CIA ALERT

Blog - Page 632 of 709 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
September 28, 2018
shivendra1-1280x960.jpg
1min9290

Jayesh Brahmbhatt 98253 44944

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહે કે બેટી પઢાવો બેટી બચાવો પછી આખું ગામ તો બૂમો પાડી ને કહે જ ને કે બેટી પઢાવો. પણ વીર નર્મદ યુનિવર્સિટીમાં શિવેન્દ્ર ગુપ્તાની સરકાર વ્યારાની કોઠારી હોમિયોપેથી કોલેજ માટે કહે છે ખબરદાર બેટીઓ (કન્યાઓ)ને પ્રવેશ આપ્યા છે. વ્યારાની હોમિયોપેથી કોલેજ એવી છે કે જ્યાં 65 ટકા જેટલા પ્રવેશાર્થીઓ મહિલા હોય છે. હોમિયોપેથી કાઉન્સિલએ કોલેજને મંજૂરી આપી અને ગુજરાત સરકારની પ્રવેશ સમિતિએ 47 કન્યાઓ સમેત 75 પ્રવેશાર્થીઓનું લિસ્ટ આપ્યું હવે વીર નર્મદ યુનિવર્સિટીમાં શિવેન્દ્ર ગુપ્તાની સરકારે વ્યારાની કોઠારી હોમિયોપેથી કોલેજને જાણે બંધ કરાવવાની સોપારી લીધી હોય એમ પાણીમાંથી પોરા કાઢીને ચાલુ વર્ષે વ્યારાની કોઠારી હોમિયોપેથી કોલેજ બંધ કરાવવાની સોપારી લીધી હોય એમ વર્તી રહી છે.

હકીકતમાં ધો.12 પછી બાયોલોજી વિષય સાથે પાસ થયેલી કન્યાઓ માટે આમેય વિકલ્પો ઓછા હોય અને તેમાં પણ મેડીકલ અને ડેન્ટલમાં પ્રવેશ ન મળે તો કન્યાઓ માટે પેરામેડિકલમાં નીટ બેઝડ બે જ અભ્યાસક્રમ છે. એક આયુર્વેદિક અને બીજો કોર્સ હોમિયોપેથી. દક્ષિણ ગુજરાતની કન્યાઓ માટે વ્યારા ખાતે જ્યાં 65 ટકાથી વધુ મહિલાઓ અભ્યાસ કરે છે. આ વર્ષે વીર નર્મદ યુનિવર્સિટીના સત્તાધીશ અને ખાસ કરીને શિવેન્દ્ર સરકારને ગુપ્તતામાં શું વાંકુ પડ્યું એ તો હવે પછી ખબર પડશે પણ વ્યારા હોમિયોપેથી કોલેજના પ્રવેશને અમાન્ય કરવાની ધમકીઓ કોલેજને મળી રહી છે.

હકીકતમાં હોમિયોપેથી કાઉન્સિલ અને રાજ્ય સરકારની એડમિશન કમિટી બન્નેએ વ્યારાની કોલેજને એપ્રુવલ આપીને 47 કન્યાઓ અને 28 કુમાર મળને 75 પ્રવેશાર્થીઓનું લિસ્ટ પણ ફાળવી આપ્યું છે. આમેય 2018-19ના વર્ષના શૈક્ષણિક વર્ષના પહેલા સત્રમાં 50 ટકા સમય વેડફાઇ ચૂક્યા છે, ત્યારે સત્વરે કન્યાઓનું શિક્ષણ શરૂ થાય તેમાં શિવેન્દ્ર ગુપ્તાની સરકારને રસ નથી પણ વ્યારા કોલેજ બંધ થઇ જાય એવું બતાવી દેવાની હોડમાં કોલેજમાં શિક્ષણ શરૂ થવા દેતા નથી.

આ મુજબના પ્રવેશાર્થીઓને પ્રવેશ ફાળવવા માટે રાજ્ય સરકારની  પ્રવેશ કમિટીએ સૂચના આપી છે પણ વીર નર્મદ યુનિ.માં શિવેન્દ્ર ગુપ્તાની સરકાર હઠાગ્રહ લઇને બેઠી છે કે કોલેજ શરૂ નહીં જ થવા દઇએ

