CIA ALERT

સુરતમાં રસ્તાને અવરોધતી મિલક્તોનું સેલ્ફ ડિમોલિશનનો ટ્રેન્ડ સેટ કરનાર : ‘ખરો લોકનેતા’ નરેન્દ્ર ગાંધીનું અનંત માર્ગે મહાપ્રયાણ

Share On :

SR રાવની ડિમોલિશન મેન તરીકેની ઇમેજ ના ખરા હકદાર અને સુરતમાં ભાજપના સૂર્યોદય (98/99) વખતના લોકનેતા નરેન્દ્ર ગાંધીનું નિધન હજારોને આઘાત આપી ગયું

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

સુરત પીપલ્સ બેંકના ડિરેક્ટર નરેન્દ્રભાઇ ગાંધી આજરોજ તા.2 ઓગસ્ટ 2020ના રોજ કોવીડ-19ની સામે ઝઝુમતા ઝઝુમતા મહાપ્રયાણે ચાલી નિકળ્યા. સમાચારે હજારો નહીં લાખો સુરતીઓને આઘાત પહોંચાડ્યો. નરેન્દ્ર ગાંધી આખા બોલા તો એવા કે કાણાને સીધું જ કાણો કહી દે. અને એટલે જ ભાજપના હાલના નેતાઓમાં અળખામણા પણ થયા. જન્મે અને કર્મે અસ્સલ સુરતી, દિલનો ચોખ્ખો માણસ, દાયકાઓ સુધી જાહેર જીવનમાં બેદાગ વ્યક્તિત્વ જીવંત રાખનાર નખશીખ પ્રમાણિક નેતા નરેન્દ્ર ગાંધી પર જો લખવા બેસું તો આખી પી.એચડી.ની થીસીસ લખી શકાય એટલા જોયા જાણ્યા છે. પોતે ડાયાબિટીશથી પીડાય છતાં ઇન્સ્યુલીનના ઇન્જેકશન જાતે જ લઇને નાસ્તાપાણી કે જમવાની વાત આવે એટલે પડ્યો બોલ ઝીલી લઇને અસ્સલ સુરતી ટેસ્ટ આસ્વાદ કરાવવા માટે જાણીતા હતા.

બાલાજી રોડ એમના માટે સુંદરવન જેવું હતું

બાલાજી રોડ પર જઇએ અને નરેન્દ્રભાઇની ઓફીસ ક્યાં એટલે કોઇપણ વ્યક્તિ સીધા ઓફિસ સુધી મૂકી જાય. કોટ વિસ્તારથી પોતાનું રહેઠાણ અઠવાલાઇન્સ બદલ્યું એ પછી પોતાના ઘરે ઓછું રહ્યા હશે પણ બાલાજી રોડ વધારે રહ્યા. કોટ વિસ્તાર અને બાલાજી રોડ જાણે એમને મન સુંદરવન હતું. બેંકનું કામ હોય કે સાર્વજનિક સોસાયટીનું કામ હોય કે પછી સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશન કે પછી સુરત મહાનગરપાલિકાનું કામ હોય, સવાર પડેને લોકો એમની પાસે પહોંચી જાય અને નરેન્દ્રભાઇ સીધા જ જે તે અધિકારી, કર્મચારીને કામ કરવાની ભલામણો કરી દે.

રાત્રે 1 વાગ્યે ભાગળ પર ડિમોલિશનની મિટીંગ કરતા જોયા છે નરેન્દ્રભાઇને

1995માં સુરતમાં ભાજપનો સૂર્યોદય થયો ગણાય. એ પહેલા કોંગ્રેસ શાસનની બોલબાલો સુરત મહાનગરપાલિકામાં હતી. 1994માં પ્લેગ નામનો રોગચાળો ફાટ્યો અને એ પછી સુરત શહેર જે ખુલ્લી ગટરો માટે વખણાતું એ શહેર દેશનું સૌથી સ્વચ્છ શહેર બનવા તરફ આગળ વધ્યું. 1995માં ભાજપે સુરત મ્યુનિસિપિલ કોર્પોરેશનની કુલ 99 સીટો પૈકી 98 પર જીત મેળવી. એ સમયે કાશીરામ રાણા, ફકીરભાઇ ચૌહાણ, અજય ચોક્સી, નરેન્દ્ર ગાંધી જેવા નેતાઓનો દબદબો હતો.

સુરતમાં તત્કાલિન મ્યુનિસિપલ કમિશનર એસ.આર. રાવે જાહેર માર્ગોને પહોળા કરવા માટે એલાન્મેન્ટમાં આવતી મિલ્કતોનું ડિમોલિશન શરૂ કર્યું. એ સમયે એવું કહેવાતું કે સુરતના રાજમાર્ગ પર ડિમોલિશન કરાવી શકે એવી કોઇની તાકાત નહીં. ના તો પોલિટીકલ ગ્રાઉન્ડ પર ના તો વહીવટી તર્જ પર. એ સમયે એસ.આર. રાવની સતત પડખે રહીને ભાજપના નેતા નરેન્દ્ર ગાંધીએ રાજમાર્ગ પરના દુકાનદારોને સમજાવટથી સેલ્ફ ડિમોલિશનનો ટ્રેન્ડ શરૂ કરાવ્યો. જોતજોતામાં રાજમાર્ગ પર એલાયન્મેન્ટનો અમલ થઇ ગયો. સેંકડો દુકાનો શહેર હિતમાં તૂટી. સુરતના મ્યુનિસિપલ કમિશનર એસ.આર. રાવને ડિમોલિશન મેનનું બિરુદ મળવા માંડ્યુ. સુરતનું અનુકરણ ગુજરાત અને ભારતના અનેક નગરોમાં શરૂ થયું. એસ. આર. રાવની ડિમોલિશન મેન તરીકેની ઇમેજ બિલ્ડીંગમાં તત્કાલિન કોર્પોરેટર નરેન્દ્ર ગાંધીનો સૌથી વધુ ફાળો રહ્યો.

શહેર હિતમાં બાપદાદાની મિલ્કતો તોડી પાડવા કોઇને તૈયાર કરવા એટલે વેચાતી લેવા જેવું કામ હતું, નરેન્દ્રભાઇએ સુપેરે કરી જાણ્યુ

દિવસ રાત જોયા વગર નરેન્દ્ર ગાંધીને સતત એસ.આર. રાવની સાથે ફરતા આ લખનારે જોયા છે. રાત્રે એક વાગ્યે ભાગળ પર પાલિકાના અધિકારીઓ સાથે ઉભા ઉભા જ લાઇનદોરીના અમલ માટે મિટીંગો કરતા નરેન્દ્રભાઇને જોયા ત્યારે લાગ્યું કે નેતા આવા પણ હોય શકે. શહેરના હિતમાં પોતાની મહામૂલી મિલકતને તોડી પાડવા માટે કોઇને સમજાવવા એટલે સીધી જ દુશ્મનાવટ વહોરવાનું એટલે કે વેચાતી લેવાનું કામ કરવાનું. પણ નરેન્દ્ર ગાંધીએ આ કામ સુપેરે પાર પાડ્યું.

પદ મળ્યું તો પણ કામ કર્યું અને ન મળ્યું તો વધારે કામ કર્યું

સુરત ભાજપામાં સૂર્યોદય સમયના નેતા નરેન્દ્ર ગાંધી સુરત મહાનગરપાલિકામાં સ્થાયી સમિતિના ચેરમેન રહ્યા. એ સમયે એમનો દબદબો એવો હતો કે તેઓ ધારાસભ્ય બનશે એવું દેખીતી રીતે બધાને લાગતું. પરંતુ, એ પછી ભાજપમાં નેતૃત્વ પરિવર્તન થયું અને નરેન્દ્ર ગાંધી જેવા નેતાની સતત ઉપેક્ષા થઇ. આમ છતાં તેઓ સતત સક્રીય રહ્યા. ભાજપના સામાન્ય કાર્યકર તરીકે પણ તેમણે પોતાની કામ કરવાની શૈલી અકબંધ રાખી. એમને લોકો માટે કશું કરવું હતું. જે પ્લેટફોર્મ મળ્યું એ. સુરત પીપલ્સ બેંક થકી હોય કે સુરત રક્તદાન કેન્દ્ર થકી હોય કે પછી સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશન થકી હોય, સતત લોકો માટે કંઇકને કંઇક પ્રવૃતિ મય જોવા મળતા.

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે કહ્યું તેઓ મને ભાજપામાં લઇ આવ્યા હતા

ભારતીય જનતા પાર્ટીમાં મને લાવનાર શ્રી નરેન્દ્રભાઇ ગાંધી આજે સાથ છોડીને જતા રહ્યાં. કોરોનાને કારણે એમનું દુ:ખદ અવસાન થયું…

C.r. Paatil यांनी वर पोस्ट केले शनिवार, १ ऑगस्ट, २०२०

સુરતના સાંસદ દર્શના જરદોષે ફેસબુક પોસ્ટ મૂકી

ભારતીય જનતા પાર્ટીના ખૂબ વરિષ્ઠ સંનિષ્ઠ અને પ્રામાણિક પાયાના કાર્યકર્તા, મને રાજનીતિમાં લાવનાર, ભાજપનો ગઢ કહેવાય એવા કવિ…

Darshana Jardosh यांनी वर पोस्ट केले शनिवार, १ ऑगस्ट, २०२०
Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :

Print Friendly, PDF & Email

Share On :