CIA ALERT

ગુજરાત Archives - Page 56 of 158 - CIA Live

October 15, 2020
prasad.jpg
1min5940

રાજ્યના મંદિરોમાં પ્રસાદ વિતરણને લઇને રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામા ંઆવ્યો છે. રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જાહેર કર્યું હતું કે, રાજ્યમાં મંદિરોમાં હવેથી બંધ પેકેટમાં પ્રસાદી આપી શકશે અને જે મંદિરો આ પ્રમાણે ભક્તોને પ્રસાદ આપવા માગતા હોય તે પ્રસાદ આપી શકે છે. પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે, 7 જૂન 2020થી રાજ્ય સરકાર’ નક્કી કર્યું હતું કે, નિશ્ચિત માર્ગદર્શક સૂચનાના આધાર પર રાજ્યના મંદિરો દર્શન માટે ખોલવામાં આવે. રાજ્ય સરકારે કોઇ પણ મંદિર દર્શન માટે બંધ કર્યા નથી. કેટલી જગ્યા પર નવરાત્રિના સમયમાં લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ અને દર્શનાર્થીઓ આવતા હોવાથી તેમજ કેટલીક જગ્યાએ ધર્મસ્થાનોમાં પૂરતી જગ્યા ન હોવાના કારણે અને કેટલાક મંદિર પર્વતની ટોચ પર હોવાના કારણે લાખો લોકો આવે તો ત્યાં સંક્રમણની શક્યતા વધી શકે છે. તેવા સંજોગોમાં જે તે ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા આ અંગેનો જરૂરી નિર્ણય લેવામાં આવ્યા છે. મંદિરમાં પરંપરાગત પૂજા, અર્ચના, આરતી અને હવનની પરંપરાઓ ચાલુ રહેવાની છે પરંતુ મંદિર સુધીના માર્ગ પર ઓછામાં ઓછા લોકો દાખલ થઇ શકે તેવી વ્યવસ્થા આ પરિસ્થિતિ વચ્ચે કરવામાં આવી છે અને રસ્તાની વચ્ચેના ભાગમાં એલઇડીની વ્યવસ્થા કરીને દર્શનાર્થીઓને દર્શન થાય તેના માટેની સુવિધા ઊભી કરી છે.

તેમણે કહ્યું હતું કે, જ્યારથી અનલોક 1 થયું ત્યારથી ગુજરાતના તમામે તમામ મંદિરોમાં નિશ્ચિત માર્ગદર્શક સૂચનાઓનું પાલન કરીને તમામ જગ્યાએ દર્શન ખુલ્લા કરવામાં આવ્યા છે. નવરાત્રિ દરમિયાન અલગ-અલગ ટ્રસ્ટોએ પોતાની સગવડ અનુસાર અને સામાજિક અંતર જાળવીને જે નિર્ણયો લીધા છે. ટ્રસ્ટીઓએ પોતાની સ્થળ પરની પરિસ્થિતિ અને કોરોના સંક્રમણ વધે નહીં તેના માટે નિર્ણયો લીધા છે. સાથે-સાથે રાજ્ય સરકારે આ નવરાત્રિના સમય દરમિયાન તમામ ધર્મસ્થાનો અને મંદિરોમાં તમામ જગ્યાઓ પર કોરોના સંક્રમણ ન વધે તે ધ્યાને રાખીને ધાર્મિક શ્રધ્ધાળુઓ આસ્થા કેન્દ્રમાં આવતા લોકોને આપવામાં આવતો પ્રસાદ બંધ પેકેટમાં આપવાનો નિર્ણય લીધો છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મંદિરોમાં ક્ષમતા કરતા વધારે લોકો દર્શન કરવા આવે છે. પાવાગઢના મંદિરોમાં આશરે પાંચ લાખ જેટલા લોકો દર્શન કરવા આવે છે અને તેમાં પણ નિશ્ચિત દિવસે મોટી સંખ્યામાં ભીડ હોય એટલા માટે વ્યવસ્થાના ભાગરૂપે જે તે ટ્રસ્ટના લોકોએ વ્યક્તિગત રૂપે પોતે વ્યવસ્થાની જાળવણી માટે આ નિર્ણય કર્યા છે.

ઉલ્લેખનીય છે કે પાંચ દિવસ પહેલા રાજ્ય સરકારે રાજ્યમાં કોઇપણ ગરબાનું જાહેરમાં આયોજન કરવા પ્રતિબંધ મુક્યો હતો. જેની ગાઈડલાઈન્સમાં નવરાત્રિ દરમિયાન પ્રસાદ વિતરણ ન કરવાની માટેના નિર્દેશો આપવામાં આવ્યા હતા. જો કે પ્રસાદ પરના પ્રતિબંધ સામે ભાવિક ભક્તોમાં અસંતોષની લાગણી જોવા મળી હતી. જેને પગલે આજે મળેલી રાજ્ય પ્રધાનમંડળની બેઠકમાં પ્રસાદને છૂટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે મુજબ, નવરાત્રિમાં પ્રસાદ માટેની ગાઈડલાઈનમાં ફેરફાર કરી પેકેટમાં પ્રસાદની છૂટ આપવામાં આવી છે. સરકારના આ નિર્ણયને કારણે મીઠાઈનાં વેપારીઓને હવે નુકશાન વેઠવું નહીં પડે.

October 14, 2020
Kaumudi-Munshi.jpg
1min6890

સુપ્રસિદ્ધગાયિકા અને સ્વરકાર કૌમુદી મુન્શી એટલે ‘ધ નાઈન્ટિંગલ ઑફ ગુજરાત’.કંઠની મીઠાશ જાણે તેમના સ્વભાવમાં પણ ભળી ગયેલી. ઠુમરી, ગઝલ, ચૈતી, હોરી અને ઉત્તર પ્રદેશના લોકગીતોની તાલીમ મેળવી ચૂકેલાં કૌમુદીબહેને સુગમ સંગીતના શિખરો તેમના જીવનસાથી અને સુપ્રસિદ્ધ સંગીતકાર નિનુ મઝુમદારસાથે રહીને સર કર્યાં હતા. સંગીતનો એ સિતારો આજે સંગીતના નભમંડળમાંથી ખરી પડ્યો.

kaumudi munshi News in Gujarati, Latest kaumudi munshi news, photos, videos  | Zee News Gujarati

હા, કૌમુદીબહેન આજે આપણી વચ્ચે નથી રહ્યા. ૧૩ ઑક્ટોબરની વહેલી સવારે બે વાગે ૯૧વર્ષની વયે તેમણે ટૂંકીબીમારી બાદ મુંબઈમાં આ ફાની દુનિયા છોડી દીધી. કોરોના-૧૯ના ખપ્પરમાં તેઓ હોમાઇ ગયા. તેમનેહૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અનેત્યાં જ તેમનું પ્રાણ પંખેરું ઉડી ગયું. તેમના પુત્ર ઉદય મઝુમદાર પણ સ્વાસ્થ્ય સારું ન હોવાથી અત્યારે હોસ્પિટલમાં જ છે.

તેમનું આખું જીવન સંગીતમાં જ વીત્યું હતું. જીવનના અંતિમ શ્ર્વાસ સુધી તેઓ સંગીતની સેવા કરતા રહે તે તેમનો ધ્યેય હતો. તેઓ જીવનમાં ક્યારેય દુ:ખી નહોતા રહેતા, હંમેશાં આનંદમાં રહેતા. ૯૧ વર્ષની વયે પણ તેઓ સદાબહાર ગીતો ગાતા હતા. ‘ગીત કૌમુદી’, ‘તારો વિયોગ’, ‘સ્મરણાંજલિકા’ જેવા તેમના સંગીત આલબમો ખૂબ જ પ્રસિદ્ધ થયા હતા. કૌમુદીબહેન મૂળ બનારસનાં એટલે હિન્દી ભાષા પર ખૂબ જ સારું પ્રભુત્વ ધરાવે. ઉત્તર પ્રદેશ, રાજસ્થાનના લોકગીતોનો તેમની પાસે ખજાનો. પચાસ વર્ષ સુધી ગુજરાતી સુગમ સંગીતમાં સર્વ શ્રેષ્ઠ સ્થાન ભોગવનાર કૌમુદી મુન્શી ૨૧મી સદીમાં ગાયિકા તરીકે નિવૃત્ત થયા એમ કહી શકાય. જોકે, સંગીત ગુરુ તરીકે તો ૨૦૨૦ સુધી અથવા તો કોરોના સુધી સક્રિય રહ્યા. ગુજરાતી સુગમ સંગીતમાં તેમનું અદ્વિતીય અને મહામૂલું યોગદાન છે. તેમણે ગુજરાતી ફિલ્મ ‘કાશીનો દીકરો’માં ‘ઝીણા ઝીણા રે આંકેથી અમને ચાળીયા’ ગીત ગાયું હતું. ‘કોઇ આઘે આઘેથી વેણુ વાય છે’ જેવું તેમનું ગીત ખૂબ જ જાણીતું થયું હતું.

