CIA ALERT

Alert Archives - Page 493 of 519 - CIA Live

August 12, 2018
ko1.jpg
1min9760

નોર્થ કોરિયા ખાતે સરકારની સ્થાપનાની 70મી જયંતી આવતા મહિને ઉજવાઈ રહી હોવાથી નોર્થ કોરિયાએ પ્યોંગયાંગની મુલાકાતે આવનારા ચાઇનીઝ પ્રવાસીઓના સમૂહને નોર્થ કોરિયા આવવાની પરવાનગી આપવા મનાઈ ફરમાવી છે.

ચાઇનીઝ ટુર ઓપરેટર્સને આગામી 20 દિવસ પ્યોંગયાંગ સહિત નોર્થ કોરિયામાં હોટલ રિનોવેશનનું કામ ચાલુ હોવાથી પ્યોંગયાંગની ટૂર યોજવા પર પ્રતિબંધ મુકાઈ રહ્યો હોવાનું પ્યોંગયાંગ દ્વારા જણાવવામાં આવ્યું હતું. અગાઉ પણ નોર્થ કોરિયા વિદેશીઓને નોર્થ કોરિયાની મુલાકાત માટે પ્રતિબંધ મૂકી ચૂક્યું છે, જે માટે દેશ દ્વારા અન્ય કાર્યક્રમોના આયોજનનું કારણ જણાવવામાં આવ્યું હતું.

અન્ય ટ્રાવેલ એજન્સી દ્વારા પણ તેમના ચાઇનીઝ પાર્ટનરને ‘સ્ટેટ ડિસીઝન’ હેઠળ ચાઇનીઝ ગ્રૂપ ટૂરનું આયોજન નહીં કરવા જણાવવામાં આવ્યું છે. નોર્થ કોરિયન નેતા કિમ જોંગ ઉન દ્વારા નવા વર્ષના વક્તવ્યમાં જ 70મા રિપબ્લિક દિવસની ભવ્ય ઉજવણીની જાહેરાત કરવામાં આવી હતી. ઉજવણીમાં નોર્થ કોરિયન નાગરિકો સહિત ફોરેન ડેલિગેશન પણ તેના સાંસ્કૃતિક મહોત્સવમાં જોડાશે.

સૂત્રો દ્વારા જણાવ્યા મુજબ નોર્થ કોરિયાની મુલાકાતે જનારા ચાઇનીઝ લોકોની સંખ્યામાં વધારો થયો છે. નોર્થ કોરિયાના વિવિધ સ્થળો ઉપરાંત ડિમિલિટરાઇઝડ ઝોનની મુલાકાતે પ્રતિદિન 1000થી 2000 લોકો જઈ રહ્યા છે.

August 12, 2018
mg.jpg
1min7970

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુજીસી)એ મંજૂરી આપી હોવા છતાં

દેશની કોઈ યુનિવર્સિટીએ મહાત્મા ગાંધી ચૅરની સ્થાપના નથી કરી

યુનિવર્સિટીઓ રચનાત્મક કામગીરી કરવાની જગ્યાએ બિનજરૂરી કામગીરીઓમાં જોતરાયેલી રહેતી હોય છે અને જે કાર્ય ભારતની ભાવિ પેઢી માટે રચનાત્મક હોય તેમાં તો સાવ જ ઉદાશીન રહે છે.

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુજીસી)એ મંજૂરી આપી હોવા છતાં દેશની કોઈ યુનિવર્સિટીએ મહાત્મા ગાંધી ચૅરની સ્થાપના નથી કરી, એમ કેન્દ્રના માનવસંસાધન અને વિકાસ ખાતાના અધિકારીએ જણાવ્યું હતું.

યુનિવર્સિટીની યંત્રણાનાં શૈક્ષણિક સ્રોતોને વધુ સમૃદ્ધ કરવાના આશયથી યુજીસીએ વિખ્યાત અને પ્રેરણાદાયી લોકો તેમ જ જે તે ક્ષેત્રમાં અમૂલ્ય યોગદાન આપનાર લોકોના નામની ચૅરની સ્થાપના કરવાની યોજના ઘડી કાઢી હતી. શાંતિ, અહિંસા, સ્વતંત્રતાની ચળવળ અને રાષ્ટ્રીય એકતામાં અભૂતપૂર્વ અને અમૂલ્ય યોગદાન આપવા બદલ યુજીસીએ મહાત્મા ગાંધી ચૅરની સ્થાપના કરવાની મંજૂરી આપી હતી, પરંતુ દેશની કોઈ યુનિવર્સિટી દ્વારા મહાત્મા ગાંધી ચૅરની સ્થાપના તો કરવામાં નથી જ આવી, પરંતુ એ માટેનો પ્રસ્તાવ પણ યુજીસીને ન મળ્યો હોવાનું માનવસંસાધન અને વિકાસ ખાતાના વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું. જોકે વિદ્યાર્થીઓ ગાંધીજી અંગેનો અભ્યાસ કરવામાં રસ લેતા હોવાનું જણાઈ રહ્યું છે તાજેતરમાં વરસોમાં સ્નાતક, અનુસ્નાતક, એમ. ફિલ અને પીએચડીના વિદ્યાર્થીઓએ ગાંધીજીના વિષયના અભ્યાસ માટે તેમનું નામ નોંધાવ્યું છે. સત્તાવાર આંકડાઓ મુજબ વર્ષ 2017-18માં યુજીસીના ગાંધીજીને લગતા અભ્યાસક્રમ માટે 419 વિદ્યાર્થીઓએ તેમનું નામ નોંધાવ્યું હતું તો આ માટે નામ નોંધાવનાર પૉસ્ટગ્રેજ્યુએટ, એમ.ફિલ અને પીએચડીના વિદ્યાર્થીઓનો આંક અનુક્રમે 796, 51 અને 78 રહ્યો હતો.

August 11, 2018
logo.jpg
1min9190

સૌથી પહેલાં ડી. શિવાનંદને વધારાના ભોજનને ડોનર પાસેથી કલેક્ટ કરવા માટે અને એને જરૂરિયાતમંદ સુધી પહોંચાડવા માટે એક ટેમ્પો ડોનેટ કર્યો. અત્યારે મુંબઈમાં રોટી બૅન્કની બે વૅન મુંબઈભરમાંથી ભોજન કલેક્ટ કરવાનું અને ભોજન ડિસ્ટ્રિબ્યુટ કરવાનું કામ કરે છે. ચોવીસ કલાક માટે એક હેલ્પલાઇન નંબર ચાલે છે, જેના પર ફોન કરીને લોકો ભોજન ડોનેટ કરવા માટે સંપર્ક કરી શકે.

મુંબઈના ભૂતપૂર્વ પોલીસ-કમિશનર ડી. શિવાનંદન અને કેટલાક વર્કિંગ પ્રોફેશનલ્સે મળીને રોટી ફાઉન્ડેશન મુંબઈની સ્થાપના કરી છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય છે ભોજનનો બગાડ થતો અટકાવવો. એટલે કે મુંબઈભરમાં જ્યાં પણ એક્સ્ટ્રા અથવા વધેલું ખાવાનું હોય એને નિર્ધારિત સ્થળે એકત્રિત કરીને એને ભૂખ્યા લોકો સુધી સમયસર પહોંચાડવાનું ઉત્કૃષ્ઠ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. દાનવીરોની નગરી ગણાતા સુરત શહેરમાં આવી કોઇ રોટી બેંકની શરૂઆત થશે ખરી

સુરત શહેરમાં આમ તો છુટીછવાયી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. કેટલાક લોકો, કેટલીક સંસ્થાઓ ગરીબ લોકો સુધી ખાવાનું પહોંચતું કરી રહ્યા છે પરંતુ, તેમાં એકસૂત્રતો જોવા મળતી નથી. મુંબઇમાં રોટી બેંકની કામગીરી જોઇને સુરતમાં જો આ પ્રકારે કાર્યવાહી હાથ ધરવામાં આવે તો સુરતમાં કદાચ કોઇ ભૂખ્યું નહીં સૂવે.

 

મુંબઈમાં થતા ક્રાઇમને ઘટાડવા માટે ભૂખ્યાને ભોજન મળી જાય એવી વ્યવસ્થા થાય તો પણ ઘણું કામ થશે. આવો વિચાર આવેલો મુંબઈના ભૂતપૂર્વ પોલીસ-કમિશનર ડી. શિવાનંદનને. આ વિચારથી પ્રેરાઈને જ તેમણે રોટી બૅન્કની શરૂઆત કરી છે ૨૦૧૭ના ડિસેમ્બરથી, જેના અંતર્ગત અત્યાર સુધીમાં લગભગ એક લાખ લોકોને ભોજન પીરસવામાં આવ્યું છે.

 

રોટી બૅન્ક દ્વારા અત્યાર સુધીમાં લગભગ એક લાખ મીલનું વિતરણ થઈ ચૂક્યું છે. જોકે તેમનો ટાર્ગેટ છે મહિનામાં ઓછામાં ઓછી દસ લાખ ફૂડ પ્લેટનું વિતરણ થાય.

મુંબઈમાં પણ એવા લાખો લોકો છે જેમને ખાવાનાં સાંસા છે. કેટલાક દિવસમાં એક વડાપાંઉ અને પાણીથી પેટ ભરે છે તો કેટલાકને એક ટંક ભોજન પણ માંડ મળે છે. ભૂખ્યો માણસ પોતાની ભૂખને પોષવા માટે ખોટો રસ્તો અપનાવતાં ખચકાતો નથી.

રોટી બૅન્કનો મૂળ વિચાર મુંબઈના ડબ્બાવાળાઓનો હતો, જેમણે સૌથી પહેલાં મુંબઈમાં જ્યાં પણ વધારાનું ખાવાનું હોય તેમની પાસેથી એ એકત્રિત કરીને એને મુંબઈના જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવાનું શરૂ કર્યું. જોકે આ કામને નેક્સ્ટ લેવલ પર લઈ જવાનું કામ કર્યું ડી. શિવાનંદન અને વિદેશમાં વસતા નીતિન ખાનપુરકરે. આ બન્ને મહાનુભવોએ મળીને ગયા વર્ષના ડિસેમ્બર મહિનામાં જાણીતા ઑપ્થેલ્મોલૉજિસ્ટ ડૉ. નટરાજન, ઇન્ડસ્ટ્રિયલિસ્ટ સુશીલ જીવરાજકા, સાઇકોલૉજિસ્ટ તરલ પારેખ, બૅન્કર અસ્મિતા ગડા જેવા અગ્રણી પ્રોફેશનલ્સને જોડીને રોટી ફાઉન્ડેશન મુંબઈની સ્થાપના કરી છે. સમાજ-કલ્યાણ માટે વર્ષોથી સક્રિય ડી. શિવાનંદન કહે છે, ‘આ કન્સેપ્ટ નવો નથી. ઘણા લોકો મુંબઈમાં અને દેશના અન્ય ખૂણામાં પણ આ રીતે લોકોને ખાવાનું પહોંચાડે છે. અમારી મકસદ છે કે ફૂડનો બગાડ ન થાય. સારું અને તાજું ખાવાનું આમ જ ગટરમાં નખાતું હોય અને બીજી બાજુ લાખો લોકો બ્રેડના ટુકડા માટે તરસતા હોય એ કેવી રીતે ચાલે? આજે ભૂખમરો વૈશ્વિક પ્રશ્ન બની ચૂક્યો છે ત્યારે ખાવાનું ગટરમાં જતું અટકાવવું એ આપણા સૌની પહેલી જવાબદારી છે.

સૌથી પહેલાં ડી. શિવાનંદને વધારાના ભોજનને ડોનર પાસેથી કલેક્ટ કરવા માટે અને એને જરૂરિયાતમંદ સુધી પહોંચાડવા માટે એક ટેમ્પો ડોનેટ કર્યો. અત્યારે મુંબઈમાં રોટી બૅન્કની બે વૅન મુંબઈભરમાંથી ભોજન કલેક્ટ કરવાનું અને ભોજન ડિસ્ટ્રિબ્યુટ કરવાનું કામ કરે છે. ચોવીસ કલાક માટે એક હેલ્પલાઇન નંબર ચાલે છે, જેના પર ફોન કરીને લોકો ભોજન ડોનેટ કરવા માટે સંપર્ક કરી શકે. અત્યારે આ સંસ્થા દ્વારા સરેરાશ ૪૦૦ લોકોને ભોજન પૂરું પાડવામાં આવે છે.

રોટી બૅન્કમાં અત્યારે બે ડિસ્ટ્રિબ્યુશન વૅન ચાલે છે, જેના માટે એક હેલ્પર અને એક ડ્રાઇવર એમ ચાર લોકોનો ફુલટાઇમ સ્ટાફ છે. તેમનો પગાર અને ટેમ્પોના મેઇન્ટેનન્સનો ખર્ચ સંસ્થા દ્વારા અત્યારે કરવામાં આવે છે. ૨૦૧૭ની ૨૩ ડિસેમ્બરથી ફુલફ્લેજ્ડ શરૂ થયેલા આ કૅમ્પેનને મીડિયા અને સોશ્યલ મીડિયાને કારણે સારોએવો રિસ્પૉન્સ મળ્યો છે.

લોઅર પરેલમાં આવેલી શ્રી સુંદર નામની રેસ્ટોરાં દ્વારા રોજના દોઢસો લોકો જમી શકે એટલું શ્રેષ્ઠ ગુણવત્તાનું ખાવાનું ડોનેટ કરવામાં આવે છે. હિન્દુજા હૉસ્પિટલે પણ સંસ્થા સાથે MoU સાઇન કર્યું છે અને ત્યાંથી પણ લંચ અને ડિનરમાં સોથી દોઢસો લોકોનું ખાવાનું આપવામાં આવે છે. એ સિવાય DP નામની એક રેસ્ટોરાં દ્વારા રોજ દોઢસોથી બસો લોકો માટે નજીવા દરે ખાવાનું બનાવી આપવામાં આવે છે, જે તાતા હૉસ્પિટલની બહાર ડિસ્ટ્રિબ્યુટ કરવામાં આવે છે. પવઈની એક સોસાયટી દ્વારા દર શનિવારે લગભગ સવાસોથી દોઢસો લોકોને થઈ રહે એટલું ખાવાનું ડોનેટ કરવામાં આવે છે. સોસાયટીની બહેનો પોતપોતાના ઘરે પણ એક જ ડિશ બનાવે છે અને પછી એ રસોઈને ભેગી કરવામાં આવે છે.

