CIA ALERT

SDB Archives - CIA Live

July 7, 2024
Cia-SDB-1.jpeg
1min246

સુરત ડાયમંડ બુર્સમાં મિનીબજાર કે મહિધરપુરા હીરા બજાર (દલાલ સ્ટ્રીટ) જેવો માહોલ ઉભો કરવાનો પ્રયાસ

સુરત ડાયમંડ બુર્સના વાઇસ ચેરમેન અને પ્રવક્તા ધર્મનંદન ડાયમંડના લાલજીભાઇ પટેલનો વિડીયો મેસેજ

હીરા બુર્સના વાઇસ ચેરમેન લાલજીભાઇ પટેલે કહ્યું કે સુરત હીરા બુર્સમાં દલાલ મહિધરપુરા અને મિનિબજારમાં જે રીતે નાના વેપારીઓ, દલાલો હીરાની લે-વેચ કરી રહ્યા છે તેવી જ રીતે તેઓ સુરત ડાયમંડ બુર્સમાં હીરાની લેવેચ કરવા આવી શકે તે માટે તેમને ટેબલ ખુરશી મૂકી શકાય તેટલી જ જગ્યા કે નાના વેપારીને ફક્ત ત્રણ ચાર લોકો બેસી શકે તેવી 50 સ્કે.ફૂટ જેટલી નાની ઓફિસની જગ્યા પણ એલોટ કરવામાં આવી રહી છે. એથી વિશેષ કતારગામ અને મિનિબજારથી દરરોજ સુરત ડાયમંડ બુર્સ સુધી નોન સ્ટોપ બસ સેવા પણ શરૂ કરી દેવામાં આવી છે. દર દોઢ કલાકે બસ સુવિધા ઉપલબ્ધ બનશે જેથી કરીને હીરાના કારોબાર સાથે સંકળાયેલા નાના સ્તરના વ્યવસાયીઓ, ધંધાર્થીઓ પણ સુરત ડાયમંડ બુર્સમાં કામકાજ કરવા માટે ડેઇલી આવી શકે.

વિશ્વના સૌથી મોટા ઓફિસ બિલ્ડીંગ કે વિશ્વના સૌથી મોટા હીરા બજાર તરીકે ખ્યાતિ મેળવી ચૂકેલું સુરતના ખજોદ સ્થિત ડાયમંડ બુર્સમાં આજે અષાઢી બીજના પવિત્ર દિવસે સુરતના 250 દિગ્ગજ હીરા ઉદ્યોગપતિઓએ પોતાની હીરા વેચાણની ઓફિસો શરૂ કરી હતી. આ સાથે જ વિશ્વના સૌથી મોટા ઓફિસ બિલ્ડીંગમાં માણસોની અવરજવર વધે તે માટે મોટું પરિવર્તન એ કરવામાં આવ્યું કે હવે સુરત ડાયમંડ બુર્સમાં નાનામાં નાના હીરા દલાલ કે જેને ઓફિસની જરૂર નથી તેના માટે એક ટેબલ ખુરશી જેટલી જગ્યા પણ ફાળવવામાં આવશે અને નાના વેપારી કે જેને માંડ 50 ચો.ફૂટ જેટલી નાની ઓફિસની જરૂરીયાત છે તેમને 50 સ્કે.ફૂટ જેટલી નાની ઓફિસ પણ ફાળવી આપવામાં આવશે.

21મી નવેમ્બર 2023ના દિવસે સુરત ડાયમંડ બુર્સના તત્કાલિન ચેરમેન કિરણ જેમ્સના વલ્લભભાઇ એસ. પટેલે પોતાની ઓફિસ સાથે કેટલાક હીરા ઉદ્યોગપતિઓએ પણ પોતાની ઓફિસો શરૂ કરી હતી. એ પછી પહેલા તબક્કાનું ઉદઘાટન હીરા બુર્સને ધમધમતું કરી શક્યું નહીં એટલે આજે બીજા તબક્કામાં 7મી જુલાઇને અષાઢી બીજનો દિવસ પસંદ કરીને સુરત ડાયમડં બુર્સના વર્તમાન ચેરમેન ગોવિંદ ધોળકિયા સમેત 250 હીરા ઉદ્યોગપતિઓએ સુરત ડાયમંડ બુર્સમાં પોતાની ટ્રેડીંગ ઓફિસ શરૂ કરી છે. સુરત હીરા બુર્સનો વહીવટ કરી રહેલા વર્તમાન પદાધિકારીઓએ આ પ્રસંગે જણાવ્યું કે રાતોરાત હીરા બુર્સની બધી ઓફિસો શરૂ થઇ જાય તેવી સ્થિતિ નથી.

