્મી મેજર ગોગોઈ અને મહિલાની પૂછપરછ

જમ્મુ-કાશ્મીર પોલીસે બુધવારે શ્રીનગરની એક હોટેલમાંથી સેનાના એક અધિકારીની એક મહિલા સાથે ઝડપાયા બાદ પૂછપરછ કરી હતી. બંનેને પોલીસ સ્ટેશને લઈ જવાયા હતા અને ત્યાંથી તેમને સેનાના અધિકારીને સોંપી દેવાયા હતા.

પોલીસના પ્રમાણે, ‘એક પોલીસ ટુકડીને આ કેસ સોંપવામાં આવ્યો હતો અને ત્યારે જાણવા મળ્યું હતું કે એક મહિલા અને બડગામના રહેવાસી સમીર અહમદ નામની એક વ્યક્તિ હોટેલમાં કોઈને મળવા માગે છે પણ હોટેલના સ્ટાફે એ લોકોને મળવા દેવાનો ઈનકાર કર્યો હતો. સમીર સાથે એક યુવતી પણ હતી. જો કે હોટેલ સ્ટાફે તેમની ઓળખના પુરાવા માગ્યા ત્યારે વિવાદ થયો હતો. હોટેલ સ્ટાફે ત્યારબાદ પોલીસને જાણ કરી હતી.  પોલીસ હોટેલ પહોંચી અને ત્રણેયને પોલીસ સ્ટેશને લઈ જવાયા હતા.

પોલીસે કહ્યું હતું, ‘સમીર નામના શખ્સ સાથે આવેલી યુવતી સેનાના અધિકારીને મળવા ગઈ હતી. પોલીસે બંનેના નિવેદનો લીધા છે.’

ઉલ્લેખનીય છે કે હોટેલના રેકોર્ડ પ્રમાણે, હોટેલનો એક રૂમ લીતુલ ગોગોઈના નામે એક રાત અને બે મહેમાનો માટે બૂક કરવામાં આવ્યો હતો. હોટેલ માલિકે કહ્યું હતું કે હોટેલનો રૂમ બૂકિંગ.કોમ વેબસાઈટ પરથી ઓનલાઈન બૂક કરવામાં આ‌વ્યો હતો. પરંતુ અમે આર્મી અધિકારી ગોગોઈને તેમની સાથે સ્થાનિક યુવતી હોવાથી રૂમ આપવાનો ઈનકાર કરી દીધો હતો. હોટેલમાં સ્થાનિક યુવતીને લઈને જવાની મનાઈ છે.

આ આર્મી મેજરની ઓળખ ૨૦૧૭માં પથ્થરમારાની ઘટના દરમિયાન બડગામ જિલ્લામાં એક સ્થાનિક યુવક ફારૂક અહમદ દારને પોતાની જીપના બોનેટ પર બાંધનારા મેજર લીતુલ ગોગોઈ તરીકે થઈ છે. તેમણે દારને જીપના બોનેટ સાથે બાંધી દઈને ફેરવ્યો હતો. પોલીસે કહ્યું હતું કે સવારે ૧૧ વાગ્યે હોટેલ ગ્રાન્ડ મમતામાંથી કોઈ વિવાદ અંગે અમને ફોન કરવામાં આવ્યો હતો.

 

May 24, 2018
fraud.jpg
1min13960

નીરવ મોદી, વિજય માલ્યા અને લલિત મોદીની જમાતના બીજા ઘણા લોકો છે

nirav1

પોલીસને હંફાવનારા ફ્રૉડસ્ટર્સની યાદી ફક્ત નીરવ મોદી, વિજય માલ્યા અને લલિત મોદી પૂરતી મર્યાદિત નથી.

CBI અત્યારે આ ત્રણને શોધી રહી છે, પરંતુ મુંબઈ પોલીસની ઇકૉનૉમિક ઑફેન્સિસ વિંગ (EOW)ના અધિકારીઓએ ૨૦૧૫થી ૨૦૧૭ સુધીમાં ૧૯,૬૭૧ કરોડ રૂપિયાની છેતરપિંડીના ૨૮૩ કેસ નોંધ્યા છે. જોકે આટલી રકમમાંથી ઇન્વેસ્ટર્સના ફક્ત ૨.૫૦ કરોડ જ રૂપિયા વસૂલ કરી શક્યા છે.

