ગુજરાતના વિવિધ અખબારો, ટીવી મિડીયાના 13 પત્રકારોની ટીમ આજે નાગાલેન્ડના 5 દિવસના સત્તાવાર પ્રવાસે દીમાપૂર એરપોર્ટ પર પહોંચી હતી. જ્યાં નાગાલેન્ડ પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો (પીઆઇબી) કોહીમાના આસિસ્ટન્ટ ડાયરેક્ટર કે.સોનીકુમાર સિંઘ અને તેમની ટીમના સભ્યોએ ગુજરાતથી દીમાપૂર પહોંચેલા પત્રકારોનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.
ગુજરાતના પત્રકારો આગામી પાંચ દિવસ દરમિયાન નાગાલેન્ડમાં થઇ રહેલા વિકાસકામો તથા તેમની પ્રોજેક્ટ સાઇટની મુલાકાત લેશે. નાગાલેન્ડની ભાતીગળ સંસ્કૃતિ, ભારતના સૌથી પહેલા ગ્રીન વીલેજ સહિતના પ્રોજેક્ટની મુલાકાત લેશે. પ્રવાસનું આયોજન પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો ગુજરાત તેમજ પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો નાગાલેન્ડના સંયુક્ત પ્રયાસોથી હાથ ધરવામાં આવ્યો છે.
ઉત્તરાખંડની પવિત્ર ચારધામ યાત્રા પર જનારા શ્રદ્ધાળુ માટે આ વર્ષે મોટા સમાચાર સામે આવ્યા છે. બદ્રીનાથ, કેદારીનાથ, ગંગોત્રી અને યમુનોત્રી ધામની પવિત્રતા અને મર્યાદા જાળવી રાખવા માટે ઉત્તરાખંડ સરકાર અને વહીવટી તંત્રએ એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. હવેથી મંદિર પરિસરમાં મોબાઈલ ફોન અને કેમેરા લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાયો છે. આ નિર્ણય પાછળનો મુખ્ય હેતુ મંદિરોમાં વધતા જતા ‘રીલ’ કલ્ચર અને સોશિયલ મીડિયા બ્લોગિંગ પર લગામ કસવાનો છે.
આ અંગે ગઢવાલ કમિશનર વિનય શંકર પાંડેની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં નિર્ણય લેવાયો હતો. વહીવટીતંત્રના જણાવ્યાનુસાર, છેલ્લા કેટલાક વર્ષોમાં જોવા મળ્યું છે કે શ્રદ્ધાળુઓ દર્શન કરવાને બદલે મંદિરની અંદર ફોટા પાડવામાં અને વીડિયો કે રીલ બનાવવામાં વધુ સમય વિતાવે છે. આ કારણસર માત્ર મંદિરની ગરિમા તો જોખમાય જ છે, પરંતુ ત્યાં દર્શન માટે ઉભેલા અન્ય શ્રદ્ધાળુઓને પણ મુશ્કેલી પડે છે. ભીડનું વ્યવસ્થાપન કરવું પણ કઠિન બને છે. વળી, આ મુદ્દે અન્ય લોકો પણ વારંવાર ફરિયાદ કરે છે, જેથી પવિત્ર ધામોમાં કોઈ પણ વિવાદોને રોકવા માટે આ પગલું લેવાયું છે.
નવા નિયમ મુજબ, બદ્રીનાથમાં સિંહદ્વારથી આગળ અને કેદારીનાથ, ગંગોત્રી તેમજ યમુનોત્રીના મંદિર પરિસરમાં મોબાઈલ લઈ જવાની મનાઈ રહેશે. શ્રદ્ધાળુઓએ દર્શન કરતા પહેલા જ પોતાના મોબાઈલ ફોન અને કેમેરા નક્કી કરેલા કાઉન્ટર પર જમા કરાવવાના રહેશે. બદ્રીનાથ-કેદારીનાથ મંદિર સમિતિ (BKTC) દ્વારા ફોન સુરક્ષિત રાખવા માટે અલગ વ્યવસ્થા કરાશે. જો કે, મંદિરની બહારથી બેકગ્રાઉન્ડમાં જવાબદારીપૂર્વક અને કોઈને ખલેલ ના પહોંચે તે રીતે ફોટો અને વીડિયોગ્રાફી કરવાની છૂટ રહેશે.
આ વર્ષે પણ યાત્રા માટે રજિસ્ટ્રેશન ફરજિયાત રહેશે, જેમાં 60% ઓનલાઇન અને 40% ઓફલાઇન પદ્ધતિ રખાઈ છે. ગત વર્ષે 50 લાખથી વધુ પ્રવાસીએ ચારધામના દર્શન કર્યા હતા, જેને ધ્યાનમાં રાખીને આ વર્ષે રસ્તા, આરોગ્ય અને સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવાઈ રહી છે. શ્રદ્ધાળુઓ શાંતિપૂર્ણ અને ભક્તિમય વાતાવરણમાં દર્શન કરી શકે તે તંત્રની પ્રાથમિકતા છે.
સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં છેલ્લા બે દિવસથી પલટો આવ્યો છે અને આજે રવિવારે 18/01/26 સવારથી વાતાવરણમાં ગાઢ ધુમ્મસ છવાતા સુરત એરપોર્ટ પર ફ્લાઇટના આવાગમનને ઘેરી અસર થઈ હતી.