સુરત હીરા બુર્સના સેકન્ડ ઓપનિંગ પ્રસંગે ચેરમેન અને રાજ્યસભાના સભ્ય ગોવિંદ ધોળકિયાએ કહ્યું કે દિવાળી સુધીમાં 1000 ઓફિસ શરૂ થઇ જશે તેવી મને આશા છે, આગામી એક વર્ષમાં 2000થી વધુ ઓફિસો શરૂ થઇ જશે. 4 હજાર ઓફિસો શરૂ થતા 2,3, 4 વર્ષ પણ લાગી જાય તેવી સ્થિતિ છે.

March 20, 2024
vallabhbhai-patel.jpg
1min17618

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

રિપોર્ટ તા.21 માર્ચ 2024 સવારે 9 કલાકે

સુરત હીરા બુર્સના સ્થાપક અને સર્વેસર્વા એવા કિરણ જેમ્સના વલ્લભભાઇ એસ. લાખાણી (પટેલ)એ સુરત હીરા બુર્સના ચેરમેન પદેથી રાજીનામુ ધરી દીધાના સમાચાર વાયુવેગે પ્રસરતા આ સમગ્ર મામલો સુરત, મુંબઇ સહિત સમગ્ર વિશ્વના અમેરીકા, બેલિજ્યમ, દુબઈ જેવા દેશોના હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોમાં ભારે ચર્ચાસ્પદ બન્યો છે. દેશ વિદેશના હીરા ઉદ્યોગકારોમાં સુરત હીરા બુર્સને લઇને છેલ્લા 12 કલાકથી અનેક તર્ક વિતર્કો થઇ રહ્યા છે. સુરત હીરા બુર્સના ભાવિનું શું, આગામી મે 2024થી સુરત હીરા બુર્સને વેગવતું બનાવવાની યોજના આગળ કેવી રીતે વધારવામાં આવશે આવા અનેક સવાલો સુરત હીરા બુર્સમાં ઓફિસ ધરાવતા લોકોમાં થઇ રહ્યા છે.

વલ્લભભાઇ પટેલના રાજીનામા પછી હવે શું? એ મુદ્દે ચર્ચા વિચારણા કરવા માટે આજે તા.21મી માર્ચ 2024ના રોજ સાંજે 6 કલાકે સુરત હીરા બુર્સની કોર કમિટી, મેનેજિંગ કમિટીની મિટીંગ યોજવામાં આવી છે.

  • આજે ગુરુવારે સાંજે મળી રહેલી સુરત હીરા બુર્સની કોર કમિટીની મિટીંગમાં શું થઇ શકે?
  • વલ્લભભાઇ પટેલને સુરત ડાયમંડ બુર્સના ચેરમેન પદે ટકી રહેવા માટે સમજાવવામાં આવશે. પરંતુ, જો તેઓ રાજીનામું પાછું નહીં ખેચવા માટે અડગ રહેશે તો
  • સુરત હીરા બુર્સના નવા ચેરમેન તેમજ પ્રમુખ તરીકે કોણ જવાબદારી અદા કરશે એ ઉદ્યોગપતિઓના નામો આજની મિટીંગમાં નક્કી કરવામાં આવશે.

