SGCCI આયોજિત ગ્લોબલ ટ્રાવેલ ટ્રેડ ફેર 2026ને વિધાનસભા ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદીએ ખૂલ્લો મૂક્યો

ગુજરાત વિધાનસભાના નાયબ અધ્યક્ષ અને સુરત પશ્ચિમના ધારાસભ્ય શ્રી પૂર્ણેશ મોદીએ ઉપસ્થિત રહી પ્રદર્શનને ખુલ્લું મૂક્યું
ડોમેસ્ટિક ટુરિઝમ વધારવાની જરૂર છે, જેથી ભારતીય હૂંડિયામણ ભારતમાં જ રહે તેવો ધારાસભ્યશ્રીનો આગ્રહ
Global Travel Trade Fair 2026 એ માત્ર એક પ્રદર્શન નથી, પરંતુ વૈશ્વિક પ્રવાસન ઉદ્યોગને એક જ છત નીચે લાવતું આંતરરાષ્ટ્રીય મંચ છે. આ એક્સ્પો દ્વારા B2B અને B2C નેટવર્કિંગ માટે ઉત્કૃષ્ટ તકોઃ ચેમ્બર પ્રમુખ અશોક જીરાવાલા
સુરત 28 જુલાઈ 2026: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) દ્વારા પ્રવાસન ક્ષેત્રે એક નવો અધ્યાય શરૂ કરવામાં આવ્યો છે. TAAPI ટ્રાવેલ એક્સ્પો (TTE) 2026ના સહયોગથી ચેમ્બર દ્વારા દક્ષિણ ગુજરાતના ઇતિહાસમાં સર્વપ્રથમવાર આંતરરાષ્ટ્રીય સ્તરના ‘ગ્લોબલ ટ્રાવેલ ટ્રેડ ફેર (GTTF) 2026’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર (SIECC)ના પિલર-લેસ ડોમમાં 28 અને 29 જુલાઈ 2026ના રોજ આ વિશાળ B2B એક્ઝિબિશન યોજાયું છે.
GTTF 2026ના ઉદ્ઘાટન સમારોહ આજરોજ સવારે 10:30 કલાકે સરસાણા સ્થિત ઉષાકાંત મારફતિયા હોલ ખાતે યોજાયો હતો. જેમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત વિધાનસભાના નાયબ અધ્યક્ષ અને સુરત પશ્ચિમના ધારાસભ્ય શ્રી પૂર્ણેશ મોદીએ ઉપસ્થિત રહી પ્રદર્શનને ખુલ્લું મૂક્યું હતું. આ ઉપરાંત અતિથિ વિશેષ તરીકે સોહાગિયા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના એમડી શ્રી કાંતિલાલ સોહાગિયા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ‘એક્ઝિબિટર્સ ગાઇડ’ અને ‘GTTF 2027’ ના બ્રોશરનું ડિજિટલ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.
ડોમેસ્ટિક ટુરિઝમ વધારવાની જરૂર છે, જેથી ભારતીય હૂંડિયામણ ભારતમાં જ રહે
ગુજરાત વિધાનસભાના નાયબ અધ્યક્ષ અને સુરત પશ્ચિમના ધારાસભ્ય શ્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે, આજે વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસે હું દરેક ભારતીય નાગરિકને ભારતના વિવિધ પ્રાકૃતિક સ્થળો, ધાર્મિક, એડવેન્ચર અને રમણીય સ્થળોની મુલાકાત લઈને ભારતીય પરંપરાને નજીકતાથી માણે તેવી ઈચ્છા રાખું છું. કારણ કે, વિકસિત ભારતના મૂળમાં આત્મનિર્ભર ભારત છે અને જ્યારે ભારતીય પ્રવાસન સ્થળોની મુલાકાત ભારતીયો લેશે તો ભારતીય હૂંડિયામણ દેશમાં જ રહેશે. દેશમાં અસંઘટિત ક્ષેત્રના કામગારોને રોજગારી પ્રદાન કરવાનું કાર્ય પ્રવાસન ક્ષેત્ર અને તેના એજેન્ટો દ્વારા થાય છે. પ્રવાસન ક્ષેત્ર રોજગારી પ્રદાન કરવાની સાથે જ રાજકીય સંબંધો મજબૂત કરવાનું કાર્ય અને સંસ્કૃતિનું અદાન-પ્રદાન કરવાનું કાર્ય કરે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આપણે જ્યારે ડોમેસ્ટિક ટુરિઝમ વધારવાની વાત કરી રહ્યા છે, ત્યારે વિશ્વના અનેક દેશો માત્ર ટુરિઝમ થકી જ આર્થિક ઉપાર્જન મેળવે છે તે બાબતને ધ્યાને લેવી જોઈએ. વિશ્વમાં પ્રખ્યાત થયેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી થકી રાજ્યના પ્રવાસન ક્ષેત્રમાં પરિવર્તન આવ્યું છે.
