Mumbai Gujarat વચ્ચે દોડતી 23 ટ્રેન મેલ ટ્રેન હવે ‘સુપરફાસ્ટ એક્સપ્રેસ’

મુંબઈથી અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન દોડાવવા માટે સ્પેશિયલ કોરિડોર તૈયાર કરવામાં આવી રહ્યો છે, ત્યારે તેના સમાંતર હાઈ અથવા સેમી હાઈ સ્પીડ ટ્રેન દોડાવવાની પણ રેલવેએ તૈયારીઓ હાથ ધરી દીધી છે, જે લાંબા અંતરની મુસાફરી કરતા પ્રવાસીઓ માટે સૌથી મોટા રાહતના સમાચાર છે.
પશ્ચિમ રેલવેએ મુંબઈથી ઉપડતી 23 આવતી જતી મેલ-એક્સપ્રેસ ટ્રેનોની મહત્તમ ઝડપ 110 કિમી પ્રતિ કલાકથી વધારીને 130 કિમી પ્રતિ કલાક કરવાની મંજૂરી આપી છે. આ નિર્ણય બાદ આ ટ્રેનોની મુસાફરી વધુ ઝડપી બનવાની છે અને કેટલાક રૂટ પર મુસાફરોનો 45થી 60 મિનિટ સુધીનો સમય બચી શકે છે.
પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર રામાશ્રય પાંડેની મંજૂરી બાદ આ સ્પીડ અપગ્રેડ કરાઈ છે. આ નિર્ણયનો લાભ મુંબઈ સેન્ટ્રલ, દાદર અને બાંદ્રા ટર્મિનસથી દોડતી એલએચબી ટ્રેનોને મળશે. આ ટ્રેનોમાં 22 એલએચબી કોચ હશે અને તેમને 130 કિમી પ્રતિ કલાકની મહત્તમ મંજૂર ઝડપે દોડવાની પરવાનગી આપવામાં આવી છે.
આ યાદીમાં દાદર-એકતા નગર એક્સપ્રેસ, બાંદ્રા-ભાવનગર, બાંદ્રા-ભુજ, બાંદ્રા-ઓખા, દાદર-ભગત કી કોઠી, દાદર-શ્રીગંગાનગર, વેરાવળ-બાંદ્રા, ઈન્દોર-હિસાર અને ઓખા-જયપુર સહિતની ટ્રેનોનો સમાવેશ થાય છે. લાંબા અંતરના રૂટ પર મેલ-એક્સપ્રેસ ટ્રેનોની સ્પીડ વધારવાથી મુસાફરોને મુસાફરીના કુલ સમયમાં નોંધપાત્ર રાહત મળવાની અપેક્ષા છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
જોકે, આ ટ્રેનો સમગ્ર મુસાફરી દરમિયાન સતત 130 કિમી પ્રતિ કલાકની ઝડપે નહીં દોડે. ટ્રેકની સ્થિતિ, સિગ્નલિંગ, સ્ટેશન પરના સ્ટોપ, કાયમી અને અસ્થાયી સ્પીડ પ્રતિબંધો સહિતના ઓપરેશનલ કારણોસર ટ્રેનની વાસ્તવિક ઝડપ સમય અને પરિસ્થિતિ પ્રમાણે બદલાશે. તેથી 45થી 60 મિનિટનો સમય બચવાનો અંદાજ છે અને ચોક્કસ કેટલો સમય બચશે તે પશ્ચિમ રેલવે દ્વારા સુધારિત સમયપત્રક જાહેર થયા બાદ જ સ્પષ્ટ થશે.
આ ઉપરાંત અમદાવાદ-પટના એક્સપ્રેસ (19421/22)ને પણ 130 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડવાની મંજૂરી આપવામાં આવી છે. આ ટ્રેનના કોચની સંખ્યા પણ 20થી વધારીને 22 કરવામાં આવી છે.
પશ્ચિમ રેલવેના આ નિર્ણયથી એલએચબી કોચની ઉપયોગિતા વધુ સારી રીતે થશે અને સુધારિત સમયપત્રક અમલમાં આવ્યા બાદ મુંબઈથી દોડતી અનેક ટ્રેનોની મુસાફરી અગાઉ કરતાં ઝડપી બનશે તેનાથી પ્રવાસીઓના સમયની પણ બચત થશે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now

