Alert Archives - Page 42 of 517 - CIA Live

May 26, 2025
4th-largest-economy.png
1min209

  • નીતિ આયોગના સીઈઓએ આંકડા જાહેર કર્યા
  • પાંચમા ક્રમે પહોંચી ગયેલા જાપાનના ૪.૧૮૬ લાખ કરોડ ડોલરના જીડીપી સામે ભારતનો જીડીપી ૪.૧૮૭ લાખ કરોડ ડોલર
  • અમેરિકા ૩૦.૫૧ ટ્રિલિયન ડોલરના જીડીપી સાથે પ્રથમ ક્રમે, ચીન ૧૯.૨૩ ટ્રિલિયન ડોલર સાથે બીજા ક્રમે અને જર્મની ૪.૭૪ ટ્રિલિયન ડોલર સાથે ત્રીજા ક્રમે

ભારતનો જીડીપી વધીને ૪.૧૮૭ ટ્રિલિયન ડોલર થઇ ગયો છે જે જાપાનના જીડીપી ૪.૧૮૬ ડોલર કરતા વધી જતાં ભારત જાપાનને પાછળ મૂકીને વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે તેમ નીતિ આયોગના સીઇઓ બીવીઆર સુબ્રમણ્યમે એક નિવેદનમાં જણાવ્યું છે. ૩૦.૫૧ ટ્રિલિયન ડોલરના જીડીપી સાથે અમેરિકા પ્રથમ ક્રમે, ૧૯.૨૩ ટ્રિલિયન ડોલર સાથે ચીન બીજા ક્રમે અને ૪.૭૪ ટ્રિલિયન ડોલર સાથે જર્મની ત્રીજા ક્રમે છે.

‘નીતિ આયોગ’ની ગવર્નિંગ કાઉન્સીલની ૧૦મી બેઠકમાં વિકસિત રાજ્ય, વિકસિત ભારત ૨૦૪૭ નામક પરિસંવાદ પછી પત્રકારોને સંબોધતાં સુબ્રમન્યમે જણાવ્યું હતું કે, ભારતનું અર્થતંત્ર આઈ.એમ.એફ.ના જણાવ્યા પ્રમાણે ૨૦૨૪ સુધી પાંચમું સૌથી વિશાળ અર્થતંત્ર હતું પરંતુ ૨૦૨૫-૨૬ના નાણાંકીય વર્ષમાં જ ભારતનું અર્થતંત્ર ૪ ટ્રિલિયન ડોલર્સે પહોંચી ગયું છે. આથી ભારત, યુ.એસ., ચીન અને જર્મનીનાં અર્થતંત્રોથી જ પાછળ રહેશે.

આ સાથે તેઓએ આશા વ્યક્ત કરી હતી કે ૨, ૨.૫, કે મોડામાં મોડાં ૩ વર્ષમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક સત્તા બની રહેશે.

નીતિ આયોગના સીઈઓએ વધુમાં જણાવ્યું હતું કે ૨૦૨૬ના નાણાંકીય વર્ષ દરમિયાન જ ભારતનું અર્થતંત્ર ૪,૧૮૭.૦૧૭ અમેરિકી ડોલર્સ પહોંચી જશે. ભારતનું અર્થતંત્ર ૨૦૨૫માં ૬.૨ ટકાના દરે અને ૨૦૨૬માં ૬.૩ ટકાના દરે વિકસશે તેમ પણ આઈ.એમ.એફ.ના વર્લ્ડ ઈકોનોમિક આઉટબુકે જણાવ્યું છે. વધુમાં તેમ પણ કહ્યું છે કે ભારતનું અર્થતંત્ર ૨૦૨૫ અને ૨૬માં સૌથી વધુ ઝડપી અર્થતંત્ર બની રહેશે. આઈએમએફે વૈશ્વિક આર્થિક વિકાસ અંગે ઘેરૂં ચિત્ર આપ્યું છે તે જણાવે છે કે ૨૦૨૫માં વૈશ્વિક આર્થિક વિકાસ દર ૨.૮ ટકા છે, જ્યારે ૨૦૨૬માં તે બહુ બહુ તો વધીને ૩.૦ ટકા થવા સંભવ છે.

ભારતની આર્થિક તાકાત અને જાપાનની આર્થિક તાકાતની તુલના કરતાં કેટલાક નિરીક્ષકો કહે છે કે જાપાનનું અર્થતંત્ર ભલે ૪ ટ્રિલિયન ડોલરથી ઓછું રહ્યું હોય પરંતુ તે આશરે ૧૪ કરોડ લોકોમાં વહેંચાયું છે. જ્યારે ભારતનું ૪ ટ્રિલિયનથી વધુ ડોલર્સનું અર્થતંત્ર હોવા છતાં તે ૧૪૦ કરોડ લોકોમાં વહેંચાયેલું છે તે ભૂલવું ન જોઈએ. ભારતને વસતી વધારો ભારે પડે તેમ છે.

ભારતમાં શુદ્ધ પ્રત્યક્ષ વિદેશી રોકાણ (એફડીઆઇ) પ્રવાહમાં ઘટાડો દેશમાં રોકાણ સંબધિત મોટી અનિશ્ચિતતાઓને દર્શાવે છે અને મોટી સંખ્યામાં કંપનીઓ વિદેશમાં રોકાણ કરવાનું પસંદ કરી રહી છે. એઆઇસીસીના મહાસચિવ જયરામ રમેશે સોશિયલ મીડિયા એક્સ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે તાજેતરમાં જારી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)ના આંકડોઓ પરથી જાણવા મળે છે કે ૨૦૨૪-૨૫માં ભારતનો નેટ એફડીઆઇ પ્રવાહ ૯૬ ટકા ઘટીને માત્ર ૦.૪ અબજ ડોલર રહી ગયું છે. તેમણે જણાવ્યું હતું કે આ ભારે ઘટાડા અંગે સત્તાવાર રીતે જે કંઇ પણ સ્પષ્ટતા કરવામાં આવી રહી હોય પણ સાચી વાત એ છે કે આ મોટો ઘટાડો ભારતમાં રોકાણ અંગે ભારે અનિશ્ચિતતા દર્શાવે છે જેના કારણે ફક્ત વિદેશી રોકાણકાર જ નહીં પણ ભારતીય કંપનીઓ પણ હતોત્સાહિત થઇ રહી છે અને હવે તે દેશમાં રોકાણ કરવાને બદલે વિદેશમાં રોકાણ કરવાને પ્રાથમિકતા આપી રહી છે.

આઇએમએફના આંકડા દર્શાવી રહ્યાં છે કે ભારત ટૂંક સમયમાં જર્મનીને પાછળ છોડીને વિશ્વનું ત્રીજા નંબરનું અર્થતંત્ર બની જશે. એપ્રિલમાં છપાયેલ આઇએમએફના વર્લ્ડ ઇકોનોમિક આઉટલુકના તાજેતરના રિપોર્ટ અનુસાર નાણાકીય વર્ષ ૨૦૨૬ માટે ભારતનો નોમિનલ જીડીપી લગભગ ૪૧૮૭.૦૧૭ બિલિયન અમેરિકન ડોલર સુધી પહોંચવાની આશા છે. આ જાપાનના સંભવિત જીડીપીથી થોડું વધારે છે. જેનો અંદાજ ૪૧૮૬.૪૩૧ બિલિયન ડોલર છે. જો કરન્ટ પ્રાઇસ (નોમિનલ) જીડીપીના આધારે આઇએમએફના અત્યારના ચાર્ટને જોઇએ તો સ્પુષ્ટ દેખાય છે કે ભારત ૨ થી ૨.૫ વર્ષમાં જર્મનીને પાછળ છોડી દેશે.

જાન્યુઆરી, ૨૦૨૫માં આઇએમએફએ નાણાકીય વર્ષ ૨૦૨૫ અને ૨૦૨૬ માટે ભારતનો જીડીપી ગ્રોથ રેટ ૬.૫ ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે. ગ્રામીણ વિસ્તારોમાં ઘરેલુ ખર્ચમાં થઇ રહેલી વૃદ્ધિને કારણે ભારતીય અર્થતંત્ર ઝડપથી આગળ વધી રહ્યું છે. ૨૦૨૫ની શરૂઆતમાં ભારત વિશ્વના જીડીપી રેન્કિંગમાં પાંચમાં ક્રમે હતું જે હવે ચૌથા ક્રમે આવી ગયું છે. ભારતીય અર્થતંત્ર ઇન્ફરમેશન ટેકનોલોજી, સેવાઓ, કૃષિ અને મેન્યુફેકચરિંગ જેવા પ્રમુખ ક્ષેત્રો દ્વારા સંચાલિત છે. બીજી તરફ જર્મની એક વિકસિત અર્થતંત્ર છે અને ત્યાં જીડીપીમાં ભારત જેવો ગ્રોથ સંભવ નથી.

May 23, 2025
supreme.jpg
1min221
  • ઇડીની કાર્યવાહી અસંગત અને ગેરબંધારણીય: મુખ્ય ન્યાયાધીશ ગવઈ
  • ઇડીએ રાજકીય બદલો લેવા કાર્યવાહી કર્યાનો તમિલનાડુ સરકારનો આરોપ

તમિલનાડુ સરકારની માલિકીની દારૂનું રીટેલ વેચાણ કરતી કંપની તમિલનાડુ સ્ટેટ માર્કેટિંગ કોઓપરેશનના રૂ. ૧,૦૦૦ કરોડના કથિત દારૂ કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ની તપાસ અને દરોડા અસ્થાયી રીતે અટકાવી દેતા સુપ્રીમ કોર્ટે તપાસ એજન્સીની ઝાટકણી કાઢી હતી. સુપ્રીમે કહ્યું કે, ઈડી તમામ હદો પાર કરી રહી છે. તપાસ એજન્સી સંઘીય માળખાનો ભંગ કરી રહી છે. સુપ્રીમે સવાલ કર્યો હતો કે, તપાસ એજન્સી કોર્પોરેશન વિરુદ્ધ ગૂનો નોંધી કેસ કેવી રીતે શકે?

તમિલનાડુની સરકારી દારૂ કંપની તસમાક (તમિલનાડુ સ્ટેટ માર્કેટિંગ કોર્પોરેશન) વિરુદ્ધ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ની તપાસ અને દરોડા પર સુપ્રીમ કોર્ટે અસ્થાયી રીતે સ્ટે મૂકી દીધો છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ ભૂષણ રામકૃષ્ણ ગવઈએ કેન્દ્રીય એજન્સીની આકરી ઝાટકણી કાઢી હતી અને જણાવ્યું કે, ઈડીની કાર્યવાહી અસંગત અને સંભવતઃ ગેરબંધારણીય છે, કારણ કે કાયદો અને વ્યવસ્થા રાજ્યનો વિષય છે. સુપ્રીમે એવો પણ સવાલ કર્યો હતો કે, સરકારી એજન્સી રાજ્ય સરકારના એકમ પર દરોડો કેવી રીતે પાડી શકે?

મુખ્ય ન્યાયાધીશ ગવઈએ કહ્યું કે, ઈડીએ રાજ્ય સરકારના નિગમને નિશાન બનાવીને બધી જ હદો પાર કરી દીધી છે અને સંઘીય માળખાનો ભંગ કર્યો છે. સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકાર દ્વારા મંગળવારે મદ્રાસ હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ સુપ્રીમમાં કરેલી અરજી પછી આ આદેશ આપ્યો છે.

