CIA ALERT
17. May 2024

Related Articles



સુરત ડાયમંડ બુર્સની અજાણી વાતોઃ એક પણ રૂપિયાની લોન વગર 3400 કરોડનો ખર્ચ

Share On :
Print Friendly, PDF & Email

જયેશ બ્રહ્મભટ્ટ 9825344944

સુરત ડાયમંડ બુર્સને વિશ્વના સૌથી મોટા ઓફિસ બિલ્ડીંગ તરીકે વિશ્વમાં પ્રસિદ્ધિ મળી રહી છે ત્યારે આ બિલ્ડીંગની કેટલીક અજાણી વાતો પર નજર કરીએ તો કુલ 3400 કરોડ રૂપિયાનો જંગી ખર્ચ થયો છે સુરત હીરા બુર્સના નિર્માણ પાછળ પરંતુ, મેનેજમેન્ટ એ રીતે કરવામાં આવ્યું છે કે એક પણ રૂપિયાની લોન લેવી પડી નથી. વિશ્વમાં એવો પ્રાઇવેટ સેક્ટરનો, સહકારી સેક્ટરનો એવો કોઇ મોટો પ્રોજેક્ટ નથી સાકાર થયો કે જે લોન ધિરાણ વગર સાકાર થયો હોય. સહકારી ધોરણે તૈયાર થયેલું સુરત હિરા બુર્સ સમગ્ર વિશ્વના કો ઓપરેટીવ સેક્ટર માટે એક અજોડ મિશાલ છે. 4200થી વધુ લોકોને 8થી વધુ વર્ષો સુધી શિસ્તબદ્ધ રીતે પ્રોજેક્ટમાં જકડી રાખવા એ કોઇ ખાવાના ખેલ નથી. આમ છતાં ડાયમંડ બુર્સના મેનેજમેન્ટે પ્રોજેક્ટ સાકાર કરી દેખાડ્યો છે. સૌરાષ્ટ્રવાસીઓએ એટલું સામર્થ્ય ઉજાગર કરી દેખાડ્યું છે કે તેઓ રચનાત્મક બાબતમાં અકલ્પ્યને સાકાર કરી દેખાડી શકે.

આ સમગ્ર ફાઇનાન્સીયલ મેનેજમેન્ટ કેવી રીતે થયું એ જોઇએ તો 2014માં ડાયમંડ બુર્સ માટે ડીમાંડ સરવે હાથ ધરવામાં આવ્યો હતો. ડીમાંડ સરવેમાં 10 હજારથી વધુ લોકોએ ઓફિસ લેવાની ઇચ્છા દર્શાવી હતી. એ પછી પહેલો હપ્તો જમા કરાવવાની વાત આવી ત્યારે તેમાંથી અડધો અડધ લોકો ખસી ગયા હતા. રૂ.1200 પ્રતિ સ્કવેરફૂટ લેખે જ્યારે આયોજકોએ હપ્તાની રકમ જમા કરાવવા માટે કહ્યું ત્યારે 4200 જેટલા લોકો રહી ગયા હતા. એ પછી સમગ્ર પ્રોજેક્ટમાં જેમ જેમ ખર્ચ થતો ગયો તેમ તેમ ઓફિસ બુક કરાવનારા પાસેથી હપ્તા વસૂલાયા હતા. 

ન તો કેન્દ્ર સરકારનો એક રૂપિયો કે ન તો ગુજરાત સરકારની ગ્રાન્ટ

સુરત ડાયમંડ બુર્સનો પ્રોજેક્ટ એ સંપૂર્ણપણે સહકારી (કો-ઓપરેટીવ) ધોરણે હાથ ધરાયેલો પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટમાં ન તો કેન્દ્ર સરકારની એક રૂપિયાની ગ્રાન્ટ મળી છે ન તો ગુજરાત સરકારની કોઇ રકમ મળી છે. તમામ રૂપિયા ઓફિસ ધારકોએ જ્યારે મગાયા ત્યારે આપ્યા છે. હા એ વાત ચોક્કસ છે કે ગુજરાત સરકારે કાયદાકીય પ્રક્રિયાઓમાં ગ્રીન ચેનલ સ્થાપી આપી છે. વિશ્વમાં સહકારી સેક્ટર માટે આ પ્રોજેક્ટ એક બેનમૂન ઉદાહરણ છે.