એ તમામ કેસોમાં ફરાર ગુનેગારો અને આરોપીઓને સજા ફરમાવવાના સાવ ઓછા પ્રમાણથી EOW પરેશાન છે. ૨૦૧૫થી ૨૦૧૮ની ૯ ફેબ્રુઆરી સુધીમાં કોર્ટમાં ફાઇલ કરવામાં આવેલા ૮૦ કેસમાંથી ફક્ત ૨૦ કેસમાં આરોપીઓને સજાના આદેશો આપવામાં આવ્યા છે. ૬૦ કેસમાં આરોપીઓને દોષમુક્ત જાહેર કરીને છોડવામાં આવ્યા છે. આ ઉપરાંત EOWમાં જરૂરિયાતના પ્રમાણમાં કર્મચારીઓની તંગીને લીધે કામગીરી વધારે મુશ્કેલ બને છે.

nirav2

ઍક્ટિવિસ્ટ જિતેન્દ્ર ઘાડગેએ રાઇટ ટુ ઇન્ફર્મેશન (RTI) ઍક્ટ હેઠળ કરેલી અરજીના જવાબમાં મહત્વની માહિતી પ્રાપ્ત થઈ હતી. જિતેન્દ્ર ઘાડગેએ જણાવ્યું હતું કે ‘આવા ગુનેગારોને ડામવામાં કાયદો સફળ થયો નથી. હવે તો લોકોના પૈસા લઈને નાસી જવાનો અને પછી રફુચક્કર થઈ જવાનો નવો ટ્રેન્ડ શરૂ થયો છે. આર્થીક ગુના રોકવા માટે વધારે સખત કાયદાની જરૂર છે.’

નૅશનલ ક્રાઇમ રેકૉર્ડ્સ બ્યુરોની વિગતો પ્રમાણે છેલ્લા એક દાયકામાં દેશમાં આર્થીક અપરાધોમાં ૮૦ ટકા વધારો થયો છે. ૨૦૦૬માં આર્થીક અપરાધોનો દર ૧,૦૦,૦૦૦ લોકોમાં ૬.૬નો હતો એ ૨૦૧૫માં ૧૧.૯ પર પહોંચ્યો હતો.

nirav

૫૦ લાખ રૂપિયા કરતાં વધારે રકમના મોટા આર્થીક ગુનાના કેસ મુંબઈ પોલીસ EOWને સોંપે છે. જોકે તાજેતરનાં વર્ષોમાં EOW સામે કેસોનો ખડકલો થતો જાય છે અને બીજી બાજુ સ્ટાફની તંગી છે. એ કેસોના મોટા ભાગના અપરાધીઓ ફરાર થઈ ગયા છે. જે પકડાય છે તેમને સજાનું પ્રમાણ સાવ ઓછું છે. છેતરપિંડીમાં લોકોએ ગુમાવેલી રકમમાંથી રિકવરીનું પ્રમાણ પણ નહીંવત છે.

May 23, 2018
taj_monkey.jpg
1min15180

યુપીના આગરા સ્થિત દુનિયાની અજાયબીઓ પૈકીની એક એવા તાજ મહેલમાં વાંદરાઓના જૂથે આતંક ફેલાવતા પર્યટકો ડઘાઈ ગયા છે. જોકે તાજ મહેલ ખાતે આવતા પ્રવાસીઓ પર વાંદરાનો આતંકની આ વાત નવી નથી. મંગળવારે સવારે તાજ મહેલ ખાતે એક ફ્રેન્ચ મૂળના પ્રવાસી તેમજ અન્ય એક વ્યક્તિને વાંદરાએ પગના ભાગે ઈજા પહોંચાડી હતી. બન્ને વિદેશી નાગરિકોના પગે ઉઝરડા પડી ગયા હોવાનું તસવીરોમાં જોવા મળે છે. પ્રાપ્ત વિગતો મુજબ વાંદરાએ આ પૈકી એક પ્રવાસીને પગે બચકું પણ ભરી લીધું હતું. બન્ને પ્રવાસીઓને તાત્કાલિક મેડિકલ સારવાર પુરી પાડવામાં આવી હતી.

તાજ મહેલની અંદર પરિસરમાં વાંદરાઓના આતંકને પગલે પ્રવાસીઓમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. અગાઉ પણ તાજ મહેલમાં વાંદરાઓ દ્વારા પ્રવાસીઓ પર હુમલાના અનેક બનાવો સામે આવ્યા છે. આગરામાં વાંદરાઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. તાજ મહેલ પરિસરમાં હવે વાંદરાઓની અવર જવર સત્તાધીશો માટે માથાનો દુ:ખાવો સાબિત થઈ રહ્યો છે.

