CIA ALERT

Blog - Page 15 of 694 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
February 9, 2026
image-13.png
1min70

ઈરાનમાં માનવાધિકાર અને મહિલાઓના અધિકારો માટે અવાજ ઉઠાવનાર નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા નરગીસ મોહમ્મદીને ઈરાની સરકારે ફરી એકવાર મોટો ઝટકો આપ્યો છે. તેમને વધુ એકવાર સાડા સાત વર્ષની વધારાની જેલની સજા ફટકારવામાં આવી છે, જેના કારણે વિશ્વભરમાં ઈરાની શાસન સામે રોષ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે આ નવા ચુકાદા સાથે નરગીસની જેલની સજા 44 વર્ષ થઇ ચૂકી છે. નરગીસ અત્યાર સુધીમાં 13 વખત ધરપકડ અને 5 વખત દોષિત ઠરી ચૂક્યા છે.

53 વર્ષીય નરગીસ મોહમ્મદી એક જાણીતા ઈરાની એક્ટિવિસ્ટ, એન્જિનિયર અને લેખિકા છે. તેઓ નોબેલ વિજેતા શિરીન એબાદી દ્વારા સ્થાપિત ‘ડિફેન્ડર્સ ઓફ હ્યુમન રાઈટ્સ સેન્ટર’ (DHRC) ના ઉપાધ્યક્ષ છે. નરગીસ છેલ્લા દાયકાનો મોટાભાગનો સમય જેલમાં જ વિતાવી ચૂક્યા છે. ઈરાની સત્તાવાળાઓ તેમના પર રાજ્ય વિરુદ્ધ પ્રચાર કરવાનો અને વિરોધ પ્રદર્શનો યોજવાનો આરોપ લગાવે છે, જ્યારે તેમના સમર્થકોનું કહેવું છે કે આ બધું માત્ર તેમના શાંતિપૂર્ણ આંદોલનને દબાવવા માટે કરવામાં આવી રહ્યું છે.

નરગીસ મોહમ્મદીને 12 ડિસેમ્બર, 2025 ના રોજ મશહદ ખાતે પકડવામાં આવ્યા હતા. તેઓ ત્યાં માનવાધિકાર વકીલ ખોસરો અલીકોર્ડીની શોકસભામાં હાજરી આપવા ગયા હતા. ઈરાની સરકારે તેમના પર ભડકાઉ ભાષણ આપવા, નિયમો વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવા અને શાંતિ ભંગ કરવાનો ગંભીર આરોપ મૂક્યો છે.

જ્યારે 2023 માં તેમને નોબેલ શાંતિ પુરસ્કાર જાહેર થયો ત્યારે તેઓ તેહરાનની કુખ્યાત જેલમાં બંધ હતા. આ સન્માન તેમના બાળકોએ તેમના વતી સ્વીકાર્યું હતું. 2021 થી તેઓ રાષ્ટ્રીય સુરક્ષાના આરોપો હેઠળ 13 વર્ષની સજા ભોગવી રહ્યા છે. નરગીસ ફાઉન્ડેશન મુજબ, ઈરાની વહીવટીતંત્ર તેમને શારીરિક અને માનસિક રીતે તોડવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ તેમનો જુસ્સો હજુ પણ અડગ છે.

February 8, 2026
SS_Logo_Red-1280x986.png
2min348

Jayesh Brahmbhatt 98253 44944

નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા આજે તા.8મી ફેબ્રુઆરીને રવિવારથી દેશભરમાં મેડીકલ અને પેરામેડીકલમાં પ્રવેશ માટે ફરજિયાત સિંગલ નેશનલ એન્ટ્રન્સ ટેસ્ટ નીટ યુજીના રજિસ્ટ્રેશન શરૂ કરવા સાથે તેની તારીખની પણ સત્તાવાર ઘોષણા કરી છે. આ વખતે નીટ યુજી આગામી તા.3 મે 2026ને રવિવારના રોજ બપોરે 2થી 5 દરમિયાન લેવામાં આવશે. ધો.12 બાયોલોજી વિષય સાથે અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓએ તા.8 ફેબ્રુઆરીથી તા.8મી માર્ચ સુધીમાં રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

આ તારીખ પછી જન્મેલા વિદ્યાર્થીઓ નીટ યુજી 2026 પરીક્ષા નહીં આપી શકે

નીટ યુજી પરીક્ષાના સ્કોરથી મેડીકલ, ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથી, નર્સિંગ (સેન્ટ્રલ) ઉપરાંત વેટરનરી સાયન્સ અને આ વર્ષથી ફિઝિયોથેરાપી કોર્સમાં પણ પ્રવેશ આપવાની જાહેરાત દેશના જુદા જુદા રાજ્યોમાં કરી દેવામાં આવી છે. ગુજરાતમાં હજુ ફિઝિયોથેરાપી કોર્સ અંગે જાહેરાત કરવામાં આવી નથી. આમ છતાં ધો.12 બાયોલોજી વિષય સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓ માટે નીટ યુજી પરીક્ષા આપીને તેમાં સારો સ્કોર લાવવો હિતાવહ છે, કેમકે ગુજરાત સરકાર નીટના રજિસ્ટ્રેશન પૂર્ણ થઇ ગયા પછી જાહેરાત કરશે તો અનેક પ્રવેશાર્થીઓને ફિઝિયોથેરાપી કોર્સમાં પ્રવેશ નહીં મળી શકે.

વિદેશી વિદ્યાર્થીઓએ પણ નીટ યુજી 2026 પરીક્ષા આપવી ફરજિયાત

180 મિનિટ અને 720 માર્કની નીટ યુજી પરીક્ષાની પેટર્ન

મેડીકલ, પેરામેડીકલ કોર્સમાં પ્રવેશ માટે જેનો સ્કોર હોવો ફરજિયાત છે એ નીટ યુજીની પરીક્ષાની પેટર્ન એવી છે કે કુલ 180 મિનિટની પરીક્ષામાં વિદ્યાર્થીઓએ કુલ 180 સવાલોના જવાબ આપવાના હોય છે. એક સવાલના સાચા ઉત્તરના 4 માર્ક મળી શકે છે, જ્યારે એક સવાલના ખોટા ઉત્તર બદલ એક માર્ક માઇનસ થાય છે. જેમાં બાયોલોજી, બોટનીના કુલ 90 સવાલો જેના કુલ માર્ક 360 તેમજ કેમેસ્ટ્રી અને ફિઝિક્સના 45-45 સવાલો જેના બન્ને વિષયો મળીને કુલ માર્ક 360 હોય છે.

February 8, 2026
image-11.png
1min130

વધતા અકસ્માતોનું એક કારણ આંખો આંજી દેતી સફેદ એલઈડી લાઈટ્સને પણ માનવામાં આવે છે, આવી લાઈટ્સના ઉપયોગને રોકવા માટે રાજ્ય પરિવહન વિભાગે નિર્દેશ જાહેર કર્યા હતા. પોતાના વાહનોમાં લગાવેલી ગેરકાયદે LED લાઇટ્સ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં કરવામાં આવેલી કાર્યવાહીમાં 3094 વાહનચાલકો દંડાયા હતા.

સમગ્ર ગુજરાતમાં હાઇ-ઇન્ટેન્સિટી એલઇડી લાઇટનો ઉપયોગ વધ્યો છે, જેના કારણે અન્ય લોકો વિઝિબિલિટી ઓછી થઈ જાય છે અને અકસ્માતનું જોખમ વધી રહ્યું છે. ત્યારે રાજ્ય સરકારના વાહન વ્યવહાર વિભાગ દ્વારા ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. 22 જાન્યુઆરીથી 3 ફેબ્રુઆરી સુધી ચલાવવામાં આવેલી આ ઝુંબેશમાં રાજ્યના 3094 વાહનચાલકોને દંડ ફટકારવામાં આવ્યો હતો.

આ દરમિયાન અમદાવાદમાં સૌથી વધુ વાહનચાલકોને દંડ ફટકારવામાં આવ્યો હતો. અમદાવાદમાં 260 વાહનચાલકોને, અમદાવાદ પૂર્વમાં 85 વાહનચાલકોને, આણંદમાં 40 વાહનચાલકોને, ARTO બાવળામાં 133 વાહનચાલકોને, ARTO મોડાસામાં 104 વાહનચાલકોને, વલસાડમાં 288 વાહનચાલકોને, સાબરકાંઠામાં 20 વાહનચાલકોને, ખેડામાં 46 વાહનચાલકોને, મહેસાણામાં 170 વાહનચાલકોને, વડોદરામાં 168 વાહનચાલકોને, ગાંધીનગરમાં 95 વાહનચાલકોને, સુરેન્દ્રનગરમાં 48 વાહનચાલકોને અને કચ્છમાં 136 વાહનચાલકોને ચલણ મોકલવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા અમદાવાદમાં વ્હાઇટ એલઈડી લાઈટ્સ રાખનાર વાહનચાલકો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અમદાવાદના સુભાષબ્રિજ આરટીઓ અનુસાર વર્ષ 2026ના આરંભના 28 દિવસમાં 275 કેસ નોંધવામાં આવ્યા હતા અને રૂ. 2.75 લાખ જેટલો દંડ વસૂલવામાં આવ્યો હતો.

February 8, 2026
image-10.png
1min104

દેશની આર્થિક રાજધાની મુંબઈના મેયર પદને લઈને ચાલી રહેલા સસ્પેન્સનો આખરે અંત આવ્યો છે. મુંબઈ મહાનગરપાલિકા (BMC) ના ઇતિહાસમાં દાયકાઓ પછી ભારતીય જનતા પાર્ટી (BJP) પોતાનો મેયર બેસાડવા જઈ રહી છે. ભાજપના હાઈકમાન્ડે વરિષ્ઠ નગરસેવિકા રિતૂ તાવડેના નામ પર સત્તાવાર મહોર મારી છે. મુંબઈ ભાજપ અધ્યક્ષ અમિત સાતમએ BMC મુખ્યાલય ખાતે આ ઐતિહાસિક નિર્ણયની જાહેરાત કરી હતી. 29 વર્ષ બાદ મુંબઈને ભાજપના નેતૃત્વ હેઠળના મેયર મળશે, જે મુંબઈના રાજકીય સમીકરણોમાં એક મોટું પરિવર્તન માનવામાં આવી રહ્યું છે.

રિતૂ તાવડેએ 07/02/2026 શનિવારે ભવ્ય રીતે પોતાનું નામાંકન પત્ર દાખલ કર્યું હતું. આ પ્રસંગે ભાજપના વરિષ્ઠ નેતાઓની હાજરીમાં 10 પંડિતોને બોલાવીને મંત્રોચ્ચાર અને શંખનાદ કરવામાં આવ્યો હતો. એક તરફ શિવાજી મહારાજના જયઘોષ થઈ રહ્યા હતા તો બીજી તરફ ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. રિતૂ તાવડે ઘાટકોપર વિસ્તારના ત્રણ ટર્મથી કોર્પોરેટર છે અને તેઓ મુંબઈ મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિના અધ્યક્ષ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. તેમની છબી એક મિલનસાર અને પાયાના કાર્યકર તરીકેની છે, જે તેમને મેયર પદના પ્રબળ દાવેદાર બનાવે છે.

આ વખતે ભાજપ અને શિવસેના (શિંદે જૂથ) વચ્ચે સત્તાની વહેંચણી ખૂબ જ સંતુલિત રીતે કરવામાં આવી છે. મહાયુતિ ગઠબંધન હેઠળ ડેપ્યુટી મેયર પદ શિવસેના શિંદે જૂથના ફાળે ગયું છે, જેમાં સંજય શંકર ઘાડીની પસંદગી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે BMCમાં બહુમતી માટે 114 બેઠકોની જરૂર હોય છે. ભાજપ પાસે 89 બેઠકો છે, જ્યારે શિંદે જૂથ પાસે 29 બેઠકો છે. આ બંને પક્ષોના જોડાણથી આંકડો 118 પર પહોંચે છે, જે બહુમતી કરતા વધારે છે. બીજી તરફ ઉદ્ધવ ઠાકરે જૂથ 65 બેઠકો સાથે વિપક્ષમાં બેસશે.

