બિઝનેસ Archives - Page 44 of 90 - CIA Live

August 20, 2020
dinesh_navadia_cialive.jpg
1min4860

સમગ્ર વિશ્વના હીરા ઉદ્યોગકારોનું ધ્યાન ખેંચાય એવા ગુડ ન્યુઝ સુરત સ્થિત જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના પ્રાદેશિક ચેરમેન શ્રી દિનેશ નાવડીયાએ આપ્યા છે. દિનેશ નાવડીયાએ સુરતમાં હીરા ઉદ્યોગના સ્ટેટ્સ અંગે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે કોરોનાના કારણે સુરતના હીરા ઉદ્યોગમાં ઘણા ચઢાવ ઉતાર છેલ્લા દોઢ મહિનામાં જોવાયા. પણ હવે પરિસ્થિતિ ઝડપથી થાળે પડી છે.

દિનેશ નાવડીયાએ જણાવ્યું કે કોવીડ સેફ્ટી સાથે હીરા ઉદ્યોગ ઝડપથી પૂર્વવત સ્થિતિમાં ધમધોકાર શરૂ થવા તરફ છે. તેમણે સ્થાનિક હીરા ઉદ્યોગકારોને કોરોના સેફ્ટીમાં સહેજ પણ ચૂક નહીં રાખવાની અપીલ પણ કરી છે.

વાંચો શું કહ્યું દિનેશ નાવડીયાએ

દિનેશ નાવડીયા
રિજિયોનલ ચેરમેન
જીજેઇપીસી, સુરત

Covid-19 મહામારી સાથેની કપરી લડાઈમાં ડાયમંડ ઈન્ડસ્ટ્રી આપણા સહિયારા પ્રયાસ થી ફરીથી સામાન્ય બની રહી છે. મેનુફેકચરિંગ યુનિટો અને બજારો માં ગતિશીલતા જોવા મળી રહી છે અને બિઝનેસ માં ફરીથી જોશ દેખાઈ રહ્યું છે.

યુનિટો અને ઓફિસ દ્વારા નિયમો અને ગાઈડલાઇન્સ નું પાલન થઇ રહ્યું છે અને કારીગરો માં વધુ જાગૃતતા આવી છે. આપણી ઈન્ડસ્ટ્રી એ આ કપરા સમયમાં જે સંયમ અને શિસ્ત જાળવ્યું એને જ કારણે આપણે આજે ફરીથી ઈન્ડસ્ટ્રી ને અગાઉ ની જેમ ધમધોકાર શરૂ કરવા તરફ પ્રયાણ કરી રહ્યા છીએ.

આપણી એક નાની સરખી ભૂલ ની સજા આખી ઈન્ડસ્ટ્રી ને ભોગવવી ન પડે તેની કાળજી લેવાની આપણી નૈતિક જવાબદારી છે. સુરત અને હીરા ઉદ્યોગનો ચળકાટ આવનાર દિવસો માં વધુ તેજસ્વી બનશે અને તે માટે આજ શિસ્ત, નિયમપાલન અને સંયમ આપણે પણ જાળવીએ તેવો અનુરોધ કરું છું.

દિનેશ નાવડીયા – રિજિયોનલ ચેરમેન, જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ, સુરત, ગુજરાત, ભારત

August 19, 2020
dream11-1280x853.jpg
1min6820

ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ના ટાઈટલ સ્પોન્સરશિપના અધિકાર ફેન્ટસી સ્પોર્ટ્સ પ્લેટફોર્મ ‘ડ્રીમ-11’ને આપવામાં આવ્યા છે. ડ્રીમ-11એ 222 કરોડ રૂપિયામાં આઈપીએલના સ્પોન્સરશિપ અધિકાર ખરીદ્યા છે.

આઈપીએલના ચેરમેન બૃજેશ પટેલે જણાવ્યું છે કે, આઈપીએલ 2020 ટાઈટલ સ્પોન્સરશિપના અધિકાર ફેન્ટસી સ્પોર્ટ્સ પ્લેટફોર્મ ડ્રીમ-11ને 222 કરોડમાં આપવામાં આવ્યા છે. 

ચીનની કંપનીઓ વિરુદ્ધ સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન બાદ બીસીસીઆઈએ વિવોની સ્પોન્સરશિપને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ ટાટા ગ્રૂપ, ડ્રીમ-11, અનએકેડમી અને બાયજૂ જેવી કંપનીઓ સ્પોન્સરશિપ બનવાની રેસમાં સામેલ હતી. અનએકેડમીએ 21 કરોડ, ટાટા ગ્રૂપે 180 કરોડ અને બાયજૂએ 125 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી. 

August 18, 2020
income_tax-1280x853.jpg
1min5150

કરદાતાઓએ મોટી રકમની લેવડદેવડને પોતાના ઇન્કમ ટૅક્સ રિટર્ન્સમાં દર્શાવવી નહીં પડે, એમ અધિકારીઓએ સોમવારે જણાવ્યું હતું. વર્ષ દીઠ ૨૦,૦૦૦ રૂપિયાથી વધુ હોટેલ-પેમેન્ટ, ૫૦,૦૦૦ રૂપિયાથી વધુ વીમાના પ્રીમિયમના પેમેન્ટ, ૨૦,૦૦૦ રૂપિયાથી વધુ હેલ્થ ઇન્શ્યૉરન્સ પ્રીમિયમ તેમ જ એક લાખથી વધુ રકમના ડોનેશન્સ અને સ્કૂલ-કૉલેજ ફીના પેમેન્ટ સહિતના (રિપોર્ટેબલ) નાણાકીય સોદાના સૂચિત વિસ્તરણના અહેવાલ સંબંધમાં પ્રતિક્રિયા આપતી વખતે અધિકારીએ કહ્યું હતું કે ‘ઇન્કમ ટૅક્સ રિટર્ન્સના ફૉર્મમાં ફેરફાર કરવા વિશે કોઈ જ દરખાસ્ત નથી મળી.’ આવક-વેરા ધારા મુજબ માત્ર થર્ડ પાર્ટી જ મોટી રકમના સોદા વિશેની માહિતી આવકવેરા વિભાગને આપશે. આવી જાણકારી બાકીના વેરા ન ચૂકવતા લોકોને શોધી કાઢવા માટે જ વપરાશે અને એનો ઉપયોગ પ્રામાણિક કરદાતાઓની ચકાસણી કરવા નહીં થાય.

August 14, 2020
faceless.jpg
1min8350

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે દેશમાં નવી કર વ્યવસ્થાનો પ્રારંભ કરાવતા એક નવા અધ્યાયની શરૂઆત થઈ છે. પીએમ મોદીએ ટ્રાન્સપરન્ટ ટેક્સેશન- ઓનરિંગ ધ ઓનેસ્ટ પ્લેટફોર્મને ઓનલાઈન લોન્ચ કર્યું હતું જેમાં ફેસલેસ ટેક્સ સ્ક્રૂટિનીનો આજની પ્રારંભ કરવામાં આવ્યો છે અને ફેસલેસ ટેક્સ અપીલ સેવાનો 25 સપ્ટેમ્બરથી પ્રારંભ થશે. વડાપ્રધાને આ પ્રસંગે દેશના તમામ કરદાતાઓને રાષ્ટ્રનિર્માણના યોગદાન માટે સમયસર ટેક્સ ભરવા પણ આહ્વાન કર્યું હતું.

આ ઉપરાંત આવકવેરા વિભાગ ‘ટેક્સપેયર ચાર્ટર’ને અપનાવશે જે કરદાતા અને આવકવેરા કચેરી બન્નેના અધિકારો તેમજ જવાબદારીઓની રૂપરેખા નિર્ધારિત કરશે. વડાપ્રધાને પોતાના સંબોધમાં જણાવ્યું કે, દેશમાં ગુલામીકાળથી કર વ્યવસ્થા અમલમાં છે અને તેમાં સમયાંતરે ઓછાવત્તા બદલાવો થતા રહ્યા પરંતુ તેનું મૂળ માળખું જૂનું જ રહ્યું હતું અને વ્યવસ્થા જૂનવાણી ઢબે જ ચાલી રહી હતી.

આ માળખાને પગલે દેશના પ્રામાણિક કરદાતાઓ સાથે હંમેશા અન્યાય થતો રહ્યો. જો કે આ પ્લેટફોર્મથી હવે પ્રામાણિક કરદાતાઓને ન્યાય મળી શકશે તેમ પીએમે વધુમાં જણાવ્યું હતું. મોદીએ લોકોને સમયસર કર ચૂકવવા માટે પણ જણાવ્યું હતું. જેમ કરદાતા સાથે સમ્માનપૂર્વક વ્યવહાર કરવો તે કરવેરા અધિકારીની જવાબદારી છે તેમ પોતાનો બાકી કર આપવો તે કરદાતાની જવાબદારીમાં આવે છે.

ભારતમાં વર્તમાન સમયે કોર્પોરેટ ટેક્સનો દર સૌથી ઓછો છે તેમ વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું.

ફેસલેસ ટેક્સ સ્ક્રૂટિની શું છે?

ફેસલેસ ટેક્સ સ્ક્રૂટિની વ્યવસ્થામાં કરદાતા કોણ છે તેમજ કરવેરા અધિકારી કોણ છે તેનો કોઈ અર્થ રહેતો નથી. જૂની વ્યવસ્થા હેઠળ શહેરમાં રહેલા આવકવેરા વિભાગ દ્વારા કરદાતાની તમામ તપાસ થતી હતી પરંતુ હવે કોઈપણ રાજ્ય અથવા શહેરના અધિકારી કોઈપણ સ્થળે તપાસ કરી શકે છે. કમ્પ્યૂટર મારફતે આ નક્કી થશે કે ક્યા ટેક્સ અધિકારીએ કોની સ્ક્રૂટિની કરવી. આ એસેસમેન્ટનો રિવ્યૂ ક્યા અધિકારી પાસે જશે તે પણ કોઈ જાણી શકશે નહીં. આનો સૌથી મોટો ફાયદો એ થશે કે આવકવેરા અધિકારીઓ સાથે પરિચય કેળવીને તેમને પ્રલોભનો આપનારા તત્વો હવે ફાવી નહીં શકે. આ વ્યવસ્થાને પગલે બિનજરૂરી કાયદાકીય ગૂંચવણથી પણ બચી શકાશે. જે લોકો ખોટા વિકલ્પો અપનાવતા હતા અને કરચોરી કરતા હતા તેમને આ વ્યવસ્થાથી મુશ્કેલી પડી શકે છે.

August 13, 2020
food_delivery.png
1min5950

ગુજરાત સરકારે આખરે મોડી રાત સુધી ફૂડ ડિલિવરી ચાલુ રાખવાની મંજૂરી આપતા રેસ્ટોરન્ટ્સને મોટી રાહત મળી છે. સોમવારે સીએમ વિજય રૂપાણી અને ગુજરાત હોટલ્સ એન્ડ રેસ્ટોરન્ટ્સ એસોસિએશન (HRA)ના પ્રતિનિધિઓ વચ્ચે થયેલી બેઠકમાં મોડી રાત સુધી ફૂડ ડિલિવરી ચાલુ રાખવાની મંજૂરી મળી ગઈ છે. આમ ખાવાના શોખીન ગુજરાતીઓ હવે મોડી રાત સુધી રેસ્ટોરન્ટ્સ અને હોટલ ફૂડના મજા માણી શકશે.

ગુજરાત HRAના પ્રેસિડન્ટ નરેન્દ્ર સોમાનીએ જણાવ્યું કે, લોકડાઉન બાદ બહાર ખાતા લોકોની સંખ્યામાં તીવ્ર ઘટાડો થયો છે, જોકે તાજેતરમાં ફૂટફોલ્સમાં નજીવો સુધારો થયો છે, એ પણ વીકેન્ડમાં. અમે આ મુદ્દે રજુઆત કરીને સરકારને 10 વાગ્યા બાદ પણ ફૂડ ડિલિવરીની મંજૂરી આપવા કહ્યું હતું જેથી કરીને આવક ચાલુ રહે. આ અંગે મુખ્યમંત્રીએ અમને સકારાત્મક પ્રતિસાદ આપ્યો અને જણાવ્યું કે, રેસ્ટોરાં રાત્રે 10 વાગ્યે પછી પણ ધંધો કરી શકશે.

રાજ્ય સરકારના સુત્રએ જણાવ્યું હતું કે, ‘એવી કોઈ માર્ગદર્શિકા નથી કે જે રાત્રે 10 વાગ્યા પછી રેસ્ટોરાંઓને ચાલુ રાખવા પર પ્રતિબંધ મૂકી શકે. જો રેસ્ટરન્ટો ઇચ્છતા હોય તો તેઓ મધ્યરાત્રિ પછી ધંધા માટે તેમના પરિસરને ખુલ્લા રાખી શકે છે.’ રાજ્ય સરકાર તરફથી મંજૂરી મળ્યા બાદ હવે આવા રેસ્ટોરાંને ઘણો ફાયદો થશે જેમના બિઝનેસને લોકડાઉનને કારણે ફટકો પડ્યો છે.

સિટી રેસ્ટોરન્ટસના પાર્ટનર દિલિપ ઠક્કરે કહ્યું કે, કેટલાક યુવાનો મોડી રાત સુધી ખાવાનો ઓર્ડર આપે છે. મોડા કામ કરનારા કેટલાંક આઇટી પ્રોફેશનલ્સ પણ મોડાથી ઓર્ડર માંગે છે. રેસ્ટોરન્ટસના અંદાજ મુજબ ડાઇન-ઇન્સમાં ઓછામાં ઓછા 60%નો ઘટાડો થયો છે. જોકે હવે ટેકઓવેને મંજૂરી અપાતા રેસ્ટોરન્ટના વ્યવસાયને બચાવવામાં મદદ મળશે.

August 9, 2020
sandip_2.jpg
2min6780

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

સુરત ડિસ્ટ્રીક્ટ કો. ઓ. બેંકમાં વાઇસ ચેરમેન સંદીપ દેસાઇ ડિસ્ટ્રીક્ટ બેંકની સિસ્ટમનો ઉપયોગ કરીને પોલિટીકલ પાર્ટી ભાજપાના કામો કરી રહ્યા છે. હજુ બે દિવસ પહેલા જ ખુદ સંદીપ દેસાઇએ ફેસબુક પર મૂકેલી પોસ્ટમાં તેમણે લખ્યું છે કે ભાજપાની ઓનલાઇન મિટીંગ એટેન્ડ કરી હતી. આ પોસ્ટના ફોટામાં સંદીપ દેસાઇ જે આલીશાન કેબિનમાં બેઠા છે એ સુરત જિલ્લાના ખાતેદારોના રૂપિયામાંથી બનેલી ડિસ્ટ્રીક્ટ બેંકની માલિકીની છે. નૈતિકતાની વાતો કરીને સહકારી ક્ષેત્રની સંસ્થાઓમાં ઘૂસી રહેલા સંદીપ દેસાઇ ની બેંકમાં બેસીને પોલિટીક્સ કરવાની પ્રવૃતિ સામે ડિસ્ટ્રીક્ટ બેંકના ખાતેદારો દ્વારા રિઝર્વ બેંકમાં ફરીયાદ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

સુરત ડિસ્ટ્રીક્ટ બેંકમાં વાઇસ ચેરમેન તરીકે મળેલી ચેમ્બરમાં બેસીને બેંકના જ કમ્પ્યુટર પર ભાજપાની ઓનલાઇન મિટીંગ એટેન્ડ કરી

પ્રસિદ્ધીના ભૂખ્યા સંદીપ દેસાઇને એટલું ભાન ન રહ્યું કે તેમણે ફેસબુક પર જે ફોટાઓ અપલોડ કર્યા એ જ તેમની સામે પુરાવા બન્યા છે. ડિસ્ટ્રીક્ટ કો.ઓ. બેંકના વાઇસ ચેરમેન તરીકે આલીશાન ઓફીસમાં બેસીને બેંકના કમ્પ્યુટર, ઇન્ટરનેટ વગેરેનો ઉપયોગ કરીને તેઓ ભાજપાની મિટીંગ એટેન્ડ કરતા પોતાના જ ફોટા ફેસબુક પર અપલોડ કર્યા છે.

સુરત ડિસ્ટ્રીક્ટ બેંકમાં વાઇસ ચેરમેન પદે મળતી સત્તાઓનો બેફામ ઉપયોગ

સુરત ડિસ્ટ્રીક્ટ બેંક નાના ખાતેદારોથી ચાલતી બેંક છે. બેંકમાં ભાજપાના નેતાઓના આધારે ઘૂસી ગયેલા સંદીપ દેસાઇ હવે બેંકની મશીનરીનો ઉપયોગ બેફામ રીતે કરી રહ્યા છે. ડિસ્ટ્રીક્ટ બેંકના ખાતેદારોએ રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયાની અમદાવાદ અને દિલ્હી કચેરીને કરવામાં આવી રહેલી ફરીયાદમાં આ બાબતનો ઉલ્લેખ કરતા જણાવ્યું છે કે સંદીપ દેસાઇ સુરત જિલ્લા ભાજપાના મહામંત્રી છે અને તેઓ બેંકની મશીનરી, બેંકમાં તેમને વાઇસ ચેરમેન પદે મળતી સત્તાઓ વગેરેનો ઉપયોગ કરીને રાજકીય કામો બેરોકટોક કરી રહ્યા છે. બેંકના ચેરમેન નરેશ પટેલ તેમજ અન્ય ડિરેક્ટરો પણ તેમની આ પ્રવૃતિથી વાજ આવી ગયા છે છતાં તેમની સામે કોઇ પગલાં ભરતા નથી.

પોતાની આ પોસ્ટ કદાચ સંદીપ દેસાઇ ડિલીટ કરી દે તો નવાઇ નહીં

https://www.facebook.com/photo?fbid=3198262370294614&set=pcb.3198262450294606

August 8, 2020
IndustrialPolicy-2-8-19.jpg
1min5720

ગુજરાતનું મુખ્યમંત્રી તરીકે સૂકાન સંભાળ્યાના પાચમા વર્ષમાં પ્રવેશ નિમિત્તે શુક્રવારે વિજય રૂપાણીએ ‘આત્મનિર્ભર ગુજરાત’ને કેન્દ્ર સ્થાને રાખતી નવી ઔદ્યોગિક નીતિ ૨૦૨૦ની જાહેરાત કરી હતી. કોરોનાની વર્તમાન પરિસ્થિતિને દરકિનારે કરી રાજ્યના સર્વાંગી ઔદ્યોગિક વિકાસને આગળ વધારવા, નવી રોજગારીની તકોના સર્જનને લક્ષ્યમાં રાખી આધુનિક ગુજરાત થકી આધુનિક ભારતના નિર્માણનું વિઝન સાકાર થશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીએ આ તકે વ્યક્ત કર્યો છે.

‘વન નેશન, વન ટેક્સ’ એટલે કે વેટ રિજીમ લાગુ થયા પછી જાહેર થયેલી વિલંબિત ઔદ્યોગિક નીતિમાં રાજ્ય સરકારે તમામ રોકડ લાભોને બંધ કરી દીધા છે અને એની સામે હવે એસજીએસટીના સાપેક્ષમાં લાભ આપવાનો મોર્ડન વિકલ્પ રજૂ કર્યો છે. આવું પગલું ભરનાર ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે તેમ કહી નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ તેમજ અન્ય વરિષ્ઠ સનદી અધિકારીઓની ઉપસ્થિતિમાં પત્રકારોને માહિતી આપતા રૂપાણીએ જણાવ્યું હતું કે, ‘ગુજરાતમાં કોઇપણ કદનું એકમ સ્થાપનારને એના કેપિટલ ખર્ચના ૧૨ ટકાની મર્યાદામાં રોકડ વળતર ચૂકવાશે. આ સિવાયના એસજીએસટીના સાપેક્ષમાં અપાતા વળતરો ડિ લિન્ક કરી દેવાયા છે. આ લાભ રૂ.૪૦ કરોડની ટોચ મર્યાદામાં મહત્તમ ૧૦ વર્ષ સુધી ચુકવાશે. આમાં કોઇપણ ઔદ્યોગિક એકમને લાભ મળશે એ મેગા એકમ, મધ્ય કે સુક્ષ્મ હશે દરેકને એના કેપિટલ ખર્ચના લેખે લાભ મળશે. આ જ રીતે નવા ઉદ્યોગોને ઇલેક્ટ્રિસિટી ડ્યુટીની માફીને પાંચ વર્ષ સુધી લાભ મળશે.’

વિવિધ નવ ટાસ્ક ફોર્સની રચના કરી વિવિધ ક્ષેત્રના લોકો પાસેથી સૂચનો મેળવીને તૈયાર કરાયેલી આ નવી નીતિમાં નવી રોજગારીની તકો, વિવિધ ક્ષેત્રમાં વેલ્યુ એડિશન, આધુનિક ટેકનોલોજી અપનાવી ૪.૦ ઔદ્યોગિક ઉત્પાદક્તામાં વધારો, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પર ભાર મુકી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘આત્મનિર્ભર ભારત’ના સ્વપ્નને સાકાર કરવા પર ભાર મુક્યો છે, તેમ તેમણે ઉમેર્યું હતું. રાજ્યનો વિકાસ હાલની સ્થિતિ મુજબ યથાવત્ રહે તો નવી ઔદ્યોગિક નીતિમાં સરેરાશ રૂ.૮૦૦૦ કરોડનો આઉટ લે એટલે કે ખર્ચ થવાનો અંદાજ છે.

વૈશ્વિક રોકાણોના વલણો, સર્વાંગી મુલ્યવૃદ્ધિત ચેઇન્સને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત, નિકાસ, કેન્દ્ર સરકારની નીતિઓને ધ્યાને રાખી વિવિધ પંદર ક્ષેત્રને થ્રસ્ટ એરિયા તરીકે પસંદ કર્યા છે, તેમ કહી રૂપાણીએ ઉમેર્યું કે, આ પંદર થ્રસ્ટ એરિયાને કોર સેક્ટર અને સનરાઇઝ સેક્ટર્સ તરીકે બે ભાગમાં વિભાજિત કર્યા છે.

ગુજરાત મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રનું હબ છે એટલે એમાં આવતા ઇલેક્ટ્રિકલ અને ઇન્ડસ્ટ્રિયલ મશીનરી, ઓટોમોટિવ, એગ્રો પ્રોસેસિંગ, સિરામિક, ફાર્માસ્યુટિકલ્સ, જેમ્સ એન્ડ જ્વેલરી, નિયત વિસ્તારમાં કેમિકલ્સ વગેરે ક્ષેત્રોને કોર  સેક્ટરમાં સમાવેશ કરાયો છે જ્યારે ટેકનોલોજીકલ પ્રગતિમાં નોંધપાત્ર ફાળો આપી શકે અને સાતત્યપૂર્ણ આર્થિક વિકાસમાં યોગદાન આપી શકે તેવા ક્ષેત્રોમાં ઇલેક્ટ્રિક વાહનો, વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ, ઇકો ફ્રેન્ડલી કોમ્પોસ્ટેબલ મટિરિયલ્સ, ઇન્ડસ્ટ્રી ૪.૦ ઇક્વિપમેન્ટ્સ, સોલાર, વિન્ડ ઇક્વિપમેન્ટ અને નિકાસ આધારિત એકમોને સનરાઇઝ સેક્ટરમાં સમાવિષ્ટ કર્યા છે. આ થ્રસ્ટ સેક્ટર્સને ઔદ્યોગિક નીતિના એક હિસ્સા તરીકે ઇન્ક્રિમેન્ટલ ઇન્સેન્ટીવ આપવામાં આવશે.

નવા એકમોને સરકારી જમીન નિયત સ્થળે ઉપલબ્ધતાના આધારે ફાળવશે. આ જમીન પચાસ વર્ષ માટે લીઝ ઉપર અપાશે અને એનું બજાર કિંમતના ૬ ટકા લેખે ઉદ્યોગકારે ભાડું ચુકવવાનું રહેશે. સરકાર આવા એકમોને બેંકમાંથી લોન લેવા માટે પણ મદદ કરશે, તેમ કહી મુખ્યમંત્રીએ કહ્યું કે, આ નીતિમાં લઘુ, મધ્ય અને સુક્ષ્મ, નાના એકમોને પણ વિશેષ લાભ થાય એમનો પણ પ્રોત્સાહન મળે એની કાળજી રાખવામાં આવી છે. આવા એકમોને ઇન્ટરેસ્ટ સબસિડી પણ ચૂકવાશે. એમને પેટન્ટ આધારિત ટેકનોલોજી મેળવવા માટે પહેલી વખત સરકાર આ નીતિ હેઠળ આર્થિક સહાય ચૂકવશે.

August 5, 2020
Gym_final_0.jpg
1min7570

કેન્દ્ર સરકારે કોરોના વાઇરસની મહામારી વચ્ચે ‘અનલોક-૩’ના ભાગરૂપે બુધવારથી દેશભરમાં યોગ ઇન્સ્ટિટ્યૂટ્સ તથા જિમ્નેશ્યમોને ફરી ખોલવાની છૂટ આપી છે તો એની સાથે નવી માર્ગદર્શિકાઓ પણ બહાર પાડવામાં આવી છે.

આ ગાઇડલાઇન્સમાં યોગ કેન્દ્રો તથા જિમમાં સ્ટાફ અને મુલાકાતીઓ વચ્ચેનો શારીરિક સંપર્ક બને એટલો ઓછો રાખવાની સૂચના અપાઈ છે, કારણકે કોવિડ-૧૯ની જીવલેણ બીમારી માણસ-માણસ વચ્ચેના નજીકના સંપર્કથી, કફ-શરદીને લીધે હવામાં ફેલાતા સૂક્ષ્મ ટીપાં અને બિંદુથી તેમ જ કોઈ સપાટી પરના સ્પર્શથી થતી હોય છે.

જોકે, ક્ધટેઇનમેન્ટ ઝોનમાંના યોગ કેન્દ્રો અને જિમ બંધ રહેશે. માત્ર ક્ધટેઇનમેન્ટ ઝોનની બહારના જ આ કેન્દ્રો ખોલવાની છૂટ અપાઈ રહી છે. સ્પા, સૉના, સ્ટીમ બાથ અને સ્વિમિંગ પૂલને તથા અન્ય સુવિધાઓને હજી પણ ફરી ખોલવાની મંજૂરી નથી અપાઈ.

* ૬૫ વર્ષથી મોટી વયની તથા અન્ય કોઈ મોટી બીમારી ધરાવતી વ્યક્તિઓ, ગર્ભવતી મહિલાઓ તથા ૧૦ વર્ષથી ઓછી વયના બાળકોને બંધબારણે ચાલુ રખાતા જિમથી દૂર રહેવાની સલાહ અપાઈ છે.

* તમામ પ્રકારની ઇમારતોમાં હરહંમેશ ફેસ કવર અથવા માસ્ક ફરજિયાત રહેશે. જોકે, કસરત દરમિયાન માસ્કથી શ્ર્વાસ લેવામાં તકલીફ થવાથી માત્ર વાઇઝરનો ઉપયોગ કરી શકાશે.

* કોવિડ-૧૯ ટ્રૅકર ઍપ ‘આરોગ્ય સેતુ’નો ઉપયોગ કરવાની સૂચના અપાઈ છે.

* યોગ કે જિમની ફરસ વ્યક્તિદીઠ ચાર મીટરની હોવી જોઈએ. સાધનોને એકમેકથી છ ફૂટના અંતરે રાખવા અને શક્ય હોય ત્યાં એ બહાર જ રાખવા.

* ઇમારતમાં પ્રવેશવા તથા બહાર જવા માટે ખાસ માર્ગ બનાવવો અને દીવાલ પર યોગ્ય સૂચના લખવી.

* ઍર-કન્ડિશનિંગ અને વેન્ટિલેશન માટે તાપમાનનું સેટિંગ ૨૪-૩૦ ડિગ્રી સેલ્સિયસનું હોવું જોઈએ અને શક્ય એટલી તાજી હવા માટેની જોગવાઈ હોવી જોઈએ.

* બે સેશન વચ્ચે ૧૫થી ૩૦ મિનિટનો બ્રેક હોવો જોઈએ કે જેથી ઇમારતમાં આવતા તથા જતા મેમ્બરોમાં કોઈ ભીડ ન જામે.

* ફિટનેસ ક્લાસમાં જૂથ દીઠ વ્યક્તિઓની સંખ્યા રૂમના કદ તથા પ્રવૃત્તિના પ્રકારને આધારે મર્યાદિત હોવી જોઈએ.

* ઇમારતના પ્રવેશદ્વાર પર સૅનિટાઇઝર છાંટતા મશીન તથા થર્મલ સ્ક્રીનિંગના સાધનો હોવા જોઈએ. માત્ર સ્ટાફ સહિતના અસિમ્પ્ટોમૅટિક લોકોને જ પ્રવેશવા દેવા જોઈએ.

* જો કોઈ વ્યક્તિને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો હોવાની શંકા જાગે તો એ વ્યક્તિને અલગ રૂમમાં રાખવી. એ રૂમ અન્યોથી અલગ હોય એવી આઇસોલેટેડ હોવી જોઈએ. સ્ટાફે તરત જ સૌથી નજીકની તબીબી સુવિધાના કેન્દ્રને કે રાજ્ય અથવા જિલ્લાની હેલ્પલાઇન ખાતે સંપર્ક કરવો.

August 4, 2020
sandip_desai-1.jpg
3min22350

આદીવાસીઓ – પશુપાલકોના હક હડપનારા સામે સરકારી તંત્રો આંખ મીચી જાય પણ કુદરત થોડી છોડશે

સુમુલ ડેરીના કરોડો રૂપિયાના વહીવટમાં અનેક ગેરરીતિઓ જેના શાસન કાળમાં થઇ છે, જેના શાસન કાળમાં સુમુલ ડેરીના મેનેજિંગ ડિરેક્ટર જેવી જગ્યાએ બોગસ ડિગ્રી ધારકને બેસાડી દેવાયા છે એ ફુલટાઇમ પોલિટીક્સ કરતા રાજુ ઉર્ફે રાજેશ કાંતિલાલ પાઠકના સભ્યપદ સામે જ ફરીયાદો ઉઠી છે. સ્થાનિક સ્તરે સિટી પ્રાંત, સુરત જિલ્લા કલેક્ટરેટ દ્વારા સભ્યપદ રદ કરવા સામેની અરજી પર ડિપ્લોમેટીક જવાબ અપાયા બાદ હવે રાજુ પાઠક સામેની અરજી ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવી છે.

પેટ્રોલ પંપ, સીએનજી જેવા ધંધા તેમજ રાજનીતિમાં રચ્યા પચ્યા રહેતા રાજુ પાઠક અને રાજનીતિમાં ગળાડુબ સંદીપ દેસાઇ સુમુલ ડેરીમાં ઘૂસવા માટે કાગજકીય પુરાવાઓ ઉભા કરીને સુમુલ ડેરીના ચોપડે પશુપાલક બની ગયા હોવાની ફરીયાદ છેક હાઇકોર્ટ સુધી કરવામાં આવી છે. હકીકતમાં આદીવાસીઓ અને પશુપાલકોના હિતમાં બનેલી સંસ્થામાં વીઆઇપીઓ જ પાછલે બારણે, કાયદાની છટકબારીઓનો લાભ લઇને પશુપાલકો બની ગયા છે અને સુમુલ ડેરીનો અબજો રૂપિયાનો કારોબાર મનસ્વી રીતે કરવા માટે ચૂંટણીમાં પેંતરાબાજી રમી રહ્યા હોવાની ફરીયાદો ઉઠી છે.

રાજુ પાઠક અને સંદીપ દેસાઇ ભાજપના હાઇકમાન્ડના ઇશારે સુમુલ ડેરીમાં આદીવાસીઓ અને પશુપાલકોના હક છીનવીને સુમુલ ડેરીના વહીવટ હસ્તગત કરવા હાલ યોજાઇ રહેલી ચૂંટણીમાં પેંતરાબાજી કરી રહ્યા હોવાનું પ્રતીત થઇ રહ્યું છે.

આદીવાસીઓ અને ગૌપાલકોના હક છીનવીને સુમુલ ડેરીનો વહીવટ હસ્તગત કરવાની આ પ્રવૃતિ સામે હવે સુમુલડેરીના મતદાતાઓમાં પણ અવેરનેસ આવી છે. સુમુલ ડેરીનો વહીવટ હસ્તગત કરવામાં નૈતિકતા કેટલી હદે નેવે મૂકી દેવામાં આવી છે અને મૂળ પશુપાલકો અને આદીવાસીઓના હિત માટે જેની રચના કરવામાં આવી છે એવી સંસ્થાની સત્તા હાંસલ કરવામાં કેવા કાવાદાવાઓ થયા છે એ જ્યારે સાંભળીએ ત્યારે એવું માની લઇએ કે નથીંગ ઇઝ ઇમ્પોસીબલ.

મહુવાના મીયાપુર ચોકડી ખાતે મહુવા આદીવાસી સંગઠન દ્વારા રાજુ પાઠક વિરુદ્ધ દેખાવો

સુમુલડેરીમાં કરોડો રૂપિયાના ગેરવહીવટ માટે જેને જવાબદાર માનવામાં આવે છે એ રાજુ પાઠકે નૈતિકતા નેવે મૂકીને દૂધમંડળીનું સભ્યપદ લીધું હોવાની ફરીયાદ ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવી છે. આ અંગે સ્થાનિક ચૂંટણી અધિકારી સિટી પ્રાંતે ભલે ડિપ્લોમેટીક જવાબ આપીને તેમને બચાવી લીધા હોય પરંતુ, હાઇકોર્ટમાં આ મુદ્દો પડકારવામાં આવ્યો છે.

રાજુ પાઠકના સભ્યપદની ધાંધલીમાં આ આરોપો છે

  • રાજુ પાઠકનું રહેઠાણ સુરત શહેરના વેસુમાં છે
  • મોસાલીમાં તેમનું રહેઠાણ નથી
  • મોસાલીમાંથી બનેલી સુમુલ ડેરીની મતદાર યાદીમાં નામ છે
  • એ મોસાલીના વતની નથી અને મોસાલીમાં તેમનો ભેંસનો તબેલો
  • માંગરોળની શાહ ગામની મંડળીમાંથી તેઓ 2006ની ચૂંટણી લડેલા અને ત્યાંથી જ પ્રતિનિધિ બન્યા હતા
  • શાહ મંડળીમાં આજની તારીખે તેમનું નામ બોલે છે

જ્યાંથી રાજુ પાઠકે સુમુલ ડેરીની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે એ મોસાલીનું સર્ટિફીકેટ શું કહે છે વાંચો અહીં

રાજુ પાઠક જ્યાંથી સુમુલ ડેરીના ચેરમેન બનવા માટે ચૂંટણી લડી રહ્યા છે એ માંગરોલ તાલુકાના મોસાલી ગામના તલાટી કમ મંત્રી એ સર્ટિફાય કરી આપ્યું છે કે ગ્રામ પંચાયતના દફતરે તેમના નામે ગાય, ભેંસનો તબેલો આવ્યો નથી. આ અંગેનો દાખલો પણ લખી આપવામાં આવ્યો છે.

સંગીન મુદ્દો એ છે કે શાહ મંડળીમાં તેમનું નામ ઠામ બોલે છે, ત્યાં દુધ ક્યારેય ભર્યું નથી અને હવે મોસાલીમાંથી તેમનું નામ રજૂ થયું છે

હકીકતમાં સુમુલ ડેરીના હાલના ચેરમેન અને રાજુ પાઠક શાહ મંડળીના સભ્ય છે, શાહ મંડળીના પ્રમુખ ઉમેશ મગન વસાવાએ ઉપરોક્ત સર્ટિફિકેટ આપીને તમામ હકીકતો સ્પષ્ટ કરી દીધી છે.

રાજુ પાઠકે જ્યાંથી ઉમેદવારી નોંધાવી છે એ મોસાલીના સરપંચ શું કહે છે જુઓ

માંગરોળ તાલુકાના મોસાલી ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીએ જણાવ્યું છે કે રાજેશ કાંતિલાલ પાઠકનું નામ મોસાલી ગ્રામ પંચાયતમાં નોંધાયેલું નથી

માંગરોળ ગ્રામ પંચાયતે સર્ટિફાય કર્યું છે કે રાજેશ કાંતિલાલ પાઠકનું નામ ત્યાંની મતદાર યાદીમાં સામેલ છે

માંગરોળ વિધાનસભાની મતદાર યાદીમાં રાજુ પાઠકનું નામ સામેલ છે

સંદીપ દેસાઇની ફેસબુક વોલ પરથી લેવાયેલી આ તસ્વીર. આવી તસ્વીરોથી ભરેલી છે તેમની ફેસબુક મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખથી લઇને વડાપ્રધાન સુધીની હસ્તીઓ સાથે ફોટા પડાવીને તેઓ એની ઇમેજ એન્કેશ કરી રહ્યાના આક્ષેપો ભાજપામાં થઇ રહ્યા છે

સંદીપ દેસાઇ સુમુલડેરીના ચોપડે પશુપાલક બની ગયા છે અને ચોર્યાસીની બેઠક પરથી ઉમેદવારી પણ નોંધાવી દીધી છે

સુરત જિલ્લા ભાજપના મહામંત્રી તરીકે સંદીપ દેસાઇ ફુલટાઇમ રાજનીતિ કરી રહ્યા છે, એક સમયે સુરેશદાદા, માનસિંહ પટેલ વગેરેના ખાસમખાસ બનીને ફરતા સંદીપ દેસાઇ હવે સી.આર. પાટીલના બંગલે અને ઓફિસે જોવા મળી રહ્યા છે. સંદીપ દેસાઇ માટે કહેવાય છે કે ઉઠે ત્યારથી જ રાજનીતિમાં હોય છે, બાકીના સમયમાં ડિસ્ટ્રીક્ટ બેંક, એપીએમસી વગેરેના ખણખોદ કરતા હોય છે એ પછી પણ તેમની પાસે ટાઇમ હોય છે દૂધમંડળીમાં દૂધ ભરવાનો અને તેના આધારે તેઓ પોતાને પશુપાલક કહેવડાવે છે અને તેના આધારે ચોર્યાસીની સુમુલની સીટ પરથી હવે ઉમેદવારી પણ કરી લીધી છે. બીજાના નામે પોતાના ખાતે દૂધ ભરાવવાની પ્રવૃતિ હવે છાપરે ચઢીને પોકારી રહી છે.

દેખીતી રીતે જેણે એક લિટર દૂધ સુમુલમાં ભર્યું નથી, બીજાનું દૂધ પોતાના ખાતે ભરાવાની પેરવી કરનાર રાજુ પાઠક અને સંદીપ દેસાઇ સામે ભારે રોષ

સુમુલ ડેરીના વહીવટને હસ્તગત કરવા માટે નૈતિકતાના તમામ ધોરણો નેવે મૂકનાર સંદીપ દેસાઇ અને રાજુ પાઠક માટે કહેવાય છે કે દેખીતી રીતે પોતે સ્વયં એક લિટર દૂધ સુમુલ ડેરીમાં ભર્યું નથી, પણ બીજાનું દૂધ પોતાના ખાતે સુમુલમાં ભરાય તેની ખાસ તકેદારી રાખી કે જેથી સુમુલ દફતરે સક્રિય પશુપાલક હોવાનું દર્શાવી શકાય. હકીકત તો તેમની પાસે ગાય-ભેંસ કે દૂધાળા પશુઓના તબેલાનો ધંધો કરી રહ્યા આમ છતાં, દંભ કરીને કાગળ પર પશુપાલક બની બેઠા છે. ચૂંટણી અધિકારીએ પણ સત્તા સામે આંખો મીચી દીધી છે પણ સુમુલ ડેરીના મતદારો કહી રહ્યા છે બધેથી છટકી શકશે પણ કુદરત તેમને નહીં છોડે.

August 3, 2020
sumul_dairy.jpg
1min11110

સુમુલ ડેરીની ચૂંટણીનું ડર્ટી પોલિટીક્સ, સરકારના બબ્બે મંત્રીઓ ભાજપામાં જ લાચાર

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

અઠંગ રાજકારણીઓને પણ શરમાવે તેવી ચાલબાજી દક્ષિણ ગુજરાતની સૌથી મોટી દૂધ ડેરી, સુમુલ ડેરીની આગામી તા.7મી ઓગસ્ટે યોજનારી ચૂંટણીને અનુલક્ષીને રમાઇ રહી છે. ભાજપના જ બે જૂથો વચ્ચેની આ લડાઈમાં પોલિટીક્સ રમવામાં વર્તમાન ચેરમેન રાજુ પાઠક એન્ડ કંપનીએ ભાજપના હાઇકમાન્ડના જોરે એવો દાવ રમ્યો છે કે તેમની સામે સહકાર પેનલના કેપ્ટન માનસિહ પટેલ જ મહુવા બેઠક પરથી ચૂંટણી જ ન જીતી ન શકે તેવી સ્થિતિ સર્જાવા તરફ છે.

ભાજપમાં બબ્બે મંત્રીઓ ગણપતસિંહ વસાવા અને ઇશ્વર પરમારની અવગણના

વિશ્વસનીય સૂત્રોએ આપેલી માહિતી મુજબ સુમુલ ડેરીમાં વિતેલા વર્ષોમાં થયેલો કરોડો રૂપિયાના ગેરવહીવટ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઇને મુખ્યમંત્રી વિજય રુપાણી સુધી રાજુ પાઠક સામે ફરીયાદો થઇ છે, આમ છતાં ભાજપ હાઇકમાન્ડનું એક જૂથ સુમુલ ડેરીની ચૂંટણીમાં રાજુ પાઠક અને સંદીપ દેસાઇ માટે સોફ્ટ કોર્નર ધરાવે છે અને એટલે જ સુમુલની ચૂંટણીમાં માનસિંહ પટેલની સહકાર પેનલની પડખે હોવા છતાં રાજ્ય સરકારના બબ્બે મંત્રીઓ ગણપતસિંહ વસાવા અને ઇશ્વર પરમારની હળાહળ અવમાનના થઇ રહી છે. સી.આર. પાટીલ બીજેપી પ્રેસિડેન્ટ બનવા પહેલા જીતુ વાઘાણીએ રાજુ પાઠક એન્ડ કંપનીની બ્રીફ પકડી હતી. પરંતુ, એ પછી તેઓ પ્રદેશ પ્રમુખ જ ન રહ્યા.

સમાધાન ફોર્મ્યુલાની પાછળ અદ્દલ રાજનીતિ

સુમુલની ચૂંટણી ભાજપના ઘરમાં ભડકો કરે એવી દહેશતને પગલે ભાજપ હાઇકમાન્ડે સમાધાનની ફોર્મ્યુલા ઘડી કાઢી હતી. રાજુ પાઠક જૂથ સમાધાન માટે પહેલેથી જ તત્પર છે, પણ માનસિંહ પટેલ જૂથ એના માટે બિલકુલ રાજી નથી.

  • સમાધાનમાં એવું નક્કી થયું કે સુમુલ ડેરીના ચેરમેન આદીવાસી સમૂહમાંથી જ હોય
  • સુમુલ ડેરીના ચેરમેન માનસિહ પટેલ બને
  • સુમુલડેરીના વાઇસ ચેરમેન રાજુ પાઠક બને
  • સુરત જિલ્લામાં આવતી બેઠકો પર સમાધાન થાય (મહુવા સિવાય)
  • સુરત જિલ્લા બહાર, વ્યારામાં આવતી બેઠકો પર કોંગ્રેસ પ્રેરીત કે અપક્ષો સામે લડી લેવાનો વ્યૂહ

હવે ઉપરોક્ત મુદ્દાઓમાં એક સંગીન રાજનીતિ સુરત જિલ્લામાં આવતી મહુવા બેઠક પર છે જ્યાં માનસિંહ પટેલ કે જેઓ સહકાર પેનલના કેપ્ટન છે, તેમની સામે બબ્બે અપક્ષ ઉમેદવારો મેદાનમાં છે. ભાજપમાં અંદારો અંદર થનારા સમાધાનમાં આ બેઠક પર તો માનસિંહે ચૂંટણી લડવાની થાય છે.

મહુવા બેઠક પર સુમુલ સહકાર પેનલના પ્રણેતા માનસિંહ પટેલ સામે અપક્ષ ઉમેદવાર જીગર નાયક (સિમ્બોલ ચા-કીટલી) અને અન્ય અપક્ષ ઉમેદવાર દિનેેશ પટેલ (સિમ્બોલ બેટ) સામે ત્રિપાંખીયો જંગ ખેલે અને અહીં ભાજપમાં માનસિંહ વિરોધીઓએ ગેમ બિછાવી છે કે માનસિંહને જ હરાવી દેવામાં આવે, જેથી તેઓ ચેરમેન પદના દાવેદાર જ ન રહે અને રાજુ પાઠક માટે ફરી ચેરમેન બનવાનો માર્ગ મોકળો થઇ જાય.

સૌથી સંગીન મામલો ફેક ડિગ્રી અંગેનો

સુમુલ ડેરીમાં રાજુ પાઠકના શાસન કાળ દરમિયાન થયેલી કરોડો રૂપિયાની ગેરરીતીઓની વિગતો જે વડાપ્રધાનથી લઇને ગૃહમંત્રી અને ગુજરાતના મુખ્યમંત્રી સુધી પહોંચાડવામાં આવી છે તેમાં એક મુદ્દો એક ઉચ્ચાધિકારીની ડિગ્રી ફેક હોવા અંગેનો પણ છે. કહેવાય છે કે આ ઉચ્ચાધિકારીએ રજૂ કરેલી ડિગ્રી બી.ટેક.ની છે અને એ પણ પાર્ટ ટાઇમ. મુદ્દો એ છેકે ભારતમાં એવા કોઈપણ કોર્સ પાર્ટ ટાઇમ ન થઇ શકે કે જેમાં પ્રેક્ટીકલ્સ અને લેબોરેટરીની જરૂર હોય. બી.ટેક. ટેકનિકલ કોર્સ છે અને એ પાર્ટ ટાઇમ ન થઇ શકે, આમ છતાં આ પ્રકારની ડિગ્રી રજૂ કરવામાં આવી છે. ઘણાં સભ્યોની માગણી છે કે આની તલસ્પર્શી તપાસ થાય અને સત્ય જે હોય તે ઉજાગર કરવામાં આવે.

સંદીપ દેસાઇ ભાજપ મહામંત્રી, સુ.ડી.બેંક, એ.પી.એમ.સી. અને હવે સુમુલમાં ઘૂસી ગયા

સુમુલ ડેરીની ચૂંટણીમાં સુરત જિલ્લા ભાજપનું નામ વટાવી ખાવામાં માહીર સંદીપ દેસાઇ પહેલા સુરત જિલ્લા ભાજપના મહામંત્રી બન્યા અને હવે તેમને આગામી વિધાનસભામાં ચોર્યાસી બેઠક પરથી ચૂંટણી લડીને ભાજપના નામે ધારાસભ્ય અને મિનિસ્ટર બનવું છે. સંદીપ દેસાઇ ભાજપના ગોડફાધરોના લોબિંગ થકી સુરત જિલ્લા ભાજપના મહામંત્રી, સુરત ડિસ્ટ્રીક્ટ કો.ઓ. બેંકના ડીરેક્ટર અને પછી વાઇસ ચેરમેન પદે એ પછી એ.પી.એમ.સી.માં વાઇસ ચેરમેન પદે અને હવે સુમુલ ડેરીમાં ઘૂસી ગયા છે. હોદ્દાઓ અને ખુરશીઓ પાછળની તેમની દોટ માત્રને માત્ર સુરત ચોર્યાસી વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય બનવા માટેની છે અને તેઓ અત્યાર સુધીની તેમની બાજીઓમાં સફળ પણ રહ્યા છે. હાલ સી.આર. પાટીલના જોર પર સુમુલ ડેરીની ચૂંટણીમાં ભાજપના જ ગણપતસિંહ વસાવા અને ઇશ્વર પરમાર જેવા નેતાઓ સામે પડ્યા છે.

હવે પછી રાજુ પાઠકના સમયમાં સુમુલડેરીમાં થયેલા કરોડો રૂપિયાના ગેરવહીવટની મુદ્દાસર વિગતો પ્રકાશિત કરીશું