વીર નર્મદ યુનિવર્સિટીના કુલપતિ ડો.શિવેન્દ્ર ગુપ્તાની સરકાર કહે છે કે વ્યારા હોમીયોપેથી કોલેજમાં સુવિધાઓ નથી. સવાલ એ ઉપસ્થિત થાય છે કે અત્યાર સુધી આ કોલેજ યોગ્ય રીતે ચાલી, યુનિવર્સિટીની કમિટીઓએ જ આપેલા રિપોર્ટને આધારે તેને જોડાણો અપાયા ત્યારે આ વર્ષે જ સવાલો કેમ ઉપસ્થિત થયા. શિવેન્દ્ર સરકારની આ પોલીસીથી શિક્ષણશાસ્ત્રીઓ એટલા માટે પણ હેરાન થઇ રહ્યા છે કે વ્યારાની કોલેજ કોઇ સામાન્ય બીએ, બીકોમ બીએસસી જેવા કોર્સની નથી કે જે સંખ્યાબંધ હોય, દક્ષિણ ગુજરાતમાં બે જ કોલેજ હોમિયોપેથીની છે, આખા રાજ્યમાં જ્યારે પેરામેડીકલ કોલેજોની સંખ્યાનો અભાવ વર્તાતો હોય ત્યારે  કોલેજના જોડાણના મુદ્દે વાટાઘાટોથી અમલ લાવવાને બદલે કોલેજ બંધ કરી દેવાના પેંતરા કેટલે અંશે વ્યાજબી છે. કેન્દ્ર સરકારના આયુષ વિભાગે અને ગુજરાત સરકારે જ્યારે લીલીઝંડી આપી હોય ત્યારે આ યુનિવર્સિટીની ભૂમિકા તો તેને એન્ડોર્સ કરવાની હોય છે તેની જગ્યાએ રોડાં નાંખવાનું કામ શિવેન્દ્ર સરકાર દ્વારા થઇ રહ્યું છે.

હવે આ શિવેન્દ્ર ભાઇની સરકારને જ્યારે ગુપ્તતામાં કોઇ સમજાવશે ત્યારે જ આ ગૂંચવાયેલો મામલો સૂલઝાય તેમ જણાય છે. અગાઉ પ્રોફેસર ડો. ઘનશ્યામ રાવલ ના મુદ્દે હાઇકોર્ટમાં પછડાટ ખાઇ ચૂકેલી વીર નર્મદ યુનિ.ની શિવેન્દ્ર સરકારને એ પણ યાદ દેવડાવવું પડે છે કે પ્રો.ડો. કિર્તી માટલીવાલાની પી.એચડી. ડિગ્રી હોય કે એવા અગણિત કેસ હોય જેમની સામે શિવેન્દ્ર સરકારે ધૂળ ઉડાડવાનો પ્રયાસ કર્યો તો તેમની આંખમાં જ કચરું પડ્યું હતું. આ મામલે પણ કચરું પડે એ પહેલા સમજી જાય તો સારું, કેમકે યુનિર્વસિટીના કેન્દ્રમાં વિદ્યાર્થી હિતથી સર્વોપરી કશું હોતું નથી.

September 27, 2018
kanji2-1280x960.jpg
1min7970

સહકારી બેંકિંગ ક્ષેત્રે અગ્રણી હરોળમાં જેનું નામ લેવાય છે એ વરાછા કો.ઓ.બેંક સુરતએ નક્કર અને નોંધપાત્ર પ્રગતિ કરી છે. દક્ષિણ ગુજરાત અર્બન કો.ઓ. બેંક ફેડરેશન (સ્કોબા) તરફથી કેરળના કોવાલમ ખાતે તાજેતરમાં સ્કોબા એવોર્ડ 2018 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અલગ અલગ કેટેગરીમાં દક્ષિણ ગુજરાતની સહકારી બેંકોને એવોર્ડ એનાયત થયા હતા. જેમાં વરાછા કો.ઓ. બેંકને તેની કામગીરી અને વિકાસને ધ્યાનમાં રાખીને ત્રણ એવોર્ડ એનાયત કરાયા હતા.

વર્ષ 2017-18 બેંકિંગ ક્ષેત્ર માટે મુશ્કેલીભર્યું રહ્યું હતું. એવા સમયમાં વરાછા કો.ઓ. બેંકએ ધિરાણમાં 33 ટકા અને થાપણમાં 10 ટકાનો ગ્રોથ કર્યો છે. આ કામગીરી માટે સ્કોબાએ વરાછા બેંકને ટોટલ બિઝનેસ ગ્રોથ અને એક્સપાન્સન એવોર્ડ એનાયત કર્યો હતો. વેરી લાર્જ કેટેગરીની બેંકોમાં પ્રોફિટીબિલીટી મેનેજમેન્ટ માટે પણ વરાછા બેંકની કામગીરીને ધ્યાનમાં રાખીને  એવોર્ડ આપવામાં આવ્યો હતો.

દક્ષિણ ગુજરાતની તમામ સહકારી બેંકોમાં વિવિધ માપદંડને આધારે 23 બ્રાન્ચ અને રૂ.2100 કરોડનો બિઝનેસ ધરાવતી વરાછા બેંકને 2017-18 માટે ચેમ્પિયન ઓફ ચેમ્પિયનનો ખાસ એવોર્ડ આપીને તેના વર્તમાન ચેરમેન શ્રી કાનજીભાઇ ભાલાળાને બહુમાનિત કરાયા હતા. વરાછા કો.ઓ. બેંક વતી શ્રી કાનજીભાઇ ભાલાળાએ ત્રણેય એવોર્ડ સ્વીકાર્યા હતા. બેંકના સ્થાપક ચેરમેન શ્રી પી.બી. ઢાકેચા, ચેરમેન શ્રી કાનજીભાઇ ભાલાળા, એમ.ડી. શ્રી ભવાનભાઇ નવાપરા તથા બેંકના મહિલા ડિરેક્ટર શ્રીમતી વિમળાબેન વાઘાણીની આખી ટીમ એવોર્ડ સમારોહમાં ઉપસ્થિત રહીને બહુમાન સ્વીકાર્યું હતું.

September 27, 2018
antibiotic-1.jpg
1min5310

વૈજ્ઞાનિકોએ ચેતવણી આપતા જણાવ્યું હતું કે એન્ટિબાયોટિકનો વધુ પડતો ઉપયોગ માઠાં પરિણામ નોતરે છે. શરીરને સંક્રામક રોગોથી બચાવતા અને ઇમ્યુન સેલ વધારતા આપણા શરીરમાં રહેલા સારા બેક્ટેરિયાનો એન્ટિબાયોટિક દવાઓથી નાશ થઇ શકે છે.

આ મામલે જાહેર કરાયેલા એક રિપોર્ટમાં જણાવાયું હતું કે સંક્રામક રોગો અને વણનોતર્યા સોજા કે બળતરાને રોકવા માટે કુદરતી સુરક્ષાની જરૂર હોય છે અને એન્ટિબાયોટિક આવી કુદરતી સુરક્ષાને રોકે છે. અમેરિકાના નટરાજન ભાસ્કરન અને શિવાની બુટાલા સહિતના સંશોધકોએ શરીરના એક પ્રકારના બેક્ટેરિયા, ફેટ્ટી એસિડ અને મોઢાના ઇન્ફેકશન સાથે લડતા ચોક્કસ પ્રકારના સફેદ કણનું અધ્યયન કર્યું હતું. જ્યારે તમારા શરીરમાં ફંગલ ઇન્ફેક્શનનો સામનો કરવા માટેના બેક્ટેરિયા ન હોય ત્યારે શું થાય છે એ જાણવા એમણે એક પ્રયોગ કર્યો હતો અને એમને જણાયું હતું કે એન્ટિબાયોટિક શરીરના સારા બેક્ટેરિયાએ પેદા કરેલ ફેટ્ટી એસિડનો નાશ કરે છે. જોકે, એમણે જણાવ્યું હતું કે જીવને જોખમમાં નાખે એવા રોગોનો સામનો કરવા એન્ટિબાયોટિકની જરૂર તો છે.

આપણા શરીરમાં અનેક કુદરતી સુરક્ષા છે અને એની સાથે ચેડાં ન કરવાં જોઇએ. આ સાથે લાંબા સમય સુધી એન્ટિબાયોટિકના વપરાશથી કોઇ લાભ નથી થતો. આ સાથે એમને એ વાતની પણ જાણ થઇ હતી કે મૌખિક સ્વાસ્થ્ય અને શરીરના સ્વાસ્થ્ય વચ્ચે સીધો સંબંધ છે.

September 27, 2018
adhar-pan-card1.jpg
1min5290

અત્યાર સુધીમાં 21.08 કરોડ પરમેનેન્ટ અકાઉન્ટ નંબર (પેન)નું જોડાણ આધાર કાર્ડ સાથે કરવામાં આવ્યું હોવાની માહિતી સુપ્રીમ કોર્ટને રજૂ કરવામાં આવી હતી અને સુપ્રીમ કોર્ટે બુધવારે પોતાના ચુકાદામાં બંને કાર્ડના જોડાણને માન્યતા આપી હતી. સત્તાવાર આકડાં પ્રમાણે તા.25મી સપ્ટેમ્બર 2018 સુધીમાં આવક વેરા વિભાગે ઇસ્યુ કરેલા કુલ 21,08,16,676 પેન કાર્ડને આધાર કાર્ડ સાથે જોડવામાં આવ્યાં હતાં. આ સમયગાળામાં કુલ ઇસ્યુ કરેલા અથવા કાર્યરત 41.02 કરોડ (41,02,66,969) પેન કાર્ડ છે.

સીબીડીટીએ 30મી જૂન, 2018ના દિવસે જાહેર કરેલા આદેશમાં પેન-આધાર જોડાણ માટેની મુદત 31મી માર્ચ, 2019 સુધી લંબાવી હતી. તાજેતરની માહિતી પ્રમાણે ઇસ્યુ કરાયેલ 41.02 કરોડ પેન કાર્ડમાંથી 40.01 કરોડથી વધુ પેન કાર્ડ નાગરિકોને ઇસ્યુ કરાયા છે. બાકીના પેન કાર્ડ કંપનીઓ અને અન્ય કેટેગરીના કરદાતાને ઇસ્યુ કરાયા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે એમ કહી શકાય કે ઇસ્યુ કરાયેલ પેનમાંથી લગભગ પચાસ ટકા કાર્ડ આધાર સાથે જોડવામાં આવ્યાં છે.

બાયોમેટ્રિક યોજના અને કાયદાને પડકારતી અરજીઓનો નિકાલ પાંચ જજની ખંડપીઠ ન કરે ત્યાર સુધી બંને કાર્ડના જોડાણની ડેડલાઇન લંબાવતા રહેવાના સુપ્રીમ કોર્ટના આદેશને લીધે અત્યાર સુધીમાં પાંચ વખત ડેડલાઇન લંબાવવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે બુધવારે આ મામલે આપેલા ચુકાદામાં બંને કાર્ડના જોડાણને માન્યતા આપી હતી.

September 26, 2018
gujarat-high-court.jpg
1min5180

RTEને લઈ ગુજરાત હાઈકોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન હાઈકોર્ટે કડક વલણ દાખવ્યું છે.  ગુજરાત હાઈકોર્ટે આજે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. RTE મામલે ગુજરાત સરકારને ટકોરતા હાઈકોર્ટે કહ્યું છે, ‘એક બાજુ શાળાઓમાં સીટ ખાલી રહે છે, બીજી બાજુ ગરીબ બાળકો અભ્યાસથી વંચિત રહે છે. આ મુદ્દાને સરકાર હળવાશથી ન લે. આ મુદ્દો ગંભીર અને સંવેદનશીલ છે.’ સાથે જ ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને RTE અંગે વધુ પ્રચાર પ્રસાર કરવા પણ રાજ્ય સરકારને નિર્દેશ આપ્યા છે. સાથે જ આગામી વર્ષે બાળકોને શાળા પસંદગીના વધુ વિકલ્પ આપવા પણ આદેશ કર્યો છે.

હાઇકોર્ટે પહેલાં પણ કડક વલણ અપનાવીને જણાવ્યું હતું કે, દરેક શાળાએ આરટીઈ અંતર્ગત 25 ટકા ગરીબ બાળકોને એડમિશન આપવું જ પડશે. આ મામલે કોઇપણ જાતનો ટાર્ગેટ ચલાવી લેવામાં નહીં આવે. ગરીબ બાળકોને ફાળવવામાં આવતી 25 ટકા અનામતનો અમલ થયો નથી. આ મામલે હાઇકોર્ટે સરકાર પાસે જવાબ માંગ્યો હતો. હાઈકોર્ટનાં સવાલ પર સરકારે બચાવ કરતા કહ્યું હતુ કે, કાયદાનાં અમલમાં ઘણી તકલીફો સામે આવી છે. આ અંગે અનેક ફરિયાદો પણ મળી હતી. અમે આ મામલે સુધારાત્મક પગલા લઇ રહ્યા છીએ. સરકારે પણ કહ્યું છે કે રાજ્યમાં 100 ટકા આરટીઈ એક્ટનો અમલ થયો નથી.

September 26, 2018
womenpilot.jpg
1min11790

Jayesh Brahmbhatt 98253 44944

ભારતમાં સિવિલ ઉડ્ડનય ક્ષેત્રમાં છેલ્લા 4 વર્ષમાં મહિલા પાઇલોટની સંખ્યા ડબલ થઇ ગઇ છે, આ સમાચાર સાંભળીને વિશ્વમાં સૌથી મોટું સિવિલ એવીએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતા અમેરિકા અને ઓસ્ટ્રેલિયાના લોકોના દાંત ખાટા થઇ ગયા છે. 2014માં ભારતમાં કુલ 5050 પાઇલોટ હતા જેઓ વિમાન ઉડાતતા હતા, તેમાં 11.6 ટકા પાઇલોટ એટલે કે કુલ 586 પાઇલટ મહિલાઓ હતી. ભારતમાં મહિલા પાઇલોટની સંખ્યા ચાલુ વર્ષ 2018માં વધીને 1092 થઇ જવા પામી છે. ચાર જ વર્ષમાં મહિલા પાઇલોટની 586ની સંખ્યા વધીને ડબલ 1092 થઇ જવા પામી છે.

  • ભારતમાં કુલ પાઇલોટ્સની સંખ્યા 8797
  • ભારતમાં કુલ મહિલા પાઇલોટ્સની સંખ્યા 1092 (12.4 ટકા)
  • વિશ્વમાં કુલ મહિલા પાઇલોટ્સની સંખ્યા 7409
  • અમેરિકા-ઓસ્ટ્રેલિયામાં મહિલા પાઇલોટ્સનું પ્રમાણ 5 ટકાથી નીચે
  • ભારતમાં મહિલા પાઇલોટ્સનું પ્રમાણ 12.4 ટકા

ભારતની મહિલાઓને પછાત અને અબળા ગણાવતા વિકસિત દેશો માટે આ આંકડો કપાળની કરચલીઓ વધારનારો બની રહ્યો છે. કેમકે સમગ્ર વિશ્વમાં હાલમાં કુલ મહિલા પાઇલોટની સંખ્યા 7409 છે, વિશ્વમાં મહિલાઓ પાઇલોટનું ટકાવારી પ્રમાણ ફક્ત 5.2 ટકા છે. વિશ્વભરમાં 7,409 મહિલા પાઇલોટ્સમાં 1092 તો ભારતીય મહિલાઓ છે.

