
વિશ્ર્વનું સુપ્રસિદ્ધ જલારામ મંદિર સોમવારથી ભક્તો માટે ખુલ્લુ મૂકવામાં આવ્યું હતુ. પ્રથમ દિવસે જલારામબાપાના મંદિરમાં શ્રદ્ધાળુઓની પાંખી હાજરી જોવા મળી હતી. દર્શન માટે શ્રદ્ધાળુઓએ રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. રજિસ્ટ્રેશન કરાવેલ શ્રદ્ધાળુઓને ટોકન આપવામાં આવી રહ્યા છે. ૫૦ લોકોના ગ્રુપને ટોકન આપીને દર્શન કરવા દેવામાં આવશે. ૫૦ લોકોના દર્શન થઈ ગયા બાદ જ અન્ય ગ્રુપને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે. મંદિરની અંદર ૬૦ વર્ષથી ઉપરના અને ૧૦ વર્ષથી નાના બાળકોને પ્રવેશ આપવામાં આવશે નહીં. શ્રદ્ધાળુઓએ મંદિરની બહાર જ પોતાનો મોબાઈલ, પર્સ, બૂટ-ચપ્પલ સહિતની વસ્તુઓ રાખવાની રહેશે. સરકારના આદેશ અનુસાર હાલ ભોજનાલય અને પ્રસાદ વ્યવસ્થા બંધ રાખવામાં આવી છે. દરેક દર્શનાર્થીઓને સૌ પ્રથમ વીરપુરમાં આવેલા માનકેશ્ર્વર મંદિરની બાજુમાં રજિસ્ટ્રેશન કાર્યાલયેથી પોતાનું રજિસ્ટ્રેશન કરાવી ટોકન મેળવીને સેનિટાઈઝ ચેમ્બરમાં સેનિટાઇઝ થયા બાદ જ મંદિરમાં પ્રવેશ મળશે. ઉપરાંત મોઢા પર માસ્ક બાંધવું પણ ફરજિયાત કરવામાં આવ્યું છે. બાપાના દર્શન સવારે ૭થી બપોરના ૧ વાગ્યા સુધી અને બપોરે ૩ વાગ્યાથી સાંજના ૭ વાગ્યા સુધી જ થઈ શકશે. સગર્ભા મહિલાઓને મંદિરમાં પ્રવેશ નહીં મળી શકે. ઉપરાંત કોઈ પણ જાતનો પ્રસાદ મંદિરમાં સાથે લઈ જવાની મનાઈ કરવામાં આવી છે. સરકારની આગલી ગાઈડલાઈન સુધી પ્રસાદ ભોજનાલય બંધ પણ રહેશે.


