મળતી માહિતી મુજબ આજે 18/01/26 સવારે એક વાગ્યા સુધીની કમ સે કમ 6 ફલાઈટ અને પરત ફરનારી 6 મળીને 12 ફ્લાઈટોના એરાઇવલ તથા ડિપાર્ચરમાં ભારે વિલંબ થયો હતો. એર ઇન્ડિયા એક્સપ્રેસની સવારે 8:25 કલાકે સુરત આવનારી ફ્લાઇટને અમદાવાદ ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી.
આજે 18/1/26 લેટ થયેલી ફ્લાઈટની વાત કરીએ તો એર ઇન્ડિયા એક્સપ્રેસની દિલ્હીથી સુરત આવનારી ફ્લાઈટનો નિર્ધારિત સમય 7:30 કલાકનો હતો તેને બદલે એ ફ્લાઈટ 10.17 સુરત એરપોર્ટ પર લેન્ડ થઇ હતી. એવી જ રીતે હૈદરાબાદથી સુરત આવનારી ફ્લાઈટનો નિર્ધારિત એરાઇવલ ટાઈમ સવારે 7.50 કલાકનો છે, તેની જગ્યાએ એ ફ્લાઈટ આજે રવિવારે બપોરે 12.09 કલાકે સુરત એરપોર્ટ પર પહોંચી હતી.
ઈન્ડિગો એરલાઇન્સની દિલ્હીથી સુરત આવતી સવારે 8:00 કલાકની ફ્લાઈટ બપોરે 12:30 કલાકે સુરત એરપોર્ટ પર પહોંચી હતી.
ચેન્નાઈ થી સવારે 11:25 કલાકે સુરત આવતી ઈન્ડિગો એરલાઇન્સની ફ્લાઈટ એક કલાક મોડી પહોંચી હતી. એરાઇવલ ફ્લાઈટોમાં જે રીતે વિલંબ થયો હતો તેવો જ વિલંબ ડિપાર્ચરમાં પણ થયો હતો. સુરતથી બેંગ્લોર, દિલ્હી, બેંગકોક, દુબઈ અને પુને જનારી લાઇટોમાં એકથી ત્રણ કલાક જેવો વિલંબ થયો હતો.
આજે સુરત એરપોર્ટ પર ફ્લાઇટોનું સમયપત્રક વાતાવરણ તેમજ કેટલાક ટેકનિકલ ઇશ્યુને કારણે ખોરવાયું હતું જેને કારણે સુરત એરપોર્ટ પરથી આવાગમન કરનારા સેંકડો મુસાફરોને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો.
મહારાષ્ટ્રમાં ચાર વર્ષના લાંબા વિલંબ બાદ યોજાયેલી 29 નગર નિગમોની ચૂંટણીના પરિણામો આજે (શુક્રવાર) જાહેર થઈ રહ્યા છે. રાજ્યભરના 893 વોર્ડમાં કુલ 15,931 ઉમેદવારોના ભાવિનો ફેંસલો આજે થશે. મતોની ગણતરી સવારે 10 વાગ્યે શરૂ થઈ ગઈ છે અને બપોર પછી મુખ્ય પરિણામો આવવાની ધારણા છે.
નાગપુરની 151 બેઠકમાંથી ભાજપ 98 બેઠક પર લીડ મેળવી ચૂક્યો છે. આ સાથે વલણોમાં ભાજપ બહુમતીમાં આવી ગયો છે.
બીએમસી ચૂંટણીથી એક મોટા સમાચાર એ આવ્યા છે કે પહેલી બેઠક કોંગ્રેસના ઉમેદવારે જીતી લીધી છે. વોર્ડ નંબર 183માં કોંગ્રેસના ઉમેદવારે જીત નોંધાવી છે. જ્યારે વોર્ડ નંબર 214 પ્ર ભાજપના ઉમેદવાર જીત્યા છે.
આ સાથે ચૂંટણી પંચે મતદાન વખતે માર્કર પેનના ઉપયોગ પર વિવાદ થતાં મોટો નિર્ણય કર્યો છે અને માર્કર પેનના ઉપયોગ પર બેન મૂકી દીધો છે.
નાગપુરમાં 151માંથી 73 બેઠકો વલણમાં ભાજપે 57 બેઠકો પર લીડ મેળવી લીધી છે. જ્યરે કોંગ્રેસ 16 જ બેઠક પર આગળ છે.
પૂણેમાં 165 બેઠકોમંથી 75 બેઠકના વલણો જાહેર થઇ ગયા છે. જેમાંથી 52 બેઠકો પર ભાજપના ગઠબંધને લીડ મેળવી લીધી છે. જ્યારે એનસીપી ગઠબંધન માત્ર 18 જ બેઠક પર લીડમાં જણાય છે. જ્યારે કોંગ્રેસ અને યુબીટીના ગઠબંધનમાં 1 જ બેઠક આવી છે.
રાહુલ ગાંધીએ શાહી વિવાદ અંગે ટિપ્પણી કરતાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી હતી જેમાં ચૂંટણી પંચ સામે નિશાન તાક્યું હતું. તેમણે કહ્યું કે ચૂંટણી પંચ દ્વારા ગેરમાર્ગે દોરવા એ લોકતંત્ર પર મોટા પ્રહાર સમાન છે.
સંજય રાઉતે ભજપ સામે ગંભીર આરોપ મૂકતાં કહ્યું હતું કે ચૂંટણી માટે મતદાન પૂરું થતાં જ બીએમસીના કમિશનરે ભાજપના નેતાઓ સાથે મુલાકાત કરી હતી. આચારસંહિતા લાગુ હોવા છતાં તેઓ આવું કેવી રીતે કરી શકે?
બીએમસી સહિત મહારાષ્ટ્રની 29 મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે મતગણતરીની શરૂઆત થઇ ચૂકી છે. મોટાભાગે ભાજપનો દરેક જગ્યાએ દબદબો જોવા મળી રહ્યો છે. હાલમાં વલણો જાહેર થઇ રહ્યા છે. જેના આધારે પૂણેમાં ભાજપ 32 તો એનસીપી 14 બેઠક પર આગળ છે. જ્યારે બીએમસીની ચૂંટણીની વાત કરીએ તો 46 બેઠકના વલણો સામે આવ્યા છે. જેમાં ભાજપ ગઠબંધન 25, ઉદ્ધવ જૂથ 19, કોંગ્રેસ 2 બેઠક પર આગળ દેખાય છે.
ઉલ્લેખનીય છે કે એનડીએ ગઠબંધન એટલે કે મહાયુતિ મહારાષ્ટ્રની સ્થાનિક એકમની ચૂંટણીમાં 60થી વધુ બેઠકો પહેલાથી જ બિનહરિફ જીતી ચૂક્યું છે. તેમાં સૌથી વધુ બેઠક 43 ભાજપ જીત્યો હતો. જ્યારે એકનાથ શિંદેની શિવસેનાએ 19 અને એનસીપીએ 2 બેઠક જીતી હતી. જેને લઈને વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો હતો. ચૂંટણી પંચે પણ આ મામલે તપાસના આદેશ કર્યા હતા.
આ તમામ ચૂંટણીઓમાં સૌથી વધુ ચર્ચા બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (BMC)ની છે, જે દેશની સૌથી ધનિક નગર નિગમ છે અને તેનું બજેટ 74,400 કરોડ રૂપિયાથી વધુ છે. BMCમાં કુલ 227 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી, જ્યાં બહુમતી માટે 114 બેઠકોની જરૂર છે. ગુરુવારે આવેલા એક્ઝિટ પોલ્સમાં મહાયુતિ (ભાજપ + એકનાથ શિંદેની શિવસેના) ગઠબંધનને સ્પષ્ટ બહુમતી મળવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.
આ ચૂંટણીમાં મુખ્યત્વે ત્રણ મોટા ગઠબંધન વચ્ચે મુકાબલો જોવા મળ્યો હતો. શિવસેનાના વિભાજન બાદ ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે પ્રથમવાર સાથે મળીને ચૂંટણી લડ્યા હતા.
મહાયુતિ: ભાજપે 137 અને શિંદે જૂથની શિવસેનાએ 90 બેઠકો પર ઉમેદવાર ઉતાર્યા હતા.
ઠાકરે ગઠબંધન: શિવસેના (UBT) 163 બેઠકો પર અને મનસે (MNS) 52 બેઠકો પર લડી હતી.
કોંગ્રેસ ગઠબંધન: કોંગ્રેસે 143 અને વંચિત બહુજન આઘાડી (VBA) એ 46 બેઠકો પર ઉમેદવાર ઉભા રાખ્યા હતા.
અજિત પવાર NCP: એકલા હાથે 94 બેઠકો પર ચૂંટણી લડી હતી.
મુંબઈમાં 41-50% મતદાન
15 જાન્યુઆરીએ યોજાયેલા મતદાનમાં મુંબઈમાં સરેરાશ 41-50% મતદાન નોંધાયું હતું. આ ચૂંટણી 2017 પછી પ્રથમ વખત યોજાઈ રહી છે, કારણ કે 2022માં યોજાનારી ચૂંટણી વોર્ડ સીમાંકન અને અન્ય કારણોસર મુલતવી રાખવામાં આવી હતી. મુંબઈ ઉપરાંત પુણે, નાગપુર, નાસિક, થાણે, નવી મુંબઈ, પિંપરી-ચિંચવડ અને કલ્યાણ-ડોમ્બિવલી જેવા મોટા શહેરોના પરિણામો પર પણ સૌની નજર રહેશે.
મકરસંક્રાંતિ 2026: સૂર્યનું મકર રાશિમાં પરિવર્તન, જાણો પુણ્યકાળનું વર્ષ 2026ની શરૂઆતમાં જ આવતા પર્વ મકરસંક્રાંતિને લઈને લોકોમાં ભારે ઉત્સાહ છે. જ્યોતિષશાસ્ત્ર અને ખગોળશાસ્ત્રની દ્રષ્ટિએ આ દિવસનું વિશેષ મહત્વ છે. જ્યોતિષાચાર્ય ડો. હેમીલ પી. લાઠીયાના જણાવ્યા અનુસાર, વર્ષ 2026માં સૂર્ય દેવ મકર રાશિમાં ક્યારે પ્રવેશ કરશે અને દાન-પુણ્યનું શું મહત્વ રહેશે તે અંગેની ખાસ વિગતો પર નજર કરીએ.
સંક્રાંતિનો સમય અને પંચાંગ
આ વર્ષે મકરસંક્રાંતિ એટલે કે સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ 14 જાન્યુઆરી, 2026 ને બુધવારના રોજ થશે.
સમય: બપોરે 03:08 મિનિટે (IST)
તિથિ: પોષ વદ 11
નક્ષત્ર: અનુરાધા
ચંદ્ર રાશિ: વૃશ્ચિક
લગ્ન: વૃષભ
રાશિ મુજબ દાન: જાણો તમારે શું દાન કરવું જોઈએ?