કૌમુદી મુન્શીનો જન્મ ૩ ફેબ્રુઆરી, ૧૯૨૮ના રોજ વારાણસીમાં થયો હતો. વારાણસીમાં મોટા જમીનદારના ઘરમાં તેમનો જન્મ. વારાણસીમાં પુરુષો સંગીતના શોખીન, પણ તે માટે તેઓ બહાર ગાવા-વગાડવા જાય. તે સમયે પારંપારિક રીતે ઠુમરી વગેરે ગણિકા ગાન કહેવાતું. ઘરની સ્ત્રીઓ શરીફ ઔરત ગણાય એટલે એમનો અવાજ પણ બહાર સંભળાવવો ન જોઇએ. વિદ્યાર્થીની તરીકે કૌમુદીબહેન રિયાઝ કરે ત્યારે તેમની માતા બારી બારણાં સખત રીતે બંધ કરી દેતા. કૌમુદીબહેન આ બધી વાડો ઓળંગીને છેક ‘દાલકી મંડી’ જેવી બદનામ વસ્તીમાં જઇને પણ ઠુમરી સંગીતના મહારાણી કહેવાતા સિદ્ધેશ્ર્વરી દેવીપાસે ઠુમરી,દાદરા, હોરી, ચૈતી વગેરે શીખ્યા. આ વાડ કુદવામાં તેમના પતિ નીનુ મઝુમદારનો મોટો સાથ હતો.

આ યુગલની સંગીતયાત્રા ૧૯૫૨માં શરૂ થઇ હતી. નીનુ મજુમદાર તે સમયે ગાયક, સંગીતકાર, ગીતકાર તરીકે જાણીતા હતા. કૌમુદીબહેનના મધુર અવાજ અને શાસ્ત્રીય સંગીતની તાલીમથી નીનુભાઇ અભિભૂત થયેલા અને તેમનો અવાજ એચએમવીની રેકોર્ડમાં અને રેડિયોના સંગીત રૂપકોમાં ઉપયોગ કરેલો. ૧૯૫૪માં નીનુભાઇના પ્રથમ પત્ની શારદાબહેનનું અવસાન થતાં બંનેનો સંબંધ લગ્નમાં પલટાયો હતો.

તેમનો પુત્ર ઉદય મઝુમદારપણ જાણીતા ગાયક-સંગીતકાર છે અને તેમની ત્રણ બહેનો ગાયિકા રાજુલ મહેતા, નારીવાદી કર્મશીલ લેખિકા સોનલ શુક્લ અને અભિનેત્રી મીનળ પટેલ શારદા નિનુ મઝુમદારની પુત્રીઓ છે.

દિગ્ગજોનીસંગીતાંજલિ

* વડાપ્રધાનનરેન્દ્ર મોદીએ તેમને સંગીતાંજલિ આપતા કહ્યું હતું કે ગુજરાતી સુગમ સંગીતનાં શિરમોર ગાયિકા કૌમુદી મુનશીના અવસાનથી દુ:ખ અનુભવું છું. ગુજરાતી સુગમ સંગીતને લોકપ્રિય બનાવવામાં તેમનું યોગદાન સંગીતપ્રેમી પેઢીઓ માટે હંમેશાં યાદગાર રહેશે. શોકગ્રસ્ત પરિવાર અને તેમના વિશાળ ચાહકવર્ગને સાંત્વના. ઇશ્ર્વર તેમના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના.

* ગુજરાતના મુખ્યમંત્રી વિજયરૂપાણીએ કૌમુદીબહેનને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું હતું કે ગુજરાતીસુગમ સંગીતના શિરમોર ગાયિકા કૌમુદીબહેનેપોતાના મધુર સ્વરથી ગુજરાતી રચનાઓને ઘેર-ઘેર ગૂંજતી કરી હતી. તેમનું આ યોગદાન ગુજરાતી સુગમ સંગીતમાં દીર્ઘકાલીન બની રહેશે.

*દિગ્ગજ ગાયક-સંગીતકાર પુરુષોત્તમ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે મને હજુ પણ યાદ છે કે કૌમુદીબહેન વારાણસીથી મુંબઈમાં આવ્યા ત્યારે તેમના ભાઇના ઘરે સાંતાક્રુઝમાં રહેતા. હું પણ સાંતાક્રુઝમાં રહેતો અને તે સમયે પ્રસિદ્ધ સંગીતકાર અવિનાશ વ્યાસ સાથે જોડાયેલો હતો. અવિનાશભાઇએ કૌમુદીબહેન પાસે પ્રથમ ગુજરાતી ગરબો ગવડાવેલો, ‘અલી ઓરે બજાર વચ્ચે બજાણીઓ’. તે ગીત બેસાડવા તેેમની પાસે હું ગયો હતો અને આખું ગીત તેમને ગવડાવ્યું હતું. તેઓ વારાણસીથી આવેલા એટલે તેમનું હિન્દી બહુ સારું હતું. પછી તો નીનુભાઇ સાથે તેમને પ્રેમ થયો. બંને ભવન્સ પાસે આવેલી હોટેલ અન્નપૂર્ણામાં મળતા અને સંગીતની ચર્ચાઓ કરતા અને બંનેના લગ્ન પણ થયા. તેઓ ગુજરાતીમાં એકમાત્ર મહિલા હતા, જેઓ ઠુમરીમાં ઉસ્તાદ હતા.

October 14, 2020
Raghavji.jpg
1min12510

ધ્રોળની સરકારી હોસ્પિટલમાં તોડફોડ કરવાના આરોપસરના કેસમાં’ જામનગર ગ્રામ્યના ભાજપના વર્તમાન ધારાસભ્ય રાઘવજી પટેલ, ત્રણ પત્રકાર સહિત પાંચને મેજીસ્ટ્રેટ એમ.જે. ઝાલાએ છ માસની કેદ અને રૂ. દસ હજારના દંડની સજા કરી હતી. બનાવના સમયે ધ્રોળના મીત્રી પરિવારના યુવાનોને અકસ્માતમાં ઇજા થઇ હતી. તેને પૂરતી સારવાર આપવામાં આવતી ન હોવાની અને જામનગર રીફર કરતી વખતે યુવાનનું રસ્તામાં મૃત્યુ થયું હોય તે બાબતે તે સમયના કોંગ્રેસના ધારાસભ્ય રાઘવજી પટેલ સહિતના લોકો હોસ્પિટલ ખાતે રજૂઆત કરવા ગયા હતાં ત્યારે પથ્થરમારો અને તોડફોડનો બનાવ બન્યો હતો.

13 વર્ષ પહેલા તા.16-7-2007ના રોજ કોંગ્રેસના તત્કાલીન ધારાસભ્ય રાઘવજી પટેલ સહિતના લોકો પ્રજાકિય પ્રશ્નો અંગે ધ્રોળની સરકારી હોસ્પિટલે ગયા હતાં. આ સમયે ઉશ્કેરાયેલા લોકોએ પથ્થરમારો કરીને હોસ્પિટલમાં તોડફોડ કરી હતી.આ અંગે પોલીસમાં ગુનો નોંધાયો હતો. પોલીસે ધારાસભ્ય રાઘવજી પટેલ, તેના ટેકેદાર નરેન્દ્રસિંહ જાડેજા, પત્રકારો જયેશ ભટ્ટ, જીતુ શ્રીમાળી, કરણસિંહ જાડેજા તથા શબ્બીર ચાવડા, પાંચા વરૂ અને લખધીરસિંહ જાડેજાની ધરપકડ કરી હતી. સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટની ગાઇડ લાઇન પ્રમાણે ધારાસભ્ય સામેનો કેસ ઝડપથી ચલાવવામાં આવ્યો હતો. આ કેસની સુનાવણી થઇ જતાં મેજીસ્ટ્રેટ એમ.જે.ઝાલાએ જામનગર ગ્રામ્યના ભાજપના વર્તમાન ધારાસભ્ય રાઘવજી પટેલ,’ તેના ટેકેદાર અને ત્રણ પત્રકારને છ માસની કેદ અને રૂ. દસ હજારના દંડની સજા કરી હતી. જ્યારે શબ્બીર, પાંચા અને લખધીરસિંહને નિર્દોષ ઠરાવીને છોડી મૂકવા હુકમ કર્યો હતો. અદાલતે કેદ અને દંડના હુકમ સામેની કાર્યવાહી કરવા માટે એક માસની મુદ્દત આપીને પાંચેયને જામીન પર છોડવા આદેશ કર્યો હતો.