તમિલનાડુ સરકારની માલિકીની દારૂનું રીટેલ વેચાણ કરતી કંપની તસમાકના કથિત રૂ. ૧,૦૦૦ કરોડના દારૂ કૌભાંડમાં મની લોન્ડરિંગની તપાસ માટે મદ્રાસ હાઈકોર્ટે ઈડીને મંજૂરી આપી હતી. ઈડીએ તમિલનાડુમાં રૂ. ૧,૦૦૦ કરોડના દારૂ કૌભાંડમાં ડિસ્ટિલરીએ દારૂના પૂરવઠાનો ઓર્ડર મેળવવા માટે અસાધારણ રોકડ આપી હોવાનો દાવો કર્યો છે. જોકે, તમિલનાડુ તરફથી કપીલ સિબલે સુપ્રીમ કોર્ટને કહ્યું કે, રાજ્ય સરકાર અને તસમાકે રાજ્યમાં દારૂની દુકાનોને લાઈસન્સ આપવામાં કથિત ગેરરીતિઓ સામે ફોજદારી કાર્યવાહી કરતાં પગલાં લીધા છે. વર્ષ ૨૦૧૪થી દારૂની દુકાનના લાઈસન્સની ફાળવણી સંબંધિત ભ્રષ્ટાચારના કેસોમાં રાજ્ય સરકારે ૪૧ એફઆઈઆર નોંધી છે અને હવે આ કેસમાં ઈડી કૂદી પડી અને તસમાક પર દરોડા પાડયા હતા.

તમિલનાડુ સરકારે તાસમેક પર ઈડીના દરોડા સંબંધે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી અને કહ્યું કે, તે કેન્દ્રીય એજન્સીની શક્તિઓનું અતિક્રમણ અને બંધારણનો ભંગ છે. તમિલનાડુએ ઈડી પર રાજકીય બદલો લેવાનો પણ આરોપ મૂક્યો હતો અને ઈડીના દરોડાને ગેરકાયદે ગણાવ્યા હતા. તમિલનાડુ સરકાર અને તસમાકે દલીલ કરી કે ઈડી તેના અધિકાર ક્ષેત્રની બહાર જઈ રહી છે. મહિલા કર્મચારીઓ સહિત તસમાકના અધિકારીઓ અને કર્મચારીઓએ પજવણીનો સામનો કરવો પડયો. તલાશી સમયે લાંબા સમય સુધી તેમની અટકાયત કરાયેલી હતી. તેમના ફોન અને પર્સનલ ડિવાઈસ જપ્ત કરી લેવાયા હતા.

ઈડી દોષ સાબિત કરી શકતી નથી, આરોપીઓને ક્યાં સુધી જેલમાં ગોંધી રાખી શકાય : સુપ્રીમનો સવાલ

દેશમાં ધારાસભ્યો, સાંસદો અને નેતાઓને દોષિત ઠેરવી સજા કરાવવાની બાબતમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)નો કન્વિક્શન રેટ એટલે કે આરોપીઓને દોષિત ઠેરવી સજા કરાવવાનો દર માત્ર એક ટકા છે તેમ કેન્દ્ર સરકારે જ સંસદને જણાવ્યું હતું. આ સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે પણ સવાલ કર્યો હતો કે ઈડી આરોપીઓને દોષિત સાબિત કરી શકતી નથી તો તેમને કેટલો લાંબો સમય સુધી જેલમાં ગોંધી રાખી શકાય ?

દેશમાં મની લોન્ડરિંગના કેસોની તપાસ કરતી તપાસ એજન્સી ઈડી સરકારનો રાજકીય હાથો હોવાનો વિપક્ષ વારંવાર આક્ષેપ કરતો હોય છે ત્યારે ભ્રષ્ટાચાર અથવા મની લોન્ડરિંગના આરોપો હેઠળ ધરપકડ કરવામાં આવેલા લોકોને દોષિત ઠેરવવાની સફળતાનો ઈડીનો દર માત્ર એક ટકા છે. વર્ષ ૨૦૧૫થી ૨૦૨૫ વચ્ચેના ૧૦ વર્ષમાં ઈડીએ નેતાઓ, સાંસદો, વિધાનસભ્યો વિરુદ્ધ ૧૯૩ કેસ નોંધ્યા છે, જેમાંથી માત્ર બે કેસમાં ઈડી આરોપીઓને સજા અપાવી શકી છે. આ ૧૯૩ કેસોમાંથી ૭૦ ટકા એટલે કે ૧૩૮ કેસ છેલ્લા પાંચ વર્ષમાં જ નોંધાયા છે. આ માહિતી કેન્દ્ર સરકારે પોતે જ આ વર્ષે માર્ચ મહિનામાં સંસદમાં આપી હતી. ઈડીના અત્યંત ખરાબ કન્વિક્શન રેટ અંગે સુપ્રીમ કોર્ટે પણ ચિંતા વ્યક્ત કરી હતી. સુપ્રીમે ઈડીને ગુણવત્તાપૂર્ણ કાર્યવાહીની સલાહ આપી હતી. વધુમાં ઈડી દ્વારા મની લોન્ડરિંગના આરોપો હેઠળ ધરપકડ આવતા આરોપીઓને ટ્રાયલ વિના જ લાંબા સમય સુધી જેલમાં રાખવામાં આવતા હોય છે ત્યારે ગયા વર્ષે નવેમ્બરમાં પશ્ચિમ બંગાળના પૂર્વ શિક્ષણ મંત્રી પાર્થા ચેટરજીની જામીન અરજીની સુનાવણી સમયે પણ સુપ્રીમ કોર્ટે ઈડીને ખખડાવી હતી. સુપ્રીમે ટ્રાયલ વિના લાંબા સમય સુધી આરોપીઓને જેલમાં રાખવા મુદ્દે સવાલ ઉઠાવ્યો હતો અને કહ્યું કે, ઈડી આરોપીઓ સામેના દોષ સાબિત કરી શકતી નથી તો તેમને ટ્રાયલ વિના ક્યાં સુધી જેલમાં ગોંધી રાખી શકાય?

May 23, 2025
harvard-university.png
1min220

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમનું વહીવટીતંત્ર હાર્વર્ડ યુનિવર્સિટીની પાછળ જ પડી ગયું છે. ટ્રમ્પ સરકાર દ્વારા હાર્વર્ડ યુનિવર્સિટી સામે ફરી એકવાર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. હવે હાર્વર્ડ યુનિવર્સિટી વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ આપી નહીં શકે.

ગૃહ સુરક્ષા સચિવે એક પત્ર લખીને કહ્યું છે કે તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી આ પ્રતિબંધ અમલમાં રહેશે. સરકારનો આરોપ છે કે હાર્વર્ડમાં યહૂદી વિરોધી ભાવનાને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે અને તે ચીની કમ્યુનિસ્ટ પાર્ટી સાથે મળીને કામ થઈ રહ્યું છે. સરકાર કહે છે કે વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવો એ એક વિશેષાધિકાર છે, અધિકાર નથી.

જોકે, હાર્વર્ડ યુનિવર્સિટીને મોકલવામાં આવેલા પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, જો હાર્વર્ડ આગામી શૈક્ષણિક શાળા વર્ષ પહેલાં સ્ટુડન્ટ અને એક્સચેન્જ વિઝિટર પ્રોગ્રામ સર્ટિફિકેશન પાછું મેળવવાની તક ઇચ્છે છે, તો 72 કલાકની અંદર જરૂરી માહિતી પૂરી પાડે.

યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઇટ અનુસાર, દર વર્ષે 500-800 ભારતીય વિદ્યાર્થીઓ અને વિદ્વાનો હાર્વર્ડમાં અભ્યાસ કરે છે. હાલમાં, હાર્વર્ડ યુનિવર્સિટીમાં ભારતના 788 વિદ્યાર્થીઓ રજિસ્ટર્ડ છે. હાર્વર્ડની સ્થાપના 1636માં થઈ હતી અને તે વિશ્વની સૌથી જૂની અને પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાંની એક છે.

May 22, 2025
lions-1280x853.jpg
1min225

એશિયાટિક સિંહો માટેનું એકમાત્ર નિવાસ સ્થાન છે ગુજરાતનું ગીર. ગીર નેશનલ પાર્ક અને પાનિયા, મિતિયાળા અભયારણ્ય સહિત સૌરાષ્ટ્રના દરિયાકાંઠાથી લઈને જંગલ, ખેતર, ગામ, પાધરમાં સાવજો વિહરે છે. રાજ્ય સરકારના વન વિભાગ દ્વારા દર પાંચ વર્ષે સિંહોની વસ્તી ગણતરી કરવામાં આવે છે. તાજેતરમાં જ વન વિભાગ દ્વારા એશિયાઈ સિંહનો 16મો વસ્તી અંદાજ-2025 10 મેથી 13મે દરમિયાન બે તબક્કામાં યોજવામાં આવ્યો હતો. જેના આંકડા આજે જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં સિંહોની સંખ્યા 891 નોંધાઈ છે.

આ વસ્તી અંદાજની કામગીરી સિંહ અસ્તિત્વ ધરાવતા રાજ્યના જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, અમરેલી, પોરબંદર અને બોટાદ એમ કુલ 11 જિલ્લાના 58 તાલુકાના 35 હજાર ચો.કિમી. વિસ્તારમાં ‘ડાયરેક્ટ બીટ વેરીફીકેશન’ પદ્ધતિથી કરવામાં આવ્યો હતો. સરકારે ’16મી સિંહ વસ્તી ગણતરી – 2025’ના આંકડા જાહેર કર્યા હતા. ગુજરાતમાં એશિયાઈ સિંહોની વસ્તીની કુલ સંખ્યા 891 થઈ છે, જેમાં 196 નર,330 માદા,140 પાઠડા,225 બચ્ચા નોંધાયા છે. છેલ્લે 2015માં થયેલી ગણતરીમાં ગુજરાતમાં સિંહોની સંખ્યા 27%ના વધારા સાથે 523 નોંધાઈ હતી.

આ અંગે રેવતુભા રાયજાદાએ મુંબઇ સમાચાર સાથે વાત કરતાં કહ્યું હતું કે, “હું 1990થી આ વસ્તી ગણતરીમાં જોડાઉ છું. વર્ષ 1995 સુધી ભક્ષ્ય આપીને વસ્તી ગણતરી બંધ થઈ અને ત્યારબાદ બીટ વસ્તી ગણતરી શરૂ કરવામાં આવી. બીટ એટલે જંગલનો ચોક્કસ વિસ્તાર. બીટ સેન્સસને શરૂઆતમાં અસફળ ગણવામાં આવતી હતી પરંતુ બાદમાં ટેક્નોલોજીના ઉપયોગથી આ પદ્ધતિ ઘણી સફળ રહી. મોટા ભાગે વાસ્તવિક સંખ્યા જેટલો જ અંદાજ મળી આવી છે.

સિંહની વસ્તી ગણતરી દરમિયાન ગણતરીકારે ઘણા કામ કરવાના રહે છે. તેમને 2-3 જાતના ફોર્મ ભરવાના રહે છે. તે ઉપરાંત સિંહનાં શરીર પર નિશાનને જોવામાં આવે છે. જીપીએસ લોકેશન આપવામાં આવે છે, એક લોકેશન પરથી સિંહની હલન-ચલન ગતિની પણ માહિતી રાખવામાં આવે છે. સિંહની વસ્તીગણતરીમાં ફોટો પાડીને સરળતાથી સિંહની ઓળખ કરવામાં આવે છે. તે ઉપરાંત જંગલના કેમેરાનો ઉપયોગ કરવામાં આવે છે તેનાથી સિંહના સમય, સ્થળ પર ધ્યાન રાખી શકાય છે. આ બધાના ઉપયોગથી સિંહને ડુપ્લિકેટ થતા હોય તો સિસ્ટમમાંથી કાઢી શકાય છે.

