CIA ALERT

યંગિસ્તાન Archives - Page 3 of 37 - CIA Live

September 30, 2024
cbse.jpg
1min254

CBSE દ્વારા ગાઇડલાઇન જાહેર કરીને આગામી 2025માં ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષામાં ચોરીના બનાવો ન બને તેની સાવચેતી માટે CCTV કેમેરા ફરજિયાતનો નિર્ણય કરાયો છે. આમ જે શાળામાં CCTV કેમેરા નહીં હોય ત્યાં પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવશે નહીં.

CBSE બોર્ડે દાવો કર્યો છે, 2025માં આશરે 44 લાખ જેટલા વિદ્યાર્થીઓ ધોરણ 10-12ની પરીક્ષા આપવાના છે, ત્યારે પરીક્ષામાં કોઈ પ્રકારે ચોરીના બનાવ ન બને તે માટે સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે. જેમાં શૈક્ષણિક સંસ્થાઓને હાઇ રિઝોલ્યુએશન કેમેરા લગાવવાની સૂચના આપવામાં આવી છે. જો કે, બોર્ડની પરીક્ષા માટે રજીસ્ટ્રેશન શરુ કરવામાં આવ્યા છે, જે આગામી 16 ઑક્ટોબર સુધી ચાલશે.

બોર્ડે જણાવ્યું હતું કે, ધોરણ 10-12ની પરીક્ષામાં ચોરીના બનાવની કોઈ સ્થિતિ ઊભી થાય તો, તેની સમીક્ષા કરવા માટે પરિણામ જાહેર થયાના બે મહિના માટે તમામ પરીક્ષા કેન્દ્રના રેકોર્ડિંગનો સંગ્રહ કરાશે. જેનું એક્સેસ માત્ર અધિકૃત કર્મચારી પાસે રહેશે.

September 23, 2024
chess-olympiad.png
1min280

ભારતે 23/09/24 ઈતિહાસ રચ્યો હતો. ભારતની પુરૂષ અને મહિલા ટીમોએ 45મા ચેસ ઓલિમ્પિયાડના અંતિમ રાઉન્ડમાં પોતપોતાના હરીફોને હરાવીને સ્પર્ધામાં પ્રથમ વખત ગોલ્ડ મેડલ જીત્યો હતો. ગ્રાન્ડમાસ્ટર ડી ગુકેશ, અર્જુન એરિગેસી અને આર પ્રજ્ઞાનાનંદાએ સ્લોવેનિયા સામે 11મા રાઉન્ડમાં પોતપોતાની મેચ જીતી હતી.

ચેસ ઓલિમ્પિયાડના ઈતિહાસમાં 97 વર્ષમાં પહેલીવાર ભારતે પુરુષ અને મહિલા કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ડી ગુકેશ અને અર્જુન એરિગેસીના દમ પર ભારતે ચેસ ઓલિમ્પિયાડના ઓપન વિભાગમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. આ ઉપરાંત મહિલા વિભાગમાં પણ ભારતે ગોલ્ડ કબજે કર્યો છે.

ચેસ ઓલિમ્પિયાડમાં ભારતે આ બંને વિભાગમાં ગોલ્ડ જીત્યો હોય તેવું પણ પ્રથમ વખત બન્યું છે. હંગેરીની રાજધાની બુડાપેસ્ટમાં રમાઈ રહેલી 45મી ચેસ ઓલિમ્પિયાડમાં ગુકેશે વ્લાદિમીર ફેડોસીવને હરાવ્યો, જ્યારે એરિગેસીએ જાન સુબેલને હરાવ્યો હતો.

