SGCCI VP રવિ રાજ દેસાઇની દક્ષિણ ગુજરાતના ઉદ્યોગોના વિકાસ માટે મુખ્યમંત્રી સમક્ષ 17 મુદ્દાની રજૂઆત

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના વાઇસ પ્રેસિડેન્ટ રવિ રાજ દેસાઈએ રાજ્યસ્તરીય બેઠકમાં હવાઈ સેવા, ઊર્જા, ટેક્સટાઇલ, કરવેરા, પૂર રાહત, GIDC સહિતના પ્રશ્નો અને સૂચનોની રજૂઆત કરી હતી; સેક્રેટરી પરેશ લાઠીયા પણ રહ્યા ઉપસ્થિત
તા. 30 જુલાઈએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યના વિવિધ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રતિનિધિઓ સાથે યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં દક્ષિણ ગુજરાતના ઉદ્યોગો અને વેપાર-ધંધાને અસર કરતા 17 મહત્વપૂર્ણ મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા. સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તરફથી વાઇસ પ્રેસિડેન્ટ રવિ રાજ દેસાઈએ વિવિધ વિભાગોને સ્પર્શતા પ્રશ્નો અને તેમના ઉકેલ માટેની રજૂઆત કરી હતી. તેમની સાથે ચેમ્બરના સેક્રેટરી પરેશ લાઠીયા પણ ઉપસ્થિત રહ્યા હતા.
રજૂઆતમાં સુરત અને દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક વિકાસને વેગ આપવા માટે પ્રાદેશિક હવાઈ સેવા, વીજળી નીતિ, ટેક્સટાઇલ નિકાસ, GST અને VAT સંબંધિત મુદ્દાઓ, GIDCના પ્રશ્નો, પૂરગ્રસ્ત ઉદ્યોગોને રાહત, ટાઉન પ્લાનિંગ સહિતના અનેક પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ચેમ્બરે ભારપૂર્વક રજૂઆત કરી હતી કે દક્ષિણ ગુજરાત રાજ્યના અર્થતંત્રનું સૌથી મોટું ઔદ્યોગિક એન્જિન છે, તેથી અહીંના પ્રશ્નોના ઝડપી નિરાકરણથી સમગ્ર રાજ્યના ઔદ્યોગિક વિકાસને ગતિ મળશે.
- સુરતથી પ્રાદેશિક હવાઈ સેવા મજબૂત બનાવવાની માંગ
UDAN/VGF યોજના હેઠળ સુરત-અમદાવાદ, સુરત-રાજકોટ અને સુરત-ભાવનગર રૂટ પર 50થી 70 બેઠકો ધરાવતા વિમાનો શરૂ કરવાની માંગ કરવામાં આવી છે. હાલ 9 સીટની મર્યાદા મુસાફરોની માંગને અનુરૂપ નથી જ્યારે સુરત એરપોર્ટ પર 70થી વધુ બેઠકોના વિમાનો સફળતાપૂર્વક સંચાલિત થઈ રહ્યા હોવાનું રજૂ કરાયું.
- GUVNLની એનર્જી બેન્કિંગ નીતિથી અટવાયેલી ગ્રીન એનર્જી ક્ષમતાનો ઉકેલ
31 ઓગસ્ટ 2024 પહેલાં રોકાણ કરનાર રિન્યુએબલ એનર્જી ઉત્પાદકોની Energy Banking મર્યાદા 100 ટકાથી ઘટાડીને 30 ટકા કરાતા આશરે 40 ટકા ઉત્પાદન ક્ષમતા બિનઉપયોગી બની ગઈ હોવાનું જણાવાયું. વીજળી ટ્રાન્સફર, Wheeling, Group Captive અને BESS માટેની મંજૂરી ઝડપથી આપવા રજૂઆત કરવામાં આવી.
- GETCO દક્ષિણ ઝોનનું મુખ્ય મથક સુરતમાં ખસેડવાની માંગ
ડીજીવીસીએલનું કોર્પોરેટ મુખ્ય મથક સુરતમાં હોવાથી GETCOનું દક્ષિણ ઝોન મુખ્ય મથક પણ સુરતમાં લાવવામાં આવે તો વીજ માળખાકીય વિકાસ અને સંકલનમાં ગતિ આવશે તેવી રજૂઆત કરવામાં આવી.
- લિફ્ટ-એસ્કેલેટર નિરીક્ષકની દક્ષિણ ઝોન કચેરી સુરતમાં ખસેડવાની રજૂઆત
દક્ષિણ ગુજરાતમાં ઉદ્યોગો, મોલ, હોસ્પિટલ અને ઊંચી ઇમારતોની સંખ્યા વધતા લિફ્ટ અને એસ્કેલેટર સંબંધિત સેવાઓ માટે વડોદરાના બદલે સુરતમાં ઝોનલ કચેરી સ્થાપવાની માંગ કરવામાં આવી.
- VAT, CST અને એન્ટ્રી ટેક્સ માટે એમ્નેસ્ટી યોજના અમલમાં મૂકવાની માંગ
GST અમલ પછી પણ જૂના VAT, CST અને Entry Taxના વિવાદો વેપારીઓને પરેશાન કરી રહ્યા છે. મહારાષ્ટ્ર અને કેન્દ્ર સરકારની Sabka Vishwas Scheme જેવી વ્યાપક એમ્નેસ્ટી યોજના જાહેર કરવાની માંગ કરવામાં આવી.