મુંબઈ મહાનગરપાલિકા (BMC) દેશની સૌથી ધનિક નગરપાલિકા છે, જેનું બજેટ અનેક નાના રાજ્યો કરતા પણ વધુ હોય છે. આથી જ તેના મેયર પદ માટે હંમેશા ખેંચતાણ રહેતી હોય છે. 11 ફેબ્રુઆરીના રોજ બપોરે 12 વાગ્યે મેયર પદ માટે સત્તાવાર ચૂંટણી યોજાશે. ભાજપે મહિલા મેયરનો દાવ ખેલીને આગામી ચૂંટણીઓ માટે પણ મોટો રાજકીય સંદેશ આપ્યો છે. ભાજપ અને શિંદે જૂથ વચ્ચેનું આ મજબૂત સત્તા સમીકરણ આગામી દિવસોમાં મુંબઈના વિકાસ અને વહીવટમાં મહત્વની ભૂમિકા ભજવશે.

રિતૂ તાવડે ભાજપના જૂના અને વિશ્વાસુ નેતા માનવામાં આવે છે. તેઓ 2012માં વોર્ડ નંબર 127 થી પ્રથમ વખત જીત્યા હતા. ત્યારબાદ 2017માં ઘાટકોપરના વોર્ડ નંબર 121 અને 2025ની ચૂંટણીમાં વોર્ડ નંબર 132 માંથી ભવ્ય વિજય મેળવ્યો હતો. ગ્રાઉન્ડ લેવલ પર તેમની પકડ અને વહીવટી અનુભવને કારણે જ પક્ષે મુંબઈ જેવી મહત્વની મહાનગરપાલિકાનું સુકાન સોંપવાનું નક્કી કર્યું છે. તેમના મેયર બનવાથી મુંબઈના પાયાના પ્રશ્નો, ખાસ કરીને શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે મોટા ફેરફારો આવવાની અપેક્ષા છે.

February 8, 2026
image-9.png
1min70

ભોજનના માધ્યમથી શરીરમાં ફેલાઈ રહ્યા છે રેઝિસ્ટન્સ બેક્ટેરિયા, સરકારે 37 એન્ટી માઈક્રોબિયલ દવા બૅન કરી

ભારતમાં એન્ટિમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ (AMR) હવે એક ગંભીર સ્વાસ્થ્ય સંકટ બની રહ્યું છે. હોસ્પિટલની દવાઓથી આગળ વધીને હવે આ પ્રતિરોધક બેક્ટેરિયા ખોરાક (માંસ, દૂધ, ઈંડા) દ્વારા સીધા માણસોના શરીરમાં પ્રવેશી રહ્યા છે. પરિસ્થિતિની ગંભીરતા જોતા કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લેતા પશુપાલન અને માછીમારીમાં વપરાતી 37 જેટલી એન્ટિમાઇક્રોબાયલ દવાઓ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લાદી દીધો છે.

વિશ્વમાં ઉત્પાદિત થતી દર ત્રણમાંથી બે એન્ટિબાયોટિક્સનો ઉપયોગ માણસોની સારવાર માટે નહીં, પરંતુ દૂધ, માંસ અને ઈંડાનું ઉત્પાદન વધારવા માટે પશુ-પંખીઓ પર કરવામાં આવે છે. આ આડેધડ ઉપયોગને કારણે બેક્ટેરિયા દવાઓ સામે રક્ષણ મેળવી લે છે (રેઝિસ્ટન્ટ બની જાય છે) અને જ્યારે માણસ આવા ઉત્પાદનોનું સેવન કરે છે, ત્યારે સામાન્ય ચેપની સારવારમાં પણ દવાઓ અસર કરતી નથી. ત્યારે સરકારે 18 એન્ટિબાયોટિક્સ,18 એન્ટિવાયરલ અને એક એન્ટિ-પ્રોટોઝોઆન દવાઓ પ્રતિબંધ મુક્યો છે.

ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ સ્પષ્ટ કર્યું છે કે દૂધ, માંસ અને માછલીના ઉત્પાદનમાં એન્ટિબાયોટિક્સનો ઉપયોગ કરવો હવે ગુનો બનશે. ભારતીય કૃષિ સંશોધન પરિષદના વૈજ્ઞાનિકો મુજબ, ખેડૂતોમાં જાગૃતિનો અભાવ અને નબળી જૈવ સુરક્ષા (Bio-security) આ સંકટને વધુ ગંભીર બનાવી રહ્યા છે.

મેડિકલ જર્નલ ‘ધ લેન્સેટ’ ના રિપોર્ટ અનુસાર, ભારતીય હોસ્પિટલોમાં આવતા 83% દર્દીઓમાં ‘મલ્ટી ડ્રગ્સ રેઝિસ્ટન્ટ’ બેક્ટેરિયા જોવા મળે છે. જો આ સ્થિતિ ચાલુ રહેશે, તો વર્ષ 2025 થી 2050 વચ્ચે વિશ્વમાં દર વર્ષે 3.9 કરોડ લોકો AMR ના કારણે જીવ ગુમાવી શકે છે. સામાન્ય શરદી કે તાવમાં અપાતી એન્ટિબાયોટિક્સ હવે ઘણાં દર્દીઓ પર બિનઅસરકારક સાબિત થઈ રહી છે.

આ પ્રતિરોધક બેક્ટેરિયા માત્ર ખોરાક જ નહીં, પરંતુ પશુઓના મળ-મૂત્ર દ્વારા જમીન અને પાણીના સ્ત્રોતોને પણ દૂષિત કરી રહ્યા છે. આનો અર્થ એ છે કે આ સંકટ હવે માત્ર હોસ્પિટલ પૂરતું મર્યાદિત નથી, પરંતુ આપણા જંગલો, નદીઓ અને ખેતરોમાં પણ ફેલાઈ ચૂક્યું છે.

•ડૉક્ટરની સલાહ વગર ક્યારેય એન્ટિબાયોટિક ન લેવી.
•ખોરાકને બરાબર રાંધીને ખાવો.
•જૈવિક કૃષિ અને પશુપાલન પેદાશોને પ્રાધાન્ય આપવું.

February 7, 2026
image-8.png
1min99

હોળીના પવિત્ર તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગુજરાત, મુંબઈ અને દિલ્હી જેવા દેશના વિવિધ ભાગોમાં રહેતા લોકો માટે ભારતીય રેલવેએ ખુશીના સમાચાર આપ્યા છે. તહેવાર નિમિત્તે વતન જનારા મુસાફરોની ભારે ભીડને પહોંચી વળવા માટે રેલવે તંત્ર દ્વારા વિવિધ રૂટ પર કુલ 94 સ્પેશિયલ ટ્રેનો દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે.

રેલવે વિભાગના જણાવ્યા અનુસાર, હોળી દરમિયાન મુસાફરોને ટિકિટ માટે પડતી મુશ્કેલીઓ નિવારવા પૂર્વ રેલવે દ્વારા આ વિશેષ ટ્રેનોનું આયોજન કરવામાં આવ્યું છે. રેલવેએ સ્પષ્ટ કર્યું છે કે મુસાફરોની માગને ધ્યાનમાં રાખીને આ સ્પેશિયલ સર્વિસ શરૂ કરવામાં આવી રહી છે અને જો જરૂર પડશે તો આગામી દિવસોમાં ચોક્કસ રૂટ પર વધુ ટ્રેનો પણ દોડાવવામાં આવશે.

કયા રૂટ પર કેટલી ટ્રેનો દોડશે?

ગુજરાત-મુંબઈ કનેક્ટિવિટી: માલદા ટાઉન અને ઉધના (સુરત, ગુજરાત) વચ્ચે 8 ટ્રેનો તેમજ માલદા અને મુંબઈ વચ્ચે કિઉલ-પટના થઈને 8 સ્પેશિયલ ટ્રેનો દોડશે.

ઉત્તર પ્રદેશ-બિહાર રૂટ: કોલકાતા અને રક્સૌલ વચ્ચે 10 ટ્રેનો, કોલકાતા અને મધુબની વચ્ચે 8 ટ્રેનો તેમજ કોલકાતા અને ગોરખપુર વચ્ચે પટના થઈને સૌથી વધુ 20 ટ્રેનો ચલાવાશે.

દિલ્હી અને પશ્ચિમ બંગાળ: હાવડા અને આનંદ વિહાર વચ્ચે 8 ટ્રેનો તથા માલદા ટાઉન અને આનંદ વિહાર વચ્ચે 8 ટ્રેનો ઝાઝા-ગયા થઈને દોડશે.

અન્ય રૂટ: હાવડા અને ખાતીપુરા વચ્ચે 8, સિયાલદહ અને પુરી વચ્ચે 8, આસનસોલ અને ગોરખપુર વચ્ચે 6 તેમજ કોલકાતા અને ન્યૂ જલપાઈગુડી વચ્ચે 2 સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનું આયોજન છે.

રેલવેની આ વિશેષ સેવાથી હોળીના તહેવારમાં વતન જતા લાખો મુસાફરોને મોટી રાહત મળશે. ખાસ કરીને કન્ફર્મ ટિકિટ ન મળવાની સમસ્યા હળવી થશે અને મુસાફરો સુવિધાજનક રીતે મુસાફરી કરી શકશે. તહેવારના સમયે ખાનગી ટ્રાવેલ્સ દ્વારા વસૂલવામાં આવતા મસમોટા ભાડામાંથી પણ મુસાફરોને મુક્તિ મળશે અને શ્રદ્ધાળુઓ તેમજ પ્રવાસીઓ શાંતિથી પોતાના પરિવાર સાથે તહેવારની ઉજવણી કરી શકશે.

February 7, 2026
image-7.png
1min84

આજ 07/02/2026 થી ક્રિકેટના સૌથી ટૂંકા અને રોમાંચક ફોર્મેટ એવા ટી20 વર્લ્ડ કપ 2026નો શંખનાદ થવા જઈ રહ્યો છે. ભારત અને શ્રીલંકાની યજમાનીમાં રમાનારા આ મહાકુંભમાં કુલ 20 ટીમો ભાગ લઈ રહી છે. આ વખતે મેદાન પર રમાનારી મેચોની સાથે-સાથે મેદાનની બહારની રાજનીતિ અને વિવાદો પણ ચર્ચાના કેન્દ્રમાં રહ્યા છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત આ વખતે સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપમાં પોતાનો ખિતાબ બચાવવા મેદાનમાં ઉતરશે.

વર્લ્ડ કપના પ્રથમ દિવસે ક્રિકેટ પ્રેમીઓને ત્રણ મેચનો ડોઝ મળશે. ઉદ્ઘાટન મેચ સવારે 11 વાગ્યે કોલંબોમાં પાકિસ્તાન અને નેધરલેન્ડ વચ્ચે રમાશે. ત્યારબાદ બપોરે 3 વાગ્યે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં વેસ્ટ ઈન્ડિઝ અને સ્કોટલેન્ડ વચ્ચે ટક્કર થશે. દિવસની સૌથી લોકપ્રિય મેચ સાંજે 7 વાગ્યે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે, જ્યાં યજમાન ભારત અને અમેરિકાની ટીમો આમને-સામને હશે.

રોહિત શર્મા અને વિરાટ કોહલીની વિદાય બાદ ભારતીય ટીમ સંપૂર્ણપણે નવા અવતારમાં જોવા મળશે. સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની આ ટીમ સૌથી સંતુલિત માનવામાં આવી રહી છે. ઓપનિંગમાં ઈશાન કિશન અને અભિષેક શર્માની જોડી જોવા મળી શકે છે. નિષ્ણાતોના મતે ભારત આ વખતે યજમાન દેશ વર્લ્ડ કપ ન જીતી શકે તેવો મિથક તોડી શકે છે. હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ અને જસપ્રીત બુમરાહ જેવા દિગ્ગજો ટીમની તાકાત છે.

