ન્યૂ ઝીલેન્ડે પ્રથમ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ ટાઇટલ અત્રે છઠ્ઠા અને છેલ્લા દિવસે બુધવારે સરળતાથી જીતી લીધું હતું. ૧૩૯ રનના લક્ષ્ય સાથે રમવા ઉતરેલી ન્યૂ ઝીલેન્ડની ટીમે ફક્ત બે વિકેટ ગુમાવી ૧૪૦ રન કર્યા હતાં. રોસ ટેલર અને કેન વિલિયમ્સને ત્રીજી વિકેટ માટે ૯૬ રનની અણનમ ભાગીદારી કરી હતી.
રોઝ ટેઈલર ૪૭ રન અને કેન વિલિયમ્સન ૪૬ રન બનાવ્યા હતા. ભારતનો બીજો દાવ ફક્ત ૧૭૦ રનમાં સમેટાઈ ગયો હતો. તે પછી ભારતીય પ્રશંસકોમાં નિરાશાનું મોજું ફરી વળ્યું હતું. ઓફસ્પીનર આર. અશ્ર્વિને શરુઆતમાં બે વિકેટ લેતાં ભારતીય પ્રશંસકોને થોડી આશા જાગી હતી પણ વિલિયમ્સન અને ટેલરે ધીરજપૂર્વક ચિત્ર બદલી નાખ્યું હતું.
ભારત તરફથી ઇશાંત શર્મા, મહંમદ શમી, જસપ્રીત બુમરાહ, રવિન્દ્ર જાડેજા કોઈપણ વિકેટ મેળવવામાં નિષ્ફળ ગયા હતા.
અગાઉ બુધવારે ભારતે ૬૪/૨ના સ્કોરથી રમવાની શરૂઆત કરી હતી. જો કે ભારતનો કોઈ બેટ્સમેન ઝાઝુ ટકી શક્યો નહોતો અને ભારતની ટીમ ૧૭૦ રને તંબૂ ભેગી થઈ ગઈ હતી. જેમાં રિષભ પંત ૪૧ રન સાથે ટોપસ્કોરર હતો. રોહિત શર્મા ૩૦, વિરાટ કોહલી ૧૩, ચેતેશ્ર્વર પૂજારા અને અજિંક્ય રહાણેએ ૧૫-૧૫ રન બનાવ્યા હતાં. ન્યૂ ઝીલેન્ડ વતી ટીમ સાઉધીએ ૪૮ રનમાં ચાર વિકેટ લીધી હતી.
લોરેન હબર્ડ 185 કિલોગ્રામ વજન ઊંચકીને ટોકયો ઓલિમ્પિકમાં મહિલા સુપર હેવી વેઇટ વર્ગ માટે ટિકીટ પાકી કરી લેતાં ઓલિમ્પિક માટે કવોલિફાઇ થનાર પ્રથમ ટ્રાંસજેંડર ખેલાડી બની ગઇ છે. આઠ વરસ પહેલાં પુરૂષમાંથી મહિલા બનેલી હર્બડ એ ખેલાડીઓમાં સામેલ છે, જેમની સોમવારે ન્યૂઝિલેન્ડની ટોકયો જનારી ટીમમાં પસંદગી કરાઇ છે.
ખાસ ઉલ્લેખનીય છે કે, 43 વર્ષીય લોરેલ વેઇટલિફટીંગમાં સૌથી મોટી વયની રમતવીર હશે. સમોઆમાં 2019માં પ્રશાંત ક્ષેત્રિય રમતોમાં સુવર્ણચંદ્રક જીતનાર હબર્ડે કહ્યું હતું કે, ન્યૂઝિલેન્ડના લોકો તરફથી મળેલાં સમમર્થન બદલ હું સૌની આભારી છું.
