Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
યુક્રેનની હરીફને હરાવી: પ્રી-ક્વૉર્ટરમાં ફોગાટે જાપાનની ડિફેન્ડિંગ ચૅમ્પિયનને છેલ્લી પાંચ સેકન્ડમાં પછાડી હતી ભારતની ટોચની કુસ્તીબાજ વિનેશ ફોગાટે પૅરિસ ઑલિમ્પિક્સના રેસલિંગના 50 કિલો વર્ગમાં બે ઐતિહાસિક વિજય મેળવ્યા હતા. પહેલાં તો તેણે ચાર વાર વર્લ્ડ ચૅમ્પિયન બની ચૂકેલી તેમ જ 2021ની ટોક્યો ઑલિમ્પિક્સમાં ચૅમ્પિયન બનેલી જાપાનની યુઇ સુસાકીને પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં 3-2થી હરાવી દીધી હતી અને પછી ક્વૉર્ટર ફાઇનલમાં યુક્રેનની ઑક્સાના લિવાચને 7-5થી પરાસ્ત કરીને પહેલી વાર ઑલિમ્પિક્સની સેમિ ફાઇનલમાં એન્ટ્રી કરી હતી.
29 વર્ષની ફોગાટ યુક્રેનની હરીફ સામે ભારે સંઘર્ષપૂર્ણ મુકાબલો જીતીને મેડલની લગોલગ પહોંચી ગઈ હતી. જાપાનની યુઇ સુસાકી સામેના રોમાંચક મુકાબલામાં ફોગાટે ખાસ કરીને છેલ્લી પાંચ સેક્ધડમાં પર્ફોર્મન્સ ખૂબ સુધારીને સુસાકીને પછાડી હતી.
આ પ્રી-ક્વૉર્ટર ફાઇનલ મુકાબલો 50 કિલો વર્ગમાં હતો જેમાં આ સ્પર્ધાની સર્વોચ્ચ ક્રમાંકિત અને ડિફેન્ડિંગ ચૅમ્પિયન સુસાકીએ 1-0થી સરસાઈ લીધી હતી. ત્યાર પછી પણ સુસાકી આગળ વધી હતી અને 2-0થી સરસાઈ લીધી હતી. જોકે પછીથી ફોગાટે આક્રમક મૂડમાં આવીને અને સમજદારીથી સુસાકી પર પ્રભુત્વ મેળવ્યું હતું અને 3-2થી જીતી ગઈ હતી.
સુસાકીએ પોતાની વિરુદ્ધમાં આપવામાં આવેલા નિર્ણયને પડકાર્યો હતો, પરંતુ તેની એ ચૅલેન્જને નકારવામાં આવી હતી અને ફોગાટને જ વિજેતા ગણાવવામાં આવી હતી.
ફોગાટ અગાઉની બે ઑલિમ્પિક્સમાં મેડલ જીતવામાં નિષ્ફળ રહી હતી.
ભારતના ઑલિમ્પિક ચૅમ્પિયન નીરજ ચોપડાએ મંગળવારે ભાલાફેંકમાં શરૂ થયેલા ક્વૉલિફિકેશન રાઉન્ડમાં ધમાલ મચાવી દીધી હતી. તેણે પહેલા જ પ્રયાસમાં ભાલો 89.34 મીટર દૂર ફેંકીને ફાઇનલ માટેનું ક્વૉલિફિકેશન મેળવી લીધું હતું.
2021ની ટોક્યો ઑલિમ્પિક્સમાં પહેલા સ્થાને આવીને ગોલ્ડ મેડલ જીતનાર આર્મીમૅન નીરજનો સીઝનનો આ બેસ્ટ થ્રો હતો.
84 મીટરનું અંતર પાર કરનાર ઍથ્લીટની ફાઇનલના ક્વૉલિફિકેશન માટેની તક વધી જતી હોય છે અને 26 વર્ષના નીરજે ટોક્યો ઑલિમ્પિક્સમાં પહેલા પ્રયાસમાં જ એ અંતર પાર કરી લીધું હતું. આ વખતે અહીં પણ તેણે પ્રથમ રાઉન્ડમાં ભાલો 84 મીટરથી ક્યાંય દૂરના અંતરે ફેંકીને ક્વૉલિફિકેશન હાંસલ કરી લીધું.
પાકિસ્તાનનો ઍથ્લીટ અર્શદ નદીમ જે નીરજનો મિત્ર અને હરીફ છે, તેણે ક્વૉલિફિકેશન રાઉન્ડમાં ભાલો 86.59 મીટર દૂર ફેંકીને ફાઇનલમાં એન્ટ્રી કરી લીધી હતી.
અર્શદ નદીમ કૉમનવેલ્થ ગેમ્સનો ગોલ્ડ-મેડલિસ્ટ છે. જોકે તે ઘણી મોટી સ્પર્ધાઓમાં નીરજ સામે ઝાંખો પડી ચૂક્યો છે. ગ્રૂપ-એમાં ભારતનો જ કિશોર જેના ફાઇનલમાં પહોંચવા સંઘર્ષ કરી રહ્યો હતો, કારણકે તેણે ભાલો 80.73 મીટર દૂર ફેંક્યો હતો. છેવટે નીરજ ચોપડાવાળા ગ્રૂપ-બીના ઍથ્લીટોના પરિણામો આવતાં જાહેરાત થઈ હતી કે કિશોર જેનાએ આ સ્પર્ધામાંથી એક્ઝિટ કરવી પડી હતી.
કુલ 12 ઍથ્લીટને ફાઇનલમાં પહોંચવા મળે છે. ગ્રૂપ-એમાં ઍન્ડરસન પીટર્સે ભાલો 88.83 મીટર દૂર ફેંક્યો હતો અને ફાઇનલમાં આસાનીથી પ્રવેશ મેળવ્યો હતો.
ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં અનામત મુદ્દે ફાટી નીકળેલો અગનજ્વાળા ફરી સમગ્ર દેશને ભરડામાં લઈ રહી છે. બાંગ્લાદેશમાં શહીદોના વંશજોને અનામતનો મુદ્દો બેકાબૂ બનતાં દેશભરમાં અનિશ્ચિતકાળ માટે કર્ફ્યુ લાદવા સાથે ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. આ દરમિયાન બાંગ્લાદેશના સત્તાવાર પી.એમ હાઉસ પર પણ દેખાવકારોએ હુમલો કરી દીધો હતો. દેખાવકારોએ અહીં ઘૂસીને બંગબંધુની પ્રતિમા પર પણ કુહાડીઓ ઝીંકી હતી. આ સ્થિતિમાં બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપીને ભારતમાં શરણ લઈ લીધી છે.
બાંગ્લાદેશમાં નોકરીમાં અનામતનો અંત લાવવા અને વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામાની માંગ સાથે શાસક પક્ષના વિરોધીઓ અને સમર્થકો વચ્ચે હિંસા ફાટી નીકળી હતી. આ લોહિયાળ વિરોધમાં અત્યાર સુધીમાં 14 પોલીસકર્મીઓ સહિત લગભગ 100 લોકોએ જીવ ગુમાવ્યા છે. મળતી માહિતી પ્રમાણે શેખ હસીનાએ ભારે વિરોધ વચ્ચે સેનાના દબાણને વશ થઈને વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યું છે.
બાંગ્લાદેશની સેનાએ વડાપ્રધાન શેખ હસીનાને દેશ છોડવા 45 મિનિટનો સમય આપ્યો હતો. આ દરમિયાન તેઓ બહેન શેખ રેહાના સાથે સ્પેશિયલ હેલિકૉપ્ટરમાં ભારત આવી ગયા હતા. હાલ તેમણે દિલ્હીમાં શરણ લઈ લીધી છે.
સ્ટુડન્ટ્સ અગેઇન્સ્ટ ડિસ્ક્રિમિનેશન નામના પ્લેટફૉર્મે આજથી સરકારના રાજીનામાની માગ સાથે અસહકાર ચળવળની શરુઆતની જાહેરાત કરી છે. આ દરમિયાન વડાપ્રધાન હસીનાએ જણાવ્યું છે કે, દેખાવકારો વિદ્યાર્થીઓ નથી પણ આતંકવાદીઓ છે અને લોકોએ તેમને સાથ ન આપવો જોઈએ. જો કે સ્થિતિ બેકાબૂ બનતાં તેમણે ત્યાગપત્ર આપીને ભારતમાં શરણ લેવાનો નિર્ધાર કર્યો હોવાનું મીડિયા અહેવાલમાં જણાઈ રહ્યું છે.
નોબેલ વિજેતાની ભારતને અપીલ
બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓ માટે ક્વોટા સિસ્ટમ નાબૂદ કરવાની માંગે ઊભો થયેલો વિરોધ વંટોળ ભારત સુધી પહોંચ્યો છે અને ફરી ભારતની મદદ માંગવામાં આવી રહી છે. અહેવાલ પ્રમાણે શેખ હસીના ભારત આવી રહ્યા છે તો બીજી તરફ દેશની આવી સ્થિતિ જોઈને બાંગ્લાદેશના અર્થશાસ્ત્રી અને નોબલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસે ચિંતા વ્યક્ત કરી છે અને ભારતને મદદ માટે ટકોર કરી છે.
‘ભારત કહે છે કે આ ઘરેલુ મામલો છે ત્યારે મને દુઃખ થાય છે. જો તમારા ભાઈના ઘરમાં આગ લાગી હોય, તો તમે તેને ઘરેલુ બાબત કેવી રીતે કહી શકો? ઘણી વસ્તુઓ કૂટનીતિમાં આવે છે અને એમ ન કહી શકાય કે આ તેમનો ઘરેલુ મુદ્દો છે. 17 કરોડની વસ્તીવાળા બાંગ્લાદેશમાં લોકો સંઘર્ષનો સામનો કરી રહ્યા છે, સરકારી દળો દ્વારા યુવાનોની હત્યા થઈ રહી છે અને કાયદો અને વ્યવસ્થા બગડી રહી છે. બાંગ્લાદેશમાં ઉથલપાથલ માત્ર તેની સરહદો સુધી સીમિત નહીં રહે પરંતુ પાડોશી દેશોને પણ અસર કરશે.’ તેમ યુનુસે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું.
કોણ છે નોબલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસ?
નોંધનીય છે કે, મોહમ્મદ યુનુસે 1983માં ગ્રામીણ બૅંકની સ્થાપના કરી હતી. જેમાં ગરીબોને પોતાનો નાના પાયાનો ઉદ્યોગો શરુ કરવા માટે લોન આપવામાં આવતી હતી. આ પગલાંને કારણે બાંગ્લાદેશના લાખો લોકોને ગરીબીમાંથી બહાર કાઢી શકાયા હતા અને યુનુસના કામના કારણે તેમને 2006માં નોબેલ શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. સામે પક્ષે શેખ હસીનાએ મોહમ્મદ યુનુસ પર ગરીબોનું લોહી ચૂસવાનો આરોપ લગાવ્યો હતો. શેખ હસીનાનું કહેવું હતું કે યુનુસે શરુ કરેલી ગ્રામીણ બૅંકો ગરીબો પાસેથી વધુ પડતું વ્યાજ વસૂલે છે. હાલમાં જ યુનુસ સામે ભ્રષ્ટાચારનો કેસ પણ દાખલ કરવામાં આવ્યો હતો.
હિમાચલ પ્રદેશના પાટનગર શિમલા અને કુલ્લુમાં શ્રીખંડ મહાદેવ પાસે ગ્લેશિયર અને વાદળ ફાટતા થયેલા ભૂસ્ખલનથી ૫૦ લોકોનાં મોતની આશંકા સેવાઈ રહી છે. હિમાચલમાં ભારે વરસાદના કારણે રામપુરના સમેજ ગામમાં ૩૬ લોકો લાપતા છે જ્યારે કુલ્લુના બાગી પુલમાં છ લોકો હજુ પણ ગુમ થઈ ગયા છે. આ સિવાય ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ, ઝારખંડમાં પણ મૂશળધાર વરસાદ પડયો હતો.
