CIA ALERT
02. May 2024

Related Articles



શાનદાર સમારોહમાં SGCCI પ્રેસિડેન્ટ પદનો ચાર્જ રમેશ વઘાસીયા અને વાઇસ પ્રેસિડેન્ટ પદનો ચાર્જ વિજય મેવાવાલાએ અખત્યાર કર્યો

Share On :
Print Friendly, PDF & Email

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીનો ૮૩મો પદગ્રહણ સમારોહ રવિવાર, તા. ૦ર જુલાઇ ર૦ર૩ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાયો હતો. જેમાં ચેમ્બરના વર્ષ ર૦ર૩–ર૪ના પ્રમુખ તરીકે રમેશ વઘાસિયા અને ઉપ પ્રમુખ તરીકે વિજય મેવાવાલાએ પદભાર સંભાળ્યો હતો. રમેશ વઘાસિયા ચેમ્બર ઓફ કોમર્સના ૭૭મા પ્રમુખ બન્યા છે.

SGCCIના ઓનરરી સેક્રેટરી તરીકે નિખિલ મદ્રાસી અને ઓનરરી ટ્રેઝરર તરીકે કિરણ ઠુમ્મરની વરણી

આ સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે ભારતના કેન્દ્રિય ટેક્ષ્ટાઇલ્સ એન્ડ રેલ્વે રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશ ઉપસ્થિત રહયા હતા. ગુજરાતના ગૃહ મંત્રી (રાજ્ય કક્ષા) હર્ષભાઇ સંઘવી, શિક્ષણ મંત્રી (રાજ્ય કક્ષા) પ્રફૂલ પાનશેરીયા, સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના ચેરમેન પરેશ પટેલ, યુકેના અમદાવાદ સ્થિત ડેપ્યુટી હાઇ કમિશનર સ્ટીવન હિકલીંગ, શ્રી રામકૃષ્ણ એક્ષ્પોર્ટ્‌સ પ્રા.લિ.ના ફાઉન્ડર એન્ડ ચેરમેન ગોવિંદભાઇ ધોળકિયા અને સુરત ડાયમંડ બુર્સ એન્ડ કિરણ જેમ્સના ચેરમેન વલ્લભભાઇ પટેલ (લાખાણી) અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહયા હતા.

વિદેશી પ્રતિનિધિ મંડળોમાં પાંચ દેશોના એમ્બેસેડર અને કોન્સુલ જનરલ સમારોહમાં ખાસ ઉપસ્થિત રહયા હતા. જેમાં અમદાવાદ સ્થિત યુકેના ડેપ્યુટી હાઇ કમિશનર સ્ટીવન હિકલીંગ, નવી દિલ્હી સ્થિત ફેડરેલ ડેમોક્રેટીક રિપબ્લીક ઓફ ઇથોપિયાના ડેપ્યુટી હેડ ઓફ મીશન બિઝુનેશ મેસેરેટ, મુંબઇ સ્થિત મલેશિયાના કોન્સુલ જનરલ અહમદ ઝુવેરી યુસોફ, મુંબઇ સ્થિત રિપબ્લીક ઓફ ઇન્ડોનેશિયાના એકટીંગ કોન્સુલ જનરલ તોલ્લાહ ઉબૈદી અને નવી દિલ્હી સ્થિત એમ્બેસી ઓફ ધ રિપબ્લીક ઓફ વિયેતનામના ટ્રેડ કાઉન્સેલર બુઇ ટ્રન્ગ થોન્ગનો સમાવેશ થાય છે.

ચેમ્બરના વર્ષ ર૦રર–ર૩ ના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ પદગ્રહણ સમારોહમાં સર્વેને આવકાર્યા હતા અને પ્રારંભિક ઉદ્‌બોધન કર્યું હતું. તેમણે તેમના કાર્યકાળ દરમ્યાન ચેમ્બર દ્વારા કરવામાં આવેલી નોંધનીય કામગીરીનો અહેવાલ રજૂ કરી વર્ષ ર૦ર૩–ર૪ ના પ્રમુખ રમેશ વઘાસિયાનો પરિચય આપી તેમને પ્રમુખ તરીકેની બાગડૌર સંભાળવા અનુરોધ કર્યો હતો.

પદગ્રહણ સમારોહમાં સૌથી મહત્વની બાબત એટલે ચેમ્બરના વર્ષ ર૦ર૩–ર૪ના પ્રમુખ તરીકે રમેશ વઘાસિયા અને ઉપ પ્રમુખ તરીકે વિજય મેવાવાલાએ પદભાર સંભાળ્યો હતો. પ્રમુખ રમેશ વઘાસિયાએ તેમના કાર્યકાળ દરમ્યાન માનદ્‌ મંત્રી તરીકે નિખિલ મદ્રાસી અને માનદ્‌ ખજાનચી તરીકે કિરણ ઠુમ્મરની જાહેરાત કરી હતી. જ્યારે લેડીઝ વીંગના ચેરપર્સન તરીકે મનિષા હિમાંશુ બોડાવાલાની જાહેરાત કરી હતી.

રમેશ વઘાસિયાએ સર્વેનો આભાર વ્યકત કરી ચેમ્બરના પ્રમુખપદનો સ્વીકાર કરતા પોતાના ઉદ્‌બોધનમાં જણાવ્યું હતું કે, SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ના ભાગ રૂપે ચેમ્બર ઓફ કોમર્સ વિશ્વના ૮૪ દેશોની સાથે વ્યાપાર વધારવાની દિશામાં પ્રયાસ કરાશે.

SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ અંતર્ગત સુરત સહિત સમગ્ર ગુજરાતમાંથી એક્ષ્પોર્ટ વધારી શકાય તે માટેના પ્રયાસના ભાગ રૂપે ૮૪૦૦૦ જેટલા યુવા ટેલેન્ટેડ આંત્રપ્રિન્યોર્સને જોડવામાં આવશે અને વિશ્વના જુદા–જુદા ૮૪ દેશોમાં વસતા ભારતીય યુવા ઉદ્યોગ સાહસિકોને ઓનબોર્ડ કરાશે. આ ઉપરાંત ભારતની ૮૪ જેટલી ચેમ્બર ઓફ કોમર્સને તથા વિશ્વના ૮૪ દેશોની ચેમ્બર ઓફ કોમર્સને એક પ્લેટફોર્મ ઉપર લાવવામાં આવશે અને ઉદ્યોગકારોની સાથે સંવાદ યોજાશે. એવી જ રીતે ભારતના ૮૪ દેશોમાં કોન્સુલ જનરલને તેમજ ૮૪ દેશોના ભારત સ્થિત કોન્સુલ જનરલને જોડાશે અને તેઓના દેશો સાથે વ્યાપાર માટે જે કાયદા અને નિયમો છે તેના વિષે ઉદ્યોગકારોને માર્ગદર્શન આપી દિશા નિર્દેશ કરવામાં આવશે.

કયા દેશમાં કઇ પ્રોડકટની માંગ તથા જરૂરિયાતો છે તેના વિષે ખાસ ચર્ચા કરાશે અને તેની જાણકારી ઉદ્યોગકારોને આપવામાં આવશે, જેથી કરીને ભારતથી એક્ષ્પોર્ટ વધારી શકાશે. તદુપરાંત વર્લ્ડ બેંક, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન અને વર્લ્ડ ઇકોનોમિક ફોરમ, યુનો વગેરે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં કાર્યરત ભારતીય સ્કોલરને આમંત્રિત કરી ઉદ્યોગકારોને માર્ગદર્શન અપાશે.

તા. ર૧ ઓકટોબર ર૦ર૩ થી ચેમ્બર ઓફ કોમર્સનું ૮૪ મું વર્ષ શરૂ થશે. ચેમ્બરની સ્થાપના દિવસના ૮૪મા દિવસે એટલે તા. ૧૩ જાન્યુઆરી ર૦ર૪ ના રોજ રૂપિયા ૮૪ હજાર કરોડના બિઝનેસ કરવા માટે એમઓયુ કરાશે, જે અંતર્ગત ઇન્ટરનેશનલ ટ્રેડ માટે વધુ સારું પ્રોત્સાહન ઉદ્યોગકારોને પૂરું પાડવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ ર૦ર૭ સુધીમાં ભારતને પ ટ્રિલિયન ડોલર ઇકોનોમી બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે, જેમાં ગુજરાત રિજનમાંથી રૂપિયા ૮૪૦૦૦ કરોડનો બિઝનેસ જીપીડીમાં આપવાનો સંકલ્પ કરી તે દિશામાં અથાગ પ્રયાસ કરાશે. વડાપ્રધાને, દેશના ઉદ્યોગકારોને ૧ ટ્રિલિયન ડોલરના એક્ષ્પોર્ટનો લક્ષ્યાંક આપ્યો છે, તેમાં વધુમાં વધુ એક્ષ્પોર્ટ ગુજરાત રિજનમાંથી થાય તે દિશામાં મકકમ પ્રયાસ કરાશે. એના માટે ચેમ્બર ઓફ કોમર્સ, તમામ ઔદ્યોગિક એસોસીએશનોને સાથે લઈને આગળ વધશે. જેથી કરીને ભારતને વિશ્વમાં સૌથી મોટી ત્રીજી ઇકોનોમી બનાવવાની દિશામાં યોગદાન આપી શકાય.

પ્રમુખ રમેશ વઘાસિયા દ્વારા સંકલ્પ લેવામાં આવ્યો હતો કે તેમના કાર્યકાળ દરમ્યાન એક વર્ષમાં ચેમ્બરને નવા ૧૦૦૦ સભ્યો અને તેના દ્વારા રૂપિયા પાંચ કરોડની આવક કરી આપવામાં આવશે.

મુખ્ય મહેમાન કેન્દ્રિય મંત્રી દર્શનાબેન જરદોશના હસ્તે SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪નું લોન્ચીંગ કરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, હવે ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રી અને તેને લગતા એજ્યુકેશનના ભવિષ્ય ઉપર ચેમ્બર ઓફ કોમર્સે કામ કરવું પડશે. છેલ્લાં પાંચ વર્ષમાં સરકાર સાથે વાન્ીતના આધારે ઇન્ડસ્ટ્રીના પ્રશ્નોનું નિરાકરણ લાવ્યા છે. હવે ભવિષ્યમાં નવા રોકાણ સાથે ઇન્ડસ્ટ્રીએ આગળ વધવું પડશે. ટ્રિપલ એન્જીનની સરકાર ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ માટે ખૂબ જ સારું કામ કરી રહી છે. વધુમાં તેમણે કહયું હતું કે, એક ભારત શ્રેષ્ઠ ભારતની દિશામાં ચેમ્બરના પ્રમુખ રમેશ વઘાસિયા નવા ઊંચા સંકલ્પ સાથે આગળ વધશે અને તેના માટે તેમણે શુભેચ્છા આપી હતી.

ગુજરાતના ગૃહ તેમજ ઉદ્યોગ (રાજ્ય કક્ષા) મંત્રી હર્ષભાઇ સંઘવીએ જણાવ્યું હતું કે, સુરતના બધા જ ઉદ્યોગોને દિશા આપવાનું કામ ચેમ્બર ઓફ કોમર્સ કરે છે. આખા દક્ષિણ ગુજરાતના વ્યાપાર – ઉદ્યોગોનું પ્રતિનિધિત્વ કરનાર ચેમ્બર ઓફ કોમર્સ ઉદ્યોગોના હિત માટે માંગણી લઇને આવે અને એ અમે પૂર્ણ કરીશું. મોટી રોજગારીનું સર્જન થાય અને વેપારીઓને નવી દિશા મળી શકે તે માટે પીએમ મિત્રા પાર્ક સુરતને મળી ગયો છે. ૧૩મીએ પીએમ મિત્રા પાર્કનું એમઓયુ પણ થનાર છે. સુરત – નવસારી ખાતે પીએમ મિત્રા પાર્ક દેશમાં સૌથી પહેલા અને ઝડપથી બને તે માટે પ્રયાસ કરાઇ રહયા છે. સુરત ડાયમંડ બુર્સ વિશ્વમાં દેશનું સૌથી મોટું ડાયમંડ હબ બનશે. ગુજરાતને સૌથી સુરક્ષિત રાજ્ય બનાવ્યું છે અને વધુ સુરક્ષિત બનાવવાની પ્રતિજ્ઞા લીધી છે.

ચેમ્બરના નવનિયુકત પ્રમુખ રમેશ વઘાસિયાએ ગુજરાતના ૮૪ હજાર યુવા ઉદ્યોગ સાહસિકોને જોડવાનો સંકલ્પ લીધો છે ત્યારે બ્રાન્ડ સુરત માટે કેવી રીતે સફળતા પ્રાપ્ત કરી શકાય છે તે દિશામાં પણ આગળ વધવું પડશે. નાના વેપારીઓની સબસિડી અટકેલી હોય તો તેઓને મળે તે માટેનું કામ ચેમ્બર ઓફ કોમર્સે કરવાનું છે.

વધુમાં તેમણે કહયું કે, ચેમ્બર ઓફ કોમર્સના સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટરને વધુ વિકસાવવામાં આવશે તો મુંબઇ, બેંગ્લોરની જેમ આંતરરાષ્ટ્રીય કક્ષાના એકઝીબીશન કરી શકાશે. એના માટે ગુજરાત સરકારે રૂપિયા ર૪ કરોડ મંજૂર કરવા લીલી ઝંડી આપી દીધી છે.

અમદાવાદ સ્થિત યુકેના ડેપ્યુટી હાઇ કમિશનર સ્ટીવન હિકલીંગે જણાવ્યું હતું કે, ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય વ્યાપાર વધારવાની દિશામાં ખૂબ જ સારું વાતાવરણ નિર્માણ થઇ ગયું છે. બંને દેશો ટ્રેડ, ફાયનાન્સ, ઇન્વેસ્ટમેન્ટ, ટ્રાન્સપોર્ટ, વેસ્ટ મેનેજમેન્ટ, એજ્યુકેશન, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ વગેરે ક્ષેત્રે એકબીજાને સહયોગ આપવા માટે આગળ વધી રહયા છે.

ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખ બી.એસ. અગ્રવાલે, પ્રમુખ તરીકે હિમાંશુ બોડાવાલાએ તેમના કાર્યકાળ દરમિયાન દક્ષિણ ગુજરાતના ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીના ડેવલપમેન્ટ હેતુ જે કામગીરી કરી હતી તે અંગેના સન્માન પત્રનું વાંચન કર્યું હતું. ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખ મહેન્દ્ર કાજીવાલાને ચેમ્બર દ્વારા લાઇફ ટાઇમ એચીવમેન્ટ સન્માન પત્ર આપી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું, જેનું વાંચન ભૂતપૂર્વ પ્રમુખ પ્રફુલ શાહે કર્યું હતું. આ ઉપરાંત માનદ્‌ મંત્રી ભાવેશ ટેલર, માનદ્‌ ખજાનચી ભાવેશ ગઢીયા અને ઓલ એકઝીબીશન્સ ચેરમેન બિજલ જરીવાલાને વર્ષ દરમ્યાન કરાયેલી કામગીરી માટે સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યા હતા, જેનું વાંચન અનુક્રમે ગૃપ ચેરમેન દીપક કુમાર શેઠવાલા, પરેશ લાઠીયા અને મૃણાલ શુકલ દ્વારા કરાયું હતું.

ચેમ્બર ઓફ કોમર્સના સમૃદ્ધિ મેગેઝીનના વર્ષ ર૦રર – ર૩ ના એજીએમ ઇશ્યુનું વિમોચન કરવામાં આવ્યું હતું. સાથે જ વર્ષ દરમ્યાન આયોજિત સાતથી આઠ એકઝીબીશનોની જાહેરાત કરવામાં આવી હતી.

પદગ્રહણ સમારોહમાં તત્કાલિન ભૂતપૂર્વ પ્રમુખ આશીષ ગુજરાતી તથા ધારાસભ્યો અરવિંદભાઇ રાણા અને કાંતિભાઇ બલર ઉપસ્થિત રહયા હતા. માસ્ટર ઓફ સેરેમની ચેમ્બરની મેનેજિંગ કમિટીના સભ્ય ડો. રિન્કલ જરીવાલા અને ચેમ્બરના સભ્ય ડો. સંજય પટેલ (ડુંગરાણી)એ કરી હતી.

પદગ્રહણ સમારોહને અંતે વર્ષ ર૦ર૩–ર૪ ના ઉપ પ્રમુખ તરીકે પદભાર સંભાળનાર વિજય મેવાવાલાએ સર્વેનો આભાર માન્યો હતો અને ત્યારબાદ સમારોહનું સમાપન થયું હતું.

પાંચ દેશોના કોન્સુલ જનરલ અને સુરતના ઉદ્યોગકારો વચ્ચે સંવાદ યોજાયો

ચેમ્બર ઓફ કોમર્સના પદગ્રહણ સમારોહમાં પધારનાર ઇન્ડોનેશિયા, ઇથોપિયા, વિયેતનામ, યુકે સહિતના એશિયન રાષ્ટ્રોના એમ્બેસેડર તથા કોન્સુલ જનરલ સાથે ઉદ્યોગકારોનું ઇન્ટરેકટીવ સેશન યોજાયું હતું. પદગ્રહણ સમારોહ બાદ બપોરે રઃ૩૦ કલાકે યોજાયેલા આ સેશનમાં બે દેશોની ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી માટેની જરૂરિયાતો વિષે ચર્ચા કરવામાં આવી હતી.

અમદાવાદ સ્થિત યુકેના ડેપ્યુટી હાઇ કમિશનર સ્ટીવન હિકલીંગ, નવી દિલ્હી સ્થિત ફેડરેલ ડેમોક્રેટીક રિપબ્લીક ઓફ ઇથોપિયાના ડેપ્યુટી હેડ ઓફ મીશન બિઝુનેશ મેસેરેટ, મુંબઇ સ્થિત મલેશિયાના કોન્સુલ જનરલ અહમદ ઝુવેરી યુસોફ, મુંબઇ સ્થિત રિપબ્લીક ઓફ ઇન્ડોનેશિયાના એકટીંગ કોન્સુલ જનરલ તોલ્લાહ ઉબૈદી અને નવી દિલ્હી સ્થિત એમ્બેસી ઓફ ધ રિપબ્લીક ઓફ વિયેતનામના ટ્રેડ કાઉન્સેલર બુઇ ટ્રન્ગ થોન્ગ સાથે સુરતના ઉદ્યોગકારોએ વન ટુ વન મિટીંગો કરી હતી.

જેમાં સુરતના ઉદ્યોગકારો અન્ય દેશોમાં તેમજ અન્ય દેશોના ઉદ્યોગકારો ભારતમાં કયા કયા ઉદ્યોગોમાં તથા ક્ષેત્રોમાં રોકાણ કરી શકે તે માટે મહત્વની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બે દેશો વચ્ચે દ્વિપક્ષીય વ્યાપાર વધારવા માટેની જરૂરિયાતો અને તકો સમજવા માટે ખાસ પ્રયાસ કરવામાં આવ્યો હતો.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :