પેટાહેડિંગ- ભારતમાં સેમિકન્ડક્ટર ટેક્નોલોજી પર આધારીત સ્કીલ્ડ મેનપાવર ઉભો કરવાનો મહત્વપૂર્ણ પ્રયાસ

સરદાર વલ્લભભાઈ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના ઈલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ વિભાગમાં સેમિકન્ડક્ટર ટેક્નોલોજી પર 10 દિવસીય વર્કશોપ આજથી શરૂ થયો છે. ભારત માટે સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરીંગ ગેમ ચેન્જર સમાન છે અને કેન્દ્ર સરકાર જ્યારે સેમિકન્ડક્ટરનું ભારતમાં ઉત્પાદન થાય એ માટેની તમામ પ્રવૃતિઓને પ્રોત્સાહિત કરી રહી છે ત્યારે એસવીએનઆઇટી, સુરત ખાતે આયોજિત આ સેમિકન્ડક્ટર વર્કશોપ પર દેશભરના ઉદ્યોગકારોની નજરો કેન્દ્રીત થઇ છે.
મળતી માહિતી મુજબ ઇચ્છાનાથ સ્થિત સરદાર વલ્લભભાઇ નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજીમાં આયોજિત સેમિકન્ડક્ટર વર્કશોપ ભારત અને ગુજરાત સરકારના સેમિકન્ડક્ટર મિશન અનુસાર ભારતને જેની તાતી જરૂરીયાત છે એ સેમિકન્ડક્ટર ટેક્નોલોજીના ક્ષેત્રમાં કુશળ સ્નાતકોની સંખ્યામાં વધારો કરવાનો પ્રયાસ છે. આ વર્કશોપમાં રાજ્યમાં સ્થિત દેશના અગ્રણી સેમિકન્ડક્ટર ઉત્પાદન એકમોના નિષ્ણાતો તેમના અનુભવો શેર કરી રહ્યા છે. અને એ જ કારણે સેમિકન્ડક્ટર પર આધારિત આ વર્કશોપને અત્યંત મહત્વપૂર્ણ ગણાવવામાં આવી રહ્યો છે.