CIA ALERT

ગુજરાત Archives - Page 63 of 158 - CIA Live

August 25, 2020
k3-1280x720.jpg
1min5510

મોરબી જિલ્લામાં મેઘરાજાએ તાંડવ મચાવ્યું હોય તેમ 24 કલાકમાં 13 ઈંચ વરસાદ ખાબકી ગયો હતો. તેમાંય ટંકારામાં માત્ર 2 કલાકમાં જ 7 ઈંચ વરસાદથી તાલુકાના તમામ ડેમ, નદી-નાળા, વોંકળા બે કાંઠે વહેવા લાગ્યા હતા તો વાંકાનેરમાં 30 કલાકમાં 10 ઈંચ વરસાદ પડયો હતો.
મોરબી શહેર-તાલુકામાં બે દિવસમાં અનરાધાર મેઘ તાંડવથી અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા હતા. શહેરના વિવિધ વિસ્તારોમાં તારાજી સર્જાઈ હતી. બંધુનગર નજીક નેશનલ હાઈવે પર પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો હતો.

પંચાસર રોડ સ્થિત’ ઓઈલ મીલમાં પણ પાણી ઘુસ્યું હતુ તો માર્કેટીંગ યાર્ડમાં પાણી ભરાતા વેપારીઓમાં ચિંતા વધી હતી. બીજી તરફ મોરબીના માણેકવાડા ગામે બે કાચા મકાન ધરાશાયી થયા હતા, જો કે, કોઈ જાનહાની થઈ ન હતી.

ટંકારા તાલુકામાં ગત સવારથી જ આવી ચડેલી મેઘસવારીએ ધીમે ધીમે ગતિ પકડતા 26 કલાકમાં 14 ઈંચ વરસાદ ખાબકી ગયો હતો. આ સાથે મોસમનો કુલ વરસાદ 53 ઈંચથી વધુ થયો હતો. તાલુકાના આસપાસના ગામડાઓમાં પણ 10થી 12 ઈંચ વરસાદ નેંધાયો હતો. ટંકારા તાલુકા પંચાયત પાછળ આવેલા પૂરવઠાના ગોડાઉનમાં કામ કરતા 8 મજુરોને ગત મોડી રાત્રે સરકારી સ્ટાફે રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડયા હતા. બીજા બનાવમાં ટંકારા તાલુકાના ખીજડીયા રોડ પર આવેલી ફેક્ટરીમાં ચારે તરફ પાણી ફરી વળતા તેમાં ફસાયેલા 17 જેટલા મજુરોને સરપંચ ફિરોજભાઇ તથા યુવાનોએ રેસ્કયુ કર્યા હતા.

વાંકાનેરમાં ત્રીસ કલાકમાં 10 ઈંચ ઉપરાંત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં બે દિવસમાં 15 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેને પગલે જડેશ્વર રોડ પર આવેલું વડસર તળાવ ઓવરફ્લો થયું હતુ તેમજ પાતાળેશ્વર મહાદેવ મંદિરમાં કેડ સમા પાણી ભરાયા હતા. આમરણ ચોવીસી પંથકમાં ગત શનિવારથી આજસુધીમાં 25 ઈંચ વરસાદ વરી ગયો હતો. ધુળકોટ, કોયલી, અંબાલા, પાડાબેકડ, બેલા, કોઠારીયા, ઉટબેટ, ફડસર સહિતના ગામ બેટમાં ફેરવાયા હતા. જ્યારે જામનગર-કંડલા કોસ્ટલ હાઈવે પર માનુગામના પાટિયા પાસે એક મોટું નાળું ધરાશાયી થતા વાહન વ્યવહાર બંધ થયો હતો. હાટકેશ્વર તળાવ પણ ઓવર ફ્લો થયું હતુ. આમરણ ગામે 112, ઝિંઝુડા ગામે 100, ઉટબેટ ગામે 25 લોકોનું સ્થળાંતર કરાયું હતુ.

મચ્છુ-2 ડેમના 18 દરવાજા ખોલવામાં આવતા માળિયા મીયાણા પંથકમાં કચ્છ હાઈવે બ્લોક કરી દેવામાં આવ્યોહ તો. જ્યારે તાલુકાનું ખીરઈ, હરિપર, ફતેપર, વિરવિદરકા સહિતના ગામ બેટમાં ફેરવાયા હતા અને સંપર્ક વિહોણા થયા હતા. માળિયા શહેરમાં નગરપાલિકા, મામલતદાર કચેરી સહિત નીચાણવાળા અનેક વિસ્તારો જળબંબાકાર થયા હતા.

રાયસંગપુર ગામે વોંકળામાં પિતા-પુત્ર તણાયા
મોરબી : મોરબી જિલ્લામાં ભારે વરસાદને પગલે અનેક તારાજી સર્જાઈ હતી. તેમાં હળવદ તાલુકાના રાયસંગપુર ગામે ઉપરવાસના વરસાદના કારણે હળવદથી રાયસંગપુર જવા રસ્તા પર આવેલો ઓકરો કાંઠે થયો હતો. દરમિયાન રાયસંગપુર ગામના નારાયણભાઈ બેચરભાઈ દલવાડી (ઉ.45) પોતાના પુત્રની પરીક્ષા આપવા હળવદ આવતા હતા ત્યારે 18 વર્ષનો શ્રીપાલ અને તેના પિતા બંને પાણીમાં તણાવા લાગ્યા હતા. બનાવની જાણ થતા આજુબાજુના લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા. ત્યારબાદ હળવદ તાલુકા વિકાસ અધિકારી અમિતભાઈ રાવલ, ગામના સરપંચ તેમજ રાયસંગપુર ગામના આગેવાનો ઓકરા પાસે દોડી ગયા હતા. તરવૈયાની ટીમ, ટ્રેક્ટર અને રસિઓ સાથે રેસ્ક્યુ હાથ ધરીને બંન્નેની શોધખોળ શરુ કરવામાં આવી હતી.

August 25, 2020
1min4860

ગુજરાતમાં કોરોનાના સંક્રમણને લીધે છેલ્લા ચોવીસ કલાકમાં વધુ ૧૩ દર્દીઓએ દમ તોડ્યો છે. આ સાથે રાજ્યનો કોરોનાથી મૃત્યુ આંક વધીને ૨૯૧૦ થઇ ગયો છે. જે સરેરાશ ૩.૪ ટકા થવા જાય છે. બીજી તરફ નવા ૧૦૬૭ દર્દીઓ પોઝિટિવ મળતાં કુલ આંક ૮૭,૮૪૬ સુધી પહોંચી ગયો છે. આ સાથે આઇસીએમઆરની ગાઇડલાઇન્સ મુજબ ચોવીસ કલાકમાં ૧૦૨૧ દર્દીઓને રજા અપાતા કુલ ડિસ્ચાર્જ આંક ૭૦,૦૦૦ને પાર થઇ ૭૦૨૫૦ સુધી પહોંચ્યો છે. આમ, રિવકરી રેટ ૮૦ ટકા થયો છે.

છેલ્લા ચોવીસ કલાકમાં સુરતમાં સૌથી વધુ પાંચ, અમદાવાદમાં ત્રણ, રાજકોટ અને વડોદરામાં બે-બે તેમજ ભાવનગર શહેરમાંથી એક દર્દી મળી કુલ ૧૩ના કોવિડ-૧૯ સંક્રમણથી મૃત્યુ થયાની પુષ્ટી હેલ્થ બુલેટિનમાં કરવામાં આવી છે.

સુરતમાંથી કુલ ૨૨૯ નવા કેસ મળ્યા છે એમાં શહેરના ૧૫૯ કેસનો સમાવેશ થાય છે આ જ રીતે અમદાવાદમાંથી કુલ ૧૬૫ કેસ નોંધાયા છે એમાંથી શહેરના ૧૫૧ કેસ છે. વડોદરામાં કુલ ૧૨૦ કેસમાં શહેરના ૮૮ કેસનો સમાવેશ થાય છે. ગાંધીનગર શહેરના ૧૦ મળી કુલ ૨૬ કેસ નવા નોંધાયા છે.

સૌરાષ્ટ્રમાં સતત ચોથા દિવસે જામનગર શહેરમાંથી સૌથી વધારે ૭૭ કેસ નવા નોંધાયા છે. અલબત્ત, જિલ્લામાંથી માત્ર ૯ કેસ નવા ઉમેરાયા છે. રાજકોટ શહેરમાંથી ૬૭ અને જિલ્લાના ૩૨ મળી કુલ ૯૯ કેસ થાય છે. ભાવનગરમાંથી કુલ ૪૯ કેસમાં ૩૦ શહેરના કેસ છે. જ્યારે જૂનાગઢમાંથી ૧૩-૧૩ મળી કુલ ૨૬ નવા  કેસ નોંધાયા છે. રાજ્યભરમાં છેલ્લા ત્રણેક દિવસથી સતત વરસાદી માહોલ વચ્ચે પણ એક હજાર કરતાં વધુ કેસ મળી રહ્યા છે. અલબત્ત, વરસાદને લીધે ટેસ્ટીંગના પ્રમાણમાં ઘટાડો થયો છે. છેલ્લા ચોવીસ કલાકમાં નવા ૬૩,૦૬૫ ટેસ્ટ કરાયા હતા. જોકે, કોરોનાની કામગીરી સાથે સંકળાયેલા આરોગ્ય વિભાગના સૂત્રોનું કહેવું છે કે, વરસાદી માહોલ બાદ વકરનારી બિમારીઓના લીધે ચેપગ્રસ્તોની સંખ્યા વધશે.

August 24, 2020
real_cia-1-1280x1022.jpg
1min9320

ગુજકેટ ગુજરાત આજે GUJCET લઇને ભારતમાં દાખલો બેસાડશે : કોરોના વચ્ચે પણ જાહેર પરીક્ષા સંભવ

કોરોના કાળને કારણે ગત માર્ચ માસથી સમગ્ર ભારતમાં શૈક્ષણિક કાર્ય ખોરંભે પડ્યું છે ત્યારે ગુજરાત રાજ્ય પહેલું એવું રાજ્ય છે ભારતનું જ્યાં માર્ચ 2020 પછી પહેલી વખત એવી જાહેર પરીક્ષા, ગુજકેટ યોજાઇ રહી છે જેમાં સવા લાખ જેટલા પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. આ સાથે જ ગુજરાત સમગ્ર ભારતમાં એવો દાખલો બેસાડી રહ્યું છે કે કોરોના કાળ હોવા છતાં સાવચેતી, તકેદારી રાખીને જાહેર પરીક્ષાઓ યોજી શકાય છે. ધો.12 સાયન્સ પછી ઈજનેરી અને ફાર્મસી, એગ્રિકલ્ચરના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આજે સવારે 10 વાગ્યાથી ગુજકેટ પરીક્ષા શરૂ થઇ છે.કોરોના બાદ સ્કૂલોના બાળકોની આ પ્રથમ રાજ્યવ્યાપી પરીક્ષા છે.

ન્યુ નોર્મલ

  • દરેક ક્લાસમાં 20 જ વિદ્યાર્થીને ઝીગઝેગ સ્ટાઈલથી બેસાડવામા આવશે.
  • દરેક સેન્ટર પર થર્મલ સ્કેનિંગ કરવામા આવશે.
  • સેનિટાઇઝ્ડ ક્લાસરૂમ, બેન્ચની વ્યવસ્થા
  • દરેકે દરેક માટે માસ્ક ફરજિયાત
  • ગુજકેટની પરીક્ષામાં બોર્ડ દ્વારા પાણીની બોટલ લઈ જવાની છુટ અપાતી નથી પરંતુ કોરોનાને લઈને ખાસ પાણીની બોટલ લઈ જવા વિદ્યાર્થીઓને છુટ અપાઈ છે.પરંતુ વિદ્યાર્થી પારદર્શક હોય તેવી બોટલ લઈ જવાની રહેશે.

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આજરોજ તા.24મી ઓગસ્ટ 2020ના રોજ ગુજકેટ પરીક્ષા લેવાય રહી છે. કોરોના અને વરસાદ વચ્ચે રાજ્યભરના જિલ્લા કેન્દ્રો પરથી પરીક્ષા શરૂ થઇ છે.ગુજકેટ પરીક્ષા માટે 1.27  લાખથી વધુ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, પરંતુ ધો.12માં બેથી વધુ વિષયોમાં નાપાસ થયા હોય તેવા 18થી20 હજાર જેટલા વિદ્યાર્થીઓ માટે ગુજકેટ હવે બિનઉપયોગી હોવાથી સંભવ છે કે તેઓ આજની ગુજકેટ પરીક્ષા નહી આપે.

સુપ્રીમ કોર્ટે પણ વિતેલા પખવાડીયે કહ્યું હતું કે કોરોના હજુ એક વર્ષ ચાલશે તો શું શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખી દેવી જોઇએ..સુપ્રીમ કોર્ટની ટકોર બાદ કેન્દ્રને પણ નીટ અને જેઇઇ જેવી પરીક્ષાઓ યોજવા માટે બળ મળ્યું છે અને તેમાં આજે ગુજરાતમાં યોજાઇ રહેલી ગુજકેટ પરીક્ષા બાદ દેશમાં શૈક્ષણિક ગતિવિધિઓ ક્રમશ શરૂ થવાની શક્યતાઓ પણ ઉજળી જણાય રહી છે.

ગુજકેટ બાદ યુનિવર્સિટી પરીક્ષાઓ પણ યોજાશે

ગુજકેટ લેવાયા બાદ ગુજરાતમાં આવેલી વિવિધ યુનિવર્સિટીઓ પણ ફાઇનલ ઇયરના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવા માટેની તૈયારીઓ કરી રહી છે. યુનિવર્સિટી ગ્રાન્ટસ કમિશન દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે ઓછામાં ઓછું ડિગ્રી કે ડિપ્લોમા અભ્યાસક્રમોના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓની તો ફિઝિકલ પરીક્ષા લેવાવી જ જોઇએ. હવે ગુજકેટની સફળતા બાદ ગુજરાતમાં યુનિવર્સિટીઓની પરીક્ષાઓ પણ યોજાશે.

