CIA ALERT
05. May 2024
January 4, 20193min11280

Related Articles



SMCનું સૌથી નબળું બજેટ : કમિશ્નરે ચૂંટણી વર્ષમાં ભાજપને આપ્યો છગ્ગાબાજી કરવાનો ચાન્સ

Share On :
Print Friendly, PDF & Email

સુરત મહાનગરપાલિકાના કમિશનર શ્રી થેન્નારાશને આજે ચાલુ હિસાબી વર્ષ 2018-19ના રિવાઇઝ્ડ બજેટ અને 2019-20 માટેના રૂ.5599 કરોડનું સૂચિત બજેટ રજૂ કર્યું હતું. આંકડાઓ ભલે વધ્યા હોય કે મોટા થયા હોય પરંતુ, સૂચિત અંદાજપત્ર એ વાતની ચાડી ખાય રહ્યું છે કે શહેરનો વિકાસ કરતા કરતા વધેલા વસતિના ભારણને સેવા-સુવિધાઓ પૂરી પાડતા પાડતા સુરત મહાનગરપાલિકાનું તંત્ર હાંફી ગયું છે. નથી કોઇ મેગા પ્રોજેક્ટ, નથી કોઇ ઉડીને આંખે વળગે તેવી નવીન વાત કે નથી રેવન્યુ આવક કે ખર્ચમાં અસાધારણ વધઘટ. લોકસભાની ચૂંટણીમાં દેશના સૌથી ઝડપથી વિકસતા શહેરમાં અગ્રેસર સુરતનું બજેટ જોઇને કોઇપણ એક્સપર્ટ પ્રથમદર્શી નજરે જ બોલી ઉઠે કે સાવ કંગાળ બજેટ છે. ચૂંટણીના વર્ષમાં આવું નબળું બજેટ રજૂ કરીને કહ્યાગરા કંથ સમાન મ્યુનિસિપલ કમિશનર થેન્નારાશને ભાજપ શાસકોને છગ્ગાબાજી ફટકારવાનો ચાન્સ આપ્યો છે. હવે જોવાનું એ રહે છે કે સ્થાયી સમિતિ મારફતે ભાજપ શાસકો લોકસભાની ચૂંટણીના વર્ષમાં દેશની સૌથી વિકસીત ગણાતી સુરત મહાનગરપાલિકાના બજેટને કેવી રીતે ડેકોરેટ કરે છે.

છેલ્લા 15 વર્ષમાં સુરત મહાનગરપાલિકાનું સૌથી નબળું બજેટ

સુરત મહાનગરપાલિકાના છેલ્લા 15 વર્ષના ઇતિહાસમાં સૌથી નબળું અને સામાન્ય બજેટ લેખાવાય રહ્યું છે. સાવ સામાન્ય કે કંગાળ બજેટ એટલા માટે લેખાય રહ્યું છે કેમકે આખા વિશ્વમાં જે શહેરનું નામ સૌથી ઝડપે વિકસી રહેલા શહેર તરીકે લેવાતું હોય એ શહેરમાં આજે રજૂ થયેલું પ્રપોઝ્ડ બજેટ જો ન બને તો પણ જે કામગીરી થવાની છે એ તો થવાની જ છે. કમિશનર હોય કે ન હોય, શાસકો હોય કે ન હોય, જે કામગીરી યંત્રવત રીતે થવાની જ હોય તેને જ બજેટરી પ્રોવિઝન તરીકે લેખાવાઇ છે.

2019ના મધ્યભાગમાં જ્યારે લોકસભાની ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે આખા ભારતમાં ભાજપ જેને મોડેલ સિટી, વિકસિત શહેર કહે છે એ સુરતના સાવ જ નબળા બજેટમાં આગામી દિવસોમાં ભાજપ શાસકો અનેક રંગો પૂરીને આકર્ષક બનાવશે એ વાતમીન મેખ છે. એવું પણ જણાય છે કે વહીવટી પાંખે વેનિલા આઇસ્ક્રીમ જેવા રજૂ કરેલા બજેટમાં મહાનગરપાલિકાના ભાજપ શાસકોને મનગમતી ફ્લેવર એડ કરીને બજેટ રૂપી આઇસ્ક્રીમને મનપસંદ બનાવવાનો અવકાશ આપ્યો છે.

રૂ.5599 કરોડના સૂચિત બજેટમાં સૌથી ધ્યાનાકર્ષક બાબતો પર નજર કરીએ તો રૂ.2515 કરોડની રકમ વિકાસ કામો માટે એટલે કે કેપિટલ પ્રોજેક્ટસ ઉભા કરવા માટે જોગવાઇ કરવામાં આવી છે પણ અહીં ઉડીને આંખે વળગે તેવો એકપણ નવો પ્રોજેક્ટ લાવવામાં આવ્યો નથી. કમિશનર શ્રી થેન્નારાશને બજેટ રજૂ કરતી વખતે કહ્યું કે શહેરને વૈશ્વિક દરજ્જાની સ્માર્ટ સિટી બનાવવાનો સંકલ્પ કેન્દ્ર સ્થાને રાખીને વિકાસકામોની પ્રગતિ માટે પ્રતિબદ્ધતા. બસ આ ફક્ત શાબ્દિક વાત છે, હકીકતમાં બજેટમાં એવી કોઇ જોગવાઇ નથી કે જે વિકાસની હરણફાળ ભરતા સુરતની શોભા વધારશે.

આગામી વર્ષે સૌથી વધુ રૂપિયા ગટરમાં નાંખવાની જોગવાઇ

સૌથી વધુ રૂપિયા સુરત મહાનગરપાલિકા આગામી બજેટમાં ગટરમાં નાંખશે એમ મનાય છે. ગટરમાં નાંખશે એનો મતલબ એમ કે સૌથી વધુ રૂપિયા ડ્રેનેજ લાઇન અને સ્ટોર્મ ડ્રેનેજ લાઇન બિજાવવા માટે માટે ખર્ચવાની જોગવાઇ કરવામાં આવી છે, કુલ રૂ.617 કરોડ કે જે કુલ કેપિટલ ખર્ચના 15 ટકા જેટલો થાય છે તે ગટરના કામોમાં ઉપયોગમાં લેવામાં આવશે.

આ રહ્યા આંકડા મ્યુનિસિપલ કોર્પોરેશન ક્યાં રૂપિયા ખર્ચવાની છે એના

સુરત મનપાની તિજોરી પર સૌથી મોટો બોજો પગાર ખર્ચનો રૂ.1609 કરોડ

સુરત મહાનગરપાલિકાને જે રેવન્યુ આવક થવાની છે તેમાંથી પ્રોજેક્ટ કરવાની વાત તો દૂર રહી પરંતુ, પોતાનો ખર્ચો પણ સુરત મહાનગરપાલિકા કાઢી શકવાની નથી. રૂ.2939 કરોડની રેવન્યુ આવકની સામે 3084 કરોડનો રેવન્યુ ખર્ચ થશે તેવો અંદાજ વહીવટીતંત્રે મૂક્યો છે. જેમાં સૌથી મોટો રેવન્યુ ખર્ચ પગારનો છે. કર્મચારીઓના પગાર અને ભથ્થ વગેરે માટે રૂ.1609 કરોડની જરૂરીયાત રહેશે. રૂ.727 કરોડનો તોતિંગ ખર્ચ પ્રોજેક્ટ મેઇન્ટેનન્સ તેમજ વિજળીના ખર્ચ તરીકે જરુર પડશે.

ઓક્ટ્રોલની અવેજીમાં રાજ્ય સરકાર તરફથી મળતી ગ્રાન્ટમાં કોઇ વધારો નહીં

સુરત મહાનગરપાલિકા માટે ઓકટ્રોયની આવક જબરદસ્ત હતી. પણ ગુજરાત સરકારે ઓક્ટ્રોય નાબૂદ કરતા રાજ્ય સરકારે ઓક્ટ્રોયની આવકની અવેજીમાં ગ્રાન્ટ આપવાની શરૂઆત કરી હતી. આ ગ્રાન્ટ ચાલુ વર્ષે રૂ.795 કરોડ મળવાની છે, આગામી વર્ષ માટે આ પણ ઓક્ટ્રોયના વિકલ્પ રૂપ ગ્રાન્ટની રકમ માટે રૂ.795 કરોડની જ જોગવાઇ કરવામાં આવી છે. વહીવટીતંત્રે રજૂ કરેલા ડ્ર્રાફ્ટ બજેટમાં રેવન્યુ આવકમાં સૌથી વધુ 27 ટકા હિસ્સો જ ઓક્ટ્રોયની અવેજીમાં રાજ્ય સરકાર તરફથી મળતી ગ્રાન્ટનો છે. જો સુરત મહાનગરપાલિકા આજની તારીખે ઓક્ટ્રોય વસુલ કરતી હોત તો શું ઓક્ટ્રોયની આવકમાં વધારો ન થયો હોત, રાજ્ય સરકાર ઓક્ટ્રોયની જે આવક થતી હતી તેના આધારે ગ્રોથરેટ સાથે ગ્રાન્ટ આપી શકતી નથી. મનપામાં ભાજપ શાસકોની જ સરકાર રાજ્યમાં હોવા છતાં સ્થાનિક વામણી નેતાગીરી કશું બોલી શક્તી નથી.

