CIA ALERT

ક્રાઇમ Archives - Page 37 of 38 - CIA Live

August 7, 2018
m2.jpg
1min13850

ગુજરાતમાં ટેકાનાં ભાવથી ખરીદાયેલી લાખો ટન મગફળીમાં પહેલા આગ અને પછી માટીનું મિશ્રણ પ્રકાશમાં આવ્યા બાદ મગફળીના મેગા કૌભાંડથી રાજકારણ ગરમાયું છે. સમગ્ર રાજ્યમાં મગફળી ખરીદીમાં આરોપો મુકવામાં આવ્યા છે. જેના પર ભાજપના નેતાઓ તરફ આંગળી ચીંધવામાં આવી રહી છે. જેને લઈ ગાંધીનગરમાં મુખ્ય પ્રધાનના નિવાસ સ્થાને ખાતે બેઠકનો દોર શરૂ થયો હતો. દરમિયાન આ બેઠકમાં મુખ્ય સચિવ, કૃષિ વિભાગના અધિક સચિવ હાજર રહ્યા હતા. આ ઉપરાંત બેઠકમાં રાજ્યમાં વરસાદ ખેંચાતા ઊભી થયેલી પરિસ્થિતિ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.

Peanut

રાજ્યમાં મગફળી કૌભાંડ ઠરવાનું નામ ના લેતું હોય તેમ એક પછી એક પ્રકરણ સામે આવી રહ્યા છે. આ પ્રકરણમાં રાજકીય નેતાઓની સંડોવણી પણ બહાર આવી રહી છે. જોકે, સમગ્ર પ્રકરણમાં હજુ સુધી ઉપરછલ્લી જ તપાસ કરવામાં આવી રહી હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. આ કૌભાંડમાં ભાજપના પૂર્વ પ્રધાન ચિમન સાપરિયાનું નામ પણ સામે આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે મોટા ભાગે ભાજપના કાર્યકરો, આગેવાનો, અને નેતાઓ સંડોવાયેલા હોવાથી આજ દિવસ સુધી આ કૌભાંડની વધારે વિગતો બહાર નથી આવી. જામજોધપુર યાર્ડમાંથી જે મગફળીની ખરીદી દરમિયાન ધૂળ- ઢેફા પથ્થરા, મળી આવ્યા હતા. આ અંગે ભાજપના પૂર્વ પ્રધાન ચિમન સાપરિયા સંકળાયેલા હોવાની ફરિયાદ કલેક્ટરને કરવામાં આવી હતી. દરમિયાન માહિતી અનુસાર જામજોધપુર માર્કેટિંંગ યાર્ડમાં સ્થાનિક ધારાસભ્યની ઉપસ્થિતિમાં નાયબ મામલતદાર, યાર્ડના સેક્રેટરી અને તાલુકા પંચાયતના અધિકારીઓની હાજરીમાં મગફળીનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. જે દરમિયાન ભાંડો ફૂટ્યો હતો અને હલકી ગુણવતા વાળો માલ મળી આવ્યો હતો. જેની તપાસમાં 25 કિલોની મગફળીની સરખામણીમાં 26 કિલો ગ્રામના માલમાં ધૂળ અને કાંકરા મળી આવ્યા હતા. ચિમન સાપરિયાએ લાખો રૂપિયાની મગફળી વેચી હતી જેમાં ભેળસેળની વ્યાપક ફરિયાદ થઈ હોવાથી સ્થાનિક ધારાસભ્યએ લેખિતમાં ફરિયાદ કરતા ફરીથી તપાસ કરવામાં આવી છે.

August 5, 2018
fraud.jpg
1min13270

રાજ્યની સી.આઇ.ડી.ક્રાઇમની આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા ગેરકાયદેસર બનાવટી લે-ભાગુ કંપનીઓ વિરુદ્ધ વર્ષ – 2016થી મે- 2018 સુધી 28 ગુનાઓ નોંધીને તપાસ હાથ ધરાઇ છે. રાજ્યના વિવિધ શહેરો અને જિલ્લાઓમાં 4,62,687 રોકાણકારોના અંદાજે રૂ.713 કરોડના નાણાં છેતરપિંડી કરીને લે-ભાગુ કંપનીઓએ ઉઘરાવી લીધા છે અને પરત કર્યા નથી. આવી કંપનીઓ, પેઢીઓ અને વ્યક્તિઓની તપાસ કરીને 114 જેટલી મિલકતો ટાંચમાં લેવા 11 દરખાસ્ત કરાઇ છે. જે સંબંધે રાજ્ય સરકારે મિલકતો ટાંચમાં લેવાના હુકમો કરી ડેઝીગેટેડ કોર્ટમાં એફિડેવિટ પણ કરી છે ત્યારે હવે આવી કંપનીઓની મિલકતો ટાંચમાં લઇને તેની હરાજી કરીને લોકોના નાણાં પાછા આપવામાં આવશે.

ગુજરાતના ગ્રૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજ્યના વિવિધ શહેરો – જિલ્લાઓમાં કેટલીક લે – ભાગુ કંપનીઓ દ્વારા લોભામણી જાહેરાતો આપી રોકાણકારોના નાણાં પચાવી પાડવામાં આવે છે. આવા રોકાણકારોના નાણાં સત્વરે પાછા મળે તે માટે આવી કંપનીઓની મિલકતો ટાંચમાં લઇ આ મિલકતોની હરાજી કરી રોકાણકારોને નાણાં પાછા અપાવવાનો રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય કર્યો છે. આ માટે સી.આઇ.ડી. ક્રાઇમની નોડલ એજન્સી તરીકે પણ નિમણૂક કરી દીધી છે. આ લે-ભાગું કંપનીઓ રિઝર્વ બેંકની મંજૂરી લીધા વગર ટૂંકા ગાળામાં નાણાં ડબલ કરી આપવાના પ્રલોભનો આપીને નાગરિકોની માતબર રકમ પચાવી પાડી છેતરપિંડી કરતી હોય છે. આ માટે રાજ્યના સંવેદનશીલ મુખ્ય મંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ સંવેદના દાખવીને આ પ્રજાલક્ષી નિર્ણય કર્યો છે. જેના કારણે રોકાણકારોના નાણાં સત્વરે પરત મળશે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, રાજ્યમાં જી.પી.આઇ.ડી. એક્ટ અન્વયે નાયબ કલેક્ટરના હોદ્દાથી નીચે ન હોય તેવા અધિકારીઓની સક્ષમ સત્તાધિકારી તરીકે નિમણૂક કરાઇ છે. કાયદામાં ડેઝીગેટેડ કોર્ટની નિમણૂક કરવાની જોગવાઇ છે. જે મુજબ સમગ્ર રાજય માટે અમદાવાદ, વડોદરા, સુરત તથા રાજકોટ ખાતે ડેઝીગેટેડ કોર્ટોની રચના પણ કરી દેવાઇ છે. સી.આઇ.ડી. ક્રાઇમની નોડલ એજન્સી તરીકે નિમણૂક કરી તપાસનું અસરકારક સુપરવિઝન થઇ શકશે અને એકંદરે રોકાણકારોને ફાયદો થશે.

August 4, 2018
Vijay_Gutte.jpg
1min5320

રૂ. 34 કરોડની જીએસટી (ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેકસ)ની કથિત છેતરપિંડી આચરવા પ્રકરણે ફિલ્મ ડિરેક્ટર વિજય ગુટ્ટેની ધરપકડ કરવામાં આવી હતી, એમ જીએસટી ડિપાર્ટમેન્ટના અધિકારીએ જણાવ્યું હતું.

આગામી ફિલ્મ ‘ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’ના ડિરેક્ટર ગુટ્ટેની ગુરુવારે ડિરેક્ટોરેટ જનરલ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ ઇન્ટેલિજન્સ (ડીજીજીએસટીઆઇ) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ગુટ્ટેને મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર કરવામાં આવતાં તેને 14 ઓગસ્ટ સુધીની અદાલતી કસ્ટડી ફટકારાઇ હતી.

ગુટ્ટે સામે ગુડ્સ એન્ડ સર્વિસીસના કોઇ પણ પુરવઠા વિના બિલ અને ઇન્વોઇસીસનો ઉપયોગ કરીને ઇનપુટ ટેક્સનો ખોટી રીતે લાભ લેવા સંબંધી કલમો હેઠળ ગુનો દાખલ કરાયો હતો. ગુટ્ટેની કંપની વીઆરજી ડિજિટલ કોર્પ પ્રા. લિ.એ અન્ય કંપની હોરાયઝન આઉટસોર્સ સોલ્યુશન્સ પ્રા.લિ. પાસેથી પ્રાપ્ત એનિમેશન અને મેનપાવર સર્વિસીસ માટે રૂ. 34.37 કરોડની જીએસટીને સાંકળતા 149 બનાવટી ઇન્વોઇસીસ પ્રાપ્ત કર્યાં હતાં. મે, 2018માં ડીજીજીએસટીઆઈએ જીએસટી છેતરપિંડી સંદર્ભે હોરાયઝન આઉટસોર્સ સોલ્યુશન્સના ડિરેક્ટરની ધરપકડ કરી હતી. આ કેસની તપાસમાં જાણવા મળ્યું હતું કે ગુટ્ટેની કંપની હોરાયઝન આઉટસોર્સના ટોચના ક્લાયન્ટ્સમાંથી એક હતી અને તેણે સેવાઓના વાસ્તવિક પુરવઠા વિના રૂ. 34.37 કરોડના જીએસટી ઇમ્પ્લિકેશન સાથે આશરે રૂ. 266 કરોડની સેવાઓ પ્રાપ્ત કરી હોવાનું બતાવ્યું હતું, એમ અધિકારીએ કહ્યું હતું.

નિયમ અનુસાર કરચોરી કરવામાં આવી હોય કે ઇનપુટ ટેક્સ ક્રેડિટ ખોટી રીતે મેળવાયું હોય કે ઉપયોગ કરાયું હોય અથવા રિફંડ ખોટી રીતે મેળવાયું હોય તેમાં રૂ. પાંચ કરોડથી વધુ રકમ સંકળાયેલી હોય તો આરોપીને દંડ થઇ શકે અને પાંચ વર્ષ સુધીની સજા થઇ શકે.

એજન્સીનો દાવો છે કે ગુટ્ટેની કંપનીએ જુલાઇ, 2017થી આ બનાવટી ઇન્વોઇસીસ માટે પ્રાપ્ત સેન્ટ્રલ વેલ્યુ એડેડ ટેક્સ (સીઇએનવીએટી) ક્રેડિટ સામે સરકાર પાસેથી રૂ. 28 કરોડના રોકડ રિફંડનો ખોટી રીતે દાવો કર્યો હતો. ગુટ્ટેએ ખોટી રીતે બિન-અસ્તિત્વની ઇનપુટ ટેક્ટ ક્રેડિટ મેળવી હતી અને બનાવટી ઇન્વોઇસીસને આધારે જીએસટી વિભાગ પાસેથી આઇટીસીના રિફંડનો છેતરપિંડીથી દાવો પણ કર્યો હતો. આવું કરીને ગુટ્ટે અને તેની કંપનીએ કથિત છેતરપિંડી કરી હતી અને સરકારી તિજોરીને નુકસાન કર્યું હતું.

ગુટ્ટેએ ત્રણ ફિલ્મ ‘ઇમોશનલ અત્યાચાર’, ‘ટાઇમ બારા વૈત’ અને ‘બદમાશિયાં’ જેવી ફિલ્મો પ્રોડ્યુસ કરી છે. તેણે ડિરેક્ટર તરીકે પહેલી ફિલ્મ ‘ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’ બનાવી છે, જે 21 ડિસેમ્બરે રિલીઝ થવાની છે. આ ફિલ્મ વડા પ્રધાન મનમોહન સિંહ વિશે એ જ નામના પુસ્તક પર આધારિત છે, જેમાં મુખ્ય ભૂમિકા અનુપમ ખેરની છે.

August 4, 2018
12.jpg
1min6050

વ્યભિચારને લગતી IPCની કલમ ૪૯૭ને પડકારતી પિટિશનની સુનાવણી કરતાં ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ ગઈ કાલે કહ્યું હતું કે ‘વ્યભિચારના ગુના માટે બન્ને પક્ષ જવાબદાર છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે વિવાહિત મહિલા જો કોઈ વિવાહિત પુરુષ સાથે સંબંધ રાખે છે તો માત્ર પુરુષને દોષી કેમ ગણાવી શકાય, જ્યારે મહિલા પણ એ ગુનામાં બરાબર ભાગીદાર છે.’