એથી વિશેષ નાગરીક ઉડ્ડયન ક્ષેત્રમાં સૌથી વધુ માળખાગત સુવિધા ધરાવતા ઓસ્ટ્રેલિયા અને અમેરિકામાં પણ મહિલા પાઇલોટનું પ્રમાણ ફક્ત 5 ટકા છે, જ્યારે ભારત વિશ્વમાં તેમજ અમેરિકા અને ઓસ્ટ્રેલિયા જેવા વિકસિત દેશોના મહિલા પાઇલોટના પ્રમાણ કરતા ડબલ 12.4 ટકા મહિલા પાઇલોટ ધરાવે છે.

ભારતની મહિલા પાઇલોટ એવું નથી કે ફક્ત ડોમેસ્ટિક ફ્લાઇટ્સમાં જ વિમાનો ઉડાડે છે. એરઇન્ડિયાએ તો અમેરીકા જતી અને અમેરીકાથી આવતી ફ્લાઇટ્સમાં પણ મુખ્ય પાઇલોટ તરીકે મહિલા પાઇલોટને ડેપ્યુટ કરી છે. ભારતમાંથી લગભગ દરેક દેશોમાં જતી ફ્લાઇટ્સમાં હવે મહિલા પાઇલોટ્સને મુખ્ય પાઇલોટ અગર તો કો પાઇલોટ તરીકે ડ્યૂટી આપવામાં આવી રહી છે.

 

September 26, 2018
supremecourt.jpg
1min6100

સુપ્રીમ કોર્ટમાં ચુકાદાની દ્રષ્ટિએ તા.26મી સપ્ટેમ્બર એટલે કે આજે અત્યંત મહત્વનો દિવસ છે. આજે સુપ્રીમ કોર્ટ આધાર કાર્ડ, નોકરીમાં પ્રમોશન સહિત જુદા જુદા 6 મામલે પોતાનો ચુકાદો આપશે. જો આધારની વાત કરીએ તો કોર્ટે આધારની જરૂરિયાત સામે તમામ પક્ષોની સુનાવણી પૂરી કરીને 10મેના રોજ ચુકાદો અનામત રાખ્યો હતો. આ કેસની સુનાવણી 17 જાન્યુઆરીથી શરૂ થઈ હતી, જે 38 દિવસ સુધી ચાલી. આધારથી કોઈની પ્રાઈવસીનું ઉલ્લંઘન થાય છે કે નહીં, તેની અનિવાર્યતા અને વૈધતા જેવા મુદ્દે 5 જજની બંધારણીય બેન્ચ આજે ચુકાદો આપશે. આધાર પર નિર્ણય આવતા સુધી સામાજિક કલ્યાણકારી યોજનાઓ ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકારોની યોજનાઓમાં આધારની અનિવાર્યતા પર રોક લગાવાઈ છે. આમાં મોબાઈલ સીમ અને બેન્ક સાથે આધાર લિંક કરવાની વાત પણ સામેલ છે. સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું હતું કે જ્યાં સુધી આ મામલે કોઈ ચુકાદો ન આવે ત્યાં સુધી આધાર લિંક કરવાનો ઓપ્શન ખુલ્લો રહેવો જોઈએ. સાથે જ સુપ્રીમ કોર્ટે સરકાર આધારને અનિવાર્ય કરવા માટે લોકો પર દબાણ ન કરે તે નિર્દેશ પણ આપ્યા હતા.

SC

આધારની સાથે આ મામલે પણ આવશે ચુકાદો

1. સુપ્રીમ કોર્ટ આધાર કાર્ડ ઉપરાંત સરકારી નોકરીમાં પ્રમોશન મુદ્દે પણ ચુકાદો આપશે. 12 વર્ષ જૂના નાગરાજ ચુકાદા પર પુનઃવિચારની જરૂરિયાત છે કે નહીં તે કોર્ટ નક્કી કરશે.

2. સુપ્રીમ કોર્ટ જય લોયા કેસમાં દાખલ થયેલી પુનર્વિચાર અરજી પર પણ ચુકાદો આપશે. આ અરજીમાં વકીલ ઈન્દિરા જયસિંહએ સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી હટાવવા માગ કરી છે. 

3. સુપ્રીમ કોર્ટ ગુજરાતના રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલ મામલે પણ ચુકાદો આપશે. છેલ્લી સુનાવણીમાં કોર્ટે ગુજરાત હાઈકોર્ટમાં તેમના વિરુદ્ધ ચાલી રહેલા ભાજપના ઉમેદવાર બળવંતસિંહ રાજપૂતની ચૂંટણી અરજી પર સુનાવણી કરવા પર રોક લગાવી હતી. બળવંતસિંહ રાજપૂતે હાઈકોર્ટમાં દાખલ થયેલી અરજીમાં પટેલ પર ખોટી રીતે ચૂંટણી જીતવાનો આરોપ લગાવ્યો છે.

4. રાષ્ટ્રીય મહત્વના મામલે અદાલતની કાર્યવાહીનું લાઈવ સ્ટ્રીમિંગ કરવાને લઈને પણ સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપશે. આ સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું હતું કે કોર્ટની કાર્યવાહીનું લાઈવ સ્ટ્રીમિંગ કરવાથી પારદર્શિતા વધશે. 

5.  સુપ્રીમ કોર્ટ આજે એ પણ નક્કી કરશે કે અપરાધિક કેસમાં કોઈ સાંસદ કે ધારાસભ્યને અદાલત દોષી ઠેરવે તો તેનું પદ તરત છીનવી લેવા ચૂંટણી પંચ આદેશ જાહેર કરી શકે કે પછી સંબંધિત સદનના સચિવે આદેશ આપવો જોઈએ. હાલ આ આદેશ સદનના સચિવ આપે છે.

September 26, 2018
garlic-1.jpg
1min8730
  • 3 વર્ષ અગાઉ જે લસણ રૂ.1500થી 1700 રૂપિયે મણ ખેડૂતો વેચતા હતા એ હવે ફક્ત રૂ.60 મણે ગુજરાતમાં વેચાયું, ખેડૂતો પાયમાલ થઇ ગયા
  • એક તરફ નિકાસ બંધ અને બીજી તરફ લસણમાં પણ ચાઇનીઝ ઘૂસપેઠ, ખેડૂતોને લસણના પોષણક્ષમ ભાવથી વંચિત રાખે છે

જયેશ બ્રહ્મભટ્ટ   98253 44944

જગતના તાત ગણાતા ખેડૂતોની હાલત સુધરતી નથી. ખેડૂતાને પાકના પોષણક્ષમ ભાવ પણ મળતા નથી. ખેડૂતોએ કાળી મજૂરી કરીને લસણનો પાક તૈયાર કર્યો પણ લસણને માર્કેટમાં વેચવા માટે લાવતા જ ભાવ ગગડીને તળિએ બેસી ગયા. એક વીઘા જમીનમાં લસણ વાવવાથી ખાતર, બિયારણ, જંતુનાશક દવા, મજૂરી બધુ મળીને પચ્ચીસ-ત્રીસ હજાર ખર્ચ થાય. તેની સામે વીઘે 30 હજાર ઉત્પાદન-ખર્ચવાળા લસણનો ભાવ પ્રતિમણ રૂ.60 રૂપરડી જેવો તળિયે જઇ બેઠો છે. ખેડૂતોનું કહેવું છે કે વળતર તો દૂર, વિઘા-દીઠ કેટલા હજાર નુકસાન ખમવું પડશે એની જ હવે તો ચિંતા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લા ત્રણેક વર્ષથી લસણનો ભાવ સાવ તળિયે બેસી ગયો છે. લસણની માગ તો વધી રહી છે ત્યારે લસણનો ભાવ વધવાને બદલે સાવ તળિયે બેસી ગયો છે. ખેડૂતોને લસણનો યોગ્ય ભાવ મળતો નથી જેથી જગતના તાતને રડવાનો વારો આવ્યો છે. લસણનો ભાવ સતત ઘટી રહ્યો છે ત્યારે ખેડૂતોને એક કિલો લસણના માત્ર 75 પૈસા મળી રહ્યાં છે. ખેડૂતોને મણે 150 રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. લસણનો ભાવ વધવાને બદલે સાવ તળિયે કેમ બેસી ગયો છે.

સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, જામનગર, અમરેલી જિલ્લા સહિત અનેક સ્થળે લસણની ખેતી થાય છે. વર્ષ 2015-16માં દેશી લસણના ભાવ મણના રૂા.1400 હતા, તેની સામે તા.25મી સપ્ટેમ્બર 2018ના રોજ રાજકોટ યાર્ડમાં રૂા.60થી 275ના ભાવે સોદા થઈ રહ્યાં છે. આ અંગે ખેડૂતો કહે છે કે છેલ્લાં બે વર્ષથી લસણમાં પ્રત્યેક ખેડૂતે હજારો રૂપિયાની નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. કેમ કે નિકાસ બંધ અને ઉપરથી સ્થાનિકો સારા ઉત્પાદન છતાં ચાઇનીઝ લસણની ઘૂસપેઠ અને બન્ને પરિબળ નડી રહ્યા છે. અમને બધું થઈને લસણ એક કિલોના 10થી 15 રૂપિયે પડે છે જ્યારે તેની સામે અમને કિલો લસણનાં માત્ર 75 પૈસા જ મળે છે.

September 26, 2018
gujcmdcm.jpg
1min5940

રાજ્યમાં સ્થપાયેલા ઉદ્યોગોમાં નિયમાનુસાર સ્થાનિક લોકોને રોજગારી આપવાની રહે છે, પરંતુ મોટા ભાગના ઉદ્યોગમાં ગુજરાતીઓને નોકરીથી વંચિત રાખવામાં આવતો હોવાના મુદ્દે નવરાત્રિ બાદ દશેરાથી રાજ્યવ્યાપી આંદોલન કરવાની ચીમકી આપી છે ત્યારે તા.25મી સપ્ટેમ્બર 2018ના રોજ ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતમાં જે ઉદ્યોગો કે સર્વિસ સેક્ટરમાં સાહસો ઉદ્યોગો આવશે તેમણે 80 ટકા ગુજરાતીઓને રોજગાર આપવા તેમજ જે વિસ્તારમાં તે સ્થપાય ત્યાંના 25 ટકા સ્થાનિક લોકોને રોજગાર આપવાના નિર્ણયની જાહેરાત કરી હતી. મુખ્ય પ્રધાને વધુમાં કહ્યું હતું કે, સરકાર આગામી દિવસોમાં તેને કાયદાનું સ્વરૂપ આપવાની દિશામાં આગળ વધી રહી છે.

અમદાવાદમાં મુખ્યમંત્રી એપ્રેન્ટિસશિપ યોજના અંતર્ગત 8500 યુવાનોને કરારપત્રોનું વિતરણ સમારંભને સંબોધતા વિજય રૂપાણીએ કહ્યું હતું કે કોંગ્રેસ યુવાનો ને બેકારી ભથ્થું આપવાની માંગ કરે છે પરંતુ અમે બેકારીભથ્થું આપી બેકારોની સંખ્યા વધારવામાં નહીં યુવાનો પ્રત્યે પોઝિટિવ એટિટ્યુડ રાખી તેના કૌશલ્ય અને શક્તિને નવી તક આપી પરિશ્રમની પરાકાષ્ટા સર્જી હર હાથ કો કામ નો મંત્ર લઇ ને ચાલનારા લોકો છીએ. પ્રધાનમંત્રીએ મેઇક ઈન ઇન્ડિયા સ્કીલ ઇન્ડિયા ડિજિટલ ઇન્ડિયા જેવા જે સંકલ્પ કર્યા છે તેને સાકાર કરવા ગુજરાત માં માર્ચ 2019 પહેલા 1 લાખ યુવાનોને આ મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના માં કૌશલ્યવાન બનાવવા છે.

રૂપાણીએ એવું પણ કહ્યું હતું કે ઈમ્પોર્ટને કારણે આપણે ઘણું સહન કર્યું હવે મેઇક ઈન ઇન્ડિયા અન્વયે આ દેશની ધરતી પર જ નવીનતમ ટેકનોલોજી સાથે શ્રેષ્ઠ ઉત્પાદન કરવા છે. આ માટે નવી ટેકનોલોજી ને અનુરૂપ 140 જેટલા નવા કોર્સ તાલુકે તાલુકે આઈ ટી આઈ સાથે શરૂ કર્યા છે.

September 26, 2018
missing-kids.jpg
1min8480

દિલ્હીમાંથી ગુમ થતાં દરેક 10 બાળકોમાંથી છની ભાળ મળતી ન હોવાની વાત બે સ્વયંસેવી સંસ્થાએ જાહેર કરેલા રિપોર્ટમાં જણાવાઇ હતી. અલાયન્સ ફોર પીપલ્સ રાઇટ (એપીઆર) અને ચાઇલ્ડ રાઇટ્સ ઍન્ડ યુ (ક્રાઇ) નામના એનજીઓએ એનસીઆરબી ડેટા અને પોલીસે આપેલા આરટીઆઇ અરજીઓના જવાબને આધારે બનાવેલા રિપોર્ટમાં જણાવાયું હતું કે દિલ્હીમાંથી ગુમ થયેલાં 63 ટકા બાળકો શોધાયાં નહોતાં અને આ સામે આખા દેશની શોધાયા ન હોય એવા બાળકોની ટકાવારી 30 ટકા છે.

‘દિલ્હીમાંથી 2018માં ગુમ થયેલાં બાળકો’ના મથાળા હેઠળ તા.26મી સપ્ટેમ્બર 2018ના રોજ જાહેર કરાયેલા રિપોર્ટમાં જણાવાયું હતું કે પાછલા પાંચ વર્ષ દરમિયાન દિલ્હીમાંથી 26,761 જેટલાં બાળકો ગુમ થયાં હતાં અને એમાંથી ફક્ત 9,727 બાળકો જ શોધી કઢાયાં હતાં. જોકે, દિલ્હી પોલીસના ડેટા પ્રમાણે 2015માં રોજ 22 બાળકો ગુમ થતાં હતાં, પણ 2017માં એ ઘટીને રોજ ગુમ થનાર બાળકોની સંખ્યા 18 થઇ છે.

