CIA ALERT

Alert Archives - Page 12 of 520 - CIA Live

June 9, 2026
image-5-1280x720.png
1min166

દુનિયાના રાજકીય ઈતિહાસમાં જ્યારે પણ સૌથી લાંબા સમય સુધી વડા પ્રધાનની ખુરશી સંભાળનારા નેતાઓનો ઉલ્લેખ થાય છે, ત્યારે અનેક રસપ્રદ આંકડા સામે આવે છે. લોકશાહી અને રાજશાહી વચ્ચે સત્તાની આ લાંબી સફર જોવી ખૂબ જ રોમાંચક છે. આજે નવમી જૂન, 2026ના રોજ ભારતના રાજકીય ફલક પર એક નવો ઈતિહાસ રચાયો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતમાં સૌથી લાંબો સમય સતત નિર્વાચિત પીએમ રહેવાનો પંડિત જવાહરલાલ નેહરુનો રેકોર્ડ તોડીને નવો વિક્રમ સ્થાપ્યો છે…

સૌથી લાંબો સમય સુધી વડા પ્રધાનપદની ખુરશી સંભાળનારા નેતાઓની વાત કરીએ તો ઐતિહાસિક સફરના આંકડાઓને બારીકાઈથી સમજીએ તો પીએમ મોદીએ પહેલીવાર 26મી મે, 2014ના રોજ દેશના વડા પ્રધાન તરીકે શપથ લીધા હતા. આજે નવમી જૂન, 2026ના વડા પ્રધાન તરીકે તેમના કાર્યકાળના પૂરા 4,398 દિવસ એટલે કે 12 વર્ષ અને 15 દિવસ પૂર્ણ થઈ ચૂક્યા છે. આ આંકડા સાથે જ તેઓ ભારતના ઇતિહાસમાં સૌથી લાંબા કાર્યકાળવાળા લોકતાંત્રિક રીતે ચૂંટાયેલા વડા પ્રધાન બની ગયા છે.

આ પહેલાં આ રેકોર્ડ દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુના નામે હતો. તેઓ 13મી મે, 1952ના રોજ દેશના પ્રથમ લોકસભા ચૂંટણી પછી વડા પ્રધાન બન્યા હતા અને સતત 4,397 દિવસ એટલે કે 12 વર્ષ 14 દિવસ સુધી આ પદ પર રહ્યા હતા. પીએમ મોદીએ આજે 4,398 દિવસ પૂરો કરીને નેહરુના આ રેકોર્ડને પાછળ છોડી દીધો છે.

પંડિત જવાહરલાલ નેહરુના કુલ કાર્યકાળને લઈને અવારનવાર લોકોમાં મૂંઝવણ રહે છે. નેહરુ હકીકતમાં 15મી ઓગસ્ટ, 1947ના રોજ જ દેશના વડાપ્રધાન બની ગયા હતા, પરંતુ વર્ષ 1952માં દેશમાં પ્રથમ સામાન્ય ચૂંટણી થઈ ત્યાં સુધીનો તેમનો પાંચ વર્ષનો કાર્યકાળ એક ઈન્ટિરમ ગર્વન્મેન્ટના વડા તરીકેનો હતો. તે દરમિયાન તેઓ જનતા દ્વારા સીધી ચૂંટણી જીતીને પીએમ નહોતા બન્યા. આ જ કારણે, એક લોકતાંત્રિક રીતે જનતા દ્વારા ચૂંટાયેલી સરકારના વડા તરીકે પીએમ મોદીનો કાર્યકાળ હવે નેહરુના નિર્વાચિત કાર્યકાળથી આગળ નીકળી ગયો છે.

ભારતના સંદર્ભમાં ભલે આ સૌથી મોટો રેકોર્ડ હોય, પરંતુ વૈશ્વિક પટલ પર હજુ લાંબી મજલ કાપવાની બાકી છે. વૈશ્વિક સ્તરે સૌથી લાંબો સમય વડા પ્રધાન રહેવાનો રેકોર્ડ બહેરીનના પ્રિન્સ ખલીફા બિન સલમાન અલ ખલીફાના નામે છે. તેઓ 1971થી નવેમ્બર 2020 સુધી એટલે કે લગભગ 50 વર્ષ સુધી સતત પીએમ પદ પર રહ્યા હતા. તેમની સરખામણીએ પીએમ મોદી હજુ 38 વર્ષ પાછળ છે.

જો શુદ્ધ લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારોની વાત કરીએ તો આધુનિક ઇતિહાસનું સૌથી મોટું નામ સિંગાપોરના પ્રથમ પીએમ લી કુઆન યૂનું છે. તેઓ 1959થી 1990 સુધી સતત 31 વર્ષ સુધી સિંગાપોરના વડાપ્રધાન રહ્યા હતા. તેમની સરખામણીએ પીએમ મોદી હજુ આશરે 19 વર્ષ પાછળ ચાલી રહ્યા છે.

