CIA ALERT

ઇન્ડીયા Archives - Page 20 of 217 - CIA Live

June 24, 2025
image-16.png
1min252

ભારતના વિકેટકિપર બેટ્સમેન રિષભ પંત અને ઓપનર કે.એલ. રાહુલે બીજી ઈનિંગમાં સદી ફટકારતાં ઈતિહાસ રચી દીધો હતો. આ સાથે ઈંગ્લેન્ડ સામેની પ્રથમ હેડિંગ્લે ટેસ્ટમાં ભારત તરફથી કુલ પાંચ સદી નોંધાઈ હતી. ભારતના ૯૩ વર્ષના ટેસ્ટ ઈતિહાસમાં આ પ્રથમ વખત છે કે, જ્યારે એક જ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા તરફથી પાંચ સદી નોંધાઈ હોય તેવી ઘટના બની હતી. રસપ્રદ બાબત એ છે કે, રોહિત-કોહલી જેવા ધુરંધરોની નિવૃત્તિ બાદની પ્રથમ ટેસ્ટમાં જ યુવા બેટ્સમેનોએ કૌવત બતાવતા ઐતિહાસિક સીમાચિહ્ન હાંસલ કર્યું હતુ. 

હેડિંગ્લે ટેસ્ટમાં ચોથા દિવસે ભારતની બીજી ઈનિંગમાં કે.એલ. રાહુલે ૧૩૭ રન અને રિષભ પંતે ૧૧૮ રન નોંધાવ્યા હતા. અગાઉ ભારતની પ્રથમ ઈનિંગમાં ઓપનર જયસ્વાલે ૧૦૧, કેપ્ટન શુબ્મન ગીલે ૧૪૭ અને રિષભ પંતે ૧૩૪ રન નોંધાવ્યા હતા. ભારતે આ સાથે ઈંગ્લેન્ડ સામેની પ્રથમ હેડિંગ્લે ટેસ્ટમાં ૩૫૦થી વધુની કુલ સરસાઈ મેળવી લેતા મેચ પર પકડ જમાવી હતી. પંતે બંને ઈનિંગમાં સદી ફટકારનારા ભારતના સૌપ્રથમ વિકેટકિપર બેટ્સમેન તરીકેનો રેકોર્ડ પણ સર્જ્યો હતો. જ્યારે કે.એલ. રાહુલ ઈંગ્લેન્ડની ભૂમિ પર સૌથી વધુ સદી ફટકારનારો ભારતીય ઓપનર બન્યો હતો. 

ભારતે આ સાથે હરિફ ટીમના મેદાન પરની ટેસ્ટમાં પાંચ સદી નોંધાવનારા ઓસ્ટ્રેલિયા પછીના બીજા દેશ તરીકેનો રેકોર્ડ પણ સર્જ્યો હતો. અગાઉ આવી સિદ્ધિ ૧૯૫૫માં વિન્ડિઝના જમૈકામાં રમાયેલી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોએ મેળવી હતી. જ્યારે એક જ ટેસ્ટમાં એક જ ટીમ તરફથી પાંચ સદી નોંધાઈ હોય તેવી ઘટના ૧૧ વર્ષ પછી બની હતી. છેલ્લે ૨૦૧૪માં પાકિસ્તાને ઓસ્ટ્રેલિયા સામે અબુ ધાબીમાં આવો રેકોર્ડ સર્જ્યો હતો. આ સિવાય  વર્ષ ૨૦૦૧માં પાકિસ્તાને બાંગ્લાદેશ સામે મુલતાન ટેસ્ટમાં, ૨૦૦૭માં ઈંગ્લેન્ડે વિન્ડિઝ સામે લોર્ડ્ઝમાં અને ૨૦૧૩માં શ્રીલંકાએ બાંગ્લાદેશ સામેની ગોલ ટેસ્ટમાં આવો રેકોર્ડ સર્જ્યો હતો.

