CIA ALERT
13. May 2024

ક્રાઇમ Archives - Page 4 of 32 - CIA Live

December 7, 2021
rapist.jpg
1min400

સુરતના પાંડેસરાની અઢી વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરી તેની હત્યા કરવાના કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી 8 દિવસમાં ચાર્જશીટ રજૂ કરી હતી. જેમાં 7 દિવસમાં ટ્રાયલ પૂર્ણ કરાઇ હતી. તા.6 ડિસેમ્બર 2021ને સોમવારે કોર્ટે આરોપી આ કેસમાં તકસીરવાર ઠેરવાયો હતો. જેમાં આજે તા.7મી ડિસેમ્બર 2021ને મંગળવારે કોર્ટે આરોપીને ફાંસીની સજા આપવાનો ચૂકાદો ફક્ત 33 દિવસમાં જ જાહેર કર્યો હતો. આ સાથે જ અઢી વર્ષની બાળકીને ન્યાય મળ્યો છે. બાળકીના પરિવારજનોને રૂ.20 લાખનું વળતર ચૂકવવા પણ કોર્ટે આદેશ કર્યો છે.

આરોપીને કડક સજા અપાવવા માટે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ ધારદાર દલીલો કરતાં જણાવ્યુ કે, આરોપીએ બાળકીની જ નહીં, ભારતના ભવિષ્યની હત્યા કરી છે.

આરોપી સામેનો કેસ રેરેસ્ટ ઓફ રેર છે, તેને મહત્તમ એવી ફાંસીની જ સજા આપવી જોઇએ. આ માટે સરકાર તરફે કુલ 31 એવા ચુકાદા રજૂ કરવામાં આવ્યા હતા જેમા બાળકી પર દુષ્કર્મ ગુજારી હત્યા કરનારા આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવી હોય. આજે બાળકી પર આરોપીએ ગુજારેલાં અમાનુષી અત્યાચારની કહાણી સરકારી દલીલ સ્વરૂપે સાંભળતા જ અનેક લોકો ‘ઓહ માય ગોડ’ બોલી ઉઠયા હતા.

દિવાળીની આગળી રાત્રિ એટલે કે ચોથી નવેમ્બરના રોજ માત્ર અઢી વર્ષની બાળકીનું અપહરણ કરીને પરપ્રાંતિય કામદાર ગુડ્ડુ યાદવ બાળકીનું અપહરણ કરીને વડોદ નજીક ઝાડીઝાખરાંમાં લઈ ગયો હતો અને બાળકી પર દુષ્કર્મ ગુજારી તેનું ગળુ દબાવીને હત્યા કરી નાંખી હતી. આરોપી બે દિવસ બાદ પોલીસે ઝબ્બે કર્યો હતો. એ પછી પાંડેસરા પોલીસે 7 જ દિવસમાં ચાર્જશીટ રજૂ કરી દીધી હતી અને સરકાર પક્ષે અત્યંત ઝડપમાં ટ્રાયલ પુરી કરી દેવામાં આવી હતી. કુલ 69 સાક્ષી પૈકી સરકાર પક્ષે 42 સાક્ષી જ ચકાસ્યા હતા.

December 6, 2021
hunting.jpg
1min297

લોકસભામાં સોમવારે રાજ્ય કક્ષાના પર્યાવરણ મંત્રી અશ્ર્વિની ચૌબેના જણાવ્યા મુજબ શિકારનો ભોગ બનીને મોતને ભેટતા વાઘની સંખ્યા ઘટી હતી, પરંતુ હાથીઓ વધુ પ્રમાણમાં શિકારનો ભોગ બન્યા હતા. ૨૦૧૮માં ૩૪, ૨૦૧૯માં ૧૭ જ્યારે ૨૦૨૦માં માત્ર ૭ વાઘ શિકારનો ભોગ બન્યા હતા. આથી ઊલટું હાથીની વાત કરીએ તો ૨૦૧૮-૧૯માં ૯, ૨૦૧૯-૨૦માં ૬ તો ૨૦૨૦-૨૧માં ૧૪ હાથીઓ શિકારનો ભોગ બન્યા હતા. જંગલમાં પ્રાણીઓની ગેરકાયદેસર થતી હેરફેર અને તેને કારણે થતી ધરપકડનું પ્રમાણ પણ ઓછું થયું છે. 
છેલ્લી વસતિ ગણતરી મુજબ ભારતમાં હાથીની સંખ્યા લગભગ ૨૭,૦૦૦ અને વાઘની સંખ્યા ૨૯૬૭ જેટલી છે.

    

November 28, 2021
gandhinagar.jpg
1min261

ગાંધીનગરમાં દારૂની મહેફિલ માણતા નબીરા અને યુવતીઓ મળીને કુલ 13 લોકોને ઈન્ફોસિટી પોલીસે પકડી પાડ્યા છે. ઈન્ફોસિટી પોલીસને મળેલી માહિતીના આધારે પોલીસ સરગાસણ સ્વાગત એફોર્ડ એફોર્ડ સોસાયટીના ફ્લેટ નંબર એક્સ-501માં પહોંચી હતી જ્યાં દારૂ પાર્ટી ચાલી રહી છે.

આ માહિતી મળ્યા બાદ પોલીસે ત્યાં પહોંચી ગઈ હતી અને દારૂ પાર્ટી કરી રહેલા યુવક અને યુવતીઓને પકડી પાડ્યા હતા. પોલીસને ફરિયાદ મળી હતી કે સ્વાગત એફોર્ડમાં ફ્લેટ નં-501માં છોકરા અને છોકરીઓ ભેગા મળીને જોર જોરથી સ્પીકર વગાડી રહ્યા છે. જેના કારણે પોલીસ ત્યાં પહોંચી હતી.

પોલીસે તપાસ કરતા ફ્લેટમાં દારૂની મહેફિલ ચાલી રહી હતી. પોલીસે નવ યુવતીઓ અને ચાર નબીરાને પકડી લીધા હતા. આ ઉપરાંત પોલીસે દારૂની બે બોટલ પણ કબ્જે કરી હતી. આ તમામ યુવક યુવતીઓ કર્ણાવતી ડેન્ટલ કોલેજમાં ભણતા અને તેની હોસ્ટેલમાં રહેતા હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસે જણાવ્યું હતું કે, નબીરાઓ અને યુવતીઓ સામે દારૂ પાર્ટીનો ગુનો નોંધવામાં આવ્યો છે. તેમની પાસેથી કોઈ ડ્રગ્સ મળ્યું નથી. તમામ લોકો સામે એફઆઈઆર નોંધવામાં આવી છે.

હવે 31 ડિસેમ્બર જેમ જેમ નજીક આવતી જશે તેમ તેમ ગાંધીનગર સહિત ગુજરાત પોલીસ એલર્ટ બની રહી છે. થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરે દારૂ પાર્ટીઓ ન યોજાય તે માટે પોલીસ અત્યારથી જ સતર્ક બની ગઈ છે. ગાંધીનગર પોલીસને જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા પ્રોહિબિશન અને જુગાર અંગેના કેસોને શોધી કાઢીને પરિણામલક્ષી કામગીરી કરવાની સૂચના આપવામાં આવેલી છે.

November 18, 2021
dharm_parivartan-1280x720.jpg
1min273

ભરૂચના આમોદમાં કાંકરિયા ગામે કેટલાક લોકોએ લાલચ આવી ધર્મપરિવર્તન કરાવતા હતા. મળતા અહેવાલો મુજબ આમોદના કાકરિયા ગામના 37 પરિવારના 100 લોકોને મુસ્લિમ ધર્મમાં ધર્માંતરણ કરાવાયુ હતું. આરોપીઓ ગામના ગરીબ લોકોને લોભ લાલચ આપી ધર્માંતરણ કરાવતા હોવાનું સામે આવ્યું છે .પોલીસ ધર્માંતરણ કરાવતા 9 લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી.મામલાની તપાસ કરતા પોલીસે હાલ 4 શખ્સોની ધરપકડ કરી છે.