October 13, 2020
girlion.jpg
1min4920

એશિયાટીક લાયનના નિવાસસ્થાન ગીર જંગલમાં વસતા વનરાજોનું ત્રણ દિ’ બાદ વેકેશન પૂરૂ થઇ રહ્યું છે. તા.16ને શુક્રવારથી સિંહ દર્શનનો પ્રારંભ થનાર છે. ત્યારે કોવિડ-19ને ધ્યાને લઇ કડક નિયમો તૈયાર કરાયા છે તેમાં 10 વર્ષથી નીચે અને 65 વર્ષથી ઉપરનાને પ્રવેશ અપાશે નહીં. જીપ્સીમાં માત્ર 3 પ્રવાસીઓ જ બેસી શકશે.

આ અંગે વિગતો સીસીએફ દુષ્યંત વસાવડાએ જણાવ્યું કે, આગામી તા.16થી  સિંહ દર્શનનો પ્રારંભ થઇ રહ્યો છે તે પૂર્વે વન કર્મચારીઓ, જીપ્સીના ચાલકો, ગાઇડોનો કોરોના ટેસ્ટ કરાવાયો છે. વાહનોને સેનેટાઇઝ કરવામાં આવ્યા છે. કોરોના કાળમાં વન્ય પ્રાણીઓની સુરક્ષાને ધ્યાને લઇ, જંગલમાં જનાર પ્રવાસીઓને ક્યાંય ઉતરવા દેવાશે નહીં, એટલું જ નહીં સિંહ દર્શન રૂટના માર્ગોને ‘ટાયર બાફ’ કરાયા છે. જેથી કોરોનાના જીવાણુ વાહનોના ટાયર દ્વારા પણ જંગલમાં પ્રવેશી ન શકે તેમજ દરેક પ્રવાસીની થર્મલ ગનથી તપાસ  કરાશે.

તેમણે ઉમેર્યુ કે, જીપ્સીની સંખ્યામાં કોઇ ઘટાડો કરાયો નથી. જે દર  કલાકે 150 પ્રવાસીઓને લઇ જવાતા હતા તે જ રીતે દોડાવાશે માત્ર જીપ્સીમાં પ્રવાસીઓની સંખ્યા ઘટાડવામાં આવી છે. બાળકો અને વૃધ્ધો ઉપર પ્રતિબંધ લદાયો છે.

શ્રી વસાવડાએ જણાવ્યું કે કોરોનાને કારણે પ્રવાસીઓમાં સિંહ દર્શનનો ઉત્સાહ ઓસર્યો છે. અત્યાર સુધીમાં માત્ર 39 પ્રવાસીઓએ ઓનલાઇન બુકીંગ કરાવ્યું છે, આમ મહામારીની અસર પ્રવાસીઓ ઉપર પણ પડી રહી છે.

October 13, 2020
voting.jpg
1min5670

ગુજરાતમાં 6 મહાનગરપાલિકા, 231 તાલુકા પંચાયત, 31 જિલ્લા પંચાયત અને 55 નગરપાલિકામાં નવેમ્બરના અંતમાં અથવા ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં જે તે સ્થાનિક સ્વરાજ્યની મુદત પૂરી થયા બાદ વહીવટદારની નિમણૂક હાથ ધરવામાં આવશે.

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આગામી નવેમ્બરના અંતમાં અથવા ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને 3 માસ માટે મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જો કે આ ચૂંટણીઓ આગામી સમયમાં સ્થિતિની સમીક્ષા કરીને યોજવાની પ્રક્રિયા હાથ ધરાશે.

રાજ્ય ચૂંટણી પંચે આજે સત્તાવાર રીતે જણાવ્યું હતું કે,’ રાજ્યની 6 મહાનગરપાલિકા, 55 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતની મુદત નવેમ્બરમાં સમાપ્ત થતી હોવાનાં કારણે ચૂંટણી યોજાવાની હતી જો કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો વ્યાપ અને કોવિડ 19 મહામારીનાં કારણે પરિસ્થિતિની સમીક્ષા કરતા રાજ્ય ચૂંટણી પંચે આ ચૂંટણીઓ આગામી 3 માસ સુધી મોકૂફ રાખવાનો નિર્ણય કરીને જાહેરનામું બહાર પાડયું છે. સાથે સાથે 3 મહિના બાદ પરિસ્થિતિની સમીક્ષા કરાશે અને ત્યારબાદ ચૂંટણી અંગેનો નિર્ણય લેવામાં આવશે.

રાજ્ય ચૂંટણી પંચને આ અગાઉ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ મોકૂફ રાખવા માટે કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, ગુજરાત રાજ્ય પ્રથામિક શિક્ષકસંઘ, ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો, ગુજરાત માધ્યમિક શિક્ષણક સંઘ મહામંડળ અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સંઘ, ગુજરાત રાજ્ય તલાટી મહામંડળ, ગુજરાત આરોગ્ય કર્મચારી મહામંડળ, નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી, રાષ્ટ્રીય શૈશિક મહામસંઘ, જામનગર જિલ્લા પંચાયત કર્મચારી સંઘ, ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક’ શિક્ષક સંઘ, જિલ્લા પંચાયત પ્રમુખ પાટણ, મહાનગરપાલિકા પ્રાથમિક શિક્ષક સંઘ, કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ, ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ, વેલ્ફેર પાર્ટી ઓફ ઇન્ડિયા સહિતના સંગઠનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અને કહ્યું હતું કે, આંધ્રપ્રદેશ અને ગોવામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ મોકૂફ રખાઈ છે તો ગુજરાતમાં પણ મોકૂફ કરવામાં આવે.

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા 6 મહાનરગપાલિકાઓની સામાન્ય ચૂંટણીમાં કુલ 144 વોર્ડમાંથી વોર્ડ દીઠ 4 સભ્યો લેખે 576 સભ્યોની ચૂંટણી કરવા માટે 11,581 જેટલાં મતદાન મથક ઉપર મતદાન લેવાનું થાય છે. આ 6 મહાનગરપાલિકામાં કુલ 1.11 કરોડ મતદાતાઓ નોંધાયેલા છે. એ જ રીતે 55 નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં કુલ 517 વોર્ડમાંથી વોર્ડ દીઠ 4 સભ્ય લેખે 2,068 સભ્યોની ચૂંટણી કરવા માટે 4,498 જેટલા મતદાન મથક ઉપર મતદાન લેવાનું થાય છે અને ત્યાં પણ 42.79 લાખ મતદાતાઓ નોંધાયેલા છે. એ જ રીતે 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતોનો સામાન્ય ચૂંટણી એક સાથે યોજાય છે. 1 મતદારે 2 મત આપવાના હોય છે જેનું મતદાન 31,345 મતદાન મથક ઉપર થાય છે. જેના ઉપર આશરે 2.50 કરોડ મતદાતાઓ નોંધાયેલા છે. 31 જિલ્લા પંચાયતમાં 980 મતદાર મંડળમાંથી 980 સભ્યોની ચૂંટણી યોજાતી હોય છે. એજ રીતે 231 તાલુકા પંચાયતોમાં 4,778 મતદાર મંડળોમાંથી 4,778 સભ્યોની ચૂંટણી કરવાની હોય છે. આમ નવેમ્બર-2020માં યોજાનાર સામાન્ય ચૂંટણીમાં કુલ 6419 વોર્ડ માંથી 8402 સભ્યો માટે 47,400 મતદાન મથકો ઉપર મતદાન લેવાનું થતું હોય છે. જે માટે 4.04 કરોડ મતદાતાઓએ મતદાન કરવાનું હોયછે.

ચૂંટણી પંચનું એવું માનવું છે કે, તાજેતરમાં જે રીતે કોરોના મહામારી ચાલી રહી છે અને માર્ચ, 2020 પછી ગુજરાતમાં કોરોના કેસમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. જો નવેમ્બર માસમાં ચૂંટણી યોજાય તો રાજકીય પક્ષો દ્વારા રેલી સહિત સભાનું આયોજન થાય, જેને લઇને મોટા પ્રમાણમાં લોકો’ એકઠા થાય. આમ, કોરોનાની આવી પરિસ્થિતિમાં મોટી મેદની એકત્રિત થાય તો કોરોના સંક્રમિતના કેસોમાં વધારો થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને હાલ પૂરતું રાજ્ય ચૂંટણી પંચ દ્વારા 3 માસ માટે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

October 12, 2020
bjp_logo.png
1min6490

ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠકની પેટાચૂંટણી માટે ભાજપે આજે લીંબડી સિવાય 7 બેઠકો પર પોતાના ઉમેદવારના નામ જાહેર કર્યા છે. જણાવી દઈએ કે, ગુજરાતની આઠ બેઠકની પેટાચૂંટણી કોરોનાની મહામારી વચ્ચે 3 નવેમ્બરે યોજાનારી છે, અને 10 નવેમ્બરના રોજ મતગણતરી યોજાશે. ગુજરાતના મુખ્ય રાજકીય પક્ષ ભાજપ અને કોંગ્રેસે પણ પુરજોશમાં બેઠકોનો દોર શરૂ કરી દીધો છે.