છ દિવસ પહેલાં મિલ્ખા સિંહની પત્નીનું પણ મૃત્યુ થયું હતું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહે દુઃખ વ્યક્ત કર્યું
‘ફ્લાઈંગ શિખ’ (Flying Sikh)ના નામે ઓળખાતા પૂર્વ ભારતીય લિજેન્ડ સ્પ્રિન્ટર મિલ્ખા સિંહ (Milkha Singh)નું ૯૧ વર્ષની વયે નિધન થયું છે. તેઓ કોરોના વાયરસ (COVID-19) સંક્રમણનો ભોગ બન્યા હતા. તેમણે ચંડીગઢની PGIMER હૉસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા. હજી છ દિવસ પહેલાં જ તેમની પત્ની અને ભારતીય મહિલા વોલીબોલ ટીમના ભુતપુર્વ કપ્તાન ૮૫ વર્ષીય નિર્મલ કૌર (Niramal Kaur)નું પોસ્ટ કોવિડ કોમ્પ્લિકેશન્સના કારણે નિધન થયું હતું.
ગત મહિને ૨૦ મેના રોજ મિલ્ખા સિંહ અને તેમની પત્ની નિર્મલ કૌર કોરોના સંક્રમિત થયા હતા. ત્યારબાદ ૨૪ મેના રોજ મિલ્ખા સિંહને એક ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પછી પરિવારના આગ્રહથી ૩૦મેના રોજ તેમને હૉસ્પિટલમાંથી ઘરે લાવવામાં આવ્યા હતા. ત્યારથી તેમની સારવાર ઘરમાં જ ચાલતી હતી. જોકે, થોડાક દિવસ પહેલાં તેમનું ઑક્સિજન લેવલ ઘટવા લાગ્યું હતું અને ૩ જૂનના રોજ મિલ્ખા સિંહને ફરી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે નિર્મલ કૌરની સારવાર મોહાલીની ફોર્ટિસ હૉસ્પિટલમાં ચાલી રહી હતી. નિર્મલ કૌરનું નિધન ૧૩ જૂનના રોજ સાંજે ચાર વાગ્યે થયું હતું. ICUમાં દાખલ હોવાથી મિલ્ખા સિંહ પત્નીના અંતિમ સંસ્કારમાં સામેલ થઈ શક્યા નહોતા.
ટોક્યો ઓલિમ્પિકની ભારતની પુરુષ અને મહિલા હોકી ટીમ જાહેર થઇ છે. 16 ખેલાડીની પુરુષ ટીમમાં દસ એવા ખેલાડી છે જે પહેલીવાર ઓલિમ્પિક રમશે. ટીમમાં ઇજા બાદ લાંબા સમયે ડિફેન્ડર બીરેન્દ્ર લાકડાની વાપસી થઇ છે. પુરુષ હોકી ટીમમાં અનુભવી ગોલકીપર પીઆર શ્રીજેશ, મિડફિલ્ડર મનપ્રિતસિંઘ, ડિફેન્ડર હરમનપ્રિત, રૂપિન્દરપાલ, સુરેન્દ્રકુમાર અને ફોરવર્ડ મનદિપસિંઘ સામેલ છે. જેઓ ઓલિમ્પિક રમી ચૂકયા છે. અનુભવી ખેલાડીઓ એસ. વી. સુનિલ, આકાશદિપ અને રમનદિપને ટીમમાં જગ્યા મળી નથી. ટીમના સુકાની તરીકે મનપ્રિતસિંઘ યથાવત રહેશે.
ભારતીય પુરુષ હોકી ટીમ ટોક્યો ઓલિમ્પિકમાં પૂલ એમાં છે. તેની સાથે ગત ચેમ્પિયન આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, સ્પેન અને યજમાન જાપાન છે. ભારતે છેલ્લે 1980ના મોસ્કો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
ભારતીય મહિલા હોકી ટીમમાં આઠ ખેલાડી ઓલિમ્પિકમાં ડેબ્યૂ કરશે. ટીમમાં 8 ખેલાડી એવી છે કે તેઓ રિયો ઓલિમ્પિકમાં રમી ચૂકી છે. ટીમનું સુકાન સ્ટાર સ્ટ્રાઇકર રાની રામપાલ સંભાળશે.ભારતીય મહિલા હોકી ટીમ ઓલિમ્પિકમાં ત્રીજીવાર ભાગ લઇ રહી છે. આ પહેલા 1980 અને પછી 2016ના ઓલિમ્પિકમાં કવોલીફાઇ થઇ હતી.