ભરૂચ જિલ્લા પોલીસ વડા DSP રાજેન્દ્રસિંહ ચુડાસમાએ ધર્માંતરણના સંવેદનશીલ અને ગંભીર મુદ્દે જણાવ્યું છે કે, ફક્ત ધર્માંતરણ જ હતું કે વિદેશથી ફંડ મોકલી દેશ વિરોધી અન્ય પ્રવૃત્તિ થઈ રહી હતી તેની પણ તપાસ થશે. આમોદના કાંકરિયા સિવાય આસપાસના ગામોમાં પણ ધર્માંતરણ થયું છે કે નહીં તેની તપાસ પણ થશે.

આમોદ પોલીસ મથકે ગેરકાયદે રીતે હિન્દુ સમાજના ગરીબ વસાવા લોકોને ઘર, મકાન, રાશન, ધંધો-રોજગાર, શિક્ષણ, લગ્ન કરાવી આપવાની લાલચે મુસ્લિમ ધર્મ અંગિકાર કરવા અંગેની નોંધાયેલી ફરિયાદમાં DYSP એમ.પી. ભોજાણીએ તપાસ હાથ ધરી છે. આ માટે 3 અલગ અલગ ટીમો બનાવાઈ છે. ધર્માંતરણમાં સામેલ 9 પૈકીના 4 આરોપીઓ ઐયુબ બરકત પટેલ, ઇબ્રાહિમ પુના પટેલ, અબ્દુલ અઝીઝ પટેલ તેમજ યુસુફ જીવન પટેલની ધરપકડ કરી તેમની પુછપરછ કરવામાં આવી રહી છે. હજી સુધી આરોપીઓએ કોઈ ફોડ પાડ્યો નથી.

November 15, 2021
drugs.jpg
1min238

ગુજરાત રાજ્ય પણ ધીમે ધીમે ડ્રગ્સનું હબ બની રહ્યુ હોય તેમ લાગી રહ્યું છે. રાજ્યમાં ફરી એક વાર ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે. ગુજરાત ATSએ મોરબી જિલ્લાના માળિયા-મિયાણામાંથી 120 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ અંગે હર્ષ સંઘવીએ ટ્વિટ કરી જાણકારી આપી છે. 

દ્વારકામાં કરોડોનું ડ્રગ્સ ઝડપાયા બાદ એનસીબીએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ દરમિયાન ગુજરાત ATSએ મોરબી જિલ્લાના માળિયા-મિયાણામાંથી 120 કિલો ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. પાકિસ્તાનથી ડ્રગ્સનો જથ્થો સપ્લાય થતો હોવાના ઘટસ્ફોટ બાદ હવે પોલીસ પણ એક્શનમાં આવી ગઇ છે. 

આ પહેલાં 21 હજાર કરોડનું ડ્રગ્સ કચ્છના મુંદ્રા બંદરે ઝડપાયું હતું. ત્યાર બાદ દ્વારકામાં 17 કિલો ડ્રગ્સનો જથ્થો મળી આવતાં ચકચાર મચી ગઈ છે. દ્વારકામાં  35દ કરડોનું ડ્રગ્સ ઝડપાયું હતું. અને હવે મોરબીમાં 120 કિલો ડ્રગ્સ મળી આવતાં ચકચાર મચી છે. આ મામલે વધુ તપાસ થઈ રહી છે.   

November 2, 2021
anil-desh.jpeg
1min255

મુંબઇની અદાલતે મંગળવારે Dt.2/11/21 મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખને છઠ્ઠી નવેમ્બર સુધી ઍન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ની કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો. 

રાજ્યના પોલીસ વિભાગ મારફત કથિત રીતે ખંડણી ઉઘરાવવા સાથે સંકળાયેલ નાણાં કૌભાંડના કેસને મામલે ૧૨ કલાકથી વધુ પૂછતાછ કર્યા બાદ ઇડીએ સોમવારે મોડી રાતે દેશમુખની ધરપકડ કરી હતી. 

ઇડીએ મંગળવારે Dt.2/11/21 સવારે દેશમુખને અતિરિક્ત સેશન્સ જજ પી. બી. જાધવની ખંડપીઠ સમક્ષ રજૂ કર્યા હતા. સ્પેશિયલ હોલિડે કોર્ટની અધ્યક્ષતા જાધવે કરી હતી. 
કોર્ટમાં રજૂ કરવા અગાઉ ઇડી દેશમુખને સરકારી જે.જે. હૉસ્પિટલમાં રૂટિન ચેકઅપ માટે લઇ ગઇ હતી. 

ભ્રષ્ટાચાર અને સત્તાના દુરૂપયોગના આરોપસર સીબીઆઇએ એનસીપીના ભૂતપૂર્વ પ્રધાન દેશમુખ સામે ૨૧મી એપ્રિલે એફઆઇઆર દાખલ કર્યા બાદ ઇડીએ પોતાની તપાસ શરૂ કરી હતી. 

દેશમુખે રાજ્યના ગૃહ પ્રધાનપદના હોદ્દાનો દુરુપયોગ કર્યો હોવાનો અને બરતરફ કરાયેલા પોલીસ અધિકારી સચીન વાઝે મારફત મુંબઇના વિવિધ બાર્સ અને રૅસ્ટોરન્ટ પાસેથી રૂ. ૪.૭૦ કરોડની ખંડણી ઉઘરાવી હોવાનો આરોપ ઇડીએ દેશમુખ સામે ઘડયો છે. 

આ મામલે ઇડીએ અન્ય બે વ્યક્તિ સંજીવ પાલાન્ડે (અતિરિક્ત કલેક્ટરની કક્ષાનો અધિકારી, જે દેશમુખના ખાનગી સચિવ તરીકે કામ કરતો હતો) અને કુંદન શિંદે (દેશમુખનો પર્સનલ આસિસ્ટન્ટ)ની પણ ધરપકડ કરી હતી.

October 31, 2021
kutchh.jpg
1min279

ગુજરાતના કચ્છ જિલ્લાના ગાંધીધામ શહેર નજીક એક ગામમાં એક મંદિરમાં પ્રવેશવાની બાબતે દલિત પરિવારના છ લોકોને 20 જેટલા લોકોએ ઢોર માર માર્યો હોવાની ધૃણાસ્પદ ઘટના સામે આવી છે. પોલીસે શુક્રવારે આ ઘટના અંગે માહિતી આપી હતી. પોલીસ નાયબ અધિક્ષક કિશોરસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે કથિત બનાવ મંગળવાર (26/10/21)ના ભચાઉ સ્ટેશનની હદના નેરગામમાં બન્યો હતો, પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ ચાલુ છે.

પોલીસ નયાબ અધિક્ષકના જણાવ્યા મુજબ આ બાબતે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. ગોવિંદ વાઘેલા અને તેના પિતા જગભાઈ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. બન્નેએ દાવો કર્યો છે કે લગભગ 20 જેટલા લોકોએ તેમના પર હુમલો કર્યો હતો. આરોપીઓને પકડવા માટે આઠ જુદી જુદી ટીમની રચના કરવામાં આવી હોવાનું પોલીસના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું.

કાના આહીર, રાજેશ મહારાજ, કેસરા રબાઈ, પાબા રબારી અને કાના કોળી સહિત 20 જેટલા શખ્સોના ટોળા વિરુદ્ધ હત્યાના પ્રયાસ, લૂંટ, મારપીટ અને એસસી/એસટી કાયદા સંલગ્ન કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. 

