ગુજરાત રાજ્યમાં આવેલા 2700 જેટલા ગામડાઓની પંચાયત કચેરીઓમાં હવેથી સોગંદનામું, દાખલા અને સર્ટિફિકેટ જેવી વિવિધ ૨૨ જેટલી સેવાઓ ઉપલબ્ધ બનશે. ગુજરાત સરકાર આવતીકાલ તા.૮મી ઓક્ટોબરથી 2700 ગ્રામ પંચાયતોમાં આ સેવાઓનો આરંભ કરાવી રહી છે. રાજ્યના ગામડાઓને ઓપ્ટીક ફાઇબર કેબલથી કનેક્ટ કરી દેવાયા હોઇ, હવે આ ગામડાઓમાં ડિજિટલ સેવાઓ ઉપલબ્ધ બનાવી શકાશે.
પ્રાથમિક તબક્કે ડિજિટલ સેવાસેતુમાં આવરી લઇ બે હજાર ગ્રામ પંચાયતમાં આ સેવાઓ શરૂ થશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી આ સેવાનો ૮ ઓક્ટોબરે શુભારંભ કરાવશે. ગ્રામીણ નાગરિકોને રોજ-બરોજની સેવાઓ કે સર્ટિફિકેટ, દાખલાઓ માટે તાલુકા-જિલ્લામથકે ધક્કા ન ખાવા પડે, સમય અને આવવા-જવાના વાહન ભાડાના ખર્ચનો બચાવ થશે.
સરકારે લીધેલા નિર્ણયથી ગ્રામ પંચાયતના સેવા કેન્દ્ર-ગ્રામ પંચાયત કચેરીએથી જ હવે, રેશનકાર્ડની સેવાઓમાં નામ દાખલ કરવું, નામ કઢાવવું કે સુધારો કરવો અથવા ડુપ્લિકેટ રેશનકાર્ડ મેળવવું જેવી સેવાઓ, આવકનો દાખલો, સિનિયર સિટિઝનનો દાખલો, ક્રિમિલીયર સિર્ટિફિકેટ, જાતિના પ્રમાણપત્રો જેવી સેવાઓ ડિજિટલ સેવા સેતુ માધ્યમથી માત્ર ૨૦ રૂપિયાની નજીવી ફીથી મળશે.
મુખ્યમંત્રીએ આ ડિજિટલ સેવાસેતુનો વ્યાપ વધુ વિસ્તરે તેમજ ગ્રામીણ નાગરિકો લોકોને આવા દાખલાઓ માટે કરવાની થતી એફિડેવિટ-સોગંદનામા માટે તાલુકા કક્ષાએ કે નગરમાં જિલ્લામાં નોટરી પાસે જવું જ ન પડે તેવો પણ ક્રાંતિકારી નિર્ણય કર્યો છે. ઓથ એક્ટ ૧૯૬૯ની કલમ-૩ની જોગવાઇઓ મુજબ કરવાના સોગંદનામા એફિડેવિટ કરવા માટે ગ્રામ્યકક્ષાએ ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રીને સત્તાઓ આપવામાં આવશે.
ગુજરાત હાઇ કોર્ટના ચુકાદા અને ઓર્ડરની કોપી હવે ગુજરાતી ભાષામાં પણ હાઇ કોર્ટની વેબસાઈટ પર મૂકવામાં આવશે. ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને આર્ટિફિસરી ઇન્ટેલિજન્સ કમિટીએ લોકોની સરળતા અને લાભ માટે હાઇ કોર્ટના ચુકાદા અને ઓર્ડરને ગુજરાતી ભાષામાં હાઇ કોર્ટની વેબસાઈટ પર અપલોડ કરવા દિશાનિર્દેશ આપ્યા છે.
ગાંધીજ્યંતીના દિવસે આ સુવિધા શરૂ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. વેબસાઈટ પર ઓફિશિયલ અંગ્રેજી ભાષામાં ચુકાદા અને ઓર્ડર મૂકવામાં આવશે. હાઇ કોર્ટની વેબસાઈટ પર ગુજરાતી ભાષામાં ઓર્ડર અને ચુકાદા જોવા મળશે.
ગુજરાતીમાં ભાષાંતરિત કરેલા ચુકાદા અને આર્ડર માત્ર લોકોની સમજ પૂરતા રહેશે, જ્યારે હાઈ કોર્ટના દરેક ચુકાદા અને ઓર્ડર અંગ્રેજી ભાષામાં જ અધિકારીક રીતે માન્ય રહેશે.
લદાખના રોહતાંગમાં બનાવવામાં આવેલી અને વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્ત્વની વિશ્ર્વની સૌથી લાંબી ઑલ સીઝન હાઇવે ટનલ ‘અટલ ટનલ રોહતાંગ’નું વડા પ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે ઉદ્ઘાટન કરીને જનતા માટે ખુલ્લી મૂકશે. વડા પ્રધાન કાર્યાલયે જણાવ્યા અનુસાર ઉદ્ઘાટન બાદ વડા પ્રધાન લાહોલ સ્પિતિ અને સોલાંગ વેલી ખાતે જાહેર કાર્યક્રમમાં ભાગ લેશે. ચીન સાથે વકરેલો સીમાવિવાદ જો લાંબો ચાલે તો ઝડપથી સૈન્ય અને સરંજામ સરહદે લઇ જવામાં અને દેશની સીમાનું રક્ષણ કરવામાં આ ટનલ અત્યંત મહત્ત્વનો ભાગ ભજવશે.
ચીન સાથે લદાખની સરહદે ચાલી રહેલા સીમાવિવાદને ટાંકણે જ મનાલી અને લેહ વચ્ચેનું અંતર ૪૬ કિ. મી. ઓછું કરતી વિશ્ર્વની સૌથી લાંબી હાઇવે ટનલ ‘અટલ ટનલ રોહતાંગ’ તૈયાર થઇ એ ભારત માટે ઘણી અગત્યની વાત છે.
આ ટનલ હિમાચલ પ્રદેશના મનાલીથી લદાખના લેહ સુધીનું અંતર ૪૬ કિ. મી. ઓછું કરવા સાથે પ્રવાસનો સમય ચારથી પાંચ કલાક ઓછો કરશે.
અત્યંત આધુનિક રીતે બનાવવામાં આવેલી આ ટનલ ૯.૦૨ કિ.મી. લાંબી છે અને એ લેહ-મનાલી હાઇવે પર આવેલા પૂર્વ પીર પાંજલ રેન્જમાં રોહતાંગ પાસની નીચેથી પસાર થાય છે.
વડા પ્રધાન કાર્યાલયે જણાવ્યા અનુસાર વિશ્ર્વની સૌથી લાંબી હાઇવે ટનલ ‘અટલ ટનલ’ રૂ. ૩૨૦૦ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી છે અને રોહતાંગ ખાતે એની ઊંચાઇ ૩૦૦૦ મીટર (સમુદ્રની સપાટીથી ૧૦,૦૦૦ ફૂટ ઊંચાઇએ) આવેલી છે.
આ ટનલ માટે રૂ. ૪૦૮૩ કરોડનું બજેટ મંજૂર કરાયું હતું, પણ ટનલ એથી ઘણી ઓછી કિંમતે રૂ. ૩૨૦૦ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી છે.
અટલ ટનલનું દક્ષિણમુખ ૩,૦૬૦ મીટરની ઊંચાઇએ મનાલીથી ૨૫ કિ. મી. ના અંતરે આવેલું છે અને ઉત્તરમુખ લાહૌલ વેલીમાં સિસ્સુના તેલિંગ ગામની નજીક ૩.૦૭૧ મીટરની ઊંચાઇએ આવેલું છે.
ઘોડાની નાળના આકારની આ ટનલમાં સિંગલ ટયૂબ ડબલ લૅન છે અને એમાં ૮ મીટર પહોળા રસ્તા છે.
વધુમાં વધુ ૮૦ કિ. મી. ની સ્પીડે રોજ ૧૫૦૦ ટ્રક અને ૩૦૦૦ કાર જઇ શકે એ રીતે એની ડિઝાઇન બનાવવામાં આવી છે.
વીસ વર્ષ અગાઉ ૩જી જૂન, ૨૦૦૦ના દિવસે અટલબિહાર વાજપેયી સરકારે આ ટનલે બાંધવાનો નિર્ણય લીધો હતો અને દક્ષિણમુખ માટેના શિલાન્યાસનો કાર્યક્રમ ૨૬મી મે ૨૦૦૨ના દિવસે યોજાયો હતો.
