CIA ALERT

ડેવલપમેન્ટ Archives - Page 15 of 143 - CIA Live

November 6, 2024
2000.jpg
1min287

દેશમાં રૂ. 2000ની ગુલાબી નોટો પર પ્રતિબંધ મૂકાયો તેને દોઢ વર્ષથી વધુ સમય વીતી ગયો છે, પરંતુ હજુ પણ હજારો કરોડ રૂપિયાની ગુલાબી નોટો લોકો પાસે છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ નવેમ્બર મહિનામાં આ અંગેનું નવીનતમ અપડેટ બહાર પાડ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ચલણમાંથી કાઢી લેવામાં આવ્યા બાદ 2000 રૂપિયાની કુલ નોટોમાંથી હજુ પણ લોકો પાસે 6,970 કરોડ રૂપિયાની નોટો છે. આ આંકડો 31 ઓક્ટોબર 2024 સુધીનો છે. RBIના લેટેસ્ટ અપડેટમાં જણાવાયું છે કે 2000 રૂપિયાની 98.04 ટકા નોટ પરત આવી ગઇ છે.

ગયા વર્ષે મે મહિનામાં RBIએ 2000 રૂપિયાની નોટને ચલણમાંથી પાછી ખેંચી લેવાની જાહેરાત કરી હતી. તે સમયે 3.56 લાખ કરોડ રૂપિયાની કુલ 2000 રૂપિયાની બેંક નોટો ચલણમાં હતી. હવે સમસ્યા એ છે કે કેન્દ્રીય બેંકને નોટ પરત કરવાની ગતિ એકદમ ધીમી થઈ ગઈ છે. આનો અર્થ એવો પણ થાય છે કે જેની પાસે આ નોટો છે તેઓ તેને પરત કરવા માંગતા નથી. બહુ ઓછા લોકો હવે આ નોટો પરત કરવા આવી રહ્યા છે. છેલ્લા એક મહિનામાં માત્ર 147 કરોડ રૂપિયાની ગુલાબી નોટો પરત આવી છે.

આરબીઆઇએ તેમનો ડેટા પણ શેર કર્યો છે જે અનુસાર 1 જુલાઈ, 2024ના રોજ બજારમાં 7581 કરોડ રૂપિયાની કિંમતની 2000 રૂપિયાની નોટો બચી ગઈ હતી. 1 ઓક્ટોબરે તે રૂ. 7,117 કરોડ હતો અને હવે 31 ઓક્ટોબરે રૂ. 6,970 કરોડ છે. મતલબ કે જુલાઈથી અત્યાર સુધીમાં માત્ર 611 કરોડ રૂપિયાની નોટ જ પરત આવી છે.

આરબીઆઇએ 9 મે 2023ના રોજ 2000 રૂપિયાની નોટ પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. આરબીઆઇએ અગાઉ 2000 રૂપિયાની નોટ બદલવા માટે 30 સપ્ટેમ્બર 2023 સુધીનો સમય આપ્યો હતો. જોકે, સમયાંતરે આ સમયમર્યાદા લંબાવવામાં પણ આવી હતી. રૂપિયા 2000ની નોટ નવેમ્બર 2016માં ચલણમાં લાવવામાં આવી હતી. તે સમયે સરકારે 500 અને 1000 રૂપિયાની નોટો ચલણમાં બંધ કરી દીધી હતી. આ પછી, પર્યાપ્ત માત્રામાં અન્ય મૂલ્યોની બેંક નોટો ઉપલબ્ધ થયા પછી, 2,000 રૂપિયાની બેંક નોટો રજૂ કરવાનો ઉદ્દેશ્ય સિદ્ધ થયો હતો, તેથી 2018-19માં રૂ. 2,000ની નોટોનું પ્રિન્ટિંગ બંધ કરવામાં આવ્યું હતું, એમ રિઝર્વ બેંકે જણાવ્યું હતું.

October 28, 2024
ayushaman.jpg
1min440

આયુષ્યમાન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના (એબી-પીએમજેએવાય)  હેઠળ 70 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના તમામ નાગરિકો માટે વડાપ્રધાન મોદી દ્વારા  આરોગ્ય વીમાની શરૂઆત 29 ઓક્ટોબરે થવાની સંભાવના છે તેમ સત્તાવાર સૂત્રોએ આ માહિતી આપી હતી.નિયમિત ટીકાકરણનું ઇલેકટ્રોનિક રજિસ્ટર બનાવી રાખવા માટે વિકસિત યુ-વિન પોેર્ટલને પણ તે જ દિવસે વડાપ્રધાન દ્વારા શરૂ કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ બે ઉપરાંત મંગળવારે કેટલાક અન્ય પ્રોજેક્ટ્સ પણ શરૂ કરવામાં આવશે.

70 વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરિકોને તેમની આવક ધ્યાનમાં લીધા વગર આયુષ્યમાન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજનામાં આવરી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

સરકારના આ નિર્ણયથી 6 કરોડ વરિષ્ઠ નાગરિકોને ફાયદો થશે. આ સ્કીમ હેઠળ 70 વર્ષથી વધુ ઉંમરની વ્યકિત પછી ભલે તે ગરીબ હોય કે ધનવાન તમામને મફતમાં પાંચ લાખ રૂપિયાની મફત સારવાર આપવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે 1 સપ્ટેમ્બર, 2024 સુધીમાં 12696 ખાનગી હોસ્પિટલો સહિત 29648 હોસ્પિટલોમાં એબી-પીએમજેએવાયના લાભાર્થીઓને મફત સારવાર આપવામાં આવે છે. 

દિલ્હી, ઓડિશા અને પશ્ચિમ બંગાળને છોડીને દેશના 33  રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આ યોજના અમલી છે. આધાર કાર્ડ અનુસાર જે વ્યકિતની ઉંમર 70  કે તેથી વધારે હોય તે આ સ્કીમ માટે અરજી કરી શકે છે તેમ સૂત્રોએ જણાવ્યું છે. 

October 25, 2024
supreme.jpg
1min288

સુપ્રીમ કોર્ટે ગુરુવારે Date 24/10/2024 પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના નિર્ણયને રદ્દ કર્યો હતો. આ નિર્ણયમાં પીડિતાની ઉંમર નિર્ધારિત કરવા માટે આધાર કાર્ડમાં લખેલી જન્મતારીખને સ્વીકારવાનું કહેવામાં આવ્યું હતું.

જસ્ટિસ સંજય કરોલ અને જસ્ટિસ ઉજ્જલ ભુયાનની બેન્ચે ઉંમરના પુરાવા તરીકે આધાર કાર્ડનો ઉપયોગ અયોગ્ય ગણાવ્યો હતો. તેમણે નોંધ્યું કે, મૃતકની ઉંમર નક્કી કરવા માટે આધાર કાર્ડમાં નોંધાયેલી જન્મતારીખનો ઉલ્લેખ કરવાને બદલે મૃતકની ઉંમર જુવેનાઈલ જસ્ટિસ અધિનિયમ ૨૦૧૫ની કલમ ૯૪ હેઠળ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટના આધારે નક્કી કરી શકાય છે.

આ કેસમાં મોટર એક્સિડેન્ટસ ક્લેમ ટ્રિબ્યુનલ દ્વારા નક્કી કરવામાં આવેલા રૂ. ૧૯,૩૫,૪૦૦ના વળતરને હાઈકોર્ટે ઘટાડીને રૂ. ૯,૨૨,૩૩૬ કર્યું હતું કારણકે, મૃતકના આધાર કાર્ડમાં નોંધવામાં આવેલી જન્મ તારીખ પર આધાર રાખીને તેની ઉંમર ૪૭ વર્ષની ગણીને ૧૩નો ગુણાંક લાગુ કરવામાં આવ્યો હતો.

અપીલકર્તાએ હાઈકોર્ટના નિર્ણયને સર્વોચ્ચ અદાલતમાં પડકાર્યો હતો. તેમણે અરજીમાં કહ્યું કે, મૃતકની ઉંમરની ગણતરી કરવા માટે આધાર કાર્ડનો ઉલ્લેખ કરવામાં ભૂલ થઈહતી. તેમની દલીલ હતી કે, મૃતકના સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ મુજબ તેની ઉંમર ૪૫ વર્ષની હતી અને તે મુજબ ૧૪નો ગુણાંક લાગુ થવો જોઈએ.