ગુજરાતના શિક્ષણનું ભાવિ આજની ગુજકેટ પર

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આવતીકાલે ગુજકેટ અને 25મીથી ધો.10-12ની પુરક પરીક્ષા લેવનાર છે ત્યારે ગુજરાત સરકાર માટે પણ કોરોના વચ્ચે સ્કૂલોના બાળકોની આ પ્રથમ રાજ્ય વ્યાપી પરીક્ષા પડકાર સમાન છે.પાંચ મહિનાથી સ્કૂલો બંધ છે ત્યારે ધો.10 અને 12ના બોર્ડના વિદ્યાર્થીઓની સ્કૂલો બંધ રહેતા અભ્યાસનું નુકશાન થતુ હોઈ કેન્દ્ર સરકાર દ્વારા હવે પછીના અનલોકમાં શાળાઓ ઓડ ઈવન પદ્ધતિથી શરૂ કરવાની પણ વિચારણા થઇ રહી છે ત્યારે ગુજરાત સરકાર માટે ગુજકેટ અને પુરક પરીક્ષા સારી અને સફળ રીતે લેવાય તે એક મોટી રાહત કહી શકાય. વિદ્યાર્થીઓ પરીક્ષા માટે પણ કલાકના સમય સુધી ઓછી સંખ્યા સાથે રૂમમાં બેસશે અને વિદ્યાર્થી માટે માસ્ક ફરજીયાત કરાયા છે.આગળ જતા સ્કૂલો જલ્દીથી શરૂ કરવા માટે આ પરીક્ષા પણ પથદર્શક બની શકે.

August 24, 2020
MUM-RAIN-1_d.jpg
1min5210

સમગ્ર રાજ્યમાં દક્ષિણથી લઇને ઉત્તર, પશ્ચિમથી લઇને મધ્ય ગુજરાતમાં છેલ્લા અઠવાડીયાથી ઝીકાઇ રહેલા દેમાર અને અવિરત વરસાદે જનજીવનને વ્યાપક પ્રમાણમાં અસરો પહોંચાડી છે.

વરસાદના કારણે જનજીવનને પણ અસર પહોંચી રહી છે. ભારે વરસાદનું પાણી હવે લોકોના ઘરમાં ઘૂસી રહ્યું છે. આ સ્થિતિના કારણે કેટલાક વિસ્તારના રસ્તાઓ સંપૂર્ણ બંધ કરવામાં આવ્યાં છે. રાજ્ય સરકારે હાલાતની સમીક્ષા કરવા માટે મોનિટરિંગ કરવાનું કહ્યું છે તો NDRFની ટીમને પણ એલર્ટ રાખવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં વરસાદના કારણે સ્થિતિ વધુ ખરાબ બની છે. સુરેન્દ્રનગરમાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતાં. જેના કારણે વાહનચાલકોની મુશ્કેલી વધી છે તો કેટલાક વિસ્તારમાં લાઈટ અને પીવાના પાણીની સમસ્યા પણ ઉભી થઈ છે.

રાજ્યમાં ભારે વરસાદના કારણે કેટલાક રસ્તાઓની હાલત ખરાબ થઈ છે તો કેટલાક માર્ગ સંપૂર્ણપણે ધોવાઈ ચૂક્યાં છે. વાહન વ્યવહારને પણ અસર પહોંચતા STએ પણ કેટલીક ટ્રીપ રદ કરી હતી. સમગ્ર સાર્વત્રિક વરસાદના કારણે જળાશયો તો છલકાયાં જ છે આ ઉપરાંત સામાન્ય લોકોની અવરજવર માટે કેટલાક રસ્તાઓ બંધ કરવામાં આવતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. વરસાદ વચ્ચે રાજ્યના 102 રસ્તાઓ બંધ કરવામાં આવ્યાં છે. જેમાં આણંદ, કચ્છ, ભરુચ, સુરત અને જુનાગઢ જિલ્લામાં સ્થિત રાજ્ય સરકારના 6 રાજમાર્ગનો પણ સમાવેશ થાય છે. હવામાન વિભાગે હજુ પણ સોમવાર સુધી ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.

રાજ્ય સરકારના જળ સંસાધન વિભાગના ઓફિસરના જણાવ્યાનુસાર, સમગ્ર વિસ્તારમાં વરસાદના કારણે 206માંથી 66 બાંધ ક્ષમતા સુધી ભરાઈ ચૂક્યાં છે. જેમાંથી 52 તો સૌરાષ્ટ્રમાં જ છે. આ રીતે રાજ્યના દરેક જળાશયોમાં પણ 61% સુધીનું પાણી ભરાઈ ચૂક્યું છે. જ્યારે સરદાર સરોવર બાંધમાં પણ 57% જેટલું પાણી આવી ચૂક્યું છે. આથી જો વરસાદ રોકાવાનું નામ નહીં લે તો પાણી છોડવાની સ્થિતિમાં અનેક નીચાણવાણા પ્રદેશો તેમજ વિસ્તારો પૂરગ્રસ્ત થઈ શકે છે.
દાહોદ, અરવલ્લી, ગીર-સોમનાથ, સુરેન્દ્રનગર, કોડિનાર, દ્વારકા સહિત રાજ્યમાં થઈ રહેલા વરસાદના કારણે નદી-નાળાં છલકાયા છે તો ડેમમાં પણ નવા નીરની આવક થઈ છે.