May 22, 2018
dollor.jpg
1min15300

રૂપિયાના મૂલ્યમાં ઘટાડો ચાલુ રહ્યો છે. ભારતીય ચલણ ડોલર સામે ઇન્ટ્રા-ડે ₹68.13ની 16 મહિનાની નીચી સપાટીને સ્પર્શ્યો હતો. જોકે, નીચા મથાળે RBIની દરમિયાનગિરીથી રૂપિયો 0.46 ટકાની વૃદ્ધિ સાથે બંધ રહ્યો હતો.

ડીલર્સના જણાવ્યા અનુસાર એશિયાનાં ઊભરતાં બજારોમાં સૌથી વધુ ઘટેલો રૂપિયો RBI વતી કેટલીક PSU બેન્કો દ્વારા ડોલરની ખરીદીને કારણે સુધર્યો હતો. અગાઉ દિવસ દરમિયાન ઊભરતાં બજારોના ચલણમાં વેચવાલીને પગલે રૂપિયામાં પણ ઘટાડો નોંધાયો ત્યારે ઇન્ડોનેશિયાથી માંડી તુર્કીના મધ્યસ્થ બેન્કોએ કરન્સીને સ્થિર કરવા દરમિયાનગીરી કરી હતી. RBIએ પણ અન્ય PSU બેન્કોની મદદથી નીચા મથાળે સ્થાનિક ચલણને ટેકો આપ્યો હતો.

ડીબીએસ બેન્ક ઇન્ડિયાના આશિષ વૈદ્યએ જણાવ્યું હતું કે, આ સ્થિતિમાં સટોડિયાનું સેન્ટિમેન્ટ તોડવું જરૂરી છે. RBIએ નાણાકીય સ્થિરતા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

છેલ્લા કેટલાક દિવસમાં RBIની ગેરહાજરીને પગલે અનહેજ્ડ આયાતકારો અને વિદેશી રોકાણકારોને એક્સ્પોઝર સુલટાવવાની ફરજ પડી હતી. તેના લીધે સ્થાનિક અને વિદેશી બજારોમાં ડોલરની માંગ વધી હતી. રૂપિયાની વેચવાલી કદાચ પૂરી થવાની તૈયારીમાં છે. હાલના તબક્કે ચલણના મૂલ્યમાં તમામ નકારાત્મક પરિબળો ડિસ્કાઉન્ટ થઈ ચૂક્યાં છે.

ઉલ્લેખનીય છે કે, અમેરિકાના વ્યાજદરમાં વૃદ્ધિને કારણે વૈશ્વિક રોકાણકારોએ અન્ય બજારોમાંથી રોકાણ ખેંચવાની નીતિ અપનાવી છે. ખાસ કરીને 75 ટકા ક્રૂડની જરૂરિયાત માટે વિદેશી બજાર પર આધાર રાખતા ભારત જેવાં બજારોમાંથી વિદેશી રોકાણ ખેંચાવાનું શરૂ થયું છે. ભારતનું ફોરેક્સ રિઝર્વ સર્વોચ્ચ સ્તરથી 7 અબજ ડોલર ઘટ્યું છે.

તાજેતરના સરવે મુજબ રૂપિયો ડોલર સામે ₹68ની નીચી સપાટીએ પહોંચવાની આગાહી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, 24 નવેમ્બર 2016ના રોજ રૂપિયો ₹68.86ની રેકોર્ડ નીચી સપાટીને સ્પર્શ્યો હતો. ઓગસ્ટ 2013માં રૂપિયાએ ₹68.825નું તળિયું બનાવ્યું હતું. છેલ્લા કેટલાક સમયથી ઇન્ડોનેશિયન રૂપિયાહ અને ટર્કીશ લિરાના મૂલ્યમાં પણ સતત ઘટાડો નોંધાયો છે. તેને લીધે આ દેશોની મધ્યસ્થ બેન્કોને ફોરેક્સ માર્કેટમાં દરમિયાનગીરીની ફરજ પડી હતી.

અમેરિકન ડોલરમાં વૈશ્વિક તેજી ઉપરાંત, ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળો ભારતીય અર્થતંત્ર માટે નેગેટિવ પરિબળ છે. એક મોટી વિદેશી બેન્કના અંદાજ પ્રમાણે ક્રૂડના ભાવમાં એક ડોલરની વૃદ્ધિથી દેશના આયાત બિલમાં ૭૦-૯૦ કરોડ ડોલરનો વધારો થાય છે.