October 25, 2024
mumbai-local-train.jpg
1min386

રેલ્વે મંત્રી અશ્વીની વૈષ્ણવે પ્રેસ મીટમાં જણાવ્યું હતું કે આ વર્ષે દિવાળી અને છઠ્ઠ પૂજા નિમિત્તે દૈનિક બે લાખ વધારાના મુસાફરોની સુવિધા માટે સાત હજાર વિશેષ ટ્રેન દોડાવશે. રેલવે અધિકારીએ જણાવ્યું હતું કે તહેવારોની ભીડને પહોચી વળવા ગત વર્ષે દિવાળી અને છઠ્ઠ પૂજા નિમિત્તે ૪૫૦૦ વિશેષ ટ્રેનો દોડાવી હતી મુસાફરોની સંખ્યામાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને મંત્રાલયે આ વર્ષે સેવાઓમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. આ સમયગાળા દરમિયાન દેશના પૂર્વીય ભાગોમાં મોટી સંખ્યામાં મુસાફરો મુસાફરી કરતા હોવાથી આ ભાગમાં ઉત્તર રેલવે વધુ સંખ્યામાં ટ્રેનો દોડાવશે. ઉત્તર રેલવેએ એક યાદીમાં જણાવ્યું હતું કે મુસાફરોને તેમના ગંતવ્ય સુધી પહોચાડવા માટે ૩૦૫૦ વિશેષ ટ્રેનો દોડાવવામાં આવશે. ભારતીય રેલવેએ વર્ષ ૨૦૨૩માં ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો દોડાવી હતી જેમાં ઉત્તર રેલવેએ ૧,૦૮૨ ટ્રેનો દોડાવી હતી જેમાં આ વર્ષે ૩૦૫૦ ટ્રેનોની ટ્રીપ્સ દોડાવશે. સ્પેશિયલ ટ્રેનો ઉપરાંત રૂટીન ્રટ્રેેનોમાં મુસાફરોનો રસ જોઇને કોચમાં વધારો કરવામાં આવી રહ્યો છે.

October 23, 2024
1min248
  • સરકારની આકરી ચેતવણી છતાં વિમાનોમાં બોમ્બની અફવાનો સિલસિલો યથાવત્
  • નવ દિવસમાં 170થી વધુ ફ્લાઈટ્સને ધમકીઓ મળી, ડોમેસ્ટિક-આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પાછળ સરેરાશ રૂ. 3.5 કરોડનો ખર્ચ
  • ઈન્ડિગોની મુંબઈ ફ્લાઈટને બોમ્બની ધમકી મળતા શ્રીનગર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર હાઈ-એલર્ટ

દેશમાં એક સપ્તાહ કરતાં વધુ સમયથી વીમાનોમાં બોમ્બની અફવાનો સિલસિલો મંગળવારે પણ ચાલુ રહ્યો હતો. છેલ્લા 24 કલાકમાં દેશમાં વધુ 80થી વધારે ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સને બોમ્બની ધમકી મળી હતી, જેને પગલે સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ હતી તેમજ ફ્લાઈટ્સના ટાઈમિંગ અને રૂટમાં ફેરફાર કરવામાં આવતા હજારો પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. મંગળવારે એર ઈન્ડિયા, ઈન્ડિગો, આકાસા એર, વિસ્તારા જેવી એરલાઈન્સને ટાર્ગેટ કરાઈ હતી. આ સાથે બોમ્બની ધમકીઓના કારણે એરલાઈન્સને રૂ. 600 કરોડથી વધુનું નુકસાન થયું હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

ડીજીસીએના સૂત્રોએ જણાવ્યું હતું કે, સોમવાર રાતથી મંગળવાર દરમ્યાન સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય ભારતીય એરલાઈન્સ દ્વારા સંચાલિત લગભગ 80થી વધુ ફ્લાઈટને બોમ્બની ધમકી મળતા વિક્ષેપ સર્જાયા હતા અને અનેક ઉડાણોના રૂટમાં ફેરફાર કરાયો હતો. મંગળવારે એર ઈન્ડિયા, ઈન્ડિગો, આકાસા એર અને વિસ્તારા જેવી એરલાઈન્સને ટાર્ગેટ કરાઈ હતી જેમાંથી કેટલીક ફ્લાઈટને સાઉદી અરબ અને કતાર તરફ વાળવામાં આવી હતી. દેશમાં નવ દિવસમાં 170થી વધુ ફ્લાઈટને બોમ્બની ધમકી મળી હતી, જેમાં મોટાભાગની ધમકીઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મારફત અપાઈ હતી.

