CIA ALERT

ડેવલપમેન્ટ Archives - Page 50 of 144 - CIA Live

March 3, 2021
corona_india.jpg
1min451

ભારતમાં કોરોનાના ૮૪.૧૬ ટકા અથવા ૧.૬૮ લાખ સક્રિય દરદી પાંચ રાજ્યના હોવાની અને છ રાજ્ય તથા કેન્દ્રશાસિત પ્રદેશમાં સક્રિય દરદીની સાપ્તાહિક ટકાવારી રાષ્ટ્રીય સરેરાશ બે ટકા કરતા વધારે હોવાની માહિતી કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે આપી હતી.

દેશના કોરોનાના કુલ સક્રિય દરદીમાંથી ૬૭.૮૪ ટકા દરદી તો મહારાષ્ટ્ર અને કેરળના છે.

જે છ રાજ્ય તથા કેન્દ્રશાસિત પ્રદેશમાં સક્રિય દરદીની સાપ્તાહિક ટકાવારી રાષ્ટ્રીય સરેરાશ બે ટકા કરતા વધારે છે, એમાં મહારાષ્ટ્ર, કેરળ, ગોવા, ચંડીગઢ, પંજાબ અને ગુજરાતનો સમાવેશ થાય છે. એમાંય સૌથી વધુ સાપ્તાહિક મહારાષ્ટ્રમાં ૧૦.૦૨ ટકા સક્રિય દરદીનો વધારો નોંધાયો હતો.

મંત્રાલયે જણાવ્યા અનુસાર ભારતમાં મંગળવારે સવારે ૮ વાગ્યા સુધીમાં કોરોનાના ૧૨,૨૮૬ નવા કેસ નોંધાયા હતા અને એ સાથે કુલ કેસની સંખ્યા વધીને ૧,૧૧,૧૨,૨૪૧ થઇ હતી.

હાલ ભારતમાં ૧,૬૮,૩૫૮ સક્રિય દરદી છે, જે કુલ દરદીના ૧.૫૧ ટકા થાય છે અને એમાંથી ૮૦.૩૩ ટકા સક્રિય દરદીઓ પાંચ રાજ્યના છે.

ગત ૨૪ કલાકમાં દેશના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં ૬,૩૯૭ અને ત્યાર બાદ કેરળમાં ૧,૯૩૮ કેસ નોંધાયા હતા.

દેશના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં ૪૬.૮૨ ટકા અને ત્યાર બાદ કેરળમાં ૨૮.૬૧ ટકા કેસ છે.

કેન્દ્ર સરકાર રાજ્યોને સતત કોરોનાની માર્ગદર્શિકાનું સખતાઇથી પાલન કરાવવાની સલાહ આપતી રહે છે અને કોરોનાનો રોગચાળો વધુ ન ફેલાય એ માટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સતત સલાહ અને સૂચનો આપતી રહે છે.

ભારતમાં કોરોનાના મંગળવાર સુધીમાં કુલ ૧,૦૭,૯૮,૯૨૧ દરદી સાજા થયા હતા અને સાજા થનાર દરદીની ટકાવારી ૯૭.૦૭ ટકા નોંધાઇ હતી. ગત ૨૪ કલાકમાં ૯૧ વ્યક્તિએ કોરોનાને કારણે પોતાના જીવ ગુમાવ્યા હતા અને એમાંથી મહારાષ્ટ્રમાં ૩૦ વ્યક્તિએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યા હતા.

March 3, 2021
platform.jpg
1min476

મુંબઈ સહિત નવી મુંબઈમાં કોરોનાના કેસમાં નિરંતર વધારો થઈ રહ્યોે છે ત્યારે રેલવે સ્ટેશન પર ‘ક્રાઉડ કંટ્રોલ’ના ભાગરૂપે મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર)ના મહત્ત્વના ટર્મિનસ ખાતે પ્લૅટફૉર્મ ટિકિટના ભાવ ૫૦ રૂપિયા લેવામાં આવશે, એમ સત્તાવાર જણાવાયું હતું.

કોવિડ-૧૯ મહામારી અને ઉનાળુ વેકેશનને કારણે મધ્ય રેલવેના સૌથી ગીચ-વ્યસ્ત સ્ટેશન પર પ્લૅટફૉર્મ ટિકિટનું ભાડું ૧૦ રૂપિયાના બદલે હવેથી ૫૦ રૂપિયા વસૂલાશે. મધ્ય રેલવેના ગીચ ટર્મિનસ પૈકી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી), દાદર, લોકમાન્ય ટિળક ટર્મિનસ (એલટીટી) સહિત મુંબઈ રિજનમાં થાણે, પનવેલ તથા ભિવંડી રોડ સ્ટેશન વગેરે ટર્મિનસ પર પ્લૅટફૉર્મની ટિકિટનું ભાડું રૂ. ૫૦ લેવામાં આવશે, એમ મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શિવાજી સુતારે જણાવ્યું હતું.