ભારતીય પુરુષ ટીમમાં ડી ગુકેશ, અર્જુન એલિગસી, વિદિત ગુજરાતી, પેન્ટલા હરિકૃષ્ણા, આર પ્રજ્ઞાનાનંદ અને શ્રીનાથ નારાયણન સામેલ હતા. જ્યારે મહિલા ટીમે છેલ્લી મેચમાં અઝરબૈજાનને 3.5-0.5થી હરાવ્યું હતું. મહિલા ટીમમાં હરિકા દ્રોણાવલ્લી, વૈશાલી રમેશબાબુ, દિવ્યા દેશમુખ, વંતિકા અગ્રવાલ, તાનિયા સચદેવ અને અભિજીત કુંતેનો સમાવેશ થાય છે.

વર્લ્ડ ચેમ્પિયનશિપના ચેલેન્જર્સ ગુકેશ અને અર્જુન એરિગેસીએ ફરી એકવાર મુખ્ય મેચોમાં સારું પ્રદર્શન કરીને ભારતને ઓપન કેટેગરીમાં તેનું પ્રથમ ટાઇટલ જીતવામાં મદદ કરી હતી. સ્લોવેનિયા સામેની મેચમાં ગુકેશે બ્લેક પીસ સાથે વ્લાદિમીર ફેડોસીવ સામે ટેક્નિકલ તબક્કામાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. જો કે તેણે સખત લડત આપી હતી, પરંતુ 18 વર્ષીય ગ્રાન્ડમાસ્ટરે શાનદાર વ્યૂહરચના અપનાવી હતી.

September 21, 2024
aibe.png
1min369

LLB ફાઈનલ યરના વિદ્યાર્થીઓને મોટી રાહત આપતાં સુપ્રીમ કોર્ટે શુક્રવાર Dated 20/09/2024એ બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (બીસીઆઈ)ને એવો નિર્દેશ આપ્યો છે કે લૉ ગ્રેજ્યુએટ્સને વકીલ બનવા માટેની પાત્રતા પરીક્ષા ઓલ ઈન્ડિયા બાર એક્ઝામિનેશન (એઆઈબીઈ) આપવાની પરવાનગી આપવામાં આવે.

એલએલબીના ફાઈનલ યરના વિદ્યાર્થીઓને છોડી દઈ શકાય નહીં એવી નોંધ કરતાં તેમણે કહ્યું હતું કે જો તેમને આ વર્ષની બાર પરીક્ષા આપવા દેવામાં આવશે નહીં તો તેમનું એક વર્ષ બગડી જશે.

ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડ, જસ્ટિસ જે. બી. પારડીવાલા અને મનોજ મિશ્રાની ખંડપીઠ એ વાતથી નારાજ હતી કે 2023માં આ મુદ્દે આપવામાં આવેલા પાંચ ન્યાયમૂર્તિના ચુકાદા છતાં બીસીઆઈ દ્વારા એઆઈબીઈ માટે નિયમો ઘડી કાઢવામાં આવ્યા નહોતા.

અહીં ઉલ્લેખનીય છે કે સર્વોચ્ચ અદાલતે 10 ફેબ્રુઆરીએ બાર કાઉન્સિલની પરીક્ષા લેવા માટેની બીસીઆઈની સત્તાને માન્ય રાખી હતી.

તેમણે એમિકસ ક્યુરી (અદાલતના મિત્ર) દ્વારા ફાઈનલ વર્ષના વિદ્યાર્થીઓને યોગ્ય દસ્તાવેજો રજૂ કર્યા બાદ પરીક્ષા આપવા માટે પરવાનગી આપી હતી.

September 3, 2024
image.jpeg
1min263

Canada New rule : કેનેડામાં ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્‌સ આ મહિને અમલમાં આવનારાં નવા નિયમ અનુસાર ઓફ કેમ્પસ વર્ક એટલે કે યુનિવર્સિટી કેમ્પસ બહાર કામ કરવાના કલાકો અઠવાડિયામાં 24 પૂરતાં મર્યાદિત થશે જેને કારણે ભારતીય વિદ્યાર્થીઓને ટોરોન્ટો જેવા મોંઘા શહેરોમાં રહેવાનો ખર્ચ કાઢવામાં મુશ્કેલી પડશે. કોરોના મહામારી દરમ્યાન નિયમોમાં અપાયેલી છૂટની મર્યાદાઓ પણ 30 એપ્રિલે પુરી થઇ ચૂકી છે. જો કે, ઉનાળા અને શિયાળાની રજાઓ દરમ્યાન કામ કરવાના કલાકો પર કોઇ મર્યાદા લદાઇ નથી.