એફઆઈઆર મુજબ ફરિયાદી ગોવિંદ વાઘેલા અને તેનો પરિવાર 20 ઓક્ટોબરના નેરગામના રામ મંદિરમાં પૂજા કરવા ગયો હતો જેનાથી આરોપીઓએ તેમને અપમાનજનક શબ્દો કહી મારપીટ કરી હતી. મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા હોવાથી તેઓ દર્શન કરવા ગયા હતા. 26 ઓક્ટોબરના ગોવિંદ તેની દુકાને હતો ત્યારે કેટલાક લોકોએ તેના ખેતરમાં ઢોર છોડી દીધા હતા અને ઉભા પાકને નષ્ટ કર્યો હતો. 

જ્યારે ફરિયાદી અને તેના કાકા ગણેશ વાઘેલા ખેતરમાં પહોંચ્યા ત્યારે આરોપીઓએ તેમના પર પાઈપ, લાકડીઓ તેમજ ધારદાર હથિયારો વડે હુમલો કર્યો હતો. આરોપીઓએ એક મોબાઈલ ફોન પણ ચોરી લીધો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ ઉપરાંત ફરિયાદીની રિક્ષાને પણ નુકસાન પહોંચાડ્યું હતું. 

આરોપીઓએ ફરિયાદીની માતા, મોટાબહેન, પિતા જગભાઈ અને અન્ય બે સંબંધીઓ ઉપર પણ હુમલો કર્યો હતો. હુમલામાં છ લોકો ઘાયલ થતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 

October 13, 2021
sudico.jpg
1min315

સુરત ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક લિમિટેડ, મોતા શાખા બારડોલી ખાતે લૂંટની આ ચોંકાવનારી ઘટના બની છે. બારડોલીના મોતા ગામ ખાતે ધોળા દિવસે લૂંટને અંજામ આપીને ત્રણ લૂંટારુ ફરાર થઈ ગયા છે. ત્રણમાંથી બે લૂંટારુ પાસે તમંચા હોવાનું જાણવા મળ્યું છે. આ આખો બનાવ સીસીટીવીમાં કેદ થઈ ગયો છે. આ ત્રણેય લૂંટારુઓ બપોરના સમયે બેંકમાં કોઈની અવર-જવર ના હોય તેવા સમયે પહોંચ્યા હતા અને બેંકના સ્ટાફને બાનમાં લઈને લૂંટ ચલાવી હતી.

મળતી માહિતી મુજબ, સુરતના બારડોલી તાલુકના મોતા ગામે આવેલી સુરત ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકમાં ધોળે દહાડે લૂંટની ઘટના બની છે. બેંકમાં ઘૂસી આવેલા 3 જેટલા લૂંટારૂઓએ તમંચા વડે 6 જેટલા કર્મચારીઓને બંધક બનાવીને 10.40 લાખની લૂંટ ચલાવી હતી. આ બેંકમાં લાગવાયેલા સીસીટીવી કેમેરામાં લૂટની સમગ્ર ઘટના કેદ થઈ ગઈ છે.

લૂંટની ઘટના બાદ સ્થાનિક પોલીસ અને એલ.સી.બી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને બેંક કર્મચારીઓના નિવેદન લીધા હતા. લૂંટારુઓ 15 મિનિટમાં લૂંટને અંજામ આપીને ફરાર થઈ ગયા હતા.

મળતી માહિતી મુજબ, બેંકમાં 10.40 લાખ રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી છે. લૂંટ ચલાવ્યા બાદ ત્રણેય લોકો બાઇક પર ફરાર થઈ ગયા હતા. પોલીસે આ મામલે ગુનો નોંધીને લૂંટારુઓને ઝડપી પાડવા માટે કાર્યવાહી શરૂ કરી છે.

સુરત ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકમાં ઘૂસી આવેલા લૂંટારૂઓએ તમંચો દેખાડીને કર્મચારીઓને બંધક બનાવ્યા હતા. આ સાથે બેંકના મેનેજરને પણ બાનમાં લીધા હતા. લૂંટારૂઓએ રૂપિયા કઢાવવા માટે મેનેજરને એક-બે તમાચા માર્યા હતા. ત્યારબાદ 10.40 લાખની લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા. બેંકમાં લૂંટ બાદ ત્રણેય લૂંટારૂ એક જ બાઈક પર ભાગી ગયા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મેનેજર સહિત સ્ટાફના નિવેદન લીધા હતા.

