ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલે એક્ઝમ્પ્ટે ગુડ્સની યાદીમાંથી કેટલીક આઈટમ્સ બહાર કાઢી નાખવાનો નિર્ણય ક્રયો તે પછી કેન્દ્રના નાણાં ખાતાએ બહાર પાડેલા નોટિફિકેશન નંબર ૬માં ખાંડ, ગોળ, દહીં, લસ્સી, છાશના અગાઉથી પેકિંગ કરી રાખીને વેચવા મૂકેલા -પ્રીપેક્ડ પેકેટ્સ પર ૫ ટકાના દરે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ વસૂલવાનો નિર્ણય કર્યો છે. સોમવારથી દહીં અને છાસમાં એક લિટરના પાઉચમાં રૂા. ૧૫થી ૩નો વધારો આવી જશે. તેમ જ કુદરતી મધ, પૌઆ, પફ્ડ રાઈસ પર પાંચ ટકાના દરે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લાગુ કરવાનો નિર્ણય લીધો છે.
જવ, બાજરીત મકાઈ, રાઈ, ઓટ, મકાઈ, ઘઉં, મેંદો, રવો, ઉપરાંત નમકીન, ભુજિયા, સહિતના રેડી ટુ ઇટ નમકીન પર પાંચ ટકાના દરે જીએસટી લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બ્રાન્ડેડ હોય કે અનબ્રાન્ડેડ હોય પ્રીપૅક કરેલી ચીજવસ્તુઓ પર જીએસટી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે દરેક ઘરમાં જતાં દૂધ પર પાંચ ટકા જીએસટી લાગુ ન કરવાનો નિર્ણય કર્યો છે.
દૂધ દોહવા માટેના મશીન પર તથા ડેરીમાં ઉપયોગમાં લેવાતી જુદી જુદી મશીનરી પર ૧૮ ટકાના દરે જીએસટી વસૂલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમૂલના દહીં, છાશ અને લસ્સી પર પાંચ ટકાના દરે જીએસટી લાગુ પડશે. પાંચ ટકામાંથી ૨.૫ ટકા જીએસટી અને ૨.૫ ટકા સીજીએસટીનો હિસ્સો રહેશે. આમ જીએસટીના દરેક રેટમાં કેન્દ્ર અને રાજ્ય સરકારનો અડધો અડધો હિસ્સો રહેશે.
પ્રિન્ટિંગ, રાઈટિંગ અને ડ્રોઈંગની ઇન્ક પર ૧૮ ટકા જીએસટી લાગુ કરવામાં આવ્યો છે. ડ્રોઇંગ અને માર્કિંગ કરવા માટેના ઉપકરણો પરના જીએસટી ૧૮ ટકા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમ જ ચક્કુ, કાગળની કાપવાની છરી, પેન્સિલ છોલવાનો સંચો, બ્લેડ, ચમચી-કાંટો, કેક સર્વર પર ૧૮ ટકાના દરે જીએસટી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
પાતાળ કૂવા કે બોરમાંથી પાણી ખેંચતા ટયૂબવેલ કે ટર્બાઈન પમ્પ, સબમર્સિબલ પમ્પ, બાઇસિકલ પમ્પ પર ૧૮ટકાના દરે જીએસટી વસૂલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ જ રીતે કટ કરેલા ડાયમંડ પર જે પા ટકા જીએસટી લેવાતો હતો તેને સ્થાને ૧.૫ ટકા જીએસટી લેવાનો નિર્ણય લેવાયો છે. તેને કારણે ડાયમંડના ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોની સલવાઈ રહેતી અબજો રૂપિયાની ઇનપુટ ટેક્સ ક્રેડિટની સમસ્યા ઉકલી જશે, એમ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હેમ છાજેડનું કહેવું છે.
હોટલેના હાયર કેટેગરીના રૂમ પર ૧૮ ટકાના દરે જીએસટી વસૂલવાનું નક્કી કરવામાં આવ્યું છે. રૂા.૧૦૦૦સુધીના દૈનિક ભાડાં લેતી હોટેલના ભાડા પર પણ ૧૨ ટકાના દરે જીએસટી વસૂલવામાં આવશે.પરિણામે પર્યટકોના ખર્ચમાં વધારો થશે. એલઈડી લેમ્પ, લાઈટ અને ઇલેક્ટ્રિક ફિક્સચર્સ અને તેમની મેટલ પ્રીન્ટેડ સર્કિટ બોર્ડ પર પણ ૧૨ ટકા જીએસટી હતો તે વધારીને ૧૮ ટકાનો કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પગરખાં અને લેધરગુડ્સના મેન્યુફેક્ચરિંગ પર લેવાતો જીએસટી ૫ ટકાથી વધારીને ૧૨ ટકા કરવામાં આવ્યો છે. જોબવર્કના સંદર્ભમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
શાકભાજી, ફળ, કઠોળ, અનાજના શોર્ટિંગ અને સફાઈ માટે ઉપયોગમાં લેવાતા મશીનો, પવન ચક્કી, લોટ દળવાની ઘંટી, ગ્રાઈન્ડર પર 18 ટકાના દરે જીએસટી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જીએસટીની આવકમાં ત્રણ લાખ કરોડનો વધારો થઈ શકે
કેન્દ્ર સરકારે અનિવાર્ય પણે દરેક ઘરઘરમાં વપરાતી મોટાભાગની વસ્તુઓને જીએસટીના દાયરામાં સામેલ કરી દીધી હોવાથી ૨૦૨૨-૨૩ વર્ષ દરમિયાન જીએસટીની આવકમાં અદાજે ૨.૫ લાખથી ૩ લાખ કરોડનો વધારો આવી જવાનો અંદાજ મૂકવામાં આવી રહ્યો છે. માત્ર દૂધને જો જીએસટીના દાયરામાં સમાવી લેવામાં આવે તો એકલા ગુજરાતમાંથી ૧૨૦૦ કરોડની આસપાસનો જીએસટીનો બોજ આવતો હતો. આ દ્રષ્ટિએ દરેક રાજ્યના ઘર ઘરના રસોડામાં વપરાતા ઘઉં, મકાઇ, જવ, મેંદો, રવો, મધ સહિતની વસ્તુઓ પર ૫ ટકાના દરે જીએસટી લગાવ્યો હોવાથી કેન્દ્ર સરકારની જીેસટીની વાર્ષિક આવક રૂા. ૨૧ લાખ કરોડને આંબી જાય તેવી સંભાવના છે.
બેન્કની ચૅકબુકના ચાર્જ ઉપરાંત 18 ટકા જીએસટી
બૅન્કમાંથી મળતા ફ્રી ચેક ઉપરાંતના લૂઝ કે પછી બુકના સ્વરૂપમાં લેવામાં આવનારા ચેક માટે લેવાનારા ચાર્જ પર ૧૮ ટકા જીએસટી લાગુ પડશે. તેની સૌથી મોટી અસર કરન્ટ એકાઉન્ટ ધારકો પર પડશે. આ જ રીતે રસ્તા, બ્રિજ, રેલવે ટ્રેક, મેટ્રો રેલ, એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સ્મશાનગૃહ બાંધવા માટેના વર્ક્સ કોન્ટ્રાન્કટ પર ૧૨ ટકા જીએસટી લેવાતો હતો તે વધારીને ૧૮ ટકા કરી દેવામાં આવ્યો છે. ઐતિહાસિક સ્મારકો, નહેરો, બંધ, પાઈપલાઈન, વૉટર સપ્લાય પ્લાન્ટ્સ નાખવાના કોન્ટ્રાક્ટ લેનારાઓ પાસેથી ૧૮ ટકાના દરે જીએસટી વસૂલવામાં આવશે. શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલ બાંધનારાઓ પાસેથી પણ ૧૮ ટકાના દરે જીએસટી વસૂલવામાં આવશે.
ભારતીય ટીમ ગુરૂવારે લોર્ડસના ઐતિહાસિક મેદાન પર બીજા વન ડેમાં ફરી એકવાર ઇંગ્લેન્ડ પર દબદબો બનાવી રાખવાના અને ત્રણ મેચની શ્રેણી 2-0ની અતૂટ સરસાઇથી કબજે કરવાના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરશે. સ્નાયૂ ખેંચાઇ જવાની ઇજાને લીધે વિરાટ કોહલીનું આ મેચમાં રમવું પણ સંદિગ્ધ છે. લાંબા સમયથી આઉટ ઓફ ફોર્મ કોહલીએ આ ઇજાને લીધે પહેલો વન ડે પણ ગુમાવ્યો હતો. જો કે કોહલીની ગેરહાજરીમાં ટીમના દેખાવમાં કોઇ ફરક પડયો નથી. બુમરાહની કાતિલ બોલિંગથી ભારતે પહેલા વન ડેમાં ઇંગ્લેન્ડને 110માં ઓલઆઉટ કરીને 10 વિકેટે ધસમસતી જીત મેળવી હતી. જ્યારે ઇંગ્લેન્ડની ટીમ આ કારમી હાર ભૂલવાની કોશિશ કરશે અને શ્રેણી જીવંત રાખવા માંગશે. મેચ ગુરૂવારે સાંજે પ-30થી શરૂ થશે.