7 બેઠક પર ઉમેદવારનું નામ જાહેર
અબડાસા- પ્રદ્યુમનસિંહ જાડેજા
ગઢડા- આત્મારામ પરમાર
કરજણ- અક્ષય પટેલ
ધારી- જે.વી. કાકડીયા
મોરબી- બ્રિજેશ મેરજા
ડાંગ- વિજય પટેલ
કપરાડા- જીતુ ચૌધરી

October 12, 2020
gujrat-012.jpg
1min5220

ગુજરાત રાજ્યમાં કુલ ૭૭ જાહેર સાહસો છે, જે પૈકી ૧૧ જાહેર સાહસો માત્ર ઉર્જાક્ષેત્રમાં કાર્યરત છે. જયારે બાકીના જાહેર સાહસો અન્ય ક્ષેત્રમાં પ્રવૃતમય છે.

કેગના રિપોર્ટમાં જાહેર થયુ છેકે, ૧૫ જાહેર સાહસોએ રૂ.૨૫૬૯.૮૪ કરોડની ખોટ કરી છે, જયારે ૪૪ જાહેર સાહસોએ ૨૪૮૭.૨૮ કરોડનો નફો કર્યો છે.

ગુજરાતમાં કાર્યરત ૭૭ જાહેર સાહસોમાં રૂ.૧૪૨૮૮૦.૭૯ કરોડનુુ રોકાણ છે. આ જાહેર સાહસાનીે અંદાજીત સહાય રૂ.૮૧૫૦,૭૯ કરોડ અને રૂ.૯૯૫૩.૮૩ કરોડ હતી.

કેગના રિપોર્ટમાં ટિપ્પણી થઇ છેકે, આ કુલ જાહેર સાહસો પૈકી ૧૫ જાહેર ઉપક્રમોએ રૂ.૨૫૬૯.૬૪ કરોડની ખોટ કરી હતી જયારે ૧૫ જાહેર સાહસો રૂ.૨૫૬૯.૮૪ કરોડની ખોટમાં રહ્યાં હતાં. કાર્યરત ૬૧ જાહેર ઉપક્રમો પૈકી ૩૯ જાહેર ઉપક્રમોએ તો પાછલા નાણાંકીય હિસાબો રજૂ કર્યા ન હતાં. આ જાહેર ઉપક્રમોના એકથી માંડીના ચાર વર્ષ સુધીના નાણાંકીય હિસાબો બાકી રહ્યાં હતાં.

કેગના અહેવાલમાં એવી ય નોંધ કરાઇ હતી કે, ૫૭ જાહેર ઉપક્રમોમાંથી ૪૭ ઉપક્રમોએ ઓડિટ કરેલા હિસાબો રજૂ કર્યા હતાં. બાકીના ૨૧ ઉપક્રમોએ હિસાબી ધોરણોનુુંય પાલન કર્યુ નહોતું. આમ, ગુજરાતના જાહેરસાહસોની ય આર્થિક સ્થિતિ ડામાડોળ બની રહી છે.

October 12, 2020
m2.jpg
1min5260
Peanut

સૌરાષ્ટ્રમાં આ વર્ષે મગફળીના તમામ વર્ષોના ઉત્પાદનોનો વિક્રમ તૂટશે. આ વર્ષે મબલખ ઉત્પાદનને પગલે ધીંગી આવક પણ શરૂ થઇ ચૂકી છે. સૌરાષ્ટ્રના અગ્રણી ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે રવિવારે મગફળીની આવક ફરી શરૂ કરવામાં આવી હતી. બપોર સુધીમાં એક લાખ ગૂણી મગફળીની ગુણીની આવક થઈ હતી. મગફળીના ૨૦ કિલોના ૬૦૦થી ૧૦૦૧ સુધીના ભાવ બોલાય રહ્યાં છે. મગફળીની આવકમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. આજે ૧ લાખ ગુણીની આવક થતા યાર્ડે મગફળીની આવક બંધ કરવાની ફરજ પડી હતી. ગોંડલ માર્કેટ યાર્ડના સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે, મગફળીને સૂકવીને લાવવાથી ભાવ પણ સારા મળશે. મગફળીનો સારો ભાવ મેળવવા ઈચ્છતા ખેડૂતોએ મગફળીને પૂરેપૂરી સૂકવીને લાવવી જોઈએ. યાર્ડ દ્વારા ખેડુતભાઈઓનો માલ બગડે નહીં, સમયસર તોલ થઇ જાય અને માલનો વધારેમાં વધારે નિકાલ થાય તેની પૂરતી તકેદારી રાખવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રમાં આ વર્ષે સારા વરસાદના કારણે મગફળીના પાકનું પુષ્કળ ઉત્પાદન થયું છે. મગફળીના વેચાણ માટે સૌરાષ્ટ્રભરના ખેડૂતો ગોંડલ યાર્ડ આવી રહ્યા છે. ગોંડલ યાર્ડમાં સૌરાષ્ટ્રના અન્ય યાર્ડો કરતા ભાવ પણ સારા મળી રહે છે.