2022માં કેનેડામાં કુલ 5.5 લાખ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્‌સ હતાં જેમાંથી 2.26 લાખ સ્ટુડન્ટ્‌સ ભારતીય હતા. કેનેડામાં હાલ કુલ 3.2 લાખ ભારતીય સ્ટુડન્ટ્‌સ ગીગ વર્કર તરીકે કામ કરી કેનેડાના અર્થતંત્રમાં તેમનું પ્રદાન આપી રહ્યા છે.

ઓફ કેમ્પસ એટલે કે યુનિવર્સિટીના કેમ્પસની બહાર મળતી નોકરીઓ કરીને સ્ટુડન્ટ્‌સ તેમનો રહેવા -ખાવાનો ખર્ચ કાઢતાં હોય છે. મોટાભાગની શિફ્‌ટ આઠ કલાકની રહેતી હોઇ નવા નિયમ અનુસાર સ્ટુડન્ટ્‌સ હવે દર અઠવાડિયે ત્રણ જ પાર્ટ ટાઇમ શિફ્ટમાં જ કામ કરી શકશે. જેના કારણે તેમને ખર્ચા કાઢવાનું ભારે પડશે.

કેનેડામાં મે મહિનાથી કલાક દીઠ 17.36 ડોલર્સનું મહેનતાણું અમલમાં આવ્યું છે પણ હવે સામે કામના કલાકો મર્યાદિત થવાને પરિણામે સ્ટુડન્ટસ માટે આ લાભ રહ્યો નથી ઉલટું મોટાં શહેરોમાં તો તેમના માટે બે છેડાં ભેગાં કરવાનુ પણ મુશ્કેલ બની રહેશે. 2023માં કેનેડામાં કલાક દીઠ 16.65 ડોલર્સનું મહેનતાણું ચૂકવવામાં આવતું હતું.

સ્ટુડન્ટ્‌સ જેમના માટે કામ કર્યા વિના છૂટકો નથી તેમણે ખર્ચ બચાવવા માટે મિત્રો સાથે ફરવા જવા અને પ્રવાસ કરવાની પ્રવૃત્તિઓ પર કાપ મુકી દીધો છે. તો વધારે મુશ્કેલ આર્થિક હાલત ધરાવતાં સ્ટુડન્ટ્‌સ રેન્ટ બચાવવા માટે બીજા સ્ટુડન્ટ્‌સ સાથે એપાર્ટમેન્ટ શેર કરવા માંડ્યા છે. ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્‌સ જરૂરિયાતો પુરી કરવા માટે કામ કરે છે. દરેક સ્ટુડન્ટને વધારાની આવક વિના ભણવાનું પરવડે તેમ હોતું નથી.

બીજી તરફ કેનેડાની યુનિવર્સિટીઓમાં ભણાવતાં પ્રોફેસરોના મતે સ્ટુડન્ટ્‌સ હવે ભણવામાં વધારે ઘ્યાન આપી શકશે. સ્ટુડન્ટ્‌સ ઘણીવાર અભ્યાસને બદલે તેમના કામને અગ્રતાક્રમ આપતાં હોઇ તેમના શિક્ષણની ગુણવત્તા કથળે છે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

August 27, 2024
jay-shah.png
1min213

ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થાના ચૅરમૅનપદે ત્રીજા ભારતીય: દાલમિયા અને પવાર પ્રમુખપદે હતા

બોર્ડ ઑફ કંટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ)ના સેક્રેટરી જય શાહ આગામી પહેલી ડિસેમ્બરે ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ના નવા ચૅરમૅન તરીકેનો હોદ્દો સંભાળશે. તેઓ મંગળવારે આ સર્વોચ્ચ પદ પર બિનહરીફ ચૂંટાયા હતા.

જય શાહ 35 વર્ષના છે અને આઇસીસીના સૌથી યુવાન અધ્યક્ષ બન્યા છે. તેઓ ચૅરમૅનપદ મેળવનાર એન. શ્રીનિવાસન (2014-’15) અને શશાંક મનોહર (2015-2020) પછીના ત્રીજા ભારતીય છે. ન્યૂ ઝીલૅન્ડના 62 વર્ષીય ગ્રેગ બાર્કલે પોણાચાર વર્ષ આ હોદ્દા પર રહ્યા હતા. તેઓ બે વર્ષની મુદતની ત્રીજી મુદત માટે તૈયાર ન હોવાથી ચૂંટણી થઈ હતી જેમાં જય શાહ એકેય પ્રતિસ્પર્ધી ન હોવાને કારણે સરળતાથી ચૂંટાયા હતા.

ખરેખર તો અગાઉ આઇસીસીના પ્રમુખ આ ક્રિકેટ સંસ્થાના સર્વોચ્ચ શાસક ગણાતા હતા, પરંતુ 2016માં પ્રમુખપદની પ્રથા બંધ કરવામાં આવી હતી અને ત્યારથી ચૅરમૅનનો માનદ હોદ્દો સર્વોચ્ચ ગણાય છે.

ભારતના જગમોહન દાલમિયા (1997-2000) અને શરદ પવાર (2010-2012) આઇસીસીના પ્રમુખપદે હતા.

જય શાહ ભારતના કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના પુત્ર છે. જય શાહ 2019ની સાલથી ભારતીય ક્રિકેટ બોર્ડના સેક્રેટરી છે. તેઓ આઇસીસીના વહીવટમાં મોખરાનું (હાઈ-પ્રોફાઇલ) સ્થાન મેળવનાર (શ્રીનિવાસન, મનોહર, દાલમિયા અને પવાર પછીના) પાંચમા ભારતીય છે.

જય શાહ ક્રિકેટનો વિશ્ર્વભરમાં ફેલાવો કરવા માટે મક્કમ છે અને એ માટે તેઓ આઇસીસીની ટીમ તથા મેમ્બર-રાષ્ટ્રો સાથે મળીને કામ કરવા ઉત્સુક છે. તેમણે અખબારી યાદીમાં જણાવ્યું હતું કે ‘મને આઇસીસીનું ચૅરમૅનપદ મળ્યું એ બદલ ખુશી અને ગૌરવ અનુભવું છું. ક્રિકેટના તમામ ફૉર્મેટ વિશે સંતુલન જાળવવા, અદ્યતન ટેક્નોલૉજીના ઉપયોગને પ્રોત્સાહન આપવા તેમ જ મોટી ક્રિકેટ-ઇવેન્ટ્સને વૈશ્ર્વિક સ્તરે લઈ જવા માગું છું.’

આઇસીસીની 75 ટકાથી વધુ કમાણી ક્રિકેટજગતની સૌથી શ્રીમંત બીસીસીઆઇ દ્વારા ઊભી કરવામાં આવતી હોય છે. એવું મનાય છે કે સાઉથ આફ્રિકા, ઇંગ્લૅન્ડ, ઑસ્ટ્રેલિયા, ન્યૂ ઝીલૅન્ડમાંથી કોઈ એક દેશના ક્રિકેટ બોર્ડ દ્વારા ચૅરમૅનપદ માટે જય શાહનું નામ સૂચવવામાં આવ્યું હતું અને બીજા એક દેશના બોર્ડ દ્વારા તેમને સપોર્ટ કરવામાં આવ્યા હતા.