કપ્તાન રોહિત શર્મા અને તેની ટીમને એવી આશા રહેશે કે લોર્ડસની પિચ પણ ઓવલ જેવી હશે. બુમરાહ ઘાતક ફોર્મમાં છે અને શમી કોઇપણ વિરોધી બેટધર પર ભારે પડી શકે છે. ઇંગ્લેન્ડના બેટર્સના ભારતના આ બે ફાસ્ટ બોલર સામે ફરી એકવાર કસોટી થશે. જો કોહલી નહીં રમે તો શ્રેયસ અય્યર વન ડાઉનમાં હશે અને તેણે શોર્ટ પિચ બોલ પર આઉટ થતાં બચવું પડશે. દીપક હુડ્ડા ક્ષમતાવાળો બેટધર છે. આથી શ્રેયસ અય્યર પર સારા દેખાવનું દબાણ રહેશે. ઓવલમાં કપ્તાન રોહિતે પ8 દડામાં પ છક્કાથી 7પ રનની અણનમ ઇનિંગ રમી હતી. તે અને તેનો સાથીદાર શિખર ધવન લોર્ડસમાં પણ મોટી ઇનિંગનો ઇરાદો રાખશે. લોર્ડસની પિચ મોટાભાગે બેટધરોને વધુ યારી આપે છે. એવામાં ઇંગ્લેન્ડ પાસે વાપસીનો મોકો બની રહેશે. જો રૂટ, જોની બેયરસ્ટો, બેન સ્ટોકસ, જેસન રોય અને લિયામ લિવિંગસ્ટન જેવા બેટધરોની હાજરીમાં ઇંગ્લેન્ડની નામચીન બેટિંગ હરોળ બીજા વન ડેમાં ટોસ જીતવાની સ્થિતિમાં મોટો સ્કોર ખડકવાની કોશિશ કરશે. જો કે તેની બિન અનુભવી બોલિંગ લાઇનઅપનો દેખાવ મહત્ત્વનો બની રહેશે.
કેન્દ્ર સરકારે 15 જુલાઈથી 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે કોરોનાનો બૂસ્ટર ડોઝ ફ્રીમાં આપવાની જાહેરાત કરી છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે તા.13મી જુલાઇ 2022ના રોજ દિલ્હી ખાતેથી એક પ્રેસ કોન્ફ્રન્સમાં કહ્યું કે, ભારત આઝાદીની 75મી વર્ષગાંઠ ઉજવી રહ્યું છે. આઝાદીના અમૃતકાળ પ્રસંગે સરકારે 15 જુલાઈ, 2022થી આગામી 75 દિવસ સુધી 18 કે તેનાથી વધુ ઉંમરના બધા લોકોને સરકારી કેન્દ્રો પર મફતમાં કોરોનાનો બૂસ્ટર ડોઝ આપવાનો નિર્ણય કર્યો છે.
ફુલ્લી વેક્સીનેટેડ એટલે કે કોરોના વેક્સીનનો બીજો ડોઝ લીધાના 6 મહિના પછી જ શરીરમાં એન્ટીબોડીનું સ્તર ઓછું થવા લાગે છે. ફરીથી સંક્રમિત થવાનો ખતરો વધી ગયો ચે. જેથી બૂસ્ટર ડોઝ જરૂરી હોય છે. પરંતુ આ ખતરા છતાં લોકો બૂસ્ટર ડોઝ નહોંતા લઈ રહ્યા, જેનું મોટું કારણ કદાચ એ હતું કે, મોટાભાગના રાજ્યોમાં 60 વર્ષથી ઓછી ઉંમરના લોકોને બૂસ્ટર ડોઝ માટે રૂપિયા ખર્ચ કરવા પડી રહ્યા હતા. હવે સરકારે બૂસ્ટર ડોઝને મફત કરવા ઉપરાંત તેના માટે જાગૃતિ અભિયાન શરૂ કરવાનો પણ નિર્ણય કર્યો છે.
અહેવાલો મુજબ, હાલમાં 18થી 59 વર્ષના 77 કરોડ પાત્ર લોકોમાંથી એક ટકા કરતા પણ ઓછાને બૂસ્ટર ડોઝ અપાયો છે. જોકે, 60 વર્ષથી વધુ ઉંમરના લગભગ 16 કરોડ લોકો અને આરોગ્ય કર્મચારીઓ તેમજ પ્રથમ હરોળના કર્મીઓમાંથી લગભગ 26 ટકા લોકો બૂસ્ટર ડોઝ લઈ ચૂક્યા છે.
કેન્દ્ર સરકારે ગત સપ્તાહે બધા માટે કોરોનાની રસીના બીજા ડોઝ અને બૂસ્ટર ડોઝની વચ્ચેનું અંતર 9 મહિનાથી ઘટાડી 6 મહિના કરી દેવાયું હતું. રસીકરણ પર નેશનલ ટેકનિકલ એડવાઈઝરી ગ્રુપની ભલામણ પછી આવું કરવામાં આવ્યું હતું.
દેશભરમાં આવેલી મેડીકલ, ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથી અને વેટરનરી સાયન્સની કોલેજોમાં પ્રવેશ માટે જરૂરી નીટ (નેશનલ એલિજિબિલીટી કમ એન્ટ્રન્સ એક્ઝામ ) યુજી-અન્ડર ગ્રેજ્યુએટ પરીક્ષાનું રજિસ્ટ્રેશન કરાવનાર વિદ્યાર્થીઓ માટે આજે નેશનલ ટેસ્ટીંગ એજન્સીએ એડમિટ કાર્ડ ઓનલાઇન ઉપલબ્ધ કરાવ્યા છે. વિદ્યાર્થીઓએ નીટની ઓફિશ્યલ વેબસાઇટ પરથી પોતાના એડમિટ કાર્ડ લઇને તેની દરેક ડિટેલ ચેક કરી લેવી હિતાવહ છે.
નીટ યુજી પરીક્ષા આગામી તા.17મી જુલાઇએ દેશભરમાં 497 શહેરોમાં પેન એન્ડ પેપર બેઝ (ઓફલાઇન) યોજાઇ રહી છે.
ગુજરાતમાંથી અંદાજે ધો.12 બાયોલોજી વિષય સાથે અભ્યાસ કરી રહેલા ગુજરાત સહિતના તમામ બોર્ડના મળીને 70 હજાર જેટલા વિદ્યાર્થીઓ નીટ યુજી પરીક્ષા આપશે.
ભારતીય શેરમાર્કેટના ઘટાડાની સીધી અસર દેશની કરન્સી પર જોવા મળી રહી છે. ભારતીય રૂપિયો ડોલરની સામે 11 જુલાઈના સત્રમાં નવા ઐતિહાસિક તળિયે 79.43 પર પહોંચ્યો છે.
ડોલરની મજબૂતી અને ઘરેલું શેરબજારમાં આજે મંદીના કારણે ભારતીય રૂપિયો યુએસ ડોલરની સામે સોમવારના સત્રમાં 1 વાગ્યે શુક્રવારના બંધ ભાવ 79.25ની સરખામણીએ 79.43 પર ટ્રેડ થઈ રહ્યો છે. ગત સપ્તાહે રૂપિયો ડોલરની સામે 79.3750ના સૌથી નીચલા સ્તરે પહોંચ્યો હતો અને આજે આ રૂપિયાએ નવું તળિયું બનાવ્યું છે.
વિશ્વની છ દિગ્ગજ કરન્સીની સામે યુએસ ડોલરનું મૂલ્ય દર્શાવતું ડોલર ઈન્ડેકસ 0.31 ટકા વધીને 107.34 પર કામકાજ કરી રહ્યો છે.
ગત સપ્તાહે 100 ડોલરની નીચે સર્કયા બાદ આજે ફરી બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ 0.63 ટકા ઘટીને 106.35 ડોલર પ્રતિ બેરલ થયું હતું.
આગામી ૧૦ જુલાઇના અષાઢ સુદ અગિયારસ એટલે કે દેવપોઢી એકાદશી છે અને તેની સાથે જ હિંદુ ચાતુર્માસનો પ્રારંભ થશે. હિંદુ ચાતુર્માસમાં રક્ષાબંધન, જન્માષ્ટમી, નવરાત્રિ, દિવાળી જેવા તહેવારોની હેલી સર્જાશે. હવે આગામી ૮, ૯ જુલાઇના લગ્ન માટેના શુભ મુહૂર્ત છે. હિંદુ ચાતુર્માસ સાથે લગ્નાદિ માંગલિક કાર્યોનો નિષેધ હોય છે. આગામી ચાર નવેમ્બરના કારતક સુદ એકાદશી સાથે ચાતુર્માસની પૂર્ણાહૂતિ થશે.
હિન્દુ સમુદાયમાં દેવપોઢી એકાદશી અને દેવઉઠી એકદાશી વચ્ચેના સમયગાળાને ચાતુર્માસ કહેવામાં આવે છે. શાસ્ત્રો પ્રમાણે દેવપોઢી એકાદશીના રોજ ભગવાન વિષ્ણુ પાતાળ લોકમાં જતા હોવાનું માનવામાં આવે છે. ત્યાર બાદ ચાર મહિના સુધી ભગવાન શયન મુદ્રામાં હોય લગ્ન સહિતના શુભ કાર્યો પર રોક મૂકવામાં આવે છે. દિવાળી બાદ આવતી દેવઉઠી એકાદશીએ ભગવાન ફરી પૃથ્વીલોક પર આવવાની સાથે લગ્નસરાની નવી સિઝનનો આરંભ થતો હોવાનું માનવામાં આવે છે. હવે ૯ જુલાઇ બાદ નવેમ્બરમાં ૨૫-૨૬-૨૭-૨૮ જ્યારે ડિસેમ્બરમાં ૨-૩-૭-૯-૧૩-૧૪ના લગ્ન માટેના શુભ મુહૂર્ત આવશે. આમ, વર્ષ ૨૦૨૨માં હવે લગ્ન માટેના કુલ માત્ર ૧૨ શુભ મુહૂર્ત છે.