Reported on 20 March 2024 at 7.00pm

સુરત હીરા બુર્સના ચેરમેન પદેથી કિરણ જેમ્સના વલ્લભભાઇ પટેલનું રાજીનામું, હીરા બુર્સનું ભાવિ ડામાડોળ

રૂ.3700 કરોડના જંગી ખર્ચે તૈયાર થયેલા વિશ્વના સૌથી મોટા ઓફિસ બિલ્ડીંગ તરીકે ખ્યાતિપ્રાપ્ત સુરત હીરા બુર્સના પાયાના પથ્થર એવા ચેરમેન કિરણ જેમ્સના માલિક વલ્લભભાઇ એસ. લાખાણીએ બુર્સના ચેરમેન પદેથી રાજીનામુ આપી દીધું હોવાની વિગતો મોડી રાત્રે સાંપડી છે. સુરત હીરા બુર્સનું સુકાન હવે રાજ્યસભાના નવનિર્વાચીત સભ્ય અને એસ.આર.કે.ના ગોવિંદભાઇ ધોળકીયા અને લાલજીભાઇ પટેલ સંભાળશે એમ જાણવા મળે છે.

વલ્લભભાઇ પટેલે સુરત હીરા બુર્સના ચેરમેન પદેથી રાજીનામું આપી દીધું હોવાના સમચાાર વહેતા થતાં જ સુરત અને મુંબઇના હીરા ઉદ્યોગપતિઓમાં સોંપો પડી ગયો છે. હવે શું થશે હીરા બુર્સનું. વિશ્વના સૌથી મોટા ઓફિસ બિલ્ડીંગ તરીકે ગણના પામી રહેલા સુરત હીરા બુર્સમાં વિશ્વનું સૌથી મોટું હીરા બજાર વિકસાવવાની આખી યોજના હાલ ઘોંચમાં પડી જવા પામી છે.

સુરત હીરા બુર્સના સ્વપ્નદ્રષ્ટા મનાતા વલ્લભભાઇ એસ. લાખાણીએ રાજીનામું ધરી દીધું હોવાની બાબતે ડાયમંડ બુર્સની મેનેજિંગ કમિટીના કોઇપણ ઉદ્યોગપતિ સભ્ય કશું બોલવા તૈયાર નથી. સાથે જ સુરતના ટોચના હીરા ઉદ્યોગપતિઓમાં એવી ચર્ચાઓ ગરમાગરમ રીતે થઇ રહી છે કે હવે સુરત હીરા બુર્સના ભાવિનું શું, તા.17મી ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જેનું ઉદઘાટન કર્યું હતું એ સુરત હીરા બુર્સનું ભાવિ હાલ તો ડામાડોળ થઇ ગયેલું જણાય છે.

November 11, 2023
kiran-gems.png
1min403

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

સુરત ડાયમંડ બુર્સમાં આગામી તા.21મી નવેમ્બરથી કારોબાર શરૂ કરી રહેલા વિશ્વના સૌથી મોટા ડાયમંડ કટ એન્ડ પોલિશીંગ ઉદ્યોગકાર કિરણ જેમ્સ દ્વારા સુરત ડાયમંડ બુર્સમાં તેમની ઓફિસેથી વેપાર સોદા કરનારાઓ માટે જોરદાર ઓફર જાહેર કરવામાં આવી છે.

ઓફર નં. 1

હીરા દલાલી સાથે સંકળાયેલા જે હીરા દલાલો સુરત ડાયમંડ બુર્સ ખાતે આવેલી કિરણ જેમ્સની ઓફિસેથી નેચરલ ડાયમંડના સોદા કરાવશે તેમને 1 ટકો દલાલી આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ લાભ માટે દલાલોએ સુરત ડાયમંડ બુર્સમાં ઉપસ્થિત રહીને સોદો કરાવવાનો રહેશે.

ઓફર નં.2

હીરા કારોબારીઓ માટે કિરણ જેમ્સની બીજી ઓફર એવી છે કે હીરાના વેચાણ સોદાઓમાં અન્ય બેનિફિટ ઉપરાંત વધારાના બેનિફિટ તરીકે જો કોઇ ખરીદાર હીરા જોયા વગર બ્લાઇન્ડમાં નેચરલ ડાયમંડની ખરીદી કરશે તો તેને 2 ટકા વધારાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. જો કોઇ ખરીદાર હીરા જોયા બાદ ખરીદી કરશે તો તેને દોઢ ટકા વધારાનો લાભ આપવામાં આવશે.

હીરા ઉદ્યોગના જાણકારો કહે છેકે કિરણ જેમ્સની આ ઓફરો એવી છે કે હીરા કારોબાર સાથે સંકળાયેલા દલાલો કે વેપારીઓ માટે મોટી તક પૂરી પાડશે. નેચરલ ડાયમંડ્સની કિંમત એટલી ઉંચી હોય છે કે એકાદ બે સોદામાં 5થી 7 કરોડનો ધંધો થઇ જાય તો જે તે દલાલ કે વેપારીને 10થી 12 લાખની કમાણી થઇ જાય તેમ છે. કિરણ જેમ્સની આવી બિઝનેસ ઓફરની સાથે આગામી દિવસોમાં સુરત ડાયમંડ બુર્સમાં ઓફિસ શરૂ કરનારા અન્ય હીરા ઉદ્યોગપતિઓ પણ પોતપોતાની આકર્ષક ઓફરોથી સમગ્ર વિશ્વના હીરા ખરીદારોને સુરત ડાયમંડ બુર્સમાં ખેંચી લાવશે.

October 22, 2023
diamond1.jpg
1min518

જયેશ બ્રહ્મભટ્ટ

સુરત ડાયમંડ બુર્સના સ્વરૂપમાં વિશ્વનું સૌથી મોટું હીરા બજાર આજ તા.22 ઓક્ટોબરથી બરાબર એક મહિના પછી તા.21મી નવેમ્બર 2023ના રોજ ધમધમતું થઇ જશે. વિશ્વમાં હીરા કટ એન્ડ પોલિશની સૌથી મોટી ફેક્ટરી ધરાવતા કિરણ જેમ્સના વલ્લભભાઇ પટેલ કે જેઓ અત્યાર પર્યત મહારાષ્ટ્ર, મુંબઇમાં કારોબાર ચલાવી રહ્યા હતા, તેઓ પોતે જ સુરત હીરા બુર્સના સ્થાપક ચેરમેન છે અને તેમણે જોયેલું સપનું સુરત ડાયમંડ બુર્સ પૂર્ણ થતાં સૌથી પહેલા તેઓ મુંબઇથી પોતાનો તમામ કારોબાર સ્વીચ ઓફ કરીને સુરત શીફ્ટ થઇ રહ્યા છે. કિરણ જેમ્સે પોતાના હીરા કારોબારનું હેડક્વાર્ટર સુરત બનાવતા તેમની પાછળ મુંબઇથી હજારો હીરા કારોબારીઓ સુરત ભણી રવાના થયા છે અને આ દિવાળી પર મુંબઇથી હજારો પરિવારો સુરત શીફટ્ થઇ જશે.

સુરત ડાયમંડ બુર્સ ખાતે આગામી મંગળવાર દશેરાના પર્વે 1 હજાર જેટલી ઓફિસોમાં કુંભ ઘડો મૂકાવાની સાથે જ તા.21મી નવેમ્બરથી હીરા બુર્સ ધમધમતું થઇ જાય તે માટેની તડામાર તૈયારીઓ શરૂ થઇ જશે. હીરા બુર્સ અંગેની માહિતી આપવા માટે આજે સુરત હીરા બુર્સ ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. સી.આઇ.એ. લાઇવ ન્યુઝ વેબ

સુરતના હીરા ઉદ્યોગના સૌથી મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ સુરત ડાયમંડ બુર્સના શુભારંભનું રિવર્સ કાઉન્ટડાઉન શરૂ થઇ ચૂક્યું છે. મંગળવારે વિજયાદશમી પર્વે 1 હજારથી વધુ હીરાની ઓફિસોમાં કુમારીકાઓના હસ્તે કુંભ સ્થાપન કરવામાં આવશે અને એ સાથે જ હીરા ઉદ્યોગના ઉદઘાટન માટેની તડામાર તૈયારીઓ પણ શરૂ થઇ જશે.

કિરણ જેમ્સના વલ્લભભાઇની પડખે હજારો લોકો સુરત શીફ્ટ થઇ રહ્યા છે

સુરત ડાયમંડ બુર્સના ચેરમેન વલ્લભભાઇ પટેલ એવું નામ છે કે જેની પાછળ બે પાંચ નહીં પણ હીરા ઝવેરાત ઉદ્યોગ પર નભતા હજારો પરિવારો મુંબઇથી સુરત શીફ્ટ થઇ રહ્યા છે. અત્યાર સુધી ઘણાં લોકો આ વાતને ગોબેલ્સ પ્રચાર ગણાવતા હતા પરંતુ, જ્યારથી સુરત હીરા બુર્સના ઉદઘાટનની તારીખ નક્કી થઇ ચૂકી છે અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પણ સુરત આવવાની સંમતિ આપી દીધા પછી અપપ્રચાર કરનારા લોકોના દાંત ખાટા થઇ ગયા છે. કિરણ જેમ્સના જ 1200થી વધુ કર્મચારીઓ કાયમ માટે સુરત શીફ્ટ થઇ રહ્યા છે અને તેમના માટે મગદલ્લા સચીન હાઇવે પર સોનારી ખાતે આખી ટાઉનશીપ બનીને તૈયાર થઇ ચૂકી છે, કર્મચારીઓ આ દિવાળીએ મુંબઇથી સુરત શીફ્ટ થઇ જશે. તેમની સાથે જ હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા અનેક નાના મોટા વેપારીઓ, દલાલો, ઝવેરીઓ પણ સુરત શીફ્ટ થઇ રહ્યા છે અને તેઓ પણ હીરા બુર્સના ઉદઘાટન પહેલા પરિવાર સાથે સુરત આવી જશે.

મંગળવાર દશેરાએ સુરત હીરા બુર્સમાં 1000 ઓફિસોમાં કુંભ સ્થાપન સાથે ઉદઘાટનની તડામાર તૈયારીઓ શરૂ થઇ જશે

સહકારી ક્ષેત્રના વિશ્વના સૌથી મોટા પ્રોજેક્ટ અને વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડીંગ તરીકે વિશ્વ ખ્યાતિપ્રાપ્ત સુરતના ખજોદ ખાતે રૂ.3600 કરોડના જંગી ખર્ચે નિર્માણ કરાયેલા સુરત ડાયમંડ બુર્સના ઉદઘાટનનું રિવર્સ કાઉન્ટડાઉન આગામી તા.24મી ઓક્ટોબર મંગળવારના દશેરાના પર્વથી શરૂ થઇ જશે.સુરત ડાયમંડ બુર્સના ચેરમેન વલ્લભભાઇ એસ. પટેલ, એસડીબી કો.ઓ. સોસાયટીના પ્રમુખ નાગજીભાઇ સાકરીયા, એસડીબી મિડીયા કમિટીના દિનેશભાઇ નાવડીયા, નિલેશ બોડકી અને સી.ઇ.ઓ. મહેશ ગઢવીએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે આગામી મંગળવારે વિજયા દશમી પર્વ સુરત ડાયમંડ બુર્સ માટે ઐતિહાસિક દિવસ બની રહેશે. સુરતના હીરા ઉદ્યોગકારોએ જે સપનું જોયું હતું તે આખરે સત પ્રતિશત સાકાર થવા જઈ રહ્યું છે. વિજયાદશમીના પર્વે સુરત ડાયમંડ બુર્સમાં ઓફિસ ધરાવતા કુલ 983 નાના મોટા ઉદ્યોગકારો તેમના પરિવાર સાથે પોતાની ઓફિસમાં શાસ્ત્રોક્ત વિધિવિધાનથી કુંભ ઘડાનું સ્થાપન કરશે. આ વિરલ ઘટનામાં સુરત ડાયમંડ બુર્સના તમામ કમિટી સભ્યો સમેત પાંચ હજારથી વધુ લોકો જોડાશે. એ પૂર્વે સંસ્થામાં નાનકડી કળશયાત્રા પણ કાઢવામાં આવશે.તદુપરાંત તા.21મી નવેમ્બરના રોજ સુરત ડાયમંડ બુર્સના ચેરમેન વલ્લભભાઇ એસ. પટેલ પોતાની ઓસિનો શુભારંભ કરશે અને તેમની સાથે જ ડાયમંડ બુર્સના અન્ય ઓફિસ પાકો પણ પોતાની ઓફિસનું વ્યવસ્થાપન કરવા માંડશે.17મી ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે વિધિવત રીતે સુરત ડાયમંડ બુસ ઉદધાટન કરાવવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ઉપસ્થિતિમાં યોજાનારા ભવ્યાતિભવ્ય ઉદઘાટન સમારોહની વિગતો હવે પછી  વિધિવત રીતે જણાવવામાં આવશે.