June 9, 2026
image-4.png
1min254

વર્ષ 2026માં બે ગ્રહણ લાગી ચૂક્યા છે અને હજુ બે ગ્રહણ લાગવાના બાકી છે. ચિંતાની વાત એ છે કે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ રક્ષાબંધનના દિવસે જ લાગવા જઈ રહ્યું છે. આવી સ્થિતિમાં સૌથી મોટો સવાલ એ છે કે હવે રક્ષાબંધન કેવી રીતે ઉજવાશે? રાખડી ક્યારે બાંધવામાં આવશે અને રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત શું છે?

જો તમારા મનમાં પણ આ તમામ મૂંઝવણો અને સવાલો હોય, તો આ સમાચાર ખાસ તમારા માટે જ છે. આ અહેવાલ વાંચીને તમે તમારી તમામ શંકાઓ દૂર કરી શકો છો. હિન્દુ ધર્મમાં દરેક શુભ કાર્ય કરવા માટે શુભ મુહૂર્ત જોવામાં આવે છે અને ગ્રહણ કાળ દરમિયાન કોઈપણ શુભ કે માંગલિક કાર્ય કરવામાં નથી આવતું.

વર્ષ 2026માં રક્ષાબંધનનો તહેવાર 28મી ઓગસ્ટે ઉજવવામાં આવશે. આ જ દિવસે પૂર્ણ ચંદ્રગ્રહણ લાગવા જઈ રહ્યું છે. આ ચંદ્રગ્રહણ કુંભ રાશિમાં લાગશે. બીજી તરફ વૈજ્ઞાનિક ભાષામાં તેને બ્લડ મૂન કહેવામાં આવશે. આ વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ હશે.

ભારતીય સમય પ્રમાણે આ ચંદ્રગ્રહણ 28 ઓગસ્ટના રોજ સવારે 6:53 વાગ્યે શરૂ થશે અને બપોરે 12:32 વાગ્યે પૂર્ણ થઈ જશે. આ ચંદ્રગ્રહણ દિવસે લાગી રહ્યું હોવાથી તે ભારતમાં નહીં દેખાશે.

આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાવાનું ન હોવાથી તેનો સૂતક કાળ પણ માન્ય ગણાશે નહીં. તેથી રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં કોઈ જ અડચણ આવશે નહીં અને બહેનો કોઈપણ પ્રકારની બાધા વિના પોતાના ભાઈઓને રાખડી બાંધી શકશે.

આ વર્ષે 28 ઓગષ્ટના રોજ રક્ષાબંધન પર રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત સવારે 6:10 વાગ્યાથી 9:48 વાગ્યા સુધી રહેશે. ત્યારબાદ રાહુકાળ શરૂ થતો હોવાથી તે સમયગાળામાં રાખડી બાંધવી અશુભ ફળ આપી શકે છે. બીજી તરફ રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ મહિનાની પૂર્ણિમાએ ઉજવવામાં આવે છે, જે આ વર્ષે 27 ઓગસ્ટ 2026ની સવારે 9:09 વાગ્યાથી શરૂ થઈને 28 ઓગસ્ટ 2026ની સવારે 9:48 વાગ્યા સુધી રહેશે.

આ ચંદ્રગ્રહણ મુખ્યત્વે પેસિફિક મહાસાગર, એટલાન્ટિક મહાસાગર, યુરોપ, આફ્રિકા અને અમેરિકાના કેટલાક ભાગોમાં દેખાશે.

June 7, 2026
image-3.png
1min129

ડાયમંડ સિટી સુરતમાંથી રવિવારની સવારે એક અત્યંત હૃદયદ્રાવક અને મોટી દુર્ઘટના સામે આવી છે. અહીં એક એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (ETP) ની અંડરગ્રાઉન્ડ ટેન્ક ચેમ્બરમાં સફાઈના હેતુથી ઉતરેલા 4 સફાઈ કામદારોના અંદર ફસાઈ જવાથી મોત નીપજ્યા છે.

પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું છે કે, ટેન્કની અંદર એકત્રિત થયેલા અતિ ઝેરી ગેસના કારણે શ્રમિકોનો શ્વાસ રૂંધાયો હતો અને ગૂંગળામણના લીધે તેઓએ જીવ ગુમાવ્યા હોવાની પ્રબળ આશંકા છે. આ અકસ્માતને પગલે સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે.