આઇસીસીના બંધારણ મુજબ કુલ 17 વોટ ધ્યાનમાં લેવાતા હોય છે. એમાં 12 ટેસ્ટ-પ્લેઇંગ રાષ્ટ્ર, ચૅરમૅન, ડેપ્યૂટી ચૅરમૅન, બે અસોસિયેટ મેમ્બર-રાષ્ટ્ર અને એક અપક્ષ મહિલા ડિરેકટરનો સમાવેશ હતો.

આગામી ફેબ્રુઆરીમાં પાકિસ્તાનમાં વન-ડેની ચૅમ્પિયન્સ ટ્રોફી યોજાવાની છે અને એ બાબતમાં મહત્ત્વના નિર્ણયો લેવાનું સૌથી પહેલું કામ જય શાહે પાર પાડવું પડશે.

August 26, 2024
school-closed-1280x823.webp
1min340
Jalashtami in Gujarat: Heavy rains in more than 230 talukas, schools closed tomorrow

સુરક્ષાના કારણસર ગુજરાતની તમામ પ્રાથમિક સ્કૂલમાં તા.27મી ઓગસ્ટ 2024ને મંગળવારે રજા જાહેર કરવામાં આવી છે. રાજ્યના શિક્ષણ વિભાગ તરફથી તા.27મી ઓગસ્ટને મંગળવારે તમામ સરકારી ગ્રાન્ડેટ, નોન ગ્રાન્ટેડ, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલને બંધ રાખવાનો નિર્દેશ કર્યો છે.

ગુજરાતમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગે સોમવારે ચેતવણી આપી છે કે આગામી૨-૩ દિવસમાં રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે. છેલ્લા ૪૮ કલાકમાં ભારે વરસાદ વચ્ચે, ગુજરાતના કેટલાક ભાગોમાં પૂર આવ્યું છે, જેના કારણે સેંકડો રહેવાસીઓને સુરક્ષિત સ્થળોએ વિસ્થાપિત કરવાની ફરજ પડી છે.

ગુજરાતમાં ૫ જિલ્લા સિવાય સમગ્ર રાજ્યમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બાકીના પાંચ જિલ્લા માટે પણ ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓને નીચાણવાળા વિસ્તારોમાંથી રહેવાસીઓને સલામત સ્થળે ખસેડવા નિર્દેશ આપ્યા છે. તેમની ઓફિસે જણાવ્યું હતું કે ભારે વરસાદથી સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાં દક્ષિણ ગુજરાતમાં વલસાડ, તાપી, નવસારી, સુરત, નર્મદા અને પંચમહાલનો સમાવેશ થાય છે. દરમિયાન, મોરબી જિલ્લામાં એનડીઆરએફ દ્વારા ૭ વ્યક્તિઓને શોધવા માટે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના ડેટા અનુસાર, નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં સોમવારે સવારે ૬ વાગ્યે પૂરા થતા ૨૪ કલાકમાં સૌથી વધુ ૩૫૬ મીમી વરસાદ નોંધાયો હતો. ૧૦૦ મીમીથી વધુ વરસાદ ધરાવતા અન્ય જિલ્લાઓમાં નર્મદા, સૌરાષ્ટ્ર, રાજકોટ, તાપી, મહિસાગર, મોરબી, દાહોદ અને વડોદરાનો સમાવેશ થાય છે. ગુજરાતના મુખ્ય સચિવે પ્રશાસનને શ્રાવણ માસ દરમિયાન આવનારા તહેવારોને કારણે જે વિસ્તારોમાં મોટી ભીડ થવાની સંભાવના છે તેવા વિસ્તારોમાં એલર્ટ રહેવા જણાવ્યું છે.

July 17, 2024
air-india-kalina-airport.png
1min283

એર ઈન્ડિયા એરપોર્ટ સર્વિસીસ લિમિટેડ દ્વારા આયોજિત વોક-ઈન ઈન્ટરવ્યુ માટે મુંબઈના કાલીનામાં હજારો લોકો ઉમટી પડ્યા હતા. પરિસ્થિતિ કાબૂ બહાર જવાથી, અરજદારોને તેમના બાયોડેટા સબમિટ કરવા અને જવા માટે કહેવામાં આવ્યું હતું.

મંગળવારે મુંબઈના કાલીનામાં હજારો નોકરી શોધનારાઓ એર ઈન્ડિયા એરપોર્ટ સર્વિસીસ લિમિટેડ દ્વારા આયોજિત વોક-ઈન ઈન્ટરવ્યુ માટે આવ્યા હતા. આ પદો માટેની લઘુત્તમ લાયકાત SSC પાસ અને વધુમાં વધુ 23 વર્ષની હતી. પગાર રૂ. 22,530 પ્રતિ માસ નક્કી કરવામાં આવ્યો હતો. આ પદ 3 વર્ષના ફિક્સ્ડ-ટર્મ કોન્ટ્રાક્ટના આધારે હતું. વિવિધ સમારકામ અને જાળવણી કાર્યો કરવા માટે હેન્ડીમેન અને યુટિલિટી એજન્ટની પોસ્ટ માટે 1,800 જગ્યાઓ માટે લગભગ પચાસ હજારથી વધુ લોકો આવ્યા હતા. લિમિટેડ વેકેન્સી હોવા છતાં ભરતી કચેરીની બહાર ભારે ભીડ ઉમટી પડતા નાસભાગની સ્થિતિ સર્જાઇ હતી.

ગુજરાતમાં 9 જુલાઈના રોજ આવી જ નાસભાગ જેવી સ્થિતિ જોવા મળી હતી. અંકલેશ્વર ખાતે 40 જગ્યાઓ માટે એક પેઢી દ્વારા લેવામાં આવેલા વોક-ઈન ઈન્ટરવ્યુ માટે લગભગ 1,000 લોકો આવ્યા હતા. ભીડ એટલી વધી ગઇ હતી કે તેને કાબૂમાં રાખવું મુશ્કેલ બની ગયું હતું. ત્યાર બાદ બેકાબૂ યુવાનોનું ટોળું હોટલની બહારની રેલિંગ પર ચઢી ગયું હતું. જેના કારણે રેલિંગ તૂટી ગઈ હતી અને અનેક યુવકો નીચે પડી ગયા હતા. ઉપરાંત રેલીંગની સામે પાર્ક કરાયેલા વાહનોને પણ નુકસાન થયું હતું. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

July 16, 2024
virat-kohli.jpg
1min214

૨૬ જુલાઈથી શરૂ થનાર પૅરિસ ઑલિમ્પિક્સ માટે વિરાટ કોહલીએ લગભગ એક મિનિટનો વિડિયો શૅર કરીને ભારતીય ખેલાડીઓને મોટિવેટ કર્યા છે. તેણે ભારતના રમતપ્રેમીઓને ૧૧૮ સભ્યોની ભારતીય ઑલિમ્પિક્સ ટીમને સમર્થન આપવાની હાકલ કરી છે, કારણ કે તેઓ ટોક્યો ઑલિમ્પિક્સના તેમના શ્રેષ્ઠ પ્રદર્શન (સાત મેડલ) કરતાં વધુ સારું પ્રદર્શન કરવા જઈ રહ્યા છે.