હિમાચલ પ્રદેશના ત્રણ જિલ્લામાં વાદળ ફાટવાથી ભારે વિનાશ વેરાયો છે. અનેક ઈમારતોને નુકસાન ઘયું છે તથા અનેક લોકો લાપતા થઈ ગયા હોવાની માહિતી મળી છે. આ લોકોને શોધવા માટે સર્ચ ઓપરેશન પણ ચલાવાઈ રહ્યું છે. આવા સમયે મંત્રી વિક્રમાદિત્ય સિંહે કહ્યું છે કે આ દુર્ઘટનામાં અંદાજે ૫૦ લોકો માર્યા ગયા હોવાની આશંકા છે. જોકે, સત્તાવાર સંખ્યા સર્ચ ઓપરેશન પૂરું થયા પછી જ કહી શકાશે.
શિમલા જિલ્લાના રામપુરના સમેજ ગામમાં વાદળ ફાટવાની દુર્ઘટના સર્જાઈ હતી. આ સમયે એક પ્રવાસીએ શૂટ કરેલો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં ગ્લેશિયર તૂટવાથી ભારે વિનાશ સર્જાયો હતો. આ વિસ્તારમાં એનડીઆરએફ, આઈટીબીપી, એસડીઆરએફ, સીઆઈએસએફ, પોલીસ અને હોમગાર્ડ સહિત કુલ ૪૧૦ બચાવ કર્મચારી ડ્રોનની મદદથી સર્ચ ઓપરેશન કરી રહ્યા છે. સમેજ ગામમાં બચાવ કર્મચારીઓને જોઈને એક વૃદ્ધ બક્શી રામે કહ્યું કે, શ્રીખંડ ભૂસ્ખલનમાં તેમણે તેમના પરિવારના ૧૬ લોકોને ગુમાવી દીધા છે.
દરમિયાન ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે હિમાલયમાં આવેલા યાત્રાધામ કેદારનાથમાં હજારો શ્રદ્ધાળુઓ ફસાયા છે, જેમને બચાવવા માટે ત્રણ દિવસથી બચાવ અભિયાન ચલાવાઈ રહ્યું છે, જેમાં ૧૦,૫૦૦થી વધુ શ્રદ્ધાળુઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. કેટલાક લોકોને એરફોર્સના હેલિકોપ્ટર્સથી એરલિફ્ટ કરાયા હતા. અધિકારીઓએ કહ્યું કે, કેદારનાથ, બિમ્બલિ અને ગૌરિકુંડમાં ૧,૩૦૦થી વધુ શ્રદ્ધાળુઓ ફસાયા છે, પરંતુ તેઓ સલામત છે. શ્રદ્ધાળુઓને બચાવવા માટે એનડીઆરએફ, એસડીઆરએફ અને પોલીસના કર્મચારીઓ બચાવ અભિયાનમાં કામે લાગ્યા છે. ઈન્ડિયન એરફોર્સના ચિનૂક અને એમઆઈ-૧૭ હેલિકોપ્ટર્સ પણ કેટલાક શ્રદ્ધાળુઓને એરલિફ્ટ કરી રહ્યા છે.
પૂર્વ ભારતમાં ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં પણ મૂશળધાર વરસાદે ભારે વિનાશ વેર્યો છે. ઝારખંડમાં છેલ્લા બે દિવસમાં વરસાદના કારણે કેટલાક માર્ગો ધોવાઈ ગયા છે, વૃક્ષો મૂળમાંથી ઊખડી ગયા છે, મકાનોને ભારે નુકસાન થયું છે જ્યારે એક પૂલ પણ તૂટી પડયો છે. જોકે, રાજ્યમાં હજુ સુધી જાનહાનીના કોઈ સમાચાર નોંધાયા નથી તેમ હવામાન અધિકારીએ કહ્યું હતું.
ગુજરાતમાં આજે અષાઢ માસની અમાસ દિવાસાના દિવસથી દશામાં વૃતનો પ્રારંભ થયો છે. અખંડ સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે. અષાઢ માસની અમાસથી શ્રાવણ માસની નોમ સુધી વ્રત ચાલે છે. અંતીમ દિવસે જાગરણ કરી વહેલી સવારે દશામાની પાણીમાં પધરામણી કરવામાં આવે છે. આવતકાલથી પવિત્ર શ્રાવણ મહિનાનો પ્રારંભ થઈ રહ્યો છે. આ વર્ષે અનોખો યોગ બની રહ્યો છે. શ્રાવણનો પ્રારંભ સોમવારે અને વિદાય સોમવારે થશે.
દશામા વ્રતનું મહત્વ
ગુજરાતમાં દશામા વ્રત ધામધૂમથી ઉજવાય છે. આ વ્રત મહિલાઓ સંપૂર્ણ દસ દિવસ સુધી રાખે છે. આ સમય દરમિયાન દશામા માતાની સંપૂર્ણ વિધિથી પૂજા કરવામાં આવે છે અને તેમની પાસે સુખ અને સમૃદ્ધિની પ્રાર્થના કરવામાં આવે છે. સમગ્ર દસ દિવસ પંડાલમાં દિવડાઓ પ્રગટાવવામાં આવે છે અને દિવસભર ભજન કીર્તન કરવામાં આવે છે. પૂરા દસ દિવસ સુધી દરરોજ દશામા વ્રતની કથા કરે છે. જ્યોતિષીય અસંતુલન સુધારવા માટે આ વ્રત રાખવામાં આવે છે. આ વ્રતની અસરથી સાધકને સ્વાસ્થ્ય લાભ મળે છે.
જીવ અને શિવના પવિત્ર શ્રાવણ મહિનાનો સોમવારથી પ્રારંભ
કૈલાસના નિવાસી એવા ભગવાન ભોળાનાથની ભકિતનો મહિનો એટલે શ્રાવણ મહિનો જેનો 5મી ઓગસ્ટને સોમવારથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થનાર છે. 1952 બાદ 72 વર્ષ પછી શ્રાવણ માસનો પ્રારંભ અને અંત સોમવારથી થતો હોય તેવો અનોખો યોગ આવ્યો છે. શિવાલયોમાં હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠશે.
2જી સપ્ટેમ્બરના સોમવારે રોજ છેલ્લો દિવસ
હિન્દુ ધર્મના પવિત્ર શ્રાવણ મહિનાનો આવતીકાલે 5મી ઓગસ્ટને સોમવારથી શરૂઆત થનાર છે. જયારે શ્રાવણ માસનો અંત પણ સોમવારે 2જી સપ્ટેમ્બરના રોજ થશે. શ્રાવણ મહિનો શિવભક્તિ કરવાનો માસ ગણાય છે. શિવજીને પ્રિય એવા પાંચ સોમવાર પણ આવી રહ્યા છે. ત્યારે શ્રાાવણ માસના પ્રથમ દિવસે સોમવારથી ભકતો સવારના સમયે શિવાલયમાં ઉમટી પડશે. શીવજીને અભિષેક કરી પૂજા-અર્ચના સમગ્ર શ્રાવણ મહિના દરમિયાન ભકતો કરશે. આ ઉપરાંત અમુક ભકતો આખો મહીનો ઉપવાસ કે એકટાણા કરે છે. શ્રાવણ મહિના દરમિયાન ભક્તિ ભાવથી શિવપુરાણ, શિવલીલામૃત, શિવકવચ, શીવ ચાલીસા, શિવ પંચાક્ષર મંત્ર, શિવ પંચાક્ષર સ્ત્રોત, મહામૃત્યુંજય મંત્રનો પાઠ અને જાપ કરવાથી મનોવાંચ્છીત ફળ મળે છે.
દેવગૌડા પરિવારને માથું કૂટવાનો વારો, પૈસાદાર પરિવારના ફરજંદ પ્રજ્વલ સામે અત્યાર સુધીમાં બળાત્કારના ત્રણ કેસ નોંધાયેલા છે
દેવ ગૌડા પરિવાર પાસે પ્રજ્વલને બચાવવા માટેનું મુખ્ય હથિયાર સેક્સ ટેપ્સને બનાવટી સાબિત કરવાનું હતું પણ એફએસએલના રીપોર્ટે આ હથિયારને સાવ બુઠ્ઠું કરી નાંખ્યું છે. પ્રજ્વલ સામે અત્યાર સુધી બળાત્કારના ત્રણ કેસ નોંધાયેલા છે. પ્રજ્વલની કામવાળીની ફરિયાદ પ્રમાણે, પોતે ૨૦૧૯થી ૨૦૨૨ દરમિયાન પ્રજ્વલના ઘરે કામ કરતી હતી ત્યારે પ્રજ્વલ તથા તેના ધારાસભ્ય બાપ રેવન્નાએ તેને વારંવાર હવસનો શિકાર બનાવીને શરીર સંબંધ બાંધ્યા હતા. પ્રજ્વલ તેની દીકરીને પણ ગંદા વીડિયો કોલ કરીને શરીર સંબંધ બાંધવા દબાણ કરતો હતો. જેડીએસની એક મહિલા નેતા સાથે પણ પ્રજ્વલ તેની ઓફિસમાં જ શરીર સુખ માણતો હતો એવી મહિલાની ફરિયાદ છે.
લોકસભાની ચૂંટણી પહેલાં ખળભળાટ મચાવનારા પ્રજ્વલ રેવન્ના સેક્સ કાંડમાં મહત્વનો વળાંક આવ્યો છે. પ્રજ્વલ રેવન્નાના અલગ અલગ મહિલાઓ સાથેના સેક્સના ૨૯૭૬ વીડિયો અને સેંકડો અશ્લીલ ફોટા સાથેની પેન ડ્રાઈવ ચૂંટણી પહેલાં ફરતી થતાં પ્રજ્વલ જર્મની ભાગી ગયો હતો. બહુ મથાવ્યા પછી પ્રજ્વલ હાજર થયો ત્યારે તેણે દાવો કરેલો કે, આ સેક્સ ટેપ્સ મોર્ફ કરેલી અને એડિટ કરાયેલી એટલે કે બનાવટી છે. પોતાના પરિવારને રાજકીય રીતે ખતમ કરવા નકલી સેક્સ સીડીઓ ફરતી કરાઈ છે. પ્રજ્વલનો પરિવાર પણ આ રેકર્ડ વગાડયા કરતો હતો.
આ સેક્સ ટેપ્સની સત્યતાની ચકાસણી કરવા ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (એફએસએલ)માં મોકલાયેલી. એફએસએલના રીપોર્ટ પ્રમાણે, પ્રજ્વલની સેક્સ સીડીઓ અસલી છે અને તેમાં કોઈ છેડછાડ કરાયેલી નથી. એફએસએલ દ્વારા કેસની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (એસઈઆઈટી)ને અપાયેલા રીપોર્ટમાં સાફ લખાયેલું છે કે, એક પણ સેક્સ ટેપ મોર્ફર્ડ, એનિમેટેડ કે એડિટેડ નથી.
એફએસએલના રીપોર્ટમાં એવું પણ કહેવાયું છે કે, સેક્સ ટેપ્સમાં દેખાતી વ્યક્તિનો શારિરિક દેખાવ પ્રજ્વલ રેવન્નાને મળતો આવે છે. ઘણી સેક્સ ટેપ્સમાં વ્યક્તિનો ચહેરો સ્પષ્ટ નથી દેખાતો તેથી તેમાં પ્રજ્વલ જ છે એવું ના કહી શકાય પણ મોટા ભાગના વીડિયોમાં પ્રજ્વલ જ છે એ સ્પષ્ટ છે એવું રીપોર્ટમાં કહેવાયું છે.
એફએસએલના રીપોર્ટના પગલે પ્રજ્વલ ફરતે ગાળિયો વધારે કસાયો છે એ સ્પષ્ટ છે. દેવ ગૌડા પરિવાર પાસે પ્રજ્વલને બચાવવા માટેનું મુખ્ય હથિયાર તેની સેક્સ ટેપ્સને બનાવટી સાબિત કરવાનું હતું પણ એફએસએલના રીપોર્ટે આ હથિયારને સાવ બુઠ્ઠું કરી નાંખ્યું છે. પ્રજ્વલ સામે બીજા મજબૂત પુરાવા છે જ. પ્રજ્વલ સામે અત્યાર સુધી બળાત્કારના ત્રણ કેસ નોંધાયેલા છે.