June 20, 2025
image-9.png
1min283

જો બેંકો દ્વારા ખરાબ સિબિલ સ્કોર (CIBIL Score)ને કારણે તમારી લોન એપ્લિકેશન રિજેક્ટ કરી હોય તો હવે ચિંતા કરવાનું કારણ નથી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ 2025 માટે સિબિલ સ્કોરના નિયમોમાં ફેરફાર કર્યા છે, જેને કારણે લોન લેનારાઓને સરળતા રહેશે અને બેંકો ખરાબ સિબિલ સ્કોરને કારણે તમારી લોન પણ રિજેક્ટ નહીં કરી શકે.

આરબીઆઈ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર હવે બેંકોએ લોન રિજેક્ટ કરવા માટે કેટલાક નક્કી કરવામાં આવેલા નિયમોનું પાલન કરવું પડશે અને વિના કારણ લોન રિજેક્ટ પણ નહીં કરી શકાય. જો તમે પહેલાં કોઈ જગ્યાએ લોન માટે અરજી કરી હશે અને લોન એપ્લિકેશન રિજેક્ટ થઈ હશે તો હવે તમને એ માટેનું કારણ પણ જણાવવામાં આવશે. ચાલો જાણીએ આરબીઆઈના આ નવા નિયમથી તમને શું ફાયદો થશે અને તમારે કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ-

આરબીઆઈ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર હવે કોઈ પણ બેંક કે લોન આપનારી સંસ્થા (NBFC) કોઈ પણ કસ્ટમરની લોન ત્યારે રિજેક્ટ કરી શકશે જ્યારે એમની પાસે ચોક્કસ અને સ્પષ્ટ કારણ હશે. એટલું જ નહીં આરબીઆઈ દ્વારા કસ્ટમરને કારણ જણાવવાનું પણ ફરજિયાત બનાવી દીધું છે.

અત્યાર સુધી અનેક વખત ખરાબ સિબિલને કારણે લોન સીધી રિજેક્ટ કરી દેવામાં આવતી હતી, પરંતુ હવે જો તમારો સિબિલ સ્કોર ખરાબ હોય તો લોનની અરજી રિજેક્ટ કરી દેવામાં આવતી હતી. પરંતુ હવે સિબિલ સ્કોર ખરાબ હશે તો પણ બેંકે પુરા ડોક્યુમેન્ટ્સ અને કમ્યુનિકેશનના આધારે ક્લિયર ડિસિઝન આપવું પડશે.

આરબીઆઈના નવા નિયમ અનુસાર હવે માત્ર સિબિલ સ્કોલના આધારે લોન રિજેક્ટ નહીં કરી શકાય. આ સિવાયના બીજા અનેક ફેક્ટર્સ જેમ કે લોન કરનારની આવક, કરન્ટ ઈએમઆઈ લોડ, બેંકિંગ બિહેવિયર, નોકરીની સ્થિરતા જેવી તમામ બાબતોનું ધ્યાન રાખવું પડશે. આ નવા નિયમથી એવા લોકોને ખૂબ જ રાહત મળસે જેમનો સિબિલ સ્કોર કોઈ કારણ અનુસાર ખરાબ થયો હોય પણ બાદમાં તેમણે ફાઈનાન્શિયલ સિચ્યુએશનને કન્ટ્રોલ કરી લીધી હોય.

નવા નિયમ અનુસાર જો બેંક તમારી લોન એપ્લિકેશન રિજેક્ટ કરે છે તો એસએમએસ, ઈમેલ, કોલ દ્વારા રિજેક્શનનું કારણ જણાવવું જરૂરી છે. એટલું જ નહીં બેંકોએ તમામ રિજેક્ટ કરેલી લોનનો રિપોર્ટ દર મહિને આરબીઆઈને મોકલવો પડશે. આરબીઆઈ દ્વારા આ પગલું એટલે લેવામાં આવ્યું છે જેથી બેંક પોતાની મરજીથી લોકોને લોન આપવાનો કે રિજેક્ટ કરવાનો નિર્ણય ના લઈ શકે.

June 18, 2025
bse-nse.png
2min246

શેરબજાર પર મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. વીકલી એક્સપાયરી પર અંતે સ્થિતિ સ્પષ્ટ થઈ ચૂકી છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)માં ડેરિવેટિવ્સ (ફ્યુચર એન્ડ ઓપ્શન્સ – F&O)ની એક્સપાયરીનો દિવસ બદલવામાં આવ્યો છે. BSE પર હવે એક્સપાયરી ગુરૂવારે હશે, અત્યારસુધી આ કોન્ટ્રાક્ટ્સ મંગળવારે સમાપ્ત થતા હતા. જ્યારે NSE પર વીકલી એક્સપાયરી હવે મંગળવારે હશે. આ નિયમ ક્યારથી લાગુ થશે તેની તારીખ જાહેર કરાઈ નથી. પરંતુ NSEએ પોતાની એક્સપાયરીને બદલવા માટે ભલામણ કરી હતી, જેને માર્કેટ એક્સચેન્જ રેગુલેટર ‘સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા’ (SEBI) દ્વારા સ્વીકારવામાં આવી છે.

બાકી તમામ ડેરિવેટિવની ગુરૂવારે એક્સપાયરી થશે, પરંતુ તેની માત્ર મંથલી એક્સપાયરી હશે. એટલે કે તેમની એક્સપાયરી માત્ર મહિનાના છેલ્લા ગુરૂવારે હશે.

નોંધનીય છે કે, પહેલાથી જ લોન્ચ થયેલા ડેરિવેટિવ્સ કોન્ટ્રાક્ટ્સની એક્સપાયરી તારીખમાં કોઈ ફેરફાર નહીં થાય. જો કે, લાંબા ગાળાના ઇન્ડેક્સ ઑપ્શન્સ (Long-dated index options)ની એક્સપાયરી તારીખને જરૂરિયાત મુજબ ફરીથી બદલવામાં આવશે.

NSE પર લિસ્ટેડ BSEએ એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું કે, SEBIએ 26 મે 2025ના રોજ એક સર્ક્યુલર જાહેર કર્યું છે, જેમાં BSE દ્વારા પ્રસ્તાવિત સૂચનો પર વિચાર કર્યા બાદ ડેરિવેટિવ્સની એક્સપાયરી ડેટને લઈને કેટલાક મહત્ત્વના ફેરફાર કરાયા છે.

  1. એક્સપાયરી ડે હવે ગુરૂવારે થશે

SEBIએ BSEના આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે કે ડેરિવેટિવ્સની એક્સપાયરી હવે દર ગુરૂવારે થશે. અત્યાર સુધી આ મંગળવારે થતી હતી.

  1. પહેલા કરતા હાલના કોન્ટ્રાક્ટ્સ પર શું થશે અસર?

જે ડેરિવેટિવ્સ કોન્ટક્ટ્સ પહેલા જ લોન્ચ થઈ ચૂક્યા છે. તેની એક્સપાયરી ડેટમાં કોઈ ફેરફાર નહીં કરવામાં આવે.

જો કે, જે લોન્ગ-ડેટેડ ઇન્ડેક્સ ઓપ્શન હોય છે (એટલે કે લાંબા સમય માટે બનાવવામાં આવેલા), તેની એક્સપાયરી ડેટને પહેલાની જેમ રિઅલાઇન (ફેરફાર) કરાશે.

  1. નવા કોન્ટ્રાક્ટ્સ માટે નવા નિયમો
  • 31 ઓગસ્ટ 2025 સુધીના ડેરિવેટિવ્સ કોન્ટ્રાક્ટ્સની એક્સપાયરી અગાઉ મુજબ જ રહેશે તેમાં કોઇ ફેરફાર નહીં કરાશે.
  • 1 સપ્ટેમ્બર 2025થી જે નવા કોન્ટ્રાક્ટ્સ આવશે, તે ગુરવારે સમાપ્ત થશે. અને મન્થલી કોન્ટ્રાક્ટ્સની એક્સપાયરી દર મહિનાના અંતિમ ગુરુવારે થશે.
  • 1 જુલાઈ 2025 પછીથી કોઈ નવો વીકલી ઇન્ડેક્સ ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ લૉન્ચ નહીં થાય.
June 15, 2025
image-7.png
1min325

ઉત્તરાખંડના કેદારનાથ ધામના યાત્રીઓ ફરી એકવાર મોટી દુર્ઘટનાનો શિકાર થયા છે. રવિવારે (15મી જૂન) કેદારનાથ રૂટ પર એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે. જેમાં 5 લોકોના મૃત્યુ થયાના અહેવાલ છે. આ હેલિકોપ્ટર રુદ્રપ્રયાગના ગૌરીકુંડના જંગલોમાં તૂટી પડ્યું હતું. દુર્ઘટના થવાનું કારણ ખરાબ હવામાન હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

ઉત્તરાખંડના એડીજી (કાયદો અને વ્યવસ્થા) ડૉ. વી. મુરુગેશને જણાવ્યું હતું કે કેદારનાથથી લગભગ 86 કિ.મી. દૂર રુદ્રપ્રયાગ નજીક ગૌરીકુંડના જંગલોમાં એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે. તેમાં છ લોકો સવાર હતા. ઘટનાની જાણ થતાં જ બચાવ ટીમો ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે. તેમણે પુષ્ટી કરી હતી કે ગૌરીકુંડમાં ગુમ થયેલ હેલિકોપ્ટર ક્રેશ થયું છે.

ઘટનાની જાણ થતાં જ ઉત્તરાખંડના મુખ્યમંત્રી ધામીએ આ મામલે ‘X’ પર પોસ્ટ કરીને હેલિકોપ્ટરના મુસાફરો સુરક્ષિત હોય તેવી કામના કરી હતી. તેમણે લખ્યું ‘જનપદ રુદ્રપ્રયાગમાં હેલકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયાના દુઃખદ સમાચાર મળ્યા છે. એસડીઆરએફ, સ્થાનિક વહીવટીતંત્ર અને અન્ય રેસ્ક્યૂ દળ બચાવ કામગીરી કરી રહ્યા છે.’

June 14, 2025
SS_Logo_Red-1280x986.png
1min811

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

નેશનલ ટેસ્ટીંગ એજન્સીએ આજે જેના પરીણામોની દેશના 22 લાખ પરીવારો આતુરતાથી રાહ જોતા હતા એ નીટ અન્ડરગ્રેજ્યુએટ 2025 ટેસ્ટના પરીણામો ઘોષિત કર્યા હતા. ગઇ તા.7મી મે એ લેવાયેલી નીટ યુજીની પરીક્ષાના પ્રશ્નપત્રો કઠિન હોવાના રિવ્યુ બાદ એ વાત નિશ્ચિત હતી કે નીટ યુજીના પરીણામ પર કઠિન પ્રશ્નપત્રની અસર વર્તાવાની છે અને એ જ થયું. આજે જાહેર થયેલા નીટ યુજીના પરીણામોમાં માર્કસ ગયા વર્ષની તુલનામાં નીચા આવ્યા છે. ગયા વર્ષે હાઇએસ્ટ માર્કસ 720માંથી 720 આવ્યા હતા. જ્યારે આ વર્ષે 720માંથી 686 માર્કસ આવ્યા છે. એવી જ રીતે દરેક સ્તરે જોઇએ તો ગયા વર્ષની તુલનામાં 80થી 100 માર્કસ જુદી જુદી કેટેગરી અનુસાર ઓછા આવ્યા છે. જેને કારણે મેડીકલ કોલેજોમાં મેરીટ પણ ગયા વર્ષની સરખામણીમાં અત્યંત નીચે આવશે.
એવું પણ અનુમાન થઇ રહ્યું છે કે આ વખતે 550 માર્કસ લાવનાર વિદ્યાર્થીને સરકારી કોલેજમાં પણ નંબર લાગી શકે છે. એવી જ રીતે ગયા વર્ષે સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં પ્રવેશ જેટલા માર્કે મળ્યો હતો તેટલા માર્કે આ વખતે કદાચ સેમિ સરકારી કોલેજમાં પણ એડમિશન મળી શકે છે. અલબત્ત આ વખતે કેટલાક વિદ્યાર્થીઓ પ્રવેશ માટે એપ્લિકેશન કરે છે તેના આધારે મેરીટ રેન્ક મળશે એ પછી જ ચિત્ર ફાઇનલ થશે.

