બધી જ ચાઇલ્ડ કેર સંસ્થાઓ (સીસીઆઇ)ની નોંધણી અને એને સેન્ટ્રલ અડોપ્શન રિસોર્સ ઓથોરિટી સાથે લિંક કરવી ફરજિયાત

ગેરકાનૂની રીતે બાળકોને દત્તક આપવાનો કેસને પગલે થયેલા વિવાદો દેશભરમાં ચર્ચાસ્પદ બનતા આખરે મધર ટેરેસાએ સ્થાપેલી મિશનરી ઑફ ચેરિટી (એમઓસી) દ્વારા ચલાવાતા બધા બાળાશ્રમની તત્કાળ તપાસ કરવાનો આદેશ મહિલા અને બાળ વિકાસ પ્રધાન મેનકા ગાંધીએ બધા જ રાજ્યોને આપ્યો હતો.
બધી જ ચાઇલ્ડ કેર સંસ્થાઓ (સીસીઆઇ)ની નોંધણી થયેલી હોવી જોઇએ અને એને દેશની બાળકોને દત્તક લેવા માટેની સર્વોચ્ચ સંસ્થા સાથે એક મહિનાની અંદર લિંક કરવાનો આદેશ પણ મેનકાએ આપ્યો હતો.
કાયદા પ્રમાણે સીસીઆઇની નોંધણી અને એને સેન્ટ્રલ અડોપ્શન રિસોર્સ ઓથોરિટી સાથે લિંક કરવી ફરજિયાત છે, પણ કેટલાક અનાથાશ્રમે એની વૈધતાને પડકારી હોવાની વાત મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના સૂત્રોએ જણાવી હતી.
ઝારખંડની એમઓસીએ ગેરકાનૂની રીતે બાળકોને દત્તક આપ્યા હોવાની બાબતને ગંભીરતાથી લઇને મેનકાએ બધા રાજ્યોના એમઓસીના અનાથાશ્રમોની તપાસ કરવાના આદેશ આપ્યા હતા. રાંચીના એમઓસીએ કથિત રીતે ત્રણ બાળકોને વેચી નાખ્યા હતા અને એક બાળકને આપી દીધો હોવાની વાત પ્રકાશમાં આવી હતી.