ટુર્નામેન્ટની શરૂઆત પહેલા જ સુરક્ષા અને IPL કોન્ટ્રાક્ટ વિવાદને કારણે બાંગ્લાદેશે ભારતમાં રમવાનો ઇનકાર કર્યો હતો, જેના સમર્થનમાં પાકિસ્તાને પણ ભારત સામેની મેચનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. જોકે, ICC એ સ્પષ્ટ કર્યું છે કે ટુર્નામેન્ટ નિર્ધારિત સમયપત્રક મુજબ જ ચાલશે. આ વિવાદો વચ્ચે નેપાળ અને ઈટાલી જેવી એસોસિએટ ટીમો પણ આ વખતે મોટો ઉલટફેર કરવા તૈયાર છે.

February 7, 2026
image-6.png
1min76

મુંબઈના ઑલરાઉન્ડર આયુષ મ્હાત્રેની કૅપ્ટન્સીમાં ભારતે અહીં શુક્રવારે ઇંગ્લૅન્ડને અન્ડર-19 વન-ડે વર્લ્ડ કપની ફાઇનલમાં 100 રનથી કચડીને વિક્રમજનક છઠ્ઠી વખત આ જુનિયર ફૉર્મેટનો તાજ જીતી લીધો હતો. બિહારનો વૈભવ સૂર્યવંશી (175 રન, 80 બૉલ, 15 સિક્સર, 15 ફોર) આ વિજયનો સુપરસ્ટાર હતો.

ભારતે 50 ઓવરમાં નવ વિકેટે 411 રન કર્યા બાદ બ્રિટિશ ટીમ 40.2 ઓવરમાં 311 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ હતી અને એ સાથે ભારતના જુનિયર ક્રિકેટરોએ મેદાન પર જશન શરૂ કરી દીધું હતું. ખરેખર તો વૈભવ (VAIBHAV)ના 175 રનની ફટકાબાજી વખતે જ બ્રિટિશ ટીમ હિંમત હારી ગઈ હોય એવું લાગતું હતું. વૈભવે 32 બૉલમાં 50 રન, પંચાવન બૉલમાં 100 રન અને 71 બૉલમાં 150 રન પૂરા કર્યા હતા. આ દમામદાર વિજય સાથે ભારતે (INDIA) મેન્સ જુનિયર ક્રિકેટમાં વર્ચસ્વ વધુ મજબૂત કર્યું છે.

મોડાસાના ખિલન પટેલે ઝીલ્યો છેલ્લો કૅચ

મૂળ મોડાસાના સ્પિનર ખિલન પટેલે કનિષ્ક ચૌહાણના બૉલમાં બ્રિટિશ સેન્ચુરિયન કૅલેબ ફાલ્કનર (115 રન, 67 બૉલ, સાત સિક્સર, નવ ફોર)નો બૅકવર્ડ પૉઇન્ટ પર નીચો કૅચ ઝીલીને અફલાતૂન ફીલ્ડિંગની ઝલક આપી હતી અને એ સાથે જ ટાઇટલ ભારતના નામે લખાઈ ગયું હતું. ઇંગ્લૅન્ડ (ENGLAND)ની ટીમે 412 રનના લક્ષ્યાંક સામે જોરદાર લડત આપી હતી, પણ તેમના માટે શરૂઆતથી જ એ લક્ષ્યાંક મહાકાય હતો અને છેવટે તેઓ એ બોજ નીચે દબાઈ ગયા હતા અને હારી ગયા.

કૅલેબ ફાલ્કનર અને જેમ્સ મિન્ટો (41 બૉલમાં 28 રન) વચ્ચે આઠમી વિકેટ માટે 92 રનની ભાગીદારી થઈ હતી. એ પાર્ટનરશિપે ભારતીયોને ખૂબ હંફાવ્યા હતા અને વિજય માટે ભારતને રાહ જોવડાવી હતી. જોકે પેસ બોલર અંબરિશે મિન્ટોને આઉટ કરીને તોડી હતી. સબસ્ટિટ્યૂટ મોહમ્મદ એન્નાને તેનો કૅચ ઝીલ્યો હતો. ઇંગ્લૅન્ડે બાવીસ ઓવરમાં 175 રન કર્યા હતા, પરંતુ એમાં એણે પાંચ વિકેટ ગુમાવી દીધી હતી.

એ પહેલાં, વૈભવ સૂર્યવંશીની (1983ના કપિલ દેવની ઝિમ્બાબ્વે સામેની અણનમ 175 રન જેવી) 175 રનની ધમાકેદાર બૅટિંગ પરથી પ્રેરણા લઈને ભારતીય બૅટ્સમેનોએ ઇંગ્લૅન્ડ સામે છેક છેલ્લા બૉલ સુધી ફટકાબાજી કરી હતી અને 50 ઓવરમાં નવ વિકેટે 411 રન બનાવીને બ્રિટિશ ટીમને 412 રનનો તોતિંગ લક્ષ્યાંક આપ્યો હતો. ભારતના 400-પ્લસ રન આ ટૂર્નામેન્ટનો તમામ ટીમોમાં હાઇએસ્ટ સ્કોર છે.

જો વૈભવ સૂર્યવંશી ક્રીઝ પર વધુ ટક્યો હોત તો ભારતે કદાચ 500 રન પણ બનાવી લીધા હોત. કૅપ્ટન આયુષ મ્હાત્રે (53 રન, 51 બૉલ, બે સિક્સર, સાત ફોર), અભિજ્ઞાન કુન્ડુએ (40 રન, 31 બૉલ, એક સિક્સર, છ ફોર), કનિષ્ક ચૌહાણ (અણનમ 37 રન, 20 બૉલ, એક સિક્સર, ત્રણ ફોર), વેદાંત ત્રિવેદી (32 રન, 36 બૉલ, ત્રણ ફોર) અને વિહાન મલ્હોત્રા (30 રન, 36 બૉલ, બે ફોર)ના પણ ભારતના 9/411ના સ્કોરમાં મહત્ત્વના યોગદાન હતા.

February 5, 2026
image-5.png
1min91

ભારતીય અન્ડર-19 ક્રિકેટ ટીમનો વિજય ઉત્સવ અને સેન્ચુરી ફટકારનાર બેટ્સમેન આરોન જ્યોર્જ.
સેમિ ફાઇનલમાં કેરળના આરૉનની વિનિંગ સેન્ચુરી અને અમદાવાદના વેદાંત ત્રિવેદીનો વિનિંગ શૉટઃ શુક્રવારે ઇંગ્લૅન્ડ સામે ફાઇનલ

મેન્સ અન્ડર-19 વન-ડે વર્લ્ડ કપ (U-19 WORLD CUP)માં ભારતે જબરદસ્ત પર્ફોર્મ કરીને 10મી વખત ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ભારત (INDIA) પાંચ વખત ટાઇટલ જીત્યું છે અને ચાર વાર રનર-અપ રહ્યું છે.

ઝિમ્બાબ્વેના હરારેમાં ભારતે અફઘાનિસ્તાન સામે 311 રનનો લક્ષ્યાંક માત્ર 41.1 ઓવરમાં ત્રણ જ વિકેટના ભોગે (53 બૉલ અને સાત વિકેટ બાકી રાખીને) મેળવી લીધો હતો. અન્ડર-19 વર્લ્ડ કપના ઇતિહાસમાં 311 રનનો સૌથી મોટો ટાર્ગેટ સફળતાપૂર્વક મેળવીને ભારતે નવો ઇતિહાસ રચ્યો છે. અમદાવાદના વેદાંત ત્રિવેદી (પાંચ અણનમ)એ વિનિંગ રન બનાવ્યો હતો.

આપણ વાચો: અન્ડર-19 વર્લ્ડ કપમાં આજે ભારતની સેમિ ફાઈનલ, અફઘાનિસ્તાન સામે 10-2નો જીત-હારનો રેશિયો

ઓપનર આરોન જ્યોર્જ (115 રન, 104 બૉલ, બે સિક્સર, પંદર ફોર) આ જીતનો સુપરસ્ટાર હતો. તે 40મી ઓવરમાં ભારતને 300 રન સુધી પહોંચાડ્યા બાદ આઉટ થયો હતો. ભારતે આ સેમિ ફાઇનલ જીતી લીધી અને હવે શુક્રવારે, છઠ્ઠી ફેબ્રુઆરીએ (બપોરે 1.00 વાગ્યાથી) હરારેમાં જ ભારતનો ઇંગ્લૅન્ડ સામે ફાઇનલમાં મુકાબલો થશે.

વૈભવ સૂર્યવંશી (68 રન, 33 બૉલ, ચાર સિક્સર, નવ ફોર)ની વિકેટ ગુમાવ્યા પછી આરૉન જ્યોર્જ અને કૅપ્ટન આયુષ મ્હાત્રે (62 રન, 59 બૉલ, ચાર સિક્સર, પાંચ ફોર) વચ્ચે બીજી વિકેટ માટે 114 રનની મોટી ભાગીદારી થઈ હતી.

સૂર્યવંશીની જેમ મ્હાત્રેએ પણ વિકેટ ગુમાવતાં પહેલાં ભારતને વિજય માટે મજબૂત પાયો નાખી આપ્યો હતો. તેની વિકેટ બાદ ઓપનર જ્યોર્જ સાથે વિહાન મલ્હોત્રા (38 અણનમ, 47 બૉલ, ત્રણ ફોર) જોડાયો હતો અને છેલ્લે વિહાને વેદાંત સાથે મળીને 11 રનની મહત્ત્વપૂર્ણ અતૂટ ભાગીદારીથી ભારતની નૌકા પાર કરાવી હતી. અફઘાનિસ્તાનના નૂરીસ્તાની ઓમરઝાઇએ સૌથી વધુ બે વિકેટ લીધી હતી.

એ પહેલાં, અફઘાનિસ્તાને બૅટિંગ લીધા બાદ 50 ઓવરમાં ચાર વિકેટે 310 રન કર્યા અને ભારતને 311 રનનો તોતિંગ લક્ષ્યાંક આપ્યો ત્યારે એવું લાગતું હતું કે ભારત માટે આ ટાર્ગેટ મુશ્કેલ બની શકે. જોકે હાર્ડ હિટર્સથી ભરેલી ભારતીય ટીમની બૅટિંગ લાઇન-અપ આ ટૂર્નામેન્ટમાં શરૂઆતથી જ ભરોસાપાત્ર રહી છે અને આ લાઇન-અપ છેક છઠ્ઠા-સાતમા નંબર સુધીની હોવાથી ભારતના વિજયની સંભાવના વધુ હતી અને ભારતે જીતીને બતાવ્યું.

અફઘાનિસ્તાન વતી ફૈસલ શિનોઝાદા (93 બૉલમાં 110 રન) અને ઉઝૈરુલ્લા નિયાઝાઇ (86 બૉલમાં અણનમ 101)ની સેન્ચુરીએ ભારત માટે જીતવું મુશ્કેલ કરી દીધું હતું, પરંતુ ભારતના ટૉપ-ઑર્ડરે અફઘાનિસ્તાનને પરાજય તરફ ધકેલી દીધું. ભારતના છ બોલર અફઘાની બૅટ્સમેનોને કાબૂમાં નહોતા રાખી શક્યા.

ફૈસલ-ઉઝૈરુલ્લા વચ્ચે ત્રીજી વિકેટ માટે 148 રનની ભાગીદારી થઈ હતી. દીપેશ દેવેન્દ્રન તથા કનિષ્ક ચૌહાણને બે-બે વિકેટ મળી હતી. હેનિલ પટેલ, ખિલન પટેલ, આર. એસ. અંબરિશ અને કૅપ્ટન આયુષ મ્હાત્રેને વિકેટ નહોતી મળી. ઉલ્લેખનીય છે કે ઇંગ્લૅન્ડની ટીમ મંગળવારની સેમિ ફાઇનલમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયાને હરાવીને ફાઇનલમાં પહોંચ્યું હતું.