67 લાખ સ્કવેરફૂટનું બાંધકામમાં 131 લિફ્ટ છે

સુરત ડાયમંડ બુર્સમાં બાંધકામ એટલું વ્યાપક કરવામાં આવ્યું છે કે જ્યારે તેની ગણતરી માંડવામાં આવી ત્યારે 67 લાખ સ્કવેરફૂટ થયું છે. 4200 જેટલી નાની મોટી ઓફિસો ઉપરાંત રેસ્ટોરેન્ટથી લઇને બેઝિક એમિનીટીઝ તથા બુર્સ મેનેજમેન્ટ ઓફિસ કાર્યરત કરવામાં આવી રહી છે. સમગ્ર બુર્સ માટે એક અલાયદું જ કસ્ટમ હાઉસ પણ આકાર લઇ રહ્યું છે. આ સમગ્ર સંકુલમાં 131 લિફ્ટ ઇન્સ્ટોલ કરવામાં આવી છે જે એટલી હાઇટેક હશે કે મુલાકાતીઓએ ગંતવ્ય ફ્લોર પર પહોંચવા માટે પોતે એક પણ સ્વીચ દબાવવી નહીં પડે. પંચ તત્વની થીમ પર અઢી વીંઘા જગ્યામાં જુદા જુદા ગાર્ડન ડેવલપ કરવામાં આવ્યા છે.

350 કરોડથી વધુનો તો જીએસટી ભર્યો, એફએસઆઇમાં પણ કરોડો ચૂકવ્યા

સુરત ડાયમંડ બુર્સથી કેન્દ્ર અને રાજ્ય સરકારને જબ્બરદસ્ત આવક થઇ છે. એફએસઆઇ તરીકે કરોડો રૂપિયા રાજ્ય સરકારની તિજોરીમાં જમા થયા છે એટલું જ નહીં પણ રૂ.350 કરોડની જંગી રકમનો જીએસટી પણ ગુજરાત અને કેન્દ્ર સરકારની તિજોરીમાં ફક્ત બાંધકામ મટીરીયલ તેમજ બુકિંગમાંથી મળ્યા છે.

પીએમ મોદીએ કરેલી રીટ્વીટથી માહોલ બની ગયો

વિશ્વ પ્રસિદ્ધ મિડીયા હાઉસે સુરતના ડાયમંડ બુર્સના વિડીયો સાથે સોશ્યલ મિડીયા ટ્વીટર પર પોસ્ટ કર્યું હતું કે વિશ્વના સૌથી મોટા ઓફિસ બિલ્ડીંગનું બિરુદ અમેરીકનના આર્મી હેડક્વાર્ટર પેન્ટાગોન પાસે હતું, જે હવે સુરતમાં બનેલા સુરત ડાયમંડ બુર્સે હસ્તગત કરી લીધું છે. મિડીયા હાઉસે આ ટ્વીટ તા.18મી જુલાઇએ પોસ્ટ કરી હતી, આજે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એને રીટ્વીટ કરતા પોતાનું નિવેદન પોસ્ટ કર્યું હતું કે અનેક પરીમાણોમાં સુરતનું હિરા બુર્સ બેજોડ છે.નરેન્દ્ર મોદીએ આજે બપોરે વિશ્વપ્રસિદ્ધ મિડીયા હાઉસની ટ્વીટને રીટ્વીટ કરતા જણાવ્યું હતું કે, સુરત ડાયમંડ બોર્સ સુરતના હીરા ઉદ્યોગની ગતિશીલતા અને વૃદ્ધિ દર્શાવે છે. તે ભારતની ઉદ્યોગસાહસિક ભાવનાનો પણ પુરાવો છે. તે વેપાર, નવીનતા અને સહયોગ માટે એક હબ તરીકે સેવા આપશે, આપણી અર્થવ્યવસ્થાને વધુ વેગ આપશે અને રોજગારીની તકોનું સર્જન કરશે.નરેન્દ્ર મોદીએ આ ટ્વીટ કરતા જ સમગ્ર દેશમાં સુરતના હીરા ઉદ્યોગના આ બેનમૂન ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પોસ્ટ ભારે વાઇરલ થઇ હતી. મુંબઇ, દિલ્હી, કોલકત્તા જેવા મેટ્રો સિટીના ગણ્યમાન્ય લોકોએ સુરતના હીરા બુર્સને લગતી પોસ્ટ સોશ્યલ મિડીયામાં મૂકવામાં માંડી હતી.સુરતના હીરા બજારમાં તો આજે આ પોસ્ટ એટલી વાઇરલ થઇ હતી કે મિનીબજારથી લઇને મહિધરપુરા હીરા બજાર સુધી સુરત ડાયમંડ બુર્સની જ ચર્ચા થતી સાંભળવા મળી હતી. સુરતના હીરા ઉદ્યોગકાર અને ડાયમંડ બુર્સ મેનેજમેન્ટ સાથે સંકળાયેલા દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે ગુજરાતીઓ હંમેશા માટે કંઇક નવું સર્જન કરવા, કંઇક નવું પ્રદાન કરવા માટે જાણિતા છે, સુરત ડાયમંડ બુર્સને આ જ કારણથી આકાર મળ્યો છે. હવે ટૂંક સમયમાં જ સુરતના હીરા બુર્સમાં એક જ સંકુલમાં સવા લાખ જેટલા લોકો હીરાનો વેપાર કરતા જોવા મળશે એ દ્રશ્ય પણ અદ્વિતીય બની રહેશે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :