રાજકોટ સિવાય મોટા ભાગના સૌરાષ્ટ્રમાં બે-ત્રણ દિવસે એક વખત પાણી આપવાનું શરૂ થઇ ચૂક્યું છે
એક તરફ સૌરાષ્ટ્રમાં ચૂંટણીની ગરમી અને ઉનાળાની ગરમી જોવા મળી રહી છે, અને બહુમતિ લોકોમાં આ બન્ને મુદ્દાઓ પર ભારે ચર્ચા છેડાયેલી જોવા મળે છે પરંતુ, સૌરાષ્ટ્રમાં સૌથી વિકટ ઉનાળો દસ્તક દઇ રહ્યો છે તેના પરત્વે લોકો સાવ અજાણ બની રહ્યા છે. સૌરાષ્ટ્રમાં ઉનાળો શરૂ થતાં જ અભૂતપૂર્વ જળસંકટ ઉદભવ્યું છે. સૌરાષ્ટ્રના આઠ જિલ્લાના 103 જળાશયો પૈકી 90 જળાશયો સાવ તળિયાઝાટક થઈ ગયા છે. સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટને બાદ કરતાં આઠેય જિલ્લાના મુખ્ય મથકો પર બે-ત્રણ દિવસે માત્ર એક વાર પાણી વિતરણ થઈ રહ્યું છે. જળાશયો તળિયાઝાટક થઈ જતાં સૌથી વધુ કફોડી સ્થિતિ ગામડાંઓની થઈ છે. હજુ તો ઉનાળો શરૂ જ થયો છે ત્યાં 350થી વધુ ગામડાંઓમાં ટેન્કર દોડાવવાનો વારો આવ્યો છે.
સૌરાષ્ટ્રમાં સૌની યોજના અંતર્ગત રાજકોટના આજી ડેમ ઉપરાંત, જામનગરના રણજીતસાગર ડેમમાં નર્મદાના નીર ભરવામાં આવ્યા છે અને હજુ ચોમાસાને ચાર મહિનાની વાર છે ત્યારે હાલ આઠ જિલ્લાના 90 જેટલા નાના મોટા ડેમ ખાલીખમ થઈ ગયા છે.
સૌરાષ્ટ્રના લોકો દ્વારા આ 90 ડેમને સૌની યોજના દ્વારા ફરીથી પાણી છલોછલ કરવા તંત્ર પાસે માગ કરવામાં આવી રહી છે. ઉનાળાની શરૂઆતમાં ગ્રામ્ય વિસ્તારોમાં પાણીના સ્ત્રોત ખાલીખમ થવા લાગ્યા છે, ત્યારે ખેતીને પણ ભારે નુકસાન થવાની દહેશત ઊભી થઈ છે. જે જળાશયોમાં પાણી બચ્યું છે તે પણ વધુમાં વધુ એક માસ ચાલે તેટલું જ છે.
જામનગર-જૂનાગઢમાં આંતરા દિવસે પીવાનું પાણી આપવામાં આવી રહ્યુ છે .જ્યારે રાજકોટમાં પ્રતિદિન 20 મિનિટ અને 17 ગામડાંમાં ટેન્કરથી પાણી વિતરણ અત્યારથી શરૂ કરી દેવામાં આવ્યુ છતાં લોકોને પૂરતા પ્રમાણમાં પાણી મળતું ન હોવાની ફરિયાદો ઊઠી રહી છે. તેમ જ પોરબંદર 3 દિવસે 30 મિનિટ અને પાંચ ગામડાંમાં ટેન્કરથી પાણી વિતરણ કરાય છે. મોરબી એકાંતરે અડધી કલાક જ્યારે ત્યાંના 14 ગામડામાં ટેન્કરથી પાણી વિતરણ કરવામાં આવે છે. આ ઉપરાંત વેરાવળ, જૂનાગઢ, અમરેલી, જામનગર અને ખંભાળિયામાં ત્રણ દિવસે પાણી હાલમાં મળી રહે છે. ગ્રામ્ય વિસ્તારોમાં પાણીના પોકારો શરૂ થતાં બે-ત્રણ દિવસે ટેન્કરો દોડાવવાના શરૂ કરી દેવાયા છતાં પીવાનું પાણી ગામડાઓમાં પૂરતું મળતું નથી. લોકો પીવાના પાણી માટે વલખાં મારી રહ્યા છે.





















