હર્ષ સંઘવીએ અસ્સલ સુરતી ભાષામાં અધિકારીઓને તતડાવ્યા, તાપીને નહીં બચાવો તો ઘરે બેસવાની તૈયારી રાખજો
(છેલ્લા 6 વર્ષથી હર્ષ સંઘવી તાપી જાળવણી માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે, ફાઇલ ફોટો)
સિંચાઇ વિભાગ, સુરત મહાનગરપાલિકા, પ્રદુષણ નિયંત્રણ અને ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓ તાપીના મામલાઓમાં ઇરાદાપૂર્વક કામગીરી કરતા ન હોવાથી આજે મળેલી જિલ્લા સંકલનની બેઠકમાં રાજનીતિક મર્યાદાથી પર રહીને મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવીએ જે ઉધડો લીધો, તંત્રવાહકોમાં ફફડાટ મચી ગયો
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
સુરત શહેરના વિકાસમાં તાપી નદી જેટલું યોગદાન કદાચ કોઇનું ન હોય. 50 લાખથી વધુ સુરતીઓની પાણીની જરુરીયાત પૂરી કરતી તાપી નદીના જતન માટે સુરતના સ્થાનિક વહીવટીતંત્રો સાવ નફ્ફટાઇપૂર્વક કોઇ જ કામ કરતા નથી. જે થાય છે એ ફક્ત શૉમેનશીપ માટે થાય છે. એવું કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી લાગતી કે જો તાપી માતા સાચે જ હોત તો નઘરોળ તંત્રવાહકો તેમને ઘરડાં ઘરમાં નાંખી આવે તેવા ઘાટ હાલમાં તાપી નદીના થઇ રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષથી તાપી નદીના જતન-જાળવણીના મુદ્દે સ્થાનિક તંત્રવાહકોનો ખેલ જોઇ રહેલા મજૂરાના યુવા ધારાસભ્ય હર્ષ સંઘવીનો આજે પિત્તો ગયો હતો અને આજે મળેલી જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્ય હર્ષ સંઘવીએ તાપી નદીના મુદ્દે જે આક્રમક વલણ અપનાવ્યું તે જોતા હવે તંત્રવાહકો દોડતા થશે એમ લાગે છે. સૂત્રોએ તો ત્યાં સુધી કહ્યું કે હર્ષ સંઘવી એટલા આક્રમક હતા કે જો તેમની પાસે પાવર હોત તો એકાદ બે અધિકારીઓને આજે ઘરે બેસી જવું પડ્યું હોત.
(અગાઉ લેવાયેલા નિર્ણયો બાબતે તંત્રવાહકો કોઇ જ નક્કર કામ નહીં કરતા મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવીનો પિત્તો એવો ગયો કે હવે તંત્રવાહકો દોડતા થઇ જશે, પ્રસ્તુત ઇમેજ હર્ષ સંઘવીએ તાપીના મુદ્દે અગાઉ કરેલી ટ્વીટની છે. )
સી.આઇ.એ. લાઇવ સાથે વાતચીત કરતા ધારાસભ્ય હર્ષ સંઘવીએ કહ્યું કે સિંચાઇ વિભાગ હોય, સુરત મહાનગરપાલિકાનું તંત્ર હોય કે પછી પ્રદૂષણ નિયંત્રણ ખાતું અને ખાણ-ખનીજ ખાતું હોય, તાપી નદીના પ્રોજેક્ટસ માટે દરેકની ચોક્કસ ભૂમિકા છે, દરેક તંત્રએ કોઇને કોઇ કામગીરી કરવાની રહે છે, પણ છેલ્લા ઘણાં વર્ષોથી જોઇ રહ્યો હતો કે તમામ તંત્રવાહકો એક બીજા પર ખો આપીને તાપી નદીની જાળવણીની પ્રાથમિક જરૂરીયાતથી દૂર ભાગી રહ્યા હતા. આજે મારે અસ્સલ સુરતી ભાષામાં તેમને સમજાવવા પડ્યા છે.
હર્ષ સંઘવીએ કહ્યું કે તાપી નદીમાં પ્રદૂષણનું પ્રમાણ સતત વધી રહ્યું છે, તાપીનું જતન નહીં થાય તો કશું નહીં રહે. પાણી વગરના વૈશ્વિક શહેરોની સ્થિતિ આપણે જોઇ રહ્યા છે. જેના પર આપણે સૌ નિર્ભર છીએ તેની જાળવણી માટે જો તંત્રવાહકો કંઇ નહીં કરે તો તેમની સામે આકરાંમાં આકરાં પગલાં ભરાવીશ. આજે મેં જે ભાષા, જે અભિગમથી વાત કરી છે તેનાથી વધુ આક્રમક થઇને હવે તાપી નદીની જાળવણીનો મુદ્દો ઉપાડીશ.
જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં તાપી નદીના શુદ્ધિકરણ તેમજ ડ્રેજિંગ બાબતે મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવીના સ્ટેન્ડ પછી જિલ્લા કલેક્ટર ડો.ધવલ પટેલએ પણ સ્થાનિક અધિકારીઓને નક્કર કામગીરી કરવા સંદર્ભે ચીમકી આપી છે. સૂત્રોએ આપેલી માહિતી મુજબ આજે જ શનિવાર, તા.20મી ઓક્ટોબર 2018ના રોજ સાંજે 4 વાગ્યે કલેક્ટરે સિંચાઇ વિભાગ તેમજ તાપી નદીના પ્રોજેક્ટને સ્પર્શતા વિભાગોના અધિકારીઓ સાથે મિટીંગ યોજી છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