પ્લૅટફૉર્મ ટિકિટનું નવું ભાડું પહેલી માર્ચથી લઈને ૧૫મી જૂન સુધીના સમયગાળા દરમિયાન વસૂલવામાં આવશે. વેકેશનના સમયગાળા દરમિયાન કોવિડના કેસમાં વધારો થઈ રહ્યો હોવાથી સ્ટેશન પર પ્રવાસીઓની સંખ્યા નિયંત્રણમાં રાખવાના ઉદ્દેશને લઈ ઉપરોક્ત નિર્ણય લેવામાં આવ્યો છે. ફેબ્રુઆરીના બીજા અઠવાડિયાથી મુંબઈ શહેરમાં કોરોનાના કેસમાં વધારો થયો છે, જેમાં અત્યાર સુધીમાં મુંબઈમાં કોરોનાના ૩.૨૫ લાખથી વધુ કેસ નોંધાયા છે, જ્યારે મૃતકની સંખ્યા ૧૧,૪૦૦ થઈ છે.

March 1, 2021
gujarat_vidhansabha.jpg
1min466

ગુજરાત વિધાનસભાનું 31 દિવસિય બજેટ સત્ર આજરોજ તા. 1 માર્ચ 2021ને સોમવારથી શરુ થયું છે, આ સત્ર તા. 1લી, એપ્રિલ 2021ના દિવસે પૂરું થશે. આ સત્ર દરમ્યાનમાં 10 દિવસ રજાની રજા રહેશે અને 20 દિવસ ગૃહનું કામકાજ થશે.

સામાન્ય રીતે ગૃહની બેઠક’ પ્રથમ કે બીજા દિવસે સરકારનું બજેટ રજૂ થતું હોય છે પરંતુ આ વખતે બેઠકના પ્રથમ દિવસે જ રાજ્યના બે પૂર્વ મુખ્યપ્રધાનો અને 11 જેટલા પૂર્વ ધારાસભ્યોના નિધન બદલના શોક-પ્રસ્તાવો રજૂ થશે ત્યારબાદ ગૃહની બેઠક મુલતવી રહેશે.

બેઠકના બીજા દિવસે પાલિકા, જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણીના પરિણામો જાહેર થવાના હોવાથી રજા રહેશે. જ્યારે 3જી, માર્ચે ગૃહની બે બેઠક મળશે. જેમાં પ્રથમ બેઠકમાં જ લગભગ સવારના 11 વાગ્યાની આસપાસ રાજ્ય સરકારનું વર્ષ 2021-22નું વાર્ષિક બજેટ રજૂ કરાશે.

ચાલુ નાણાકીય વર્ષમાં સરકારનું બજેટનું કુલ કદ રૂ. 2.17 લાખ કરોડ જેટલું છે પરંતુ આ વર્ષમાં કોરોના-લોકડાઉનની અસરને કારણે સરકારની વેરાની આવકો ઘટી હોવાથી વર્ષ 2021-22નું કદ રુ. 2.30 કરોડની આસપાસ રહે તેવી સંભાવના છે.

રાજ્ય વિધાનસભાના આ વખતના બજેટ સત્રમાં સરકારને તેની કામગીરી બદલ ઘેરી શકાય તેવા મોંઘવારી, કોરોના, લોકડાઉન, મંદી, બેકારી ઉપરાંતના સંખ્યાબંધ મુદ્દાઓ છે. જેને લઈ વિપક્ષ કોંગ્રેસ, વર્તમાન સરકાર પર પસ્તાળ પાડી શકે છે પરંતુ તાજેતરની મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં કોંગ્રેસના સંપૂર્ણ રકાશની સ્થિતિ જોતાં કોંગ્રેસના સભ્યોનું નૈતિક બળ તૂટયું છે અને તેનો ભરપૂર લાભ સત્તાધારી પક્ષ-ભાજપ ઉઠાવશે.