કિંગ કોહલીએ કહ્યું હતું કે ‘એક સમય હતો જ્યારે દુનિયા ભારતને સાપ અને હાથીઓના દેશ તરીકે જાણતી હતી, પરંતુ હવે એવું નથી. હવે આપણે વિશ્વની સૌથી મોટી લોકશાહી અને ડેટા ટેક્નૉલૉજીનું કેન્દ્ર છીએ. અમે ક્રિકેટ અને બૉલીવુડ, સ્ટાર્ટઅપ યુનિકૉર્ન અને ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા માટે જાણીતા છીએ. હવે આ મહાન દેશ માટે આગળ શું થશે? મહત્તમ ગોલ્ડ, સિલ્વર અને બ્રૉન્ઝ મેડલ. આપણાં ભાઈ-બહેનો મેડલ જીતવા પૅરિસ જઈ રહ્યાં છે. જ્યારે તેઓ ટ્રૅક ઍન્ડ ફીલ્ડ, કોર્ટ અથવા રિંગમાં ઊતરશે ત્યારે એક અબજથી વધુ ભારતીયો તેમને ઉત્સાહથી જોતા હશે. મારી સાથે તમે પણ એવા લોકોના ચહેરા યાદ કરજો જેઓ ગર્વથી તિરંગો ધ્વજ લહેરાવવાના દૃઢ નિશ્ચય સાથે પોડિયમની નજીક જશે. જય હિન્દ અને ભારતીય ટીમને શુભેચ્છાઓ.’

July 11, 2024
agniveer.jpg
1min254
xr:d:DAFsWZ_LRuQ:351,j:9068404731352087894,t:23102306

અગ્નિવીર સ્કીમને લઈ કેન્દ્ર સરકારે આજે સૌથી મોટી જાહેરાત કરી છે. આ યોજના અંગે વિપક્ષ દ્વારા તેને રદ કરવાની માગણી પણ કરી હતી, ત્યારે આજે કેન્દ્ર સરકારે સીઆઈએસએફ (CISF)ની ભરતીમાં 10 ટકા અનામત રાખવાનો નિર્ણય લીધો છે.

સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆઈએસએફ)માં 10 ટકા અનામત પૂર્વ અગ્નિવીર માટે રાખવામાં આવી છે. એની સાથે અગ્નિવીરોની શારીરિક પરીક્ષામાં પણ છૂટ આપવામાં આવી છે. કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆઈએસએફ)ના વડા નીના સિંહે કહ્યું છે કે એના અંગે તમામ તૈયારીઓ કરી લીધી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ સંસદમાં પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે કોંગ્રેસ સત્તામાં આવશે તો આ યોજનાને ખતમ કરવામાં આવશે.

ગૃહ મંત્રાલય વતી આજે જણાવવામાં આવ્યું છે કે અગ્નિવીરોને સીઆઈએસએફમાં નોકરી મળશે તેમ જ અગ્નિવીરો માટે દસ ટકા અનામત રાખવામાં આવશે. ફિઝિકલ ટેસ્ટમાં પૂર્વ અગ્નિવીરોને છૂટ મળશે, જ્યારે સીઆઈએસએફમાં દસ ટકા રિઝર્વેશન રહેશે.

14 જૂન, 2022માં આ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. અગ્નિપથ યોજનામાં 17થી 21 વર્ષના યુવાનોને ફક્ત ચાર વર્ષ માટે ભરતી કરવાની જોગવાઈ છે, જેમાં 25 ટકા અગ્નિવીરોને આગામી પંદર વર્ષ સુધી રાખવાની જોગવાઈ છે. જોકે, એમાં સુધારો કરીને સરકારે ઉંમર મર્યાદા વધારીને 23 વર્ષ કર્યા હતા. યોજના અન્વયે પૂર્વ અગ્નિવીરોની પહેલી બેચ માટે અપર એજ લિમિટમાં પાંચ વર્ષની છૂટ આપી હતી અને પછી બાકીની બેચ માટે ત્રણ વર્ષની છૂટ આપી છે.
અગ્નિવીર યોજના અન્વયે ચાર વર્ષના કોન્ટ્રકાટ પર યુવાનોને આર્મીમાં ભરતી કરવામાં આવે છે. ભરતી કર્યા પછી યુવાનોને સેલેરી પણ નિશ્ચિત હોય છે. ચાર વર્ષના સમયગાળા માટે સૈનિક તરીકે નિયમિત નોકરી રહે છે.