February 5, 2026
CHAMBER-EPE-feb-2026-1280x853.jpg
2min169

સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે 6થી 8 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે ઇ.પી.ઇ. એક્ષ્પો

ઇન્ડસ્ટ્રીગવર્નમેન્ટ પાર્ટનરશિપ દ્વારા ગ્રીન એનર્જી અને પાવર સેકટરના ભવિષ્યને નવી દિશા આપવા ચેમ્બર ઓફ કોમર્સનો પ્રયાસ

સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના સંયુકત ઉપક્રમે તા. ૬, ૭ અને ૮ ફેબ્રુઆરી, ર૦ર૬ના રોજ સવારે ૧૦:૦૦થી સાંજે ૭:૦૦ કલાક દરમ્યાન સુરત ઇન્ટરનેશનલ એકિઝબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર, સરસાણા, સુરત ખાતે ‘એનર્જી–પાવર–ઇલેકિટ્રકલ એક્ષ્પો ર૦ર૬’નું આયોજન કરવામાં આવ્યું છે.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, ચેમ્બર દ્વારા ઊર્જા, પાવર અને ઇલેકિટ્રકલ ક્ષેત્રના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને ‘એનર્જી–પાવર–ઇલેકિટ્રકલ એક્ષ્પો ર૦ર૬’નું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્ષ્પો માત્ર એક એકિઝબિશન નથી, પરંતુ ઊર્જા ક્ષેત્રની અદ્યતન ટેકનોલોજી, નવીન ઉત્પાદનો અને સસ્ટેનેબલ સોલ્યુશન્સ માટે એક મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડશે. સરકારની નીતિઓ, પીએસયુઝની ક્ષમતા અને ઔદ્યોગિક એકમોની નવીનતા – આ ત્રણેય વચ્ચે અસરકારક જોડાણ સ્થાપિત કરવાનો અમારો મુખ્ય હેતુ છે. ‘પાવરીંગ ધ ફયુચર – ટુડે’ના થીમ હેઠળ આ એકિઝબીશન દ્વારા ગ્રીન એનર્જી, સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર અને આત્મનિર્ભર ભારતના વિઝનને મજબૂતી મળશે.

તા. ૬ ફેબ્રુઆરી, ર૦ર૬ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે એકિઝબિશન ડોમમાં ઉદ્‌ઘાટન સમારોહ યોજાશે, જેમાં ઉદ્‌ઘાટક તરીકે બિહારના માનનીય રાજ્યપાલ શ્રી આરીફ મોહમ્મદ ખાન પધારશે અને તેમના વરદ્‌ હસ્તે એકિઝબિશનનું ઉદ્‌ઘાટન કરવામાં આવશે. આ સમારોહમાં કે.પી. ગૃપના ડિરેકટર શ્રી અફાન ફારૂક પટેલ અતિથિ વિશેષ તરીકે સ્થાન શોભાવશે.

ચેમ્બરના ઉપપ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, સુરતના ર૯ તથા અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર, પૂણે, મુંબઇ અને ગાઝિયાબાદના મળી કુલ ૬૦ એકિઝબિટર્સ દ્વારા એક્ષ્પોમાં ભાગ લેવામાં આવ્યો છે, જેમાં ૬પ ટકા મેન્યુફેકચરર્સ અને ૩પ ટકા ટ્રેડર્સ અને ડિસ્ટ્રીબ્યુટર્સનો સમાવેશ થાય છે. એકિઝબિટર્સ દ્વારા રિન્યુએબલ એન્ડ કિલન એનર્જી સેકટર, સપોર્ટીંગ સર્વિસિસ એન્ડ સોલ્યુશન્સ, ઇલેકિટ્રકલ ઇકિવપમેન્ટ અને કોમ્પોનન્ટસ અને સસ્ટેનેબિલિટી અને ગ્રીન ટેક સેગમેન્ટમાં વિવિધ પ્રોડકટનું પ્રદર્શન કરાશે. આ એક્ષ્પોમાં વિવિધ રાજ્યોના ગવર્નમેન્ટ વિભાગો, પીએસયુઝ (પબ્લિક સેકટર અન્ડરટેકિંગ્સ) તેમજ કોર્પોરેટ સેગમેન્ટ્‌સ ભાગ લેશે અને પોતાની નવીન યોજનાઓ, ઉત્પાદનો અને સેવાઓનું પ્રદર્શન કરશે.

ચેમ્બરના તત્કાલિન પૂર્વ પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે, ઉપરોક્ત તમામ સેગમેન્ટ્‌સના એકિઝબિટર્સ આ એક્ષ્પોમાં ભાગ લેશે અને પોતાની અદ્યતન પ્રોડકટ્‌સ, ટેકનોલોજી તથા સેવાઓનું પ્રદર્શન કરશે. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત આ એક્ષ્પો ઉદ્યોગ સાહસિકો, રોકાણકારો, નીતિ નિર્માતાઓ, ટેકનોલોજી પ્રોવાઇડર્સ તેમજ વિદ્યાર્થીઓ માટે નેટવર્કિંગ, બિઝનેસની તકો અને જ્ઞાન વિનિમય માટે એક મહત્વપૂર્ણ મંચ પૂરું પાડશે.

ચેમ્બરના માનદ્‌ મંત્રી શ્રી બિજલ જરીવાલાએ જણાવ્યું હતું કે, આ એક્ષ્પોનો હેતુ ઉદ્યોગ, સરકાર અને ટેકનોલોજી વચ્ચે મજબૂત સહયોગ સ્થાપિત કરવાનો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના વિભાગો, પીએસયુઝ, ઔદ્યોગિક એકમો, સ્ટાર્ટઅપ્સ અને રિસર્ચ સંસ્થાઓને એક જ પ્લેટફોર્મ પર લાવી નવીનતા અને રોકાણ વચ્ચેનું અંતર ઘટાડવાનો આ એક્ષ્પોનો મુખ્ય ઉદ્દેશ છે. ઊર્જા સુરક્ષા, સસ્ટેનેબલ વિકાસ અને ગ્રીન ટ્રાન્ઝિશનને પ્રોત્સાહન આપતા આ એક્ષ્પો દ્વારા નીતિ નિર્માતાઓ અને ઉદ્યોગકારો વચ્ચે સીધો સંવાદ શકય બનશે.

ચેમ્બરના માનદ્‌ ખજાનચી સીએ મિતિષ મોદીએ જણાવ્યું હતું કે, રિન્યુએબલ એન્ડ કિલન એનર્જી સેકટરમાં સોલાર ફોટોવોલ્ટેઇક સિસ્ટમ્સ, (પીવી પેનલ્સ, ઇન્વર્ટર્સ, માઉન્ટિંગ સિસ્ટમ્સ), વિન્ડ એનર્જી સોલ્યુશન્સમાં બાયોમાસ અને બાયોએનર્જી ટેકનોલોજી, હાઇડ્રો પાવર સિસ્ટમ્સમાં એનર્જી સ્ટોરેજ (બેટરીઝ, સુપરકેપેસિટર્સ, બીએમએસ), ગ્રીન હાઇડ્રોજન અને ફ્‌યુઅલ સેલ ટેકનોલોજી, ન્યુક્લિયર પાવર સોલ્યુશન્સ અને ઇવી શીટ મેન્યુફેકચરર્સ દ્વારા તેઓની પ્રોડકટનું પ્રદર્શન કરવામાં આવશે.

ચેમ્બરના ઓલ એકિઝબિશન્સ ચેરમેન શ્રી કિરણ ઠુંમરે જણાવ્યું હતું કે, સપોર્ટીંગ સર્વિસિસ એન્ડ સોલ્યુશન્સમાં ઇપીસી કોન્ટ્રાકટર્સ અને એન્જિનિયરિંગ સર્વિસિસ, રિન્યુએબલ એનર્જી ફાઇનાન્સ અને ઇન્શ્યોરન્સ, સર્ટિફિકેશન, કોમ્પ્લાયન્સ અને ટેસ્ટિંગ લેબ્સ, કન્સલ્ટિંગ અને પ્રોજેકટ ડેવલપમેન્ટ ફર્મ્સ, ગવર્નમેન્ટ અને પબ્લિક સેકટર, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સંસ્થાઓ અને સ્ટાર્ટઅપ્સ, સર્ટિફિકેશન એજન્સીઝ, પી.એમ.સી. (પ્રોજેકટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી), એ.એમ.સી. (એન્યુઅલ મેઇન્ટેનન્સ કોન્ટ્રાકટ), સ્કેડયુલિંગ એન્ડ ફોરકાસ્ટીંગ એજન્સીઝ, સ્કાડા સિસ્ટમ પ્રોવાઇડર્સ તેઓની પ્રોડકટનું પ્રદર્શન કરશે.

ચેમ્બરના ઓલ એકિઝબિશન્સ કો–ચેરમેન શ્રી નિરવ માંડલેવાલાએ જણાવ્યું હતું કે, ઇલેકિટ્રકલ ઇકિવપમેન્ટ અને કોમ્પોનન્ટસમાં કેબલ્સ અને કન્ડકટર્સ, સ્વિચેસ, સર્કિટ બ્રેકર્સ અને રિલેઝ, કેપેસિટર્સ, ઇન્ડકટર્સ અને રેસિસ્ટર્સ, ઇલેકિટ્રકલ એન્ક્લોઝર્સ અને કંટ્રોલ સિસ્ટમ્સ (વીસીબી પેનલ, એચ.ટી./એલ.ટી. પેનલ્સ), પાવર ટૂલ્સ અને ટેસ્ટ ઇકિવપમેન્ટ, ઇલેકિટ્રક મોટર્સ, ડ્રાઇવ્સ અને જનરેટર્સનું પ્રદર્શન કરાશે.

એનર્જી–પાવર–ઇલેકિટ્રકલ એક્ષ્પોના એડવાઇઝર શ્રી દીપક કુમાર શેઠવાલા અને ચેરમેન શ્રી ભાવેશ ટેલરે જણાવ્યું હતું કે, સસ્ટેનેબિલિટી અને ગ્રીન ટેક સેગમેન્ટમાં એનર્જી મેનેજમેન્ટ સિસ્ટમ્સ (ઇ.એમ.એસ.), આઇ.ઓ.ટી. અને એ.આઇ. આધારિત એનર્જી મોનિટરિંગ, બિલ્ડિંગ એનર્જી એફિશિયન્સી સોલ્યુશન્સ, ઇવી ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રકચર, બેટરી રિસાયકલિંગ અને સકર્યુલર ટેકનોલોજી, પાવર જનરેશન અને ડિસ્ટ્રિબ્યુશન, પાવર પ્લાન્ટ્‌સ અને જનરેશન ઇકિ્‌વપમેન્ટ (કન્વેન્શનલ અને હાઇબ્રિડ), સ્માર્ટ ગ્રિડ્‌સ અને માઇક્રોગ્રિડ્‌સ, પાવર ટ્રાન્સફોર્મર્સ અને સબસ્ટેશન્સ, ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન  ઇકિ્‌વપમેન્ટ, કંટ્રોલ પેનલ્સ અને સ્વિચગિયર, લોડ મેનેજમેન્ટ સિસ્ટમ્સ, હાઇ વોલ્ટેજ અને લો વોલ્ટેજ ઇકિવપમેન્ટ, એચ.ટી.એમ.સી., મીટર્સ, ડીજી સેટ્‌સનું પ્રદર્શન કરવામાં આવશે.

એકિઝબિશનની મુલાકાત માટે અહીં આપેલી ગુગલ લીન્ક expo.sgcci.in/epe26 પર વિના મૂલ્યે વિઝિટર રજિસ્ટ્રેશન કરી શકાશે.