મકરસંક્રાંતિના પવિત્ર દિવસે યથાશક્તિ દાન કરવાથી વિશેષ પુણ્ય પ્રાપ્ત થાય છે. રાશિ મુજબ નીચે મુજબની વસ્તુઓના દાનનું સૂચન કરવામાં આવ્યું છે.
શાસ્ત્રોક્ત દાન ઉપરાંત પશુ-પંખીઓને ચણ નાખવું અને ગાયોને ઘાસચારો ખવડાવવો એ પણ આજના દિવસે અત્યંત ફળદાયી માનવામાં આવે છે. સૂર્ય ભગવાન જ્યારે ઉત્તર તરફ પ્રયાણ કરે છે ત્યારે તેમની તેજસ્વિતા વધે છે, જે માનવ જીવન અને ખેતી-વેપાર પર પણ સકારાત્મક અસર કરે છે.
જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યનું રાશિ પરિવર્તન ‘સંક્રાંતિ’ તરીકે ઓળખાય છે. સૂર્ય જ્યારે મકર રાશિમાં પ્રવેશે છે ત્યારે તે ઉત્તર તરફ પ્રયાણ કરે છે, જેને આપણે ‘ઉત્તરાયણ’ કહીએ છીએ. સાયન પદ્ધતિ મુજબ સૂર્ય 22 ડિસેમ્બરની આસપાસ રાશિ પ્રવેશ કરે છે, જે ઋતુ ફેરફાર માટે મહત્વનો છે, જ્યારે નિરયન પદ્ધતિ મુજબ 14 જાન્યુઆરીના રોજ મકર સંક્રાંતિ ઉજવાય છે. આ દિવસે કરવામાં આવતી સૂર્ય પૂજા અને દાનનું અનેરું ફળ મળે છે.
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સુરત એમ્બ્રોઇડરી એસોસિએશનના સંયુકત ઉપક્રમે તા. ૯, ૧૦, ૧૧ અને ૧ર જાન્યુઆરી, ર૦ર૬ દરમિયાન સવારે ૧૦:૦૦થી સાંજે ૭:૦૦ કલાક દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘સુરત ઇન્ટરનેશનલ ટેક્ષ્ટાઇલ એન્ડ મશીનરી એક્ષ્પો – સીટમે ર૦ર૬’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, સુરત એ ટેક્ષ્ટાઇલ અને ડાયમંડ ઇન્ડસ્ટ્રીના એમએસએમઇ હબ તરીકે ઓળખાય છે ત્યારે આગામી દિવસોમાં ટેક્ષ્ટાઇલમાં વેલ્યુ એડીશન કરવા હેતુસર તેમજ સુરતની ટેક્ષ્ટાઇલ વેલ્યુ ચેઇનને મજબુત કરવા માટે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સઘન પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. વળી, ટેક્ષ્ટાઇલમાં એમ્બ્રોઇડરી અને વેલ્યુ એડીશન દ્વારા ઉત્પન્ન થતું ટેક્ષ્ટાઇલ ફેબ્રિક વિદેશના માર્કેટમાં એક બ્રાન્ડ તરીકે ઓળખ પામે એ મુખ્ય ઉદ્દેશ્ય આ એકઝીબીશનનો છે.
એમ્બ્રોઇડરી અને ડિજીટલ પ્રિન્ટીંગ મશીનરી થકી સુરતમાં રિયલ ફેબ્રિકની ઓળખ થશે. એમ્બ્રોઇડરી મશીન દ્વારા સુરતના ફેબ્રિકને વેલ્યુ એડીશન કરી સારુ માર્જીન પ્રાપ્ત થાય એ દિશામાં પ્રયત્ન કરવામાં આવશે. માત્ર મેન્યુફેકચરર્સ જ નહીં પણ ટ્રેડર્સને પણ તેનો લાભ થાય તે દિશામાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહયો છે.
સુરત એમ્બ્રોઇડરી એસોસિએશનના પ્રમુખ શ્રી મનોહર ટેકચંદાની અને જોઇન્ટ સેક્રેટરી શ્રી સંજય ઝાએ જણાવ્યું હતું કે, દરેક ઈન્ડસ્ટ્રીના વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે સ્થાનિક, રાજ્ય તેમજ કેન્દ્ર સરકારમાં વિવિધ સ્તરે અસરકારક રજૂઆતો કરતી ચેમ્બર ઓફ કોમર્સ એ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીના ડેવલપમેન્ટ માટે પ્રયાસ કરે છે. આથી ચેમ્બર ઓફ કોમર્સની સાથે મળીને આ એકઝીબીશનનું આયોજન કરીએ છીએ. અગાઉ જાન્યુઆરી– ર૦ર૪, માર્ચ– ર૦ર૩ અને જાન્યુઆરી– ર૦ર૦માં સીટમે એકઝીબીશન યોજાયું હતું, જેને જબરજસ્ત પ્રતિસાદ મળ્યો હતો. આ વર્ષે પણ એકઝીબીશનમાં એમ્બ્રોઇડરીની અત્યાધુનિક મશીનરીઓને પ્રદર્શિત કરવામાં આવશે.
ચેમ્બરના ઉપ પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, સીટમે એકઝીબીશનમાં એમ્બ્રોઇડરી મશીનરીના અદ્યતન તથા હાઇસ્પીડ મશીનોનું પ્રદર્શન કરવામાં આવશે, જેના કારણે સુરતની ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીના વિકાસને નવી દિશા અને વધુ વેગ મળશે. આવનારા સમયમાં સુરતને ગારમેન્ટ હબ તરીકે વિકસિત કરવાની દિશામાં આ એકઝીબીશન એક મહત્વપૂર્ણ અને અસરકારક પ્લેટફોર્મ પૂરું પાડશે. ગારમેન્ટ ક્ષેત્રે સુરતને અગ્રણી સ્થાન પર પહોંચાડવાની આ પહેલને હવે કોઇ અટકાવી શકશે નહીં.
તેમણે વધુમાં કહયું હતું કે, સીટમે એકઝીબીશન ગારમેન્ટ ક્ષેત્ર સાથે સંકળાયેલા ઉદ્યોગ સાહસિકો, ઉત્પાદકો અને વ્યવસાયિકો માટે સુવર્ણ તક સાબિત થશે. કારણ કે, અહીં અદ્યતન ટેકનોલોજી આધારિત મશીનો પ્રદર્શિત કરવામાં આવશે, જેનો ઉપયોગ કરીને ઉદ્યોગ સાહસિકો પોતાની ઉત્પાદન ક્ષમતા, ગુણવત્તા અને વ્યવસાયિક વિકાસમાં નોંધપાત્ર વધારો કરી શકશે. આથી, ગારમેન્ટ ઉદ્યોગ સાથે જોડાયેલા તમામને સીટમે એકઝીબીશનની ચોકકસ મુલાકાત લેવા માટે તેમણે અનુરોધ કર્યો હતો.
ચેમ્બરના તત્કાલિન પૂર્વ પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે, ‘સીટમે– ર૦ર૬’ એક્ષ્પોના આયોજનમાં ચેમ્બરની સાથે સુરત એમ્બ્રોઇડરી એસોસિએશન જોડાયું છે. એક્ષ્પોના આયોજનમાંં એમ્બ્રોઇડરી મશીનરી સાથે સંકળાયેલા લોકોએ જે ઉત્સાહ દાખવ્યો છે તે પ્રસંશનીય છે. આવનારા વર્ષોમાં આ ઉત્સાહ ઉત્તરોત્તર વધતો રહે તે જરૂરી છે. કારણ કે, એનાથી સુરતની અર્થ વ્યવસ્થા વધુ મજબૂત બની શકશે. આ પ્રદર્શન માટે ચેમ્બર ઓફ કોમર્સ અને સુરત એમ્બ્રોઇડરી એસોસિએશનની સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી છે.
ચેમ્બરના માનદ્ મંત્રી શ્રી બિજલ જરીવાલા અને માનદ્ ખજાનચી સીએ મિતિષ મોદીએ જણાવ્યું હતું કે, આ પ્રદર્શનની મુલાકાત લેનારા બાયર્સને લેટેસ્ટ ટેકનોલોજીની એમ્બ્રોઇડરી મશીનરી રૂબરૂ જોવા મળશે. તેઓને બાયર–સેલર મીટ કરવાનો પણ મોકો મળશે. બિઝનેસ અને નેટવર્કીંગ માટે તકો મળી રહેશે. ગારમેન્ટ મેન્યુફેકચરર્સ માટે પણ અનેક મશીનો અહીં જોવા મળશે.
ચેમ્બરના ઓલ એકઝીબીશન્સ ચેરમેન શ્રી કિરણ ઠુંમરે જણાવ્યું હતું કે, સરસાણા ખાતે કયભહહ ડોમમાં આ પ્રદર્શનનું આયોજન કરાયું છે, જેમાં સુરતના ૬૬ એકઝીબીટર્સે ભાગ લીધો છે. એકઝીબીટર્સમાં સુરત ઉપરાંત અમદાવાદ, નવી દિલ્હી, પૂણે, રાજકોટ, ઠાણે અને વલસાડના એકઝીબીટર્સનો સમાવેશ થાય છે.
આ એકઝીબીશનમાં સુરત ઉપરાંત અજમેર, આણંદ, અંકલેશ્વર, બલોત્રા, વર્ધમાન, બેલગામ, ભીવંડી, બિકાનેર, બોટાદ, ચંડીગઢ, કોઇમ્બતુર, દહાણુ રોડ, દિલ્હી, હૈદરાબાદ, ઇન્દોર, જયપુર, જેતપુર, જુનાગઢ, કલ્યાણ, ખંભાત, કોલકાતા, કોટા, મલાડ, માલેગાવ, મુંબઇ, મુઝફફરપુર, નવાપુર, પાનીપત, પૂણે, રાજકોટ, સિલવાસા, સુરેન્દ્રનગર, તમિલનાડુ, ઠાણે, તિરુપુર, ઉજ્જૈન, વડોદરા અને વારાણસી સહિત ભારતભરમાંથી બાયર્સ પ્રદર્શનની મુલાકાત લેશે.
દેશભરમાંથી અત્યાર સુધીમાં ૧ર હજાર જેટલા બાયર્સે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આથી ચાર દિવસમાં એકઝીબીશનમાં રપ હજારથી વધુ બાયર્સ પ્રદર્શનની મુલાકાત લેશે તેવી આશા છે. એકઝીબીશનમાં પ્રવેશ વિનામૂલ્યે રાખવામાં આવ્યો છે.
આ એકઝીબીશનમાં મશીનરી સહિત મશીનરીના પાર્ટ્સ, દોરા, ધાગા અને બીડ્સ તેમજ અન્ય આનુસંગિક પ્રોડકટ પણ જોવા મળશે. આ ઉપરાંત અમદાવાદના માર્કેટમાં જે ડિઝાઇન ચાલે છે તે પણ અહીં જોવા મળશે.
સીટમે એક્ષ્પોમાં સૌ પ્રથમ વખત પોઝીશન એમ્બ્રોઇડરી મશીનરી લોન્ચ કરવામાં આવશે અમ્બ્રોઈડરી અને જેકાર્ડ ફેબ્રિક પર પોઝિશન એમ્બ્રોઈડરી કરવા માટે ભારતભરમાં અત્યાર સુધી કોઇ સ્થળે એડવાન્સ ટેકનોલોજી સાથેની પોઝીશન એમ્બ્રોઇડરી મશીનરી લોન્ચ થઇ નથી, સુરતમાં સીટમે એક્ષ્પોમાં પ્રથમ વખત આ મશીનરીને લોન્ચ કરવામાં આવશે. આ મશીનરીથી હેન્ડ વર્ક અને ખાટલી વર્કનું કામ શક્ય બનશે, જે ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીના વિવિધ સેગમેન્ટો જેવા કે પોઝીશન પ્રિન્ટીંગ, એમ્બ્રોઇડરી, જેકાર્ડ અને શિફલી સેગમેન્ટના ડેવલપમેન્ટ માટે મહત્વની ભૂમિકા ભજવશે.
હવે પરંપરાગત જરદોશી હેન્ડવર્ક, એમ્બ્રોઇડરી મશીન પર શક્ય બનશે સીટમે એકઝીબીશનમાં સિંગલ હેડ એમ્બ્રોઇડરી મશીન પર માયા જરદોશી ડિવાઇસ સાથે લાઇવ ડેમો રજૂ કરવામાં આવશે. આ ડેમો ભારતભરમાં પ્રથમ વખત સીટમે એકઝીબીશનમાં રજૂ કરાશે. આ ટેકનોલોજી દ્વારા હવે પરંપરાગત જરદોશી હેન્ડવર્ક, એમ્બ્રોઇડરી મશીન પર શક્ય બનશે. ખાસ વાત એ છે કે, આ ડિવાઇસ ડિઝાઇનની જરૂરિયાત મુજબ ૪ મીમીથી ૧૧ મીમી સુધી જરદોશીનું ઓટો કટિંગ કરે છે, જે સંપૂર્ણપણે ઓટોમેટીક છે. આ નવીન ટેકનોલોજી ભારતભરમાં કોઇ જ સ્થળે નથી, જે સુરતમાં પ્રથમ વખત સીટમે એકઝીબીશનમાં બાયર્સને જોવા મળશે.
એમ્બોઇડરી બીડ્સ મશીનરી માટે બીડ્સ નાયલોન તાર લોન્ચ કરાશે એમ્બોઇડરી બીડ્સ મશીનરી માટે ખાસ બનાવવામાં આવેલા બીડ્સ નાયલોન તારને ભારતભરમાં સુરત ખાતે સીટમે એકઝીબીશનમાં પ્રથમ વખત લોન્ચ કરવામાં આવશે. બીડ્સ નાયલોન તાર એમ્બ્રોઇડરી બીટ્સ મશીનરીમાં ઉપયોગમાં લઇ શકાશે. આ નાયલોન તારમાં ૮પ૦૦૦ મીટરની લેન્થમાં સિંગલ નોટ આવતી નથી અને આ તાર મશીનરી પર લગાવ્યા બાદ બે મહિના સુધી કોનને ઉતારવાની જરૂર પડતી નથી. એ સિવાયના કોનમાં બે મહિને પાંચેક વખત ગાંઠ પડતી હોવાને કારણે તેને પાંચેક વખત બદલવાની જરૂર પડે છે. જ્યારે ૮પ૦૦૦ મીટરની લેન્થવાળા નાયલોન તારમાં ગાંઠ પડતી ન હોવાથી એમ્બ્રોઇડરી મશીનરી પર વધુમાં વધુ પ્રોડકશન લઇ શકાશે.
Iran protests : ઈરાનમાં મોંઘવારી અને નબળી અર્થવ્યવસ્થાના વિરોધમાં શરૂ થયેલું આંદોલન સરકારને ઉથલાવવાના આંદોલનમાં બદલાઈ ગયું છે. લોકો ઈરાનના સુપ્રીમ લીડર આયાતોલ્લા અલી ખામેનેઈને હટાવવા રસ્તા પર ઉતરી આવી છે. ઈરાનના તેહરાન, ઈસ્ફહાન, મશહદ, શિરાજ અને કોમ સહિતના મુખ્ય શહેરોમાં મોટા પ્રમાણમાં દેખાવો થઈ રહ્યા છે.
જોકે ઈરાનની સરકારનું માનવું છે કે આ આંદોલન વિદેશી ષડ્યંત્ર છે. સરકાર આંદોલનને બળપૂર્વક કચડવા પ્રયાસ કરી રહી છે. આયાતોલ્લા અલી ખામેનેઈએ બે દિવસ પહેલા જ ચેતવણી આપી હતી કે હિંસક તત્વોને તેમની જગ્યા બતાવીશું. ન્યૂઝ એજન્સી AP અનુસાર ઈરાનમાં સરકાર વિરોધી હિંસામાં અત્યાર સુધી ઓછામાં ઓછા 35 લોકોના મોત થયા છે જ્યારે 1200થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જોકે આ દેખાવો હજુ શાંત થાય તેવા કોઈ સંકેત નથી.
