મહારાષ્ટ્રમાં આજથી ‘પ્લાસ્ટિક Ban’: ગુજરાતમાં ક્યારથી?
તા.23 જુન 2018
મહારાષ્ટ્ર સરકારે જાહેર કરેલા પ્લાસ્ટિક પરના પ્રતિબંધનો અમલ આજથી થઈ રહ્યો છે. મહારાષ્ટ્ર સરકારે એક વપરાશ કરીને ફેંકી દેવામાં આવતી પ્લાસ્ટિક વસ્તુઓ જેવી કે થેલી, પ્લેટ, કપ, ચમચી તેમ જ આવી જ થર્મોકોલથી બનેલી વસ્તુઓના મેન્યુફેક્ચર, વપરાશ, વેચાણ, વિતરણ અને સંગ્રહ પર પ્રતિબંધ મૂકી દીધો છે.

પ્લાસ્ટિક વિક્રેતા અને મેન્યુફેક્ચરરને સ્ટોક પૂરો કરવા મુદત આપી હતી
મહારાષ્ટ્ર સરકારે પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર તેમજ પ્લાસ્ટિક વિક્રેતાઓને ત્રણ મહિના સ્ટોકને પૂરો કરવા કે નાશ કરવા માટે આપ્યા હતા. આ મુદત ગઇકાલ તા.22મી જૂને પૂરી થઇ જવા પામી છે. આ સાથે રાજ્ય સરકાર અને પાલિકાઓ દ્વારા ખાસ જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે.
મહારાષ્ટ્રના પર્યાવરણ પ્રધાન રામદાસ કદમે લોકોને વિશ્ર્વાસ આપ્યો હતો કે સામાન્ય જનતા અને નાના વેપારીઓને રંજાડવામાં નહીં આવે, પરંતુ દોષી મેન્યુફેક્ચરર પર જ સખત કાર્યવાહી કરવા પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે.
સરકારે નક્કી કરેલા દંડની રકમ બહુ મોટી હોવાની ફરિયાદો અંગે તેમણે જણાવ્યું હતું કે જેઓ કાયદાનો ભંગ કરશે તેમની માટે દંડ છે, જો તમે ભંગ જ નહીં કરો તો દંડ આપવાની કોઈ જરૂરત નથી. દંડની રકમ ઓછી કરવાનો તેમણે ઈનકાર કર્યો હતો. તેમણે રિટેલ પેકેજિંગ કંપનીઓને ત્રણ મહિનાનો સમય આપવામાં આવ્યો છે. તેમણે પ્લાસ્ટિકના રિસાઈકલિંગ મામલે સોગંદનામું આપવાનું રહેશે. તેમના સોગંદનામાને હાઈ પાવર કમિટી સામે રજૂ કરવામાં આવશે.
અન્ય રાજ્યોમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિક આયાત કરનારા સીધા જેલમાં જશે

અન્ય રાજ્યોમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિક લાવનારાને સીધા જેલમાં ધકેલાય જશે એમ રામદાસ કદમે જણાવ્યું હતું. મહારાષ્ટ્રમાં પ્લાસ્ટિક મેન્યુફેક્ચરિંગ બહુ ઓછું થાય છે અને મોટા ભાગની પ્લાસ્ટિકની વસ્તુઓ ગુજરાત અથવા અન્ય રાજ્યોમાંથી આવે છે. તેમણે અગાઉ પણ જણાવ્યું હતું કે ૮૦ ટકા પ્લાસ્ટિક આઈટમ ગુજરાતમાંથી આવે છે. જો આમ થતાં કોઈ પકડાશે તો તેમને ૨૦૦૬ના વેસ્ટ મેનેજમેન્ટ એકટ હેઠળ ત્રણ મહિનાની જેલની સજા થશે.
મહારાષ્ટ્ર હાઇકોર્ટે પણ પ્લાસ્ટિક વિક્રેતાઓને દાદ ન અાપી
મહારાષ્ટ્ર સરકારે મુંબઇ હાઇ કોર્ટને જણાવ્યું હતું કે બધી જ સ્થાનિક સંસ્થાઓને પ્લાસ્ટિકની વસ્તુઓ અને કચરાના કલેક્શન, પરિવહન અને નિકાલ માટે યંત્રણા વિકસાવવા આદેશ આપવામાં આવ્યો છે. 23મી માર્ચના રોજ રાજ્ય સરકારે નોટિફિકેશન જારી કરીને પ્લાસ્ટિકના વપરાશ, વેચાણ, વિતરણ અને સંગ્રહ પર પ્રતિબંધ મૂક્યો છે, જેમાં પ્લાસ્ટિકની ચમચી, પ્લેટ્સ, પેટ બોટલ્સ વગેરેનો સમાવેશ થાય છે. સરકાર દ્વારા મૂકવામાં આવેલો પ્રતિબંધ આપખુદ, કાયદાની દ્રષ્ટિએ ખરાબ અને લોકોની આજીવિકા રળવાના મૂળભૂત અધિકારનો ભંગ કરનારો છે, એમ જણાવી પેટ બોટલ્સ અને થર્મોકોલ મેન્યુફેક્ચરિંગ એસોસિયેશન્સ દ્વારા આ નોટિફિકેશનને જોકે હાઇ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. એપ્રિલ મહિનામાં ન્યાયમૂર્તિ અભય ઑક અને ન્યાયમૂર્તિ રિયાઝ ચાગલાની ખંડપીઠે સરકારી નોટિફિકેશન પર સ્ટે મૂકવાનો ઇનકાર કર્યો હતો.
નોટિફિકેશનમાં પ્લાસ્ટિકના ઉત્પાદકો, વિતરકો અને રિટેલરોને પ્લાસ્ટિકનો નિકાલ કરવા ત્રણ મહિનાનો સમય આપવામાં આવ્યો હતો. જોકે સામાન્ય લોકોને તેમના ઘરના પ્લાસ્ટિકની બેગ્સ સહિતની વસ્તુઓનો નિકાલ કરવા માત્ર એક મહિનાનો સમય આપવામાં આવ્યો હતો.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