આજના નીટ યુજીના પરીણામમાં સુરતનો વિદ્યાર્થી જેનિલ વિનોદભાઇ ભાયાણી ગુજરાતમાં પ્રથમ આવ્યો છે જ્યારે દેશમાં તેણે 6ઠ્ઠો ક્રમ હાંસલ કર્યો છે. જેનિલ ભાયાણીએ 99.9999 પર્સન્ટાઇલ રેન્ક હાંસલ કર્યા છે.

June 14, 2025
image-6.png
1min229

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ના ત્રીજા રાઉન્ડ (2023-25)ની ફાઇનલ મેચમાં દક્ષિણ આફ્રિકા ઐતિહાસિક જીતથી માત્ર 69 રન દૂર છે. લોર્ડ્સમાં રમાઈ રહેલા આ મુકાબલામાં ઓસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકાને 282 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ત્રીજા દિવસે એટલે કે 13 જૂનના રોજ દક્ષિણ આફ્રિકાએ બે વિકેટ ગુમાવીને 213 રન બનાવી લીધા છે, જેનાં કારણે તે જીતની નજીક પહોંચી હતી. જેમાં એઈડન માર્કરામ 102 રન અને કેપ્ટન ટેમ્બા બાવુમા 65 રન બનાવીને અણનમ રહ્યા હતા અને હવે ચોથા દિવસે તેમની પાસેથી જીતની આશા રાખવામાં આવી રહી છે.

હેમસ્ટ્રિંગની ઇજા છતાં બાવુમાનો જુસ્સો પ્રસંશનીય

એઇડન માર્કરામે 159 બોલમાં 11 ફોર ફટકારી છે. તેમજ ટેમ્બા બાવુમાએ 121 બોલમાં 5 ફોર ફટકારી છે. બાવુમા અને માર્કરામે અત્યાર સુધીમાં ત્રીજી વિકેટ માટે 232 બોલમાં 143 રનની ભાગીદારી કરી છે. માર્કરામે રન ચેઝ દરમિયાન સેન્ચુરી ફટકારી છે, પરંતુ હેમસ્ટ્રિંગની ઇજા છતાં બાવુમાએ જે જુસ્સો બતાવ્યો તે પ્રશંસનીય છે. બાવુમાની આ શાનદાર ઇનિંગ સામે એઇડન માર્કરામની સેન્ચુરી પણ ફિક્કી લાગે છે.

1998માં નોકઆઉટ ટ્રોફી (હવે ચેમ્પિયન્સ ટ્રોફી) જીત્યા પછી દક્ષિણ આફ્રિકાએ એક પણ વાર ICC ટાઇટલ જીત્યું નથી. જ્યારે દક્ષિણ આફ્રિકાએ છેલ્લે ICC ટાઇટલ જીત્યું હતું, ત્યારે ટીમના ક્રિકેટરો માર્કો જેન્સન અને ટ્રિસ્ટન સ્ટબ્સનો જન્મ પણ થયો ન હતો. દક્ષિણ આફ્રિકાની ટીમ છેલ્લા અમુક વર્ષોમાં સેમિફાઇનલ કે ફાઇનલમાં પહોંચી છે, પરંતુ ટ્રોફી જીતી શકી નથી.

ફાઇનલમાં, ઓસ્ટ્રેલિયન ટીમ ટોસ હારી ગઈ અને પ્રથમ બેટિંગ કરી. તેની પ્રથમ ઇનિંગમાં 212 રન બનાવ્યા. જવાબમાં, પેટ કમિન્સની 6 વિકેટે દક્ષિણ આફ્રિકાની પ્રથમ પારી માત્ર 138 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ત્યારબાદ પ્રથમ ઇનિંગના આધારે, કાંગારૂ ટીમને 74 રનની લીડ મળી. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાએ તેની બીજી પારીમાં 207 રન બનાવ્યા અને દક્ષિણ આફ્રિકા સામે 282 રનનો ટાર્ગેટ રાખ્યો.

June 13, 2025
image-4.png
1min178

ખૂબ જ ગંભીર અને કરૂણ કહી શકાય તેવી ઘટના અમદાવાદમાંમ બની છે. અહીં મેઘાણીનગર વિસ્તારમાં એર ઈન્ડિયાનું પેસેન્જર પ્લેન ક્રેશ થયું છે, જેમાં 242 યાત્રી સવાર હતા. પ્રાથમિક માહિતી અનુસાર આ દુર્ઘટનામાં 242 યાત્રીઓ ઉપરાંત જે બિલ્ડીંગ પર પ્લેન તૂટી પડ્યું એ મેડીકલ કોલેજની હોસ્ટેલના ઇન્ટર્ન ડોક્ટર તેમજ અન્ય લોકો મળીને 13મી જૂન 2025ની સવારે મળેલી લેટેસ્ટ માહિતી અનુસાર 265 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હોવાની વિગતો જાહેર કરવામાં આવી છે.

ગુજરાતના અમદાવાદમાં થયેલા એર ઈન્ડિયાની પ્લેન ક્રેશની ઘટનાએ સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યું હતું. એર ઇન્ડિયાનું બોઇંગ 787-8 ડ્રીમલાઇનર વિમાનમાં કુલ 242 મુસાફરો સવાર હતા. પ્લેન ટેકઓફ થયા પછી તરત જ ક્રેશ થયું હતું. વિમાન લંડન જઈ રહ્યું હતું. તેમાં મોટી સંખ્યામાં ભારતીય અને બ્રિટિશ નાગરિકો સવાર હતા. વિમાન દુર્ઘટનાને લઇને સમગ્ર વિશ્વના નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું હતું.

બ્રિટનના વડા પ્રધાન કિર સ્ટાર્મર, યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન, માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુ, મલેશિયાના વડા પ્રધાન અનવર ઇબ્રાહિમ અને નેપાળના ભૂતપૂર્વ વડા પ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડે ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો.

બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટાર્મરે ‘એક્સ’ પર શોક વ્યક્ત કરતાં લખ્યું હતું કે, “અમદાવાદમાં લંડન જતી એક ફ્લાઇટ દુર્ઘટના થઇ હોવાના સમાચાર અત્યંત હૃદયદ્રાવક છે. હું સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યો છું. મુસાફરો અને તેમના પરિવારો સાથે મારી સંવેદના છે.”

યુરોપિયન કમિશનના પ્રમુખે લખ્યું હતું કે અમદાવાદમાં થયેલા દુ:ખદ વિમાન દુર્ઘટનાથી હૃદયદ્રાવક સમાચાર આવ્યા છે. આ ભયંકર નુકસાનથી પીડિત પરિવારો અને પ્રિયજનો પ્રત્યે મારી સંવેદના. અમે તમારા દુ:ખમાં સહભાગી છીએ. દુ:ખની આ ઘડીમાં યુરોપ તમારી અને ભારતના લોકો સાથે છે.

June 10, 2025
dhoni.jpg
1min312

ભારતના પૂર્વ કેપ્ટન અને મહેન્દ્ર સિંહ ધોનીને ICCએ સન્માનિત કર્યું છે. ધોનીને ICC હોલ ઓફ ફેમ 2025 માં સામેલ કરવામાં આવ્યો છે. તે આ સન્માન મેળવનારો 11મો ભારતીય ક્રિકેટર છે. નોંધનીય છે કે, 2004 માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યા પછી, ધોનીએ 2007 માં T20 વર્લ્ડ કપમાં ભારતનું નેતૃત્વ કર્યું અને ટીમને વિજય અપાવ્યો. તેણે 2011 માં ODI વર્લ્ડ કપ અને 2013 માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી. ધોનીની કેપ્ટનશીપ હેઠળ, ભારતીય ટીમ 2009 માં પહેલીવાર ICC ટેસ્ટ રેન્કિંગમાં ટોચના સ્થાને પહોંચી હતી. તેણે 2020માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી.

ICC એ આ અંગે જણાવ્યું હતું કે, ‘દબાણમાં શાંત સ્વભાવ અને અજોડ વ્યૂહાત્મક કુશળતા તેમજ ટૂંકા ફોર્મેટમાં અગ્રણી ખેલાડી તરીકે જાણીતા, મહાન ફિનિશર, લીડર અને વિકેટકીપર તરીકે મહેન્દ્ર સિંહ ધોનીના વારસાને ICC ક્રિકેટ હોલ ઓફ ફેમમાં સામેલ કરીને સન્માનિત કરવામાં આવ્યો છે.’

ધોનીએ આ અંગે કહ્યું કે, ‘ICC હોલ ઓફ ફેમમાં નામ મેળવવું એ એક સન્માનની વાત છે, જે વિવિધ પેઢીઓ અને વિશ્વભરના ક્રિકેટરોના યોગદાનને માન્યતા આપે છે. આવા સર્વકાલીન મહાન ખેલાડીઓ સાથે તમારું નામ હોવું એ એક અદ્ભુત અનુભૂતિ છે. આ એવી વસ્તુ છે જે હું હંમેશા યાદ રાખીશ.’

ICC હોલ ઓફ ફેમમાં સામેલ ભારતીય ક્રિકેટરોની યાદી

સુનીલ ગાવસ્કર

બિશેન સિંહ બેદી

કપિલ દેવ

અનિલ કુંબલે

રાહુલ દ્રવિડ

સચિન તેંડુલકર

વીનુ માંકડ

ડાયના એડુલજી

વીરેન્દ્ર સેહવાગ

નીતુ ડેવિડ

એમએસ ધોની

ICC એ હોલ ઓફ ફેમ 2025 માં પાંચ પુરુષ અને બે મહિલાઓ સહિત સાત ક્રિકેટરોનો સમાવેશ કર્યો છે. ધોની ઉપરાંત, ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓપનર મેથ્યુ હેડન, દક્ષિણ આફ્રિકાના પૂર્વ બેટર હાશિમ અમલા અને પૂર્વ કેપ્ટન ગ્રીમ સ્મિથ, ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટન ડેનિયલ વેટોરીને પણ સન્માનિત કરવામાં આવ્યા. આ ઉપરાંત પાકિસ્તાન મહિલા ક્રિકેટ ટીમની પૂર્વ કેપ્ટન સના મીર અને ન્યૂઝીલેન્ડની પૂર્વ ક્રિકેટર સારાહ ટેલરને પણ સામેલ કરવામાં આવ્યા છે.

June 6, 2025
image-2.png
1min211

અભિનેતા ડિનો મોરિયા હાલમાં પોતાની ફિલ્મો માટે નહીં પરંતુ મુંબઈના બહુચર્ચિત મીઠી નદી કૌભાંડ મામલે ચર્ચામાં છે. તે આ કૌભાંડની તપાસમાં ફસાઈ રહ્યો છે. આ કેસમાં અભિનેતાના ભાઈ સેન્ટિનો મોરિયાનું નામ પણ સામેલ છે. કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ લગભગ એક ડઝન સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. EDના સૂત્રોએ જણાવ્યું કે, ડિનો મોરિયાના ભાઈ સેન્ટિનોને પૂછપરછ માટે સમન્સ પાઠવવામાં આવ્યું છે.

મુખ્ય આરોપીના કોલ રેકોર્ડ્સ પરથી અનેક લોકના નામ સામે આવ્યા

સૂત્રો પાસથી મળેલી માહિતી પ્રમાણે આ કૌભાંડમાં મુખ્ય આરોપીના કોલ રેકોર્ડ્સ પરથી અનેક લોકના નામ સામે આવ્યા છે. મીઠી નદી કૌભાંડના મુખ્ય આરોપી કેતન કદમના કોલ રેકોર્ડસની તપાસમાં ડિનો મોરિયાનું નામ સામે આવ્યું છે. આરોપ છે કે, મીઠી નદી કૌભાંડના આરોપી કેતન સાથે ડિનો મોરિયા અને તેના ભાઈ સેન્ટિનોએ ઘણી વખત ફોન કોલ પર વાતચીત થઈ છે.

ED પહેલાં મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાની ટીમે અભિનેતા ડિનો મોરિયા અને તેના ભાઈ બંનેની પૂછપરછ કરી છે. બંનેને ગત અઠવાડિયે જ પૂછપરછ માટે બોલાવ્યા હતા.

વાસ્તવમાં મુંબઈ મહાનગરપાલિકાએ થોડા સમય પહેલા મીઠી નદીની સફાઈ કરાવી હતી. આ કૌભાંડ મુંબઈ મહાનગરપાલિકા દ્વારા મીઠી નદીની સફાઈમાં ઉપયોગમાં લેવાતા સ્લજ પુશર્સ અને ડ્રેજિંગ મશીનોની ખરીદી અને વેચાણ સાથે સંબંધિત છે. એવો આરોપ છે કે, આ મશીનો કોચી સ્થિત કંપની મેટપ્રોપ ટેકનિકલ સર્વિસીસ પ્રાઈવેટ લિમિટેડ પાસેથી ઊંચા ભાવે ભાડે લેવામાં આવ્યા હતા અને આમાં મોટી નાણાકીય ગેરરીતિઓ આચરવામાં આવી હતી. આ કેસમાં કેતન કદમ અને જય જોશી મુખ્ય આરોપી છે.

આ બંને પર મેટપ્રોપ કંપનીના અધિકારીઓ અને બીએમસીના સ્ટોર્મ વોટર ડ્રેનેજ વિભાગના અધિકારીઓની મિલીભગતથી કરોડો રૂપિયાનું કૌભાંડ કરવાનો આરોપ છે. કથિત રીતે મીઠી નદીના કથિત ડિસિલ્ટિંગ કૌભાંડમાં મ્યુનિસિપલ કોર્પોરેશનને 65.54 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે.

June 6, 2025
image-1.png
1min240

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે (6 જૂન) જમ્મુ-કાશ્મીરની મુલાકાતે છે, જ્યાં તેમણે ચિનાબ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું છે. ચિનાબ બ્રિજ દુનિયાનો સૌથી ઊંચો રેલવે આર્ચ બ્રિજ છે, જે કાશ્મીર ઘાટીને આખા ભારત સાથે દરેક ઋતુમાં રેલ સંપર્ક પ્રદાન કરશે અને કટરા-શ્રીનગર યાત્રાનો સમય ઘટાડશે. પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ વડાપ્રધાનની આ પહેલી કાશ્મીર મુલાકાત છે. અહીં તેઓ 46 હજાર કરોડની યોજનાઓની ભેટ આપશે.

આ પહેલથી કનેક્ટિવિટીમાં સુધારો થશે. બ્રિજના ઉદ્ઘાટન સાથે એવું પણ કહેવામાં આવે છે કે, આનાથી ‘દિલની દૂરી અને દિલ્હીનું અંતર ઘટશે.’ વડાપ્રધાનના આ કાશ્મીર પ્રવાસ બાદ પર્યટન અને આર્થિક વિકાસને પણ વેગ મળશે.

વડાપ્રધાને ચિનાબ બ્રિજ અને અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું છે, જે ઉધમપુર-શ્રીનગર-બારામૂલા રેલ લિંક યોજનાનો મહત્ત્વપૂર્ણ ભાગ છે. આ યોજના હેઠળ બનાવવામાં આવેલો આ પુલ કાશ્મીર ઘાટીના ભાગને ભારત સાથે જોડશે. જેનાથી મુસાફરીનો સમય ઘટીને 3 કલાક થઈ જશે અને વેપાર તેમજ પ્રવાસ ઉદ્યોગને પણ વેગ મળશે.