CJP કોકરોચ ફરી Active, મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર રાજીનામું નહીં આપે તો જંતરમંતર 2.0

- સીઈસી ૪૮ કલાકમાં રાજીનામું નહીં આપે તો જંતરમંતર ૨.૦ની દીપકેની ચેતવણી
- જ્ઞાનેશ કુમાર સૌથી મોટા દેશદ્રોહી, વોટ ચોરી, કાયદા ચોરી પછી સંસ્થા ચોરી મોદી-શાહનું કાવતરું : રાહુલ ગાંધી
- મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ વિપક્ષ મહાભિયોગની દરખાસ્ત લાવશે
દેશના નાગરિકોનો મતાધિકાર છીનવવાના આક્ષેપો સાથે મુખ્ય ચૂંટણી કમિશનરના કામકાજ અંગે સવાલ ઉઠાવતા ‘કોકરોચ’ ફરી મેદાનમાં આવ્યા છે. જેન-ઝીનું નેતૃત્વ કરનારી કોકરોચ જનતા પાર્ટીએ ૪૮ કલાકમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગણી કરતા જંતર-મંતર ૨.૦ સહિત રાષ્ટ્રવ્યાપી આંદોલનની ચેતવણી આપી હતી. બીજીબાજુ ‘સર’ વિવાદ વચ્ચે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ જ્ઞાનેશ કુમારને દેશદ્રોહી ગણાવ્યા હતા. સાથે વોટ ચોરી અને સંસ્થા ચોરીના કાવતરાંમાં પીએમ મોદી અને અમિત શાહ પણ સંડોવાયેલા હોવાનો આક્ષેપ કર્યો હતો. વધુમાં વિપક્ષે જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ ફરી મહાભિયોગ લાવવાની તૈયારી શરૂ કરી છે.
‘સર’ મુદ્દે ચૂંટણી પંચનો વિવાદ સામે આવ્યા પછી કોકરોચ જનતા પાર્ટીએ ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સ કરી મુખ્ય ચૂંટણી કમિશનર પર અનેક ગંભીર આક્ષેપો કર્યા હતા. સીજેપીના સ્થાપક અભિજિત દીપકે, કો-કન્વીનર સૌરવ દાસ અને પ્રવક્તા આષુતોષ રાંકાએ જણાવ્યું કે, જ્ઞાનેશ કુમાર સૌથી મોટા દેશવિરોધી છે. તેઓ દેશના લોકતંત્ર માટે સૌથી મોટું જોખમ છે. અમારી ત્રણ માગો છે. જ્ઞાનેશ કુમારની હકાલપટ્ટી કરવામાં આવે. આગામી બધી જ ચૂંટણીઓ પર સ્ટે મૂકવામાં આવે અને એસઆઈઆર પ્રક્રિયા બંધ કરવામાં આવે.
સીજેપીએ કહ્યું, સુપ્રીમ કોર્ટ પણ આ વિવાદમાં સમાનપણે દોષિત છે. સુપ્રીમે આદેશ આપીને બધી જ એસઆઈઆર ફાઈલો જપ્ત કરીને પોતાની કસ્ટડીમાં લેવી જોઈએ. જેથી કોઈ એવો દાવો ના કરી શકે કે ફાઈલો આગમાં સળગીને ખાખ થઈ ગઈ. જ્ઞાનેશ કુમાર ૪૮ કલાકમાં રાજીનામું નહીં આપે તો જંતર-મંતર ૨.૦ સહિત રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શન શરૂ કરશે. સિસ્ટમ ઠીક ના થઈ જાય ત્યાં સુધી વિપક્ષે ચૂંટણીનો બહિષ્કાર કરવો જોઈએ. સીજેપીએ આક્ષેપ કર્યો કે ‘સર’ કામગીરી હેઠળ દેશભરમાંથી ૧૩ કરોડ મતદારોના નામ હટાવાયા છે.
અભિજિત દીપકેએ આક્ષેપ કર્યો કે, બળવાખોર જૂથોને પ્રાદેશિક પક્ષોના ચૂંટણી ચિહ્નો અને ફંડ સોંપી દેવાયા છે. આ ભાજપની શેલ કંપનીઓ છે. ભાજપ નરેન્દ્ર મોદી નહીં જ્ઞાનેશ કુમારના કારણે જીતી રહ્યો છે. જ્ઞાનેશ કુમાર એક પછી એક રાજ્યો ભાજપને જીતાડી રહ્યા છે.
બીજીબાજુ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ જ્ઞાનેશ કુમાર પર શાબ્દિક હુમલો કરતા તેમને સૌથી મોટા દેશગ્રોહી ગણાવ્યા હતા. રાહુલ ગાંધીએ ગુરુવારે કહ્યું કે, ભાજપના રાજમાં વોટ ચોરી, પછી કાયદા ચોરી અને હવે સંસ્થા ચોરી થઈ રહી છે અને તેમાં વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સંડોવાયેલા છે. જ્ઞાનેશ કુમારે તાત્કાલિક રાજીનામું આપી દેવું જોઈએ. વોટ ચોરી સાબિત કરવા માટે અમારી પાસે પર્યાપ્ત પુરાવા છે. ૨૦૨૩થી હું વોટચોરી અંગે પુરાવા સાથે અવાજ ઊઠાવી રહ્યો છું.
રાહુલ ગાંધીએ ઉમેર્યું કે, મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારની નિમણૂકની પ્રક્રિયા પર મેં સવાલ ઉઠાવ્યો હતો, પરંતુ મારા વાંધાની અવગણના કરાઈ હતી. ચૂંટણી પંચની સ્વતંત્રતા માટે ચૂંટણી કમિશનર અને મુખ્ય ચૂંટણી કમિશનરની ચૂંટણી પ્રક્રિયા કાર્યપાલિકાના પ્રભાવથી સ્વતંત્ર હોવી જોઈએ. જ્ઞાનેશ કુમારને બચાવવા માટે જ ડિસેમ્બર ૨૦૨૩માં કાયદો બનાવી ચૂંટણી કમિશનરોને કાયદાકીય કાર્યવાહી સામે ઈમ્યુનિટી અપાઈ.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now