પાંચ વર્ષમાં શહેરના એકેએક નળ જોડાણો પર મીટર લાગી જશે, શરુઆત આ વર્ષથી થશે

સુરત મનપાનું બજેટ રજૂ કરતા મ્યુનિ. કમિશનરે એક અગત્યની જાહેરાત એ કરી હતી કે સુરત મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવતા પાણી પુરવઠાને નિયંત્રિત કરવા માટે, લોકો પીવાના શુદ્ધ પાણીનો દુરુપયોગ કરતા અટકે, ટ્રીટેડ પાણીનું મૂલ્ય સમજાય તે માટે દરેકે દરેક નળ જોડાણ પર મીટર લગાડવામાં આવશે. પાંચ વર્ષમાં સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં એકેય પાણી જોડાણ નહીં હોય જેના પર મીટર ન લગાડેલું હશે. આ વર્ષથી જ નળ જોડાણો પર મીટર લગાડવાની યોજના શરૂ કરી દેવામાં આવશે. પહેલા 100 ચો.મી. કે તેનાથી વધુ ક્ષેત્રફળ ધરાવતી મિલક્તોના નળજોડાણો પર મીટર લગાડવામાં આવશે. એ પછી તબક્કાવાર 50થી 100 ચો.મી. સુધીની મિલક્તો અને એ પછી બધા જ પ્રકારની મિલ્કતોના નળ જોડાણો પર મીટર લાગી જશે. પાણીની કિંમત લોકોને ત્યારે સમજાશે.

ઉમરા-ભાઠા વચ્ચે તાપી નદી પર બરાજની જોગવાઇ ફરીથી બજેટમાં આવી

પાલિકાના વહીવટીતંત્રે રજૂ કરેલા 19-20 વર્ષના ડ્રાફ્ટ બજેટમાં ભાઠા-ઉમરા વચ્ચે તાપી નદી પર બરાજ બનાવવાની યોજના માટે ફરીથી જોગવાઇ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ માટે રૂ.50 કરોડની માતબર રકમની જોગવાઇ કરવામાં આવી છે. ચાલુ વર્ષના કયા પ્રોજેક્ટ આગામી વર્ષે હાથ ધરાશે, તેમાં કેટલી રકમની નાણાકીય જોગવાઇ કરવામાં આવી છે તેની માહિતી અત્રે પ્રસ્તુત છે.

લોલીપોપ પ્રોજેક્ટસ જુઓ કોના માટે કેટલી જોગવાઇ  થઇ છે બજેટમાં

અહીં પાંચ પ્રોજેક્ટના ફોટા રજૂ કરવામાં આવ્યા છે, સુરતવાસીઓને નજીકના ભવિષ્યમાં નહીં બલ્કે આગામી પાંચ વર્ષમાં આમાંથી એકાદ પ્રોજેક્ટ પણ જોવા મળે તો નવાઇ લાગશે.

સુરત મહાનગરપાલિકાના બજેટના મુખ્ય અંશો

  • સુરત મહાનગરપાલિકાની પોતાની આવક રૂ.844 કરોડ થવાનો અંદાજ જ્યારે ગ્રાન્ટની આવક પેટે રૂ.1295 કરોડ રાજ્ય અને કેન્દ્ર સરકાર પાસેથી મળવાનો આશાવાદ
  • રૂ.2515 કરોડનું કેપિટલ બજેટ
  • કુલ આવક 18-19માં રૂ.4917 કરોડના અંદાજની સામે 19-20માં રૂ.5078 કરોડ
  • કુલ જાવક 18-19માં રૂ.5033 કરોડની સામે 19-20માં રૂ.5599 કરોડનો અંદાજ
  • આઉટકમ બેઝ્ડ બજેટ રૂ.1666 કરોડ
  • સિટી બ્યુટિફિકેશન, સ્કીલ અપગ્રેડેશન
  • રેવન્યુ આવક 18-19માં રિવાઇઝડ રૂ.2791 કરોડથી વધીને 19-20માં રૂ.2939 કરોડ થવાનો અંદાજ
  • ઓક્ટ્રોય અવેજ પેટે રાજ્ય સરકાર તરફથી રૂ.795 કરોડની આવકનો અંદાજ
  • યુઝર ચાર્જ રૂ.634 કરોડ
  •  સૌથી વધુ રૂપિયા ડ્રેનેજ અને સ્ટોર્મ ડ્રેનેજ માટે ખર્ચાશે, રૂ.617 કરોડ, કુલ કેપિટલ ખર્ચના 15 ટકા ખર્ચશે.
  • 16 નવા કેપિટલ કામો 19-20 રિવાઇઝ બજેટમાં સૂચિત કરાયા
  • આખા શહેરમાં પાંચ વર્ષમાં નળ જોડાણો પર વોટર મિટર સાથે જોડી દેવાશે
  • રિચાર્જ બોરવેલ સબસિડી રૂ.20 હજારથી વધારીને રૂ.30 હજાર સુધી કરીને પ્રોત્સાહિત કરવામાં આવશે.
  • તાપી નદીમાં 5 જગ્યાએ રીયલ ટાઇમ વોટર ક્વોલિટી મોનિટરીંગ સેન્સર લગાડવામાં આવશે
  • સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન એક વખત વપરાયેલા પાણીને રિસાયકલ કરીને પુનઃ ઉપયોગમાં લઇને કુલ 10 ટકા પાણીનો જથ્થો બચાવશે. વર્ષે 1140 કરોડ લિટર પાણીની બચત
  • તાપી નદી પર ઉમરા-ભાઠા વચ્ચે બરાજ માટે રૂ.25 કરોડની જોગવાઇ
  • તમામ પ્રકારના બજારો માટે એક મેગા માર્કેટ હોલ બનાવશે
  • 113.7 રનિંગ કિલોમીટરના સિમેન્ટ કોંક્રિટ રોડ સુરત મહાનગરપાલિકાએ બનાવી દીધા
  • જંકશનો પર કોબલ બ્લોકથી કામગીરી કરવામાં આવશે. જંકશનો પર વધુ ટ્રાફિક અને રોડ ખરાબ થતા હોવાથી કોબલ બ્લોક જંકશન બનાવવામાં આવશે
  • 1019-20ના વર્ષમાં વેડ-વરીયાવને જોડતા રૂ.107.75 કરોડના નવો બ્રિજ તૈયાર કરવાની યોજના
  • 50 ઇલેક્ટ્રોનિક બસ ખરીદીને શહેરના માર્ગો પર દોડાવવામાં આવશે, આ ઇલેક્ટ્રીક બસ પ્રદૂષણ મુક્ત અને બિનખર્ચાળ હોવાથી તેનો તબક્કાવાર ઉપયોગ વધારવામાં આવશે
  • હાલમાં 275 સિટી બસ ચાલી રહી છે જેમાં વધુ 155 બસ ઉમેરવામાં આવશે, એવી જ રીતે 116 બીઆરટીએસ બસમાં વધુ 50 બસ ઉમેરવામાં આવશે.
  • 2382 બેઘર લોકો માટે લેબર ટ્રાંઝિટ એકોમોડેશન સેન્ટર ઉભા કરવામાં આવશે, જેનો ખર્ચ 22.90 કરોડ રૂપિયા
  • 84,715 આવાસો સુરત મહાનગરપાલિકા બનાવી ચૂકી છે જેનો ખર્ચ રૂ.1847.92 કરોડ
  • આગામી વર્ષ માટે કુલ 10 લાખ રોપાઓનું વૃક્ષારોપણ કરવામાં આવશે, સુરત મહાનગરપાલિકાની પ્રોપર્ટીઓમાં ગ્રીન ટોપ, ગ્રીન સ્કેપ, ગ્રીન રૂફટોપ બનાવવામાં આવશે.
  • મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે ફક્ત રૂ.50 લાખની જોગવાઇ, જેમાંથી ફક્ત કાગળ પરની કામગીરી એટલે કે (ડિટેઇલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ) ડીપીઆર બનાવાશે.
  • ઉમરા બ્રિજ ભલે તૈયાર હોય પરંતુ, હજુ ત્રણ-ચાર મહિના આ બ્રિજનો મેળ નહીં પડે. કમિશનરે ચોખ્ખા શબ્દોમાં લેખિત સ્વરૂપે આપ્યું છે કે 2019-20માં ઉમરા-પાલ વચ્ચેનો બ્રિજ ખુલ્લો મૂકી શકાશે.

આ એવા પ્રોજેક્ટ છે કે ચાલુ વર્ષ અને આગામી વર્ષ બન્ને વર્ષ માટે નાણાંકીય જોગવાઇઓ ધરાવે છે

મેજર કામો માટે આ મુજબની જોગવાઇ કરવામાં આવી છે

ઝોનવાઇઝ બજેટ આ પ્રમાણે ફાળવવામાં આવ્યું

હવા-પાણી પ્રદૂષણ માટે આ પ્રકારના પગલાંઓ ભરવાની જોગવાઇ કરવામાં આવી છે

 

 

 

 

 

 

 

 

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :