CIA ALERT

બિઝનેસ Archives - Page 87 of 93 - CIA Live

August 5, 2018
apple.jpeg
1min6340

એપલ માટે ભારતમાં આ વર્ષ સૌથી વધુ કપરું સાબિત થાય તેમ છે. 2018ના પ્રથમ છ મહિનામાં તેના વેચાણમાં તીવ્ર ઘટાડો થયો છે. એનાલિસ્ટ્સે જણાવ્યું કે કંપની વૃદ્ધિના બદલે નફાને વધુ મહત્ત્વ આપે છે અને તેણે ડિસ્કાઉન્ટ તથા ડિસ્ટ્રિબ્યુશનમાં ઘટાડો કર્યો છે તેનું આ પરિણામ છે. કેટલાકે કહ્યું કે તહેવારોની સીઝન અગાઉ સપ્ટેમ્બરમાં કંપની નવા મોડલ લોન્ચ કરે તો વેચાણ વધી શકે છે.

સ્માર્ટફોન ઉત્પાદક કંપનીએ જૂન ક્વાર્ટરમાં વેચાણમાં વાર્ષિક ધોરણે 55 ટકા ઘટાડો નોંધાવ્યો હતો અને ક્રમિક ધોરણે ૩૦ ટકા ઘટાડો થયો છે. માર્ચ ક્વાર્ટરમાં શિપમેન્ટ્સ વાર્ષિક ધોરણે 22 ટકા ઘટ્યા હતા જ્યારે ત્રિમાસિક ધોરણે તેમાં 46 ટકાનો ઘટાડો થયો હતો.

સિંગાપોર સ્થિત રિસર્ચ કંપની કેનાલિસના રિસર્ચ મેનેજર રુષભ દોશીએ જણાવ્યું કે 2018 એ એપલના બજાર માટે સૌથી ખરાબ વર્ષ રહેવાની શક્યતા છે. બીજું ક્વાર્ટર ઘણું નબળું રહ્યું છે. તેના કારણે ભારતમાં આઇફોન ઉત્પાદકનો બજારહિસ્સો ઘટી શકે છે જે પહેલેથી તેની હાજરી વિસ્તારવામાં મુશ્કેલી અનુભવી રહી છે. સામાન્ય રીતે વર્તમાન અને ડિસેમ્બર ક્વાર્ટરમાં વેચાણ વધતું હોય છે.

પ્રીમિયમ બજારમાં એપલની સ્થિતિ મજબૂત હોય છે પરંતુ તેમાં સ્પર્ધામાં વધારો થયો છે. વનપ્લસ જેવી નવી કંપનીના આગમન તથા સેમસંગની આક્રમકતાના કારણે પ્રીમિયમ મોબાઇલ ક્ષેત્રે સ્પર્ધા વધી છે. પ્રીમિયમ સેગમેન્ટમાં જ એપલનો હિસ્સો જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં ઘટીને 20 ટકા થયો હતો જે ગયા વર્ષમાં 43 ટકા હતો.

August 4, 2018
vi-1280x720.jpg
1min5640

વોડાફોન આઇડિયા લિમિટેડ આવતા સપ્તાહથી ભારતની સૌથી મોટી મોબાઇલ ફોન કંપની તરીકે સત્તાવાર શરૂઆત કરે તેવી અપેક્ષા છે. બંને કંપની આ દિવસને ‘ડે ઝીરો’ તરીકે ઓળખે છે. ફરી નફો મેળવવાના ઈરાદા સાથે બંને કંપનીએ કરેલા મર્જર દ્વારા ખર્ચકાપનાં પગલાં ભરવાથી ફાયદો થશે અને કંપની તેને પ્રાથમિકતા આવશે.

 

બંને કંપનીના ડિસ્ટ્રિબ્યુટર અને ટાવર નેટવર્ક્સને તાર્કિક બનાવવા, એડવર્ટાઇઝિંગ અને માર્કેટિંગ ખર્ચમાં ઘટાડો કરવો, નવી ભરતી બંધ કરવી અને તમામ સર્કલ્સમાં ફાજલ પડેલી ઓફિસો બંધ કરવી વગેરે પગલાં ભરવાનું નક્કી કરાયું છે.

વોડાફોન ઇન્ડિયા અને આઇડિયા સેલ્યુલરે માર્ચ 2017માં જ્યારે મર્જરની જાહેરાત કરી હતી ત્યારે તેમણે અંદાજ આપ્યો હતો કે મર્જર પછીના ચોથા વર્ષથી ખર્ચમાં ₹8,400 કરોડની વાર્ષિક બચત થશે. ત્યારથી બંને કંપનીની નાણાકીય સ્થિતિ કથળતી રહી છે. તેમની આવક 20 ટકા જેટલી અને રેવન્યુ માર્કેટ શેર તો 4 ટકા જેટલો ઘટી ગયો છે. જે ક્ષેત્રોમાં જંગી ખર્ચ થાય છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. બે કંપની એક બનીને કામ શરૂ કરશે એટલે કેટલાક ડિસ્ટ્રિબ્યુટર્સને ચોક્કસપણે વિદાય આપવી પડશે.

મર્જ બાદ અસ્તિત્વમાં આવનારી કંપની પાસે 43 કરોડ ગ્રાહકો, 37 ટકા રેવન્યુ માર્કેટ શેર, ₹60,000 કરોડની આવક અને ₹૧,૨૫,૦૦૦ કરોડનું દેવું હશે. આ મર્જ્ડ કંપનીનો ‘ડે ઝીરો’ આવતા સપ્તાહે આવશે. તેમના મર્જર બાદ નં.1 ટેલિકોમ કંપની ભારતી એરટેલ બીજા ક્રમે આવી જશે. વોડાફોન અને આઇડિયાને ગયા સપ્તાહે સરકાર તરફથી મંજૂરી મળી હતી અને હવે માત્ર નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ પાસેથી મંજૂરી મેળવવાની બાકી છે. જ્યારે વાસ્તવમાં તાતી જરૂર હશે તેવા કિસ્સામાં જ ભરતી થશે. બંને કંપનીએ આ મર્જર માટે હજારો કર્મચારીને છૂટા કર્યા છે અને હવે તેમની પાસે 15,000 જેટલાં કર્મચારી છે. આ કર્મચારીઓ અલગ-અલગ યુનિટ્સમાંથી કામ કરવાને સ્થાને એક જ ઓફિસમાંથી કામ કરશે અને નવી ઓફિસોમાં શિફ્ટિંગનું કામ તમામ સર્કલ્સમાં તાત્કાલિક અસરથી શરૂ થશે.

July 26, 2018
ama2.png
1min5710

એમેઝોન અને ફિ્લપકાર્ટ વચ્ચે ધંધાકીય યુદ્ધ ચાલી રહ્યું છે પરંતુ, હવે આ બે કંપનીઓ વચ્ચે અનોખું યુદ્ધ એ છેડાયું છે કે બન્ને ભારતમા ંએવા ટેલેન્ટને શોધી રહ્યા છે

એમેઝોન અને ફ્લિપકાર્ટ વચ્ચેનું ઇ-કોમર્સ ‘યુદ્ધ’ હવે કોલેજોના કેમ્પસ સુધી પહોંચ્યું છે. બંને કંપની શ્રેષ્ઠ યુવા ટેલેન્ટનો શોધમાં IITs,

IIMs અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ ઓફ ટેક્‌નોલોજી (NITs) સહિતની અગ્રણી શૈક્ષણિક સંસ્થાઓની મુલાકાત લઈ રહી છે. ઇ-ટેલર્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, બિગ ડેટા, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ અને મશિન લર્નિંગ જેવી ઊભરતી ટેક્‌નોલોજિસમાં કર્મચારીઓની ભરતીની યોજના ધરાવે છે.

વોલમાર્ટના ટેકઓવર પછી ફ્લિપકાર્ટને મોટું પીઠબળ મળ્યું છે. પ્રારંભિક સંકેત પ્રમાણે કંપની કેમ્પસ પ્લેસમેન્ટમાં એમેઝોનની લગોલગ રહેવાની શક્યતા છે. ફ્લિપકાર્ટ ગયા વર્ષની તુલનામાં વધુ કર્મચારીઓની ભરતી કરશે. કંપનીએ ફાઇનલ પ્લેસમેન્ટ માટે પહેલી વખત NIT વારંગલ, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેક્‌નોલોજી (NIFT), નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન અને FMS દિલ્હીની મુલાકાત લીધી હતી.

IIM કલકત્તાના પ્લેસમેન્ટ સેલના એક વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, “વોલમાર્ટના ફન્ડિંગને કારણે ફ્લિપકાર્ટ આ વખતે અમારા કેમ્પસમાંથી વધુ વિદ્યાર્થીઓની ભરતી કરશે. આ કંપનીઓમાં વિદ્યાર્થીઓનો રસ ઘણો ઊંચો હોય છે. કારણ કે તેમને પ્રોડક્ટ ડેવલપમેન્ટ અને ઓપરેશન્સ સંબંધી ભૂમિકા સોંપવામાં આવે છે.”

ફ્લિપકાર્ટના પ્રવક્તાએ મેઇલ દ્વારા કબૂલ્યું હતું કે, “આ વખતે કર્મચારીઓની ભરતીમાં અમે બિગ ડેટા, મશિન લર્નિંગ, ડિસિશન સાયન્સિસ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર ધ્યાન કેન્દ્રિત કરીશું. આ ઊભરતી ટેક્‌નોલોજિસમાં રિસોર્સિસની જરૂરિયાત વધી રહી છે.” IIM બેંગલોરના પ્લેસમેન્ટ સેલના અન્ય વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, “આ બંને કંપનીની બ્રાન્ડ વેલ્યૂ ઘણી ઊંચી છે.” IIM બેંગલોર સપ્ટેમ્બરમાં સમર પ્લેસમેન્ટની પ્રક્રિયા પૂરી કરશે. તેને બંને કંપની તરફથી રસ દર્શાવતા પત્ર મળ્યા છે.

IIT કાનપુર ઓગસ્ટથી સમર ઇન્ટર્નશિપ શરૂ કરવાની છે. તેના વિદ્યાર્થીઓ આતુરતાપૂર્વક એમેઝોન અને ફ્લિપકાર્ટની રાહ જોઈ રહ્યા છે. જોકે, અહીં ફ્લિપકાર્ટ ‘ફેવરિટ’ છે. IIT કાનપુર પ્લેસમેન્ટ સેલના વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, “ફ્લિપકાર્ટનું કદ નાનું હોવાથી તે એમેઝોનની તુલનામાં વિદ્યાર્થીઓને વધુ ભૂમિકા ઓફર કરે છે.”