- DDPI પર સ્ટેમ્પ ડ્યુટી અંગે સ્પષ્ટતા કરવા રજૂઆત
SEBI દ્વારા માન્ય DDPI માત્ર ટ્રેડ સેટલમેન્ટ માટેની સૂચના હોવાથી તેના પર સ્ટેમ્પ ડ્યુટી લાગુ પડતી નથી તે અંગે ગુજરાત સરકાર સ્પષ્ટ માર્ગદર્શન જાહેર કરે તેવી માંગ કરવામાં આવી.
- પેટ્રોલ-ડીઝલ પર VATમાં 1થી 2 ટકા ઘટાડાની માંગ
ક્રૂડ ઓઇલના ભાવ વધવાથી પરિવહન ખર્ચ વધી રહ્યો છે. ઉદ્યોગો, વેપારીઓ, ખેડૂતો અને સામાન્ય નાગરિકોને રાહત આપવા પેટ્રોલ અને ડીઝલ પરના VAT તથા સેસમાં પ્રથમ તબક્કે 1થી 2 ટકાનો ઘટાડો કરવાની રજૂઆત કરવામાં આવી.
- GSTના આદેશો અંગ્રેજી અથવા દ્વિભાષી સ્વરૂપે જારી કરવાની માંગ
GST હેઠળના આદેશો માત્ર પ્રાદેશિક ભાષામાં હોવાથી અપીલ દરમિયાન સમય અને ખર્ચ વધે છે. તેથી અંગ્રેજી અથવા દ્વિભાષી ઓર્ડર ફરજિયાત કરવા રજૂઆત કરવામાં આવી.
- સુરતમાં કસ્ટમ્સ માન્ય ટેક્સટાઇલ ટેસ્ટિંગ લેબ શરૂ કરવાની માંગ
હાલ ફેબ્રિકના નમૂનાઓ વડોદરા મોકલવાના કારણે નિકાસમાં વિલંબ થાય છે. સુરતની MANTRA લેબોરેટરીને કસ્ટમ્સ માન્યતા આપી નિકાસ પ્રક્રિયા ઝડપી બનાવવા રજૂઆત કરવામાં આવી.
- GIDCમાં ઓટોમોબાઇલ યુનિટોને ઉદ્યોગ તરીકે માન્યતા આપવાની માંગ
GIDC વિસ્તારમાં કાર્યરત ઓટોમોબાઇલ યુનિટોને કોમર્શિયલ તરીકે ગણાવી કાર્યવાહી થતી હોવાથી નીતિમાં સુધારો કરી તેમને ઔદ્યોગિક એકમ તરીકે માન્યતા આપવાની રજૂઆત કરવામાં આવી.
- વ્યારા અને વાલોડને કેટેગરી-Aમાં સમાવવાની માંગ
તાપી જિલ્લાના વ્યારા અને વાલોડ ઔદ્યોગિક રીતે પછાત હોવાથી નવી ઉદ્યોગ નીતિ-2026 હેઠળ કેટેગરી-Aમાં સમાવેશ કરી રોકાણ અને રોજગારીને પ્રોત્સાહન આપવાની રજૂઆત કરવામાં આવી.
- ટેક્સટાઇલ પોલિસીની DLACમાં પ્રાદેશિક ચેમ્બરને સ્થાન આપવા માંગ
ગુજરાત ટેક્સટાઇલ પોલિસી-2024 હેઠળ જિલ્લા સ્તરની સમિતિમાં પ્રાદેશિક ચેમ્બરનો સમાવેશ ન હોવાથી તેમાં સુધારો કરવાની માંગ કરવામાં આવી.
- પૂરગ્રસ્ત ઉત્પાદન એકમોને રાહત પેકેજમાં સ્પષ્ટ સમાવેશ કરવાની માંગ
સુરતના પૂરગ્રસ્ત MSME માટે જાહેર થયેલા પેકેજમાં ઉત્પાદન એકમોને સ્પષ્ટ લાભાર્થી તરીકે સામેલ કરવા સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી.
- પૂરગ્રસ્ત ઉદ્યોગોને મિલકત વેરામાં રાહત
તાજેતરના પૂરના કારણે નુકસાન પામેલા સુરત મહાનગરપાલિકા વિસ્તારના ઉત્પાદન એકમોને મિલકત કરમાં રાહત આપવાની રજૂઆત કરવામાં આવી હતી.
- જાહેર ટ્રસ્ટોને રોકાણમાં વધુ સ્વતંત્રતા આપવા માંગ
મહારાષ્ટ્રની જેમ જાહેર ટ્રસ્ટોને પૂર્વ મંજૂરી વિના નિર્ધારિત મર્યાદા સુધી રોકાણ કરવાની છૂટ ગુજરાતમાં પણ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી.
- રોડ ટેક્સની દ્વિગુણી વસૂલાત દૂર કરવાની માંગ
RTO દ્વારા રોડ ટેક્સ વસૂલ્યા બાદ પણ નગરપાલિકાઓ દ્વારા અલગથી વસૂલાત થતી હોવાથી ગુજરાત મ્યુનિસિપાલિટીઝ એક્ટની કલમ 99(II)માં સુધારો કરવાની રજૂઆત કરવામાં આવી.
- વર્ષોથી અટવાયેલી ટી.પી. સ્કીમોને મંજૂરી આપવા રજૂઆત
સુરત જિલ્લામાં છેલ્લા બે દાયકાથી અટવાયેલી ડ્રાફ્ટ અને પ્રિલિમિનરી ટાઉન પ્લાનિંગ સ્કીમોને ઝડપથી અંતિમ મંજૂરી આપી વિકાસ કાર્યોને ગતિ આપવા માંગ કરવામાં આવી.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now