આ ઘટનાની વિગતો મુજબ, આજે સવારે અંદાજે 10.22 વાગ્યે સુરત ફાયર કંટ્રોલ રૂમને એક ઈમરજન્સી કોલ મળ્યો હતો. આ કોલ દ્વારા સૂચના આપવામાં આવી હતી કે ચોર્યાસી ડેરીની બાજુમાં, ખાંડ બજાર પાસે આવેલા રતિ હાઉસ (રતિ જ્વેલર્સ) પરિસરમાં કોઈ વ્યક્તિ ફસાઈ ગઈ છે. માહિતી મળતાની સાથે જ ફાયર બ્રિગેડની બચાવ ટુકડી સત્વરે ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ત્યાં પહોંચીને તપાસ કરતા માલૂમ પડ્યું કે કોઈ એક વ્યક્તિ નહીં, પરંતુ ટેન્ક ચેમ્બર સાફ કરવા અંદર ઉતરેલા કુલ ચાર શ્રમિકો અંદર ઝેરી ગેસની અસરમાં આવીને બેભાન થઈ ગયા છે.

ફાયર ફાઈટરોની ટીમે ઓક્સિજન કીટ અને જરૂરી સંસાધનો સાથે ટેન્કની અંદર ઉતરીને ભારે જહેમત બાદ ચારેય વ્યક્તિઓને બહાર કાઢ્યા હતા. તમામની ગંભીર સ્થિતિને જોતા એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિકહોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જો કે, હોસ્પિટલના ફરજ પરના તબીબોએ પ્રાથમિક તપાસ કરીને ચારેય શ્રમિકોને મૃત જાહેર કર્યા હતા. હાલમાં પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધીને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને કયા કારણોસર આ બેદરકારી દાખવવામાં આવી તેની ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.

June 2, 2026
image-2.png
1min177

દેશની સૌથી મોટી સ્કૂલ પરીક્ષા સંસ્થા કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE)ની આંતરિક વ્યવસ્થા અને હાલમાં ચાલી રહેલા વિવાદોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે. પરીક્ષાઓના મેનેજમેન્ટ અને મૂલ્યાંકન પ્રક્રિયામાં આવી રહેલી ટેકનિકલ તેમજ વ્યવહારિક ખામીઓ અંગે જવાબદારી નક્કી કરવા માટે સરકારે CBSE ના ચેરમેન રાહુલ સિંહ અને સચિવ હિમાંશુ ગુપ્તાની તાત્કાલિક અસરથી બદલી કરી દીધી છે.

અધ્યક્ષ અને સચિવને પદ પરથી હટાવવાની સાથે જ સરકારે CBSE દ્વારા ‘ઓન-સ્ક્રીન માર્કિંગ’ (OSM) સેવાઓની ખરીદી અને ટેન્ડર પ્રક્રિયાની તપાસ માટે એક વિશેષ સમિતિની રચના કરી છે. આ સમિતિ ખરીદી પ્રક્રિયા સાથે જોડાયેલા તમામ પાસાઓની બારીકાઈથી તપાસ કરશે. ક્ષમતા નિર્માણ આયોગ (Capacity Building Commission)ના ચેરપર્સન એસ. રાધા ચૌહાણને આ તપાસ સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. સરકારી આદેશ અનુસાર, સમિતિના અધ્યક્ષ જરૂર પડ્યે અન્ય વિભાગો અને કચેરીઓના અધિકારીઓની મદદ પણ લઈ શકશે, જ્યારે કેપેસિટી બિલ્ડિંગ કમિટી દ્વારા તેમને સચિવાલય સહાય પૂરી પાડવામાં આવશે.

કેન્દ્ર સરકારે આ તપાસ સમિતિને પોતાનો વિસ્તૃત રિપોર્ટ ૧ મહિનાની અંદર કાર્મિક અને તાલીમ વિભાગ (DoPT) ને સોંપવાનો નિર્દેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી CBSE ની ઓન-સ્ક્રીન માર્કિંગ સિસ્ટમ, મૂલ્યાંકન પદ્ધતિ અને તેના ટેન્ડરની પ્રક્રિયા સામે સવાલો ઉઠી રહ્યા હતા. આ બાબતે વિદ્યાર્થીઓ અને વિવિધ સંગઠનો દ્વારા પણ પારદર્શિતા લાવવાની માંગ કરવામાં આવી રહી હતી. સરકારના આ કડક પગલાંને CBSE ની કામગીરીમાં જવાબદારી અને પારદર્શિતા નક્કી કરવાની દિશામાં એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે.

June 2, 2026
image-1.png
1min125

સુરતના બારડોલી નજીક ઉવા ગામ પાસે બે બસો વચ્ચે ભયંકર ટક્કર બાદ એક બસ પલટી મારી જતા તેમાં આગ લાગી હતી. આ દુર્ઘટનામાં પાંચ લોકોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે.

ઘટના સ્થળેથી મળતી પ્રાથમિક માહિતી મુજબ બારડોલીના ઉવા ગામ નજીક બે સરકારી એસ.ટી. બસો વચ્ચે ખતરનાક ટક્કર વાગતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બંને બસ મહારાષ્ટ્ર પાસિંગની છે. હાઈવે પર એક ટેન્કર પલટી મારી ગયું હતું. આવી સ્થિતિમાં પાછળ ચાલતી બસના ચાલકે ટેન્કર સાથે અથડામણ ટાળવાનો પ્રયત્ન કરતા બસ ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેમાં બસ ડીવાઈડર કૂદી સામે આવતી અન્ય બસ સાથે ભયંકર રીતે ટકરાઈ હતી.

ગમખ્વાર અકસ્માતમાં એક બસ CNG હોવાથી ટક્કર બાદ તેમાં આગ ફાટી નીકળી હતી. અકસ્માતને પગલે ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં 6થી વધુ લોકોના મોત થયાની પ્રાથમિક માહિતી મળી રહી છે. બસ અકસ્માતની ઘટનાની જાણ થતાં ફાયર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.

May 31, 2026
image-21.png
1min195

31 મે (રવિવાર) ના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL (ઇન્ડિયન પ્રીમિયર લીગ) 2026ની ફાઇનલ મેચ રમાવાની છે.

આખી સીઝનમાં શાનદાર પ્રદર્શન કરનારી આ બંને ટીમો હવે ટ્રોફી જીતવાથી માત્ર એક ડગલું દૂર છે. આરસીબી (RCB) એ ક્વોલિફાયર-1 મેચમાં ગુજરાત ટાઇટન્સને હરાવીને સીધા જ ફાઇનલમાં જગ્યા બનાવી લીધી હતી. તે મેચમાં આરસીબીના કેપ્ટન રજત પાટીદારે ધમાકેદાર બેટિંગ કરતા માત્ર 33 બોલમાં 93 રન બનાવ્યા હતા. બીજી તરફ, ગુજરાત ટાઇટન્સે ક્વોલિફાયર-2 મેચમાં રાજસ્થાન રોયલ્સને હરાવીને ફાઇનલમાં પોતાની જગ્યા પાકી કરી છે.

શુભમન ગિલે રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં શાનદાર સદી ફટકારી હતી. ગિલની આ ઇનિંગ્સમાં 15 ચોગ્ગા અને 3 છગ્ગા સામેલ હતા. આરસીબી (RCB) એ 5મી વખત IPL ફાઇનલમાં પોતાની જગ્યા બનાવી છે, જ્યારે ગુજરાત ટાઇટન્સ IPLમાં ત્રીજી વખત ફાઇનલ રમશે. રજત પાટીદારની કેપ્ટનશીપમાં જ આરસીબીએ 2025માં પોતાની પહેલી IPL ટ્રોફી જીતી હતી. બીજી તરફ, 2022માં ગુજરાત ટાઇટન્સે પોતાની પહેલી જ IPL સીઝનમાં ટ્રોફી પોતાના નામે કરી લીધી હતી.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સનો રેકોર્ડ ખૂબ જ શાનદાર છે. આ IPL સીઝનમાં ગુજરાતે પોતાના હોમ ગ્રાઉન્ડ (ઘર આંગણે) પર રમેલી 7માંથી 5 મેચ જીતી છે. આવામાં આરસીબી માટે ફાઇનલનો પડકાર બિલકુલ સરળ નહીં હોય.

વિરાટ કોહલી માટે આ IPL સીઝન પણ દમદાર રહી છે. આ IPL સીઝનમાં વિરાટે 15 મેચમાં 164.38ના સ્ટ્રાઇક રેટથી 600 રન બનાવ્યા છે, જેમાં એક સદી પણ સામેલ છે. બીજી તરફ આરસીબી (RCB) ની બોલિંગની વાત કરીએ તો, ભુવનેશ્વર કુમારે આ સીઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ભુવનેશ્વર કુમારે આ IPL સીઝનની 15 મેચોમાં 26 વિકેટ ઝડપી છે.

ગુજરાત ટાઇટન્સના બંને ઓપનિંગ બેટ્સમેન ખૂબ જ સારા ફોર્મમાં છે. શુભમન ગિલે આ IPL સીઝનની 15 મેચોમાં 163.71ના સ્ટ્રાઇક રેટથી 722 રન બનાવ્યા છે, જ્યારે સાઇ સુદર્શને આ IPL સીઝનની 16 મેચોમાં 159.55ના સ્ટ્રાઇક રેટથી 710 રન કર્યા છે. ગુજરાતની બોલિંગની વાત કરીએ તો, કગિસો રબાડાએ 16 મેચમાં 28 વિકેટ લીધી છે અને તે પર્પલ કેપની રેસમાં સૌથી આગળ છે. આ IPL સીઝનમાં બંને ટીમો 2 વખત સામસામે ટકરાઈ હતી અને બંને વખત આરસીબીએ જ બાજી મારી હતી.