કોર્ટે આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘જો કોઈ અવિવાહિત પુરુષ કોઈ વિવાહિત મહિલા સાથે સંબંધ રાખે છે તો એ વ્યભિચાર કહેવાતો નથી. લગ્નની પવિત્રતા જાળવવી એ પતિ અને પત્ની બન્નેની જવાબદારી હોય છે. જો કોઈ વિવાહિત મહિલા અન્ય વિવાહિત પુરુષ સાથે સંબંધ બનાવે છે તો માત્ર પુરુષ જ જવાબદાર કેમ ગણાય, જ્યારે મહિલા પણ આ અપરાધ માટે એટલી જ જવાબદાર છે.’

IPCની કલમ ૪૯૭ હેઠળ માત્ર પુરુષને જ દોષી માનવો એ એક એવી અનોખી જોગવાઈ છે જેમાં ગુનો આચરનારા બેમાંથી માત્ર એક જ પક્ષને જવાબદાર માનવામાં આવે છે એમ જણાવતાં કોર્ટે કહ્યું હતું કે ‘આશ્ચર્યની વાત છે કે જો પતિની સહમતીથી કોઈ પત્ની વિવાહિત પુરુષ સંબંધ બનાવે છે તો એ અપરાધ નથી. આનો શો મતલબ છે? શું સ્ત્રી પુરુષની ખાનગી મિલકત છે જે પુરુષની મરજી પ્રમાણે ચાલે?’

આ અગાઉ ચીફ જસ્ટિસ દીપક મિશ્રાના વડપણ હેઠળની પાંચ જજની બંધારણીય બેન્ચે કહ્યું હતું કે ‘એ મહિલાઓ માટે પણ આને અપરાધ ગણાવાય એ માટે કાયદામાં ફેરફાર નહીં કરે. અમે એ બાબતની તપાસ કરીશું કે પૅરૅગ્રાફ ૧૪ (કાયદા સમક્ષ તમામ સમાન)ના આધાર પર બનેલી IPCની કલમ ૪૯૭ને અપરાધની શ્રેણીમાં કાયમ રાખવી કે નહીં?’

IPCની કલમ ૪૯૭ મુજબ ‘જો કોઈ મહિલા સાથે, જે અન્ય કોઈ પુરુષની પત્ની છે અને જે અન્ય કોઈની પત્ની હોવાનું વિશ્વાસપૂર્વક જાણતો હોય તે તેના પતિની સહમતી સાથે કે સહમતી સિવાય શારીરિક સંબંધ બનાવે છે અને એ બળાત્કારની વ્યાખ્યામાં નથી આવતો તો તે પુરુષ વ્યભિચારના અપરાધનો દોષી ગણાશે. આ પુરુષને કોઈ ચોક્કસ સમય માટે જેલની સજા, જે પાંચ વર્ષ સુધીની હોઈ શકે છે, કે પછી આર્થિક દંડ કે બન્ને સજા આપી શકાય છે. આવા કેસમાં પત્ની સજાપાત્ર નહીં હોય.’

July 28, 2018
Devendra-Fadnavis-PTI1_2_2017.jpg
1min4890

નવી મુંબઇ જમીન સોદાના કેસમાં જ્યુડિશીયલ તપાસનો આદેશ આપ્યા બાદ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ જમીન સંબંધી દરેક ટ્રાન્ઝેક્શન્સ પર સ્ટે મૂકી દીધો હતો. આ અંગે વિધાનસભામાં જાહેરાત કરતા ફડણવીસે જણાવ્યું હતું કે જ્યાં સુધી જ્યુડિશિયલ તપાસ પૂરી નહીં થાય ત્યાં સુધી આ જમીન ની લે-વેચ કરી નહીં શકાય અને તેને ભાડા પર આપી નહીં શકાય. તેમણે મહેસૂલ વિભાગને આ જમીન પર કોઇ થર્ડ પાર્ટી દાવો ના કરે એનું ધ્યાન રાખવા જણાવ્યું હતું. કોયના પીએપી જમીન વિવાદની જ્યુડિશિયલ તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. મુંબઇ કૉંગ્રેસ પ્રમુખ સંજય નિરૂપમે દાવો કર્યો હતો કે કોયના બંધના આઠ પ્રોજેક્ટના અસરગ્રસ્તો માટે નવી મુંબઇમાં રાખવામાં આવેલી 1,767 કરોડ રૂપિયાની જમીન ખાનગી બિલ્ડરને 3.60 કરોડ રૂપિયાના મામૂલી ભાવે આપી દેવામાં આવી છે.

 

July 25, 2018
gold.jpg
1min4570

હૈદરાબાદ ઍરપોર્ટ પર પકડાઈ: રેવન્યુ ઇન્ટેલિજન્સના ઑફિસરો આ નવી રીતથી આશ્ચર્યચકિત

 

સોનાના સ્મગલિંગમાં તગડી કમાણી થતી હોવાથી કસ્ટમ્સ-ઑફિસરોની નજર ચૂકવીને ભારતમાં સોનું ઘુસાડવાની અનેક નવી-નવી તરકીબો શોધવામાં આવી રહી છે, પણ શનિવારે રાતે હૈદરાબાદ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર રેવન્યુ ઇન્ટેલિજન્સના ઑફિસરો પણ આર્યમાં મુકાઈ જાય એવી રીત સામે આવી હતી. કોલંબોથી આવેલા એક પૅસેન્જરે સોનાને પેસ્ટ ફૉર્મમાં ઢાળીને હૅન્ડબૅગમાં ભરી દીધું હતું. સોશ્યલ મીડિયા પર સોનાના પેસ્ટ ફૉર્મની તસવીરો ફરી રહી હોવાથી લોકોમાં કુતૂહલ સર્જા‍યું છે.

અધિકારીઓને આ પૅસેન્જરની હૅન્ડબૅગમાંથી ૧૮૫૦ ગ્રામ પેસ્ટ મળી હતી. જોકે આ વિશે તેને કરવામાં આવેલા સવાલનો જવાબ તે નહોતો આપી શક્યો એથી આ પેસ્ટને પિગાળવામાં આવી ત્યારે એમાંથી ૧૧૨૦.૭૮૦ ગ્રામ સોનું મળી આવ્યું હતું. કેટલાંક કેમિકલ વાપરીને સોનાને પેસ્ટનું ફૉર્મ આપવામાં આવ્યું હતું. આ સોનાની કિંમત ૩૪,૫૭,૬૦૬ રૂપિયા હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.

ગોલ્ડ પેસ્ટની આ તસવીર અધિકારીઓએ જાહેર કર્યા બાદ સોશ્યલ મીડિયામાં એ વાઇરલ થઈ હતી.

July 25, 2018
1min4980

રૂપિયા નવ હજાર કરોડની બૅંક સાથે છેતરપિંડી કરનાર ભાગેડુ વિજય માલ્યાએ ભારત પાછા ફરવાની ઇચ્છા પ્રશાસન સમક્ષ વ્યકત કરી હોવાની માહિતી સત્તાવાર સૂત્રોએ આપી છે.