October 11, 2020
Morari_Bapu.jpg
1min7260

સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ ગિરનાર પર્વતની ટોચ પર આવેલા કમંડળ કુંડ ખાતે આગામી સપ્તાહથી શરૂ થઇ રહેલા શારદીય નવરાત્રિના પહેલા નોરતાથી રામાયણી સંત પૂ.શ્રી મોરારિબાપુની રામકથા શરૂ થશે. મોરારીબાપૂની આ રામકથા હાલ ભારે ચર્ચાસ્પદ બની છે કેમકે મોરારિબાપુની આ પહેલી એવી રામકથા હશે જેમાં એક પણ શ્રોતાજન હાજર નહીં રહે. કોવીડ-19ની સ્થિતિને કારણે પૂ. બાપૂની આ કથાનું ટીવી પ્રસારણ, વેબકાસ્ટ થશે.

મોરારિબાપુએ કહ્યું કે ‘કોરોનાકાળમાં આ ચીવટ રાખવી અનિવાર્ય છે. કથામાં માત્ર વાદ્યકારો અને ટેક્નિશ્યન જ ઉપસ્થિત રહેશે, એક પણ શ્રોતાને હાજર રહેવા દેવામાં નહીં આવે.’

ગત માર્ચ માસમાં લાગૂ કરાયેલા લૉકડાઉન પછી પહેલી વાર મોરારિબાપુ ઘરની બહાર નીકળીને કથા કરી રહ્યા છે. શ્રોતાગણ વિના તેમણે આ સમયકાળમાં અન્ય પાંચ કથા કરી હતી, પણ એ રામકથા તેમના નિવાસસ્થાનેથી થઈ હતી અને આ રામકથા માટે બાપુ તલગાજરડામાંથી પહેલી વાર બહાર આવશે.

October 9, 2020
jalarambapa.jpg
1min5360

રાજકોટ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધતા વીરપુરનું જલારામ મંદિર આઠ દિવસ માટે બંધ કરવામાં આવ્યું હતું. જે બાદ ગુરૂવારથી ભાવિકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે.

સરકારી ગાઈડલાઈનનું ચૂસ્તપણે પાલન સાથે ભાવિકોના જલારામ બાપાનાં દર્શન શરૂ થયાં હતાં. ભાવિકોએ જલારામ બાપાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મંદિરમાં સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું ચૂસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે.

દર્શનાર્થીઓને સૌ પ્રથમ વીરપુરમાં આવેલા માનકેશ્ર્વર મંદિરની બાજુમાં રજિસ્ટ્રેશન કાર્યાલય પર પોતાનું રજિસ્ટ્રેશન કરાવી ટોકન મેળવવાનું રહે છે. જે બાદ સેનિટાઈઝ ચેમ્બરમાં સેનિટાઇઝ થયા બાદ જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. આ સાથે મંદિરમાં માસ્ક બાંધવું ફરજિયાત કરવામાં આવ્યું છે. પૂજ્ય બાપાના દર્શન સવારે ૭થી બપોરના ૧ વાગ્યા સુધી અને બપોરે ૩ વાગ્યાથી સાંજના ૭ વાગ્યા સુધી થઈ શકશે.

કોરોના સંક્રમણને કારણે મોટી સંખ્યામાં ભાવિકો એકત્ર થાય નહીં તે માટે મંદિર દ્વારા અગાઉ પણ ૩૦ ઓગસ્ટથી ૧ સપ્ટેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ હાલ કોરોનાની પરિસ્થિતિ વધુ વણસી હોવાથી ફરી આઠ દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.