October 10, 2021
ashish-mishra.jpeg
1min272

 યુપી પોલીસે લખીમપુર કેસમાં કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાની મોડીરાત્રે ધરપકડ કરી હતી. આ કેસમાં તપાસ કરી રહેલી એસઆઇટી સમક્ષ સવારે ૧૦:૩૦ કલાકે હાજર થયો હતો. આશરે ૧૨ કલાકની પૂછપરછ બાદ પોલીસે તેની ધરપકડ કરી છે અને હવે તેને આવતીકાલે કોર્ટમાં હાજર કરાશે. તેનો મેડિકલ ચેકઅપ કરીને આગામી કાર્યવાહી હાથ ધરાશે. ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ ઉપેન્દ્ર અગ્રવાલની આગેવાની હેઠળ એસઆઇટીની ટીમે પોલીસ લાઇન્સ ખાતે ક્રાઇમ બ્રાંચમાં મોડી સાંજ સુધી પૂછપરછ કરી હતી. જોકે આ કેસ હાઇપ્રોફાઇલ હોવાથી વધારાના સલામતી જવાનોને પૂછપરછના સ્થળે તૈનાત કરાયા હતા. સુપ્રીમ કોર્ટે આ ઘટના મામલે મંત્રી પુત્રને છાવરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપને ધ્યાનમાં લઇને યુપી સરકારની ઝાટકણી કાઢતાં પોલીસે કડક વલણ દર્શાવ્યું હતું.

Lakhimpur Kheri Case: Ashish Mishra Arrested, Evasive Answers, Say Cops

યુપીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને ટક્કર મારનાર એક કારમાં આશિષ મિશ્રા પણ હતો તેવો એફઆઇઆરમાં ઉલ્લેખ કરાયો છે. પોલીસ છેલ્લાં ચાર દિવસથી તેને શોધી રહી છે. જોકે આશિષ મિશ્રા અને તેમના પિતા આક્ષેપોને નકારી રહ્યા છે. તેમણે તો નિર્દોષ હોવાનો દાવો પણ કર્યો હતો. 

આશિષ મિશ્રા પોલીસના બીજા સમન્સ બાદ હાજર થયો હતો. બીજી બાજુ વિરોધ પક્ષો અને ખેડૂત નેતાઓ સત્તારૂઢ ભાજપ પર દબાણ વધારી રહ્યા છે. તેમણે કેબિનેટમાંથી અજય મિશ્રાની હકાલપટ્ટી અને તેમની તેમજ તેમના પુત્રની ધરપકડની માગણી કરી હતી. 

ખેડૂતોને જે કારોએ ઉડાડીને મોતને ઘાટ ઉતાર્યો હતો તેમાંથી એક કારમાં આશિષ મિશ્રા હતો તેવો ઉલ્લેખ એફઆઇઆરમાં કરાયો છે. બીજી બાજુ કેન્દ્રના ત્રણ ખેત કાયદાનો વિરોધમાં ચાલી રહેલા આંદોલનની આગેવાની કરી રહેલા સંયુક્ત કિસાન મોરચાએ આક્ષેપ કર્યો છે કે એક અગાઉથી સુયોજિત કાવતરા હેઠળ હિંસા કરાઇ હતી. ખેડૂત સંગઠનોએ કહ્યું હતું કે જો સરકાર તેમની માગણી ૧૧ ઓક્ટોબર સુધી નહિ સ્વીકારે તો તેઓ મૃત ખેડૂતોની અસ્થિઓ સાથે લખીમપુર ખીરીથી એક ‘શહીદ કિસાન યાત્રા’ કાઢશે. મોરચો આ હિંસાના વિરોધમાં દશેરાના દિવસે ૧૫ ઓક્ટોબરે વડાપ્રધાન અને ગૃહમંત્રીના પૂતળા બાળશે.

યુપી સરકાર જે રીતે આ કેસની તપાસ ચાલી રહી છે તે મામલે તેના પર પ્રહારો કરતાં પૂર્વ મંત્રી અખિલેશ યાદવે આક્ષેપ કર્યો હતો કે તેઓ આરોપીઓ સામે આરોપો મુકવા ઉપરાંત તેમને બુકે આપી રહ્યા છે. જે રીતે ખેડૂતોને કચડી દેવામાં આવ્યા છે તે જોતાં હવે એવું લાગે છે કે કાયદાને કચડી દેવા માટે તૈયારીઓ ચાલી રહી છે. તેમના પુત્રની પૂછપરછ કરાઇ રહી હતી ત્યારે કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા તેમની લોકલ પાર્ટીની ઓફિસમાં વકીલોથી ઘેરાયેલા હતા. ત્યાં ભાજપના સૈંકડો કાર્યકરો પર પહોંચી ગયા હતા અને તેમના સમર્થનમાં સુત્રોચ્ચારો કર્યા હતા. એ પછી મંત્રી બહાર આવ્યા હતા અને પાર્ટીને કહ્યું હતું કે આશિષ નિર્દોષ છે અને ત્રીજી ઓક્ટોબરની ઘટનામાં તેની કોઇ ભૂમિકા નથી.

October 9, 2021
bar.jpg
1min222

સુરતમાં ફરી એકવાર જાણે પોલીસનો જરાય ડર ના હોય તે રીતે નિયમોનો ભંગ કરીને કાયદાની મજાક ઉડાવાતી હોય તેવી ઘટના સામે આવી છે. સુરતમાં બર્થડે પાર્ટીમાં ડાન્સરને બોલાવીને રાત્રી કર્ફ્યૂના નિયમનો અને કોરોનાની ગાઈડલાઈન્સનો ભંગ થયો હોવાની ઘટના બની છે. ડાન્સર ગર્લ સાથે બાળકોથી લઈને યુવાન વયના લોકો ડાન્સ કરતા હોવાનો વિડીયો સામે આવ્યા બાદ આખરે કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે આ કેસમાં 7 લોકોની અટકાયત કરીને કાર્યવાહી શરુ છે. આ વીડિયો કેટલો જૂનો છે તે સ્પષ્ટ નથી થયું પરંતુ તે વાયરલ થતા પોલીસે કાર્યવાહી કરીને સાતને પકડી લીધા છે.

રિપોર્ટ્સ મુજબ આ ડાન્સ પાર્ટીમાં સુગરી અને મીંડી ગેમના સભ્યો પણ નાચતા દેખાય હતા. બર્થડે પાર્ટી નિમિત્તે સ્ટેજ બાંધીને ડાન્સ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના ભાગાતળાવ વિસ્તારમાં આ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હોવાની વિગતો સામે આવી રહી છે.

વિડીયોમાં મોટી સંખ્યામાં લોકો દેખાય છે, જેમાં કેટલાક લોકો સ્ટેજ પર ડાન્સ દરમિયાન રુપિયા ઉડાવવાની સાથે ઠૂમકા લગાવતા પણ જોવા મળે છે. આ વીડિયો વાયરલ થતા પોલીસ દ્વારા રાત્રી કર્ફ્યૂ દરમિયાન કરવામાં આવતા પેટ્રોલિંગની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.

ભાગાળાવમાં બનેલી ડાન્સ પાર્ટીની નજીકમાં જ અઠવા લાઈન્સ પોલીસ સ્ટેશન આવેલું છે આમ છતાં પોલીસથી કઈ રીતે ચૂક થઈ ગઈ તેની સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. જોકે, વીડિયો વાયરલ થયા બાદ પોલીસે 7 લોકોને પકડીને કાર્યવાહી શરુ કરી છે. પોલીસ બાર ડાન્સર્સને ક્યાંથી બોલવામાં આવી હતી અને પાર્ટી પહેલા મંજૂરી લીધી હતી કે નહીં તે તમામ મુદ્દે સવાલો અને પૂછપરછ બાદ કાર્યવાહી કરવામાં આવશે.