વધુ સારી માથાદીઠ આવક એવિકસિત રાષ્ટ્રનુ પ્રથમ લક્ષણ : કાનજી ભાલાળા

Share On :

શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી યોજાયેલ ૧૭૨માં વિચારોના વાવેતર કાર્યક્રમમાં કાનજીભાઈ ભાલાળાએ જણાવ્યું હતું કે, ભારત પાસે અઢળક કુદરતી સંશાધનો છે. અને વિશાળ જન સમૂહ છે. જો માનવબળ વધુ પ્રગતિશીલ બને તો ભારત વિકસિત રાષ્ટ્ર ઝડપથી બની શકે છે. તા. ૧૩/૦૮/૨૦૨૬ ગુરૂવારે જમનાબા ભવન ખાતે યોજાયેલ ૧૭૨ માં થર્સ-ડે થોર્ટ કાર્યક્રમમાં વિકસિત ભારત ૨૦૪૭ ના રોડમેપ, સાધનો અને પડકારો વિશે વાત કરતા કાનજીભાઈ એ જણાવ્યું કે, આવક, સંપત્તિ, સુવિધાઓ ઉપરાંત લોકોનું આરોગ્ય અને ગુણવત્તાયુક્ત જીવન વિકસિત રાષ્ટ્રની ઓળખ છે. અર્થાત વિકાસ માત્ર અર્થતંત્રનો નહિ પરંતુ માનવજીવનની ગુણવત્તાનો પણ થવો જોઈએ.

સામાન્ય રીતે રાષ્ટ્રને ત્રણ ભાગ પાડવામાં આવે છે. પછાત, વિકાસશીલ અને વિકસિત રાષ્ટ્ર. અમેરિકા, જર્મન, જાપાન, સિંગણપોર, દક્ષીણ કોરિયા અને સ્વીત્ઝરલૅન્ડ જેવા દેશો વિકસિત રાષ્ટ્રની વ્યાખ્યામાં આવે છે. તો સામાન્ય માણસના મનમાં પ્રશ્ન થાય છે કે વિકસિત રાષ્ટ્ર કોને કહેવાય? વિકસિત રાષ્ટ્રની કોઈ ચોક્કસ વ્યાખ્યા નથી. પરંતુ વર્લ્ડ બેંક રાષ્ટ્રોની કેટેગરી નક્કી કરવામાં માપદંડ નક્કી કર્યા છે. તેમાં જે રાષ્ટ્રની વાર્ષિક માથાદીઠ આવક ૧૪૩૭૫ ડોલર એટલે કે રૂપિયા ૧૪ લાખ વાર્ષિક આવક હોય એ વિકસિત રાષ્ટ્ર ગણવા માટે એક માપ છે. અંતરીક્ષ ટેકનોલોજીમાં ભારત અગ્રેસર છે. પરંતુ ભારતની માથાદીઠ આવક હજુ ૨૬૫૦ ડોલર એટલે કે વાર્ષિક રૂ. ૧૯૩૪૮૦/- છે.

વિકસિત રાષ્ટ્રના લક્ષણો જોઈએ તો ઉંચી માથાદીઠ આવક, ઉચ્ચ માનવ વિકાસ, ઉત્તમ શિક્ષણ – આરોગ્ય, વધુ ઉત્પાદન અને રોજગાર, ટેકનોલોજીનો ઉપયોગ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને જીવનની સારી ગુણવત્તા છે. ભારત દેશ પાસે વિકસિત રાષ્ટ્ર બનવાના ઘણા સંજોગો છે. ઝડપી વિકસિત મોટી અર્થવ્યવસ્થા છે. વિશાળ માનવબળ, ભારત યુવાનોનો દેશ છે. જે રાષ્ટ્રની મોટી તાકાત બની શકે છે. ડીઝીટલ ટેકનોલોજીમાં ભારત અગ્રેસર છે. પરંતુ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત સામે ઘણા મોટા પડકારો પણ છે. માથાદીઠ ઓછી આવક અને આર્થિક અસમાનતા, બેરોજગારી, ભ્રષ્ટાચાર, માનવવિકાસ આંકમાં ભારત ઘણું પાછળ છે. શિક્ષણ અને આરોગ્યમાં ઘણા પ્રશ્નો છે. સુસારૂ શાસન અને જાગૃત નાગરિક પણ વિકાસ માટે મોટા પરિબળો છે.

વિકસિત ભારતના સ્વપ્નને કેન્દ્રમાં રાખી નવો વિચાર આપતા જણાવ્યું હતું કે, પ્રગતિશીલ અને જાગૃત નાગરિક એ રાષ્ટ્રની ખરી મૂડી છે. વધુ સારી માથાદીઠ આવક એ વિકસિત રાષ્ટ્રનું પ્રથમ લક્ષણ છે. જયારે આવક-આરોગ્ય સેવા અને માનવવિકાસ એ વિકસિત રાષ્ટ્ર બનવા માટે શરતો છે. જયારે વર્તમાન સમયે બેરોજગારી, આર્થિક અસમાનતા અને ભ્રષ્ટાચાર એ વિકસિત ભારત સામેના મોટા પડકારો છે.