May 27, 2026
image-20.png
2min147

આઈપીએલ-2026માં આજથી રૉયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાયેલી પ્લેઓફની મેચમાં ગુજરાતની ટીમનો શરમજનક પરાજય થયો છે. બેંગલુરુની ટીમે 20 ઓવરમાં 5 વિકેટે 254 રન નોંધાવી ગુજરાતને જીતવા માટે 255 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જોકે ગુજરાતની ટીમ માત્ર 162 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. આજની મેચમાં બેંગલુરુના કેપ્ટન રજત પાટીદારે વિસ્ફોટ બેટિંગ કરીને ટીમને મજબૂત સ્કોર સુધી પહોંચાડ્યું હતું, તો જેકોબ ડફ્ફી સહિતના બોલરોએ પણ મહત્ત્વનું યોગદાન આપ્યું છે.

બેંગલુરુ તરફથી કેપ્ટન રજત પાટીદારે વિસ્ફોટક બેટિંગ કરીને માત્ર 33 બોલમાં 5 ચોગ્ગા અને 9 છગ્ગાની મદદથી અણનમ 93 રનની તોફાની ઈનિંગ રમી હતી. ઓપનર વેંકટેશ અય્યરે આક્રમક શરૂઆત કરતા 7 બોલમાં 3 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 19 રન ફટકાર્યા હતા, જ્યારે વિરાટ કોહલીએ 25 બોલનો સામનો કરીને 5 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 43 રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું. મિડલ ઓર્ડરમાં દેવદત્ત પડિક્કલે 19 બોલમાં 5 ચોગ્ગા સાથે 30 રન બનાવ્યા હતા. ત્યારબાદ ક્રુણાલ પંડ્યાએ પણ શાનદાર બેટિંગ કરતા 28 બોલમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકારીને 43 રન જોડ્યા હતા. નીચલા ક્રમે ટિમ ડેવિડ 5 બોલમાં 4 રન બનાવી આઉટ થયો હતો, જ્યારે જીતેશ શર્માએ અંતમાં ઝડપી બેટિંગ કરતા માત્ર 5 બોલમાં 1 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે અણનમ 15 રન ઝૂડી કાઢ્યા હતા.

ગુજરાત તરફથી તરફથી જેસન હોલ્ડરે 4 ઓવરમાં 39 રન આપીને 2 વિકેટો, જ્યારે કગિસો રબાડાએ 4 ઓવરમાં 54 રન આપી 2 વિકેટ મેળવી હતી. ફાસ્ટ બોલર પ્રસિદ્ધ ક્રિષ્નાએ 4 ઓવરમાં 53 રન આપીને 1 વિકેટ ઝડપી હતી. જ્યારે મોહમ્મદ સિરાજે 3 ઓવરમાં 46 રન, રાશિદ ખાને 3 ઓવરમાં 29 રન, કુલવંત ખેજરોલિયાએ 2 ઓવરના 31 રન આપ્યા, પરંતુ એકપણ વિકેટ લઈ શક્યા નથી.

ગુજરાત તરફથી જોસ બટલરે સૌથી વધુ આક્રમક બેટિંગ કરતા માત્ર 11 બોલમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 29 રન ફટકાર્યા હતા. ઓપનર સાઈ સુદર્શને 9 બોલમાં 3 ચોગ્ગા સાથે 14 રન, કેપ્ટન શુભમન ગિલે 7 બોલમાં માત્ર 2 રન, નિશાંત સિંધુ 3 બોલમાં 1 ચોગ્ગા સાથે 5 રન, વોશિંગ્ટન સુંદરે 8 બોલમાં 1 ચોગ્ગા સાથે 8 રન, જેસન હોલ્ડરે શૂન્ય રને, રાશિદ ખાને 9 બોલમાં 1 છગ્ગાની મદદથી 8 રન અને કગિસો રબાડાએ 5 બોલમાં 2 ચોગ્ગા સાથે 9 રન નોંધાવ્યા હતા.

બેંગલુરુ તરફથી જેકબ ડફી સૌથી સફળ બોલર રહ્યો હતો, જેણે ગુજરાત ટાઈટન્સના 3 બેટરોને આઉટ કરીને સૌથી વધુ 3 વિકેટો ઝડપી હતી. યુવા બોલર રસિક સલામે પણ શાનદાર પ્રદર્શન કરતા 2 મહત્વની સફળતા મેળવી હતી. આ સિવાય અનુભવી ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે પણ 2 વિકેટ ખેરવી છે. જ્યારે જોશ હેઝલવુડ અને ઓલરાઉન્ડર ક્રુણાલ પંડ્યાએ 1-1 વિકેટ ઝડપી હતી.

26/05/26 આજની ક્વોલિફાયર-1માં બેંગલુરુએ ઈતિહાસ રચી દીધો છે. RCBએ 20 ઓવરમાં 5 વિકેટે 254 રન બનાવી દીધા, જે IPLના ઈતિહાસમાં પ્લેઓફમાં સૌથી મોટો સ્કોર છે.

254/5 – RCB vs GT (ધર્મશાલા, 2026)
233/3 – GT vs MI (અમદાવાદ, 2023)
228/5 – MI vs GT (ન્યુ ચંદીગઢ, 2025)
226/6 – PBKS vs CSK (વાનખેડે, 2014)
222/5 – CSK vs DC (ચેન્નઈ, 2012)
કોહલીએ તોડ્યો વિરાટનો રેકોર્ડ

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના સ્ટાર બેટર વિરાટ કોહલીએ વધુ એક મોટો આંકડો પાર કરીને નવો ઈતિહાસ રચી દીધો છે. આઈપીએલના ઈતિહાસમાં સૌથી વધુ મેચ રમનારા ખેલાડીઓની યાદીમાં વિરાટ કોહલી 282 મેચો સાથે હવે ટોચના સ્થાને પહોંચી ગયો છે, જેમાં તેણે વર્ષ 2008 થી 2026 દરમિયાન 40.09 ની શાનદાર એવરેજથી રેકોર્ડબ્રેક 9261 રન ફટકાર્યા છે અને તેના નામે 9 સદી પણ નોંધાયેલી છે. કોહલીએ મુંબઈ ઇન્ડિયન્સના પૂર્વ કેપ્ટન રોહિત શર્માને પાછળ છોડી દીધો છે, જે 281 મેચોમાં 7329 રન સાથે આ યાદીમાં બીજા ક્રમે છે. આ યાદીમાં ચેન્નાઈ સુપર કિંગ્સના પૂર્વ દિગ્ગજ કેપ્ટન એમ.એસ. ધોની 278 મેચ અને 5439 રન સાથે ત્રીજા સ્થાને છે, જેમની આઈપીએલ સફર વર્ષ 2025 સુધી રહી હતી. જ્યારે સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા 266 મેચોમાં 3469 રન અને 178 વિકેટ સાથે ચોથા સ્થાને અને વર્ષ 2024 સુધી આઈપીએલ રમનારો દિનેશ કાર્તિક 257 મેચમાં 4842 રન સાથે પાંચમા સ્થાને છે.

IPL-2026ની ક્વોલિફાયર-1માં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) સામે ગુજરાત ટાઈટન્સ (GT)ની હાર થયા બાદ હવે ગુજરાતની ટીમે ફાઈનલમાં પહોંચવા માટે વધુ એક મેચ રમવી પડશે. આઈપીએલના નિયમ મુજબ, ક્વોલિફાયર-1 હારેલી ગુજરાતની ટીમે હવે 29 મેના રોજ ક્વોલિફાયર-2 મેચ રમવી પડશે.

ક્વોલિફાયર-1 પછી 27 મેએ એલિમિનેટર મેચ રમાવાની છે, જેમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલો થશે. આમાંથી જે ટીમ હારશે તે બહાર ફેંકાઈ જશે અને જે જીતશે તેને ક્વોલિફાયર-2માં રમવાની તક મળશે. એટલે કે તે ટીમ ગુજરાત ટાઈટન્સ સામે રમશે.

31 મેએ ફાઈનલ મેચ

ક્વોલિફાયર-1 મેચ જીતનારી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ફાઈનલમાં પહોંચી ગઈ છે. આ મેચ 31 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે.

May 26, 2026
Cia_business_news-1280x936.jpg
2min160

ગુજરાત રાજ્યની સહકારી બેંકોમાં અગ્રણી સ્થાન ધરાવતી ધી વરાછા કો-ઓપ. બેંક લિ., સુરત માટે અતિ ગૌરવ સાથે જણાવતા આનંદ થાય છે કે, બેંકને સત્તાવાર રીતે “શિડયુલ્ડ બેંક” નો પ્રતિષ્ઠિત દરજ્જો પ્રાપ્ત થયો છે. અગાઉથી “મલ્ટી સ્ટેટ કો-ઓપરેટિવ બેંક” તરીકે સફળતાપૂર્વક કાર્યરત રહેલી બેંક હવે “મલ્ટી સ્ટેટ શિડયુલ્ડ કો-ઓપરેટિવ બેંક” તરીકે નવી ઓળખ અને વધતી વિશ્વસનીયતા સાથે સહકારી બેંકિંગ ક્ષેત્રમાં વધુ એક ઐતિહાસિક સિદ્ધિ પ્રાપ્ત કરી છે.

વર્ષ 1995માં સ્થાપિત થયેલી ધી વરાછા કો-ઓપ. બેંક લિ. એ માત્ર 30 વર્ષના ટૂંકા ગાળામાં સતત પ્રગતિ, પારદર્શક વહીવટ, મજબૂત નાણાકીય શિસ્ત, ગ્રાહકકેન્દ્રિત સેવાઓ અને અત્યંત આધુનિક ટેક્નોલોજી આધારિત બેંકિંગ સુવિધાઓ સાથે ગુજરાત સહિત રાષ્ટ્રીય કક્ષાએ સમગ્ર સહકારી ક્ષેત્રમાં આગવી ઓળખ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે. ગુજરાતમાં કુલ 211 અર્બન કો-ઓપ. બેંક છે. જેમાંથી કુલ 7 બેંકો શિડયુલ્ડ બેંક છે. વર્ષ 2000 પછી ગુજરાતમાં કો-ઓપ. બેંકોમાં  વરાછા કો-ઓપ. બેંક એક માત્ર બેંક છે જેને “મલ્ટી સ્ટેટ શિડયુલ્ડ કો-ઓપરેટિવ બેંક” નો દરજ્જો પ્રાપ્ત થયો છે. આ બેંક માટે  ગૌરવની વાત છે.

વરાછા કો-ઓપ. બેંકની મજબૂત નાણાકીય સ્થિતિ દર્શાવતા તા. 31 માર્ચ 2026ના રોજ પૂર્ણ થયેલ નાણાકીય વર્ષ ના મુખ્ય આંકડા નીચે મુજબ છે:

• કુલ થાપણો : ₹4,411.11 કરોડ

કુલ ધિરાણ : ₹2,571.31 કરોડ

• મૂડી ભંડોળ : ₹447.23 કરોડ

• કુલ વ્યવસાય : ₹6,982.42 કરોડ

બેંક હાલમાં 30 શાખાઓના મજબૂત નેટવર્ક દ્વારા 5,07,769થી વધુ ગ્રાહકોને સુરક્ષિત, વિશ્વસનીય અને ડિજિટલ બેંકિંગ સેવાઓ પ્રદાન કરી રહી છે. ગ્રાહકોનો અખૂટ વિશ્વાસ, ઝડપી અને પારદર્શક સેવા, ટેક્નોલોજી આધારિત સુવિધાઓ તેમજ સેવા પ્રતિબદ્ધ અભિગમના કારણે બેંકે સતત વિકાસનો મજબૂત માર્ગ અપનાવ્યો છે.

“શિડયુલ્ડ બેંક” નો દરજ્જો પ્રાપ્ત થવો બેંકના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ અને ગૌરવપૂર્ણ સોપાન સમાન છે. આ સિદ્ધિ બેંકની મજબૂત નાણાકીય સ્થિતિ, સુવ્યવસ્થિત સંચાલન, નિયમનાત્મક પાલન તથા લાખો ગ્રાહકો અને સભાસદોના અવિચળ વિશ્વાસનું પ્રતિબિંબ છે. બેંકને પ્રતિષ્ઠિત દરજ્જો પ્રાપ્ત થતા બેંકના સભાસદ મિત્રો તેમજ ગ્રાહકમિત્રો ને ASBA એકાઉન્ટ, RERA એકાઉન્ટ તેમજ Demat એકાઉન્ટ જેવી તમામ સુવિધાઓ મળી રહેશે.

બેંકની પ્રગતિમાં બેંકના પૂર્વ હોદ્દેદારોશ્રીઓ, ડિરેક્ટરશ્રીઓ તેમજ બોર્ડ ઓફ મેનેજમેન્ટ સભ્યશ્રીઓએ વર્ષો સુધી દુરંદેશી નેતૃત્વ અને મજબૂત પાયો પૂરો પાડ્યો હતો, જ્યારે હાલના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના માર્ગદર્શન હેઠળ બેંક સતત વિકાસના નવા આયામો સર કરી રહી છે. બેંકના કર્મચારીઓની નિષ્ઠા, સેવાભાવ અને કાર્યક્ષમતાએ પણ આ સફળતામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.

આ ગૌરવપૂર્ણ અવસરે બેંકના નવનિયુક્ત ચેરમેનશ્રી નરેન્દ્રભાઈ કુકડીયાએ તમામ સભાસદો, ગ્રાહકો, શુભેચ્છકો અને બેંક પરિવારના કર્મચારીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ધી વરાછા કો-ઓપ. બેંક લિ.એ આજ સુધી હાંસલ કરેલી પ્રતિષ્ઠા અને ઝળહળતી પ્રગતિ પાછળ તમામનો અતૂટ વિશ્વાસ અને સહકાર રહેલો છે. બેંકને પ્રાપ્ત થયેલ “મલ્ટી સ્ટેટ શિડયુલ્ડ કો-ઓપરેટિવ બેંક” નો દરજ્જો સમગ્ર બેંક પરિવાર માટે ગૌરવની સાથે વધુ જવાબદારીનું પ્રતિક છે. બેંકનાં નવનિયુક્ત વાઈસ ચેરમેનશ્રી CA હરેશભાઈ કાપડીયા દ્વારા આ પ્રસંગે જણાવ્યું હતું કે, સહકાર, વિશ્વાસ અને સેવાભાવના મજબૂત પાયા પર ઉભેલી વરાછા કો-ઓપ. બેંક ભવિષ્યમાં પણ આધુનિક બેંકિંગ સેવાઓ, અદ્યતન ટેક્નોલોજી, ગ્રાહકકેન્દ્રિત યોજનાઓ અને વિસ્તૃત કામગીરી દ્વારા ઉત્તરોત્તર પ્રગતિના નવા શિખરો સર કરશે તથા સહકારી ક્ષેત્રમાં દેશવ્યાપી આગવી ઓળખ વધુ મજબૂત બનાવશે.

May 26, 2026
image-19.png
1min159

દક્ષિણ પશ્ચિમ ચોમાસું કેરલમમાં સમયસર પહોંચશે. આ પહેલા કેટલીક એજન્સીઓ દ્વારા ચોમાસું નિર્ધારીત સમયથી પહેલા કરેલમમાં બેસી જશે તેવી આગાહી કરી હતી. હવામાન વિભાગ પ્રમાણે, ઉત્તર પ્રદેશ, દિલ્હી-એનસીઆર, રાજસ્થાન સહિત દેશના અનેક રાજ્યોમાં આંધી, તોફાન અને ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. આગામી 2-3 દિવસમાં ઉત્તર-પશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતના તાપમાનમાં 2 થી 8 ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો થવાની શક્યતા છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 3 દિવસ રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય.ત્યારબાદ 2 થી 3 ડિગ્રી ઘટાડો થઈ શકે છે. રાજ્યના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી કે તેથી વધુ નોંધાઈ શકે છે. આજે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજયુક્ત પવનો ફૂંકાઈ શકે છે.

25/05/26 અમદાવાદ સૌથી ગરમ શહેર રહ્યું હતું. શહેરમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. સુરેન્દ્રનગરમાં 42.3 ડિગ્રી, ગાંધીનગરમાં 42.5 ડિગ્રી, ભાવનગરમાં 41.7 ડિગ્રી, વલ્લભવિદ્યાનગરમાં 41.1 ડિગ્રી, ડીસામાં 41 ડિગ્રી, વડોદરામાં 40.4 ડિગ્રી, કંડલા એરપોર્ટ પર 39.7 ડિગ્રી, સુરતમાં 35.8 ડિગ્રી, દ્વારકામાં 33.8 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.

દિલ્હી-એનસીઆરમાં આગામી બે દિવસ લૂનો પ્રકોપ રહેશે. 28 મેના રોજ વાતાવરણમાં પલટો આવશે. બપોર બાદ 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. ઉત્તર પ્રદેશના લખનઊ, વારાણસી અને કાનપુર સહિત અનેક જિલ્લામાં આગામી બે દિવસ ગરમી રહેશે. 27 મેના રોજ પૂર્વ ઉત્તર પ્રદેશમાં વરસાદનું એલર્ટ છે. જ્યારે 28 થી 31 મે દરમિયાન 70 કિમીની ઝડપે આંધી-તોફાન આવી શકે છે.

બિહારના અનેક જિલ્લામાં 26 થી 29 મે દરમિયાન 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પનવ ફૂંકાશે. તેમજ આજે અને આવતીકાલે કેટલાક જિલ્લામાં વરસાદનું એલર્ટ છે. રાજસ્થાનમાં 30 મે સુધી લૂ નો પ્રકોપ પહેશે. ઝારખંડના અનેક જિલ્લામાં ગરમીથી રાહત મળશે. 26 થી 31 મે દરમિયાન ગાજવીજ સાથે ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.

ઉત્તરાખંડના દેહરાદૂન, નૈનીતાલ સહિત અનેક જિલ્લામાં 28 થી 31 મે સુધી વરસાદ થશે. 29 મેના રો પહાડી વિસ્તારોમાં કરા પડવાની શક્યતા છે. હિમાચલ પ્રદેશમાં 28 અને 29 મેના રોડ હળવા વરસાદ સાથે 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને કરા પડશે.

આસામ, મેઘાલય, અરૂણાચલ પ્રદેશ, કેરલમ, તમિલનાડુ અને કર્ણાટકના અનેક હિસ્સામાં ભારેથી અતિ ભારે વરસાદ, વીજળીના કડાકા ભડાકા અને આંધીનું એલર્ટ આપવામાં આવ્યું છે.