આ પૈકી પહેલો કેસ ૨૮ એપ્રિલે તેમની કામવાળીએ નોંધાવેલો. કામવાળીની ફરિયાદ પ્રમાણે, પોતે ૨૦૧૯થી ૨૦૨૨ દરમિયાન પ્રજ્વલના ઘરે કામ કરતી હતી ત્યારે પ્રજ્વલ તથા તેના ધારાસભ્ય બાપ રેવન્નાએ તેને વારંવાર હવસનો શિકાર બનાવીને શરીર સંબંધ બાંધ્યા હતા. પ્રજ્વલ તેની દીકરીને પણ ગંદા વીડિયો કોલ કરીને શરીર સંબંધ બાંધવા દબાણ કરતો હતો એવો આક્ષેપ મહિલાએ કર્યો છે. આ કેસમાં પોલીસને પ્રજ્વલે કરેલા અશ્લીલ વીડિયો કોલનાં રેકોર્ડિંગ મળેલાં છે.
મહિલા તથા તેની દીકરીએ નોંધાવેલા બે અલગ અલગ કેસો ઉપરાંત જેડીએસની એક મહિલા નેતાએ પણ પ્રજ્વલ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. પ્રજ્વલ સાંસદ હોવાથી તેની પાસે લોકોનાં કામ કરાવવા જતી કાર્યકર સાથે પ્રજ્વલ તેની ઓફિસમાં જ શરીર સુખ માણતો હતો એવી મહિલાની ફરિયાદ છે. પ્રજ્વલે આ મહિલા સાથેના સેક્સ સંબંધોનું રેકોર્ડિંગ કરેલું ને તેના પુરાવા પણ મળ્યા છે. આ ત્રણ કેસના પુરાવા જોતાં પ્રજ્વલને ફિટ કરી દેવા માટે કર્ણાટક પોલીસની એસઆઈટી પાસે મજબૂત પુરાવા છે. હવે એફએસએલના રીપોર્ટમાં તમામ સેક્સ ટેપ પણ સાચી હોવાનું સાબિત થતાં પ્રજ્વલ સામે પુરાવાની કોઈ કમી જ નહીં રહે.
આ સંજોગોમાં અત્યારે પ્રજ્વલ બરાબરનો ભેખડે ભરાયેલો છે એ સ્પષ્ટ છે. લોકોએ લોકસભાની ચૂંટણીમાં તેને હરાવીને આક્રોશ ઠાલવ્યો છે તેથી તેની રાજકીય કારકિર્દી સામે પણ સવાલ છે. જેડીએસ દ્વારા તેને સસ્પેન્ડ કરી દેવાયો છે. પ્રજ્વલના કાકા કુમારસ્વામી અત્યારે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારમાં મંત્રી છે પણ એ ખુલ્લેઆમ તેનો બચાવ કરી શકે તેમ નથી એ જોતાં પ્રજ્વલ માટે છટકવું મુશ્કેલ છે.
જો કે રાજકારણમાં ક્યારે ચિત્ર બદલાઈ જાય ને રાજકારણીઓ પણ ક્યારે બદલાઈ જાય એ નક્કી નહીં. ભવિષ્યમાં કર્ણાટકની કોંગ્રેસ સરકાર જેડીએસ સાથે સોદાબાજી કરી લે તો પ્રજ્વલ બચી જાય એવું પણ બને. રાજકારણમાં આ પ્રકારની સોદાબાજી નવી વાત નથી. નેતાઓ રાજકીય સ્વાર્થને ખાતર ગમે તેવી સોદાબાજી કરતાં ખચકાતા નથી હોતા.
અત્યાર સુધી કોંગ્રેસ સરકારે જેડીએસ સાથે સોદાબાજી કરીને પ્રજ્વલને બચાવવામા તેને રસ હોવાના કોઈ સંકેત આપ્યા નથી પણ ચિત્ર ક્યારે બદલાઈ જાય એ નક્કી નહીં.
લોકસભાની ચૂંટણી હમણાં જ પતી છે તેથી સાડા ચાર વર્ષ પછીની વાત છે. કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીને પણ સાડા ત્રણ વર્ષની વાર છે તેથી અત્યારે કોંગ્રેસને જેડીએસની ગરજ નથી પણ ભવિષ્યમાં ગરજ ઉભી થાય તો કોંગ્રેસ જેડીએસ સાથે હાથ મિલાવીને પ્રજ્વલને બચાવી લે એવું બને.
દેવ ગૌડાના પરિવાર પાસે પુષ્કળ પૈસો છે અને પોતાની વફાદાર મતબેંક છે. એક જમાનામાં મુસ્લિમોનો મોટો વર્ગ દેવ ગૌડાને વફાદાર હતો પણ હવે મુસ્લિમો કોંગ્રેસ તરફ વળી ગયા છે. અલબત્ત દેવ ગૌડાની પોતાની જ્ઞાાતિ વોક્કાલિગાનો મોટો વર્ગ દેવ ગૌડા સાથે છે. આ વોક્કાલિગા મતબેંકના કારણે જ ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપની બેઠકો બચી ગઈ. કર્ણાટકમાં લોકસભાની ૨૮ બેઠકોમાંથી ભાજપે ૧૭ અને જેડીએસે ૨ બેઠકો જીતી. એનડીએને ૧૯ જ્યારે સત્તાધારી કોંગ્રેસને માત્ર ૯ બેઠકો મળી તેનું કારણ દેવ ગૌડાની વોક્કાલિંગા મતબેંક છે. ભવિષ્યમાં આ મતબેંકને પોતાની તરફ વાળવા કોંગ્રેસ જેડીએસ સાથે હાથ મિલાવી શકે, પ્રજ્વલને બચાવ શકે. આશા રાખીએ કે એવું ના બને કેમ કે પ્રજ્વલનો અપરાધ બહુ મોટો છે. ભાજપને સેંકડો સ્ત્રીઓને હવસનો શિકાર બનાવનારા પ્રજ્વલનાં કરતૂતોની ખબર હોવા છતાં આંખ આડા કાન કરીને જેડીએસ સાથે જોડાણ કરી લીધું. તેના કારણે તેની ભલે થોડી જ ઘટી પણ આબરૂ સાવ જતી રહી.
પ્રજ્વલે મહિલા અધિકારીઓ સાથે સેક્સ માણીને વીડિયો બનાવી બ્લેકમેઈલ કરી
પ્રજ્વલ રેવન્નાની હવસનો શિકાર ઘણી બધી મહિલા અધિકારીઓ પણ બની છે. પ્રજ્વલ તેમને બ્લેકમેઈલિંગ કરીને પોતાનું ધાર્યું કરાવતો હતો એવો આક્ષેપ ખુદ ભાજપના જ નેતા દેવરાજ ગૌડાએ કર્યો હતો. દેવરાજ ગૌડાએ કર્ણાટક ભાજપ પ્રમુખ બી.વાય વિજયેન્દ્રને ૮ ડીસેમ્બર, ૨૦૨૩ના રોજ લખેલ પત્રમાં લખેલું કે, એચ.ડી. દેવગૌડાના પરિવારજનો સામે અત્યંત ગંભીર પ્રકારના આક્ષેપો છે.
ગૌડાએ લખેલું કે, પ્રજ્વલ રેવન્નાના સેક્સ વીડિયોની પેન ડ્રાઈવ ફરતી થઈ છે. તેમાં ૨૯૭૬ વીડિયો છે અને આ પૈકી કેટલાક વીડિયોમાં દેખાતી મહિલાઓ સરકારી અધિકારી છે. સેક્સ વીડિયોનો ઉપયોગ તેમને બ્લેકમેઈલ કરીને વારંવાર સેક્સ સંબંધો બાંધવાની ફરજ પાડવા તથા પોતાનાં કામો કરાવવા માટે થાય છે એવો આક્ષેપ ગૌડાએ કર્યો હતો.
પ્રજ્વલના પિતા એચ.ડી. રેવન્ના અને તેની માતા ભવાની પુત્રની કામલીલા પર ઢાંકપિછોડો કરી રહ્યાં હોવાનો આક્ષેપ પણ ગૌડાએ કર્યો હતો. સંખ્યાબંધ મહિલા અધિકારીઓએ પ્રજ્વલ સાથે સેક્સ સંબધો હોવાની કબૂલાત કરી છે પણ કોઈ ફરિયાદ નોંધાવવા આગળ આવ્યું નથી.
ગૌડાએ ચેતવણી આપી હતી કે, પ્રજ્વલ રેવન્નાના સેક્સ વીડિયો અને ફોટો સાથેની બીજી પેન ડ્રાઈવ કોંગ્રેસની નેતાગીરી પાસે પણ પહોંચી ગઈ છે. ભાજપ લોકસભાની ચૂંટણીમાં જેડીએસ સાથે જોડાણ કરે તો આ વીડિયો કોંગ્રેસ માટે બ્રહ્માસ્ત્ર સાબિત થશે અને ભાજપની છાપ બળાત્કારીના પરિવાર સાથે જોડાણ કરનારી પાર્ર્ટી તરીકેની પડી જશે તેથી ભાજપની ઈમેજને જોરદાર ફટકો પડશે.
પ્રજ્વલ સેક્સ કાંડના મામલે કર્ણાટકમાં ભાજપ અને જેડીએસ વચ્ચે તણાવ શરૂ થઈ ગયો છે. ભાજપે સિધ્ધરામૈયાના કહેવાતા ભ્રષ્ટાચાર સામે સાત દિવસની પદયાત્રા શરૂ કરી છે. બેંગલુરૂથી મૈસૂરની આ પદયાત્રામાં પહેલાં કેન્દ્રીય મંત્રી કુમારસ્વામી સહિતના જેડીએસના બીજા નેતા પણ જોડાવાના હતા પણ છેલ્લી ઘડીએ કુમારસ્વામી ખસી ગયા. ભાજપે હસ્સનના ધારાસભ્ય પ્રીતમ ગૌડાને પદયાત્રામાં સામેલ કર્યા તેના વિરોધમાં કુમારસ્વામીએ જેડીએસ યાત્રામાં નહી જોડાય એવું એલાન કર્યું છે.
કુમારસ્વામીનું કહેવું છે કે, ભાજપે પ્રીતમ ગૌડાને પદયાત્રામાં સામેલ કરીને સમગ્ર દેવ ગૌડા પરિવારનું અપમાન કર્યું છે. કુમારસ્વામીના દાવા પ્રમાણે, પ્રજ્વલ રેવન્નાની સેક્સ સીડી અને અશ્લીલ ફોટોની પેન ડ્રાઈવ પ્રીતમ ગૌડાએ ફરતી કરી હતી. કુમારસ્વામીએ સવાલ કર્યો છે કે, એચ.ડી. દેવગૌડાના પરિવાર સામે ઝેર ફેલાવનારી વ્યક્તિ સાથે હું મંચ પર બેસું એ શક્ય છે ?
કુમારસ્વામીના વલણે ભાજપને આંચકો આપ્યો છે કેમ કે. પ્રીતમ ગૌડાએ સેક્સ ટેપ ફરતી કરીને પ્રજ્વલને ઉઘાડો પાડયો છે, દેવ ગૌડા પરિવાર સામે કોઈ ઝેર ફેલાવ્યું નથી. પ્રીતમ ગૌડાની હાજરી સામે વાંધો લઈને કુમારસ્વામી આડકતરી રીતે સેક્સ કાંડના આરોપી પ્રજ્વલનો બચાવ કરી રહ્યા છે.
લેબનના બૈરુતમાં હિઝબુલ્લાહ (Lebanon Hezbollah)સંગઠનના ટોચના કમાન્ડર હત્યા અને ઈરાનમાં હમાસના વડાની હત્યા બાદ મધ્યપૂર્વમાં યુદ્ધનો દાવાનળ (Tension in middle east)ફાટી નીકળવાની શકયતા છે. હિઝબુલ્લાહે ઇઝરાયલ પર રોકેટ મારો કર્યો છે. હિઝબુલ્લાહે જણાવ્યું હતું કે તેણે ઇઝરાયેલ પર ડઝનેક કટ્યુષા રોકેટ લોન્ચ કર્યા હતા. હિઝબુલ્લાહે જણાવ્યું હતું કે પેલેસ્ટિનિયન લોકોના સમર્થનમાં હુમલાઓની આ હુમલો કરવામાં આવ્યો છે.
ઈરાન સમર્થિત જૂથ હિઝબુલ્લાહ જણાવ્યું હતું કે ઉત્તર ઇઝરાયેલમાં બીટ હિલેલ પર તાજેતરનો આ હુમલો, , લેબનોનમાં કેફાર કેલા અને ડીર સિરિયાન પર ઇઝરાયેલના હુમલાના જવાબમાં કરવામાં હતો, જેમાં લેબનનના નાગરિકોને ઇજા પહોંચી હતી.
ઇઝરાયેલી આયર્ન ડોમ એર ડિફેન્સ સિસ્ટમે લેબનનથી ફાયર થયેલા રોકેટને હવામાં જ તોડી પાડવા સામે ફાયરિંગ કર્યું હતું.
ઈરાને જણાવ્યું હતું કે તે અપેક્ષા રાખે છે કે લેબનોનનું તેહરાન સમર્થિત હિઝબુલ્લા જૂથ ઈઝરાયલની અંદર અટેક કરે અને ઈઝરાયેલે હિઝબોલ્લા લશ્કરી કમાન્ડરની હત્યા કર્યા પછી હુમલા હવે લશ્કરી લક્ષ્યો સુધી મર્યાદિત રહેશે નહીં.
હિઝબુલ્લાએ ઇઝરાયેલ પર રોકેટ છોડવા અંગે નિવેદન બહાર પાડ્યું હતું, જેમાં કહેવામાં આવ્યું કે “ગાઝા પટ્ટીમાં પેલેસ્ટિનિયન લોકોના સમર્થનમાં અને તેમના બહાદુર અને સન્માનજનક પ્રતિકારના સમર્થનમાં, અને (લેબનનના) દક્ષિણી ગામો અને સલામત ઘરો પર ઇઝરાયેલી દુશ્મનના હુમલાના જવાબમાં, ખાસ કરીને કાફ્ર કિલાના ગામોને નિશાન બનાવનારા હુમલાઓના જવાબમાં, ઇસ્લામિક રેઝિસ્ટન્સે ઝનેક કટ્યુષા રોકેટ સાથે પ્રથમ વખત રોકેટકર્યો હતો. ”
તાજેતરમાં ગુજરાત પોલીસે સાયબર ક્રાઈમનો ભોગ બનેલા હજારો મધ્યમવર્ગીય લોકોની પીડાને ઘટાડવા માટે એક મોટો પ્રયાસ કર્યો છે. સાયબર ક્રાઇમની તપાસમાં પીડિતોના સહયોગને કારણે અગાઉ લોક થઇ ગયેલા 28,000 બેંક ખાતાઓ હવે અનફ્રીઝ કરવામાં આવ્યા છે. બેંકખાતાઓ અનફ્રીઝ થવાથી પીડિતોને મોટી રાહત મળી છે.
આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિગતો આપી હતી. ગુજરાત પોલીસ દ્વારા સાયબર ક્રાઇમની અસરકારક તપાસના પરિણામે 28 હજાર જેટલા બેંક ખાતાઓ અનફ્રીઝ કરવામાં આવ્યા છે. 2024માં રિફંડ કરાયેલી રકમની ટકાવારી 46.42% છે, જે 2023માં માત્ર 17.93% હતી. 30 જૂન, 2024 સુધી હોલ્ડ પર રાખવામાં આવેલી કુલ રકમ ₹114.90 કરોડ છે અને 2024 માટે રિફંડ કરાયેલી રકમ ₹53.34 કરોડ છે.
પોલીસે એકાઉન્ટ ફ્રીઝ કરવા અંગેની તેમની પોલિસીમાં પણ સુધારો કર્યો છે. નવી પોલિસી અસરકારક રીતે ગુના નિવારણ અને નિર્દોષ પક્ષો પર નાણાકીય બોજ ઘટાડવા વચ્ચે સંતુલન જાળવવા માટેનું એક મહત્વપૂર્ણ પ્રથમ પગલું છે, જે કુલ રકમને બદલે ખાતાના એ ભાગને ફ્રીઝ કરે છે જે છેતરપિંડીથી અસરગ્રસ્ત હોય. તેઓ હવે આખા અકાઉન્ટને બદલે માત્ર છેતરપિંડી સાથે સંકળાયેલી ચોક્કસ રકમને જ ફ્રીઝ કરશે. આ ફેરફારનો હેતુ મધ્યમ-વર્ગની વ્યક્તિઓ પરના નાણાકીય તણાવને ઘટાડવાનો છે, જેઓ આખું બેંક અકાઉન્ટ લોક થઈ જવાના કારણે મોટી મુશ્કેલીનો સામનો કરે છે.
ઓથોરિટીએ વિનંતી કરી છે કે જેમને પણ એવું લાગતું હોય કે તેમના બેંક ખાતાઓ ભૂલથી ફ્રીઝ કરવામાં આવ્યા છે તેઓ સાયબર ક્રાઈમમાં તેમની બિન-સંડોવણી દર્શાવતા પુરાવા સાથે આગળ આવે. એક પછી એક કેસના આધારે આ ખાતાઓની સમીક્ષા કરવામાં આવશે અને ત્યારબાદ આવા ખાતાઓને શક્યતઃ અનફ્રીઝ કરવામાં આવશે. ખાતા ફ્રીઝ કરવા અંગેના અભિગમમાં સુધારો કરીને તેમજ પીડિતોને આગળ આવવા માટે પ્રોત્સાહિત કરીને, ઓથોરિટી અસરગ્રસ્ત વ્યક્તિઓ પર તાત્કાલિક નાણાકીય અસર અને સાયબર ક્રાઈમના વ્યાપક મુદ્દા બંને પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ (TRP Game zone fire tragedy) બાદ રેસિડેન્શિયલ અને કોમર્શિયલ બિલ્ડીંગમાં ફાયર સેફટી(Fire Safety)નું ઉલંઘન ચિંતાનો વિષય બન્યો છે. ગુજરાત હાઈકોર્ટે (Gujarat High court) રાજ્ય સરકારને શાળાઓમાં ફાયર સેફટી અંગે તાપસ કરાવવા નિર્દેશો આપ્યા હતા, જેને અનુસરતા રાજ્યના શિક્ષણ વિભાગે રાજ્યભરની તમામ શાળાઓમાં ફાયર સેફ્ટી ડ્રાઈવ શરૂ કરી હતી, ત્યાર બાદ શિક્ષણ વિભાગે ગુરુવારે 01/08/2024 કોર્ટમાં અહેવાલ રજૂ કર્યો હતો.
