CIA ALERT

ઇન્ડીયા Archives - Page 149 of 218 - CIA Live

December 26, 2019
modi_temple.jpg
1min6800

તમિળનાડુના તિરુચિરાપલ્લી શહેરની નજીકના એરાકુડી ગામમાં ૫૦ વર્ષની ઉંમરના પી. સંકર નામના ખેડૂતે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના સહિતની કલ્યાણકારી યોજનાઓથી પ્રભાવિત થઈને પોતાના ખેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું મંદિર બનાવ્યું છે.

સંકરે તિરુચિરાપલ્લીથી ૬૩ કિલોમીટર દૂર આવેલા આ ગામમાં પોતાના ખેતરમાં ગયા અઠવાડિયે આ મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું. તેનું આ શાંતિમય ગામ બહુ નાનું છે. સંકર એમાં દરરોજ આરતી કરે છે.

મંદિરની દીવાલ ૮ ફૂટ ઊંચી છે. મંદિરના પ્રવેશદ્વારમાં સુંદર રંગોળી બનાવવામાં આવી છે અને મંદિરમાં વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ચશ્માંવાળા અને સ્મિત સાથેના ચહેરાવાળી મૂર્તિ છે. એમાં મોદીના કપાળ પર તિલક કરવામાં આવ્યો છે. મૂર્તિમાં મોદીને પિન્ક કુર્તા તથા બ્લુ શાલથી સજ્જ કરાયા છે તેમ જ તેમને ફૂલ-હાર પણ અર્પણ કરવામાં આવ્યા છે. મૂર્તિની બન્ને બાજુએ દીવા રાખવામાં આવ્યા છે.

મોદીની આ મંદિર બનાવવા પાછળ સંકરે ૧.૨૦ લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે.

મંદિર બનાવવાની શરૂઆત આઠ મહિના પહેલાં કરવામાં આવી હતી. સંકરે મુલાકાતમાં કહ્યું હતું કે ‘અમુક અડચણોને કારણે હું જલદીથી આ મંદિર નહોતો બનાવી શક્યો.’

આ મંદિર બનાવવા માટેની પ્રેરણા કેવી રીતે મળી? એવું પૂછાતાં સંકરે પીટીઆઇને કહ્યું હતું કે ‘કેન્દ્ર સરકારના કલ્યાણકારી પગલાંઓથી મને ફાયદો થયો છે અને આ પગલાં લેવા બદલ મને વડા પ્રધાન મોદી ખૂબ પ્રિય છે.

મને ખેડૂતો માટેની પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ ૨,૦૦૦ રૂપિયા મળ્યા છે તેમ જ મને પ્રધાનમંત્રી ઉજ્જવલ યોજના હેઠળ ગૅસ તથા ઇન્ડિવિજ્યૂઅલ હાઉસહૉલ્ડ લૅટ્રિન સ્કિમ હેઠળ ટૉઇલેટની સવલતનો લાભ પણ મળ્યો છે. મને મોદીજીનું વ્યક્તિત્વ બેહદ પ્રિય છે. હું ઘણા સમયથી તેમનો ચાહક છું.’

સંકર તેના ગામનો જાણીતો ખેડૂત છે અને ભાજપ સહિતના કોઈ પણ રાજકીય પક્ષ સાથે જોડાયેલો નથી.

ભાજપના તિરુચિરાપલ્લી ઝોનના પક્ષ-કાર્યકર એલ. કાન્નને પીટીઆઇ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘સંકર અમારા પક્ષનો મેમ્બર નથી. મેં મારા પક્ષના અહીંના હોદ્દેદારોને આ મંદિર જોવા મોકલ્યા હતા. અમે સંકરને ભાજપમાં જોડાઈને લોકોના કલ્યાણ માટે કાર્ય કરવાની વિનંતી કરી છે. સંકરને અમારી ઑફર ગમી છે અને અય્યા (અંગ્રેજીમાં જેમ ‘સર’ની પદવી અપાય એમ તમિળ ભાષામાં ‘અય્યા’ નામનો માનાર્થી શબ્દ વપરાય છે) તેને ખૂબ પ્રિય છે એટલે તે અમારી ઑફર સ્વીકારવા રાજી છે.’

મોદીને રૂબરૂ મળવાની સંકરની ઇચ્છા છે.

સંકરના આ મંદિરમાં મહાત્મા ગાંધી તેમ જ કૉંગ્રેસના ભૂતપૂર્વ અગ્રણી નેતા કે. કામરાજ, એઆઇએડીએમકેના સ્વ. એમ. જી. રામચંદ્રન અને જે. જયલલિતા તેમ જ ગૃહ પ્રધાન અમિત શાહ અને તમિળનાડુના મુખ્ય પ્રધાન કે. પાલાનીસ્વામીની છબીઓ ગોઠવવામાં આવી છે.