ગીરમાં પણ ધોધમાર વરસાદ ખાબકતાં જુનાગઢનો દામોદર કુંડ છલોછલ થયો છે. જ્યારે ગીર સોમનાથમાં જ કોડીનાર પંથકમાં પણ સારો એવો વરસાદ વરસી જતાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતાં. કોડીનારની શીંગવડા નદીમાં ભારે પૂર આવતા કોઝવે પરથી પસાર થવાં જતા બે બાઈક સવાર ફસાઈ ગયા હતાં. જેનો ગ્રામજનોએ બચાવ કર્યો હતો. આ ઉપરાંત વેરાવળ-તાલાળાને જોડતા રસ્તા પર પણ પાણી ફરી વળ્યાં છે.

August 24, 2020
corona-gujarat.jpg
1min4830

ગુજરાતમાં તા.23મી ઓગસ્ટને રવિવારે સાંજે 8 વાગ્યા સુધીમાં કુલ કુલ ૧૭,૫૬,૧૩૩ કોરોના ટેસ્ટ થઇ ચૂક્યા હતા. આ ટેસ્ટની સંખ્યામાંથી ગુજરાતમાં કોરોનાના કુલ ૮૬,૭૭૯ પોઝિટિવ કેસ મળ્યા હતા. આ પૈકી અત્યાર સુધીમાં ૬૯,૨૨૯ દર્દી સાજા થયા છે. અલબત્ત, ૨૮૯૭ દર્દીના કોરોનાને લીધે મૃત્યુ થયા છે. હાલ રાજ્યમાં ૧૪૬૫૩ એક્ટિવ કેસ છે એમાં ૭૯ દર્દીને વેન્ટીલેટરી સપોર્ટ ઉપર રાખવા પડયા છે જ્યારે ૧૪૫૭૪ દર્દી સ્ટેબલ છે.

તા.23મીએ ગુજરાતમાં કોરોનાનું સ્ટેટસ

કોરોનાના સંક્રમિત દર્દીઓને શોધવા માટે રાજ્યભરમાં થતાં વિવિધ ટેસ્ટના આંકમાં છેલ્લા ચોવીસ કલાકમાં ઓચિંતો ઘટાડો થતાં બે દિવસની વિક્રમી ૧૨૦૦ કેસની સપાટી તોડી ફરી ૧૧૦૦ની સપાટીએ કેસ પહોંચ્યા છે. રવિવારે સાંજે પાંચ વાગે પૂરાં થતાં ચોવીસ કલાકમાં ૬૦૮૦૮ ટેસ્ટમાં નવા ૧૧૦૧ કેસ નોંધાયા છે. બીજી તરફ સારવાર હેઠળ રહેલા વધુ ૧૪ દર્દીના મૃત્યુ થયા છે જ્યારે આઇસીએમઆરની ગાઇડલાઇન્સ મુજબ વધુ ૯૭૨ દર્દી ડિસ્ચાર્જ થયા છે. અમદાવાદ અને સુરતમાં ૫-૫, જૂનાગઢમાં ૨ તેમજ રાજકોટ અને વડોદરામાં ૧-૧ દર્દીના કોરોના સંક્રમણને લીધે મૃત્યુ થયા છે.

સૌરાષ્ટ્રમાં સતત બીજા દિવસે જામનગર શહેરમાંથી ૭૬ કેસ નવા નોંધાયા છે ગ્રામ્યમાંથી ૯ કેસ ઉમેરાયા છે. રાજકોટ શહેરમાંથી ૬૩ અને ગ્રામ્યમાંથી ૩૬ મળી કુલ ૯૯ કેસ નવા નોંધાયા છે. ભાવનગરમાં ૪૧ કેસમાં શહેરના ૨૫ કેસનો સમાવેશ થાય છે. જ્યારે જૂનાગઢમાં કુલ ૨૭ કેસમાં ગ્રામ્યના ૧૫ કેસનો સમાવેશ થાય છે.

August 23, 2020
corona-gujarat.jpg
1min4660

22 August 2020 છેલ્લા ચોવીસ કલાકમાં નવા ૭૫૨૫૮ ટેસ્ટ સાથે રાજ્યના કુલ ટેસ્ટનો આંક ૧૬,૯૫,૩૨૫ થયો છે. જ્યારે કુલ ૮૫,૬૭૮ કેસમાંથી કુલ ૬૮,૨૫૭ ડિસ્ચાર્જ થયા છે. છેલ્લા ચોવીસ કલાકમાં વધુ ૯૮૦ દર્દીનો પણ સમાવેશ થાય છે. આ સાથે રાજ્યનો રિકવરી રેટ ૮૦ ટકા જળવાયેલો રહ્યો છે. હાલ એક્ટિવ કેસની સંખ્યા ૧૪૫૩૮ છે એમાં ૮૫ દર્દીને વેન્ટીલેટરી સપોર્ટ ઉપર રખાયા છે અને ૧૪૪૫૩ સ્ટેબલ છે.