એક ડોમેસ્ટિક ફ્લાઈટ્સનો કાર્યક્રમ ખોરવાતા અંદાજે રૂ. 1.5 કરોડનું નુકસાન થાય છે જ્યારે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પાછળનો આ ખર્ચ અંદાજે રૂ. 5-5.5 કરોડ થાય છે. આમ ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ ખોરવાતા સરેરાશ રૂ. 3.5 કરોડનો ખર્ચ થાય છે અને 170થી વધુ ફ્લાઈટ્સનો કાર્યક્રમ ખોરવાતા એરલાઈન્સ ઉદ્યોગને અંદાજે રૂ. 600 કરોડથી વધુનું નુકસાન થયું હોવાનું માનવામાં આવે છે.

એર ઈન્ડિયા અને ઈન્ડિગોની 13-13 સહિત 50થી વધુ ફ્લાઈટ્સને મંગળવારે બોમ્બની ધમકી મળી હતી જ્યારે અકાસા એરને ૧૨થી વધુ ફ્લાઈટ્સ અને વિસ્તારાને પણ 11 જેટલી ફ્લાઈટ્સ માટે ધમકીઓ મળી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. સોમવારે રાતે ઈન્ડિગો, એર ઈન્ડિયા અને વિસ્તારાની 30 જેટલી ફ્લાઈટ્સને બોમ્બની ધમકી મળી હતી.

આકાસા એરએ અનેક સુરક્ષા ચેતવણીની પુષ્ટી કરી હતી જ્યારે ઈન્ડિગોએ 23 થી વધુ ફ્લાઈટ પ્રભાવિત થયાનું જણાવ્યું હતું. તેમાંથી બેંગલુરુ, કોઝીકોડે અને દિલ્હીના રુટ સહિત જેદ્દાહ જતી ત્રણ ફ્લાઈટને વાળવામાં આવી હતી. અન્ય પ્રભાવિત રુટમાં દિલ્હીથી દમામ અને ઈસ્તાનબુલથી મુંબઈ અને દિલ્હી જેવા આંતરરાષ્ટ્રીય રુટ સામેલ હતા. સૌથી વધુ જેદ્દાહ, ઈસ્તનબુલ અને રિયાધ જતી ફ્લાઈટને ટાર્ગેટ કરવામાં આવી હતી.

ઈન્ડિગોને મળેલી ધમકીમાં લખનઉથી પુણે, હૈદરાબાદથી જેદ્દાહ, ઈસ્તનબુલથી મુંબઈ, દિલ્હીથી દમામ, બેંગલુરુથી જેદ્દાહ, ઈસ્તનબુલથી દિલ્હી, કોઝીકોડેથી જેદ્દાહ અને દિલ્હીથી જેદ્દાહ જતી ફ્લાઈટ સામેલ હતી. ધમકીઓના પ્રતિસાદમાં એરપોર્ટ પ્રશાસને પ્રવાસીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા સ્થાપિત સલામતી ધોરણોનું પાલન કર્યું હતું. વધુમાં ઈન્ડિગોની મુંબઈ ફ્લાઈટ શ્રીનગર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પહોંચવાના સમયે જ બોમ્બની ધમકી મળવાથી એરપોર્ટ પર હાઈ એલર્ટ જાહેર કરાઈ હતી.

ધમકીઓ બનાવટી હોવા છતાં ભારતીય સિવિલ એવિયેશન મંત્રીએ સંભવિત જોખમોને ધ્યાનમાં રાખીને આવી બાબતોને ગંભીરતાથી લેવાની સૂચના આપી હતી. દરમ્યાન ભારત સરકાર નાગરિક ઉડ્ડયન અધિનિયમની સલામતી સામે ગેરકાયદેસર કાયદાઓના દમનમાં સૂચિત સુધારા સાથે, બોમ્બની ધમકીઓ સામે કડક કાયદાકીય પગલાં લેવાની યોજના બનાવી રહી છે. આ ફેરફારોને કારણે કોર્ટના આદેશ વિના આરોપીની ધરપકડ અને પૂછપરછ કરી શકાશે અને ફ્લાઈટને ધમકી આપનારા સામે સખત પગલા લઈ શકાશે.

October 23, 2024
drone-india-global-drone-news.png
1min261

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન કે. રામ મોહન નાયડુએ આજે જણાવ્યું હતું કે ભારતે સ્થાનિક પ્રતિભાઓને પ્રોત્સાહિત કરવા માટે ડ્રોનની આયાત પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. આંધ્ર પ્રદેશના અમરાવતી ખાતે બે દિવસીય રાષ્ટ્રીય ડ્રોન શિખર સંમેલનને સંબોધતા નાગરિક ઉડ્ડયન મંત્રીએ કહ્યું હતું કે સરકારે ડ્રોનની આયાત પર પ્રતિબંધ એટલા માટે મુક્યો છે, કારણ કે તે ઇચ્છતી નથી કે ભારતની કિંમત પર કોઇ અન્ય દેશ અથવા કંપનીને ફાયદો થાય.

નાયડુએ કહ્યું હતું કે “અમે ડ્રોનની કુલ આયાત પર પ્રતિબંધ મુક્યો છે, અમે તે શા માટે કર્યું? અમે આ ડ્રોન સેક્ટરમાં વધુ સ્ટાર્ટઅપ્સને આવવા માટે પ્રોત્સાહિત કરવા માંગીએ છીએ. અમે ઇચ્છીએ છીએ કે આ દેશના લોકો ડ્રોનનું ઉત્પાદન કરે. અમે ડ્રોનની આયાત કરવા માંગતા નથી. આ અંગેનો લાભ કોઈ અન્ય દેશ અથવા કોઈ અન્ય કંપનીને આપવા માંગતા નથી.
કેન્દ્રીય મંત્રીના જણાવ્યા અનુસાર સરકાર ઈચ્છે છે કે દેશના યુવા અને પ્રતિભાશાળી લોકો દેશના સ્વદેશી સમાધાનો પુરા કરવા માટે નવા પ્રકારના ડ્રોન વિકસિત કરે, તેથી આ માનસિકતા સાથે અમે આયાત પર પ્રતિબંધ મૂક્યો છે.

ઉડ્ડયન મંત્રીએ એ વાત પર પ્રકાશ પાડ્યો હતો કે કેન્દ્ર સરકારે ડ્રોન ઇકોસિસ્ટમ માટે નિયમોને ઉદાર બનાવ્યા છે અને 27 કંપનીઓને પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ (પીએલઆઇ) યોજનાનો લાભ મેળવવા સક્ષમ બનાવી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત ડ્રોન હબ તરીકે ઉભરી આવ્યું છે. તેમણે કહ્યું કે સરકાર આ ઉદ્યોગને વધુ આગળ વધારવા માંગે છે.

તેમણે કહ્યું હતું કે ભવિષ્યમાં આંધ્ર પ્રદેશમાં એક ડ્રોન હબની સંભાવના છે. અમે એ સુનિશ્વિત કરવા માંગીએ છીએ કે આંધ્રપ્રદેશ પોતાની ક્ષમતા અનુસાર વિકાસ કરે. સરકાર ખાતરી કરવા માંગે છે કે દક્ષિણનું રાજ્ય વિશ્વમાં ડ્રોન હબ તરીકે ઉભરી આવે. આ મેગા-ડ્રોન સમિટમાં ડ્રોન હેકાથોન, પ્રદર્શનો અને ઉદ્યોગ નિષ્ણાતો ભાગીદારી કરશે. સમિટમાં 1,711 પ્રતિનિધિ અને 1,306 મુલાકાતી ભાગ લે તેવી અપેક્ષા છે.

October 5, 2024
mumbai-airport.png
1min436

મુંબઈ એરપોર્ટ (Mumbai Airport)પર અવર જવર કરતાં હવાઈ મુસાફરો માટે મહત્વના સમાચાર છે. જેમાં 17 ઓક્ટોબર ગુરુવારે મુંબઈ એરપોર્ટ બંધ રહેશે. તેથી આ સમયગાળા દરમિયાન ફ્લાઈટ ઓપરેશન પણ બંધ રહેશે. આ અંગે માહિતી આપતાં મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (MIAL)એ શુક્રવાર તા.4 ઓક્ટોબર 2024ના રોજ જણાવ્યું હતું કે બે ક્રોસ રનવે પર ચોમાસા પછીના મેઇન્ટેનન્સ કાર્ય માટે મુંબઈ એરપોર્ટ પર ફ્લાઇટ ઑપરેશન ગુરુવાર 17 ઑક્ટોબરે 6 કલાક માટે બંધ રહેશે.

MIAL એ જણાવ્યું હતું કે આ સુનિશ્ચિત કામચલાઉ બંધ મુંબઈ એરપોર્ટના વાર્ષિક પોસ્ટ-મોનસૂન જાળવણી કાર્યક્રમનો એક ભાગ છે અને છ મહિના પહેલા આ બાબતે એરમેનને નોટિસ પણ જાહેર કરવામાં આવી છે.

“ક્રોસ રનવે – RWY 09/27 અને RWY 14/32, છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ (CSMIA),મુંબઈ ખાતે 17 ઓક્ટોબર, 2024 ના રોજ ચોમાસા પછીના રનવે જાળવણી કાર્યક્રમના ભાગ રૂપે મુંબઇ એરપોર્ટ ફ્લાઇટ ઓપરેશન્સ સવારે 11 થી સાંજના 5 વાગ્યા સુધી અસ્થાયી રૂપે બંધ રહેશે.

મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ બં રહેવા અંગે એરપોર્ટ સેવાઓ સાથે સંકળાયેલા મુખ્ય હિતધારકો સાથે મળીને ફ્લાઈટ્સનું સમયપત્રક પૂર્વ સંકલન કરવામાં આવ્યું છે.

October 2, 2024
supreme.jpg
1min359

બુલડોઝર કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટે આકરી ટિપ્પણી કરી હતી અને કહ્યું હતું કે લોકોની સુરક્ષા સૌથી પહેલા છે અને રસ્તા પર કોઇ પણ ધાર્મિક બાંધકામ હોય તો તેને હટાવવું જરૂરી છે. ગુનાઇત કેસોમાં સામેલ લોકોની સંપત્તિ પર બુલડોઝર ફેરવી દેવા સામે અનેક અરજીઓ સુપ્રીમમાં થઇ હતી જેની સુનાવણી દરમિયાન આ ટિપ્પણી કોર્ટે કરી હતી. સાથે જ કહ્યું હતું કે અવરોધક ધાર્મિક સ્થળો કે અન્ય કોઇ પણ બાંધકામને હટાવવાને લઇને અમે સમગ્ર દેશ માટે ચોક્કસ ગાઇડલાઇન જાહેર કરી શકીએ છીએ.

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે લોકોની સુરક્ષા મહત્વની છે, જો રોડ, જળ કે રેલવે માર્ગ વચ્ચે ક્યાંય પણ ધાર્મિક બાંધકામ આવતુ હોય અને તે અવરોધ ઉભા કરે તેમ હોય તો તેને હટાવવું જરૂરી છે. મંદિર હોય કે મસ્જિદ કે પછી દરગાહ જનતાની સુરક્ષામાં અવરોધક હોય તો તેને હટાવવું જ પડે. ભારત એક સેક્યુલર (બિનસાંપ્રદાયિક) દેશ છે અને બુલડોઝર એક્શન પર અમારો આદેશ તમામ નાગરિકોંને લાગુ પડશે પછી તે કોઇ પણ ધર્મના કેમ ના હોય.

સુપ્રીમના ન્યાયાધીશ બીઆર ગવઇ અને ન્યાયાધીશ કેવી વિશ્વનાથનની બેંચે કહ્યું હતું કે આપણે એક સેક્યુલર દેશ છીએ, તેથી અમારો આદેશ તમામ માટે સમાન રીતે લાગુ પડશે. મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા કે દરગાહ જો રોડ વચ્ચે ઉભા કરાયા હોય અને જનતા માટે અડચણરૂપ હોય તો તેને દૂર કરવા જ પડે. ગેરકાયદે બાંધકામો માટે એક કાયદો હોવો જોઇએ અને તે કોઇ ધર્મ પર નિર્ભર ના હોવો જોઇએ. સુપ્રીમ કોર્ટે ૧૭મી સપ્ટેમ્બરે કહ્યું હતું કે અમારી મંજૂરી વગર દેશમાં એક પણ સ્થળ પર બુલડોઝર ફેરવવામાં નહીં આવે.

બુલડોઝર એક્શન સામે અનેક અરજીઓ થઇ છે અગાઉ સુપ્રીમે બુલડોઝર ન્યાય પર રોક લગાવી હતી, સુપ્રીમના આ આદેશને લઇને મંગળવારે કેન્દ્ર સરકાર તરફથી હાજર સોલિસિટર જનરલ તુષાર મેહતાએ કહ્યું હતું કે કોર્ટના આદેશની અજાણતા કોઇ ચોક્કસ સમાજ પર અસર થઇ શકે છે. જેનાથી એક ચર્ચાને વેગ મળશે. જે બાદ સુપ્રીમે કહ્યું હતું કે આપણે એક સેક્યુલર દેશ છીએ, અમારો આદેશ તમામ ધર્મ કે સમાજના લોકો માટે સમાન રીતે લાગુ પડશે. અમે સ્પષ્ટતા કરી હતી કે કોઇ પણ જાહેર સ્થળે અવરોધ ઉભા કરતા ધાર્મિક સ્થળોને હટાવવા સામે અમે કોઇ જ આદેશ નથી આપ્યો. રોડ વચ્ચે કોઇ પણ ધાર્મિક સ્થળ હોય તો તે લોકો માટે અવરોધ ઉભો કરનારા ના હોવા જોઇએ. અમે આવા અવરોધક બાંધકામોને હટાવવા માટે એક ચોક્કસ ગાઇડલાઇન જાહેર કરી શકીએ છીએ. સુપ્રીમ કોર્ટે આ સાથે જ બુલડોઝર એક્શન પર જે વચગાળાની રોક લગાવી હતી તેને યથાવત રાખીને ચુકાદાને અનામત રાખ્યો હતો.

September 27, 2024
guj-birth-certi.png
1min597

ગુજરાત આરોગ્ય વિભાગ દ્વારા જન્મ મરણના દાખલામાં સુધારાને લગતા નિયમોમાં ફેરફાર મુદ્દે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. મુખ્ય રજિસ્ટ્રારે બુધવાર 25મી સપ્ટેમ્બર 2024ના રોજ નવો પરિપત્ર જાહેર કર્યો હતો, જેમાં જન્મ-મરણ રજિસ્ટ્રેશનમાં વ્યક્તિના નામ કે અન્ય કોઈ સુધારા માટે એક વ્યક્તિના બે નામ હોય તો પણ જન્મ પ્રમાણપત્રમાં યથાવત રાખવા આદેશ કર્યો છે. જેના માટે બે નામની વચ્ચે ઉર્ફે એવો શબ્દ દાખલ કરવાની સૂચનાઓ અપાઈ છે.

આરોગ્ય કમિશનર અને મુખ્ય રજિસ્ટ્રાર (જન્મ-મરણ)ની સહીથી બુધવારે પ્રસિધ્ધ પરિપત્રમાં તમામ રજિસ્ટ્રારોને 12મી ઓગસ્ટ 2009 અને 18મી ફેબ્રુઆરી 2016 એમ બંને પરિપત્રો રદ કરવા કહેવામાં આવ્યું છે. આધાર કાર્ડ વગર નામ, તારીખ કે અન્ય કોઈ પણ સુધારણા માટે અરજદારોની અરજીને ધ્યાને લેવા સ્પષ્ટ આદેશ થયો છે. આથી, રજિસ્ટરમાં એન્ટ્રી કરતી વેળા કારકૂની ભૂલ થઇ હોય તે તેને પણ સુધારવી પડશે.

Dated 25/09/2024 કરાયેલા નવા પરિપત્રમાં મુખ્ય રજિસ્ટારે સ્પષ્ટપણે જણાવ્યુ છે કે, નામ સુધારણાની અરજીનો નિર્ણય કરતી વખતે અરજદારની ઓળખની વિગતો, પિતાનું નામ, છેલ્લું નામ કે અટક અને જન્મતારીખ અથવા કોઈ એક અથવા તેમની કેટલીક બદલાવની માંગ કરી છે કે કેમ? તે બાબતો ધ્યાને લેવાની રહેશે. તેના માટે સર્મથનમાં અપાયેલા ફોટાવાળા ઓળખપત્રો કે ઓળખના અન્ય દસ્તાવેજો ધ્યાનમાં લેવાના રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી એક વ્યક્તિના બે નામો હોય કે અન્ય કોઈ સુધારાને તબક્કે તલાટીથી લઈને જિલ્લા રજિસ્ટ્રારના તંત્રમાં નોંધ નામંજૂર કરીને ઉપલાસ્તરે અપીલના આદેશો થતા હતા. હવે આ સુધારાથી અરજદારોને અપીલ અને તેની પ્રક્રિયામાંથી મુક્તિ મળી શકશે.

ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2023 ની કલમ 36 અનુસાર, જન્મ અને મરણના રજીસ્ટરમાં કરાવેલી નોંધ અનેક કામગીરીઓ માટે મહત્ત્વનો પૂરાવો છે. જેમાં જન્મ કે મરણ સર્ટિફિકેટમાં નોંધાયેલા નામમાં સુધારો કરવા બાબતે કેન્દ્ર સરકારના ગૃહમંત્રાલયે 30 જૂન 2015માં જાહેરનામું બહાર પાડ્યું હતું, ત્યારબાદ બુધવારે (25 સપ્ટેમ્બર) ગુજરાત આરોગ્ય સચિવ અને કમિશનર દ્વારા આ બાબતે જાહેરનામું રજૂ કરાયું છે. જે મુજબ નોંધણી રજીસ્ટ્રાર નામમાં ફેરફાર બાબતે ‘ઉર્ફે’ શબ્દનો ઉપયોગ કરી શકાશે. 

રાજ્ય સરકારે જન્મ-મરણ અંગે કેન્દ્ર સરકારની એડવાઇઝરીને માન્ય રાખી હતી, પરંતુ તેમાં ઘણાં પેટા નિયમો અને ઘણી બાબતો બાકી હોવાનું ધ્યાને આવ્યું હતું. જેનો ઉમેરો કરીને નાગરિકોની મુશ્કેલીને હળવી બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા નવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામા મુજબ જન્મ અને મરણના પ્રમાણપત્રમાં બંને નામ લખવાના રહેશે, પરંતુ  બે નામનો સ્વીકાર ન હોય તો રજીસ્ટ્રાર પાસે પૂરાવા સાથે અરજી કરવાની રહેશે. રજીસ્ટ્રારે સુધારાની સત્યતા ચકાસીને બંન્ને નામો નોંધમાં લેવાના રહેશે.

September 23, 2024
upi.jpeg
1min429

ભારતના UPI માર્કેટમાં phonepeએ પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. તાજેતરમાં જ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)એ જાહેર કરેલા આંકડાઓ અનુસાર, Phonepeએ ઓગસ્ટમાં ભારતમાં UPI માર્કેટનો અડધા કરતાં પણ વધુનો હિસ્સો કબજે કર્યો છે. PhonePe એ Walmartની માલિકીની અમેરિકન કંપની છે, જે ભારતમાં Google Pay અને Paytmને ટક્કર આપીને સ્પર્ધા કરી રહી છે. Google Pay પણ અમેરિકન માલિકીની કંપની છે, જ્યારે Paytm ભારતીય કંપની છે. જોકે, RBIએ લાદેલા પ્રતિબંધ બાદ Paytmનું UPI માર્કેટ ઘણું ઘટી ગયું છે.

NPCIએ ઓગષ્ટમાં જાહેર કરેલા આંકડાઓ જોવામાં આવે તો, ઓગસ્ટમાં ભારતના UPI માર્કેટમાં રૂ. 20,60,735.57 કરોડના વ્યવહારો થયા હતા. આ લગભગ 14.96 અબજના વ્યવહારો થયા છે. તેમાંથી 10,33,264.34 કરોડ રૂપિયાના વ્યવહારો એકલા PhonePe દ્વારા થયા છે. તેની સંખ્યા 7.23 અબજથી વધુ છે. જો થયેલા કુલ વ્યવહારોના આંક પર નજર કરીએ, તો PhonePeનો બજાર હિસ્સો 48.36 ટકા છે, જ્યારે UPI પેમેન્ટની કિંમતની દ્રષ્ટિએ બજાર ભાગીદારી 50.14 ટકા જેટલી છે.

NPCI ઓગસ્ટના આંકડા:

PhonePe – રૂ. 10,33,264.34 કરોડ
Google Pay – રૂ. 7,42,223.07 કરોડ
Paytm – રૂ. 1,13,672.16 કરોડ

ઓગસ્ટમાં કોનો કેટલો માર્કેટ શેર હતો?

PhonePe – 48.39 ટકા
Google Pay – 37.3 ટકા
paytm – 7.21 ટકા

ઓગસ્ટમાં મહિનામાં Google Payએ રૂ. 7,42,223.07 કરોડના રૂપિયાની કિંમતના 5.59 અબજ UPI પેમેન્ટ કર્યા હતા, જ્યારે Paytm એ રૂ. 1,13,672.16 કરોડના વ્યવહારો કર્યા હતા. આ સમયગાળા દરમિયાન Google Payનો બજાર હિસ્સો લગભગ 37.3 ટકા રહ્યો છે, જ્યારે Paytmનો બજાર હિસ્સો 7.21 ટકા રહ્યો છે. NPCIના જુલાઈના ડેટા અનુસાર PhonePeનો માર્કેટ શેર લગભગ 48 ટકા છે. Google Payનો બજારહિસ્સો 37 ટકા હતો અને Paytmનો બજાર હિસ્સો 7.82 ટકા હતો.