રિપોર્ટમાં દાવો કરાયો છે કે હિંસક આંદોલનોમાં 250થી વધુ પોલીસ જવાનો અને 45 જેટલા અર્ધલશ્કરી દળોના જવાનો ઘાયલ થયા છે. સત્તા વિરોધી દેખાવોમાં હિંસા વધતાં અમેરિકાના હસ્તક્ષેપની સંભાવના પણ વધી રહી છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સતત ઈરાનને ચેતવણી આપી રહ્યા છે કે જો ઈરાનમાં આંદોલન કરી રહેલા લોકોની હત્યા થઈ અમેરિકા તેમની મદદ માટે આગળ આવશે. હાલમાં જ અમેરિકાએ વેનેઝુએલા પર પણ હુમલો કર્યો હતો. જે બાદથી ટ્રમ્પનો આત્મવિશ્વાસ વધી ગયો છે. વેનેઝુએલાના પ્રમુખ માદુરો ઈરાનના સમર્થક હતા.
નોંધનીય છે કે અગાઉ 2022માં પણ ઈરાનમાં આ જ પ્રકારે દેશવ્યાપી આંદોલનો થયા હતા. 22 વર્ષની યુવતીએ હિજાબ ન પહેરતા તેની ધરપકડ કરવામાં આવી હતી. જેના વિરોધમાં ઈરાનમાં ઠેર ઠેર હિંસક પ્રદર્શનો થયા હતા.
ઈરાનના સુપ્રીમ લીડર આયાતોલ્લા અલી ખામેનેઈ અને રશિયા સાથેના તેમના સંબંધો અંગે એક ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. બ્રિટિશ અખબાર ‘ધ ટાઇમ્સ’ના અહેવાલ મુજબ, જો ઈરાનમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો હિંસક બનશે અને સરકાર પડી ભાંગશે તો ખામેનેઈએ રશિયાના મોસ્કો શહેર ભાગી જવાનો એક સિક્રેટ એસ્કેપ પ્લાન તૈયાર કર્યો છે. અહેવાલો અનુસાર, 86 વર્ષીય આયાતોલ્લા ખામેનેઈએ રશિયાને સુરક્ષિત આશ્રય સ્થાન તરીકે પસંદ કર્યું છે. આ યોજના મુજબ, જો ઈરાનના સુરક્ષા દળો અને સેના આંદોલનકારીઓને રોકવામાં નિષ્ફળ જશે કે બળવો હિંસક બની જશે, તો ખામેનેઈ તેમના પરિવાર અને અંદાજે 20 જેટલા નજીકના સાથીદારો સાથે તેહરાન છોડી રશિયામાં શરણ લેશે. આ યાદીમાં તેમના પુત્ર મોજતબાનું નામ પણ સામેલ હોવાનું મનાય છે, જેમને તેમના અનુગામી માનવામાં આવે છે.
2026નો આરંભ સુરતની એરકનેક્ટિવિટી માટે નકારાત્મક રહ્યો છે. તા.1લી જાન્યુઆરી 2026થી જ સુરતના ઉદ્યોગપતિઓએ શરૂ કરેલી પ્રાઇવેટ એરલાઇન્સ વેન્ચુરા એરકનેક્ટ કે જે ગુજરાત સરકારની રિજિયોનલ કનેક્ટિવિટી સર્વિસ (આર.સી.એસ.) અન્વયે કાર્યરત હતી તેની તમામ ફ્લાઇટ્સ અચોક્કસ મુદત માટે રદ કરી દેવામાં આવી છે. વેન્ચુરા એરકનેક્ટ સુરતથી અમદાવાદ, રાજકોટ, ભાવનગર, અમરેલી જેવા ગુજરાતના ડેસ્ટિનેશન્સ પર ટચૂકડા વિમાનો ઉડાડતી હતી.
મળતી માહિતી મુજબ ગુજરાત સરકારની રિજિયોનલ કનેક્ટિવિટી સ્કીમની અવધિ પૂર્ણ થઇ ચૂકી છે અને વેન્ચુરા એરકનેક્ટનું લાઇસન્સ રિન્યુ કરવામાં આવ્યું ન હોવાના કારણે સુરતના ઉદ્યોગપતિઓની પ્રાઇવેટ એરલાઇન્સ વેન્ચુરા એરકનેક્ટના ઓપરેશન્સને સ્થગિત કરી દેવામાં આવ્યા છે. એવી માન્યતા સેવાય રહી છે કે ગુજરાત સરકાર સંભવતઃ વેન્ચુરા એરકનેક્ટને મુદત વધારીને ઓપરેશન શરૂ કરવાની પરવાનગી આપી શકે છે અથવા તો નવેસરથી ટેન્ડરિંગની પ્રક્રિયા હાથ ધરી શકે છે. જોકે, આ અંગે ન તો ગુજરાત સરકાર તરફથી ન તો વેન્ચુરા એરકનેક્ટ એરલાઇન તરફથી સત્તાવાર રીતે કોઇપણ પ્રકારની માહિતી સાર્વજનિક કરવામાં આવી નથી.
વેન્ચુરા એરકનેક્ટના કસ્ટમર કેર પર પૂછપરછ કરવામાં આવી તો એવું કહેવામાં આવ્યું કે જાન્યુઆરી 2026ના મહિના માટે વેન્ચુરા એરકનેક્ટની કોઇ ફ્લાઇટ શિડ્યુલ કરવામાં આવી નથી એટલે જાન્યુઆરી 2026ની ફ્લાઇટ્સના બુકિંગ વેબસાઇટ પર બતાવવામાં આવતા નથી.
વેન્ચુરા એરકનેક્ટ પ્રાઇવેટ એરલાઇનના પ્રમોટર તરીકે સુરતના હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિ અને રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયા, સવજી ધોળકીયા અને લવજી બાદશાહ છે.
આર્થિક ક્ષેત્રે ભારત માટે સારા સમાચાર આવ્યા છે. જેમાં ભારત વર્ષ 2025ના અંતમા વિશ્વની ચોથી મોટી અર્થવ્યવસ્થા બની છે. ભારત જાપાનને પછાડીને આગળ વધ્યું છે. ભારતનું અર્થતંત્ર 4.18 ટ્રિલિયન અમેરિકન ડોલર સુધી પહોંચી ગયું છે. સરકારનો દાવો છે કે ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છે. તેમજ વર્ષ 2030 સુધીમાં ભારત જર્મનીને પાછળ છોડીને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે.
વર્ષ 2025માં દેશના સુધારા અંગેના એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, 4.18 ટ્રિલિયન અમેરિકન ડોલર જીડીપી સાથે ભારતે જાપાનને પાછળ છોડીને વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે. તેમજ વર્ષ 2030 સુધીમાં 7.3 ટ્રિલિયન અમેરિકન ડોલર જીડીપીનો અંદાજ છે. જેના લીધે ભારત જર્મનીને પછાડીને આગામી ત્રણ વર્ષના ત્રીજા સ્થાને પહોંચશે.
વિશ્વની 5 સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ પર નજર કરીએ તો (1)અમેરિકા, (2)ચીન (3)જર્મની(4) ભારત અને જાપાન પાંચમા સ્થાને છે. તેમજ જણાવવામાં આવ્યું છે કે દેશમાં આર્થિક વૃદ્ધિ અપેક્ષાઓ કરતાં વધુ સારી રહી છે. વર્ષ 2025-26 ના બીજા ત્રિમાસિક ગાળામાં GDP છ ક્વાર્ટરના ઉચ્ચ સ્તરે પહોંચ્યો છે. આ વૈશ્વિક વેપારમાં સતત અનિશ્ચિતતાઓ વચ્ચે ભારતની સ્થિતિસ્થાપકતાને પ્રતિબિંબિત કરે છે.
સરકારે જણાવ્યું છે કે, ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થાઓમાંની એક છે અને આ ગતિ જાળવી રાખવા માટે કટિબદ્ધ છે. વર્ષ 2047 સુધીમાં તેની સ્વતંત્રતાના શતાબ્દી વર્ષ સુધીમાં ઉચ્ચ મધ્યમ આવકનો દરજ્જો પ્રાપ્ત કરવાના લક્ષ્ય સાથે દેશ આર્થિક વિકાસ, માળખાકીય સુધારાઓ અને સામાજિક પ્રગતિના મજબૂત પાયા પર આગળ વધી રહ્યો છે.
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા આજે(27 ડિસેમ્બર, 2025) પ્રદેશ સંગઠનના હોદ્દેદારો અને વિવિધ મોરચાના પ્રમુખોની જાહેરાત કરવામાં આવી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા અને કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનની સહમતી બાદ આ નવી ટીમની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. સંગઠનાત્મક નિમણૂકોની મુખ્ય વિગતોનવી ટીમમાં અનુભવી અને યુવા ચહેરાઓનું મિશ્રણ જોવા મળી રહ્યું છે.
ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનની નવી ટીમમાં 10 ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે. જ્યારે અનિરુદ્ધ દવે, ડો. પ્રશાંત કોરાટ, હિતેન્દ્રસિંહ ચૌહાણ અને અજય બ્રહ્મભટ્ટને મહામંત્રી બનાવવામાં આવ્યા છે.
સંગઠનમાં 10 પ્રદેશ ઉપપ્રમુખ, 4 પ્રદેશ મહામંત્રી, 10 પ્રદેશ મંત્રીની નિમણૂક કરાઈ છે. આ સિવાય પ્રદેશ કોષાધ્યક્ષ, પ્રદેશ મુખ્ય પ્રવક્તા, પ્રદેશ મીડિયા ઇન્ચાર્જ અને પ્રદેશ મોરચાના પ્રમુખની પણ નવી નવી નિમણૂકો કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશ ભાજપના મુખ્ય પદાધિકારીઓની યાદી નીચે મુજબ છે.
10 ઉપપ્રમુખની નિમણૂક
નામ જીલ્લો જયદ્રથસિંહ પરમાર પંચમહાલ રમેશ ધડુક પોરબંદર ભરત પંડ્યા અમદાવાદ જીલ્લો રાજેશ ચુડાસમા જૂનાગઢ જીલ્લો નટુજી ઠાકોર મહેસાણા ગીતાબેન રાઠવા છોટા ઉદેપુર ગૌતમ ગેડીયા સુરેન્દ્રનગર અરવિંદ પટેલ વલસાડ રસિક પ્રજાપતિ વડોદરા જીલ્લો ઝંખનાબેન પટેલ સુરત શહેર
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.