આ વખતના વિધાનસભાના સત્રની કામગીરી મુજબ, બેઠકના પ્રથમ દિવસે રાજ્યપાલ દ્વારા ગૃહને જે સંબોધન કરાશે, તેનો આભાર માનતી ચર્ચા 3 દિવસ સુધી ચાલશે ત્યારબાદ સરકારને હાલના ચાલુ બજેટ કરતાં જ્યાં વધુ ખર્ચ કર્યો હશે ત્યાં વધારાની રકમની માગણી કરતાં પૂરક બજેટ ઉપર 2 દિવસ સુધી ચર્ચા થશે. એવી જ રીતે નાણાપ્રધાન નીતિન પટેલ દ્વારા રાજ્ય સરકારનું જે વર્ષ 2021-22 માટેનું બજેટ રજૂ કરાશે. તેના ઉપર ગૃહમાં 4 દિવસ સુધી ચર્ચા કરાશે. 9 દિવસની આ ચર્ચાઓ બાદ રાજ્ય સરકારના 26 વિવિધ વિભાગોના બજેટ (માગણીઓ) પરની ચર્ચા આરંભાશે. જે 12 દિવસ સુધી ચાલશે. અંતે 31મી, માર્ચે રાજ્ય સરકારે રજૂ કરેલા બજેટ મુજબ તેને ખર્ચ કરવાની સત્તા આપતું વિનિયોગ વિધેયક રજૂ કરીને પસાર કરી દેવાશે. જ્યારે 1લી એપ્રિલના અંતિમ દિવસે સરકારી વિધેયકો અને છેલ્લા દિવસનો પ્રસ્તાવ રજૂ કરાશે. આ વખતના બજેટ સત્રમાં કુલ 4 દિવસ ડબલ બેઠકો યોજાશે. જેમાં સત્રના બીજા જ દિવસે રજા રહેવાની હોવાથી તે દિવસનું કામકાજ 3 માર્ચે બે બેઠક યોજીને પૂરું કરાશે. એવી જ રીતે 10 માર્ચ, 16 અને 23 માર્ચે બે બેઠક યોજાશે.

વિધાનસભાના આ બજેટ સત્ર દરમિયાન મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ જાહેર કર્યા મુજબ લવ જેહાદ ઉપરનું વિધેયક રજૂ કરાશે. જેમાં હિંદુ યુવતી સાથે મુસ્લિમ ઉપરાંત અન્ય કોઈપણ ધર્મના યુવક લગ્ન કરશે તો, તેના માટેની વ્યાખ્યા નક્કી કરાશે. જેની સામેની કાયદાકીય કાર્યવાહી માટેની પ્રક્રિયા, સક્ષમ સત્તા મંડળ રચાશે. જો, યુવક ગુનેગાર ઠરે તો, તેને સામે દંડનીય કે જેલની સજા સહિતની જોગવાઈઓ થશે. આ વિધેયક ઉપર ગૃહમાં ચર્ચા થશે અને અંતે તે બહુમતિથી પસાર કરાશે. આ ઉપરાંત ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી (સુધારા) વિધેયક, ગુજરાત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી (સુધારા) વિધેયક, ગુજરાત રાજવીત્તિય જવાબદારી (સુધારા) વિધેયક, ગુજરાત અગ્નિનિવારણ અને જીવન સુરક્ષા ઉપાય વિષયક (સુધારા) વિધેયક ઉપરાંત અન્ય 7 જેટલા વિધેયકો રજૂ કરાશે.

March 1, 2021
vaccine-1.jpg
1min436

દેશમાં પહેલી માર્ચ, સોમવારથી ૬૦ વર્ષથી મોટી ઉંમરના વરિષ્ઠ નાગરિકો અને ૪૫થી વધુ વયના અન્ય બીમારી ધરાવતા લોકોને કોરોનાની રસી આપવાનું શરૂ થવાનું છે, પણ અનેક વરિષ્ઠ નાગરિકો હજી આ રસી લેવા અંગે અવઢવમાં છે અથવા તેઓને પૂરતી જાણકારીનો અભાવ છે.

કોરોનાના રસીકરણનો બીજો સૌથી મોટો તબક્કો શરૂ થવાનો છે ત્યારે કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે ખાનગી હૉસ્પિટલો કોવિડ-૧૯ની રસી માટે વધુમાં વધુ અઢીસો રૂપિયા લઇ શકશે.

સરકારી આરોગ્ય કેન્દ્રોમાં રસીકરણ વિનામૂલ્યે કરવામાં આવશે, પણ ખાનગી આરોગ્ય કેન્દ્રોમાં લોકોએ રસી મુકાવવાના અઢીસો રૂપિયા આપવા પડશે.

સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર રસીનો ભાવ રૂ. ૧૫૦ છે અને સર્વિસ ચાર્જ તરીકે ખાનગી હૉસ્પિટલો અને કેન્દ્રો વધુમાં વધુ રૂ. ૧૦૦ લઇ શકશે. આ રીતે ખાનગીમાં રસી મુકાવનારને કુલ રૂ. ૨૫૦નો ખર્ચ કરવાનો રહેશે.

કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આ બાબતની માહિતી આપી દીધી છે.

કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે ૬૦થી વધુ વયની બધી જ વ્યક્તિ અને એકથી વધુ રોગ ધરાવતી ૪૫થી વધુ વયની કોઇપણ વ્યક્તિ ૧લી માર્ચથી કોવિડ-૧૯ની રસી મુકાવી શકશે અને એ માટે તેઓ ત્રણ રીતે રજિસ્ટ્રેશન કરાવી શકશે.

રસીકરણ માટે પોતાનું નામ નોંધાવવાની રીતો આ પ્રમાણે છે: પહેલી રીત ઑનલાઇનની છે અને આ રીત હેઠળ લાભકર્તા અગાઉથી પોતાનું નામ ઑનલાઇન નોંધાવી શકશે. આ માટે એમણે કો-વિન ૨.૦ પોર્ટલ અથવા આરોગ્ય સેતુ જેવી અન્ય ઍપ મારફત પોતાનું નામ નોંધાવવાનું રહેશે. આ પોર્ટલ અને ઍપ્સ પર સરકારી તેમ જ ખાનગી રસીકરણ કેન્દ્રોના નામ, રસીકરણ માટે નિયત કરેલા સમય અને તારીખની માહિતી આપેલી હશે. વ્યક્તિ પોતાની મરજી પ્રમાણે સરકારી અથવા ખાનગી કેન્દ્રની પસંદગી કરીને અપોઇન્ટમેન્ટ બુક કરાવી શકશે.

બીજી રીત ઑનસાઇટ નોંધણીની છે. ઑનલાઇન નોંધણી ન કરાવી શકતી વ્યક્તિ રસીકરણ કેન્દ્ર પર જઇને પોતાનું નામ નોંધાવીને રસીકરણ કરાવી શકશે.

ત્રીજી રીત સંયુક્ત નોંધણીની છે અને એમાં ચોક્કસ જૂથનું રસીકરણ કરવા માટે નોંધણી કરવામાં આવશે. એ માટે બધાં જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પોતાની વ્યવસ્થા કરવા જણાવાયું છે.

રસી મુકાવવા માગતા લાભકર્તા સરકારી કેન્દ્રમાં રસી મુકાવે કે ખાનગી કેન્દ્રમાં, એમણે રસીકરણ કેન્દ્રમાં નીચે જણાવ્યામાંથી કોઇપણ એક ફોટો આઇડી કાર્ડ સાથે લઇ જવાનો રહેશે. માન્ય ફોટો આઇડી કાર્ડમાં આધાર કાર્ડ, મતદાતા ઓળખપત્ર, ઑનલાઇન નોંધણીની બાબતમાં નોંધણી વખતે જણાવેલો ચોક્કસ ફોટો આઇડી કાર્ડ.

૪૫થી વધુ વયની અને ૫૯ વર્ષ સુધીની બહુરોગ ધરાવતી વ્યક્તિ પાસે નોંધણીકૃત મૅડિકલ પ્રૅક્ટિશનર્સ દ્વારા રોગ વિશે પ્રમાણિત સર્ટિફિકેટ, રોજગારનું પ્રમાણપત્ર/સત્તાવાર આઇડી કાર્ડ (ફોટો અને જન્મતારીખ સાથેનો કોઇપણ એક) હોવું જરૂરી છે.

જે વ્યક્તિ સરકારી કેન્દ્રોમાં રસી મુકાવવા જશે, એમને મફતમાં રસી આપવામાં આવશે. ભારત સરકાર રસીની કિંમત ચૂકવશે. કેન્દ્ર સરકાર જરૂરી રસી ખરીદીને પ્રત્યેક રાજ્યોને મોકલશે. ખાનગી કેન્દ્રો રસીકરણ માટે રૂ. ૨૫૦ની ફી લેશે,

રસીકરણ માટેની ખાનગી સંસ્થાઓ અને હૉસ્પિટલોમાં જરૂરી સુવિધા વિશેના દિશાનિર્દેશ બધાં જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવ્યા છે.

માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે વિશ્ર્વના સૌથી મોટા રસીકરણનો બીજો તબક્કો સોમવારથી શરૂ કરવામાં આવશે. આ તબક્કામાં ૬૦ વર્ષથી વધુ વયની કોઇપણ વ્યક્તિ (આપણા દેશમાં એ દસ કરોડથી વધુ નહીં હોય) અને ૪૫થી વધુ વયની વિવિધરોગ ધરાવતી વ્યક્તિને ૧૦,૦૦૦ સરકારી સારવાર કેન્દ્રો અને ૨૦,૦૦૦ ખાનગી હૉસ્પિટલોમાં રસી આપવામાં આવશે.

વિશ્ર્વનું સૌથી મોટું રસીકરણ ૧૬મી જાન્યુઆરીએ શરૂ થયું હતું અને ભારતે ૧,૦૭,૬૭,૦૦૦ વ્યક્તિને પહેલા અને ૧૪ લાખ વ્યક્તિને બીજા તબક્કામાં રસી આપી હતી.

એ તબક્કે મુખ્યત્વે સ્વાસ્થ્ય કર્મચારીઓને રસી આપવામાં આવી હતી અને એમને બધાને સરકાર દ્વારા મફતમાં રસી આપવામાં આવી હતી. ભારતમાં રસીકરણ સફળ રહ્યું છે અને ભાગ્યે જ કોઇ ફરિયાદ આવી છે.

February 27, 2021
vaccine-1.jpg
1min497

નાયબ મુખ્યમંત્રીએ આ સાથે સ્પષ્ટતા કરી છે કે આરોગ્ય વિભાગ દ્વારા માન્ય ખાનગી હોસ્પિટલોમાં કોરોના વેક્સિન આપવામાં આવશે. જેમાં રુ. 150 વેક્સિનની કિંમત પેટે અને રુ. 100 વહીવટી ચાર્જ સ્વરુપે એમ કુલ મળીને રુ. 250 પ્રતિ ડોઝ લેવામાં આવશે.

દેશની સાથે સાથે ગુજરાતમાં પણ પહેલી માર્ચથી એટલે કે સોમવારથી 60 વર્ષ કે તેથી મોટી ઉંમરના તેમજ 45થી 59 વર્ષના કો-મોર્બિડ કન્ડીશન ધરાવતા લોકોને કોરોના રસી આપવાની શરૂઆત થશે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરી છે કે, કોરોના વાયરસ સામે હેલ્થ વર્કર અને ફ્રન્ટલાઈન વર્કર્સનને રક્ષણ આપવા રસીકરણ અભિયાનની પૂર્ણાહુતિ સાથે જ હવે કેન્દ્ર સરકારના માર્ગદર્શન મુજબ રાજ્યમાં પહેલી માર્ચથી સામાન્ય નાગરિકો માટે પણ રસીકરણની પ્રક્રિયા શરું કરવાં આવશે. આ સાથે જ નાયબ મુખ્યમંત્રીએ ટ્વિટ કરીને જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા સમાન્ય નાગરીકો માટે કોરોના વેકસીનની કિંમત નક્કી કરવામાં આવી છે જે અંતર્ગત ખાનગી હોસ્પિટલમાં કોરોના વેક્સિન લેવા માટે રુ. 250 ચૂકવવા પડશે જ્યારે સરકારી હોસ્પિટલમાં આ વેક્સિન વિનામૂલ્યે આપવામાં આવશે.

45થી 59 વર્ષની ઉંમરના કો-મોર્બિડ કન્ડીશન ધરાવતા નાગરિકો માટે 20 પ્રકારની ગંભીર બીમારી કેન્દ્ર સરકારે નિયત કરી છે. જેમાં એક વર્ષમાં હાર્ટ એટેક આવ્યો હોય, હાર્ટની ગંભીર બીમારી, જન્મજાત બીમારી, કેથેટર, સ્ટેન્ટ મૂકાયા હોય, કિડની અને લિવરની ગંભીર બીમારી, ડાયાબિટીસ, હાઈપરટેંશન અને એન્ઝાયટી એમ ત્રણ ભેગી બીમારી, કેન્સર, HIV, સિક્લસેલ, થેલેસેમિયા મેજરનો સમાવેશ થાય છે. જે લોકોને આ બીમારીની સારવાર ચાલતી હોય તેમણે રજિસ્ટ્રર્ડ મેડિકલ પ્રેક્ટિશનરનું સર્ટિફિકેટ પણ જોડીને રસીકરણ માટે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

February 27, 2021
coronaupdate.jpg
1min811

ભારતમાં શુક્રવાર, તા.26 ફેબ્રઆરીનો દિવસ સતત ત્રીજો દિવસ છે જેમાં ચોવીસ કલાકની અવધિમાં કોરોનાના કુલ નવા 16.5 હજાર કરતા વધુ કેસ નોંધાયા છે. તેમજ એક જ દિવસમાં 114 જેટલા લોકો કોરોનાના કારણે મોત નિપજ્યા હતા.

શુક્રવારે ભારતના તમામ રાજ્યોમાં મળીને કુલ 16,581 કોરોના કેસ નોંધાયા હતા જ્યારે ગુરુવારે દેશમાં 16,605 કેસ નોંધાયા હતા. દેશમાં વધતા કોરોના કેસની રાજ્યો અનુસાર વાત કરવામાં આવે તો સૌથી વધુ ફાળો મહારાષ્ટ્રનો છે જ્યાં સતત ત્રીજા દિવસે 8000 કરતા વધુ નવા સંક્રમણના કેસ સામે આવ્યા છે. જોકે શુક્રવારે મહારાષ્ટ્રમાં ગુરુવાનાર આંકડા 8702 કરતા થોડા ઓછા 8333 નવા કોરોના કેસ નોંધાયા હતા. જ્યારે ત્યારબાદ કેરળમાં પણ ધડાધડ કેસ વધી રહ્યા છે. શુક્રવારે કેરળમાં 3671 કેસ નોંધાયા હતા.

ગુજરાતમાં પણ સતત કોરોના કેસ વધી રહ્યા છે. અહીં શુક્રવારે 460 નવા કોરોના કેસ નોંધાયા છે. નવા નોંધાયેલા કેસમાં અમદાવાદમાં 101, સુરતમાં 74, વડોદરામાં 109, રાજકોટમાં 67, ભાવનગરમાં 13, ગાંધીનગરમાં 10, કચ્છમાં 9, છોટા ઉદેપુર, ખેડા, મહીસાગર, પંચમહાલમાં 6-6 સહિત કુલ 460 કેસ નોંધાયા છે. જ્યારે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે તેવા રાજ્ય તામિલનાડુમાં પણ કોરોના કેસ સતત વધી રહ્યા છે. રાજ્યમાં શુક્રવારે 481 નવા કોરોના કેસ નોંધાયા હતા.

રાજ્યમાં નવા કેસમાંથી અમદાવાદમાં 101, સુરતમાં 74, વડોદરામાં 109 તેમજ રાજકોટમાં દર્દીઓનો સમાવેશ થાય છે. જ્યારે રાજ્યમાં કુલ 2136 એક્ટિવ કેસમાંથી 38 દર્દીઓને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યાં છે. જ્યારે 2098 સ્ટેબલ છે. રાજ્યમાં 24 કલાકમાં એકપણ દર્દી મોતને ભેટ્યો નથી જેથી હવે રાજ્યમાં કુલ મૃત્યુઆંક પણ 4408એ પહોંચ્યો છે.

રાજયમાં પાટણ અને ડાંગ એમ 2 જિલ્લાઓમાં કોરોનાનો એકપણ કેસ નોંધાયેલો નથી. જ્યારે વેક્સિનેશન પ્રક્રિયામાં અત્યાર સુધીમાં કુલ 8,20,700 વ્યક્તિઓને પ્રથમ ડોઝનું અને 1,65,538 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે. આ ઉપરાંત 24 કલાકમાં વધુ 315 દર્દીઓ કોરોનાને હરાવીને સ્વસ્થ થયા છે. જેથી રાજ્યમાં કુલ સ્વસ્થ દર્દીઓની સંખ્યા 2,62,487 થઈ છે.

February 26, 2021
election_voting.jpg
1min561
  • પશ્ચિમ બંગાળ,
  • આસામ,
  • કેરળ,
  • તમિલનાડુ અને
  • પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ગઈ છે.

ચૂંટણી પંચે વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. પશ્ચિમ બંગાળમાં 8 તબક્કામાં જ્યારે આસામમાં 3 તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાશે. કેરળ, પુડુચેરી અને તમિલનાડુમાં સિંગલ ફેઝમાં તારીખ 6 એપ્રિલે મતદાન થશે.

તમામ 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામ તારીખ 2 મેના રોજ જાહેર થશે. આસામ અને પશ્ચિમ બંગાળમાં તારીખ 27 માર્ચે પ્રથમ તબક્કાનું મતદાન થશે. પશ્ચિમ બંગાળમાં તારીખ 29 એપ્રિલે 8મા અને અંતિમ તબક્કાનું મતદાન થશે. 5 રાજ્યોમાં કુલ મળીને 824 વિધાનસભા બેઠક માટે ચૂંટણી થશે. 18.6 કરોડ મતદાતા, 2.7 લાખ મતદાન કેન્દ્રો પર પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

કોરોના વાયરસની મહામારીને ધ્યાનમાં રાખતા ગાઈડલાઈન્સનું પાલન કરતા વૉટિંગ થશે અને તે માટેનો સમયગાળો 1 કલાક સુધી વધારવામાં આવ્યો છે. પુડુચેરીમાં કોઈ ઉમેદવાર મહત્તમ 22 લાખ રૂપિયા સુધી ચૂંટણી પ્રચાર પાછળ ખર્ચો કરી શકે છે. પણ, બાકીના 4 રાજ્યોમાં કોઈએક સીટ પર ઉમેદવાર મહત્તમ 38 લાખ રૂપિયાનો ખર્ચો કરી શકશે.

આસામમાં વિધાનસભા ચૂંટણી 3 તબક્કામાં યોજાશે. મતગણતરી 2 મેના રોજ થશે. જ્યારે કેરળમાં સિંગલ ફેઝમાં તારીખ 6 એપ્રિલે વિધાનસભા ચૂંટણી યોજાશે. તમિલનાડુમાં પણ તમામ 234 સીટો પર સિંગલ ફેઝમાં તારીખ 6 એપ્રિલે વિધાનસભા ચૂંટણી યોજાશે. જ્યારે પુડુચેરીમાં પણ એક તબક્કામાં તારીખ 6 એપ્રિલે વિધાનસભા ચૂંટણી માટેનું મતદાન થશે. જ્યારે પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી માટેનું મતદાન અલગ-અલગ 8 તબક્કામાં થશે.

February 26, 2021
corona-gujarat.jpg
1min511

ગુજરાતમાં 26/2/21 ના રોજ રાત્રે પૂરા થયેલા છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 424 કેસ નોંધાયા છે જ્યારે 301 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કોરોના વાયરસને હરાવીને સાજા થવાનો દર 97.62 ટકા નોંધાયો છે. રાજ્યમાં આજે કોરોના વાયરસના કારણે 1 દર્દીનું મોત થયું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 4408 પર પહોંચી છે.

અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે અને છેલ્લા 3 દિવસમાં જ 11 જગ્યાઓ માઈક્રો કન્ટેન્મેન્ટ વિસ્તાર જાહેર કરવાની ફરજ પડી છે. એવામાં કોમ્યુનિટિ સ્પ્રેડનો તબક્કો શરૂ થયાની શંકા હેલ્થ ખાતાના સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે. બીજી બાજું શહેરમાં છૂટા છવાયા કોરોનાના કેસો નોંધાવાનું તો ચાલું જ છે, આ સાથે હવે સોસાયટીઓમાં કોરોનાના ચેપ લાગવાની શરૂઆત થઈ ગઈ છે. જેના કારણે 22મી તારીખે સૌપ્રથમ 3 જગ્યાને, 23મી તારીખે 5 અને 24મી તારીખે વધુ 3 જગ્યાને માઈક્રો કન્ટેન્મેન્ટ વિસ્તાર જાહેર કરાયા છે.

ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં ફરી કોરોના વાયરસના કેસમાં બુધવારે મોટો ઉછાળો નોંધાયો છે. આ ઉછાળો ચિંતાજનક બની રહ્યો છે. રાજ્યમાં સતત 10 દિવસથી નવા નોંધાતા કેસમાં ઉછાળો નોંધાઈ રહ્યો છે. પાછલા 24 કલાકમાં વધુ 8,807 કેસ નોંધાયા છે જેણે 129 દિવસ જૂનો (18 ઓક્ટોબરે 9,060 કેસ નોંધાયા હતા) રેકોર્ડ તોડ્યો છે. રાજ્યમાં 80 લોકોના કોરોનાથી મોત નોંધાયા છે, જે પાછલા 2 મહિનાના (24 ડિસેમ્બરે 89નાં મોત નોંધાયા હતા) સૌથી વધુ છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ કેસ 21,21,119 થયા છે જ્યારે 51,937 લોકોએ જીવ ગુમાવ્યો છે.

કોરોના રસીકરણ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 8,19,801 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 1,15,338 વ્યક્તિઓને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

February 25, 2021
corona_testing1.jpg
1min442

કોરોનાના કેસોમાં અચાનક ફરી વધારો થતાં કેટલાક રાજ્યોમાં બહારથી આવતા લોકો પર નિયંત્રણો મૂકવામાં આવ્યા છે. હાલ કેટલાક રાજ્યના રાજ્યોએ બનાવેલા નિયમ અનુસાર, બહારના રાજ્યોમાંથી આવતા લોકોએ ફરજિયાતપણે કોરોના નેગેટિવ હોવાનો રિપોર્ટ બતાવવાનો રહેશે. છેલ્લા એક સપ્તાહમાં મહારાષ્ટ્ર, કેરળ, છત્તીસગઢ, એમપી અને પંજાબમાં જ દેશના 86 ટકા કેસ સામે આવ્યા છે.

દેશમાં હાલ જેટલા કેસ નોંધાઈ રહ્યા છે તેમાંથી 75 ટકા તો માત્ર મહારાષ્ટ્ર અને કેરળમાં જ આવી રહ્યા છે. તેવામાં દિલ્હીએ મહારાષ્ટ્ર, કેરળ, છત્તીસગઢ, એમપી અને પંજાબથી આવતા લોકો માટે કોરોના નેગેટિવ રિપોર્ટને ફરજિયાત બનાવ્યો છે. 26 ફેબ્રુઆરીથી આ નિયમ લાગુ પડી જશે, અને 15 માર્ચ સુધી તેનો અમલ કરાશે. બસ, ટ્રેન કે ફ્લાઈટમાં આવતા લોકો પર આ નિયમ લાગુ કરાશે, જ્યારે કારમાં આવતા લોકોને તેમાંથી મુક્તિ અપાઈ છે

કર્ણાટકે પણ મહારાષ્ટ્ર અને કેરળમાંથી આવતા લોકો માટે કર્ણાટકમાં એન્ટ્રી લીધાના ઓછામાં ઓછા 72 કલાક પહેલા કરાવાયેલો RT-PCR રિપોર્ટ ફરજિયાત બનાવ્યો છે, અને આ રિપોર્ટ નેગેટિવ હશે તે લોકોને જ રાજ્યમાં એન્ટ્રી મળશે. કર્ણાટક જતી ફ્લાઈટમાં બેસનારા વ્યક્તિએ તે જ વખતે એરલાઈનના સ્ટાફને આ રિપોર્ટ બતાવવો પડશે. તેવી જ રીતે ટ્રેનમાં TTE અને બસમાં કંડક્ટરે આ રિપોર્ટ ચકાસવાનો રહેશે.

ગુજરાતના પાડોશી એવા મહારાષ્ટ્રએ ઘણા સમયથી ગુજરાત, કેરળ, ગોવા, દિલ્હી અને રાજસ્થાનથી આવતા લોકો માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત બનાવ્યો છે. આ ટેસ્ટ મહારાષ્ટ્રના એન્ટ્રી કર્યાના ઓછામાં ઓછા 96 કલાક પહેલા કરાવેલો હોવો જોઈએ. આ સિવાય જે લોકોમાં પણ કોરોનાના લક્ષણ દેખાશે તેમનો ત્યાં જ એન્ટિજેન ટેસ્ટ કરાશે તેવું પણ મહારાષ્ટ્ર સરકારે જણાવ્યું છે. જો કોઈ ટેસ્ટ કરાવ્યા વિના આવશે અને તેનો રિપોર્ટ પોઝિટિવ આવશે તો તેને કોવિડ કેર સેન્ટરમાં મોકલાશે, જેનો ખર્ચો જે-તે વ્યક્તિએ ભોગવવાનો રહેશે.

ઉત્તરાખંડે પણ મહારાષ્ટ્ર, ગુજરાત, કેરળ, એમપી, છત્તીસગઢમાંથી આવતા લોકો માટે કોરોના ટેસ્ટ ફરજિયાત બનાવ્યો છે. હરિદ્વારમાં હાલ કુંભમેળો ચાલી રહ્યો છે, ત્યારે તેમાં ભાગ લેવા આવતા લોકોએ પણ ટેસ્ટ કરાવવો ફરજિયાત છે.

February 25, 2021
vaccine.jpg
1min415

દેશમાં કોરોના વાયરસના કેસમાં ઝડપી વધારા વચ્ચે કોરોના રસીકરણ અભિયાનના આગામી તબક્કાનો તા.1 માર્ચથી આરંભ થશે. દેશમાં 16 જાન્યુ.થી શરૂઆત બાદ છેલ્લી સ્થિતિએ 1.ર1 કરોડ લોકોનું રસીકરણ કરાઈ ચૂકયુ છે.

આગામી તબક્કામાં 60 વર્ષથી વધુ ઉંમરના લોકો સાથે જેમની ઉંમર 4પ વર્ષથી વધુ હોય અને કો-મૉર્બિડિટીઝ (ગંભીર બીમાર) હશે તેઓને આવરી લેવામાં આવશે. કોરોના રસીકરણ માટે કેન્દ્ર સરકાર હવે ખાનગી સેન્ટરો-હોસ્પિટલોને મંજૂરી આપવા જઈ રહી છે.’

કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યંy કે 1 માર્ચથી 10 હજાર સરકારી અને ર0 હજાર ખાનગી સેન્ટરો પર કોરોના રસીકરણ થશે. આ તબક્કાના લાભાર્થીઓની સંખ્યા 10 કરોડથી વધુ છે. સરકારીમાં નિ:શુલ્ક અને ખાનગીમાં લોકોએ નાણાં ચૂકવવા પડશે. ખાનગી હોસ્પિટલો- કેન્દ્રોમાં રસીકરણ કરવા ઈચ્છતા લોકોએ કેટલા નાણાં ચૂકવવા પડશે તે અંગે ખાનગી હોસ્પિટલો અને મેન્યુફેકચરર્સ સાથે વાતચીત બાદ ટૂંક સમયમાં સ્વાસ્થ્ય મંત્રાલય નિર્ણય લેશે. તેમણે આશા વ્યક્ત કરી કે તેમના મોટાભાગના સહયોગી (મંત્રી) પોતાના ટીકાનું ચૂકવણું કરશે. સરકારની યોજના આગામી 4 થી 6 સપ્તાહમાં રોજ પ લાખ લોકોનું રસીકરણ કરવાની છે. 8 રાજ્યોના 7પ ટકા સ્વાસ્થ્ય કર્મીઓને વેક્સિન અપાઈ ચૂકી છે.

ઉલ્લેખનીય છે કે કોરોના રસીકરણની દેશમાં શરૂઆત 16 જાન્યુઆરીથી કરવામાં આવી હતી. દેશમાં વીતેલા દિવસોમાં કોરોનાના નવા મામલાઓમાં ઉછાળો જોવા મળ્યો હતો. આ કારણસર રસીકરણની ગતિ પણ વધારવાની ચર્ચાઓ શરૂ થઈ છે. કેન્દ્ર સરકાર આગામી ચારથી છ સપ્તાહમાં રસીકરણની દર 5 લાખ પ્રતિદિવસ કરવાની યોજના બનાવી રહી છે. સરકાર દેશમાં 200 જગ્યા પર દરરોજ અપાઈ રહેલી રસીની સંખ્યાને બમણી કરવાની તૈયારી કરી રહી છે.