CIA ALERT
07. May 2024

Day after diwali Archives - CIA Live

October 9, 2022
solar.jpeg
1min254

પુષ્યનક્ષત્રથી દિવાળીના પર્વની શરૂઆત થશે. આ વર્ષે દિવાળીના પર્વમાં તિથિમાં ઉથલપાથલ જોવા મળી રહી છે. ધનતેરસ 22 અને 23 ઓક્ટોબર એમ બે દિવસ ઉજવાશે. 22 ઓક્ટોબરે સાંજે 6.05 કલાકથી આસો વદ તેરસ તિથિ શરૂ થઈ રહી છે. જે 23 ઓક્ટોબરને સાંજે 6.03 કલાક સુધી રહેશે. એટલે કે 22 અને 23 ઓક્ટોબર એમ દિવસ ધનતેરસ રહેશે.
દિવાળી અને બેસતા વર્ષની વચ્ચે ધોખો છે. એટલે કે એક દિવસ પડતર છે. એ ખાલી દિવસમાં સૂર્યગ્રહણ થવાનું છે. 24 ઓક્ટોબરે દિવાળી છે અને 26 ઓક્ટોબરે બેસતું વર્ષ છે. 25 ઓક્ટોબરને મંગળવારના રોજ ખંડગ્રાસ સૂર્યગ્રહણ થવાનું છે. સંવત 2078નું અંતિમ અને એકમાત્ર સૂર્યગ્રહણ છે જે ભારતમાં દેખાવાનું છે. પરિણામે મંદિરો અને ધાર્મિક ક્રિયાઓમાં વેધ પાળવાનો રહેશે.

ગ્રહણ જેવી ખગોળીય ઘટનાનું ધાર્મિક અને જ્યોતિષની દ્રષ્ટિએ મહત્વ રહેલું છે. 25 ઓક્ટોબરે થનારું ખંડગ્રાસ સૂર્યગ્રહણ ચર્ચાનો વિષય બન્યું છે કારણકે તે દિવાળી અને બેસતા વર્ષની વચ્ચે છે. બંને શુભ તહેવારોની વચ્ચે ગ્રહણ આવી જતાં લોકોમાં પણ શુભ કાર્યોને લઈને અસમંજસની સ્થિતિ જોવા મળી રહી છે. સંવત 2078માં કુલ પાંચ ગ્રહણ થયા છે, જે પૈકીનું છેલ્લું 25 ઓક્ટોબરને મંગળવારે થશે. તુલા રાશિમાં સ્વાતિ નક્ષત્રમાં ખંડગ્રાસ સૂર્યગ્રહણ થશે. આ ગ્રહણ ભારત, પશ્ચિમ એશિયા, યુરોપ, ઉત્તર-પૂર્વ આફ્રિકામાં દેખાશે.

ગ્રહણ સ્પર્શ બપોરે 2.28 મિનિટે થશે. ગ્રહણ મધ્ય સાંજે 4.29 કલાકે અને ગ્રહણ મોક્ષ સાંજે 6.32 કલાકે થશે. અગાઉ 19 નવેમ્બર 2021ના રોજ ખંડગ્રાસ ચંદ્રગ્રહણ થયું હતું, 4 ડિસેમ્બર 2021ના રોજ ખગ્રાસ સૂર્યગ્રહણ હતું. 30 એપ્રિલ 2022ના રોજ ખંડગ્રાસ સૂર્યગ્રહણ અને 16 મેએ થયેલું ખગ્રાસ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાયું નહોતું. હવે, 25 ઓક્ટોબરે થનારું ખંડગ્રાસ સૂર્યગ્રહણ ભારતમાં જોવા મળશે. જેથી મંદિરમાં ધાર્મિક વિધિ પ્રમાણે ક્રિયાઓ થશે. વેધ પાળવાનો હોવાથી મંદિરના મુખ્ય દ્વાર ગ્રહણ વખતે બંધ રખાશે.

આ વર્ષે કાળી ચૌદશ અને દિવાળી તેમજ નૂતન વર્ષ પણ તિથિના વિચિત્ર સંયોગ વચ્ચે ઉજવાશે. સોમવારે 24 ઓક્ટોબરે સાંજે 5.28 કલાક સુધી ચૌદશની તિથિ છે. રવિવારે સાંજે 6.04 કલાકથી સોમવારે સાંજે 5.28 સુધી ચૌદશની તિથિ છે. 24 ઓક્ટોબરે જ સાંજે 5.29 કલાકથી દિવાળી શરૂ થાય છે. એ જ દિવસે દિપમાલા અને દિપદાન થશે. ચિત્રા નક્ષત્રમાં દિવાળી પર્વ ઉજવાશે. મંગળવારે સાંજે 4.19 કલાક સુધી અમાસ ચાલશે. ખંડગ્રાસ સૂર્યગ્રહણ હોવાથી વચ્ચેનો દિવસ ખાલી છે. બુધવારે નૂતન વર્ષ ઉજવાશે અને એ જ દિવસે બપોરે 2.43 કલાકથી બીજનો પ્રારંભ થશે.