December 24, 2019
after_Jharkhand.jpg
1min5140

એક જ વર્ષનાં ગાળામાં ભાજપને પાંચમા રાજ્યમાં શિકસ્તનો સામનો કરવાનો વખત આવ્યો છે. ઝારખંડમાં આજે જેએમએમ-કોંગ્રેસનાં મોરચાની જીત સાથે જ વધુ એક રાજ્ય ભાજપનાં હાથમાંથી સરકી ગયું છે. આ પહેલા ભાજપે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ જેવા પોતાનાં ગઢ સમાન મહત્વપૂર્ણ રાજ્યોમાં સત્તા ગુમાવી દીધી હતી અને હવે તેમાં ઝારખંડનો ઉમેરો થયો છે.

ભાજપ પાસે 21 રાજ્ય હતાં

વર્ષ 2014માં નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં ભાજપે લોકસભા ચૂંટણીમાં સપાટો બોલાવી દીધો હતો અને ત્યારબાદ ભાજપની જીતનો સિલસિલો શરૂ થયેલો. 2014માં ભાજપનાં નેતૃત્વવાળા એનડીએ મોરચાનાં કબજામાં માત્ર 7 રાજ્ય હતાં. પછી જાણે આખો દેશ ભગવા રંગે રંગાવા લાગ્યો હતો. 2017માં રાજકીય રીતે સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશ સહિત 2018 આવતા ભાજપે 21 રાજ્યોમાં સિંહાસન હસ્તગત કરી લીધું હતું. તો 2019 આવતાં તેનો શાસકીય નક્શો સંકોચાઈને 1પ રાજ્યો ઉપર આવી ગયો છે.

ભાજપનો ગ્રાફ નીચે સરક્યો

વર્ષ 2018નાં અંતે દેશની રાજનીતિનો નક્શો ઝડપથી પલટાવા લાગ્યો. જેમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ જેવા મહત્વનાં રાજ્યોમાંથી ભાજપે સત્તા ગુમાવી દીધી. તેમાં પણ મધ્યપ્રદેશ અને છત્તીસગઢનો ફટકો ભાજપ માટે કડવા ઘૂંટડા સમાન બની રહ્યો. કારણ કે ત્યાં ભાજપ દોઢ દાયકાથી એકધારું શાસન કરતો હતો. ત્યારબાદ 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે ફરીથી ધમાકેદાર પ્રદર્શન કર્યુ અને 2014 કરતાં પણ વધુ શક્તિશાળી બનીને ઉપસી આવ્યો. પરંતુ કેન્દ્રમાં સરકાર રચ્યા બાદ ઓક્ટોબર 2019માં મહારાષ્ટ્ર અને હરિયાણાની ચૂંટણીનાં પરિણામોએ ભાજપને ફરીથી આચકો સહન કરવાનો આવ્યો. હરિયાણામાં ગમે તેમ કરીને ભાજપ સત્તા જાળવી શક્યો પણ મહારાષ્ટ્ર તેનાં હાથમાંથી સરકી ગયું હતું. વર્ષ 2019 જતાં જતાં તેને છેલ્લો ઝટકો ઝારખંડ રૂપે આપતું ગયું છે.

અમિત શાહની સ્ટ્રાઈક રેટ પ0 ટકા ઘટી ગઈ

વર્ષ 2019માં ભાજપે કુલ મળીને 212 વિધાનસભા બેઠકો ઉપર પછડાટ ખાધી છે. આ સીવાય ભાજપને હરિયાણામાં 7, આંધ્રપ્રદેશ અને તેલંગણમાં ચાર-ચાર બેઠકોનું નુકસાન થયું છે. જુલાઈ 2014માં અમિત શાહ ભાજપનાં અધ્યક્ષ બન્યા ત્યારથી અત્યાર સુધીમાં ઝારખંડને બાદ કરતાં 31 વિધાનસભા ચૂંટણીઓ યોજાઈ હતી. જેમાંથી ભાજપે પ1 ટકા રાજ્યોમાં સરકાર બનાવી છે. 2014માં ભાજપની સ્ટ્રાઈક રેટ 100 ટકા રહી હતી. 201પમાં તે શૂન્ય થઈ ગઈ. 2014નાં ડિસેમ્બરમાં ઝારખંડ અને જમ્મુ-કાશ્મીરમાં ભાજપે ગઠબંધન સરકારો બનાવી હતી. 2016માં પાંચ રાજ્યોમાં ચૂંટણી યોજાઈ. જેમાં ભાજપ માત્ર એક જ જીત હાંસલ કરી શક્યો હતો. જો કે 2017માં ભાજપને બહેતર પરિણામો મળ્યા. ફેબ્રુઆરી-માર્ચમાં સાત રાજ્યોની ચૂંટણીઓ થઈ અને તેમાંથી છમાં તેને સત્તાનો તાજ મળ્યો. તો 2018માં કુલ નવ રાજ્યોમાં ચૂંટણી થઈ અને ભાજપનું પ્રદર્શન 4પ સુધી સમેટાઈ ગયું. ભાજપ નવમાંથી માત્ર ચાર રાજ્યોમાં જ સરકાર બનાવવામાં સફળ થયો. 2019માં કુલ છ રાજ્યોમાં ચૂંટણી થઈ અને તેને ત્રણમાં સત્તા મળી.

સોનિયા ગાંધીનાં પુનરાગમન બાદ કોંગ્રેસની બીજી જીત

એક તરફ અમિત શાહનાં અધ્યક્ષસ્થાનેથી ભાજપને એક વર્ષમાં પાંચ રાજ્યોમાં નુકસાન થયું છે તો કોંગ્રેસનાં અધ્યક્ષસ્થાને સોનિયા ગાંધીનાં પુનરાગમન બાદ કોંગ્રેસ સતત બીજા રાજ્યમાં ગઠબંધનની સરકાર બનાવવા જઈ રહ્યો છે.

December 24, 2019
jharkhand.jpg
1min4900

ભાજપને ઝારખંડ વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટણી સર્વેક્ષણોનાં અનુમાન મુજબ જ ઝટકો લાગ્યો છે અને ઝારખંડ મુક્તિ મોરચા – કોંગ્રેસ-રાજદનાં ગઠબંધને બહુમત મેળવીને ભાજપ પાસેથી સત્તા ખૂંચવીને કબજો જમાવી દીધો છે. મોડી સાંજ સુધીમાં 81 બેઠકો ધરાવતી વિધાનસભામાંથી 3પ બેઠકોનાં પરિણામ જાહેર થયા ત્યારે જ ભાજપે હાર સ્વીકારી લીધી હતી અને સામે છેડે જેએમએમ-કોંગ્રેસ ઉપર અભિનંદન વર્ષા શરૂ થઈ ગઈ હતી.’ હેમંત સોરેન 28મીએ મુખ્યમંત્રી પદના શપથગ્રહણ કરે તેવી સંભાવના છે. બીજી બાજુ મુખ્યમંત્રી પદેથી રઘુબરદાસે રાજીનામું આપી દીધું છે. જ્યારે કોંગ્રેસે પરિણામ પછી નાયબ મુખ્યમંત્રી પદની માગણી ઉઠાવી હતી.

આ સાથે જ ભાજપ માટે વર્ષ 2019 મિશ્ર પરિણામો લાવનારું બની ગયું હતું. એકબાજુ લોકસભા ચૂંટણીમાં પ્રચંડ જીત મેળવી હતી તો બીજીબાજુ ઉપરાઉપરી રાજ્યોની ચૂંટણીમાં તેને પરાજયનો સામનો કરવાનો વારો આવ્યો છે. જેમાં આ વર્ષ જતાં-જતાં તેને ઝારખંડનાં રૂપમાં વધુ એક આંચકો આપતું ગયું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનાદેશનો સ્વીકાર કરતાં સાંજે ઝારખંડ મુક્તિ મોરચા અને જેમની સરકાર બનવા જઈ રહી છે તે મુખ્યમંત્રી પદનાં દાવેદાર હેમંત સોરેનને અભિનંદન પાઠવ્યા હતાં. આવી જ રીતે ભાજપનાં અધ્યક્ષ અમિત શાહે પણ કહ્યું હતું કે, જનાદેશનો આદર છે. તેમણે ટ્વિટરનાં માધ્યમથી ઝારખંડની જનતાનો પણ પાંચ વર્ષ સુધી સેવા કરવાનો મોકો આપવા બદલ આભાર માન્યો હતો અને પક્ષ વિકાસ માટે પ્રતિબદ્ધ હોવાનું ઉમેર્યુ હતું. તો તમામ બેઠકોનાં પરિણામો બહાર આવે તે પહેલા જ મુખ્યમંત્રી રઘુબર દાસે પણ હાર કબૂલતા કહ્યું હતું કે, તેઓ અંતિમ પરિણામોની રાહ જોઈ રહ્યા છે પણ જો ભાજપનો પરાજય થાય તો આ પક્ષનો નહીં પણ તેમનો વ્યક્તિગત પરાજય હશે. અત્રે ઉલ્લેખનીય છે કે રઘુબર દાસ પહેલા ઝારખંડ મુખ્યમંત્રી છે જેમણે પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો છે. ચૂંટણી પરિણામોમાં જીત લગભગ સુનિશ્ચિત દેખાતા હેમંત સોરેને જનાદેશને વધાવતા કહ્યું હતું કે, તેઓ બધાને ખાતરી આપવા માગે છે કે, કોઈપણ પ્રકારનાં ભેદભાવ વગર તમામ લોકોની મહત્વાકાંક્ષાઓ પૂરી કરવામાં આવશે.

રાત્રે 8 કલાકે કુલ 81 બેઠકોમાંથી 37નાં પરિણામો જાહેર થઈ ગયા છે. જેમાં ભાજપની 13, કોંગ્રેસની 8 અને જેએમએમની 13 બેઠકો ઉપર જીત થઈ ચૂકી છે.

12 બેઠકો ઉપર ભાજપ, 8 બેઠકો ઉપર કોંગ્રેસ અને 17 બેઠકો ઉપર જેએમએમ આગળ છે. જો આ વલણ પ્રમાણે જ અંતિમ પરિણામો રહે તો ભાજપ 2પ બેઠકો ઉપર સમેટાઈ શકે છે. જ્યારે કોંગ્રેસ અને જેએમએમનાં ગઠબંધનને કુલ મળીને 46 બેઠકો મળે તેવી સંભાવના છે. આમ તે બહુમતનો જાદુઈ આંક આસાનીથી પાર કરી લેશે તેવું ટ્રેન્ડ ઉપરથી દેખાય છે.

મુખ્યમંત્રી રઘુબર દાસ 4000 મતે અપક્ષ લડનાર પૂર્વ મુખ્યમંત્રી સર્યુ રોય સામે જમશેદપુર – પૂર્વ બેઠક ઉપર પાછળ ચાલી રહ્યા છે અને તેમની હાર નિશ્ચિત જણાવાય છે. સામે પક્ષે મુખ્યમંત્રી પદનાં દાવેદાર હેમંત સોરેન દુમકા અને બરહેટ બન્ને બેઠક ઉપરથી જીતી ગયા હતાં અને આ વિજયથી ગદગદ સોરેન સાઈકલ લઈને અભિવાદન ઝીલવા નીકળી ગયા હતાં.

December 23, 2019
tejash2.jpg
1min5590

ઓક્ટોબર 2019માં દેશની પહેલી ખાનગી તેજસ એક્સ્પ્રેસ દિલ્હીથી લખનઊ રૂટ પર દોડી હતી. એ બાદ ખાનગી એક્સ્પ્રેસ ટ્રેન દોડાવવા માટે મુંબઈ-અમદાવાદ રૂટની પસંદગી કરવામાં આવી હતી.

ખાનગી ધોરણે દોડનારી બીજી તેજસ એક્સ્પ્રેસ જાન્યુઆરી 2020માં મુંબઈથી અમદાવાદ વચ્ચે દોડશે એવી વકી છે. આ ટ્રેનના ટિકિટના દર અન્ય એક્સ્પ્રેસ ટ્રેનોની સરખામણીમાં વધારે હશે.
આ રૂટ પર આગામી 17 જાન્યુઆરીથી તેજસ એક્સ્પ્રેસ દોડવાની શક્યતા છે. ઈન્ડિયન રેલવે કેટરિંગ ઍન્ડ ટૂરિઝમ કૉર્પોરેશન લિમિટેડ (આઈઆરસીટીસી) દ્વારા આ બંને ખાનગી એક્સ્પ્રેસ ટ્રેનને દોડાવાશે.

મુંબઈ-અમદાવાદ તેજસ એક્સ્પ્રેસની પ્રથમ ટ્રેન સવારે 6.40 વાગે અમદાવાદથી રવાના થશે અને તે બપોરે 1.10 વાગે મુંબઈ પહોંચશે. જ્યારે મુંબઈ સેન્ટ્રલથી તે બપોરે 3.40 વાગે રવાના થઈ અમદાવાદ રાતે 9.55 વાગે પહોંચશે. સપ્તાહમાં ગુરુવાર સિવાય અન્ય બધા દિવસે તે દોડશે.

A few months ago, a tentative schedule was shared by IRCTC for the upcoming Ahmedabad-Mumbai Tejas Express train. As per the tentative schedule of this private train service, the IRCTC Ahmedabad-Mumbai Tejas Express will start from Ahmedabad Junction railway station at 6:40 AM and will reach Mumbai Central railway station at 1:10 PM. On the return journey, the train will depart from Mumbai Central railway station at 3:40 PM and will reach Ahmedabad Junction railway station at 9:55 PM. En route both ways, the train will halt at Vadodara Junction railway station and at Surat railway station. The Ahmedabad-Mumbai Tejas Express is likely to run six days a week.

December 23, 2019
indiawon.jpg
1min5000

ભારતે રવિવારે અહીં વેસ્ટ ઇન્ડિઝને ત્રીજી અને આખરી રોમાંચક વન-ડેમાં ૮ બૉલ બાકી રાખીને ૪ વિકેટના માર્જિનથી હરાવીને સિરીઝ ૨-૧થી જીતી લીધી હતી. કૅરેબિયનો સામે ભારતનો આ લાગલગાટ ૧૦મો વન-ડે સિરીઝ-વિજય છે.

ભારતે વેસ્ટ ઇન્ડિઝને ટી-ટ્વેન્ટી શ્રેણીમાં પણ ૨-૧થી પરાજિત કર્યું હતું.

રવિવારે કૅપ્ટન વિરાટ કોહલી (૮૫ રન, ૮૧ બૉલ, નવ ફોર)ની બેનમૂન ઇનિંગ્સે આ શ્રેણી-વિજય શક્ય બનાવ્યો હતો. ભારતને જીતવા ૫૦ ઓવરમાં ૩૧૬ રન બનાવવાનો લક્ષ્યાંક અપાયો હતો જે એણે ૪૮.૪ ઓવરમાં છ વિકેટના ભોગે બનાવી લીધો હતો.

ઓપનિંગમાં રોહિત શર્મા (૬૩ રન, ૬૩ બૉલ, એક સિક્સર, આઠ ફોર) તથા કેએલ રાહુલ (૭૭ રન, ૮૯ બૉલ, એક સિક્સર, આઠ ફોર) લગભગ એકસરખી ઉપયોગી ઇનિંગ્સ રમ્યા હતા અને તેમની વચ્ચે ૧૨૨ રનની મહત્ત્વપૂર્ણ ભાગીદારી થઈ હતી. ત્યાર બાદ વિરાટ અને રાહુલ વચ્ચે બીજી વિકેટ માટે ૪૫ રનની પાર્ટનરશિપ થઈ હતી. જોકે, વિરાટની સામેના છેડે એક પછી એક વિકેટ પડતી ગઈ હતી, પરંતુ ખુદ વિરાટ ક્રીઝ પર ટકી રહ્યો હતો. રવીન્દ્ર જાડેજા (૩૯ અણનમ, ૩૧ બૉલ, ચાર ફોર) સાથે છઠ્ઠી વિકેટ માટે તેની ૬૦ રનની બહુમૂલ્ય ભાગીદારી થઈ હતી. વિરાટ ટીમને વિજયની લગોલગ પહોંચાડ્યા બાદ કીમો પૉલના બૉલમાં ક્લીન બોલ્ડ થયો હતો. જોકે, ત્યાર બાદ જાડેજાએ મુંબઈકર પેસ બોલર શાર્દુલ ઠાકુર (૧૭ અણનમ, ૬ બૉલ, એક સિક્સર, બે ફોર) સાથેની જોડીમાં જાડેજાએ ભારતને છેવટે જીત અપાવી દીધી હતી.

વિરાટ કોહલીને મૅન ઑફ ધ મૅચનો અને રોહિત શર્માને મૅન ઑફ ધ સિરીઝનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેના કુલ ૨૫૮ રન બન્ને ટીમના બૅટ્સમેનોમાં હાઇએસ્ટ હતા. બોલરોમાં કીમો પૉલ ૬ વિકેટ સાથે મોખરે હતો.

December 22, 2019
crimeagainstwomen.jpg
1min5940

મહિલા સામેના ગુનાઓ આચર્યાના આરોપોવાળા કેસ જેઓ વિરુદ્ધ નોંધાયા છે તેવા અનેક સાંસદો/વિધાનસભ્યો છે.
એક તરફ ન્યાયનો સિદ્ધાંત જણાવે છે કે જયાં સુધી આરોપ સાબિત ન થયો હોય ત્યાં સુધી જે તે આરોપી વ્યકિતને અપરાધી ન ઠરાવી શકાય. સાથે એક કડવું સત્ય એ ય છે કે બળાત્કારનો આરોપી કોઈ ચૂંટાયેલો લોકપ્રતિનિધિ હોય તે તેની તપાસપ્રક્રિયાને ચોકકસપણે પ્રભાવિત કરતો હોય છે.

બળાત્કારના આરોપી એવા 3 ઉમેદવારો 2019ની લોકસભા ચૂંટણીમાં સાંસદ બનવામાં તથા રાજયોની ચૂંટણીઓમાં આવા આરોપીસરના છ ઉમેદવાર વિધાનસભ્ય બનવામાં સફળ રહ્યા છે. ટૂંકમાં 76 જનપ્રતિનિધિઓ-18 સાંસદ અને 58 વિધાનસભ્યો-મહિલાઓ સામેના ગુના આચરવાના આરોપોનો સામનો કરી રહ્યા છે.

એસોસીએશન ફોર ડેમોક્રેટીક રીફોર્મ્સ (એડીઆર)ના રીપોર્ટ મુજબ છેલ્લા દસ વર્ષં (’10-’19) સાંસદો પરના મહિલા-અપરાધો સબબ નોંધાયેલા મામલામાં 8પ0 ટકા વધારો જોવા મળ્યો છે. લોકસભા ચૂંટણી દરમિયાન મહિલા અપરાધીઓના આરોપી ઉમેદવારોની સંખ્યામાં 231 ટકાનો વધારો થયો છે.

કુલ એવા 17 રાજકીય પક્ષો છે જેઓના સાંસદ કે વિધાનસભ્ય વિરુદ્ધ મહિલા સામે અપરાધ આચરવાના આરોપ નોંધાયા છે. તેમાં એસિડ વડે એટેક, બળાત્કાર, યૌન ઉત્પીડન, મહિલાઓને દેહવ્યાપારમાં ધકેલવાનો કે સગીરાઓની હેરાફેરીના આરોપસરના કેસોનો સમાવેશ થાય છે. આવા કુલ આરોપીઓના પચાસ’ ટકા કોંગ્રેસ અને ભાજપના છે.

December 22, 2019
senameal.jpg
1min4960

વિધાનસભાની ચૂંટણી દરમિયાન શિવસેનાએ મુંબઈગરા માટે ૧૦ રૂપિયામાં જમવાની થાળીની જાહેરાત કરી હતી, તેની શરૂઆત મુંબઈ મહાનગરપાલિકાથી થઈ છે. મુંબઈ મહાનગરપાલિકાની કૅન્ટિનમાં માત્ર ૧૦ રૂપિયામાં થાળી આપવાના પ્રોજેક્ટનો ગુરુવારે મેયર કિશોરી પેડણેકરને હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો.

પાલિકામાં દસ રૂપિયામાં થાળી ચાલુ કરવામાં આવી છે, જોકે તેનો લાભ ફક્ત પાલિકા કર્મચારીઓને જ મળવાનો છે. અન્ય લોકોને જોકે કેન્ટિને નક્કી કરેલા દરે જ થાળી મળશે. ગુરુવારે બપોરે પાલિકાની કૅન્ટિનમાં દસ રૂપિયાની થાળીની યોજનાનું ઉદ્ઘાટન મેયરના હસ્તે કરવામાં આવ્યું હતું. મુંબઈમાં દસ રૂપિયામાં થાળી આપવાની યોજના શક્ય છે કે નહીં તે બાબતે પાલિકા વિચાર કરી રહી છે આ દરમિયાન પાલિકાના અન્ય વોર્ડમાં પણ દસ રૂપિયામાં થાળી આપવાની યોજના બહુ જલદી ચાલુ કરવામાં આવવાની હોવાનું જાણવા મળ્યું હતું. અહીં ઉલ્લેખનીય છે કે વિધાનસભાની ચૂંટણી દરમિયાન શિવસનાએ પોતાના ચૂંટણી ઢંઢેરામાંં રાજ્યમાં દસ રૂપિયાની થાળી આપવાની યોજનાની જાહેરાત કરી હતી.

December 22, 2019
pakwindies.jpg
1min4790

ભારતીય ક્રિકેટ ટીમ આજે વેસ્ટ ઇન્ડિઝ સામે લાગલગાટ ૧૦મી ટેસ્ટ-સિરીઝ જીતવા માટે કોઈ કસર બાકી નહીં રાખે. કૅરેબિયનો ભારતના પ્રવાસમાં આવ્યા ત્યાર બાદ ભારતીય ટીમે ફીલ્ડિંગમાં થોડી કચાશ બતાવવા ઉપરાંત એકંદરે સુંદર ઑલરાઉન્ડ પર્ફોર્મ કર્યું છે અને એ જોતાં આજે કટકના બારામતી સ્ટેડિયમ ખાતેની નિર્ણાયક વન-ડેમાં કીરોન પૉલાર્ડ ઍન્ડ કંપની સામે વિરાટસેના જીતશે એવી પાકી સંભાવના છે.

વેસ્ટ ઇન્ડિઝની ટીમ ભારત સામે ૧૩ વર્ષથી વન-ડે સિરીઝ નથી જીતી શકી. એ જોતાં, તેમને આજે એ પરંપરા તોડવાની તક છે.

બન્ને ટીમો શ્રેણીમાં ૧-૧ની બરાબરીમાં છે અને આજે (બપોરે ૧.૩૦ વાગ્યાથી) વેસ્ટ ઇન્ડિયન ટીમ આ પ્રવાસની આખરી મૅચ રમશે.

વિશાખાપટનમ ખાતેની બીજી વન-ડેમાં વિરાટ કોહલી અને કીરોન પોલાર્ડ, બન્ને હરીફ કૅપ્ટન પોતાના પહેલા જ બૉલમાં આઉટ થઈ ગયા હતા. વિરાટ માટે એ લકી ગ્રાઉન્ડ હતું, પણ એના પર જ તે સાવ ફ્લૉપ ગયો હતો. જોકે, રોહિત શર્મા (૧૫૯) તથા કે. એલ. રાહુલ (૧૦૨) વચ્ચેની ૨૨૭ રનની ઓપનિંગ પાર્ટનરશિપે ટીમની લાજ રાખી હતી અને છેવટે કૅરેબિયનો ૩૮૮ રનના તોતિંગ લક્ષ્યાંક સામે દબાઈ ગયા હતા અને ૨૮૦ રને ઑલઆઉટ થતાં ૧૦૭ રનથી હારી ગયા હતા.

રોહિત શર્માને ત્રણેય ફૉર્મેટમાં ઓપનર તરીકે હાઇએસ્ટ રન-સ્કોરર બનાવનાર સનથ જયસૂર્યાનો બાવીસ વર્ષ જૂનો વિક્રમ તોડવાનો આજે મોકો છે અને એ માટે રોહિતને ફક્ત ૯ રનની જરૂર છે.

શ્રેયસ ઐયર અને રિષભ પંતની મિડલ-ઑર્ડરની જોડી પણ ભારતીય ટીમમાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહી છે.

પેસ બોલર દીપક ચહર ઈજા પામતાં દિલ્હીના પેસ બોલર નવદીપ સૈનીને ટીમમાં સમાવાયો છે. તે આજે વન-ડેમાં ડેબ્યૂ કરી શકે એમ છે.

વેસ્ટ ઇન્ડિઝને ઓપનર અને વિકેટકીપર શાઇ હોપ તથા શિમરોન હેટમાયર પર આધાર છે. શાઇ હોપને તાજેતરમાં આઇપીએલ માટેની હરાજીમાં કોઈ પણ ટીમે નહોતો ખરીદ્યો, જ્યારે હેટમાયરને દિલ્હી કૅપિટલ્સ ટીમે ૭.૭૫ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આજે હોપ નારાજગીમાં જબરદસ્ત રમીને આઇપીએલની ટીમોના માલિકોને બતાવી દેવા કોઈ કસર નહીં છોડે. બીજી તરફ, હેટમાયર પોણાઆઠ કરોડ રૂપિયાના પોતાના ખરીદભાવને સાર્થક ઠરાવવાના પ્રયાસમાં આજે ભારત સામે જોરદાર પર્ફોર્મ કરશે તો નવાઈ નહીં લાગે.

કટકમાં છેલ્લે ૨૦૧૭માં વન-ડે રમાઈ હતી જેમાં ભારતે ઇંગ્લૅન્ડને ૩૮૩ રનનો લક્ષ્યાંક આપ્યા બાદ ૧૫ રનથી રોમાંચક વિજય મેળવ્યો હતો.

ભારત છેલ્લે વન-ડે શ્રેણીમાં ઑસ્ટ્રેલિયા સામે ૧-૨થી હારી ગયું હતું, પરંતુ આજે કૅરેબિયનો સામે ૨-૧થી જીતવાનો ચાન્સ છે.

વિરાટ કોહલી માટે કટકનું બારામતી સ્ટેડિયમ નસીબવંતુ નથી. અહીં તેણે ત્રણ વન-ડે તથા એક ટી-ટ્વેન્ટીમાં કુલ મળીને માત્ર ૩૪ રન બનાવ્યા છે. તેના આ ચાર મૅચના સ્કોર આ મુજબ રહ્યા છે: ૩, ૨૨, ૧, ૮.

બન્ને દેશોની સંભવિત ઇલેવન

ભારત: વિરાટ કોહલી (કૅપ્ટન), રોહિત શર્મા (વાઇસ કૅપ્ટન), કે. એલ. રાહુલ, શ્રેયસ ઐયર, રિષભ પંત (વિકેટકીપર), કેદાર જાધવ, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહંમદ શમી, નવદીપ સૈની તેમ જ શાર્દુલ ઠાકુર અથવા યુઝવેન્દ્ર ચહલ.

વેસ્ટ ઇન્ડિઝ: કીરૉન પોલાર્ડ (કૅપ્ટન), શાઇ હોપ (વિકેટકીપર), એવિન લુઇસ, શિમરોન હેટમાયર, રૉસ્ટન ચેઝ, નિકોલસ પૂરન, જેસન હોલ્ડર, કીમો પૉલ, અલ્ઝારી જોસેફ, ખેરી પિયેર અને શેલ્ડન કૉટ્રેલ.

December 22, 2019
nrc.jpg
1min10580

સીએએ સામે દેશભરમાં આંદોલનો થઇ રહ્યાં છે તે ધ્યાનમાં લઇને ભાજપના સાથીપક્ષો સીએએ અને સૂચિત એનઆરસીનો વિરોધ કરી રહ્યા છે, ત્યારે ભાજપ આ બંને મુદ્દા પર એકલુંઅટૂલું પડી રહ્યું હોવાનું ચિત્ર ઊપસે છે.

તમિળનાડુ, આંધ્ર પ્રદેશ અને ઇશાનપૂર્વના કેટલાક રાજ્યના મુખ્ય પ્રધાન સિવાય લગભગ બધા બિનભાજપી મુખ્ય પ્રધાનો સૂચિત નેશનલ રજિસ્ટર ઑફ સિટીઝન્સ તૈયાર કરવાના વિરોધમાં જાહેરમાં આવ્યા છે. ભાજપના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે એનઆરસી પાર્ટીના એજન્ડામાં છે. ગુરુવારે કાર્યકારી પ્રમુખ જે. પી. નડ્ડાએ એનઆરસી અંગે પક્ષની પ્રતિબદ્ધતાનો પુનરુચ્ચાર કર્યો હતો. ઘણાં રાજ્યોએ ફગાવી દીધી છે તેવા સમયે એનઆરસી કેવી રીતે લાગુ થશે એમ પૂછવામાં આવતા તેમણે કહ્યું કે દશકોથી લટકી રહેલા ભાજપના એજન્ડાના મહત્ત્વના વાયદાઓનો મોદી સરકાર અમલ કરાવી શક્યું છે. એક વાર શાંતિ સ્થપાઇ જશે તે પછી સરકાર વધુ વિગતો જાહેર કરશે તેવું તેમણે કહ્યું હતું. કેન્દ્રીય પ્રધાન નિર્મલા સીતારામને કહ્યું હતું કે એનઆરસી ઝુંબેશ શરૂ કરવા અગાઉ તમામ હિતધારકો સાથે ચર્ચાવિચારણા કરવામાં આવશે.

પોલિટિકલ સાયન્સના પ્રોફેસર સુશીલા રામસ્વામીએ કહ્યું કે લોકોમાં ઘણો ભય છે. સરકાર સ્પષ્ટ રીતે સમજાવી શકી નથી. ઉતાવળ કરવાને બદલે તેમણે લોકોને તૈયાર કરવા જોઇતા હતા. જો એનઆરસી કવાયત કરવાની હોય તો કયા દસ્તાવેજ જોઇશે એની તેમણે સ્પષ્ટતા કરવી જોઇએ. સરકાર સમાજના દરેક વર્ગનું પ્રતિનિધિત્વ કરે છે અને સમાજમાંં તિરાડ પડે તેવા સંવેદનશીલ મુદ્દાઓ પર રાજકારણ કરવું જોઇએ નહીં. રાજકારણમાં જુદો અભિપ્રાય ધરાવતા લોકોની સહમતી મેળવવા સુધી સરકારે સાવચેત રહેવું જોઇએ.

December 22, 2019
dada_amitabh.jpg
1min5580

ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ સોમવારે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એનાયત કરશે.

અહીંના વિજ્ઞાનભવનમાં યોજાનારા વાર્ષિક રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારના કાર્યક્રમમાં અમિતાભ બચ્ચનને દાદા સાહેબ ફાળકે પુરસ્કાર એનાયત કરાશે.

માહિતી અને પ્રસારણ ખાતાના પ્રધાન પ્રકાશ જાવડેકર પણ આ કાર્યક્રમમાં હાજરી આપશે.

રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સામાન્ય રીતે રાષ્ટ્રપતિના હસ્તે એનાયત કરાય છે. આમ છતાં, આ વખતે રાષ્ટ્રપતિ

રામનાથ કોવિંદ માત્ર વિજેતાઓ માટે ‘ચા-નાસ્તા’નો કાર્યક્રમ યોજવાના છે.

ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’ને શ્રેષ્ઠ ફિલ્મ જાહેર કરાઇ છે.

વિકી કૌશલને ‘ઉરી’ અને આયુષ્માન ખુરાનાને ‘અંધાધુન’ માટે સંયુક્ત રીતે શ્રેષ્ઠ અભિનેતાની ટ્રૉફી અપાશે.

કીર્તિ સુરેશને તેલુગુ મુવી ‘મહંતી’ માટે શ્રેષ્ઠ અભિનેત્રી તરીકે પસંદ કરાયા છે.

આદિત્ય ધારે ‘ઉરી’ ફિલ્મ માટે શ્રેષ્ઠ દિગ્દર્શકનો પુરસ્કાર જીત્યો છે.