ભારત સરકારની એને ત્યાંથી દેશનિકાલ કરવાના પગલાનો વિરોધ માલ્યા લંડનની કોર્ટમાં કરી રહ્યો છે, પણ કહેવાય છે કે એણે પ્રશાસનને એવો સંદેશ મોકલ્યો છે કે એ ભારતમાં કાનૂની પ્રક્રિયામાં સામેલ થવા ઇચ્છે છે અને તાજેતરમાં ફ્યુજિટિવ ઇકોનોમિક ઓફેન્ડર ઓર્ડિનન્સ હેઠળ લેવાયેલા પગલાં સામે કોર્ટમાં કેસ લડવા માગે છે. તાજેતરમાં સરકારે ખરડામાં કરેલા ફેરફાર અનુસાર
સરકાર માલ્યાની ભારત અને વિદેશની બધી સંપત્તિ પર ટાંચ મારી શકે એમ છે.
જોકે, આ મામલે ખરી વાત વિશે હજુ કશી સ્પષ્ટતા થઇ ન હોવાની વાત ગુપ્તચર વિભાગના સૂત્રોએ જણાવી હતી.
ગયા મહિને મુંબઈની મની લોન્ડરિંગ કોર્ટે એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની અરજી પ્રમાણે રૂપિયા નવ હજાર કરોડની બૅંક સાથે છેતરપિંડી કરવાના કેસમાં માલ્યાને 27મી ઑગસ્ટે કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો હતો.
ઇડીએ આ સાથે માલ્યાની અંદાજે રૂ. 12,500 કરોડની સંપત્તિ પર ટાંચ મારવાની પરવાનગી પણ કોર્ટ પાસે માગી છે.
જો માલ્યા કોર્ટ સમક્ષ હાજર નહીં થાય અથવા સમન્સનો જવાબ નહીં આપે તો એને આર્થિક ભાગેડુ ગુનેગાર જાહેર કરી દેવાય એવી શક્યતા ઊભી થઇ છે.
ઇડી અને સીબીઆઇએ અલગથી માલ્યા સામે આ મામલે કેસ દાખલ કર્યા છે.
લંડનથી એને દેશનિકાલ કરવાના કેસની સુનાવણી આ મહિનાના અંતમાં લંડનમાં થવાની શક્યતા છે અને ભારતીય તપાસ અધિકારીઓ એ વખતે ત્યાં હાજર રહેશે.

July 21, 2018
s1-1280x960.jpg
1min13220
સાસરિયાઓ સામે કેસ ચાલતો હોય, આ માટેની કોર્ટ કાર્યવાહીના સંદર્ભે એક મહિલા શનિવારે કોર્ટ સંકુલમાં આવી હતી. સિમ્પીસિંગ નામની મહિલાએ અગમ્ય કારણોસર કોર્ટ બિલ્ડિંગના નવમા માળેથી પડતું મૂકીને મોત વહાલું કરી દીધું હતું. માથાના ભાગે ગંભીર ઇજા થવાથી તેમજ લોહી વધુ માત્રામાં વહી જવાથી આ મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. ઘટનાને પગલે સમગ્ર કોર્ટમાં અરેરાટી ફેલાઇ જવા પામી હતી. મહિલાએ કોર્ટ સંકુલમાં કરેલી આત્મહત્યાનો મુદ્દો ભારે ચર્ચાસ્પદ બન્યો હતો.
અઠવાલાઈન્સ ખાતે આવેલી નવી કોર્ટ બિલ્ડીંગમાં આઠમાં માળે પડતું મૂકનાર મહિલાની ઓળખ સિમ્પીસિંગ (ઉ.વ.30) તરીકે થઇ હતી. સિમ્પીસિંગના લગ્ન વિજયસિંગ મુરલીસિંગ નામના વ્યક્તિ સાથે 2015માં થયા હતાં. વિજયસિંગ ઉધના ખાતે બેંકમાં નોકરી કરે છે. જે ડિંડોલી નીલગીરી સર્કલ મયૂરનગર ખાતે રહે છે. સિમ્પીસિંગના પિતા લાલસિંગ સત્યનારાયણ નગર બમરોલી ખાતે રહે છે.
સિમ્પીસિંગના ભાઈએ જણાવ્યું હતું કે, લગ્નના પ્રથમ દિવસે જ તેણીને સાસરિયાએ ઝેર આપવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારબાદ કેસ કર્યો હતો. કેસ પાછો ખેંચવા માટે ધમકીની સાથે દબાણ કરવામાં આવતું હતું. જો કે, સિમ્પીસિંગે ક્યા કારણોસર પડતું મૂક્યું તે અંગે સચોટ કારણ આવ્યું નથી. સિમ્પીસિંગે નવમાં માળેથી કુદી પડતાં તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.
July 20, 2018
bri.jpg
1min5070

લાંચ આપનારને વધુમાં વધુ સાત વર્ષ સુધીની કેદની સજાની જોગવાઇ કરતો નવો ભ્રષ્ટાચાર વિરોધી કાયદો રાજ્યસભામાં પસાર કરાયો હતો. ૩૦ વર્ષ જૂના ભ્રષ્ટાચાર વિરોધી કાયદામાં પ્રિવેન્શન ઑફ કરપ્શન (સુધારો) ખરડાએ કેટલીક કલમોમાં ફેરફાર કર્યા છે. આ ખરડો મૌખિક મતદાન દ્વારા સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યો હતો. રાજ્ય કક્ષાના પર્સોનેલ ખાતાના પ્રધાન જિતેન્દ્રસિંહે જણાવ્યું હતું કે દેશમાં ભ્રષ્ટાચાર રોકવા માટેનો આ ઐતિહાસિક ખરડો છે. ભ્રષ્ટાચારના કેસની કાર્યવાહી ઝડપથી પૂરી કરવા અને નિવૃત્તિ બાદ પણ અમલદારો સામે ખોટી ફરિયાદો ન થાય એ માટે ખરડામાં અનેક કલમ ઉમેરવામાં આવી છે.

એક તરફ કાયદાનો વ્યાપ વિસ્તારવામાં આવ્યો છે, તો બીજી તરફ એનો અમલ કરતા અમલદારોની સુરક્ષાનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ ખરડો હવે લોકસભામાં મંજૂરી માટે જશે.

July 19, 2018
rm1.jpg
1min10910

દેશના કાનૂન પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે 12 વર્ષ કરતાં ઓછી વયની છોકરી પર બળાત્કાર ગુજારવામાં કસૂરવાર ઠરેલાને ફાંસી ફટકારવાની જોગવાઈ કરતો ખરડો 18મી જુલાઇથી આરંભેલા સંસદના ચોમાસુ સત્રમાં રજૂ કરાશે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદ હેઠળ યોજાયેલી કેન્દ્રીય પ્રધાનમંડળની એક બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. વર્ષ 2018ના અપરાધિક કાનૂન (સુધારા) ખરડા પર એક વાર સંસદનું મંજૂરીનું મત્તું મારવાની રાહ જોવાઈ રહી છે. તે સંપન્ન થયા બાદ ક્રિમિનલ કાનૂન સુધારાવધારા અને ફેરફાર વટહુકમનું સ્થાન લઈ લેશે. ગૃહ મંત્રાલયે ઘડેલા મુસદ્દા ખરડાને કેન્દ્રીય કેબિનેટે સહમતિ આપી છે.

જમ્મુ-કાશ્મીરના કઠુઆ ખાતે સગીરા પર બળાત્કાર ગુજારાયા બાદ ખૂન કરવું તેમ જ ઉત્તર પ્રદેશના ઉન્નાવો ખાતે એક મહિલા પર બળાત્કાર ગુજારવાની ઘટના બાદ હોબાળો મચી ગયો હોવાથી 21મી એપ્રિલે આ વટહુકમ ઘડવામાં આવ્યો હતો.


12 વર્ષ કરતાં ઓછી વયની છોકરી પર બળાત્કાર ગુજારનારાઓને મૃત્યુદંડ કરવાની સજાની જોગવાઈ છે.

મહિલા પર બળાત્કાર ગુજારવામાં લઘુતમ સજાને સાત વર્ષની કડક કેદની સજાથી વધારીને 10 વર્ષની સખત કેદની સજા કરાઈ છે. આ સજા વિસ્તારીને આજીવન કારાવાસની સજા પણ ફટકારી શકાય છે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.

આ ખરડા અનુસાર 16 વર્ષ હેઠળની ક્ધયા પર બળાત્કાર ગુજારાય તો લઘુતમ સજા 10 વર્ષથી વધારીને 20 વર્ષની કરવામાં આવી છે, બાકીના જીવન સુધી કારાવાસ વિસ્તારી શકાય છે તેનો મતલબ એવો થાય કે કસૂરવારના કુદરતી જીવન સુધી જેલની સજા થઈ શકે છે. આથી 16 વર્ષ કરતાં ઓછી ઉંમરની ક્ધયા પર સામૂહિક બળાત્કાર ગુજારવાની સજા કસૂરવારને બાકીના જીવન સુધી કેદની જ થઈ શકે છે. આ ઉપરાંત બળાત્કારના કેસમાં ઝડપી તપાસ આદરવી તેમ જ ખટલો પણ ઝડપથી ચલાવવાની જોગવાઈ કરવામાં આવી છે.