મોદી સરકારે ગત વર્ષે દિવંગત વડા પ્રધાન અટલબિહારી વાજપેયીના નામ પરથી ડિસેમ્બર ૨૦૧૯માં રોહતાંગ ટનલનું નામ અટલ ટનલ રાખવાનો નિર્ણય લીધો હતો.
આ ટનલ તૈયાર કરવા માટે બૉર્ડર રોડ ઑર્ગેનાઇઝેશન (બીઆરઓ)ના જવાનોએ અથાગ પ્રયત્ન અને સતત કામ કરીને વિશ્ર્વની વિશિષ્ટ ટનલ બાંધવામાં મોટો ફાળો આપ્યો છે.
તાજેતરમાં ભારતની વિશ્વસનીય રિસર્ચ સંસ્થા, ઈન્સ્ટિટ્યૂટના કુસુમા સ્કૂલ ઓફ બાયોલોજિકલ સોસાયટીના સંશોધકો દ્વારા કોરોના માટે હાલમાં વપરાતી ૨૩ દવાઓ પર એવો અભ્યાસ સરવે કરવામાં આવ્યો હતો કે 23 પૈકી કઇ દવા સૌથી વધુ અસરકારક છે. આ સંશોધન પ્રવૃતિ સાથે જોડાયેલા આઇ.આઇ.ટી. દિલ્હીના એક પ્રોફેસર અશોક પટેલે જણાવ્યું હતું કે ક્લિનિકલી મંજૂર દવા ‘ટીકોપ્લાનિન’ કોવિડ-૧૯ સામે સંભવનીય સૌથી વધુ ઉત્તમ વિકલ્પ છે અને હાલમાં આ વાઇરસના ઇલાજ માટે આપવામાં આવતી દવાઓ કરતા દસ ગણી વધુ અસરકારક છે.
, ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (આઇઆઇટી), દિલ્હીએ ના પ્રોફેસર અશોક પટેલે વધુમાં જણાવ્યું હતું કે અન્ય દવાઓની સરખામણીમાં ટીકોપ્લાનિનની અસર ચકાસવામાં આવતા સાર્સ-કોવ-૨ માટે ઉપયોગમાં લેવાતી મુખ્ય દવાઓના બદલે ટીકોપ્લોનિન દસથી વીસ ગણી વધુ અસરકારક હોવાનું સંશોધનમાં જણાયું છે.
કોરોના પોઝીટીવ દર્દીઓને આપવામાં આવતી 23 દવાઓના સંશોધન કાર્યનું નેતૃત્વ આઇ.આઇ.ટી. દિલ્હીના અધ્યાપક શ્રી અશોક પટેલે કર્યું હતું અને તેમને સહાય એઆઇઆઇએમના ડો. પ્રદીપ શાહે કરી હતી.
આ સંશોધનનો અહેવાલ ઇન્ટરનેશનલ જનરલ ઓફ બાયોલોજિકલ મેક્રોમોલિક્યુલ્સમાં પ્રસિદ્ધ થયો હતો.
ટીકોપ્લાનિન એફડીએ દ્વારા માન્યતા પ્રાપ્ત દવા છે અને માનવોમાં લો ટોક્સિસિટી પ્રોફાઇલ સાથેના ગ્રામ-પોઝિટિવ બેક્ટેરિયા ઇન્ફેકશન માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે.
તાજેતરમાં રોમની સેપિન્ઝા યુનિવર્સિટીમાં ટીકોપ્લાનિન પર ક્લિનિકલ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. તેમ છતાં હળવા, મધ્યમ અને વધુ બીમારી દર્દીઓ પર આ દવા કેવી રીતે અસર કરે છે એ અંગે વધુ અભ્યાસ કરવાની જરૂર છે, એમ પ્રોફેસર અશોક પટેલે વધુમાં જણાવ્યું હતું.
બાબરી ધ્વંસ્ત કેસ ચુકાદો આપતા આજે તા.30મી સપ્ટેમ્બર 2020ના રોજ લખનૌ સ્થિત સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે અડવાણી, મુરલી મનોહર જોષી, ઉમા ભારતી સહિતના તમામ આરોપીઓને મુક્ત કરતા જણાવ્યું છે કે આ ઘટના અગાઉથી આયોજીત નહોતી.
બાબરી ધ્વંસ કેસના 26 આરોપીઓ કોર્ટમાં હાજર થઈ ગયા હતા. જજ પણ કોર્ટરુમમાં આવી ગયા હતા, અને 26 વર્ષ જૂના આ કેસનો ફેસલો સંભળાવ્યો હતો. આરોપીઓમાં ભાજપના પીઢ નેતાઓ એલકે અડવાણી, મુરલીમનોહર જોષી તેમજ ઉમા ભારતીના નામ પણ સામેલ હતા. કોર્ટ બિલ્ડિંગની આસપાસનો વિસ્તાર પણ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો હતો. વાહનોની અવરજવર રોકી દેવાઈ હતી, અને નેતાઓના સમર્થકોને પણ અટકાવાઈ રહ્યા હતા.
લખનૌ સ્થિત CBIની સ્પેશિયલ કોર્ટમાં 6 ડિસેમ્બર 1992માં તોડી પડાયેલા વિવિદિત ભાગને લઈને આજે ચુકાદો સંભળાવવામાં આવ્યો હતો. આ મામલે પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી જેવા મોટા નેતા આરોપી હતા. એવામાં હાઈ પ્રોફાઈલ મામલાને ધ્યાનમાં રાખીને અયોધ્યા અને લખનૌમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી હતી. CBI કોર્ટે આદેશ જારી કર્યા છે કે તમામ આરોપીઓએ ચુકાદાના દિવસે કોર્ટમાં હાજર રહેવું પડશે. કોર્ટ તરફથી ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી સહિત અન્ય આરોપીઓને નોટિસ મોકલવામાં આવી હતી.
30/9 : આજે બાબરી ધ્વંશ કેસનો ચુકાદો
અયોધ્યામાં બાબરી મસ્જિદનો ધ્વંશ કરાયાને 28 વર્ષ બાદ હવે આજે 30/9/20 લખનઉમાં સીબીઆઈની વિશેષ અદાલત ચુકાદો આપવાની છે. આ સંવેદનશીલ મામલે ચુકાદા પૂર્વે કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને સાંપ્રદાયિક રૂપે સંવેદનશીલ જિલ્લાઓમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે એલર્ટ કરી દીધા છે.
બાબરી વિધ્વંસ પછી દેશમાં ફાટી નીકળેલા ભયંકર કોમી રમખાણોમાં આશરે 2 હજાર લોકોનાં મૃત્યુ થયા હતાં. બાબરી કેસમાં સીબીઆઈ દ્વારા કુલ 49 લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતાં અને તેમાંથી 17 લોકોનાં મૃત્યુ થઈ ચૂક્યા છે. જેથી અદાલત આવતીકાલે બાકીનાં 32 આરોપીનો ચુકાદો આજે આપશે.
બાબરી મસ્જિદ વિધ્વંસ કેસમાં ભાજપનાં વરિષ્ઠ નેતા એલ.કે.અડવાણી, મુરલી મનોહર જોશી, કલ્યાણ સિંહ, વિનય કટિયાર, સાધ્વી ઋતંભરા અને ઉમા ભારતી સહિતનાં દિગ્ગજો મુખ્ય આરોપીમાં સામેલ છે. જો કે આજે ચુકાદા વખતે વિશેષ અદાલતમાં કેટલા આરોપીઓ હાજરી આપશે તે બાબતે હજી અનેક સંશય છે.’ આવતીકાલે ન્યાયધિશ એસ.કે.યાદવ દ્વારા ચુકાદો જાહેર કરવામાં આવનાર છે. તેમણે 16મીએ તમામ આરોપીઓને 30મી સપ્ટેમ્બરે ચુકાદા વખતે હાજર રહેવાનો નિર્દેશ આપેલો. આ કેસની આખરી દલીલો 11 સપ્ટેમ્બરનાં પૂર્ણ થઈ હતી અને સીબીઆઈએ આ કેસમાં કુલ 3પ1 સાક્ષીઓ અને 600 જેટલા દસ્તાવેજી પુરાવાઓ કોર્ટમાં પેશ કર્યા હતાં.
આજે ચુકાદા પહેલા કેન્દ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવેલા એલર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ ચુકાદાની કાયદો અને વ્યવસ્થા ઉપર અસર થઈ શકે છે અને બન્ને પક્ષનાં અસામાજિક તત્વો આનું કોમવાદીકરણ કરીને શાંતિ ડહોળી શકે છે.
એલર્ટ અનુસાર રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદનાં કેસમાં સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાથી અનેક મુસ્લિમ સંગઠનો નાખુશ છે અને તેમને આશા છે કે, બાબરી તોડી પાડવાનાં કેસમાં આરોપીઓ દોષિત પુરવાર થાય ત્યારે પણ ન્યાય મળી શકે છે. જો કે ચુકાદો તેમની ધારણા મુજબનો ન આવે તો આ લોકો વિરોધમાં ઉતરી શકે છે.
આ ઉપરાંત એલર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, અમુક ચરમપંથી જૂથો ચુકાદાને સીએએ, એનઆરસી અને એનપીઆર વિરોધી જુવાળને ફરીથી પેટાવવાની તક તરીકે પણ જોઈ રહ્યા છે. બીજીબાજુ હિન્દુ સમૂહોને આરોપીઓની દોષમુક્તિની આશા છે. આ સંજોગોમાં અમુક રાજ્યોમાં કોમી તનાવની આશંકા છે અને રાજ્યોને આવા વિસ્તારોમાં જરૂરી બંદોબસ્ત કરવાં માટે કહેવામાં આવ્યું છે.
સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે તપાસ કરી રહેલી સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશનની ટીમે AIIMS (ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ)ના ફોરેન્સિક એક્સપર્ટની એક ટીમ બનાવી હતી. આ ફોરેન્સિક ટીમ સુશાંતના વિસરા અને ઓટોપ્સીની તપાસનના આધાર પર પોતાના રિપોર્ટમાં તે જણાવશે કે, સુશાંતે આત્મહત્યા કરી હતી કે તેની હત્યા થઈ હતી. હવે, આ ફોરેન્સિક ટીમની તપાસ સાથે જોડાયેલી કેટલીક માહિતી સામે આવી રહી છે. જે બાદ માનવામાં આવી રહ્યું છે કે, CBIની ટીમ આ કેસમાં આત્મહત્યા માટે દુષ્પ્રેરણા અપાઇ હોવાના દ્રષ્ટીકોણ સાથે તપાસ આગળ વધારે તેવી શક્યતા છે.
ફોરેન્સિક ટીમને પોતાની તપાસમાં સુશાંતના શરીરમાંથી કોઈ પ્રકારનો ઝેરીલો પદાર્થ મળ્યો નથી. સાથે જ તેનું ડીએનએ સેમ્પલ પણ મેચ થઈ ગયું છે. જો કે, કહેવામાં આવી રહ્યું છે કે કૂપર હોસ્પિટલના ઓટોપ્સી રિપોર્ટમાં હજુ પણ તપાસ થવાની બાકી છે. AIIMSની ફોરેન્સિક ટીમે કૂપર હોસ્પિટલના ઓટોપ્સી રિપોર્ટ પર કેટલાક સવાલ ઉઠાવ્યા છે. ટીમનું માનવું છે કે, જ્યાં સુશાંતની બોડીનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું ત્યાં એટલી લાઈટ નહોતી જેટલી હોવી જોઈએ.
AIIMSના ફોરેન્સિક મેડિકલ બોર્ડના ચેરમેન ડો. સુધીર ગુપ્તાએ જણાવ્યું હતું કે, ‘સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે એઈમ્સ અને સીબીઆઈ એગ્રીમેન્ટમાં છે પરંતુ વધારે ચર્ચા-વિચારણા કરવાની જરૂર છે. સમયની સાથે તાર્કિક કાયદાકીય નિષ્કર્ષ માટે કેટલાક કાયદાકીય પાસાઓ પર ધ્યાન આપવાની જરૂર છે. તે સંપૂર્ણ રીતે નિર્ણાયક રહેશે’.
