CIA ALERT
16. May 2024

ટ્રેન્ડિંગ Archives - Page 4 of 44 - CIA Live

August 1, 2022
cia_gst.jpg
1min209

જીએસટીની પાંચમી વર્ષગાંઠ 1લી જુલાઈ, 2022ના રોજ ઉજવવામાં આવી હતી અને હવે આજે આવેલ જુલાઈ માસના જીએસટી કલેક્શનના આંકડાએ પણ રેકોર્ડ કર્યો છે.

જુલાઈ માટે GST કલેક્શન સતત પાંચમા મહિને રૂ. 1.4 લાખ કરોડથી વધુ રહ્યું છે. જુલાઈ 2022ના મહિનામાં GSTની કુલ આવક રૂ. 1,48,995 કરોડ રહી હતી. આ આંકડો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લાગુ થયા બાદનું ઈતિહાસનું બીજા ક્રમનું સૌથી વધુ કલેક્શન છે. સરકાર દ્વારા સોમવારે જારી કરવામાં આવેલા ડેટા મુજબ જુલાઈની આવકનો આંકડો ગયા વર્ષના સમાન મહિનાની રૂ. 1,16,393 કરોડની આવક કરતાં 28% વધુ છે.

જીએસટીના કુલ કલેક્શનમાં CGST રૂ. 25,751 કરોડ, SGST રૂ. 32,807 કરોડ, IGST રૂ. 79,518 કરોડ છે અને સેસ આયાત પર એકત્ર કરાયેલા રૂ. 995 કરોડ સહિત કુલ રૂ. 10,920 કરોડ છે.

આ મહિના દરમિયાન માલની આયાતમાંથી આવક 48% વધી હતી અને સર્વિસના ઈમ્પોર્ટની સાથે સ્થાનિક આવક ગયા વર્ષના સમાન મહિના કરતા 22% વધુ છે.

નાણા મંત્રાલયે જુલાઈ માસના આંકડા રજૂ કરતી વખતે આનંદ વ્યકત કરતા જણાવ્યું કે “સતત પાંચમા મહિને GST આવક રૂ. 1.4 લાખ કરોડ કરતાં વધુ રહી છે. ગત વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ 2022ના જુલાઈ મહિના સુધીની GST આવકમાં 35% વૃદ્ધિ નોંધાઈ છે. 

આ સિવાય જુલાઈ મહિનામાં સરકારે IGSTમાંથી CGST પેટે રૂ. 32,365 કરોડ અને રૂ. 26,774 કરોડ SGSTને સેટલ કર્યા છે. નિયમિત સેટલમેન્ટ પછી જુલાઈ 2022માં કેન્દ્ર અને રાજ્યોની કુલ આવક CGST માટે રૂ. 58,116 કરોડ અને SGST માટે રૂ. 59,581 કરોડ છે.

જૂન 2022ના મહિના દરમિયાન 7.45 કરોડ ઈ-વે બિલ જનરેટ થયા હતા, જે મે 2022ના 7.36 કરોડ કરતાં સામાન્ય વધારે હતા. આ આંકડો દર્શાવે છે કે આગામી મહિને એટલેકે ઓગષ્ટ માટે સપ્ટેમ્બરમાં જાહેર થનાર જીએસટી કલેક્શનના આંકડા સંભવિત વધારે હશે

આ વર્ષે એપ્રિલમાં GST કલેક્શન રૂ. 1.68 લાખ કરોડના રેકોર્ડ હાઈ લેવલે હતું. આ ઈતિહાસમાં પ્રથમ વખત હતુ કે GST કલેક્શને રૂ. 1.50 લાખ કરોડના આંકને વટાવ્યું હોય.

July 31, 2022
sanjay_raut.jpg
1min215

મની લોન્ડ્રીંગ મામલે ધરપકડની આશંકા

– આ કેસમાં સંજય રાઉતની 9 કરોડ રૂપિયા અને રાઉતની પત્ની વર્ષાની 2 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી ચૂકી છે

મુંબઈ, તા. 31 જુલાઈ 2022, રવિવાર

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની એક ટીમ હવે શિવસેના સાંસદ સંજય રાઉતના ઘરે પહોંચી છે. કહેવામાં આવી રહ્યું છે કે, સંજય રાઉતની ધરપકડ થઈ શકે છે. તેને પૂછપરછ માટે ED ઓફિસ લઈ જવામાં આવી શકે છે. રાઉત રૂ. 1034 કરોડના પાત્રા ચાવલ કૌભાંડમાં તપાસ હેઠળ છે અને તપાસમાં સહકાર ન આપવાનો આરોપ છે. 

શિવસેનાના નેતા સંજય રાઉત વિરુદ્ધ રવિવારે સવારે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની એક ટીમ મુંબઈના ભાંડુપ સ્થિત ઘરે પહોંચી છે. મળતી માહિતી મુજબ પાત્રા ચાલ જમીન કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં તપાસમાં અસહકારના કારણે આ ટીમ તેના ઘરે પહોંચી હતી. એવું માનવામાં આવે છે કે, EDની ટીમ રાઉતને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરી શકે છે.

મહારાષ્ટ્રના 1000 કરોડથી વધુના પાત્રા ચાલ જમીન કૌભાંડ કેસમાં EDની ટીમ સંજય રાઉતની પહેલાથી જ પૂછપરછ કરી રહી છે. ED દ્વારા તેમને 27 જુલાઈએ સમન્સ મોકલવામાં આવ્યા હતા. જોકે, તેઓ અધિકારીઓ સમક્ષ હાજર નહોતા થયા. ત્યારબાદ હવે EDના અધિકારીઓ તેના ઘરે પહોંચી ગયા છે.

બીજી તરફ EDની ટીમ સંજય રાઉતના ઘરે પહોંચી ત્યારે બીજેપી નેતા રામ કદમે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, એક નેતા છે, તેથી તેની તપાસ નહીં થાય એવું ન થઈ શકે. અખબારો સામના ચલાવી રહ્યા છે પરંતુ તપાસનો સામનો નથી કરી શકતા. દેશમાં કોઈ પણ હોય જેણે ખોટું કર્યું છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.

વાસ્તવમાં મુંબઈના ગોરેગાંવ વિસ્તારમાં આવેલ પાત્રા ચાલ મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીનો વિસ્તાર છે. લગભગ 1034 કરોડનું કૌભાંડ હોવાનો આરોપ છે. આ કેસમાં સંજય રાઉતની 9 કરોડ રૂપિયા અને રાઉતની પત્ની વર્ષાની 2 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી ચૂકી છે.

આરોપ છે કે, રિયલ એસ્ટેટ બિઝનેસમેન પ્રવીણ રાઉતે પાત્રા ચાલમાં રહેતા લોકો સાથે છેતરપિંડી કરી છે. પ્રવીણ રાઉત સંજય રાઉતના મિત્ર છે. એક ખાનગી કંપનીને આ વિસ્તારમાં 3000 ફ્લેટ બનાવવાનું કામ મળ્યું. પરંતુ 2011માં તેના કેટલાક ભાગો અન્ય બિલ્ડરોને વેચી દેવામાં આવ્યા હતા. આ કેસમાં સંજય રાઉત પર મની લોન્ડરિંગનો આરોપ છે.

July 31, 2022
birmingham_common_wealth.jpg
1min298

યુકેના બર્મિંગહામ ખાતે રમાઇ રહેલી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના પણ અનેક ખેલાડીઓ તેમાં વિવિધ રમતોમાં ભાગ લઈ રહ્યા છે. કોમનવેલ્થ ગેમ્સના બીજા દિવસનો અંતે ભારતે સિલ્વર મેડલ સાથે કર્યો છે. અત્યાર સુધી ભારતને કુલ ચાર મેડલ મળ્યા છે જે તમામ વેઈટલિફ્ટિંગમાં જ છે. બિંદિયારાની દેવીએ મહિલાઓની 55 કિલોગ્રામ કેટેગરીમાં સિલ્વર પોતાના નામે કર્યો છે. આ પહેલા મીરાબાઈ ચાનૂએ ગોલ્ડ, ગુરુરાજ પૂજારીએ બ્રોન્ઝ અને સંકેત સરગરે સિલ્વર મેડલ ભારતને અપાવ્યો હતો. આ રીતે ભારતના ખાતામાં અત્યાર સુધી ચાર મેડલ આવી ગયા છે.

બિંદિયારાની દેવીએ સ્નેચમાં 86 કિલો વજન ઉઠાવ્યુ હતું. સ્નેચ પછી તે ત્રીજા નંબર પર હતી, પરંતુ ક્લીન એન્ડ જર્કમાં તેણે કોમનવેલ્થ ગેમ્સનું રેકોર્ડ વજન ઉઠાવ્યું. તેણે 116 કિલોનો ભાર ઉપાડીને સિલ્વર મેડલ પોતાના નામે કર્યો. કુલ મળીને તેણે 202 કિલો વજન ઉપાડ્યુ હતું. નાઈજીરિયાની અદિજત ઓલારિનોયે ગોલ્ડ મેડલ જીત્યો છે. તેણે કુલ 203 કિલો વજન ઉપાડીને આ પદક પોતાના નામે કર્યુ હતું. ઈંગ્લેન્ડની એથ્લીટને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો.

મીરાબાઈ ચાનૂની જેમ બિંદિયારાની પણ મણિપુરથી આવે છે. કોમનવેલ્થ ગેમ્સ 2021માં તેણે બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો. આ પહેલા 2019માં રાષ્ટ્રમંડળ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. બિંદિયારાની એક ખેડૂતની દીકરી છે અને કિરાણાની દુકાન ચલાવે છે. હાઈટ ઓછી હોવાને કારણે બિંદિયારાનીએ વેઈટલિફ્ટિંગની શરુઆત કરી હતી. બિંદિયારાની જણાવે છે કે, હું 2008થી 2012 સુધી તાઈક્વાંડો રમતી હતી પણ પછી મેં વેઈટલિફ્ટિંગ કરવાનો નિર્ણય લીધો. મને હાઈટની સમસ્યા હતી, માટે મારે શિફ્ટ થવુ પડ્યું. તમામ લોકોએ કહ્યું કે, મારી હાઈટ વેઈટલિફ્ટિંગ માટે યોગ્ય છે.

શનિવારનો તા.30મી જુલાઇ 2022 કોમનવેલ્થમાં ભારત માટે શાનદાર દિવસ રહ્યો હતો. ગેમ્સના બીજા દિવસે ભારતે બિંદિયારાનીના મેડલ સિવાય પણ ત્રણ મેડલ જીત્યા હતા. જેમાં દેશની સ્ટાર મહિલા વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. બર્મિંઘમમાં ભારતનો આ પ્રથમ ગોલ્ડ મેડલ છે. જ્યારે તે પહેલા યુવાન વેઈટલિફ્ટર સંકેત સરગરે ભારત માટે મેડલનું ખાતું ખોલાવતા સિલ્વર મેડલ જીત્યો હતો. જ્યારે વેઈટલિફ્ટર ગુરૂરાજ પૂજારીએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. સંકેતનું પ્રદર્શન ધમાકેદાર રહ્યું હતું પરંતુ ક્લીન એન્ડ જર્કમાં પોતાના બીજા પ્રયાસમાં તેને હાથમાં ઈજા થઈ હતી જેના કારણે તેને એક કિલો વજનથી ગોલ્ડ મેડલ ગુમાવવો પડ્યો હતો. જ્યારે મીરાબાઈએ તો સ્નેચમાં 88 કિલો વજન ઉચકીને પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવા ઉપરાંત નેશનલ રેકોર્ડ અને ગેમ્સ રેકોર્ડ તોડી નાંખ્યો હતો. તેણે કુલ 201 કિલો વજન સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. જે કોમનવેલ્થ ગેમ્સમાં તેનો ત્રીજો મેડલ હતો.

July 31, 2022
cia_edu-1280x925.jpg
1min479

Jayesh Brahmbhatt 98253 44944

એક તરફ એમબીબીએસ કરતા વિદ્યાર્થીઓને મનમાં સતત એવો ડર સતાવતો હોય છે કે પીજી કે સુપર સ્પેશ્યાલિટી મેડીકલમાં તેમને પ્રવેશ મળશે કે નહીં અને બીજી તરફ પરિસ્થિતિ એવી ઉભી થઇ છે કે સુપર સ્પેશ્યાલિટીમાં ખાલી પડેલી બેઠક પર કોઇને કોઇક તબીબ ઉમેદવારને પ્રવેશ મળી શકે અને એ બેઠક ઉપયોગી નિવડે એ માટે મેડીકલ કાઉન્સેલિંગ કમિટીએ લાયકાતના તમામ માપદંડ કાઢી નાંખવા પડ્યા છે.

હાલમાં ચાલી રહેલી પોસ્ટ ગ્રેજ્યુએટ મેડીકલ કોર્સની પ્રવેશ પ્રક્રિયા દરમિયાન મેડિકલ સુપર સ્પેશિયાલિટી કોર્સની સેંકડો બેઠકો ખાલી હોવાથી સત્તાવાળાઓએ ઉમેદવારો માટે લાયકાતનો માપદંડ કાઢી નાખ્યો છે. તેથી, આ સ્તરે અભ્યાસક્રમ માટે રોક-બોટમ સ્કોર અથવા શૂન્ય ટકાવારી (ઝીરો પર્સન્ટાઇલ સ્કોર) સ્વીકાર્ય છે અને આટલા ઓછા માર્કસ ધરાવતા તબીબ ઉમેદવારોને પણ મેડીકલ પીજી સીટ મળશે એ નિશ્ચિત બન્યું છે. ટૂંકમાં મેડીકલ કાઉન્સેલિંગ કમિટીએ એવો નિયમ બનાવ્યો છે કે દેશભરમાં ખાલી પડેલી મેડીકલ સુપર સ્પેશ્યાલિટીની કુલ 748 સીટ પર બીજા સ્પેશ્યલ મોપઅપ રાઉન્ડમાં જે ઉમેદવારો પીજી નીટ 2021માં બેઠા હતા એ તમામ લાયકાતપાત્ર છે.

દેશમાં મેડીકલ સુપર સ્પેશ્યાલિટીની કુલ 748 સીટ ખાલી પડી છે, સ્પેશ્યલ મોપ-અપ રાઉન્ડ-2માં મેડીકલ કાઉન્સેલિંગ કમિટીએ લાયકાતપાત્રતા ઘટાડીને ફક્ત જેમણે પીજી નીટ પરીક્ષા આપી છે એ તમામને લાયક ગણવાનું નોટિફિકેશન જારી કર્યું છે

ભારતમાં પહેલી વાર પ્રયોગ કરવામાં આવ્યો છે કે દર વર્ષે પીજી મેડીકલની સેંકડો બેઠકો ખાલી પડી રહે છે અને બીજી તરફ ક્વોલિફિકેશન નહીં હોવાથી સેંકડો ઉમેદવારો પ્રવેશથી વંચિત રહે છે. આ પરિસ્થિતિને કારણે તમામને નુકસાન જ છે એમ સમજાવતા દેશના આરોગ્ય વિભાગના એક વરીષ્ઠ અધિકારીએ કહ્યું હતુ કે, “દર વર્ષે સીટો ખાલી પડી રહી છે. સરકારને લાગ્યું કે એક વખતના માપદંડ તરીકે, દેશના વિશાળ હિતમાં, અમે શૂન્ય પર્સેન્ટાઇલ સાથેના વિદ્યાર્થીઓને પણ સ્વીકારી શકીએ છીએ. ક્વોલિફાઇડ માર્કસની કોઈ અગ્રતા રહેશે નહીં. આખરે પ્રવેશ પરીક્ષા વિદ્યાર્થીઓને દૂર કરવા માટે લેવામાં આવી ન હતી, પરંતુ માત્ર તેમને ગ્રેડ આપવા માટે લેવાતી હોય છે,” આરોગ્ય મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.

આ વર્ષે એડમિશનના ચાર રાઉન્ડ પછી 748 સુપર સ્પેશિયાલિટી બેઠકો ખાલી હોવાથી, મેડિકલ કાઉન્સેલિંગ કમિટી (MCC) એ ક્વોલિફિકેશન માર્કના માપદંડને રિમુવ કરવાનું પગલું ભર્યું હવે એવા કોઈપણ ઉમેદવાર કે જેમણે NEET સુપર સ્પેશિયાલિટી 2021ની પરીક્ષા આપી હોય તે ઉમેદવારના સ્કોરને ધ્યાનમાં લીધા વગર તેઓ સ્પેશ્યલ મોપ-અપ એડમિશન રાઉન્ડમાં ભાગ લઈ શકે છે.

જ્યારે આ વર્ષે પ્રવેશ પ્રક્રિયા શરૂ થઇ, ત્યારે મેડીકલ કાઉન્સેલિંગ કમિટી દ્વારા હાથ ધરવામાં આવેલી બે રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયાને સાવ ઠંડો પ્રતિસાદ મળ્યો. આનાથી ક્વોલિફાઇંગ બાર 15% ઘટાડીને ખાસ મોપ-અપ રાઉન્ડ થયો. તેમ છતાં, પ્રવેશાર્થીઓ મળી શક્યા નહીં. હવે બીજો સ્પેશ્યલ મોપ-અપ રાઉન્ડ તમામ ઉમેદવારો માટે ખુલ્લો મૂકાયો છે. ભારતમાં લગભગ 4,500 સુપર સ્પેશિયાલિટી મેડિકલ સીટ છે. ક્લિનિકલ શાખાઓ કરતાં સર્જિકલ શાખાઓમાં વધુ ખાલી જગ્યાઓ છે.

Notification by MCC (Medical Counseling Committee)

July 30, 2022
socialmedia1-900px.jpg
1min265

– કેરળ હાઇકોર્ટે જાતિવાદી કોમેન્ટ કરનારાની અરજી ફગાવી

– જાતિનું અપમાન કરતી ટિપ્પણી કરી ત્યારે પીડિતા ત્યાં હાજર નહોતી: યૂટયુબરની દલીલોને હાઇકોર્ટે ફગાવી

નવી દિલ્હી : સોશિયલ મીડિયા પર પોસ્ટ કે કોમેંટ આડેધડ થતી હોય છે, જેમાં જાતિ આધારીત કોમેંટ કે પોસ્ટ પણ કરવામાં આવતી હોય છે. જોકે હવેથી કોઇ જાતિ આધારીત પોસ્ટ કે કોમેંટ થાય તો તેવા કેસમાં એસસી, એસટી કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી શકે છે. હાલ આ જ પ્રકારનો એક મામલો કેરળ હાઇકોર્ટમાં ચાલી રહ્યો છે. 

કેરળ હાઇકોર્ટમાં એક યૂટયૂબર દ્વારા અરજી કરવામાં આવી છે. જેની સુનાવણી ચાલી રહી છે. 

અરજદાર યૂટયૂબર દ્વારા એક ઇન્ટરવ્યૂમાં એસસી, એસટી સમાજની એક મહિલા સામે કથિતરુપે અપમાનજનક નિવેદન આપવામાં આવ્યું હતું. આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ થતા વાઇરલ થઇ ગયો હતો. જે બાદ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી હતી. હવે આરોપી દ્વારા કેરળ હાઇકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરવામાં આવી છે. 

જોકે કેરળ હાઇકોર્ટે આરોપી યૂટયૂબરની જામીન અરજીને ફગાવી દીધી છે. આ દરમિયાન જ્યારે કોર્ટમાં દલિલો ચાલી રહી હતી ત્યારે આરોપીએ એવો તર્ક આપ્યો હતો કે પીડિતા મારા આ ઇન્ટરવ્યૂ અને મે કોમેંટ કરી ત્યારે તે હાજર નહોતી. તેથી એસસી, એસટી એક્ટ અંતર્ગત આ મામલે કેસ જ નથી બનતો. 

July 30, 2022
5g.jpg
1min234

ભારત સરકારે ટેલીકોમ ક્ષેત્રે સૌથી મોટા ક્રાંતિકારી પગલાં એવા 5G સ્પેક્ટ્રમ માટે વિવિધ ફ્રિકવન્સીમાં કુલ 72 ગીગાહર્ટ સ્પેક્ટ્રમ વેચવા કાઢી છે. આ સ્પેક્ટ્રમથકી સરકારને કુલ રૂ.4.30 લાખ કરોડની આવક થશે એવો અંદાજ હતો પણ તા.26 જુલાઈથી શરૂ થયેલા અને ચાર દિવસ, 23 રાઉન્ડ પછી કંપનીઓએ જે બોલી લગાવી છે એ જોતા અપેક્ષા કરતા ઘણી ઓછી રકમ સરકારના હાથમાં આવશે એવી શક્યતા છે. 

5G સ્પેક્ટ્રમ માટે આટલી ઓછુ બિડિંગ થવાના બે કારણો છે. એક, આ ટેકનોલોજી માત્ર સ્પેક્ટ્રમ ખરીદી લેવાથી પૂર્ણ થતી નથી. ગ્રાહકને ઘરે-ઘરે, શેરી-ગલીમાં સેવા આપવા માટે નેટવર્કમાં જંગી રોકાણ કરવું પડે એવી શક્યતા છે. બીજું, મોટા ભાગની કંપનીઓ પાસે અત્યારે હાથ ઉપર સ્પેક્ટ્રમ ઉપલબ્ધ છે અને વર્તમાન 4G સેવામાં તેનો પૂરો ઉપયોગ થઇ રહ્યો નથી. ત્રીજું, એરટેલ અને વોડાફોન આઈડિયા ઉપર જંગી દેવું છે. વોડાફોન આઈડિયા તો છેલ્લા ત્રણ વર્ષથી ભારતના કોર્પોરેટ ઈતિહાસમાં સૌથી મોટી ખોટ કરતી કંપની છે ત્યારે આટલી આક્રમકતાથી સ્પેક્ટ્રમ ખરીદે એવી શક્યતા નહિવત જોવા મળી રહી છે. 

ચાર દિવસના અંતે કેન્દ્ર સરકારને જે કુલ રકમ મળે એવી શક્યતા છે તેની રકમ રૂ.1,49,823 કરોડ જ છે. કેન્દ્ર સરકારે સ્પેક્ટ્રમની ખરીદી ક્યાં સર્કલમાં કોણે કરી, કોની બોલી વિજેતા થઇ તેની જાહેરાત નિલામી પૂર્ણ થયા પછી જ જાહેર કરવાની હોવાથી કંપની આધારિત માહિતી ઉપલબ્ધ હવે પછી જ બનશે. 

5G સ્પેક્ટ્રમ રાઉન્ડ અનુસાર કેટલી બોલી લાગી
દિવસએક દિવસમાં કેટલી બોલી રૂ. લાખ કરોડદિવસના અંતે અત્યારસુધીની બોલી રૂ. લાખ કરોડ
૨૬ જુલાઈ૧.૪૫૦૧.૪૫
૨૭ જુલાઈ૦.૦૪૫૧.૪૯
૨૮ જુલાઈ૦.૦૧૭૧.૫૦
૨૯ જુલાઈ૦.૦૨૩૧.૫૦

સ્પેક્ટ્રમની નિલામીના ચાર દિવસ અને ૨૩ રાઉન્ડની બોલી લાગ્યા પછી એટલું સ્પષ્ટ છે કે કંપનીઓ માત્ર જેટલી જરૂરીયાત છે એના માટે જ બિડિંગ કરી રહી છે. 5Gની નિલામીમાં અત્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જિયો માટે, ભારતી એરટેલ, વોડાફોન આઈડિયા અને ગૌતમ અદાણીની અદાણી ડેટા સર્વિસ લીમીટેડ એમ ચાર જ કંપની બિડિંગ કરી રહી છે. વળી, અદાણીએ ગ્રાહકો માટે નહિ પણ માત્ર પોતાના જૂથ માટે, પોતાના વ્યવહાર માટે અને તેના ટેકનોલોજી સાહસની જરૂરીયાત માટે જ લાયસન્સ ખરીદ્યું છે. આ ઉપરાંત, અદાણીએ માત્ર ગુજરાત સર્કલનું જ લાયસન્સ ખરીદ્યું હોવાથી અન્ય રાજ્યોમાં તે બિડિંગ કરી શકે નહી તે પણ જાણવું જરૂરી છે. 

5G સેવાઓ માટે ગીગાહર્ટઝ જેમ ઓછા તેમ નાના સેલ સાઈટ કે નાના ટાવરથી આંતરિક વિસ્તારમાં સેવાઓ આપવી શક્ય બને છે. દૂરના વિસ્તારો માટે સૌથી ઉંચી ફ્રિકવન્સીનું સ્પેક્ટ્રમ જોઈએ છે. અત્યારે ચાલી રહેલી બિડિંગમાં સૌથી ઓછી અને સૌથી વધુ ફ્રિકવન્સીના બિડિંગમાં જ સ્પર્ધા જોવા મળી રહી છે. 

જેમકે 26 હર્ટઝની ફ્રિકવન્સી માટે દરેક રાજ્યમાં દરેક સર્કલમાં ભારે બોલી જોવા મળી રહી છે. એવી જ રીતે 3300 હર્ટઝની ફ્રિકવન્સી માટે પણ દરેક સર્કલમાં બોલી લાગી છે. નીચી ફ્રિકવન્સી માટે 600 હર્ટઝમાં કોઈ બીડ નથી, 700 હર્ટઝમાં એક કે બે બીડ જોવા મળી રહી છે. તો ઉપરની ફ્રિકવન્સીમાં 2600 અને 21૦૦માં કોઈ ખરીદવાવાળું નથી. સામે 17૦૦ અને 18૦૦ હર્ટઝમાં જરૂર અનુસાર એટલે કે જ્યાં કંપનીઓને જરૂર છે એટલા સર્કલમાં જ માંગ જોવા મળી રહી છે. 

July 28, 2022
gseb.png
1min408

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા અંતે સ્કૂલો શરૃ થયાના દોઢ મહિને ૨૦૨૨-૨૩નું શૈક્ષણિક કેલેન્ડર જાહેર કરી દેવાયુ છે. જે મુજબ ધો.૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષા ૧૪મી માર્ચથી શરૃ થશે.જ્યારે ધો.૯ અને ૧૧ની વાર્ષિક પરીક્ષાઓ ૧૦ એપ્રિલથી શરૃ થશે.પ્રથમ સત્ર ૧૯ ઓક્ટોબર સુધીનું રહેશે અને ૧૦ નવે.થી બીજુ સત્ર શરૃ થશે. જ્યારે ૧લી મેથી ઉનાળુ વેકેશન શરૃ થશે.

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા એકેડેમિક કેલેન્ડર મુજબ આ વર્ષે બોર્ડની પરીક્ષાઓ નિયત સમય કરતા એક સપ્તાહ મોડી છે. ૧૪મી માર્ચથી બોર્ડ પરીક્ષાઓ શરૃ થશે. બોર્ડની સૂચના મુજબ ૨૦૨૨-૨૩ માટે ધો.૯થી૧૨ના અબ્યાસક્રમમાં કોઈ ઘટાડો નહીં થાય. ૯થી૧૨ની પ્રથમ પરીક્ષા માટે જુનથી સપ્ટેમ્બર સુધીનો અભ્યાસક્રમ રહેશે અને ધો.૧૦ તથા ૧૨ની પ્રિલીમ પરીક્ષા માટે સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે.ધો.૯ અને ૧૧ની દ્રિતિય પરીક્ષા માટે જુનથી જાન્યુઆરી સુધીનો અભ્યાસક્રમ રહેશે. જેમાં જુનથી સપ્ટેમ્બર સુધીના અભ્યાસક્રમમાંથી ૩૦ ટકા અભ્યાસક્રમ અને ઓક્ટોબરથી જાન્યુઆરી સુધીના અભ્યાસક્રમમાંથી ૭૦ ટકા અભ્યાસક્રમ રહેશે.

ધો.૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષા તેમજ ધો.૯ અને ૧૧ની વાર્ષિક પરીક્ષા માટે સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે.આ તમામ પરીક્ષાઓ માટે શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦થી અમલમાં આવેલ પરીક્ષા પદ્ધતિ જ યથાવત રહેશે. કોઈ ફેરફાર થઈ શકશે નહીં. બોર્ડના એકેડેમિક કેલેન્ડ મુજબ પ્રથમ સત્રમાં જુનના ૧૬ ,જુલાઈના ૨૬, ઓગસ્ટના ૨૧, સપ્ટે.ના ૨૬ , ઓક્ટો.ના ૧૫ દિવસ સહિત કુલ ૧૦૪ દિવસ શિક્ષણકાર્યના રહેશે અને બીજા સત્રમાં નવે.માં ૧૮,ડિસે.માં ૨૭, જાન્યુ.આમાં ૨૪, ફેબુ્ર.માં ૨૩, માર્ચમાં ૨૩ અને એપ્રિલમાં ૨૧ દિવસ સહિત કુલ ૧૩૭ દિવસ શિક્ષણ કાર્યના રહેશે. બંને સત્રના મળી કુલ ૨૪૧ દિવસ શિક્ષણના રહેશે.૭ સ્થાનિક રજાઓ રહેશે. પ્રથમ સત્ર ૧૩ જુનથી ૧૯ ઓક્ટો સુધી અને દિવાળી વેકેશન ૨૦ ઓક્ટો.થી ૯ નવે. સુધીનું રહેશે. દ્રિતિય સત્ર ૧૦ નવે.થી ૩૦ એપ્રિલ સુધીનું રહેશે. ઉનાળુ વેકેશન ૧લી મેથી ૪ જુન સુધીનું રહેશે.