ગુજરાતમાં કોરોના વાયરસના સંક્રમણની નવી ૧૨૦૦ દૈનિક કેસની સપાટી સતત બીજા દિવસે જળવાઇ રહી છે. પાછલા ચોવીસ કલાકમાં નવા ૧૨૧૨ કેસ સાથે રાજ્યના કુલ પોઝિટિવ કેસનો આંક ૮૫૦૦૦ને પાર થઇ ૮૫,૬૭૮ સુધી પહોંચ્યો છે. આ સમયગાળામાં સંક્રમિત લોકોને શોધવા માટે પાણો લાખ જેટલા વિવિધ ટેસ્ટ કરાયાનો પણ વિક્રમ સર્જાયો છે. બીજી તરફ  સંક્રમિત લોકોની ચાલી રહેલી સારવારમાં રાજ્યની વિવિધ હોસ્પિટલોમાં વધુ ૧૪ દર્દીના મૃત્યુ થતાં કુલ આંક ૨૮૮૩ સુધી પહોંચી ગયો છે. આ આંક ૩.૪ ટકા છે, પરંતુ સમગ્ર દેશમાં હજુ પણ ઊંચો છે.

August 22, 2020
Damanganga01.jpg
1min4520

સૌરાષ્ટ્રમાં છેલ્લાં ૧૦ વર્ષનો સૌથી વધારે જળસંગ્રહ આ ચોમાસામાં થયો છે. આ વખતે સૌરાષ્ટ્રમાં ૮૨ ટકા સંગ્રહ છે જે ગત વર્ષે ૫૨ ટકા હતું. ૨૦૧૯માં મધ્ય ગુજરાતના જળાશયોમાં ૯૨ ટકા પાણી હતું, આ વર્ષે માત્ર ૪૨ ટકા છે.

છેલ્લાં ૧૦ વર્ષના ચોમાસાના ૧૮ ઓગસ્ટ સુધીની સ્થિતિએ છેલ્લાં ૧૦ વર્ષના આંકડાઓ મુજબ, ૨૦૧૯માં સૌથી વધારે જળસંગ્રહ ૭૪ ટકા, જ્યારે સૌથી ઓછો જળસંગ્રહ ૨૦૧૩માં ૩૯ ટકા હતો. ૨૦૧૨માં સૌરાષ્ટ્રના જળાશયોમાં માત્ર ૭ ટકા સ્ટોરેજ જ્યારે ૨૦૧૪માં કચ્છમાં ૯ ટકા સ્ટોરેજ જ હતું. ઉત્તર ગુજરાતમાં ૧૦માંથી ૪ વર્ષ જળસંગ્રહ ૩૦ ટકાથી નીચે રહ્યું છે. આ વર્ષે અત્યાર સુધી કચ્છમાં ૧૫૦ ટકા વરસાદ છે, ડેમોમાં ૪૩ ટકા જળસંગ્રહ છે. ૨૦૧૯માં ૧૮ ઓગસ્ટ સુધી ૧૦૨ ટકા વરસાદ હતો અને જળસંગ્રહ ૬૧ ટકા હતો.

રાજ્યના ૧૦૧ ડેમ ૯૦ ટકાથી ઉપર ભરાતા હાઈએલર્ટ, ૯ ડેમ ૮૦ ટકાથી ૯૦ ટકા ભરાતા એલર્ટ અને ૧૪ ડેમ ૭૦ થી ૮૦ ટકા ભરાતા વોર્નિંગ જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે ૮૧ ડેમમાં ૭૦ ટકાથી ઓછો જળસંગ્રહ છે. કચ્છ ઝોનમાં ૧૫૦ ટકા, ઉત્તર ગુજરાતમાં ૬૨ ટકા, પૂર્વ-મધ્યમાં ૬૬ ટકા, સૌરાષ્ટ્રમાં ૧૧૭ ટકા અને દક્ષિણ ગુજરાતમાં ૮૫ ટકા સરેરાશ વરસાદ છે.

August 22, 2020
corona-gujarat.jpg
1min4380

ગુજરાતમાં કોરોના મહામારીના છ મહિનામાં પહેલી વખત એક જ દિવસમાં ૭૨,૮૫૭ ટેસ્ટ કરાયા હતા અને એમાં અત્યાર સુધીના સૌથી વિક્રમી ૧૨૦૬ પોઝિટિવ કેસ મળ્યા છે બીજી તરફ આઇસીએમઆરની ગાઇડલાઇન્સ મુજબ ૧૩૨૪ દર્દી એક જ દિવસમાં ડિસ્ચાર્જ થયા છે. આ સાથે રાજ્યનો કુલ પોઝિટિવ કેસનો આંક ૮૪,૪૬૬ સુધી પહોંચ્યો છે જ્યારે સાજા થનારા દર્દીઓનો આંક ૬૭,૨૭૭ થતાં રાજ્યનો રિકવરી રેટ ૮૦ ટકા થઇ ગયો છે. અલબત્ત, છેલ્લા ચોવીસ કલાકમાં વધુ ૧૪ દર્દીઓના મૃત્યુ સાથે કુલ આંક ૨૮૬૯ સુધી પહોંચ્યો છે.