નવા કૃષિ કાયદાનો દેશમાં ઠેર ઠેર વિરોધ: તાજેતરમાં સરકાર દ્વારા નવા જ અમલમાં મુકાયેલા કૃષિ કાયદાનો દેશમાં ઠેર ઠેર વિરોધ કરવામાં આવ્યો હતો. પંજાબના અમૃતસરસ્થિત દેવીદાસ પૂરા ગામ ખાતે ખેડૂતોએ રેલરોકો આંદોલન કર્યું હતું. દિલ્હીના ઈન્ડિયા-ગેટ ખાતે કૉંગ્રેસના કાર્યકર્તાઓએ ટ્રેકટર સળગાવ્યું હતું.
નવા પસાર કરાયેલા કૃષિ કાયદા સામે દેશના અનેક રાજ્યમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે અને સામે પક્ષે કેન્દ્રમાં સત્તાધારી ભાજપ વિપક્ષ પર ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનો આરોપ કરી રહી છે.
વિરોધ પક્ષના કૉંગ્રેસ સહિત અનેક પક્ષો કૃષિના નવા કાયદા રદ કરવાની માગણી સાથે દેશનાં વિવિધ રાજ્યોમાં આંદોલન કરી રહ્યા છે. પંજાબના મુખ્ય પ્રધાન અમરિંદરસિંહે જણાવ્યું હતું કે આ કાયદો રદ કરાવવા માટે પંજાબ સરકાર સુપ્રીમ કોર્ટમાં કેસ દાખલ કરશે.
વિરોધ પ્રદર્શન દરમિયાન દિલ્હીમાં આવેલા ઇન્ડિયા ગેટ સામે ટ્રેક્ટર બાળવાના મુદ્દે ભાજપે કૉંગ્રેસની સખત શબ્દોમાં ઝાટકણી કાઢતા જણાવ્યું હતું કે કૉંગ્રેસે આ શરમજનક કૃત્ય પબ્લિસિટિ મેળવવા કર્યું હોવાનું અને ખેડૂતોને તેઓ ગેરમાર્ગે દોરી રહ્યા છે.
આ મામલે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે કૉંગ્રેસે આ કૃત્ય કરીને દેશ માટે નીચાજોણું કર્યું છે. ટ્રકમાં ટ્રેક્ટર લાવીને ઇન્ડિયા ગેટ સામે બાળવાની ઘટનાનું નાટકીય રૂપાંતર કરીને કૉંગ્રેસ પ્રસિદ્ધિ મેળવવા માગે છે. તેઓ ખેડૂતોના નામે રાજનીતિ રમી રહ્યા છે અને અમે એમના કૃત્યને વખોડીએ છીએ. આજે એમની પોલ ખૂલી ગઇ છે.
અંદાજે ૧૫-૨૦ જણે ઇન્ડિયા ગેટ પાસે સોમવારે સવારે એક ટ્રેક્ટરને આગ ચાંપી હતી. એમાંથી પાંચ વ્યક્તિએ પોતે પંજાબ યુથ કૉંગ્રેસની હોવાની વાત કબૂલી હતી.
ભાજપના મહામંત્રી ભૂપેન્દર યાદવે કૉંગ્રેસને ખેડૂત વિરોધી ગણાવી હતી.
સિંહે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે અમે આ મામલો આગળ વધારીશું. રાષ્ટ્રપતિએ ખરડા પર સહી કરી દીધી છે અને માટે હવે અમે સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવીશું. અમારી સરકાર ખેડૂતોના હિતનું રક્ષણ કરવા જરૂરી બધાં જ પગલાં લેશે.
પોતાની વાત ખરી હોવા વિશે એમણે વધુમાં જણાવ્યું હતું કે અમને વિરોધ કરવાનો હક છે. તમે એમની આજીવિકા છિનવી રહ્યા છો.
ગેઝેટ નોટિફિકેશન પ્રમાણે કૃષિ લક્ષી ત્રણ ખરડાને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મંજૂરી આપી છે.