  • પરીક્ષાઓનું કેલેન્ડર
  • પરીક્ષા                 સમય
  • ૯થી૧૨ની પ્રથમ પરીક્ષા              ૧૦-૧૦થી ૧૮-૧૦
  • ૯થી૧૨ની દ્વિતિય પરીક્ષા             ૨૭-૧થી ૪-૨
  • ધો.૯ની પ્રખરતા કસોટી               ૭ ફેબુ્રઆરી
  • બોર્ડ વિષયની સ્કૂલ લેવલની
  • ધો.૧૦-૧૨ની પરીક્ષાઓ               ૧૩-૨થી૧૫-૨
  • ધો.૧૨ સાયન્સ પ્રેક્ટિકલ પરીક્ષા      ૨૦-૨થી૨૮-૨
  • ધો.૧૦-૧૨ની મુખ્ય બોર્ડ પરીક્ષા      ૧૪-૩થી૩૧-૩
  • ધો.૯-૧૧ની વાર્ષિક પરીક્ષાઓ         ૧૦-૪થી૨૧-૪
July 28, 2022
india-wi.jpg
1min254

વેસ્ટઈન્ડીઝના સૂપડા સાફ કરીને ભારતે સર્જી રેકોર્ડ્સની વણઝાર, આવું કરનારી વિશ્વની એકમાત્ર ટીમ

– આ મેચના હીરો શુભમન ગિલ શાનદાર બેટિંગ સાથે 98 રનની અણનમ ઈનિંગ રમ્યા હતા

નવી દિલ્હી, તા. 28 જુલાઈ 2022, ગુરૂવાર

વેસ્ટઈન્ડીઝ અને ભારત વચ્ચે રમાયેલી 3 મેચની વનડે સીરિઝનો ત્રીજો તથા અંતિમ મુકાબલો ત્રિનિદાદના પોર્ટ ઓફ સ્પેન ખાતે રમાયો હતો. આ મેચમાં ભારતે ફરી એક વખત શાનદાર પ્રદર્શન સાથે કેરેબિયન ટીમને 119 રનના મોટા અંતરથી હરાવી છે. વરસાદથી બાધિત થયેલી આ મેચના હીરો શુભમન ગિલ બન્યા છે. ગિલ શાનદાર બેટિંગ સાથે 98 રનની અણનમ ઈનિંગ રમ્યા હતા. આ વિજય સાથે જ ભારતે સીરિઝમાં 3-0થી ક્લીન સ્વીપ પણ કર્યું છે. આ સાથે જ ભારતે આ મેચમાં રેકોર્ડ્સની વણઝાર સર્જી દીધી છે.  

આ સીરિઝમાં વિજયની સાથે જ ટીમ ઈન્ડિયા કોઈ પણ એક દેશ સામે સતત સૌથી વધારે વનડે બાઈલેટરલ સીરિઝ જીતનારી ટીમ બની ગઈ છે. વેસ્ટઈન્ડીઝ સામે ભારતની આ સતત 12મી જીત છે. 2007થી શરૂ કરીને 2022 સુધી ભારત સતત 12 સીરિઝ જીતતું આવ્યું છે. ત્યાર બાદ પાકિસ્તાનનું નામ આવે છે. પાકિસ્તાન 1996થી 2021 દરમિયાન ઝિમ્બાબ્વે સામે 11 તથા વેસ્ટઈન્ડીઝ સામે 10 સીરિઝ જીત્યું છે. જ્યારે દક્ષિણ આફ્રિકા ઝિમ્બાબ્વે સામે તથા ભારત શ્રીલંકા સામે સતત 9-9 વનડે સીરિઝ જીત્યું છે. 

વેસ્ટઈન્ડીઝ માટે આ છેલ્લા 2 મહિનામાં સતત 9મી હાર છે. જ્યારે પોતાની જ હોમપીચ પર કોઈ પણ દેશ દ્વારા વનડેમાં મળેલી આ સૌથી મોટી હાર છે. વેસ્ટઈન્ડીઝ અગાઉ પોતાની હોમપીચ પર કદી 119 રનથી નહોતું હાર્યું. 

July 26, 2022
cia_multi-1280x1045.jpg
1min282

તા.25 જુલાઇ 2022ને સોમવારે સાંજે સર્જાયેલા લઠ્ઠાકાંડમાં ધીરે ધીરે કરીને મોતનો આંકડો બુધવારે સવાર સુધીમાં 41 પર પહોંચી ગયો છે. આ લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં 41 લોકોનાં મોત થયા છે. જ્યારે 117 લોકો સારવાર હેઠળ છે. જેમાં 80 લોકો ભાવનગરમાં સારવાર હેઠળ છે અને 37 લોકો અમદાવાદમાં સારવાર હેઠળ છે.  ગોડાઉનના એક કર્મચારીથી લઈને બુટલેગર સુધી પહોંચેલા કેમિકલે ગુજરાતમાં હાહાકાર મચાવી દીધો છે. પોલીસે અત્યાર સુધીમા આ કેસમાં કુલ 14 આરોપીની ધરપકડ કરી છે. બોટાદમાં ઝેરી દારૂકાંડથીગુજરાત હચમચી ઉઠ્યું છે. અને ઝેરી દારૂકાંડની ઘટના બાદ રાજ્યભરમાં પોલીસ દોડતી થઈ ગઈ છે.

ઝેરી દારૂકાંડ કહો કે, કેમિકલ કાંડ પણ અત્યાર સુધીમાં 41 લોકો મોતને ભેટ્યા છે. જો વિગતે વાત કરીએ તો રોજિદ ગામમાં 10 ,દેવગાણા ગામમાં 5,ચંદરવા, અણિયાળી, આકરુ અને રાણપરી ગામે 3-3 લોકોના મોત થયા છે. બીજીતરફ ઊંચડી, કુદડા વહીયા અને પોલારપુરમાં 2-2 લોકોનાં મોત થયા છે.જ્યારે સુંદરિયાણા, ભીમનાથ, ખરડ અને વેજળકામાં 1-1નું મોત થયું છે. જ્યારે 117 લોકો હાલ સારવાર હેઠળ છે.

આ ઘટનાના મૂળમાં ઉતરતા પોલીસે શોધી કાઢ્યું છે કે અમદાવાદના અસલાલી ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારની આમોસ કેમિકલ ફેક્ટરીનો જયેશ મુખ્ય સૂત્રધાર છે. જયેશ AMOSમાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવી રહ્યો હતો પરંતુ તેણે આ ઈન્ડસ્ટ્રીયલ કેમિકલ ચોરી કરીને બહાર વેચ્યું હતુ. જયેશ ઉર્ફે રાજુએ આ 600 લિટર ચોરી કરેલ મિથાઈલ આલ્કોહોલ સંજયને વેચ્યું હતુ. સંજયે આ કેમિકલ વેચવા માટે તેના પિતરાઈ ભાઈ પિન્ટુ ઉર્ફે ફાંટોનો સંપર્ક કર્યો હતો જે મૂળ બોટાદનો રહેવાસી છે.

જયેશે 600માંથી 200 લિટર મિથાઈલ કેમિકલ સંજયને વેચ્યું હતુ અને વધુ 200 લિટર અન્ય એક વ્યકતિને વેચ્યું હતુ જ્યારે 200 લિટર હજી તેની પાસે જ હતુ. પોલીસે અત્યાર સુધી કુલ 460 લિટર કેમિકલ કબ્જે કર્યું હતુ.

Reported on 26/07/2022

ગુજરાતમાં ફરી લઠ્ઠાકાંડઃ ધંધુકા-બરવાળામાં લઠ્ઠાકાંડમાં 26ના મોતથી ખળભળાટ

બોટાદના નભોઇમાં શંકાસ્પદ લઠ્ઠો તૈયાર કરાયો હતો

બરવાળાના તાલુકાના 10 અને ધંધુકા તાલુકાના નવ લોકોના શંકાસ્પદ મરણઃ ૨૫થી વધુ લોકોને સારવાર માટે દાખલ કરાયાઃ મૃત્યુઆંક વધવાની સંભાવના

અમદાવાદ

અમદાવાદ જિલ્લાના ધંધુકા અને બોટાદ જિલ્લાના બરવાળામાં આવેલા ગ્રામ્ય વિસ્તારમાં સોમવારે સવારથી ઝેરી દારૂ પીવાના કારણે 26  જેટલા લોકોના મરણ થતા ખળભળાટ મચી ગયો હતો. જ્યારે  ૨૫ થી વધુ લોકોને સારવાર માટે ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.  મૃત્યુઆંક વધવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. બરવાળાના નભોઇમાં આવેલા દેશી દારૂના અડ્ડા પરથી દારૂ પીનારાઓને અસર થતા તબિયત લથડી હતી. કુલ મૃત્યુ પામનારાઓમાં 17 મરણ બરવાળાના તાલુકાના ગ્રામ્ય વિસ્તારના અને ધંધુકાના ગ્રામ્ય વિસ્તારના નવ લોકોનો સમાવેશ થાય છે. બીજી તરફ આ ઘટનાને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને મેેડીકલની ટીમને વિવિધ વિસ્તારોમાં મોકલી આપવામાં આવી છે. આ સાથે ગૃહવિભાગે તાકીદની બેઠક બોલાવીને સમગ્ર મામલે તપાસ કરવા માટે સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમની રચના કરવામાં આવી છે.બોટાદ જિલ્લાના બરવાળાના રોજીદ, નભોઇ અને આસપાસના ગ્રામ્ય વિસ્તાર અને ધંધુકાના આકરૂ, ઉચડી અને મોસડી  તેમજ આસપાસના  વિસ્તારમાં એકાએક રવિવારે રાતના સમયે ૨૫ થી વધુ લોકોની તબિયત લથડવા લાવી હતી અને ઉલ્ટી કરીને બેભાન થવા લાગ્યા હતા. જેથી તાત્કાલિક તેમના ધંધુકા અને બોટાદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં સોમવાર બપોર સુધીમાં કુલ 26  લોકોના મરણ થયા હતા. જેમાં બોટાદના બરવાળાના રોજીદ ગામના એક અને અન્ય ેબે વ્યક્તિના મરણ થયા છે.  અમદાવાદના ધંધુકાના આકરૂ, ઉંચડી અને અણિયારી અને અન્ય ગામમાં  કુલ 17 લોકોના મરણ થયા હતા. જેમાં એક વ્યક્તિનું મરણ કાર્ડીઆક એટેકના કારણે થયુ હોવાનું તબીબી તપાસમાં ખુલ્યું હતુ. જ્યારે બરવાાળામાં અન્ય  નવ ના મરણ ઝેરી પ્રવાહી પીવાના કારણે થયાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું.   જેમાં રોજીદના 6,ચંદરવાના ૨ અને દેવગનાના ૨ લોકોનો સમાવેશ થાય છે. આ અંગે અમદાવાદ જિલ્લા પોલીસ વડા વિરેન્દ્રસિંગ યાદવે જણાવ્યું હતું કે પોલીસે હાથ ધરેલી પ્રાથમિક તપાસમાં  મૃતકો અને સારવાર માટે વિવિધ હોસ્પિટલમાં દાખલ કરાયેલી વ્યક્તિઓ બરવાળા તાલુકાના નભોઇમાં દેશી દારૂના અડ્ડાથી દારૂ પીને આવ્યા હતા. જેમાં તેમને દારૂ મેળવવામા ંઆવેલા કોઇ ઝેરી કેમીકલની અસર થઇ હોવાની શક્યતા છે. હાલ ધંધુકામાં બે વ્યક્તિના મરણ થયા તેમના પોસ્ટમોર્ટમ કરાવીને રિપોર્ટને આધારે મૃત્યુ સાચુ કારણ જાણી શકાશે. તો ધંધુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી કુલ ચાર લોકોને વધુ સારવાર માટે અમદાવાદ અસારવા સિવિલ લઇ જવાયા છે.  જો કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ દારૂમાં વપરાયેલા કેમીકલ અંગે જાણી શકાશે.

તો બીજી તરફ૨૫  જેટલા લોકોને બોટાદની સરકારી હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જ્યાંથી મોટાભાગના લોકોની તબિયત લથડતા વધુ સારવાર માટે ભાવનગર મોકલાયા હતા. આ સાથે  ભાવનગર રેંજ આઇજી અશોક યાદવ, બોટાદ એસપી તેમજ અન્ય અધિકારીઓ રોજીદ ગામ ખાતે દોડી ગયા હતા અને તપાસ શરૂ કરી છે.

બરવાળા તાલુકાના નભોઇ ગામમાં ખુબ મોટા પ્રમાણમાં દેશી દારૂ તૈયાર કરવામાં આવે છે. જે આસપાસના ગ્રામ્ય વિસ્તારોના બુટલેગરોને મોકલવામાં આવે છે. આ દારૂ તૈયાર કરવાની અનેક ભઠ્ઠીઓ આવેલી ચે. જેથી કોણે ઝેરી દારૂ બનાવ્યો હતો તે અંગે ચોક્કસ વિગતો હજુ સુધી મળી શકી નથી. જો કે હાલ સમગ્ર વિસ્તારના બુટલેદરો ભુગર્ભમાં ઉતરી જતા પોલીસ લઠ્ઠાકાંંડની કડી મેળવવા માટે વિવિધ ટીમ બનાવીને તપાસ શરૂ કરી છે.

July 25, 2022
murmu.jpeg
1min313

દેશના નવનિર્વાચિત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે દેશના સર્વોચ્ય બંધારણીય પદ માટેના શપથ ગ્રહણ કર્યા છે. તેઓ દેશના 15મા અને પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બન્યા છે. આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિ, લોકસભા અધ્યક્ષ, વડાપ્રધાન, અનેક રાજ્યોના રાજ્યપાલ, મુખ્યમંત્રી અનેક દેશોના રાજદૂત તથા ત્રણેય સેનાના પ્રમુખ ઉપસ્થિત રહ્યા છે.

સીજેઆઈ એન.વી.રમણાએ સંસદના સેન્ટ્રલ હોલ ખાતે મુર્મુને શપથ ગ્રહણ કરાવ્યા હતા. ત્યાર બાદ તેમને 21 તોપોની સલામી આપવામાં આવશે. સંસદના સેન્ટ્રલ હોલ ખાતે સમારંભના સમાપન બાદ દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રપતિ ભવન માટે રવાના થશે અને ત્યાં તેમને ઈન્ટર-સર્વિસ ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે.

રાષ્ટ્રપતિ મુર્મુએ જણાવ્યું કે, 26મી જુલાઈના રોજ કારગિલ વિજય દિવસ છે. આ દિવસ ભારતીય સેનાઓના શૌર્ય અને સંયમનું પ્રતીક છે. હું તમામ નાગરિકો અને સેનાઓને કારગિલ દિવસની શુભેચ્છા પાઠવું છું.

‘ભારતનો ગરીબ સપના જોઈ પણ શકે છે અને તેને પૂરા પણ કરી શકે છે’

મહામહિમ મુર્મુએ જણાવ્યું કે, રાષ્ટ્રપતિના પદ સુધી પહોંચવું એ મારી વ્યક્તિગત ઉપલબ્ધિ નથી. તે ભારતના પ્રત્યેક ગરીબની ઉપલબ્ધિ છે. મારી પસંદગીએ એ વાતનો પુરાવો છે કે, ભારતનો ગરીબ સપના જોઈ પણ શકે છે અને તેને પૂરા પણ કરી શકે છે.

રાષ્ટ્રપતિ મુર્મુએ જણાવ્યું કે, ‘મેં મારા જીવનની સફર ઓડિશાના એક નાનકડા આદિવાસી ગામથી શરૂ કરી હતી. હું જે પૃષ્ઠભૂમિમાંથી આવું છું ત્યાં મારા માટે પ્રારંભિક શિક્ષણની પ્રાપ્તિ પણ એક સ્વપ્ન સમાન હતી. પરંતુ અનેક અડચણો છતાં મારો સંકલ્પ દૃઢ રહ્યો અને હું કોલેજ જનારી મારા ગામની પહેલી દીકરી બની. આ આપણી લોકશાહીની જ તાકાત છે જેમાં એક ગરીબ ઘરમાં જન્મેલી દીકરી, આંતરિયાળ આદિવાસી વિસ્તારમાં જન્મેલી દીકરી ભારતના સર્વોચ્ય બંધારણીય પદ સુધી પહોંચી શકે છે.’

રાષ્ટ્રપતિએ જણાવ્યું કે, ‘દેશે મને એક એવા મહત્વપૂર્ણ કાલખંડમાં રાષ્ટ્રપતિ તરીકે પસંદ કરી છે જ્યારે આપણે આપણી આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ. આજથી અમુક દિવસો બાદ દેશ સ્વાધીનતાના 75 વર્ષ પૂર્ણ કરશે. આ પણ એક સંયોગ કહી શકાય કે, દેશ જ્યારે પોતાની આઝાદીના 50મા વર્ષનો પર્વ ઉજવી રહ્યો હતો ત્યારે મારી રાજકીય કારકિર્દીની શરૂઆત થઈ હતી અને આજે આઝાદીના 75મા વર્ષે મને આ નવી જવાબદારી મળી છે.’

પોતાના સંબોધન દરમિયાન દ્રૌપદી મુર્મુએ જણાવ્યું કે, હું દેશની પ્રથમ એવી રાષ્ટ્રપતિ છું જેનો જન્મ સ્વતંત્ર ભારતમાં થયો હતો. સ્વતંત્ર ભારતના નાગરિકો સાથે આપણાં સ્વાતંત્ર્ય સેનાનીઓની અપેક્ષાઓને પૂરી કરવા માટે આપણે આપણાં પ્રયત્નો તેજ કરવા પડશે. મારો જન્મ ઓડિશાના એક આદિવાસી ગામમાં થયો હતો પરંતુ દેશની લોકશાહીમાં એ તાકાત છે કે, મને અહીં સુધી પહોંચાડી.

રામનાથ કોવિંદ તથા તેમના પત્ની સવિતા કોવિંદે રાષ્ટ્રપતિ ભવન ખાતે નિર્વાચિત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને શુભેચ્છા પાઠવી હતી.