August 23, 2023
WhatsApp-Image-2023-08-23-at-07.41.30.jpeg
1min632

હાલ સોની એન્ટરટેઇનમેન્ટ ટીવી પર ચાલી રહેલી કૌન બનેગા કરોડપતિ 2023ની સિરીઝમાં સુપરસ્ટાર હોસ્ટ અમિતાભ બચ્ચને એક પ્રતિસ્પર્ધીને એવો સવાલ પૂછ્યો કે જેને લઇને સુરતના ખજોદ ખાતે સાકાર પામેલું સુરત ડાયમંડ બુર્સ ફરીથી સમગ્ર વિશ્વમાં ચમકી ગયું છે. અમિતાભ બચ્ચને સુરત ડાયમંડ બુર્સને અનુલક્ષીને પ્રતિસ્પર્ધીને નીચે મુજબનો સવાલ પૂછ્યો હતો.

Which building record, that stood for 80 years, did the Surat Diamond Bourse break to become the largest office building in the world?

ઉદઘાટન પહેલા જ સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ બની ચૂક્યું છે સુરતનું ડાયમંડ બુર્સ

સુરત ડાયમંડ બુર્સનો પ્રોજેક્ટ દુનિયાનું સૌથી મોટું ઓફિસ બિલ્ડીંગ તો છે જ પણ અનેક દ્રષ્ટીએ આ પ્રોજેક્ટ અનોખી ભાત પાડનારો અને અનોખી છાપ ઉભી કરનારો છે. દુનિયામાં સહકારી ક્ષેત્રે રૂ.3600 કરોડ જેટલી વિક્રમી ખર્ચ કરીને એકપણ રૂપિયાનું ધિરાણ લીધા વગર ઉભી થયેલી વિશ્વની સૌથી મોટી ઇમારત પણ સુરત ડાયમંડ બુર્સ છે.

સુરત ડાયમંડ બુર્સ સૌથી મોટું ઓફિસ બિલ્ડીંગ તો છે જ પણ સમગ્ર વિશ્વનું સૌથી મોટું હીરા બજાર પણ આ જ જગ્યાએ વિકાસ પામશે.

સુરત ડાયમંડ બુર્સ જ્યારે સંપૂર્ણ ક્ષમતા અનુસાર કાર્યરત બની જશે ત્યારે ભારતમાં સૌથી વધુ નિકાસ ધરાવતું શહેર સુરત હશે અને રાજ્ય ગુજરાત બની જશે.

July 19, 2023
Cia_business_news-1280x936.jpg
1min538

જયેશ બ્રહ્મભટ્ટ 9825344944

સુરત ડાયમંડ બુર્સને વિશ્વના સૌથી મોટા ઓફિસ બિલ્ડીંગ તરીકે વિશ્વમાં પ્રસિદ્ધિ મળી રહી છે ત્યારે આ બિલ્ડીંગની કેટલીક અજાણી વાતો પર નજર કરીએ તો કુલ 3400 કરોડ રૂપિયાનો જંગી ખર્ચ થયો છે સુરત હીરા બુર્સના નિર્માણ પાછળ પરંતુ, મેનેજમેન્ટ એ રીતે કરવામાં આવ્યું છે કે એક પણ રૂપિયાની લોન લેવી પડી નથી. વિશ્વમાં એવો પ્રાઇવેટ સેક્ટરનો, સહકારી સેક્ટરનો એવો કોઇ મોટો પ્રોજેક્ટ નથી સાકાર થયો કે જે લોન ધિરાણ વગર સાકાર થયો હોય. સહકારી ધોરણે તૈયાર થયેલું સુરત હિરા બુર્સ સમગ્ર વિશ્વના કો ઓપરેટીવ સેક્ટર માટે એક અજોડ મિશાલ છે. 4200થી વધુ લોકોને 8થી વધુ વર્ષો સુધી શિસ્તબદ્ધ રીતે પ્રોજેક્ટમાં જકડી રાખવા એ કોઇ ખાવાના ખેલ નથી. આમ છતાં ડાયમંડ બુર્સના મેનેજમેન્ટે પ્રોજેક્ટ સાકાર કરી દેખાડ્યો છે. સૌરાષ્ટ્રવાસીઓએ એટલું સામર્થ્ય ઉજાગર કરી દેખાડ્યું છે કે તેઓ રચનાત્મક બાબતમાં અકલ્પ્યને સાકાર કરી દેખાડી શકે.

આ સમગ્ર ફાઇનાન્સીયલ મેનેજમેન્ટ કેવી રીતે થયું એ જોઇએ તો 2014માં ડાયમંડ બુર્સ માટે ડીમાંડ સરવે હાથ ધરવામાં આવ્યો હતો. ડીમાંડ સરવેમાં 10 હજારથી વધુ લોકોએ ઓફિસ લેવાની ઇચ્છા દર્શાવી હતી. એ પછી પહેલો હપ્તો જમા કરાવવાની વાત આવી ત્યારે તેમાંથી અડધો અડધ લોકો ખસી ગયા હતા. રૂ.1200 પ્રતિ સ્કવેરફૂટ લેખે જ્યારે આયોજકોએ હપ્તાની રકમ જમા કરાવવા માટે કહ્યું ત્યારે 4200 જેટલા લોકો રહી ગયા હતા. એ પછી સમગ્ર પ્રોજેક્ટમાં જેમ જેમ ખર્ચ થતો ગયો તેમ તેમ ઓફિસ બુક કરાવનારા પાસેથી હપ્તા વસૂલાયા હતા. 

ન તો કેન્દ્ર સરકારનો એક રૂપિયો કે ન તો ગુજરાત સરકારની ગ્રાન્ટ

સુરત ડાયમંડ બુર્સનો પ્રોજેક્ટ એ સંપૂર્ણપણે સહકારી (કો-ઓપરેટીવ) ધોરણે હાથ ધરાયેલો પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટમાં ન તો કેન્દ્ર સરકારની એક રૂપિયાની ગ્રાન્ટ મળી છે ન તો ગુજરાત સરકારની કોઇ રકમ મળી છે. તમામ રૂપિયા ઓફિસ ધારકોએ જ્યારે મગાયા ત્યારે આપ્યા છે. હા એ વાત ચોક્કસ છે કે ગુજરાત સરકારે કાયદાકીય પ્રક્રિયાઓમાં ગ્રીન ચેનલ સ્થાપી આપી છે. વિશ્વમાં સહકારી સેક્ટર માટે આ પ્રોજેક્ટ એક બેનમૂન ઉદાહરણ છે.

67 લાખ સ્કવેરફૂટનું બાંધકામમાં 131 લિફ્ટ છે

સુરત ડાયમંડ બુર્સમાં બાંધકામ એટલું વ્યાપક કરવામાં આવ્યું છે કે જ્યારે તેની ગણતરી માંડવામાં આવી ત્યારે 67 લાખ સ્કવેરફૂટ થયું છે. 4200 જેટલી નાની મોટી ઓફિસો ઉપરાંત રેસ્ટોરેન્ટથી લઇને બેઝિક એમિનીટીઝ તથા બુર્સ મેનેજમેન્ટ ઓફિસ કાર્યરત કરવામાં આવી રહી છે. સમગ્ર બુર્સ માટે એક અલાયદું જ કસ્ટમ હાઉસ પણ આકાર લઇ રહ્યું છે. આ સમગ્ર સંકુલમાં 131 લિફ્ટ ઇન્સ્ટોલ કરવામાં આવી છે જે એટલી હાઇટેક હશે કે મુલાકાતીઓએ ગંતવ્ય ફ્લોર પર પહોંચવા માટે પોતે એક પણ સ્વીચ દબાવવી નહીં પડે. પંચ તત્વની થીમ પર અઢી વીંઘા જગ્યામાં જુદા જુદા ગાર્ડન ડેવલપ કરવામાં આવ્યા છે.

350 કરોડથી વધુનો તો જીએસટી ભર્યો, એફએસઆઇમાં પણ કરોડો ચૂકવ્યા

સુરત ડાયમંડ બુર્સથી કેન્દ્ર અને રાજ્ય સરકારને જબ્બરદસ્ત આવક થઇ છે. એફએસઆઇ તરીકે કરોડો રૂપિયા રાજ્ય સરકારની તિજોરીમાં જમા થયા છે એટલું જ નહીં પણ રૂ.350 કરોડની જંગી રકમનો જીએસટી પણ ગુજરાત અને કેન્દ્ર સરકારની તિજોરીમાં ફક્ત બાંધકામ મટીરીયલ તેમજ બુકિંગમાંથી મળ્યા છે.

પીએમ મોદીએ કરેલી રીટ્વીટથી માહોલ બની ગયો

વિશ્વ પ્રસિદ્ધ મિડીયા હાઉસે સુરતના ડાયમંડ બુર્સના વિડીયો સાથે સોશ્યલ મિડીયા ટ્વીટર પર પોસ્ટ કર્યું હતું કે વિશ્વના સૌથી મોટા ઓફિસ બિલ્ડીંગનું બિરુદ અમેરીકનના આર્મી હેડક્વાર્ટર પેન્ટાગોન પાસે હતું, જે હવે સુરતમાં બનેલા સુરત ડાયમંડ બુર્સે હસ્તગત કરી લીધું છે. મિડીયા હાઉસે આ ટ્વીટ તા.18મી જુલાઇએ પોસ્ટ કરી હતી, આજે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એને રીટ્વીટ કરતા પોતાનું નિવેદન પોસ્ટ કર્યું હતું કે અનેક પરીમાણોમાં સુરતનું હિરા બુર્સ બેજોડ છે.નરેન્દ્ર મોદીએ આજે બપોરે વિશ્વપ્રસિદ્ધ મિડીયા હાઉસની ટ્વીટને રીટ્વીટ કરતા જણાવ્યું હતું કે, સુરત ડાયમંડ બોર્સ સુરતના હીરા ઉદ્યોગની ગતિશીલતા અને વૃદ્ધિ દર્શાવે છે. તે ભારતની ઉદ્યોગસાહસિક ભાવનાનો પણ પુરાવો છે. તે વેપાર, નવીનતા અને સહયોગ માટે એક હબ તરીકે સેવા આપશે, આપણી અર્થવ્યવસ્થાને વધુ વેગ આપશે અને રોજગારીની તકોનું સર્જન કરશે.નરેન્દ્ર મોદીએ આ ટ્વીટ કરતા જ સમગ્ર દેશમાં સુરતના હીરા ઉદ્યોગના આ બેનમૂન ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પોસ્ટ ભારે વાઇરલ થઇ હતી. મુંબઇ, દિલ્હી, કોલકત્તા જેવા મેટ્રો સિટીના ગણ્યમાન્ય લોકોએ સુરતના હીરા બુર્સને લગતી પોસ્ટ સોશ્યલ મિડીયામાં મૂકવામાં માંડી હતી.સુરતના હીરા બજારમાં તો આજે આ પોસ્ટ એટલી વાઇરલ થઇ હતી કે મિનીબજારથી લઇને મહિધરપુરા હીરા બજાર સુધી સુરત ડાયમંડ બુર્સની જ ચર્ચા થતી સાંભળવા મળી હતી. સુરતના હીરા ઉદ્યોગકાર અને ડાયમંડ બુર્સ મેનેજમેન્ટ સાથે સંકળાયેલા દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે ગુજરાતીઓ હંમેશા માટે કંઇક નવું સર્જન કરવા, કંઇક નવું પ્રદાન કરવા માટે જાણિતા છે, સુરત ડાયમંડ બુર્સને આ જ કારણથી આકાર મળ્યો છે. હવે ટૂંક સમયમાં જ સુરતના હીરા બુર્સમાં એક જ સંકુલમાં સવા લાખ જેટલા લોકો હીરાનો વેપાર કરતા જોવા મળશે એ દ્રશ્ય પણ અદ્વિતીય બની રહેશે.