તેલંગણામાં કૉંગ્રેસે કૃષિ ખરડાના વિરોધમાં આંદોલન કર્યું હતું અને રાષ્ટ્રપતિને ઠરાવ રદ કરવાની વિનંતી કરી હતી. કૉંગ્રેસના નેતા મનિકમ ટાગોર રાજ્યપાલ તમિલસાઇ સૌંમદરરાજનને રાજભવનમાં આવેદન આપવા માગતા હતા, પણ રાજ્યપાલ સાથે એમણે મુલાકાત માટે સમય ન મેળવ્યો હોવાને કારણે એમની અટક કરીને ગોશામહાલ પોલીસ સ્ટેશનમાં લઇ જવાયા હતા. જોકે, ત્યાર બાદ એમને છોડી દેવામાં આવ્યા હતા.
અટક અગાઉ કૉંગ્રેસના કાર્યકર્તાએ રાજયની ટીઆરએસ સરકાર અને કેન્દ્રની એનડીએ સરકારના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા.
ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ પૂર ઝડપે ફેલાઈ રહ્યું છે. સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં ભારત દેશ બ્રાઝીલને પાછળ છોડીને બીજા સ્થાન પર પહોંચી ગયો છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે સોમવારના રોજ છેલ્લા 24 કલાક દરમિયાન 82170 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ સંક્રમિતોની કુલ સંખ્યા 6074702 સુધી પહોંચી ગઈ છે.
દેશમાં છેલ્લા થોડા દિવસથી સતત કોરોના વાયરસના સંક્રમણમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા નવા નોંધાતા સંક્રમિતોના કેસો કરતા વધારે નોંધાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન 74893 દર્દીઓ કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થઈ ગયા છે. આ સાથે જ આ આંકડો વધીને 5016520 સુધી પહોંચી ગયો છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે સોમવાર સવારે દેશભરમાં કોરોના વાયરસના એક્ટિવ કેસનો આંકડો 962640 સુધી પહોંચ્યો છે.
છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં 1039 લોકોએ કોરોના સંક્રમણને કારણે અંતિમ શ્વાસ ભર્યા છે. આ સાથે જ કોરોના સંક્રમણના કારણે મૃત્યુ પામનાર દર્દીઓનો આંકડો વધીને 95542 સુધી પહોંચી ગયો છે. જો કે, એક સારી બાબત એ પણ છે કે ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. જેને કારણે ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ સામાન્ય વધારા બાદ 82.58 ટકા સુધી પહોંચ્યો છે.
દુનિયાભરમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં 33074393 કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાંથી 997713 લોકોના મોત નિપજ્યા છે જ્યારે 22925150 લોકો સ્વસ્થ્ય થવામાં સફળ થયા છે. સમગ્ર દુનિયામાં અત્યારે 9151530 કેસ એક્ટિવ છે. સતત વધી રહેલા કેસના કારણે દુનિયામાં સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં પહેલા સ્થાન પર અમેરિકા, બીજા સ્થાન પર ભારત, ત્રીજા સ્થાન પર બ્રાઝીલ અને ચોથા સ્થાન પર રશિયા છે.
છેલ્લા 45 દિવસથી ગુજરાતમાં સૌથી વધુ કોરોના કેસીસ સુરતમાં મળી આવતા હતા. પરંતુ, તા.27મી સપ્ટેમ્બર 2020ના રોજ સુરત કરતા વધુ કેસો અમદાવાદમાંથી મળી આવ્યા છે.
તા.28મી જુલાઇએ સવારે 8 વાગ્યે પૂરા થતા છેલ્લા ચોવીસ કલાકમાં અમદાવાદમાં 178 નવા કેસ નોંધાયા છે. જ્યારે 175 દર્દીઓ સાજા થયા છે. અમદાવાદ જિલ્લામાં 19 કેસ નોંધાયા છે અને 27 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. અમદાવાદ શહેરમાં કોરોનાના કારણે ત્રણ વ્યક્તિઓના મૃત્યુ થયા છે.
સુરત શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 160 કેસ નોંધાયા છે પરંતુ સાજા થયેલા દર્દીઓની સંખ્યા થોડી વધારે છે. સુરતમાં 183 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. સુરત જિલ્લામાં પણ 109 કેસ નોંધાયા છે અને 100 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.
રાજકોટ શહેરમાં કોરોનાના દૈનિક કેસની સંખ્યા 100થી વધારે નોંધાઈ રહી છે. જોકે, જામનગરમાં છેલ્લા બે દિવસમાં કેસમાં થોડો ઘટાડો થયો છે. રાજકોટમાં 112 નવા કેસ નોંધાયા છે અને 110 દર્દીઓ સાજા થયા છે. જ્યારે રાજકોટ જિલ્લામાં 59 કેસ નોંધાયા છે અને 111 દર્દીઓ સાજા થયા છે. જામનગરમાં 81 નવા કેસ નોંધાયા છે અને 52 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. જામનગર જિલ્લામાં 18 કેસ નોંધાયા છે અને 9 દર્દીઓ સાજા થયા છે. રાજકોટ શહેરમાં કોરોનાથી એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.
વડોદરા શહેરમાં પણ કોરોનાની પરિસ્થિતિમાં કોઈ ફેરફાર થયો નથી. છેલ્લા ઘણા સમયથી 90થી ઉપર કેસ નોંધાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં વડોદરામાં કોરોનાના 92 નવા કેસ સામે આવ્યા છે અને 92 દર્દીઓ સાજા થયા છે. વડોદરા જિલ્લામાં 41 કેસ નોંધાયા છે. વડોદરા શહેર અને જિલ્લામાં કોવિડ-19ના કારણે એક-એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.
દેશમાં કોરોના મામલે લાંબા સમય બાદ સારા અહેવાલ સામે આવ્યા છે. જો કે કોરોનાનું જોખમ હજી પણ યથાવત છે. રાહતની વાત એ છે કે દેશમાં કોરોનાના કેસ ઘટવા લાગ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ સંક્રમણના 88600 નવા મામલા સામે આવ્યા છે. દેશમાં સંક્રમણના કુલ મામલા હવે 60 લાખને પાર થયા છે.
દેશમાં અત્યાર સુધીમાં 49 લાખથી વધારે લોકો સંક્રમણથી મુક્ત બની ચુક્યા છે અને આ હિસાબે સંક્રમણથી મુક્ત થવાનો દર 82.46 ટકા થયો છે. ભારતમાં કોરોના કેસની સંખ્યા 7 ઓગષ્ટના રોજ 20 લાખને પાર, 23 ઓગષ્ટના રોજ 30 લાખને પાર, પાંચ સપ્ટેમ્બરે 40 લાખ પાર અને 16મી સપ્ટેમ્બરના રોજ 50 લાખને પાર પહોંચી હતી. જો કે હવે દેશમાં કોરોનાના કેસ ઘટવા લાગ્યા છે.
કેન્દ્રીય પોલીસ દળના 36 હજાર જવાનોને અત્યાર સુધીમાં કોરોના ચેપ લાગ્યો છે. જેમાં કુલ મળીને 128 લોકોનાં મૃત્યુ નીપજ્યાં છે. આમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોસ ઍ(સીઆરપીએફ), બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ), સેન્ટ્રલ ઔદ્યોગિક સુરક્ષા દળ (સીઆઈએસએફ), ભારત-તિબેટીયન બોર્ડર પોલીસ (આઈટીબીપી), સશસ્ત્ર બોર્ડર ફોર્સ, નેશનલ સિક્યુરિટી ગાર્ડ અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સનાં જવાનોનો સમાવેશ થાય છે. ‘સુરક્ષા દળોના 36,000 હજારથી વધુ લોકો કોરોનાનો ભોગ બન્યા છે. તેમાંથી 6,646 સક્રિય કેસ છે અને બાકીના સાજા થઈ ગયા છે. દેશની સૌથી મોટી સરહદ રક્ષક દળ બીએસએફમાં લગભગ 2.5 લાખ જવાનો છે, જેમાં સૌથી વધુ 10,636 કેસ નોંધાયા છે. મોટી અર્ધલશ્કરી દળ સીઆરપીએફમાં 10,602 અને સીઆઈએસએફમાં 6,466 કેસ છે. આ સીવાય આઇટીબીપીમાં 3,845, એસએસબીમાં 3,684, એનડીઆરએફમાં 514 અને એનએસજીમાં 250 કોરોના વાયરસના કેસ નોંધાયા છે. આઇટીબીપી 3,488 કિલોમીટરના ભારત-ચાઇના એલએસીનું રક્ષણ કરે છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.