ગયા વર્ષે ઓફર્સની સંખ્યા અને વિદ્યાર્થીઓને ઓફર કરાયેલા પગારની બાબતમાં એમેઝોન આગળ હતી. કેમ્પસ સૂત્રોના જણાવ્યા અનુસાર પ્લેસમેન્ટમાં કંપનીએ (ઇસોપ્સ સહિત) વાર્ષિક ₹30 લાખના પેકેજ ઓફર કર્યા હતા. જ્યારે ફ્લિપકાર્ટની ઓફર ₹૨૧ લાખની આસપાસ રહી હતી.

એમેઝોનના ડિરેક્ટર (ટેલેન્ટ એક્વિઝિશન – ઇન્ડિયા) રાજ કાઝાએ જણાવ્યું હતું કે, “એમેઝોન આધુનિક ટેક્‌નોલોજીનો ઉપયોગ કરે છે અને અમે ટેક્‌નોલોજી માટે પેશન ધરાવતા ઉમેદવારોની ભરતી માટે સક્રિય છીએ.” ગયા વર્ષની તુલનામાં એમેઝોન દ્વારા કર્મચારીઓની ભરતીની સંખ્યા ગયા વર્ષની તુલનામાં વધુ છે.”

ફ્લિપકાર્ટ એન્જિનિયરિંગ, પ્રોડક્ટ અને બિઝનેસ એનાલિટિક્સ પ્રોફાઇલ્સ માટે IIT દિલ્હી, મદ્રાસ, ખડગપુર, કાનપુર, બોમ્બે, ગુવાહાટી, રુરકી, વારાણસી અને હૈદરાબાદની મુલાકાત લે છે. એમેઝોન પ્લેસમેન્ટ માટે અગાઉની રાબેતા મુજબની ૧૦ IITs ઉપરાંત, દેશની અન્ય અગ્રણી સંસ્થાઓમાં પણ ટેલેન્ટની શોધ કરશે.

July 24, 2018
cod.jpg
1min7850

જે સિસ્ટમએ ભારતમાં ઓનલાઇન શોપિંગનું ચલણ રાતોરાત વધારી દીધું છે, એ કેશ ઓન ડિલિવરી સિસ્ટમ સામે મોટું જોખમ ઉપસ્થિત થયું છે. ભારતની ઇ-કોમર્સ ખરીદીમાં 50 ટકા હિસ્સો ધરાવતી ‘કેશ ઓન ડિલિવરી’ (CoD) સિસ્ટમનો અમલ કરવા અંગે RBIની સ્પષ્ટ મંજૂરી નહીં હોવાનું RTIના પ્રશ્નના જવાબ પરથી જાણવા મળ્યું છે. ફ્લિપકાર્ટે ઇ-કોમર્સને ગ્રાહકોના બહોળા વર્ગ સુધી પહોંચાડવા 2010માં ‘કેશ ઓન ડિલિવરી’ શરૂ કરી હતી. કારણ કે એ સમયે ઓનલાઇન ટ્રાન્ઝેક્શન બહુ પ્રચલિત ન હતા અને ગ્રાહકોમાં ક્રેડિટ કાર્ડ્સના ઉપયોગ બાબતે ખચકાટ હતો. ભારતમાં ઇ-કોમર્સની ઝડપી વૃદ્ધિ માટે ‘કેશ ઓન ડિલિવરી’ મહત્ત્વનું પરિબળ રહ્યું છે.

કેશ ઓન ડિલિવરી સિસ્ટમ અન્વયે ફ્લિપકાર્ટ, એમેઝોન અને અન્ય માર્કેટપ્લેસ પાર્સલ પહોંચાડતી વખતે થર્ડ-પાર્ટી વેન્ડર્સ વતી ગ્રાહકો પાસેથી રોકડ મેળવે છે, પણ RBIના જણાવ્યા અનુસાર ઓનલાઇન શોપિંગ સાઇટ્સ કે એપ્સ એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવા એગ્રિગેટર્સ કે પેમેન્ટ ઇન્ટરમીડિયરીઝને PSS (પેમેન્ટ્સ એન્ડ સેટલમેન્ટ્સ સિસ્ટમ્સ) એક્ટ, 2007ની કલમ 8 હેઠળ ડિલિવરી સામે રોકડ લેવાની કોઇ જ સત્તા નથી.

બીજી તરફ કાનૂની નિષ્ણાતો કહે છે કે  ઓનલાઇન શોપિંગ સંદર્ભના કાયદાઓમાં ‘કેશ ઓન ડિલિવરી’ માટે મનાઈ ફરમાવાઈ નથી. કાયદામાં ઇલેક્ટ્રોનિક અને ઓનલાઇન પેમેન્ટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પણ ‘કેશ ઓન ડિલિવરી’ના વિકલ્પ દ્વારા મળેલાં નાણાં અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

વેપાર સંગઠનો, યુનિયન્સ, ખેડૂતોનાં જૂથો અને લઘુઉદ્યોગોના ગ્રૂપ FDI વોચના ધર્મેન્દ્ર કુમારે એક પ્રશ્નમાં RBIને પૂછ્યું હતું કે, “ફ્લિપકાર્ટ અને એમેઝોન જેવા ઇ-કોમર્સ માર્કેટપ્લેસ દ્વારા કેશ ઓન ડિલિવરી દ્વારા પેમેન્ટ કલેક્શન અને ઇ-કોમર્સ મર્ચન્ટ્સને તેની વહેંચણી પેમેન્ટ્સ એન્ડ સેટલમેન્ટ્સ સિસ્ટમ્સ એક્ટ, 2007ના નં.51 હેઠળ પેમેન્ટ સિસ્ટમ અને સિસ્ટમ પ્રોવાઇડરની વ્યાખ્યામાં સામેલ છે કે નહીં. જો જવાબ ‘હા’માં હોય તો આ પેમેન્ટ સિસ્ટમ્સ એક્ટની કલમ 8 મુજબ અધિકૃત છે કે નહીં?”

મહત્ત્વની બાબત એ છે કે, રિઝર્વ બેન્કે આ પ્રકારના ટ્રાન્ઝેક્શન અંગે કાયદો બનાવ્યો છે કે નહીં. RBIએ જવાબમાં કહ્યું હતું કે, “રિઝર્વ બેન્કે આ બાબતે કોઈ ચોક્કસ સૂચના જારી કરી નથી.” રિઝર્વ બેન્કે ઇન્ટરમીડિયરીઝની ‌વ્યાખ્યા અંગે જણાવ્યું હતું કે, “ઇન્ટરમીડિયરીઝમાં મર્ચન્ટ્સને પેમેન્ટ કરવા માટે ગ્રાહકો પાસેથી ઇલેક્ટ્રોનિક કે ઓનલાઇન પેમેન્ટના વિકલ્પ દ્વારા નાણાં લેતી તમામ એન્ટિટીનો સમાવેશ થાય છે. આ ગૂડ્ઝ પર GST ચૂકવાયેલો હોય તે જરૂરી છે અને આખરી સેટલમેન્ટ તરીકે જે તે એન્ટિટીએ નાણાં મર્ચન્ટ્સને ટ્રાન્સફર કરેલા હોવા જોઈએ.”

July 23, 2018
co_oP_banks-1280x720.jpg
1min5340

રીઝર્વ બૅંકે સહકારી બૅંકોને બજારના જોખમનો સામનો કરવા માટે ઇનવેસ્ટમેન્ટ ફ્લક્ચ્યુએશન રીઝર્વ (આઇએફઆર) ઊભું કરવાનો આદેશ આપ્યો છે.

આ સાથે હવેથી બધી જ શહેરી સહકારી બૅંકોએ એમની લાયાબિલિટી ગમે એ હોય, પણ આઇએફઆર ઊભું કરવું પડશે. રીઝર્વ બૅંકને બધી જ સ્ટેટ કોઓપરેટિવ બૅંકો અને ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બૅંકોએ પણ આઇએફઆર તૈયાર કરવું પડશે. રીઝર્વ બૅંક સહકારી બૅંકોની કામગીરી પર નજર રાખી રહી છે.

આ મહિનાની શરૂઆતમાં રીઝર્વ બૅંકે અપર્યાપ્ત મૂડી અને આવકને આધારે અલવર અર્બન કોઓપરેટીવ બૅંક, અલવર, રાજસ્થાનનું લાઇસન્સ રદ કર્યું હતું. આ બૅંકે બૅંકિંગ રેગ્યુલેશન એક્ટ, ૧૯૪૯નું પાલન પણ નહોતું કર્યું.

July 23, 2018
gst1-1.jpg
1min8020

સુરતના ટેક્સટાઇલ ઉધોગકારોને, વ્યાપારીઓને જીએસટીમાં રાહત મળે તે માટે જેમણે ચળવળ ઉપાડી હતી, અને છેલ્લે સુધી જેઓ સક્રીય રહ્યા હતા એવા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાની જ બાદબાકી અખબારી જાહેરાતોથી કરીને સર્ધન ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ હેતલ મહેતા અને ઉપપ્રમુખ કલ્લુ દેસાઇએ કરી દેતા ભારે વિવાદ સર્જાયો છે

 

એવી પણ ચર્ચાઓ જોરશોરથી થઇ રહી છે કે જીએસટીમાં રાહતના બદલામાં કેન્દ્ર સરકારના ગુણગાન ગાવા માટે, જુદા જુદા કાર્યક્રમો યોજવા માટે તેમજ અખબારોમાં જાહેરાતો આપવા માટે સ્થાનિક ઉદ્યોગકારો પાસેથી મસમોટું ફંડ પણ ઉઘરાવવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. આ બાબતે ફોસ્ટાએ પણ જાહેરમાં વિરોધ નોંધવ્યો હોવાનું જાણવા મળે છે.

 

જયેશ બ્રહ્મભટ્ટ  98253 44944

ગઇ તા.21મી જુલાઇએ મળેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં ટેક્સટાઇલ ઉદ્યોગને આપવામાં આવેલી રાહત બાદ સર્ધન ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના કર્તાહર્તાઓએ જાણે પોતે જ રાહતો અપાવી હોય તે રીતે જશ ખાટવાની પ્રવૃતિ હાથ ધરી છે. હદ તો ત્યારે થઇ કે આજરોજ તા.23મી જુલાઇ 2018ના સ્થાનિક અખબારોમાં આપવામાં આવેલી મસમોટી ફુલપેજ જાહેરાતમાંથી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાની બાદબાકી કરી દેવાતા ભારે ભડકો થયો છે.

સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગકારોને કનડતા જીએસટીના પ્રશ્નો સંદર્ભે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ સ્થાનિક આગેવાનોને સાંભળવાથી શરૂ કરીને કેન્દ્રીય નાણાંમંત્રી સમેત અનેક લોકોને લેખિત-મૌખિક રજૂઆતો કરી હતી. મનસુખ માંડવીયાએ પોતે ઇનિશ્યીએટિવ લઇને છેક પી.એમ. નરેન્દ્ર મોદી સુધી ધારદાર રજૂઆતો કરી હતી.

છેલ્લા કેટલાક દિવસો દરમિયાન સ્થાનિક સાંસદો ખાસ કરીને સી.આર.પાટીલએ સ્થાનિક આગેવાનોને લઇને કેન્દ્રીય નાણાં મંત્રી સમક્ષ રૂબરૂ રજૂઆતો કરી અને તેને પગલે તા.21મી જુલાઇના રોજ જીએસટી કાઉન્સિલએ ટેકસટાઇલ ઉદ્યોગકારોને ભરચોમાસે દિવાળીનો ઘાટ સર્જાય તેવી રાહતો આપતા આખરે મામલો જશ ખાટવાની વૃતિ પર આવ્યો હતો.

રવિવારે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હેતલ મહેતા અને ઉપપ્રમુખ કલ્લુ દેસાઇ સમેત કેટલાક આગેવાનોએ મળીને જાણે ચેમ્બર્સ ઓફ કોમર્સ તરફથી અખબારોમાં કેન્દ્ર સરકારનો આભાર માનતી જાહેરાતોનો મુસદ્દો તૈયાર કરાવ્યો હતો. આજે દૈનિક અખબારોમાં છપાયેલી જાહેરાતોની ડિઝાઇન ચેમ્બર ઓફ કોમર્સના પદાધિકારીઓએ  તૈયાર કરાવી હતી. આ જાહેરાતમાં પી.એમ. નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ, મુખ્યમંત્રી વિજય રુપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેન્દ્રીય નાણાં મંત્રી પિયુષ ગોયેલ, પૂર્વ નાણાં મંત્રી અરુણ જેટલી, કપડા મંત્રી સ્મૃતિ ઇરાની તેમજ સ્થાનિક સાંસદો સર્વશ્રી સી.આર. પાટીલ અને દર્શના જરદોષના ફોટા સામેલ કરવામાં આવ્યા પરંતુ, જેમણે ટેક્સટાઇલ ઉદ્યોગને જીએસટી રાહત મળે તે માટેની ચળવળની શરૂઆત કરી હતી, તેમના જ ફોટાની બાદબાકી કરી દેવામા ંઆવી છે.

એવી પણ ચર્ચાઓ જોરશોરથી થઇ રહી છે કે જીએસટીમાં રાહતના બદલામાં કેન્દ્ર સરકારના ગુણગાન ગાવા માટે, જુદા જુદા કાર્યક્રમો યોજવા માટે તેમજ અખબારોમાં જાહેરાતો આપવા માટે સ્થાનિક ઉદ્યોગકારો પાસેથી મસમોટું ફંડ પણ ઉઘરાવવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. આ બાબતે ફોસ્ટાએ પણ જાહેરમાં વિરોધ નોંધવ્યો હોવાનું જાણવા મળે છે.

આજે અખબારોમાં જાહેરાતો છપાયા બાદ ભાજપમાં રાજ્યકક્ષાએ મામલો ભારે ગરમાયો છે. ખુદ મનસુખ માંડવીયા કેમ્પ પણ ચેમ્બર ઓફ કોમર્સના પદાધિકારીઓની આ હરકતથી ભારે નારાજ થયા છે. સ્થાનિક આગેવાનોએ આ વાત મનસુખ માંડવીયાના ધ્યાન પર પણ લાવતી તેઓ પણ નારાજ ચાલી રહ્યા છે. મનસુખ માંડવીયાએ સુરત ટેનિસ ક્લબમાં સ્થાનિક આગેવાનોને બોલાવીને તેમના પ્રશ્નો સાંભળ્યા હતા. આમ જેમણે જીએસટી રાહત મળે તે માટે ચળવળ ઉપાડી હતી અને છેવટ સુધી તેઓ આ મામલે સક્રીય રહ્યા હતા આમ છતાં સર્ધન ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સના પદાધિકારીઓએ કયા કારણોસર કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાની બાદબાકી કરી એ હવે તપાસનો વિષય બન્યો છે.

લાખો રૂપિયાની આ અખબારી જાહેરાતમાં સર્ધન ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ હેતલ મહેતા અને ઉપપ્રમુખ કલ્લુ દેસાઇએ સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગકારોને જીએસટીમાં રાહત અપાવવા માટે ચળવળ શરૂ કરનાર કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાની જ બાદબાકી કરીને વણનોતર્યો વિવાદ ખડો કરી દીધો છે. આ મુદ્દે છેક વડાપ્રધાન સુધી રજૂઆત થઇ છે.

July 21, 2018
Jio-Fiber-Broadband-2-1024x576.jpg
1min7500

રિલાયન્સ જીઓ ઇન્ફોકોમ હોમ બ્રોડબેન્ડ સર્વિસિસનું કોમર્શિયલ લોન્ચિંગ કરે તેના ઘણા સમય પહેલાં જ ગ્રાહકોને લાભ મળવાનું શરૂ થઈ ગયું છે. જીઓ ચાલુ વર્ષના અંતે તેની મહત્ત્વાકાંક્ષી ફાઇબર-ટુ-ધી-હોમ (FTTH) સર્વિસિસ લોન્ચ કરે તેની પહેલાં ભારતી એરટેલ અને સરકારી કંપની BSNLએ જંગી ડિસ્કાઉન્ટ સાથેના આક્રમક પ્રાઇસિંગ પ્લાન લોન્ચ કર્યા છે.

દેશની નં 1 ટેલિકોમ કંપની અને નં 2 વાયર્ડ બ્રોડબેન્ડ કંપની એરટેલે પોતાના 25 લાખ એક્ટિવ વાયર્ડ બ્રોડબેન્ડ ગ્રાહકોને જાળવી રાખ‌વા માટે ચૂપચાપ તગડા ડિસ્કાઉન્ટની ઓફર શરૂ કરી દીધી છે.

વાયર્ડ બ્રોડબેન્ડ માર્કેટની નં 1 કંપની BSNLએ પોતાના 92 લાખ હોમ બ્રોડબેન્ડ ગ્રાહકોને જાળવી રાખવા માટે આક્રમક બનીને ₹777 અને ₹1,277ના માસિક FTTH પ્લાન રજૂ કર્યા છે. આ પ્લાનમાં અનુક્રમે 50 Mbps અને 100 Mbpsની સ્પીડ સાથે 500 GB અને 750 GB ડેટા મળે છે. આટલું પણ ઓછું હોય તેમ BSNL ગ્રાહકોને કોઈ પણ નેટવર્ક પર અનલિમિટેડ વોઇસ કોલ સાથેના પ્રમોશનલ પેક (90 દિવસની વેલિડિટી સાથેના) પસંદ કરવાની પણ ઓફર કરી રહી છે.

એરટેલના સિનિયર અધિકારીએ જણાવ્યું કે, “અમે 89 શહેરોમાં વાયર્ડ બ્રોડબેન્ડ સર્વિસિસ આપીએ છીએ અને ત્યાંના ગ્રાહકો છ મહિના અને એક વર્ષ માટે હોમ બ્રોડબેન્ડ પેક (300 Mbps સુધીની સ્પીડ) ખરીદે તો અનુક્રમે 15 ટકા અને 20 ટકા ડિસ્કાઉન્ટ આપીએ છીએ.” કંપની આ ડિસ્કાઉન્ટ હમણાં સુધી માત્ર હૈદરાબાદમાં આપતી હતી.

ભારતી એરટેલને આ અંગે મોકલવામાં આવેલી પ્રશ્નોત્તરીનો કોઈ જવાબ મળ્યો નહોતો. વાયર્ડ બ્રોડબેન્ડ સર્વિસિસ માટે એરટેલ અને BSNL દ્વારા અપનાવવામાં આવેલી આક્રમક યોજના સ્પષ્ટ સંકેત આપે છે કે, રિલાયન્સ જીઓના લોન્ચિંગને ધ્યાનમાં રાખીને બંને હરીફોએ પોતપોતાના ગ્રાહકો જાળવી રાખવાની સ્ટ્રેટેજી અપનાવી છે.

ઉલ્લેખનીય છે કે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ગીગાફાઇબર બ્રાન્ડ હેઠળ હાઈ-સ્પીડ હોમ બ્રોડબેન્ડ સર્વિસિસ આપવાની યોજના જાહેર કરી છે, જેની હેઠળ તે 1,100 શહેરોમાં પ્રથમ તબક્કામાં જ પાંચ કરોડ ગ્રાહકો મેળવવાનો ટાર્ગેટ ધરાવે છે.

જીઓની હોમ બ્રોડબેન્ડ સર્વિસિસનું રજિસ્ટ્રેશન 15 ઓગસ્ટથી શરૂ થશે. એનાલિસિસ મેસનના પાર્ટનર અને હેડ (ઇન્ડિયા, સાઉથ એશિયા) રોહન ધામીજાએ જણાવ્યું હતું કે, “એરટેલ અને BSNL માત્ર ડિસ્કાઉન્ટ દ્વારા જીઓને હરાવી નહીં શકે. તેમણે રિલાયન્સ જીઓની આગામી હોમ બ્રોડબેન્ડ સર્વિસિસ જેવી સર્વિસ આપવા માટે તેમનું FTTH કવરેજ ઝડપભેર વિસ્તારવું પડશે.”

બ્રોકરેજ HSBCને અપેક્ષા છે કે, રિલાયન્સ જીઓ મહિને ₹700થી ઓછી કિંમતમાં 100 GBનો હાઈ-સ્પીડ ડેટા આપીને સમગ્ર હોમ બ્રોડબેન્ડ માર્કેટમાં ખળભળાટ મચાવશે તો એરટેલ પર નજીકના ગાળા માટે અર્નિંગ્સ દબાણ ઊભું થશે.

July 20, 2018
DSC05597.jpg
2min8060

આજથી શરૂ થયેલી ટ્રક અને ટ્રાન્સપોર્ટ હડતાળના પહેલા જ દિવસે સુરત સમેત દક્ષિણ ગુજરાતમાંથી પસાર થતા વિવિધ હાઇવે તેમજ સ્ટેટ હાઇવે પરથી ટ્રક તેમજ અન્ય ટ્રાન્સપોર્ટ વાહનો અદ્રશ્ય થઇ ગયા હતા. ટ્રક ડ્રાઇવરોએ હડતાળમાં જોડાઇને પોતાની ટ્રકો સલામત સ્થળે પાર્ક કરી દઇને સરકારની નીતિઓનો વિરોધ કર્યો હતો.

દક્ષિણ ગુજરાત તેમજ સુરતમાંથી પસાર થતા હાઇવે પર ટ્રાન્સપોર્ટ ટ્રક, ટેન્કર વગેરે જોવા નહીં મળતા ટ્રાફિક સાવ જ નહીંવત જોવા મળ્યો હતો. પ્રસ્તુત છે ટ્રક હડતાળની તસ્વીરી ઝલક

July 20, 2018
tax1.jpg
1min10080

ટેક્સ રિટર્ન ભરવા માટે 31 જુલાઈની છેલ્લી તારીખ નજીક આવી રહી છે ત્યારે કેટલાક કરદાતાઓને આંકડાના ગોટાળા કરીને કમાણીની તક દેખાય છે. પોતાની જાતને સીએ તરીકે ઓળખાવતા લેભાગુ લોકો કરદાતાઓને જંગી રિફન્ડ અપાવવાનું વચન આપે છે અને તેના બદલામાં 15 ટકા કમિશન કાપે છે.

આવા લેભાગુ સીએ કરદાતાના રિટર્નમાં ખોટી આવક દર્શાવે છે જેથી 50,000 રૂપિયાથી લઈને બે લાખ સુધીનું રિફંડ મળે છે. તેઓ વ્યક્તિની કરપાત્ર આવકને ઓછી દર્શાવે છે અથવા ચોક્કસ કરકપાત (ડિડક્શન) કે કરમુક્તિ ક્લેમ કરે છે.

આવું કરવું સરળ છે કારણ કે ટેક્સ રિટર્નમાં ડિડક્શન કે એક્ઝેમ્પશનનો ક્લેમ કરવા માટે કોઈ ડોક્યુમેન્ટની જરૂર હોતી નથી. મુંબઈ સ્થિત એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે કહ્યું કે, “કરદાતા મેડિકલ વીમો, હોમ લોન, એજ્યુકેશન લોન અથવા પોતાની વિકલાંગતા અથવા આશ્રિતની વિકલાંગતાનો ક્લેમ કરીને ટેક્સ રાહત ક્લેમ કરી શકે છે જેમાં કોઈ પુરાવા આપવાના હોતા નથી.” આ માટે લેભાગુ સીએ રિફંડના 10થી 15 ટકા નાણાં કમિશન ચાર્જ કરે છે.

હજારો કરદાતાઓએ આવા લોકો દ્વારા રિટર્ન ફાઇલ કરી દીધાં હશે અને રિફંડ ક્લેમ કર્યાં હશે. તેમણે માત્ર ફોર્મ 16, આધાર અને બેન્ક ખાતા નંબર આપીને રિટર્ન ભરાવવાનું હોય છે. ઇટીએ આવા એક સીએને ફોર્મ 16 અને બીજી વિગત આપી હતી. પાંચ દિવસની અંદર તેણે રિટર્ન ફાઇલ કરી દીધું જેમાં કરદાતાની આવક ₹1.90 લાખ ઓછી દર્શાવી હતી. તેના આધારે ₹50,000નો રિફંડ પણ ક્લેમ કરવામાં આવ્યો છે.

ટેક્સ રિટર્નમાં દર્શાવેલી ગ્રોસ ઇન્કમ ફોર્મ 16ના આંકડા કરતાં કઈ રીતે ઓછી હોઈ શકે તે પૂછવામાં આવતાં તેણે કહ્યું કે તેણે કેટલાંક એલાઉન્સને ધ્યાનમાં લીધાં હતાં જે સેક્શન ૧૦ હેઠળ કરકપાતને પાત્ર છે પરંતુ ફોર્મ ૧૬માં તેનો ઉલ્લેખ નથી.

જોકે, ટેક્સ નિષ્ણાતો ચેતવણી આપે છે કે રિટર્નનું એસેસમેન્ટ થાય ત્યારે આ વિસંગતતા પકડાઈ શકે છે. અત્યાર સુધી વ્યક્તિના ફોર્મ 26ASમાં ટીડીએસની વિગત આઇટી રિટર્નમાં દર્શાવેલા ટેક્સ સાથે સુસંગત કરવામાં આવતી હતી. હવે ટેક્સ સત્તાવાળાઓ ફોર્મ 16 ચેક કરીને રિટર્નમાં દર્શાવેલી આવક સાથે તેની ચકાસણી કરે છે. તાજેતરમાં બેંગલુરુમાં આ રીતે ટેક્સ રિફંડ મેળવવાનું કૌભાંડ પકડાયું હતું.

July 19, 2018
st2-1.jpg
1min5410

11થી 13 ઓક્ટોબર દરમિયાન ગાંધીનગરમાં એક્ઝિબિશન સેન્ટર ખાતે વાઇબ્રન્ટ ગુજરાત સ્ટાર્ટઅપ એન્ડ ટેક્‌નોલોજી સમિટ 2018 યોજાશે. આ સમિટમાં એગ્રીટેક, ફિનટેક, સ્માર્ટ એન્ડ શેર્ડ મોબિલિટી, વુમન સેન્ટ્રિક સોલ્યુશન, મેન્યુફેક્ચરિંગ 4.0, ગવર્નન્સ 2030, મેરીટાઇમ એન્ડ મિલિટરી ઇન્ટેલિજન્સ અને હેલ્થટેક જેવા આઠ ચેલેન્જ યોજાશે. યુકે, સિંગાપોર અને ઓસ્ટ્રેલિયા જેવા દેશો સાથે સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમ ઊભી કરવા ગુજરાત સરકાર દ્વારા કરાર કરવામાં આવશે અને તે દેશોની બેસ્ટ પ્રેક્ટિસ અહીં લાવવામાં આવશે અને તેના દ્વારા આ દેશોમાં આપણા સ્ટાર્ટઅપને ફંડિંગ મળશે અને તેમને નવું બજાર ઊભું કરવામાં મદદ મળશે.

આ ઉપરાંત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, આઇઓટી, બિગ ડેટા અને સાયબર સિક્યોરિટી પર ખાસ ફોકસ રાખવામાં આવશે.

રાજ્ય સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગના પ્રિન્સિપલ સેક્રટરી એમ કે દાસે જણાવ્યું હતું કે, “ભારતમાં હાલમાં 5,200 જેટલા ટેક સ્ટાર્ટઅપ છે. તેમાં 1,000ની નોંધણી ગયા વર્ષે થઈ છે. જેને ફંડિંગનું પ્રમાણ અગાઉ કરતાં સાત ટકા વધ્યું છે. ફોરેન ફંડિંગનું પ્રમાણ જેમાં 44 ટકા જેટલું ઊંચું રહ્યું છે.

ગુજરાતે સપ્ટેમ્બર 2017માં ઇઝરાયલ સાથે જોડાણ કર્યું હતું. ત્યાર બાદ ગુજરાતમાંથી સ્ટાર્ટ અપ ઇકો સિસ્ટમ વિવિધ 70થી વધુ સ્ટાર્ટઅપને 22 કરોડ જેવી રકમ ફંડ તરીકે આપી છે અને 200 જેટલી ઇન્કવાયરી આવી છે. આ વખતે સ્ટાર્ટઅપ અને ટેક્‌નોલોજી સમિટમાં મોટી સંખ્યામાં ડેલિગેટ નોંધાવાની 40,000 ફૂટફોલ રહેવાની સંભાવના છે.

આ વખતે સમિટમાં આઠ થીમ પર ગ્રાન્ડ ચેલેન્જ છે તેમાં કુલ ₹3 કરોડ જેટલી ઊંચી રકમ સ્ટાર્ટઅપને ફંડિંગ તરીકે આપવામાં આવશે. ભારતમાં કેટલાક સ્ટાર્ટઅપ આઇટી બેઝ આવ્યા છે. દેશના વિશાળ હિતમાં નાગરિકોને લાભ થાય તેવા વિચારો ધરાવનારા લોકો છે, પરંતુ તેમના આઇડિયા વેરવિખેર છે. આવા લોકોને એક પ્લેટફોર્મ પર લાવવાનો અમારો પ્રયાસ છે.

ભાવિ ટેક્‌નોલોજીને સમસ્યાઓ સાથે જોડીને ઉપાયની દિશામાં આગળ વધી શકાશે. સ્ટાર્ટઅપની સાથે જ ગુજરાતની આઇટી- સોફટવેર કંપનીઓનું એસોસિયેશન ગેસિયાની સાથે યોજાનારી ટેક્‌નોલોજી સમિટમાં આવનારા સીઇઓ સાથે બેઠકો યોજાશે. કેટલાંકને ફંડિંગ પણ મળે તેવા વેન્ચર કેપિટાલિસ્ટ કે નાના રોકાણકારો કે રાજ્યના જ ઉદ્યોગકારોને તેમાં જોડીને ફંડિંગ માટે નવી ઇકો સિસ્ટમ બનાવવાની દિશામાં પહેલ કરવામાં આવશે.

આ સ્ટાર્ટઅપ એન્ડ ટેક્‌નોલોજી સમિટમાં કેનેડા પાર્ટનર કન્ટ્રી છે અને સમિટમાં સ્વિટ્ઝર્લેન્ડ, ઇઝરાયલ, યુકે, ઓસ્ટ્રેલિયા અને સિંગાપોર પણ જોડાશે. આ સમિટમાં અપાનારી ઇનામની રકમ અગાઉ ક્યારેય અપાઈ નથી. યુકેમાં ફંડિંગ મિકેનિઝમ સારી છે, તેમની સાથે ફિક્કી દ્વારા જોડાણ કે સહયોગ કરીશું.

અગાઉ ટેક સ્ટાર્ટઅપમાં યુકે આઠમા નવમા ક્રમે હતું તે હાલમાં ત્રીજા ક્રમે છે, તેવા સંજોગોમાં ઇઝરાયલની જેમ યુકે-સિંગાપોર અને ઓસ્ટ્રેલિયાની સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમ કરાર કરીને આપણે ત્યાં ઊભી કરવા પ્રયત્ન કરી સ્થાનિક સ્ટાર્ટઅપને નવી રાહ ચીંધવામાં આવશે અને તેમને આ દેશોમાં તક અને બજાર બંને મળશે.”

રાજ્યની આઇટી-ટેક કંપનીઓ તેમની ટેક્‌નોલોજી-સર્વિસિસ રજૂ કરશે. રાજ્યમાં એસએમઇનો મોટો બેઝ અને આઇટી કંપનીઓ બંને ભેગા થઈ વધુ સારી સેવા આપવા અને નેક્સ્ટ જેન ટેક્‌નોલોજીમાં કેવી રીતે કામ કરે તેના પર ભાર મૂકશે. કંપનીઓ તેમની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ કે રોબોટિક્સને સ્થાનિક ઉદ્યોગોમાં કેવી રીતે પ્રાથમિકતા અપાય તેના પર પણ ફોકસ કરવામાં આવશે.

વાઇબ્રન્ટ સ્ટાર્ટઅપ સમિટમાં જે ગ્રાન્ડ ચેલેન્જ યોજાશે તેમાં વિવિધ આઠ કેટેગરીના 44 સ્ટાર્ટઅપને પસંદ કરવામાં આવશે અને તેમને ₹3 કરોડ પ્રાઇઝ મની અપાશે. પ્રથમ આવનારને ₹25 લાખ, દ્વિતીયને ₹27 લાખ, તૃતીયને ₹25 લાખ અને પછીના 12 વિજેતાઓને ₹12 લાખ આપવામાં આવશે. આ ઉપરાંત, માત્ર આઇડિયા રજૂ કરનારને પણ ₹10,000 આપવામાં આ‌વશે. રેડી પ્રોડક્ટ ધરાવનારાને પણ ₹નવ લાખનું ઇનામ મ‌ળશે.