આરટીઆઇ અરજીના જવાબમાં રાજ્યકક્ષાના મહિલા અને બાળ વિકાસ પ્રધાન ક્રિશ્ર્ના રાજે જણાવ્યું હતું કે 1લી જાન્યુઆરી, 2012થી 20 માર્ચ, 2017 વચ્ચે 2,42,938 બાળકો ગુમ થયા હોવાની ફરિયાદ દાખલ કરાઇ હતી અને એમાંથી 1,70,173 બાળકો જ શોધી શકાયાં હતાં.

રિપોર્ટમાં જણાવાયું હતું કે દિલ્હીમાં ગુમ થતાં બાળકોની સંખ્યામાં ઘટાડો થયો હતો, પણ એમને શોધવાની બાબતમાં દિલ્હી સાવ ઊણું ઊતર્યું છે અને પ્રશાસને આ બાબતની ગંભીરતાથી નોંધ લેવી જોઇએ.

બાળકો ગુમ થતા અટકાવવા માટે એપીઆર અને ક્રાઇએ કમ્યુનિટી વિજિલન્સની પ્રણાલી શરૂ કરી હતી. એમાં જણાવાયું હતું કે કઇ રીતે દરેક સમાજના લોકોને એમના વિસ્તારમાં બાળકો પર નજર રાખવાનું તથા બાળકો માટે શક્યત: ઊભા થનાર ખતરા પર ધ્યાન રાખવાનું કામ સોંપાવું જોઇએ.

ક્રાઇના રિજનલ ડિરેક્ટર સોહા મિત્રાએ જણાવ્યું હતું કે ગુમ થયેલાં બાળકોને શોધવાનું કામ મુખ્ય રીતે પોલીસનું જ છે, પણ સંયુક્ત બાળ સુરક્ષા યોજના એવું સૂચન કરે છે કે સામાજિક સ્તરે જ બાળકોને ગુમ થતા રોકવા માટે પ્રયત્ન થવા જોઇએ.

આ યોજના પ્રમાણે પ્રશાસન અને સમાજે સાથે મળીને બાળકો ગુમ થતા રોકવા માટે પ્રયત્ન કરવા જોઇએ. બાળકોની આસપાસ સુરક્ષાચક્ર રચવાની જવાબદારી સરકાર અને સમાજ બંનેની છે.

રિપોર્ટમાં જણાવાયું છે કે સૌથી વધુ ગુમ થનાર બાળકો 12-18 વર્ષની વયના હોય છે અને એમાંય છોકરા કરતાં છોકરીઓની સંખ્યા વધુ હોય છે. આ પાછળ બાળમજૂરી, દેહવિક્રય, બળજબરીથી લગ્ન કરાવવા, ઘરકામ કરાવવું અને ભીખ મગાવવી જેવી બાબતો માટે એમનો ઉપયોગ થતો હોય છે.

પોલીસ વિભાગનું વલણ આ મામલે એકદમ નિરસ રહ્યું છે. દિલ્હીમાં ગુમ થઇ રહેલા બાળકોને શોધવા માટે પોલીસ વિભાગે કોઇ યોજના નથી બનાવી કે એમની પાસે આ સમસ્યાનો ઉકેલ લાવવાનો કોઇ ઉત્તર પણ નથી.

પોલીસ પેટ્રોલિંગ વધારવી, જાહેર સ્થળોએ ગુમ થયેલ બાળકોની માહિતીની જાહેરાત, એમના વિશે નોટિસ ફરતી કરવી, હોર્ડિંગ અને બેનર લગાડવા, સીસીટીવી કૅમેરા લગાવવા અને એવા અનેક ઉપાયોનો ઉપયોગ હજુ અનેક સ્થળે નથી કરવામાં આવતો.

દિલ્હીમાં 11 જિલ્લા બાળ સુરક્ષા યુનિટ બનાવાઇ છે, પણ સંયુક્ત બાળ સુરક્ષા યોજના પ્રમાણે આ યુનિટોએ બાળકો માટે સુરક્ષાચક્ર બનાવવા સમાજ સાથે સંપર્ક નથી જોડયો.

આ સિવાય ગુમ થયેલાં બાળકોને શોધવા માટે પોલીસ વિભાગ પાસે માણસોની પણ અછત છે. પોલીસો પર કામનું એટલું બધું દબાણ છે અને તેઓ અન્ય ફરજમાં એવા પરોવાયેલા છે કે બાળકો ગુમ થવાને મામલે તેઓ ખાસ સંવેદનશીલતાથી ધ્યાન નથી આપી શકતા.