નાગરિક એ રાષ્ટ્રની તાકાત છે. ત્યારે સારા નાગરિક બનવા પંચામૃત :
૧. જાગૃત અને જવાબદાર નાગરિક બનો.
૨. પ્રગતિશીલ રહો.
૩. રાષ્ટ્રહિત હંમેશા રાખો.
૪. તંદુરસ્ત રહો.
૫. સારા માણસ બનો.

વિકસિત ભારત માટે વિકસિત માનસિકતા જરૂરી છે. – સંજયસિંહ ગુર્જર

સુરત રીજીયનના પ્રોવિડંડફંડ કમિશ્નર સંજયસિંહ ગુર્જરે વિકસિત ભારત માટે જાગૃત નાગરિક આધાર વિષય ઉપર બોલતા જણાવ્યું હતું કે, વિકસિત ભારત એટલે માત્ર વ્યક્તિગત વિકાસ નહી પરંતુ સમગ્ર રાષ્ટ્રનો વિકાસ માત્ર રોડ રસ્તા, બિલ્ડીંગ કે ભૌતિક સુવિધાઓ નહી,પરંતુ માનવીય વિકાસ અને જીવનની ગુણવત્તા પણ જરૂરી છે. વિકસિત ભારત માટે સૌ પ્રથમ દરેક નાગરિકની વિકસિત અને જવાબદાર માનસિકતાનો વિકાસ કરવો ખુબ જરૂરી છે. જાતિવાદ, અમીર-ગરીબ વચ્ચેનો ભેદભાવ દુર કરવો એ વિકસિત ભારતનું પ્રથમ પગથીયું છે. વિકસિત ભારત માટે “મારૂ પણું” છોડીને “આપણું” વિચારવું ખુબ જરૂરી છે. રાષ્ટ્રભક્તિ માટે નાગરિકે સીમા પર લડવા જવું જરૂરી નથી જ્યાં છીએ ત્યાં રહીને રાષ્ટ્ર માટે શ્રેષ્ઠ યોગદાન આપવું વધુ જરૂરી છે.

દરેક જાગૃત નાગરિકની પ્રાથમિક ફરજ છે કે તે પોતાના સંતાનોને સમાજ અને રાષ્ટ્ર પ્રત્યેયની જવાબદારી શીખવે છે. દરેક નાગરિક પોતાના હકોની સાથે જવાબદારીનું કર્તવ્ય સમજે તે પણ વિકસતા ભારત બનાવવા જરૂરી છે.

જાગૃત નાગરિકતા માટે કેળવણી સાથે સંસ્કાર ધડતર જરૂરી છે. – જૈનીલ દેસાઈ (IFS)

વર્ષ ૨૦૨૩ માં UPSC ની IFS પરીક્ષામાં સફળતા મેળવી હાલ ડાંગના જંગલ વિભાગના આસિસ્ટન્ટ કન્ઝરવેટર ઓફિસર જૈનીલ જગદીશભાઈ દેસાઈ વિચારોના વાવેતર કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સૌરાષ્ટ્રના જીરા ગામના વતની અને અભ્યાસ સુરતમાં કરી તેઓ IFS થયા તથા વધુમાં UPSC પરીક્ષા ૨૦૨૪ પણ પાસ કરી છે. પ્રતિભાવ આપતા તેમણે જણાવ્યું હતું કે, માણસ માત્ર આર્થિક રીતે સદ્ધર કે શિક્ષિત બનવાથી જાગૃત નાગરિક બનતો નથી. જાગૃત નાગરિકતા માટે કેળવણી સાથે સંસ્કાર ધડતર ખુબ જરૂરી છે. સેન્સ ઓફ ઓનરશીપ એટલે કુદરતી કે રાષ્ટ્રની સંપત્તિને પોતાની સમજવી તે છે. વિચારોનું વાવેતર કાર્યક્રમ પણ જાગૃત નાગરિકતા વિકસાવવા માટેનું એક ઉત્તમ પરિબળ છે. જરૂરિયાતમંદ લોકોને તેને મૂળભૂત જરૂરિયાત પૂરી પાડવી તે પણ જાગૃત નાગરિકતાની એક મહત્વપૂર્ણ નિશાની છે.

આ પ્રસંગે જૈનીલ દેસાઈના પિતા જગદીશભાઈ, માતા દક્ષાબેન તથા દાતાટ્રસ્ટી હસમુખભાઈ સાવલિયા તથા કિરણબેન ઉપસ્થિત રહ્યા હતા. કામરેજ તાલુકામાં કોમ્યુનીટી હેલ્થ ઓફિસર ડો. વિવેક ભૂવાનું અભિવાદન કરવામાં આવ્યું હતું. આયુષ્માન કાર્ડ બાબતે તેમનું માર્ગદર્શન જમનાબા ભવન ખાતે લોકોને મળશે.

ગત ગુરૂવારના વિચાર ધર્મેશ ચોવટિયાએ રજુ કર્યો હતો. જયારે કાર્યક્રમનું સંકલન ડો. અજય દેસાઈ તથા અંકિત સુરાણીએ કર્યું હતું. ઉપસ્થિત સર્વોને સુરત મહાનગરપાલિકા યુવા મોરચા તરફથી ઉપસ્થિત દરેકને ત્રિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :