જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
ઓનલાઇન શોપિંગમાં કેવા કેવા ફ્રોડ થાય છે, રોજેરોજ ઓનલાઇન ક્રાઇમ બહાર આવે છે અને આપણને સૌને નવી નવી બાબતો જાણવા મળે છે. રાજકોટમાં એક પરિવાર સાથે કૂતરાના બચ્ચાની ઓનલાઇન શોપિંગમાં રૂ.60 હજારનો ફ્રોડ થયો હોવાની ફરીયાદ રાજકોટના પ્રધુમનનગર પોલીસ મથકમાં નોંધાયો છે.

(આવા કૂતરાંની ઓનલાઇન ખરીદી કરવામાં આવી હતી.)
રાજકોટમાં રહેતા એક આર્કિટેક્ટ પરિવારની દિકરીએ થોડા દિવસો અગાઉ મુંબઇમાં ડોંબીવલી ખાતે આવેલા મિડો ગ્રીન બંગલોમાં રહેતા શેલ્ડન વાઝ નામની વ્યક્તિએ તેણે વેબસાઇટ પર Maltese નામના કૂતરાની ખરીદીની જાહેરાત બાદ સંપર્ક કર્યો હતો. શેલ્ડન વાઝે તેની પાસેનો Maltese ડોગ રૂ.60 હજારમાં વેચવાની વાત કરી હતી. જેના અનુસંધાને રાજકોટના આર્કિટેક્ટ વિપુલ સંઘવીની દિકરી શ્રેયાએ રૂ.60 હજારની રકમ નેફ્ટ મારફતે મુંબઇના શેલ્ડન વાઝ નામની વ્યકિતના ખાતામાં જુલાઇ 2018માં ટ્રાન્સફર કરી દીધા હતા.
રકમ ટ્રાન્સફર કર્યા પછીના એક અઠવાડીયામાં શેલ્ડન વાઝએ મેઇલ પણ કર્યો હતો કે 10 દિવસમાં કુતરો તેમના સુધી પહોંચાડી દેવામાં આવશે. આમ છતાં દિવસો સુધી ઓર્ડર કરાયેલા કૂતરાની ડિલિવરી રાજકોટ ખાતે નહીં થતાં ફરીથી સંઘવી પરિવારે શેલ્ડન વાઝનો સંપર્ક કર્યો હતો. એથી વિશેષ શેલ્ડન વાઝએ સંઘવી પરિવારના ફોન કોલ્સનો જવાબ આપવાનું પણ બંધ કરી દીધું હતું. આ દરમિયાન વ્હોટ્સએપ પર શેલ્ડન વાઝ કૂતરાની ડિલિવરી અંગે ગલ્લાં તલ્લાં કર્યા કરતો હતો.
શેલ્ડન વાઝની પ્રવૃત્તિથી વાકેફ થઇ ચૂકેલા સંઘવી પરિવારે તેની પાસે રકમ પરત માંગતા શેલ્ડન વાઝે નાણાં આપવાનો ઇન્કાર કરી દીધો હતો. જેને પગલે સંઘવી પરિવારે રાજકોટના પ્રધુમન નગર પોલીસ મથકમાં કૂતરાના ઓનલાઇન શોપિંગમાં ફ્રોડની ફરીયાદ નોંધાવી હતી.




