સિંહની વસ્તી ગણતરીમાં વન વિભાગના અધિકારી, ગણતરીકારો, સ્વયંમસેવકો હોય છે. આ બધા કાયરતા સ્થાનિક ગાર્ડ, ટ્રેકર વધુ અનુભવી હોય છે. સિંહ ઉદાર પ્રાણી છે અને તેનાથી અંતર રાખવાથી તે કો દિવસ ઇજાઓ પહોંચાડતો નથી. સિંહના વર્તનનો માલધારીઓ અને સ્થાનિક નિવાસીઓનો અભ્યાસ છે. મોટાભાગે સિંહને પજજવવામાં આવે તો જ હેરાન કરે છે.

સિંહની વસ્તીગણતરીમાં આવેલા આંકડાઓ અનુસાર અમેરેલી જિલ્લામાં વધુ સિંહો નોંધાયા છે. તે માટેના અવશ્ય પરિબળોમાં ખુલ્લી જમીન છે. તે ઉપરાંત અહી હરિયાળીને બદલે સૂકી જમીન છે, અહીનું ભૂપૃષ્ઠ સવાના પ્રકારનું છે. સૂકી જમીન અને પાણીના અભાવે અહી મોસમી ખેતી થાય છે. તે ઉપરાંત અહી મોટાભાગે ડુંગરાળ વિસ્તાર, કાંટાળા વન, વીડીઓ વધુ છે, જેને સિંહો પોતાની સલામતી માને છે. શેત્રુંજીની કોતર સિંહો માટે કોરિડોર બની ગયો છે. અહીથી જ સિંહો ભાવનગર સુધી ગયા છે. અમરેલી જિલ્લામાં જંગલ કરતાં રેવન્યુ વિસ્તારમાં સિંહોની સંખ્યા વધુ છે. અહી સિંહો માટે વધુ ખોરાક ઉપલબ્ધ છે.

સિંહની વસ્તી વધવાથી હવે સિંહ બહાર ગયા છે. સિંહોના રક્ષણ માટે સિંહની જમીન પર પેશકદમી ન થવી જોઇએ. ગીર અને તેની આજુબાજીના જમીનોમાં દબાણ કરવામાં આવે છે અને જમીન દબાણ બાદ તેનો હિત ધરાવતા લોકો બચાવ કરે છે. સિંહોના રક્ષણ માટે લોકોની ભાગીદારી ખૂબ જ છે. સિંહોના સંવર્ધન માટે સ્થાનિક લોકોએ ઘણું સહન કર્યું છે અને તેનું લોકોને ગૌરવ પણ છે.

અમરેલી જિલ્લામાં સિંહો વધી રહ્યા છે પરંતુ તેની સાથે સાથે અમરેલી જિલ્લામાં સિંહોના અસ્તિત્વ સામે અનેક સમસ્યાઓ પણ છે. ખાસ કરીને રેલવે ટ્રેકમાં અડફેટે આવવાથી સિંહોના મોત. સત્તાવાર આંકડાઓ અનુસાર 2013-14 અને 2023-24 વચ્ચે ટ્રેનની અડફેટે 21 સિંહ મૃત્યુ પામ્યા છે. આવી ઘટનાઓને રોકવા માટે નવી “સુરક્ષા મિકેનિઝમ્સ” મૂકવામાં આવી છે અને 32 સિંહોને ટ્રેનથી દૂર કરવામાં આવ્યા હતા.

May 17, 2025
bad_weather.jpg
1min358

ગુજરાતમાં એક તરફ અનેક જીલ્લાઓમાં ગરમીનો પારો વધી રહ્યો છે. તો બીજી તરફ અનેક જીલ્લાઓમાં છુટોછવાયો કમોસમી વરસાદ પણ પડી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યમાં આગામી પાંચ દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જે અંતર્ગત દક્ષિણ ગુજરાત, ઉત્તર પૂર્વીય ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે.

17 મે 2025ના રોજ હળવાથી મધ્યમ કમોસમી વરસાદની આગાહી
જયારે 17 મે 2025ના રોજ અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, દાહોદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં હળવાથી મધ્યમ કમોસમી વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગે આજે 16 મે 2025ના રોજ રાજકોટ, બોટાદ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, પંચમહાલ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.

18 મે 2025ના રોજ અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં જ્યારે 19 મે 2025ના રોજ અમરેલી, ભાવનગર, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં છૂટો છવાયો કમોસમી વરસાદ થઇ શકે છે. આ ઉપરાંત તારીખ 20 અને 21 મે 2025ના રોજ દાહોદ, નર્મદા, છોટા ઉદેપુર, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં છૂટો છવાયો ગાજવીજ સાથે હળવોથી મધ્યમ કમોસમી વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગના આંકડા પમુજબ રાજ્યમાં 32.3 ડિગ્રીથી લઈને 41 ડિગ્રી વચ્ચે મહત્તમ તાપમાન નોંધાયું હતું. જેમાં 41 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે સુરેન્દ્રનગર અને કંડલા એરપોર્ટ રાજ્યના સૌથી ગરમ શહેર રહ્યા હતા. જ્યારે દ્વારકામાં 32.3 ડિગ્રી મહત્મ તાપમાન નોંધાયું હતું.

May 17, 2025
image-7.png
1min245

કતરની રાજધાની દોહામાં દોહા ડાયમન્ડ લીગ રમાઈ રહી છે, જેમાં ભારતના સ્ટાર ‘જૈવલિન થ્રોઅર’ નીરજ ચોપરાએ 90 મીટરથી દૂર ભાલો ફેંકી ઈતિહાસ રચ્યો છે. નીરજ આવું કરનાર પ્રથમ ભારતીય જેવલિન થ્રોઅર બની ગયો છે. બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા નીરજે આ વર્ષે પોતાની પહેલી સ્પર્ધામાં ભાગ લઈ દોહા ડાયમંડ લીગ મીટમાં 90.23 મીટરના શાનદાર થ્રો કરી આ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. જોકે લીગમાં જૂલિયન વેબરે 91.09 મીટર દૂર ભાલો ફેંકતા નીરજ ચોપડા બીજા ક્રમે આવી ગયો છે.

નીરજ ચોપડા જેવલિન થ્રોઅરમાં 90 મીટર પાર કરનાર ભારતનો પ્રથમ ખેલાડી, વિશ્વનો 25મો અને એશિયાનો ત્રીજો ખેલાડી બની ગયો છે. પાકિસ્તાનના ઓલિમ્પિક ચેમ્પિયન અરશદ નદીમ (92.97) અને ચાઇનીઝ તાઇપેઈના ચાઓ-સુન ચેંગ (91.36) એ એકમાત્ર અન્ય એથ્લેટ છે, જેમણે 90 મીટરથી વધુ ભાલો ફેંકનાર ખેલાડી બન્યા છે.

જુલિયન વેબરે 91.06 મીટર ભાલા ફેંક્યો છે. તેણે પોતાના અંતિમ થ્રોમાં નીરજ ચોપરાને પાછળ છોડી દીધો છે. જુલિયન વેબર માટે પણ આ કારકિર્દીનું શ્રેષ્ઠ વ્યક્તિગત પ્રદર્શન છે.

દોહા ડાયમંડ લીગમાં તમામ 11 ખેલાડીઓના શ્રેષ્ઠ થ્રો

જુલિયન વેબર (જર્મની) – 91.06 મીટર
નીરજ ચોપરા (ભારત) – 90.23 મીટર
એન્ડરસન પીટર્સ (ગ્રેનાડા) – 85.64 મીટર
કેશોર્ન વોલ્કોટ (ત્રિનિદાદ અને ટોબેગો) – 84.65 મીટર
મોહમ્મદ હુસૈન અહેમદ સમેહ (ઇજિપ્ત) – 79.42 મીટર
ઓલિવર હેલૈન્ડર (ફિનલેન્ડ) – 79.61 મીટર
જેકબ વાડલેચ (ચેક રિપબ્લિક) – 79.06 મીટર
કિશોર જેના (ભારત)- 78.60 મીટર
જુલિયસ યેગો (કેન્યા)- 78.52 મીટર
રોડરિક જી. ડીન (જાપાન) – 76.49 મીટર
મેક્સ ડેહનિંગ (જર્મની)- 74.00 મીટર
ચોપરાના ટોચના પાંચ થ્રો

89.94 મીટર સ્ટોકહોમ ડાયમંડ લીગ 2022
89.49 મીટર લૌઝેન ડાયમંડ લીગ 2024
89.45 મીટર પેરિસ 2024 ઓલિમ્પિક્સ – એફ
89.34 મીટર પેરિસ 2024 ઓલિમ્પિક્સ – ક્યૂ
89.30 મીટર પાવો નુરમી ગેમ્સ 2022

May 15, 2025
justice-gavai.png
1min362

રાષ્ટ્રપતિ દ્રોપતિ મુર્મૂએ જસ્ટિસ ગવઈને સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લેવડાવ્યા હતા.

જસ્ટિસ બીઆર ગવઈ આજે ભારતના આગામી મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા હતા. રાષ્ટ્રપતિ દ્રોપતિ મુર્મૂએ જસ્ટિસ ગવઈને સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લેવડાવ્યા હતા. જસ્ટિસ ગવઈ ભારતના 52મા મુખ્ય ન્યાયાધીશ બન્યા. તેમનું પૂરું નામ ભૂષણ રામકૃષ્ણ ગવઈ છે. તેઓ 23 નવેમ્બર, 2025 ના રોજ નિવૃત્તિ સુધી આ પદ પર રહેશે. સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની નિવૃત્તિ વય 65 વર્ષ છે.

જસ્ટિસ ગવઈ મહારાષ્ટ્રના અમરાવતીના રહેવાસી છે. તેઓ 16 માર્ચ, 1085ના રોજ બારમાં જોડાયા અને 1087 સુધી ભૂતપૂર્વ એડવોકેટ જનરલ અને બોમ્બે હાઈકોર્ટના ન્યાયાધીશ રાજા એસ ભોંસલે સાથે કામ કર્યું. 1990 પછી, તેમણે બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચમાં બંધારણીય અને વહીવટી કાયદામાં પ્રેક્ટિસ કરી. તેઓ નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશન, અમરાવતી મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમરાવતી યુનિવર્સિટીના વકીલ પણ રહી ચૂક્યા છે.

જસ્ટિસ ગવઈને ઓગસ્ટ 1992 થી જુલાઈ 1993 સુધી બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચમાં સહાયક સરકારી વકીલ અને વધારાના સરકારી વકીલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 17 જાન્યુઆરી, 2000 થી તેમને સરકારી વકીલ અને સરકારી વકીલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

14નવેમ્બર, 2003ના રોજ, જસ્ટિસ ગવઈને બોમ્બે હાઈકોર્ટના એડિશનલ જજ તરીકે બઢતી આપવામાં આવી અને 12 નવેમ્બર, 2005ના રોજ, તેઓ હાઈકોર્ટના કાયમી જજ બન્યા. તેમણે મુંબઈ ખાતે હાઈકોર્ટની મુખ્ય બેન્ચ અને નાગપુર, ઔરંગાબાદ અને પણજી ખાતેની બેન્ચમાં સેવા આપી હતી. 24 મે, 2019 ના રોજ તેમને સુપ્રીમ કોર્ટમાં બઢતી આપવામાં આવી.

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે, જસ્ટિસ ગવઈ ઘણા ઐતિહાસિક નિર્ણયોનો ભાગ રહ્યા છે. તેઓ જાન્યુઆરી 2023 માં સુપ્રીમ કોર્ટના બહુમતી નિર્ણયનો ભાગ હતા જેણે કેન્દ્ર સરકારના 500 અને 1000 રૂપિયાની નોટોને બંધ કરવાના નિર્ણયને સમર્થન આપ્યું હતું.

જસ્ટિસ ગવઈ એ પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચનો પણ ભાગ હતા જેણે ડિસેમ્બર 2023 માં જમ્મુ અને કાશ્મીર રાજ્યને વિશેષ દરજ્જો આપતી કલમ 370 ની જોગવાઈઓને રદ કરવાના કેન્દ્રના નિર્ણયને સમર્થન આપ્યું હતું. પાંચ ન્યાયાધીશોની બીજી બંધારણીય બેન્ચે રાજકીય ભંડોળ માટે ચૂંટણી બોન્ડ યોજનાને રદ કરી હતી. જસ્ટિસ ગવઈ પણ આ બેન્ચનો ભાગ હતા.

ન્યાયાધીશ ગવઈએ અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) માટે પેટા-વર્ગીકરણને મંજૂરી આપતા ચુકાદાને સમર્થન આપ્યું હતું અને કહ્યું હતું કે સાચી સમાનતા પ્રાપ્ત કરવા માટે આ સમુદાયોમાં પણ “ક્રીમી લેયર” ઓળખવું આવશ્યક છે.

નવેમ્બર 2024 માં જસ્ટિસ ગવઈની આગેવાની હેઠળની બે જજોની બેન્ચે ગુનેગારોની મિલકતોના બુલડોઝરની ટીકા કરી હતી અને કહ્યું હતું કે કાયદાની યોગ્ય પ્રક્રિયા વિના મિલકતોનું તોડી પાડવું એ કાયદાની વિરુદ્ધ છે.

May 14, 2025
SS_Logo_Red-1280x986.png
1min607

તા.13મી મે 2025ના રોજ સેન્ટ્રલ બોર્ડ દ્વારા ધો.12 સાયન્સના પરીણામો ઘોષિત કરવામાં આવ્યા. પરીણામો ઘોષિત કરાયા બાદ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં એ મૂંઝવણ ઉપસ્થિત થઇ છે કે સેન્ટ્રલ બોર્ડે રીઝલ્ટમાં માર્કસ અને પર્સન્ટેજ જાહેર કર્યા છે. જ્યારે ગુજરાતમાં એસીપીસી (એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ) દ્વારા એન્જિનિયરિંગ, ફાર્મસીનું મેરીટ તૈયાર કરવામાં આવે છે તેમાં પર્સન્ટાઇલ રેન્ક ગણવામાં આવે છે.

તો આવી મૂંઝવણ ફક્ત શિક્ષણ સર્વદા (વિદ્યાર્થીઓનું અખબાર) દૂર કરી શકે છે. શિક્ષણ સર્વદા જણાવે છે કે દર વર્ષે સેન્ટ્રલ બોર્ડ તેમજ અધર ધેન ગુજરાત બોર્ડના ધો.12 સાયન્સના વિદ્યાર્થીઓના કેટલા માર્કે કેટલા પર્સન્ટાઇલ થાય તેની અધિકૃત માહિતી ધરાવતુ કોષ્ટક સેન્ટ્રલ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવે છે જેમાં હાઇએસ્ટ માર્કસથી લઇને લોએસ્ટ માર્ક સુધીના માર્ક પર કેટલા પર્સન્ટાઇલ થાય તે દર્શાવવામાં આવે છે.

અહીં અમે 2024માં માર્કસની સામે કેટલા પર્સન્ટાઇલ માર્ક ગણતરીમાં લેવામાં આવ્યા હતા તે ચાર્ટ જાણકારી માટે, વાલીઓ વિદ્યાર્થીઓને એક રેન્ડમ આઇડિયા મળે તે માટે પ્રસ્તુત કરી રહ્યા છે જેના આધારે અંદાજો આવી શકશે કે સેન્ટ્રલ બોર્ડમાં ધો.12 સાયન્સમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ, ત્રણ વિષયોના થિયરીના કુલ માર્કસની સામે કેટલા પર્સન્ટાઇલ મેરીટની ગણતરીમાં ધ્યાનમાં લેવાશે.

ગુજરાતમાં એસીપીસી દ્વારા એન્જિનિયરિંગ એડમિશનમાં પીસીએમના કુલ પર્સન્ટાઇલના 50 ટકા અને ગુજકેટમાં કુલ પર્સન્ટાઇલના 50 ટકાનો સરવાળો કરીને મેરીટ તૈયાર કરવામાં આવે છે. મેરીટના આધારે મેરીટ રેન્ક આપવામાં આવે છે.

ઉપરોક્ત 2024ના ચાર્ટનો આધાર લઇએ તો કોઇ વિદ્યાર્થીના ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ વિષયોમાં થિયરીમાં 190 માર્કસ આવ્યા હોય તો તેના થિયરી પર્સન્ટાઇલ 90.63 થાય છે, એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં મેરીટની ગણતરીમાં 90.63ના 50 ટકા એટલે કે 45.31 પીઆર ગણનામાં લેવાશે. જેમાં ગુજકેટના 50 ટકા ઉમેરીને મેરીટ બનાવવામાં આવે છે.

May 14, 2025
e-passport.png
1min305


કેન્દ્ર સરકારે હાઈટેક પહેલાના ભાગરૂપે દેશભરમાં ચિપ આધારીત ઈ-પાસપોર્ટ સેવા શરૂ કરી દીધી છે. દેશમાં આ નવી સુવિધા શરૂ થવાની સાથે વિદેશ પ્રવાસ કરનારા ભારતીય નાગરિકોને અનેક ફાયદા થશે સાથે જ ઈમિગ્રેશન પ્રક્રિયા, સુરક્ષા અને કૉન્ટેક્ટલેટ થઈ જશે. દેશમાં આ નવી પહેલ શરૂ થતાની સાથે જ ભારત અમેરિકા, યુકે, ફ્રાન્સ, જાપાન અને કેનેડા જેવા 120 દેશોમાં સામેલ થઈ ગયા છે, જેઓ પહેલેથી જ ઈ-પાસપોર્ટનો ઉપયોગ કરી રહ્યા છે.

ઈ-પાસપોર્ટ એક ઈલેક્ટ્રોનિક ડોક્યુમેન્ટ છે. તેની પાછળના ભાગે એક RFID ચિપ અને એન્ટીના હોય છે. આ ચિપમાં પાસપોર્ટ ધારકનું નામ, જન્મતારીખ, પાસપોર્ટ નંબર, ફેસ અને ફિંગરપ્રિન્ટ જેવી બાયોમેટ્રિક અને વ્યક્તિગત માહિતી સુરક્ષીત રહે છે. આ ડેટા આંતરરાષ્ટ્રીય સુરક્ષા નિયમો BAC, PA અને EAC અનુસાર એન્ક્રિપ્ટેડ છે.

ઈ-પાસપોર્ટની સેવાનો પાયલોટ પ્રોજેક્ટ પ્રથમ તબક્કામાં નાગપુર, ભુવનેશ્વર, જમ્મૂ, ગોવા, શિમલા, જયપુર, ચેન્નાઈ, હૈદરાબાદ, ગુજરાતનું સુરત, રાયપુર, અમૃતસર, રાંચી, દિલ્હી જેવા શહેરોમાં લાગુ કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે જૂન-2025 સુધીમાં દેશભરમાં લાગુ કરવાનો લક્ષ્યાંક નિર્ધારીત કર્યો છે.

ઈ-પાસપોર્ટના કારણે ઈમિગ્રેશન પ્રક્રિયા વધુ સરલ અને આધુનિક બનશે. પ્રવાસીઓ હવે ઈ-ગેટ્સમાંથી ઓટોમેટેડ તેમજ કોન્ટેક્ટલેસ પ્રોસેરમાંથી પ્રવેશ કરી શકશે. આ નવી સુવિધાના કારણે વેઈટિંગ સહિત અનેક ઝંઝટમાંથી છૂટકારો મળશે અને મુસાફરો સરળતાથી અને આરામદાયક મુસાફરી કરી શકશે.

ઈ-પાસપોર્ટ મેળવવા ઈચ્છુક નાગરિક પાસપોર્ટ સેવા પોર્ટલ પર અરજી કરી શકે છે. તેઓએ નજીકના પાસપોર્ટ સેવા કેન્દ્ર અથવા પોસ્ટ ઓફિસ પાસપોર્ટ કેન્દ્ર પર જઈને બાયોમેટ્રિકની માહિતી આપવાની રહેશે. આગામી સમયમાં ઈ-પાસપોર્ટમાં ડિજિટલ વિઝા, મોબાઈલ પાસપોર્ટ વૉલેટ, આધાર તેમજ ડિજિલોકર ઈન્ટીગ્રેશન જેવા ફિચર્સ જોડવામાં આવી શકે છે. આ સુવિધાના કારણે પ્રવાસીનો પ્રવાસ સંપૂર્ણ ડિજિટલ અને પેપરલેસ થઈ જશે.

May 13, 2025
IPL_2022.jpg
1min351

ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધતા IPL 2025 એક અઠવાડિયા માટે સ્થગિત કરાઇ હતી. જોકે, હવે બંને દેશો વચ્ચે સંઘર્ષવિરામ થતા BCCIએ IPL 2025નો નવો શેડ્યૂલ બહાર પાડ્યો છે. સરકાર અને સુરક્ષા એજન્સીઓ સાથે અને તમામ મુખ્ય હિસ્સેદારો સાથે ચર્ચા કર્યા બાદ બોર્ડે સિઝનની બાકીની મેચો 17 મે, 2025 થી ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે.

BCCIના નવા શેડ્યૂલ મુજબ IPL 2025ની તમામ મેચો 17 મે, 2025 થી શરૂ થશે અને 3 જૂન, 2025 ના રોજ સિઝનની ફાઇનલ મેચ રમાશે. સુધારેલા શેડ્યૂલ પ્રમાણે IPL 2025ની આગામી તમામ મેચો હવે બેંગલુરુ, દિલ્હી, જયપુર, મુંબઇ, અમદાવાદ અને લખનઉમાં રમાશે, આમ દેશના 6 સ્થળોએ કુલ 17 મેચો રમાશે. પ્લેઓફની મેચો 17 મેથી 27 મે દરમિયાન રમાશે જે પછી ક્વોલિફાયર 1 – 29 મે, એલિમિનેટર – 30 મે, ક્વોલિફાયર 2 – 1 જૂન, ફાઇનલ – 3 જૂનના રોજ રમાશે.

IPL 2025માં પોઇન્ટ ટેબલની વર્તમાન સ્થિતિ મુજબ, ગુજરાત ટાઇટન્સ (GT) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) 16-16 પોઇન્ટ સાથે અનુક્રમે પહેલા અને બીજા ક્રમે છે. પંજાબ કિંગ્સ (PBKS) 15 પોઇન્ટ સાથે ત્રીજા ક્રમે, મુંબઇ ઇન્ડિયન્સ (MI) 14 પોઇન્ટ સાથે ચોથા ક્રમે છે. આ ચારેય ટીમો ક્વોલિફાયર્સમાં પ્રવેશવા માટે મજબૂત દાવેદાર છે. આ સિવાય દિલ્હી કેપિટલ્સ (DC), કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) અને લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) અનુક્રમે પાંચમા, છઠ્ઠા અને સાતમા ક્રમે છે. આ ત્રણેય ટીમો હજુ ક્વોલિફાયર્સની રેસમાં સામેલ છે.

જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH), રાજસ્થાન રોયલ્સ (RR) અને ચેન્નાઇ સુપર કિંગ્સ (CSK) અનુક્રમે આઠમા, નવમા અને દસમા ક્રમે છે. આ ત્રણેય ટીમો પ્લેઓફમાંથી બહાર થઇ ગઇ છે. જો કે, આ ટીમો પ્લેઓફમાં તેમની બાકીની ઔપચારિક મેચો રમતા જોવા મળશે.