રાજ્યના પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વિભાગના સેક્રેટરી વિનોદ રાવે હાઈ કોર્ટમાં દાખલ કરેલા સોગંદનામામાં જણાવ્યું હતું કે વિભાગે શાળાઓનું નિરીક્ષણ કરવા અને તેમની ફાયર સેફટી સજ્જતાનું મૂલ્યાંકન કરવા માટે 3,000 થી વધુ ટીમોની રચના કરી છે.
અહેવાલ મુજબ 55,344 પ્રી-પ્રાયમરી, પ્રાયમરી, સેકન્ડરી અને હાયર સેકન્ડરી શાળાઓમાંથી 11,451ને માન્ય ફાયર NOC મેળવવાનું બાકી છે. વધુમાં, 43,893 શાળાઓએ સેલ્ફ-ડિક્લેરેશન ફાઈલ કર્યું છે, જ્યારે 9,563 શાળાઓ પસે માન્ય ફાયર એનઓસી છે. બાકીની શાળાઓને નિયમોનું પાલન કરવાની સમયમર્યાદા આપવામાં આવી છે. સોગંદનામામાં જણાવ્યું હતું કે સરકાર 183 સરકારી શાળાઓમાં ફાયર સેફ્ટી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને અપગ્રેડ કરવા માટે પણ રોકાણ કરી રહી છે. જેમાં પાણીની ટાંકીઓ બાંધવી, ફાયર હોસીસ સ્થાપિત કરવા અને ઈલેક્ટ્રીકલ વ્યવસ્થા સુધારવાનો સમાવેશ થાય છે.
એફિડેવિટ મુજબ શિક્ષણ વિભાગ નિરીક્ષણો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે, ત્યારે ડ્રીલ અને શિક્ષકોની તાલીમનું અમલીકરણ ફાયર વિભાગ અને ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી કરી રહી છે.
જે એફિડેવિટ મુજબ ગ્રાન્ટ-ઇન-એઇડ, ખાનગી અને સરકારી પ્રાથમિક શાળાઓમાં ડ્રીલ હાથ ધરવામાં આવી હતી તેવી 26,195 શાળાઓના શિક્ષકોને તાલીમ આપી છે. 4,768 સરકારી અને ગ્રાન્ટ ઇન એઇડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષકો માટે ડ્રીલ અને તાલીમ હાથ ધરવામાં આવી છે. 2,924 ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ડ્રીલ હાથ ધરવામાં આવી છે અને 2,012 શાળાઓએ તેમના શિક્ષકોને તાલીમ આપી છે.
પેરિસ ઓલિમ્પિકમાં ભારતની પુરુષ હોકી ટીમે આજે ઇતિહાસ રચી દીધો છે. આ ટીમે 42 વર્ષ પછી ઓસ્ટ્રેલિયાને ઓલિમ્પિકમાં હરાવ્યું છે. છેલ્લે ભારતે 1972માં ભારતે ઓસ્ટ્રેલિયાને ઓલિમ્પિકમાં હરાવ્યું હતું. ભારતે આ મેચમાં શરૂઆતથી જ પ્રભુત્વસભર રમત રમી હતી. ભારતનો 3-2 થી વિજય થયો હતો. આ સાથે ભારત પુલમાં બીજા ક્રમે છે. અગાઉ ભારત બેલ્જિયમ સામે 2-1થી હાર્યું હતું.
ભારતે ન્યુઝીલેન્ડ અને આયર્લેન્ડ સામે જીત મેળવી હતી, જ્યારે આર્જેન્ટિના સામે 1-1થી ડ્રો રમી હતી. આ સાથે ભારત પોતાના પુલમાં બીજા ક્રમે પહોંચી ગયું છે. ભારત અને ઓસ્ટ્રેલિયાની હોકી ટીમો પેરિસ ઓલિમ્પિકના ગ્રુપ બીમાં છે. આ ગ્રુપમાં બેલ્જિયમ ચારેય મેચ જીતીને આ ગ્રુપમાં નંબર વન પર છે. આ મેચ અગાઉ ઓસ્ટ્રેલિયા 9 પોઈન્ટ સાથે બીજા અને ભારત 7 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને હતું. આર્જેન્ટિનાના પણ 7 પોઈન્ટ હતા. પરંતુ ગોલ તફાવતમાં પાછળ હોવાને કારણે તે ભારતથી પાછળ હતું. આયર્લેન્ડ અને ન્યુઝીલેન્ડ તેમની ચારેય મેચ હારી ચૂક્યા છે અને ટાઇટલની રેસમાંથી બહાર થઇ ગયા છે.
ભારત તરફથી અભિષેકે પહેલો ગોલ ફટકાર્યો હતો. ત્યાર બાદ કેપ્ટન હરમનપ્રીતે બે ગોલ ફટકાર્યા હતા. આ બંને ગોલ તેણે પેનલ્ટીમાંથી ગોલમાં કન્વર્ટ કર્યા હતા. ભારતનું ડિફેન્સ પણ જોરદાર રહ્યું હતું. ઓસ્ટ્રેલિયાના ગોલ કરવાના ઘણા પ્રયાસો ગોલકીપર શ્રીજેશના કારણે નિષ્ફળ ગયા હતા. ભારત તરફથી મિડ ફિલ્ડની રમત પણ શાનદાર રહી હતી.
છેલ્લે ભારત ઓલિમ્પિકમાં 1972માં મ્યુનિક ગેમ્સમાં ઓસ્ટ્રેલિયા સામે જીત્યું હતું. ઓસ્ટ્રેલિયા ગયા ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યું હતું અને ભારતે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. 52 પહેલા ભારતે મેળવેલી જીત ઘાસના મેદાનમાં રમાયેલી મેચ હતી. ભારતે આ સાથે મેડલની આશા જગાડી છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.