આજ 18/6/21 થી શરૂ થતી ભારત અને ન્યૂ ઝિલૅન્ડ વચ્ચેની વર્લ્ડ ટૅસ્ટ ચૅમ્પિયનશિપની ફાઈનલમાં વિરાટ કોહલીના વડપણ હેઠળની ભારતીય ટીમ કરોડો ભારતીયોની અપેક્ષા પર ખરી ઉતરવા મેદાનમાં ઊતરશે. ભારત અને ન્યૂ ઝિલૅન્ડ વચ્ચેની ફાઈનલ માટે પ્રેક્ષકોમાં ભારે ઉત્કંઠા અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કઈ ટીમ વધુ સંતુલિત છે અને પીચ કઈ ટીમને ફેવર કરશે એ ચર્ચા ક્રિકેટવર્તુળોમાં થઈ રહી છે. આ વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો વિજય થશે તો ઈતિહાસ કોહલીને ધોની જેવા સફળ કૅપ્ટન તરીકે યાદ રાખશે.
વર્લ્ડ ટૅસ્ટ ચૅમ્પિયનશિપની ફાઈનલનું સૌથી વધુ દબાણ ભારતીય ટીમના ઑપનર રોહિત શર્મા અને શુભમન ગીલ અનુભવશે. આ બંનેની જોડી વિશ્ર્વની ફાસ્ટબૉલરની શ્રેષ્ઠ જોડીમાંની એક (બૉલ્ટ અને સઉધી)નો સામનો કરશે. હૂક શૉટ પરત્વેના તેના પ્રેમને કારણે વૅગનર અને રિષભ પંત વચ્ચેની સ્પર્ધા પણ રસપ્રદ હશે.ન્યૂ ઝિલૅન્ડની ટીમના કૅપ્ટન કૅન વિલિયમ્સને કહ્યું હતું કે લાંબા સમયથી કરેલા સખત પરિશ્રમને કારણે અમે વર્લ્ડ ટૅસ્ટ ચૅમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચ્યા છીએ. અમે સારું પ્રદર્શન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરીશું, એમ તેણે કહ્યું હતું.
સામાન્ય રીતે અન્ડર ડૉગમાં જેની ગણતરી થતી હોય છે તે ન્યૂ ઝિલૅન્ડની ટીમ ફાઈનલમાં જિતવા માટે ફૅવરિટ મનાય છે. જોકે, વિલિયમ્સન એમ નથી માનતો.
ફાઈનલમાં જે રીતે પ્રદર્શન કરવા માગીએ છીએ એ અંગે અમે ચિંતિત છીએ અને એ વાસ્તવિકતાને ધ્યાનમાં રાખીને રમવા માગીએ છીએ કે ભારતની ટીમ વિશ્ર્વની ખૂબ જ મજબૂત ટીમ છે, એમ તેણે કહ્યું હતું.
ભારતીય ક્રિકેટ ટીમના કૅપ્ટન વિરાટ કોહલીએ ગુરુવારે ભારપૂર્વક કહ્યું હતું કે માત્ર એક ટૅસ્ટ મૅચ ભારતીય ટીમની ક્ષમતાનું સાચું પ્રતિબિંબ ન પાડી શકે.
એ પછી ભલે વર્લ્ડ ટૅસ્ટ ચૅમ્પિયનશિપની ન્યૂ ઝિલૅન્ડ વિરુદ્ધની ફાઈનલ મૅચ હોય, પરંતુ હું તેને માત્ર એક સામાન્ય મૅચ જ ગણું છું, એમ કોહલીએ કહ્યું હતું.
ન્યૂ ઝિલૅન્ડ વિરુદ્ધની ફાઈનલની પૂર્વસંધ્યાએ કોહલીએ કહ્યું હતું કે પાંચ દિવસની એક મૅચ કોઈ બાબતનું પ્રતિબિંબ ન પાડી શકે.
જે લોકો આ રમતને સમજે છે એ લોકો જાણે છે કે છેલ્લા ચાર-પાંચ વર્ષમાં શું થયું છે, એમ કોહલીએ કહ્યું હતું. અમે વિજય મેળવીએ કે પરાજય ક્રિકેટની રમત અટકી નહીં જાય. સુંદર રમતપ્રદર્શન અને ટીમ તરીકે શું છીએ એ સમજવા અમે રમીએ છીએ, એમ તેણે કહ્યું હતું.
વર્લ્ડ ટૅસ્ટ ચૅમ્પિયનશિપની ન્યૂ ઝિલૅન્ડ સામેની ફાઈનલ માટેની અંતિમ ઈલેવનમાં ભારતે અનુભવી ખેલાડીઓ પર પસંદગી ઉતારી હતી અને મોહમ્મદ સિરાજને સ્થાને ટીમમાં વરિષ્ઠ ફાસ્ટબૉલર ઈશાન્ત શર્માનો સમાવેશ કર્યો હતો.
બે સ્પેશિયલાઈઝ્ડ સ્પિનર તરીકે અપેક્ષા મુજબ જ ટીમમાં રવીન્દ્ર જાડેજા અને આર. અશ્ર્વિનનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ બંને ખેલાડી બૅટિંગમાં પણ સારું પ્રદર્શન કરવા સક્ષમ છે.
ઈશાન્ત શર્મા, મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહનો ભારતીય ટીમમાં ફાસ્ટબૉલર તરીકે સમાવેશ કરવામાં આવતાં મોહમ્મદ સિરાજને ટીમમાં સ્થાન આપી શકાયું નથી. વિકેટકીપર બૅટ્સમેન રિષભ પંત છઠ્ઠા ક્રમે બૅટિંગ કરશે.
ફાઇનલની ભારતીય ટીમમાં પાંચ ઝડપી બોલર ટીમમાંથી અક્ષર અને શાર્દુલ બહાર
ભારતની 1પ ખેલાડીની ટીમ:
રોહિત શર્મા,
શુભમન ગિલ,
ચેતેશ્વર પુજારા,
વિરાટ કોહલી (કેપ્ટન),
અંજિકયા રહાણે (વાઇસ કેપ્ટન),
હનુમા વિહારી,
ઋષભ પંત (વિકેટકીપર),
રિધ્ધિમાન સાહા (વિકેટકીપર),
રવિચંદ્રન અશ્વિન,
રવીન્દ્ર જાડેજા,
જસપ્રિત બુમરાહ,
ઇશાંત શર્મા,
મોહમ્મદ શમી,
ઉમેશ યાદવ અને
મોહમ્મદ સિરાઝ
ન્યુઝીલેન્ડ વિરૂધ્ધના વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઇનલ માટેની 1પ ખેલાડીની ભારતીય ટીમ આજે જાહેર થઇ છે. જેમાં બોલિંગ કોમ્બિનેશમાં સસ્પેન્સ જોવા મળે છે. જો કે શાર્દુલ ઠાકુર 1પ ખેલાડીની સૂચિમાંથી બહાર થઇ જતાં આખરી ઇલેવનમાં ચાર પેસરના સમાવેશની સંભાવના ઓછી થઇ છે. ટીમમાં પાંચ ઝડપી બોલર રાખવામાં આવ્યા છે. પાછલી ઇંગ્લેન્ડ સામેની શ્રેણીમાં જોરદાર દેખાવ કરનાર સ્પિનર અક્ષર પટેલ પણ ફાઇનલની ટીમની બહાર છે. ટીમમાં હનુમા વિહારી પણ છે. જો કે ઓપનિંગમાં રોહિત શર્મા સાથે શુભમન ગિલ હશે તે લગભગ નિશ્ચિત જણાઇ રહ્યંy છે.
ભારતની 1પ ખેલાડીની સૂચિમાં બે સ્પિનર રવિચંદ્રન અશ્વિન અને રવીન્દ્ર જાડેજા છે. જ્યારે બે વિકેટકીપર તરીકે ઋષભ પંત અને રિધ્ધિમાન સાહા છે. સાહાની ભૂમિકા પંતના કવર પૂરતી હશે. જો ચાર ઝડપી બોલરને તક અપાશે તો અશ્વિન-જાડેજામાંથી એક બહાર થશે અને જો ત્રણ ઝડપી બોલરને તક મળશે તો ઇશાંત અને સિરાઝમાંથી એક બહાર થશે.
ફિફા વર્લ્ડ કપ પછીની ફૂટબોલ જગતની સૌથી વધુ લોકપ્રિય ટૂર્નામેન્ટ યૂએફા (યૂરોપીયન ફૂટબોલ ચેમ્પિયનશિપ) યૂરો કપ ટૂર્નામેન્ટનો પ્રારંભ આવતીકાલ તા. 11 જૂનથી થશે. પહેલા મેચમાં તૂર્કિની ટક્કર ઇટાલી સામે થશે. જે ભારતીય સમય અનુસાર તા.12મીએ રાત્રે 12-30 વાગ્યાથી શરૂ થશે. આ વખતે યૂરો કપમાં 24 ટીમ આમને-સામને હશે. જેમાં ચાર-ચારના છ ગ્રુપમાં રાખવામાં આવી છે. ફાઇનલ મુકાબલો 11 જુલાઇએ થશે. કોરોના મહામારીને લીધે યૂરો કપ એક વર્ષ સ્થગિત થયા બાદ હવે આ વર્ષે રમાઇ રહ્યો છે. ખાસ વાત એ છે કે આ વખતે યૂરો કપના મેચ 11 દેશના 11 શહેરમાં રમાશે.
જેમાં અઝરબેજાનનું શહેર બાકૂ, ડેનમાર્કનું કેપનહોગન, ઇંગ્લેન્ડનું લંડન, જર્મીનનું મ્યુનિચ, હંગેરીનું બુડાપોસ્ટ, ઇટાલીનું રોમ, નેધરલેન્ડસનું એમ્સટરડેમ, રોમાનિયાનું બુખારેસ્ટ, રશિયાનું સેંટ પીટર્સબર્ગ, સ્કોટલેન્ડનું ગ્લાસ્ગો અને સ્પેનનું શહેર સેવિલ સામેલ છે.
અત્યાર સુધીમાં 1પ યૂરો કપમાં 10 દેશ ચેમ્પિયન બન્યા છે. જર્મની અને સ્પેન સૌથી વધુ ત્રણ-ત્રણ વખત વિજેતા બન્યા છે. ફ્રાંસના નામે બે યૂરો કપ ટાઇટલ છે. જ્યારે સોવિયત યૂનિયન, ઇટાલી ચેકોસ્લોવેકિયા, નેધરલેન્ડસ, ડેનમાર્ક, ગ્રીસ અને પોર્ટૂગલ એક-એક વખત ચેમ્પિયન બન્યા છે. 24 ટીમ 6 ગ્રુપમાં છે. દરેક ગ્રુપની ટોચની બે ટીમ પ્રી કવાર્ટર ફાઇનલ રાઉન્ડમાં પહોંચશે.
જ્યારે દરેક ગ્રુપની ત્રીજા નંબરની ટીમોમાંથી ટોચની ચાર ટીમને રાઉન્ડ-16માં એન્ટ્રી મળશે. પ્રી કવાર્ટર બાદ કવાર્ટર, સેમિ અને પછી ફાઇનલ જંગ ખેલાશે. આખરી ત્રણ મેચ લંડનના વેમ્બલી સ્ટેડિયમમાં રમાશે. જ્યારે આવતીકાલે પહેલો મેચ રોમ ખાતે રમાશે.
ભારત વિરુદ્ધના ડબ્લ્યુટીસીનાં ફાઇનલ પૂર્વે ન્યુઝિલેન્ડની ટીમ ગુરુવારથી ઇંગ્લેન્ડ સામે બીજા ટેસ્ટમાં મેદાને પડશે. ત્યારે કિવિ ટીમની ચિંતામાં વધારો થયો છે. ટીમનો કેપ્ટન કેન વિલિયમ્સન નબળી ફિટનેસને લીધે બીજા ટેસ્ટની બહાર થઇ ગયો છે. સ્પિનર મિચેલ સેંટનર પર આંગળીની ઇજાને લીધે રમવાનો નથી.
એજબેસ્ટનનાં મેદાનમાં રમાનાર આ બીજા ટેસ્ટમાં કિવિઝ ટીમમાં તેના મુખ્ય ઝડપી બોલર ટ્રેંટ બોલ્ટની વાપસી થઈ શકે છે. કિવિઝ પાસે ખતરનાક ઝડપી બોલરોની ફોઝ છે. જેમાં ટિમ સાઉધી, ટ્રેંટ બોલ્ટ, નીલ વેગનાર અને કાઇલ જેમિસન છે. જેમાંથી બોલ્ટ સિવાયના કોઈ એક બોલરને ફાઇનલ પહેલા વિશ્રામ મળવાની શક્યતા છે. લોર્ડસનાં મેદાન પર રમાયેલો પહેલો ટેસ્ટ ડ્રો રહ્યો હતો. ત્રીજા દિવસની રમત વરસાદમાં ધોવાઈ ગઈ હતી. આથી ન્યુઝિલેન્ડની ટીમ સંભવિત જીતથી દૂર રહી હતી. યજમાન ઇંગ્લેન્ડની ટીમની નજર બેટિંગ મોરચે સુધારો કરીને આખરી ટેસ્ટ જીતી શ્રેણી 1-0થી કબજે કરવા પર રહેશે. મેચ ગુરુવારથી ભારતીય સમય અનુસાર બપોરે 3-30થી શરૂ થશે.
ન્યુઝિલેન્ડના કોચ ગેરી સ્ટિડે મેચની પૂર્વ સંધ્યા પર કહ્યંy કે તેના બોલરોએ લોર્ડ્સમાં સારી રીતે જવાબદારી નિભાવી, પણ એનો મતલબ એ નથી કે આવતીકાલના મેચમાં પણ તેમને મોકો મળશે. અમે ફાઇનલ પર નજર રાખી રહ્યા છીએ. અમારા તમામ બોલરો ફ્રેશ છે અને મેદાનમાં ઉતરાવા ઉત્સાહિત છે. મેટ હેનરી, ડગ બ્રેસવેલ અને જેકબ ડફી પણ અમારા ફ્રન્ટલાઇન બોલરો જ છે. અમારી પાસે 20 ખેલાડીની એવી ટીમ છે. જેમાં તમામ અનુભવી ખેલાડી છે.
બીજી તરફ ઇંગ્લેન્ડની ટીમ નવોદિત બોલર ઓલિ રોબિન્સનના વિવાદને ભૂલીને મેદાને પડશે. રોબિન્સનને રંગભેદ વિરોધી જૂની ટિપ્પણીના મામલે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. તેના છાંટા અન્ય ઇંગ્લિશ ક્રિકેટરોને પણ પડી શકે છે. ઇંગ્લેન્ડની ચિંતા ટોચના ક્રમના બેટધરોની નિષ્ફળતા છે. બોલિંગમાં ઇંગ્લેન્ડની આશા ફરી અનુભવી જોડી એન્ડરસન-બ્રોડ પર વધુ નિર્ભર રહેશે.
ભારતની ફૂટબોલ ટીમના સુકાની સુનીલ છેત્રી આંતરરાષ્ટ્રીય મૅચમાં ૭૪ ગૉલ કરીને આર્જેન્ટીનાના ખેલાડી લિયોનેલ મેસીથી આગળ નીકળી ગયો હતો અને પોર્ટુગલના ક્રિસ્ટીઆનો રોનાલ્ડો (૧૦૩ ગૉલ) પછી સૌથી વધુ ગૉલમાં બીજા ક્રમે પહોંચી ગયો હતો. ૩૬ વર્ષીય સુનીલ છેત્રીએ દોહામાં બંગલાદેશ સામે બે ગૉલ કરીને પોતાની ટીમને વિજયી બનાવી હતી.
‘ફીફા’ વર્લ્ડ કપ, ૨૦૨૨ અને એએફસી ઍશિયન કપ, ૨૦૨૩ની પ્રીલિમીનરી ક્વૉલિફાઇંગ રાઉન્ડ મૅચમાં સુનીલ છેત્રીએ આ સિદ્ધિ મેળવી હતી. ઑલ ઇન્ડિયા ફૂટબૉલ ફેડરેશનના પ્રમુખ પ્રફુલ્લ પટેલે સુનીલ છેત્રી અને તેની ટીમની પ્રશંસા કરી હતી અને શુભેચ્છા પાઠવી હતી.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.