૮૪૪૬૬ પોઝિટિવ કેસમાંથી ૬૭૨૭૭ સાજા થતાં રિવકરી રેટ ૮૦ ટકા થયો, મૃત્યુ આંક ૨૮૬૯, સુરતમાં ૫, અમદાવાદ ૩, વડોદરા ૨, રાજકોટ, ભાવનગર, આણંદ અને પંચમહાલમાં એક એક મળી કુલ ૧૪ મૃત્યુ

છેલ્લા ચોવીસ કલાકમાં સુરત શહેરમાંથી નવા ૧૬૯ કેસ અને ગ્રામ્યમાંથી વધુ ૮૨ મળી ૨૫૧ કેસ નોંધાયા છે જ્યારે અનુક્રમે ૩ અને ૨ મળી પાંચ દર્દીના કોવિડ સંક્રમણને લીધે મૃત્યુ થયા છે. અમદાવાદ શહેરમાં સતત બીજા દિવસે દોઢસોથી વધુ કેસ એટલે કે ૧૫૬ કેસ નોંધાયા છે જ્યારે ગ્રામ્યમાંથી નવા ૨૩ કેસ ઉમેરાયા છે. અલબત્ત શહેરમાંથી જ વધુ ૩ દર્દીના મૃત્યુ થયા છે. વડોદરા શહેરમાંથી નવા ૯૭ કેસ અને ગ્રામ્યમાંથી પણ નવા ૨૩ કેસ મળી ૧૨૦ કેસ નોંધાયા છે. શહેરના વધુ બે દર્દીના મૃત્યુ થયા છે. ગાંધીનગર શહેરમાંથી નવા ૧૨ કેસ સાથે એક દર્દીનું મૃત્યુ નોંધાયું છે ગ્રામ્યમાંથી નવા ૧૫ કેસ નોંધાયા છે.

સૌરાષ્ટ્રમાં સૌથી વધારે ૬૯ કેસ જામનગર શહેરમાંથી નોંધાયા છે. જ્યારે ગ્રામ્યમાંથી ૮ કેસ નવા નોંધાયા છે. રાજકોટ શહેરમાંથી ૬૦ અને ગ્રામ્યમાંથી ૩૭ કેસ મળી ૯૭ કેસ નોંધાયા છે. રાજકોટ શહેરમાંથી વધુ એક દર્દીનું મૃત્યુ કોવિડથી થયું હોવાનું સરકારે સ્વીકાર્યું છે. જૂનાગઢમાંથી કુલ ૩૨ કેસ મળ્યા છે એમાં ગ્રામ્યમાંથી ૧૯ કેસનો સમાવેશ થાય છે. ભાવનગરમાંથી કુલ ૨૭  કેસ નોંધાયા છે એમાં પણ ગ્રામ્યમાંથી આવેલા ૧૫ કેસનો સમાવેશ થાય છે.

મધ્ય ગુજરાતમાં સૌથી વધારે આદિવાસી જિલ્લા પંચમહાલમાંથી સતત નવા કેસ મોટી સંખ્યામાં ઉમેરાઇ રહ્યા છે છેલ્લા ચોવીસ કલાકમાં નવા ૪૪ કેસ નોંધાયા છે એની સાથે કચ્છ જિલ્લામાંથી નવા ૩૮ કેસ, ભરૂચમાંથી ૩૧, અમરેલીમાંથી ૨૯ અને દાહોદ જિલ્લામાંથી ૨૮ કેસ નવા નોંધાયા છે. આ તમામ જિલ્લાઓમાં સતત કેસ વધી રહ્યા છે. આની પાછળ સરકારે સઘન ટેસ્ટીંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટની પધ્ધતિ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે એ કારણભૂત છે.

અન્ય જિલ્લાઓની સ્થિતિ જોઇએ તો, મહેસાણામાંથી નવા ૨૭ કેસ નોંધાયા છે તો બનાસકાંઠમાંથી ૨૩, મોરબીમાંથી ૨૦, ગીરસોમનાથથી ૧૭, પાટણમાંથી ૧૫, આણંદમાંથી ૧૪ કેસ નવા નોંધાયા છે. નર્મદામાંથી ૧૧ અને ખેડામાંથી ૧૦ કેસ ઉમેરાયા છે. નવસારી અને સાબરકાંઠામાંથી ૯-૯ કેસ આવ્યા છે જ્યારે બોટાદ, ડાંગ, મહીસાગર, પોરબંદરમાંથી ૮-૮ નવા કેસ નોંધાયા છે. દેવભૂમિ દ્વારકામાંથી ૬, છોટાઉદેપુરથી ૫, વલસાડમાંથી ૪, અરવલ્લી, સુરેન્દ્રનગરમાંથી ૩-૩ કેસ નવા નોંધાયા છે.

આમ, રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા ૧૪૩૨૦ છે જ્યારે ૮૯ દર્દીઓને વેન્ટીલેટરી સપોર્ટ ઉપર રખાયા છે અને ૧૪૨૩૧ દર્દી સ્ટેબલ છે.

August 21, 2020
weather-forecast.jpg
1min4600

બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થતાં 22 અને 23 ઓગસ્ટે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આાગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે.

હવાના વિભાગના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં વરસાદનું જોર વધશે. 21 ઓગસ્ટથી વરસાદની તીવ્રતા વધશે તથા 22 અને 23 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં વધુ એક લો પ્રેશર સિસ્ટમ સર્જાતાં આગામી બે દિવસમાં ગુજરાત જળબંબાકારની સ્થિતિ સર્જાઈ તેવી સંભાવના છે.

હવાના વિભાગ મુજબ રાજ્યમાં 21 ઓગસ્ટ એટલે આજે પંચમહાલ, દાહોદ, વડોદરા, રાજકોટ, પોરબંદર, મોરબી, દ્વારકા, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, ખેડા, અમદાવાદ, આણંદ, નર્મદા જિલ્લામાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે જ્યારે 22 ઓગસ્ટે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, દ્વારકા, કચ્છ જિલ્લામાં ભારે વરસાદ પડશે.

August 21, 2020
SGCCI.jpg
1min4920

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ આગામી દિવસોમાં રેલ્વે સ્ટેશન અને ઔદ્યોગિક વિસ્તારોમાં બે લાખ માસ્ક અને એક લાખ સેનીટાઇઝરની બોટલોનું વિતરણ કરશે

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ પ્રેસિડેન્ટ શ્રી દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે એ વાત નિશ્ચિત છે કે કોરોના વચ્ચે રહીને પણ સુરત સમેત દક્ષિણ ગુજરાતના ઉદ્યોગ, ધંધા રોજગારોની ગાડી ફરી પાટે ચઢાવવાની છે. આ પ્રયાસમાં ચેમ્બર ઓફ કોમર્સ જાન ભી હૈ જહાન ભી હૈ ની નીતની રૂએ ઉદ્યોગ ધંધા ફરી ધમધમતા થાય એ માટે પ્રયાસો કરી રહી છે તેની સાથે જ વતનમાંથી સુરત પરત ફરતા કામદારોને કોરોના પ્રોટેકશન મળે એ માટે પ્રથમ તબક્કામાં તેમને માસ્ક અને સેનિટાઇઝરનું નિશુલ્ક વિતરણ કરવામાં આવશે. હાલમાં બે લાખથી વધુ માસ્ક અને સેનિટાઇઝરનું વિતરણ હાથ ધરવામાં આવી રહ્યું છે.

તા.20મી ઓગસ્ટના રોજ ઘી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના કાર્યવાહક પ્રમુખ દિનેશ નાવડિયાની અધ્યક્ષતામાં સુરતના માસ્ક અને સેનીટાઇઝરના ઉત્પાદકો અને વિક્રેતાઓ સાથે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ ક્ષેત્રના ઉત્પાદકોએ પોતાના ધંધાને મહત્વ ન આપીને વધુને વધુ માસ્ક તથા સેનીટાઇઝર બોટલોનું દાન જાહેર કર્યું હતું.

બેઠકમાં સુરેશ ગોંડલીયા તરફથી પ૦ હજાર એન– ૯પ માસ્ક તથા ૧૧૦૦ સેનીટાઈઝર બોટલ, ધી માંગરોળ તાલુકા ઇન્ડસ્ટ્રીયલ વેલફેર એસોસીએશન તરફથી ૩૦ હજાર માસ્ક, સચીન ઇન્ડસ્ટ્રીયલ કો–ઓપરેટીવ સોસાયટી તરફથી રપ હજાર સેનીટાઇઝરની બોટલ, પાંડેસરા વિવર્સ કો–ઓપરેટીવ સોસાયટી તરફથી ૧૦ હજાર માસ્ક, સુરત જ્વેલરી મેન્યુફેકચરર્સ એસોસીએશન તરફથી ૧૦ હજાર માસ્ક, સૌરાષ્ટ્ર ટેક્ષ્ટાઇલ ટ્રેડર્સ એસોસીએશન તરફથી રપ હજાર માસ્ક અને રિનેશ ભિમાની તરફથી પ હજાર માસ્કના દાનની જાહેરાત કરવામાં આવી હતી.

પ્રથમ તબકકામાં સુરત રેલ્વે સ્ટેશન ખાતે ટ્રેનો મારફત સુરત આવતા શ્રમિકોને માસ્ક અને સેનીટાઇઝરની બોટલોનું વિતરણ કરવામાં આવશે. એના માટે ચેમ્બર દ્વારા સુરત સ્ટેશને એક બુથ બનાવવામાં આવશે તથા ચેમ્બરના સભ્યો દ્વારા માસ્ક અને સેનીટાઇઝરની બોટલોનું વિતરણ કરવામાં આવશે.બીજા તબકકામાં શહેરના ઔદ્યોગિક વિસ્તારોમાં ફરી ફરીને જાગૃતિના ભાગરૂપે શ્રમિકોને માસ્ક અને સેનીટાઇઝર બોટલોનું વિતરણ કરવામાં આવશે. હજી પણ આ પ્રોજેકટમાં જેમણે પણ રસ હોય તેમણે મોબાઇલ નંબર ૯૮રપ૪૭ર૯૦૮ ઉપર સંપર્ક સાધવા જણાવવામાં આવે છે.