એક્સ્પો દ્વારા B2B (બિઝનેસ-ટુ-બિઝનેસ) અને B2C (બિઝનેસ-ટુ-કન્ઝ્યુમર) નેટવર્કિંગ માટે ઉત્કૃષ્ટ તકો
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, તાજેતરના આર્થિક આંકડા અનુસાર, ભારતમાં ટ્રાવેલ ઉદ્યોગમાં વાર્ષિક એડવર્ટાઇઝિંગ અને માર્કેટિંગ સ્પેન્ડમાં ૨૮% સુધીનો તીવ્ર ઉછાળો નોંધાયો છે. આજે ૭૫% થી વધુ ટ્રાવેલ બુકિંગ અને શોધ ડિજિટલ માધ્યમો જેવાં કે સોશિયલ મીડિયા, એપ્સ અને ઓનલાઇન પ્લેટફોર્મ્સ દ્વારા થાય છે. ખાસ કરીને ટિયર-૨ અને ટિયર-૩ શહેરોમાંથી ડિજિટલ માધ્યમો દ્વારા પ્રવાસન અંગેની જાગૃતિ ૩૫% થી વધુ વધી છે. આજે પણ સ્થાનિક પ્રવાસન અને વિશ્વાસપાત્ર આયોજનો માટે વર્તમાનપત્રો અને પ્રિન્ટ મીડિયા સૌથી મોટું અને ભરોસાપાત્ર માધ્યમ છે, જે સ્થાનિક લોકોને ટૂરિઝમ સાથે સીધા જોડે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ Global Travel Trade Fair 2026 એ માત્ર એક પ્રદર્શન નથી, પરંતુ વૈશ્વિક પ્રવાસન ઉદ્યોગને એક જ છત નીચે લાવતું આંતરરાષ્ટ્રીય મંચ છે. આ એક્સ્પો દ્વારા B2B (બિઝનેસ-ટુ-બિઝનેસ) અને B2C (બિઝનેસ-ટુ-કન્ઝ્યુમર) નેટવર્કિંગ માટે ઉત્કૃષ્ટ તકો ઉભી થશે. અહીં દેશ-વિદેશના ડેસ્ટિનેશન્સ, નવીનતમ સેવાઓ અને ટ્રાવેલ ટેક્નોલોજીનું પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને સુરત, જે ભારતનું સૌથી ઝડપથી વિકસતું આર્થિક હબ છે, ત્યાં નવતર વ્યવસાયિક તકોના દ્વાર ખુલશે.
ભારતની કુલ આવક (ટર્નઓવર)ના ગ્રોથમાં પ્રવાસન ઉદ્યોગનો ફાળો અત્યારે 13% થી પણ વધુ છે
શ્રી કાંતિલાલ સોહાગિયાએ જણાવ્યું હતું કે, ભારતની કુલ આવક (ટર્નઓવર)ના ગ્રોથમાં પ્રવાસન ઉદ્યોગનો ફાળો અત્યારે 13% થી પણ વધુ છે. ઘણા વર્ષો પહેલા જ્યારે તેમણે વ્યવસાય શરૂ કર્યો હતો, ત્યારે આ ક્ષેત્રનો ગ્રોથ માત્ર 3 થી 4% હતો, જે આજે વધીને 13 થી 15% સુધી પહોંચી ગયો છે. તેમના મતે આ ઈન્ડસ્ટ્રીમાં અકલ્પનીય વિકાસની તકો રહેલી છે.
ઉદઘાટન સમારોહના અંતે ચેમ્બરના ઉપ પ્રમુખશ્રી રવિરાજ દેસાઈએ ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો. આ પ્રસંગે ચેમ્બર ઓફ કોમર્સના માનદ્ મંત્રી શ્રી પરેશ લાઠિયા, માનદ્ ખજાનચી શ્રી અતુલ પટેલ, તાપી એસોસિએશનના પ્રમુખ શ્રી જિગ્નેશ પટેલ, ચેમ્બરના પૂર્વ પ્રમુખશ્રીઓ, ગ્રૃપ ચેરમેનો અને વિવિધ કમિટીના ચેરમેનશ્રીઓ તેમજ એક્ઝિબિટર્સ ઉપસ્થિત રહ્યા હતા. ચેમ્બરના ઓલ એક્ઝિબિશન ચેરમેન શ્રી મનીષ કાપડિયાએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું, જ્યારે ગ્લોબલ ટ્રાવેલ ટ્રેડ ફેર-2026ના ચેરમેન શ્રી વિનેશ શાહે એક્ઝિબિશન વિશેની માહિતી આપી હતી.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now