July 10, 2024
neet-24.png
1min257

નીટ પરીક્ષા-2024માં પેપર લીક મુદ્દે આવતીકાલે (11 જુલાઈ) સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે. જોકે તે પહેલા કેન્દ્ર સરકારે આજે (10 જુલાઈ) સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું છે. કેન્દ્રએ તેમાં કહ્યું છે કે, NEET પરીક્ષા ફરી યોજવાની જરૂર નથી, તેમાં મોટા પાયે ચોરી થઈ નથી. ભારત સરકાર નીટ પરીક્ષા આપનારા તમામ વિદ્યાર્થીઓની ચિંતા દૂર કરવા માટે બંધાયેલું છે.

સરકાર સમાધાન શોધવાના તમામ પ્રયાસો કરી રહી છે સરકાર

સોગંદનામામાં કહેવાયું છે કે, સરકાર સમાધાન શોધવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. આ ઉપરાંત સરકાર દોષી ઉમેદવારોને કોઈપણ લાભ ન મળે, તે પણ સુનિશ્ચિત કરી રહી છે. સરકાર પ્રયાસ કરી રહી છે કે, માત્ર આશંકાઓના કારણે 23 લાખ વિદ્યાર્થીઓ પર નવી પરીક્ષાનો બોજ નાખવામાં ન આવે.

તેમાં એમ પણ કહ્યું છે કે, સરકાર તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ નિષ્પક્ષ અને પારદર્શી રીતે યોજાય, તે માટે એક મજબૂત પરીક્ષા પ્રક્રિયા બનાવવા માટે પ્રતિબદ્ધ છે. સરકાર પરીક્ષાઓની અખંડિતતા સુનિશ્ચિત કરવા અને વિદ્યાર્થીઓના હિતોનું રક્ષણ કરવા પ્રતિબદ્ધ છે. જાહેર પરીક્ષાઓમાં પારદર્શિતા, નિષ્પક્ષતા અને વિશ્વસનીયતા સુનિશ્ચિત કરવા માટે તેમજ પેપર લીક અટકાવવા માટે કડક કાયદો બનાવાયો છે. આ માટે સંસદમાં પબ્લિક એક્ઝામિનેશન્સ (પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ) એક્ટ, 2024 કાયદો ઘડવામાં આવ્યો છે.

સીબીઆઈએ વધુ બે લોકોની ધરપકડ કરી

દરમિયાન કેન્દ્રી તપાસ એજન્સી સીબીઆઈએ NEET UG પેપર લીક અને ગેરરીતિના કેસમાં બિહારથી વધુ બે લોકોની ધરપકડ કરી છે. એજન્સીએ નીટ ઉમેદવાર સની કુમાર અને એક અન્ય નીટ ઉમેદવારના પિતાને પટનાથી ઝડપી લીધા છે. એવા અહેવાલો સામે આવ્યા છે કે, રંજીતે પરીક્ષા માટે પોતાના પુત્રનું સેટિંગ કરાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, નીટ પરીક્ષા પેપર લીકની તપાસ કરી રહેલી સીબીઆઈએ અત્યાર સુધીમાં પટણા, ગોધરા અને હજારીબાગમાંથી ઘણા આરોપીઓની ધરપકડ કરી અને પેપર લીકનો ભેદ ઉકેલવાનો પ્રયાસ કરી રહી છે.

ગત મંગળવારે સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં નીટ પેપર લીક કેસની સુનાવણી દરમિયાન CBI તપાસના રિપોર્ટનો ઉલ્લેખ કરાયો હતો. સીજેઆઈ ડીવાય ચંદ્રચૂડે કહ્યું કે, સીબીઆઈએ આગામી સુનાવણીમાં તપાસ રિપોર્ટ કોર્ટમાં સબિદ કરવાનો રહેશે. આવી સ્થિતિમાં સીબીઆઈએ અત્યાર સુધીની ધરપકડોમાંથી એકત્ર કરાયેલા તમામ પુરાવાઓ વિશે કોર્ટને જાણ કરવી પડશે.