રોટી બૅન્ક દ્વારા વિવિધ સ્કૂલ અને કૉલેજમાં સેમિનાર પણ થાય છે અને વધુ ને વધુ વિદ્યાર્થીઓ વૉલન્ટિયર તરીકે જોડાઈ રહ્યા છે. સંસ્થાના ટ્રસ્ટી મંડળમાં પણ યંગસ્ટર્સ છે.

રોટી બૅન્કનો હેલ્પલાઇન નંબર છે ૮૬૫૫૫૮૦૦૦૧. ફૂડ-ડોનેશન માટે તમે આ નંબર પર સંપર્ક કરી શકો છો. રોટી બૅન્ક વિશે વધુ માહિતી જોઈતી હોય તો તેમની વેબસાઇટ http://www.rotibankindia.org પર વિઝિટ કરો.  

 

August 11, 2018
purnesh.jpg
1min11440

167-સુરત પશ્ચિમ વિધાનસભા ના ભાજપાના ધારાસભ્ય શ્રી પૂર્ણેશભાઇ મોદીએ આજે અત્રે એક પત્રકાર પરિષદમાં એવી જાહેરાત કરી હતી કે તેઓ જ્યાં સુધી ધારાસભ્ય પદે રહેશે ત્યાં સુધી તેમને દર મહિને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતું માસિક ભથ્થું સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિને સુપરત કરી દેશે.

હિંદુત્વના રક્ષણ અને સંગઠન માટે કામ કરતી સંસ્થા સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિને ધારાસભ્ય તરીકે મળતું અંદાજે રૂપિયા 59205નું માસિક ભથ્થું દર મહિને ધારાસભ્ય રહે ત્યાં સુધી અર્પણ કરવા નો ઐતિહાસીક નિર્ણય જાહેર કરતા જ પૂર્ણેશ મોદીને તેમના સમર્થકોએ વધાવી લીધા હતા.

August 11, 2018
iits.jpg
1min5970

બોમ્બે IITના 56મા દીક્ષાંત સમારોહમાં આયોજિત કાર્યક્રમમાં પીએમ મોદીએ દેશમાં ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવા માટે IITના વિદ્યાર્થીઓને મોટી ભેટ આપી

બોમ્બે IITના 56માં દિક્ષાંત સમારોહને સંબોધતા પૂર્વે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ 3 વિદ્યાર્થીઓને ગોલ્ડ અને 43 વિદ્યાર્થીઓને સિલ્વર મેડલ એનાયત કર્યા. પોતાના દિક્ષાંત પ્રવચનમાં શ્રી મોદી કહ્યું હતું કે, ‘આજે જે ડિગ્રી તમને મળી છે, તે તમારી નિષ્ઠા અને પ્રતિબદ્ધતાનું પ્રતીક છે.’ યાદ રાખો કે આ ફક્ત એક પડાવ છે, સાચો પડકાર તો તમારી રાહ જોઈ રહ્યો છે. તમે આજે જે મેળવ્યુ છે અને ગળ જે કરવાના છો, તેમાં તમારા પર પોતાની, પરિવારની અને 125 દેશવાસીઓની આશાઓ જોડાયેલી છે’. તેમણે IITના છાત્રો માટે રૂ.1 હજાર કરોડનું ફંડ આપવાની પણ જાહેરાત કરી હતી જેને તમામે બિરદાવી લીધી હતી.

તેમના પ્રવચનના મુખ્ય અંશો પર નજર કરીએ તો તેમણે જણાવ્યું કે, IITને દેશ અને  દુનિયા ભારતીય ટેક્નોલોજી સંસ્થાન તરીકે ઓળખે છે, પરંતુ આજે આપણા માટે તેની વ્યાખ્યા થોડી બદલાઈ છે. તે ફક્ત ટેક્નોલોજીના અભ્યાસનું જ સ્થાન નથી પરંતુ IIT આજે ‘ઈન્ડિયાઝ ઈન્સ્ટ્રુમેન્ટ ફોર ટ્રાન્સફોર્મેશન’ બની ચૂકી છે. સ્ટાર્ટઅપની જે ક્રાંતિ તરફ દેશ આગળ વધી રહ્યો છે, તેનો સૌથી મોટો સ્રોત IIT છે. આજે દુનિયા IITના યુનિકોર્ન સ્ટાર્ટઅપને નર્સરી માની રહી છે. આ એક પ્રકારનું ટેક્નિકલ મિરર છે, જેમાં દુનિયાને ભવિષ્ય દેખાય છે.

 

બોમ્બે આઇઆઇટીના દિક્ષાંત સમારોહમાં વડાપ્રધાન મોદી શું બોલ્યા

 

 

August 11, 2018
prakashmaharaj.jpg
17min13010
શ્રી પ્રકાશભાઇ શુક્લ, સુરત શહેરના જ નહીં બલ્કે ગુજરાતભરમાં નિષ્ણાંત કર્મકાંડી બ્રાહ્મણ તરીકે ગણનાપાત્ર છે. તેઓ હાલ રામેશ્વર મહાદેવ-રામજી મંદિર, અડાજણ ખાતે સેવા આપી રહ્યા છે. સી.આઇ.એ. લાઇવ માટે તેઓ ખાસ ધાર્મિક અને આધ્યાત્મિક જ્ઞાન પીરસતા બ્લોગ લખશે. અહીં તેઓ પવિત્ર શ્રાવણ માસને અનુલક્ષીને શિવ ભક્તજનો માટે ખાસ શિવ સાહિત્યને ડિજિટલ સ્વરૂપમાં રજૂ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે અહીં શિવ ભક્તજનોની સરળતા માટે શિવજીને સ્પર્શતા સાહિત્યની લિંક રજૂ કરવામાં આવી છે. આ લિંક http://sanskritdocuments.org/ની છે. તેનું સંકલન અત્રે રજૂ કરવામાં આવ્યું છે.
 
તમામ શિવભક્તોને પ્રકાશ શુક્લના જય મહાદેવ
ભગવાન શિવજી ને ખૂબ પ્રિય તેવો શ્રાવણ માસ શરૂ થયો છે. તમામ ભક્તો ને ઉપયોગી થાય તે માટે ભગવાન શિવજીના મોટા ભાગના સ્તોત્ર અને પાઠ નીચેની લિંક ઉપર ગુજરાતી ભાષા મા ઉપલબ્ધ છે. આ તમામ સ્તોત્ર ના પાઠ કરી ભગવાન શિવજી ની કૃપા અને આશીર્વાદ પ્રાપ્ત કરો. જે સ્તોત્ર નો પાઠ કરવો હોય તે સ્તોત્ર ને બ્લુ લીટી પર દબાવો
॥ શ્રી શિવાષ્ટકં ॥
॥ વેદસારશિવસ્તોત્રમ્ ॥
॥ લિઙ્ગાષ્ટકં ॥
॥ બિલ્વાષ્ટકં ॥
॥ ચન્દ્રશેખરાષ્ટકં ॥
॥ દ્વાદશજ્યોતિર્લિઙ્ગસ્તોત્રમ્ ॥
॥ શ્રીશિવષડક્ષરસ્તોત્રમ્ ॥
॥ શ્રીશિવમાનસપૂજા ॥
॥ શ્રીશિવમહિમ્નસ્તોત્ર ( પુષ્પદન્ત ) ॥
॥ શ્રીશિવતાણ્ડવસ્તોત્રમ્ રાવણરચિતમ્ ॥
॥ શ્રીશિવભુજઙ્ગમ્ ॥
॥ શ્રીશિવપ્રાતઃસ્મરણસ્તોત્રમ્ ॥
॥ ઉમામહેશ્વરસ્તોત્રમ્ ॥
॥ શ્રીશિવસ્તોત્રં હિમાલયકૃતમ્ ॥
॥ દારિદ્ર્ય દહન શિવસ્તોત્રમ્ ॥
॥ શ્રીશિવસ્તવઃ ૨ ॥
॥ શ્રીશિવરક્ષાસ્તોત્રમ્ ॥
॥ શ્રી રુદ્રમૃત્યંજય સ્તવન ( રુદ્રયામલોક્ત ) ॥
॥ શ્રી શિવચાલીસા ॥
॥ શ્રી રુદ્ર ગીતા ॥
॥ શ્રી શઙ્કર ગીતા ॥
॥ શ્રીશિવસહસ્રનામસ્તોત્રમ્ (મુખ્ય – રુદ્રયામલોક્ત) ॥
॥ શ્રીશિવસહસ્રનામસ્તોત્રમ્ (લિંગપુરાણાન્તર્ગત) ॥
॥ શિવસહસ્રનામસ્તોત્રં (શિવપુરાણાન્તર્ગતમ્) ॥
॥ શ્રી શિવસહસ્રનામસ્તોત્રમ્ (શિવરહસ્યાન્તર્ગતં)॥
॥ શ્રીશિવાપરાધ ક્ષમાપણસ્તોત્ર ॥
 ॥ ઉપરના તમામ સ્તોત્ર અને પાઠ સંસ્કૃત ભાષામા જોવા માટે ની લિંક આ છે ॥
મુખ્ય વેબસાઇટ આ છે
                      *સૌજન્ય*
         પ્રકાશભાઈ શુક્લ (વેદપાઠી)
રામજીમંદીર અડાજણ સુરત 94271 52233
August 11, 2018
sbi-photo-e1520959681385-770x433.jpg
1min6270

દેશની અને જાહેર ક્ષેત્રની સૌથી મોટી બેન્ક, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ તા.10 ઓગસ્ટના રોજ ઊંચી બેડ લોનને પગલે જૂન ક્વાર્ટરમાં રૂ. 4,876 કરોડની ખોટ નોંધાવી હતી. આ સમાચારને પગલે તેના શેરમાં પણ પાંચ ટકા જેવો કડાકો બોલી ગયો હતો.

અગાઉના વર્ષના એપ્રિલથી જૂન સુધીના સમયગાળામાં કંપનીએ રૂ. 2,006 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. બેન્કની કુલ આવક જોકે, ઉપરોક્ત સમયગાળામાં રૂ. 62,911.08 કરોડ સામે વધીને રૂ. 65,492.67 કરોડના સ્તરે પહોંચી હતી. કુલ જોગવાઇ રૂ. 8929.48 કરોડ સામે બમણાથી વધુ વૃદ્ધિ સાથેે રૂ. 19,228 કરોડ સુધી પહોંચી હતી.

જૂન ક્વાર્ટરમાં બેન્કની ગ્રોસ નોન પર્ફોર્મિંગ એસેટ્સ (એનપીએ) વધી 10.69 ટકા થઈ હતી જે, એક વર્ષ અગાઉ 9.97 ટકા હતી. જોકે, સૂચિતગાળામાં બેન્કની નેટ એનપીએ 5.97 ટકાથી ઘટી 5.29 ટકા થઈ હતી. જૂન ક્વાર્ટરમાં રૂ. 4,876 કરોડની ખોટ નોંધાવતા શેરબજારમાં આજે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના શેર્સ 5ાંચ ટકા સુધી ગબડ્યો હતો. કંપનીએ તા.10મી ઓગસ્ટ 2018ના રોજ ત્રિમાસિક પરિણામોની જાહેરાત કરી કે તરત જ જોરદાર વેચવાલી શરૂ થવાથી બીએસઇ પર કંપનીનો શેર 4.85 ટકાના કડાકા સાથે રૂ. 301.10ના સ્તરે પહોંચી ગયો હતો. અંતે બીએસઇ પર આ શેર શેરદીઠ રૂ. 12.00 અથવા તો 3.79 ટકાના કડાકા સાથે 304.45ની સપાટીએ સ્થિર થયો હતો. જ્યારે એનએસઇ પર 5.32 ટકાના કડાકા સાથે રૂ. 300.50ની સપાટીએ રહ્યા હતાં.

August 11, 2018
NEERAJ-CHOPRA-INDIA-JAVELIN-CWG-GOLD-COAST.jpg
1min6700

આગામી ૧૮ઑગસ્ટથી ૨ સપ્ટેમ્બર દરમિયાન જકાર્તામાં યોજાનારી એશિયન ગેમ્સમાં ભારત ૫૭૨ ઍથ્લેટો મોકલી રહ્યું છે. ભારતના આ દળનું ભાલા ફેંકમાં ભારતનો ટોચનો ખેલાડી નીરજ ચોપડા તિરંગા સાથે નેતૃત્વ કરશે.

આવતા તા.18મી ઓગસ્ટને શનિવારે જકાર્તામાં શરૂ થનારી એશિયન ગેમ્સમાં ભારતીય સંઘનું તિરંગા સાથે નેતૃત્વ નિરજ ચોપડો સંભાળશે એવી જાહેરાત ઇન્ડિયન ઑલિમ્પિક એસોસિયેશનના પ્રમુખ નરિન્દર બત્રાએ ગઈ કાલે કરી હતી.

૨૦ વર્ષનો નીરજ કૉમનવેલ્થ ગેમ્સનો ચૅમ્પિયન છે. તે ભાલા ફેંકમાં જુનિયર વર્લ્ડ રેકૉર્ડ ધારક પણ છે. ૨૦૧૭ની સાલમાં તેણે એશિયન ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપમાં સુવર્ણચંદ્રક જીતી લીધો હતો. તેણે ભાલો ૮૫.૨૩ મીટર દૂર ફેંક્યો હતો. ૨૦૧૬માં તે અન્ડર-૨૦ વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. એશિયન ગેમ્સમાં ભારતે જેમની પાસે સુવર્ણચંદ્રકની સૌથી વધુ આશા રાખી છે એમાં નીરજનો પણ સમાવેશ છે.

નીરજે ફિનલૅન્ડમાં તાલીમ માટેના સ્થળેથી કહ્યું હતું કે ‘મને તિરંગા સાથે ભારતીય સંઘની આગેવાની સંભાળવાનું કહેવામાં આવ્યું છે એનાથી હું ખૂબ ઉત્સાહિત થઈ ગયો છું. મને બહુ મોટું ગૌરવ પ્રાપ્ત થયું છે. મને આ ગૌરવપૂર્ણ જવાબદારી સોંપાશે એ મેં ધાર્યું જ નહોતું.’

આગામી ૧૮ઑગસ્ટ-૨ સપ્ટેમ્બર દરમિયાન જકાર્તામાં યોજાનારી એશિયન ગેમ્સમાં ભારત ૫૭૨ ઍથ્લેટો મોકલશે જેની સામે ચીન ૮૪૫ ઍથ્લેટોની સૌથી મોટી ફોજ મોકલી રહ્યું છે. ભારત વતી ૫૭૨ ઍથ્લેટો અને બાકીના કોચ-અધિકારીઓ સહિતનો કુલ ૮૦૦ જણનો સંઘ જકાર્તા જશે. ભારત ૨૦૧૪ની ગઈ એશિયન ગેમ્સમાં ૧૧ ગોલ્ડ મેડલ સહિત કુલ ૫૭ ચંદ્રકો જીત્યું હતું. એની તુલનામાં, ચીને ગયા વખતે ૧૫૧ ગોલ્ડ મેડલ સહિત કુલ ૩૪૫ ચંદ્રકો પોતાના કબજામાં કર્યા હતા. ચીનના આ વખતના ૮૪૫ ઍથ્લેટોમાં ૧૯ ઑલિમ્પિક ચૅમ્પિયનો છે. ૬૩૧ ઍથ્લેટો પહેલી જ વખત આંતરરાષ્ટ્રીય ઇવેન્ટમાં ભાગ લેવા જઈ રહ્યા છે.

August 11, 2018
chikufarmbullet.jpg
1min11960

જયેશ બ્રહ્મભટ્ટ   98253 44944

બુલેટ ટ્રેન માટે ખેડૂતો ભલે સ્થળ પર કાર્યવાહી ન કરવા દે, સરકારે 2013ના નવા કાયદાને આધાર બનાવીને જમીનના દફતરમાં જ સીધી બુલેટ ટ્રેનની એન્ટ્રી પાડી દીધી

નવસારીના પાંતરી અને દેસાડની 50થી વધુ જમીનોના દફતરમાં બુલેટ ટ્રેનની નોંધ કરી દેવાઇઃ ખેડૂત સમાજ 20મી ઓગસ્ટે હાઇકોર્ટ સમક્ષ મામલો રજૂ કરશે

બુલેટ ટ્રેન માટે ગુજરાત અને મહારાષ્ટ્રના ખેડૂતો ભલે જમીન સંપાદનની કાર્યવાહી કરી રહેલા તંત્રવાહકોને પોતાની જમીનમાં ઘૂસવા ન દેતા હોય પરંતુ, સરકારે પાછલે બારણે એવો કિમીયો અપનાવ્યો છે કે ખેડૂતો દોડતા થઇ ગયા છે. 2013માં કેન્દ્ર સરકારે અમલી બનાવેલા જમીન સંપાદનના કાયદાનો ઉપયોગ કરીને નવસારી કલેક્ટરએ દેસાડ અને પાંતરી ગામોની બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં આવરી લેવાયેલી જમીનોના દફતરમાં ખેડૂતોની જાણ બહાર સીધી જ બુલેટ ટ્રેન માટેની એન્ટ્રી કરી દીધી છે. નીચે મુજબની ઇમેજ પરથી જોઇ શકાય છે કે જમીનના 7-12ની નકલમાં કયા પ્રકારની નોંધ કરવામાં આવી છે. નવસારીના દેસાડ અને પાંતરી ગામની આ જમીનોમાં બીજો હક  હવે બુલેટ ટ્રેનનો લાગુ થઇ ગયો છે.

(બુલેટ ટ્રેનના જમીન સંપાદન સામે ઝુંબેશ ચલાવી રહેલા ખેડૂત આગેવાન દર્શન નાયક અને ખેડૂતોની ફાઇલ તસ્વીર)

સરકારની આ નીતિ સરમુખત્યારશાહી જેવી ઃ દર્શન નાયક,  સુરત જિલ્લા ખેડૂત આગેવાન

સુરત જિલ્લાના આગેવાન અને ખેડૂત અગ્રણી શ્રી દર્શનભાઇ નાયકે CIAને જણાવ્યું હતું કે જો આ પ્રકારે સરમુખત્યારશાહીથી જ ખેડૂતોની મહામૂલી જમીનો પચાવી લેવાની હોય તો પછી માપણી તેમજ અન્ય કાર્યવાહીની ઔપચારિકતા કેમ, હકીકતમાં લોકશાહીનો છેદ ઉડાડી દેતી આ કાર્યવાહીનો સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે અને ટૂંક સમયમાં અમે રણનીતિ નક્કી કરીને આગળ વધીશું.

નવસારીના દેસાડ અને પાંતરી ગામની જમીનોના દફતરમાં નીચે મુજબની નોંધ કરી દેવામાં આવી છે.

કેન્દ્ર સરકારના 2013ના નવા જમીન સંપાદન કાયદા અનુસાર કરાયું જમીન સંપાદન

ગુજરાત હાઇકોર્ટમાં મુદ્દો લઇ જવાશેઃ જયેશ પટેલ (પાલ)

જમીનના દફતરમાં બુલેટ ટ્રેનની નોંધ પાડ્યા બાદ ઉદભવેલી સ્થિતિમાં સુરત ખેડૂત સમાજના અાગેવાન જયેશ પટેલ (પાલ) કહે છે કે ખેડૂતો જમીન ખરીદ-વેચાણ કરી શકશે પણ તેમાં બુલેટ ટ્રેનની નોંધ હશે એટલે ભવિષ્યમાં નવો માલિક એવી દલીલ નહીં કરી શકે કે તેને બુલેટ ટ્રેના જમીન સંપાદન અંગે કોઇ માહિતી જ હતી નહીં કે છુપાવવામાં આવી હતી. તેમણે કહ્યું કે જમીન સંપાદનની ગુજરાત હાઇકોર્ટમાં કરાયેલી રીટ અંગે આગામી તા.20મી ઓગસ્ટે હિયરીંગ થવાનું છે તેમાં આ મુદ્દાને પણ પડકારવામાં આવશે.

નવસારીના 28 ગામોમાંથી પસાર થાય છે બુલેટ ટ્રેનનો ટ્રેક

નવસારી જિલ્લાના કુલ 28 ગામોની જમીનો બુલેટ ટ્રેનના ટ્રેક માટે સંપાદનમાં આવી રહી છે અને તેમાંથી કુલ 48 રનિંગ કિ.મી.નો ટ્રેક પસાર થાય છે. નવસારીના ખેડૂતોના જણાવ્યા અનુસાર સરકાર જે વળતર આપવાની વાત કરી રહી છે એના કરતા બજારભાવ ખૂબ ઉંચો છે અને સરકારી વળતર સાથે તેની સરખામણી થઇ શકે તેમ જ નથી.

 

August 11, 2018
lalit.jpg
1min6690

ધોરાજીના ભાદર ડેમ માં કેમિકલયુક્ત ગંદુ અને ઝેરી પાણી હોવાના મુદ્દે મામલો ગરમાયો છે. સ્થાનિક ધારાસભ્ય લલિત વસોયાએ અહીં જળ સમાધિ લેવાની ચિમકી ઉચ્ચારતા ભૂખી ગામે આજે સવારથી જ જડબેસલાક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ભાદર નદીમાં ઠલવાતા જેતપુર ડાઈંગ ઉદ્યોગના કલર કેમીકલવાળા પ્રદૂષિત પાણી મામલે ધારાસભ્ય લલીતભાઈ વસોયાએ લોકલડત શરૂ કરી છે. દરમિયાન હાર્દિક પટેલે પણ લલીત વસોયાને સમર્થન આપીને જળસમાધિ લેવાની જાહેરાત કરતા પોલીસ વધુ હરકતમાં આવી હતી અને આજે બન્નેની અટકાયત પણ કરી લેવામાં આવી હતી. લલીત વસોયા ડેમમાં ભૂસકો મારે તે પહેલા જ પોલીસે તેમને જબરદસ્તી કરીને પકડી રાખ્યાના અહેવાલો સ્થળ પરથી મળ્યા હતા.

જળસમાધી પૂર્વે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સભા બાદ વસોયા જળ સમાધી લેશે. પરંતુ સભા બાદ લલિત વસોયા સહિતના કોંગ્રેસના કાર્યકરો ડેમ પર જાય તે પહેલા પોલીસે હાર્દિક અને લલિત વસોયાની અટકાયત કરી લીધી છે. જેમાં પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

લિત વસોયાએ જણાવ્યું હતું કે, ભાદર ડેમ-2માં જેતપુર ડાઈંગ ઉદ્યોગના કલર કેમિકલના પ્રદૂષણ મામલે ભાદરને બચાવવા અભિયાન હાથ ધરાયુ છે. તંત્રએ ભાદર ડેમ-2માં પ્રદૂષણ રોકવા પગલા નહીં ભરતાં હું આજે જળ સમાધી લેવાનો છું. ભાદર ડેમ-2માં હું ઠેકડો મારીને રહીશ. આદોલનને હાર્દિક પટેલ ઉપરાંત અન્ય ધારાસભ્યોનું સમર્થન મળી રહ્યું છે. તેઓએ ટેકો જાહેર કર્યો છે.

આ કાર્યક્રમ લોકલડતમાં ટેકો આપવા માટે કોંગ્રેસના ધારાસભ્યો લલિત કગથરા, પરસોતમભાઇ સાબરીયા, હર્ષદ રીબડીયા, બ્રિજેશ મેરજા, ચિરાગભાઈ કાલરીયા, પ્રવીણભાઈ મૂછડિયા, જે.વી.કાકડિયા, પ્રતાપ દુધાત, ભીખાભાઈ જોષી, બાબુભાઈ સહિતના ધારાસભ્યો અને અગ્રણીઓ, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે.