નાણાકીય કટોકટીને કારણે દેશનાં જુદાં જુદાં એરપોર્ટ પર જેટ એરવેઝે મંગળવાર તા.29મી જાન્યુઆરી 2019ના દિવસે આકાશમાં ઉડી રહેલા 5 વિમાનને ફરજિયાત પણે જમીન ઉતારવા પડ્યા હતા, જેને લઇને જેટ એરવેઝ એરલાઇનની 19 ફ્લાઇટ્સ રદ થતાં હજારો મુસાફરો જ્યાં ત્યાં અટવાય ગયા હતા. એક સાથે 5-5 વિમાનો જે તે એરપોર્ટ પર લેન્ડ થયા પછી વિમાન માલિકોએ તાબડતોડ તેનો કબજો મેળવવા દિલ્હી, મુંબઈ, બેંગલુરુ અને ચેન્નાઈના એરપોર્ટ પર પ્રક્રિયા શરૂ કરી હતી.

એરલાઇનના સૂત્રોએ જણાવ્યું હતું કે, “વિમાન માલિકોએ વિમાન પરત લેવાની પ્રક્રિયા શરૂ કરી હતી જેને કારણે વિમાનોને જુદા જુદા એરપોર્ટ્સ પર અગાઉના ડેસ્ટિનેશન્સની ફ્લાઇટ્સ રદ કરીને ભૂમિગત કરાયા હતા. આ કારણે સમગ્ર જેટ એરવેઝ નેટવર્કમાં ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી.
સૂત્રોએ જણાવ્યું હતું કે, પાંચ શહેરમાં એક-એક બોઇંગ 737 વિમાન ભૂમિગત કરવું પડ્યું હતું. દિલ્હીમાં છેલ્લા છ દિવસથી બોઇંગ 737 MAX ભૂમિગત કરવાની ફરજ પડી હતી.
જેટ એરવેઝના વિમાન માલિકોમાં અમેરિકા અને દક્ષિણપૂર્વ એશિયાના દેશોનો સમાવેશ થાય છે.
એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારીએ જેટ એરવેઝની 19 ફ્લાઇટ્સ રદ થવાની વાતને સમર્થન આપ્યું હતું. એરલાઇન ઉદ્યોગની વેબસાઇટ flightradar.comના ડેટા મુજબ બોઇંગ 737 MAX છેલ્લા છ દિવસથી દિલ્હી એરપોર્ટ પર હતું. જ્યારે દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ અને બેંગલુરુ એરપોર્ટ પર કુલ ચાર બોઇંગ 737 વિમાન ભૂમિગત થયા હતા.
ઉદ્યોગવર્તુળોના જણાવ્યા અનુસાર વિવિધ કારણોને લીધે ફ્લાઇટ્સ રદ થવાથી ભાડાં પર ખાસ અસર નહીં થાય. અન્ય એરલાઇનના સૂત્રએ જણાવ્યું હતું કે, “એરલાઇન પોતાના જ નેટવર્કની અન્ય ફ્લાઇટ્સમાં પેસેન્જર્સને ખસેડી રહી છે. ઉપરાંત, જરૂર કરતાં વધુ ક્ષમતાની સ્થિતિને કારણે ફ્લાઇટ્સ રદ થવાની ભાડાં પર અસર નહીં થાય.” અન્ય એક એક્ઝિક્યુટિવે જણાવ્યું હતું કે, “પિક સીઝન હોત તો 19 ફ્લાઇટ્સ રદ થવાથી સમસ્યા ઊભી થઈ હોત. જોકે, હાલ ‘બિઝી’ સીઝન નહીં હોવાને કારણે ભાડાંમાં વધારો નહીં થાય.” ઉલ્લેખનીય છે કે, જેટ એરવેઝે ચાલુ વર્ષે માર્ચમાં આવનારા બોઇંગ ૭૩૭ MAX પ્લેન્સની ડિલિવરી મોકૂફ રાખી છે.






