અ ષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો આ ચારમાસને હિન્દુ ધર્મમાં સૌ ચાતુર્માસ તરીકે ઉજવે છે. આ ચાતુર્માસ દરમ્યાન અનેક તહેવારો- ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે. આ ચાતુર્માસમાં મંદિરોમાં દર્શન- ભજન- કથા- કીર્તન- અભિષેક- આદિ કાર્યક્રમો યોજાય છે અને અનેક ભક્તો ભક્તિનાપૂરમાં રસતરબોળ બને છે.
કુમકુ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું કે, ‘વર્ષ દરમ્યાન કુલ ચોવીસ એકાદશી આવે છે. જેમાં ચાતુર્માસમાં આવતી નવ એકાદશીનું સવિશેષ મહત્વ હોય છે અને તેમાં પણ ત્રણ એકાદશીનું સૌથી મહત્વ વધારે હોય છે. અષાઢ સુદ એકાદશીએ ભગવાન શયન કરે છે એટલે પોઢી જાય છે તેથી આ એકાદશીનું નામ દેવપોઢી એકાદશી પાડવામાં આવ્યું. ભાદરવા સુદ એકાદશી આવે છે ત્યારે ભગવાન પડખું ફેરવે છે તેથી તેને પાર્શ્વતિની એકાદશી કહેવામાં આવે છે. અને કારતક સુદ એકાદશી એ ભગવાન જાગે છે તેથી તેને દેવઉઠી એકાદશી કહેવામાં આવે છે.
આ સર્વે એકાદશીએ નકોરડો ઉપવાસ કરવો જોઈએ તેવું શાસ્ત્રોમાં નિરુપણ છે. પરંતુ જે આ ચોવીશ એકાદશીઓના દિવસે નકોરડો ઉપવાસ ના કરી શકતા હોય તેમણે ચાતુર્માસમાં આવતી નવ એકાદશીના ઉપવાસ અવશ્ય કરવા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. કદાચ કોઈથી આ નવ એકાદશી ના થાય તો તેમણે ત્રણ મુખ્ય એકાદશીએ તો અવશ્ય ઉપવાસ કરવા જોઈએ. આરોગ્યની દ્રષ્ટિએ ઉપવાસ કરવા એ હિતાવહ માનવામાં આવે છે. તેથી ઘણા સંતો-ભક્તો ચાતુર્માસ દરમ્યાન નકોરડા ઉપવાસ, ધારણાં-પારણાં-એકટાંણા આદિ વ્રતો કરતાં હોય છે.’
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રમત-ગમત ક્ષેત્રે એક મહત્વની જાહેરાત કરી છે. આગામી 27મી સપ્ટેમ્બરથી 10મી ઓક્ટોબર દરમિયાન ગુજરાતમાં નેશનલ ગેમ્સનું આયોજન થવાનું છે.
છેલ્લે વર્ષ 2015માં કેરળ ખાતે નેશનલ ગમ્સ યોજાઈ હતી. ત્યાર બાદ 2016ના વર્ષમાં ગોવા ખાતે રાષ્ટ્રીય રમતોત્સવનું આયોજન થવાનું હતું પરંતુ રાજ્ય સરકારની અસમર્થતાના કારણે તેને 2 વખત ટાળવામાં આવ્યો હતો. ત્યાર બાદ 2020માં તેનું આયોજન થવાનું હતું પરંતુ કોરોના મહામારીએ તેમાં વિઘ્ન નાખ્યું હતું.
ગુજરાત હવે સ્પોર્ટ્સ હબ બનવા જઈ રહ્યું છે તથા રાજ્યમાં વિશ્વસ્તરીય સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ તૈયાર થઈ રહ્યા છે.
મને એ જાહેરાત કરતાં આનંદ થાય છે કે ગુજરાત આગામી 27 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર દરમ્યાન નેશનલ ગેમ્સનું આયોજન કરશે. ગુજરાતના પ્રસ્તાવનો ત્વરિત સ્વીકાર કરવા બદલ હું IOA નો આભારી છું.
ત્યારે મુખ્યમંત્રીએ ટ્વિટરના માધ્યમથી 36મો રાષ્ટ્રીય રમતોત્સવ ગુજરાતમાં યોજાશે તેની જાહેરાત કરી છે. ગુજરાતમાં પ્રથમ વખત આ પ્રકારે રાષ્ટ્રીય રમતોત્સવ યોજાવા જઈ રહ્યો છે તથા અમદાવાદ સહિતના 6 શહેરોમાં તેનું આયોજન કરવામાં આવશે. આ સાથે જ મુખ્યમંત્રીએ ગુજરાતના પ્રસ્તાવનો ત્વરિત સ્વીકાર કરવા બદલ ઈન્ડિયન ઓલમ્પિક અસોસિએશનનો આભાર માન્યો હતો.
આ રમતોત્સવમાં દેશભરના 25,000થી પણ વધારે રમતવીરો સહભાગી બનશે. ઓલમ્પિકની દાવેદારી પહેલા ગુજરાત સરકારે આ મોટું આયોજન હાથ ધર્યું છે અને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં નેશનલ ગેમ્સ 2022નું ઓપનિંગ થાય તેવી શક્યતા જણાઈ રહી છે.
છેલ્લા કેટલાક સમયથી વિવિધ કારણોસર સ્થગિત થઈ રહેલી નેશનલ ગેમ્સ માટેની તારીખો આખરે જાહેર થઈ ગઈ છે. ભારતીય ઓલમ્પિક સંઘના મહાસચિવ રાજીવ મેહતાએ પણ આ અંગે ટ્વિટ કરી હતી.
ગુજરાત ઓલમ્પિક સંઘ તથા રાજ્ય સરકારના સંયુક્ત પ્રયત્નોથી 36મો રાષ્ટ્રીય રમતોત્સવ ગુજરાતમાં યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
– જૂનાગઢનો વિલીંગ્ડન અને નરસિંહ સરોવર છલોછલ: કેરાળા જળાશય ઓવરફલો થતા નવ ગામને એલર્ટ કરાયા અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અષાઢ મહિનાની શરુઆતથી મેઘ મહેરથી સૌરાષ્ટ્રમાં હરખની હેલી છે.
Dated 5/7/22, સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ અને પોરબંદર પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી છે. ગીરનારમાં 7 અને દ્વારકાના કલ્યાણપુરમાં 6 ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે આ વિસ્તારના નદી નાળામાં નવા નીરની આવક થઇ છે તેમજ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. આ ઉપરાંત જૂનાગઢ, રાણાવાવ, કુતિયાણા, દ્વારકા, શેરગઢમાં ધોધમાર 4 ઇંચ વરસાદ વરસ્યો છે તેમજ આમરણ ચોવિસી, વંથલીમાં 3, રાજકોટ, જામ ખંભાળિયા, ગઢડામાં 2.5, બાબરા-ભાવનગર-કોટડા સાંગાણી-દામનગર-કલાણા-પોરબંદરમાં 2, ઘ્રોલ-જામનગર-માળીયાહાટી-વાંકાનેર-ટંકારામાં 1.5, મહુવા અને માણાવદરમાં 1 ઇંચ વરસાદ પડયો છે. જૂનાગઢમાં ભારે વરસાદના કારણે વિલીગ્ડન અને નરસિંહ સરોવર છલોછલ થવા આવ્યા છે અને કેરાળા જળાશય ઓવરફલો થતા નવ ગામને એલર્ટ કરાયા છે તથા વિસાવદરની કાળુભાર, ચમારડીની ઠેબી, જૂનાગઢની કાળવા અને સોનરખ નદીમાં ઘોડાપૂર આવ્યું હતું.
દ્વારકા, જામખંભાળીયા:’
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળ તેમજ બારાડી પંથકમાં મેઘરાજા મહેરબાન હોય તેમ આજે સવારથી સાંજ સુધીમાં મુશળધાર વરસાદ સાથે બંને તાલુકાઓમાં મેધરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. જિલ્લામાં શુષ્ક રહેલા બંને તાલુકાઓમાં જોરદાર વરસાદનો લહાવો સ્થાનિકોએ ભરપૂર રીતે માણ્યો હતો. આજરોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ચાર પૈકી ત્રણ તાલુકામાં વ્યાપક વરસાદ નોંધાયો છે. સાંજે 6 કલાક સુધીમાં ખંભાળીયામાં વધુ 68 મીમી, કલ્યાણપુરમાં 145 મીમી, દ્વારકામાં 92મીમી તેમજ ભાણવડમાં 7 મીમી વરસાદ નોંધાયો છે, જેથી નદી-નાળા છલોછલ થયા હતા.
દ્વારકા જિલ્લામાં હાલ ભારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે બેહ અને બારા ગામ વિસ્તારમાં બારે વરસાદ થયો હતો. માત્ર બે કલાકમાં ચાર થી છ ઈંચ જેટલો વરસાદ ખાબકતા સ્થાનિક નદીનાળાઓમાં પાણીના પુરૂ જોવા મળ્યા હતાં. જેમાં ઢાંઢાવાળી નદીમાં ભારે પુર આવ્યો હતો.’ ખંભાળીયા તાલુકાના બેહ બેરાજા આરોગ્ય સેન્ટરમાં કામ કરતાં કર્મી આજરોજ બપોરના સુમારે બારા આરોગ્ય પ્રાથમિક કેન્દ્ર તરફથી બેહ આવી રહ્યાં હતા ત્યારે બેહ બારા ગામ વચ્ચે આવતી ઢાંઢાવાળી નદીના પટમાં પાણીના પ્રવાહમાં અટવાઈ ગયેલ આ બાબતે જુંગીવ્રા ધામે જતાં વટેમાર્ગુને જાણ થતાં ગ્રામજનોને જાણ કરવામાં આવતાં બેહ ગામના સરપંચ પ્રવિણભાઈ ગઢવી સહિત આગેવાનો દ્વારા ટ્રેકટર, નાળા લઈ સ્થળે પહોંચ્યા હતાં અને ગ્રામજનોની કલાકો જહેમત બાદ આરોગ્ય કર્મીને સહી સલામત બચાવી લેવાયો હતો. અધિકારીઓએ હેડ કવાર્ટર ન છોડવા સૂચનાઓ અપાઈ છે. જિલ્લાના ચારેય તાલુકામાં કન્ટ્રોલરૂમ શરુ કરવામાં આવ્યો છે. જે ફોન નં. 02833 232125, મો.7859923844 છે.
આમરણ:
આમરણ ચોવીસી પંથકમાં આજે સાંજે પાંચ થી સાત બે કલાક દરમિયાન 2 થી 3 ઈંચ વાવણી લાયક વરસાદ વરસી જતા આનંદની લાગણી ફેલાઈ છે.
માણાવદર:
માણાવદરમાં સતત ત્રણ દિવસથી વરસાદ પડી રહ્યો છે. આજે દિવસ દરમ્યાન 1 ઈંચ નોંધાયો છે. જ્યારે ઝીંઝરી ગામ તરફ 2 ઈંચ જેટલો વરસાદ પડવાનું ગ્રામજનોએ જણાવેલ. ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી પાણીથી ફરી રસાલા ડેમ છલકાયો છે.
અમરેલી:
Dated 5/7/22 જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં મેધરાજ મન મૂકીને વરસ્યો હતો. આજે પડેલા વરસાદથી અનેક ગામમાં પાણી ભરાય ગયા હતા તો બીજી તરફ ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નદીઓમાં ધોડાપુર આવ્યા હતા. ચમારડીની ઠેબી નદીમાં પુર આવ્યું હતું. ભારે વરસાદને કારણે જનજીવન પર પણ અસર થઈ હતી. આ લખાય છે ત્યારે બાબરાના ચામરડી ખાતે ઠેબી નદીમાં ઘોડાપૂર કોઝવે ઉપરથી પાણી ઓવરફ્લો થતા ચમારડી અને’ ચરખાનો રસ્તો બંધ થયો હતો. તળાજા:’ આજે પણ તળાજા શહેરમાં બપોરના સમયે મધ્યમધારે લગભગ અડધો કલાક વરસાદ વરસી ગયો. જો કે, કેટલાક ઉતાવળિયા ખેડૂતોએ કુદરત પર ભરોસો રાખી બિયારણ વાવેલ તેમાંના કેટલાક’ ખેડૂતોને અમુક અંશે બિયારણ નિષ્ફળ ગયાના ખેડૂતો કહી રહ્યા છે.
જૂનાગઢ:’
પ્રકૃતિના ખોળે મેઘરાજા રમવા આવ્યા હોય તેમ ગિરનાર પર્વતમાળામાં મૂશળધાર સાત ઈંચ, જૂનાગઢમાં ચાર, વંથલીમાં ત્રણ ઈંચ પાણી પડતા વિલિંગ્ડન ડેમ તથા નરસિંહ સરોવર છલોછલ ભરાયા છે. સવાર સુધીમાં બંને છલકાઈ જવાની પુરી સંભાવના છે. ગિરનાર પર્વત પર ચાર કલાકમાં સાત’ ઈંચ પાણી પડતા ઝરણાઓ પૂરની માકફ વહેવા લાગ્યા હતા. શહેરમાં ચાર ઈંચ પાણી પડતા કાળવા અને સોનરખ નદીમાં પૂર આવ્યા હતા. પરિણામે નરસિંહ સરોવર છલોછલ ભરાઈ ગયું હતું. ભારે વરસાદને કારણે શહેરના માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ગિરનારમાં ભારે વરસાદને કારણે વિલીગ્ડન ડેમ ભરાઈ ગયો છે. કેરાળા જળાશયમાં ઉપરવાસના ભારે વરસાદને કારણે ડેમની જળ સપાટીમાં ઝડપથી વધારો થતા બપોરે 2-30 કલાકે ઓવરફ્લો ગતા હેઠવાસના જૂનાગઢ તાલુકાના ગામો કેરાવડ, મજેવડી, તલિયાધર, વધાવી, વાલાસીમડી અને વાણદિયા તથા વંથલી તાલુકાના બાલોટ, ધંધુસર અને વંથલીના લોકોને સાવધ કરાયા છે.
શેરગઢ :
કેશોદ તાલુકાના શેરગઢ ગામમાં આજે બપોરે 4 ઈંચ વરસાદ વરસ્યો હતો. જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતાં.
પોરબંદર :
અરબી સમુદ્રના કિનારે આવેલા પોરબંદર જિલ્લામાં સવારથી જ મેઘમહેર જોવા મળી હતી. હળવા ભારે ઝાપટા બાદ બપોરથી વરસાદે જોર પકડયું હતું અને સાંજ સુધીમાં રાણાવાવ તથા કુતિયાણામાં ચાર ચાર ઈંચ વરસાદ વરસી ચુકયો છે. જ્યારે પોરબંદરમાં પણ બે ઈંચ જેટલો વરસાદ સાંજ સુધીમાં વરસ્યો છે.
ગોંડલ :
ગોંડલમાં સવારથી જ ગોરંભાયેલા આકાશ વચ્ચે ધીમીધારે પોણો ઈંચ વરસાદ વરસ્યો હતો. તાલુકાનાં મોવિયા, વાસાવડ, ગોમટા, ચોરડી સહિત ગ્રામ્ય પંથકમાં દોઢથી બે ઈંચ વરસાદ વરસ્યો છે. ધીમી ધારે વરસેલી મેઘવર્ષા ખેતી માટે ફાયદાકારક હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું.
વાંકાનેર :
આજે Dated 5/7/22 સાંજના છ વાગ્યા સુધીમાં 33 મીમી જેટલો વરસાદ પડેલ એટલે સવા 1। ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો ત્યારે તાલુકા પંથકમાં પણ સારો વરસાદ પડયાના વાવડ મળી રહેલ છે.
સુરત :
સુરતમાં પડી રહેલા વરસાદને પગલે સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં મહાનગરપાલિકાનું ફાયર વિભાગ સંભવિત આફતનો સામનો કરવા સજ્જ બની ગયું છે. રાહત અને બચાવની કામગીરી માટે ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા બોટ સહિતના સાધનો સાથે એલર્ટ થઈ ગયું હોવાનું જાણવા મળે છે.
કલાણા :
અષાઢી મેઘ મહેરથી અત્ર તત્ર સર્વત્ર હરખની હેલી છવાઈ ગઈ છે. તેવી જ રીતે ધોરાજી પંથકના કલાણા, ચિચોડ, ખડીયા અને રવની જેવા ગામોમાં બપોર સુધી ઉકળાટ બાદ સાંબેલાધારે બે કલાકના ગાળામાં જ બે ઈંચથી વધુ વરસાદ ખાબકી ગયો હતો. આસપાસ વિસ્તારનાં તમામ ચેકડેમ ઓવરફલો થયા હતાં.
મોરબી:
મોરબી શહેર અને જીલ્લામાં આજે સાંજના સુમારે વરસાદ શરુ થયો હતો જેમાં મોરબી 2 સામાકાઠા વિસ્તાર મા 18 મીમી પોણો ઈચ જ્યારે મૉરબી શહેરમા 46 મીમી બે ઈચ વરસાદ નોંધાયો છે.” મોરબી નગરપાલિકા તંત્ર ચોમાસા પૂર્વે પ્રી મોન્સુન કામગીરી કરતી હોય છે જોકે કામગીરી કેવી રહે છે તે સૌ કોઈ જાણે છે અને વરસાદ વરસતા જ પાલિકાની કામગીરીની પોલ ખુલી જતી હોય છે આજે મોરબીમાં પોણો ઇંચ વરસાદ વરસતા જ ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા જેથી વાહનચાલકોને અને રાહદારીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
મેંદરડા :
મેંદરડા પંથકમાં આજ સવારથી વરસાદી માહોલ જામ્યો હતો. બપોર સુધી હળવા ઝાપટા પડયા હતાં. પરંતુ બપોરે ધોધમાર વરસવાનું ચાલુ થતાં લગભગ દોઢેક કલાકમાં ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. માળીયાહાટીના : માળીયાહાટીનામાં આજે સવારથી વરસાદ વસતા મેઘલ નદીમાં નવા નીરની અઢળક આવક શરૂ થઈ છે. પ્રથમ વખત નદીમાં પુર આવ્યું છે. ચાર મહિનાની કોરી ધાકોડ મેઘલ નદી પાણીથી ભરાઈ ગઈ છે. આજે દોઢ ઈંચ પાણી પડયું છે. પ્રથમ વખત મેઘલ નદીમાં પૂર આવતાં લોકો ભાવવિભોર બની ગયા છે.
દામનગર :
બે દિવસના ધીમીધારે વરસાદ બાદ આજરોજ વાતાવરણમાં એકાએક પલટો આવતાં વર્ષારાણીની ધમાકેદાર એન્ટ્રી થતાં ત્રણ કલાક સુધી વરસાદ પડતાં બે ઈંચ જેટલું પાણી પડી ગયું છે. દામનગરનાં ગ્રામ્ય વિસ્તારમાં પણ સારા વરસાદનાં વાવડ મળેલ છે. કુંભનાથ તળાવમાં નવા નીરની આવક ધીમી ગતિએ શરૂ છે. દામનગરનાં સરદાર ચોકમાં વરસાદના નીર ભરાતા રાહતદારીઓને મુશ્કેલી પડતી હતી.
કોટડાસાંગાણી :
કોટડા સાંગાણીમાં વહેલી સવારથી અસહ્ય બફારા બાદ આજે બપોરે બે વાગ્યાથી વરસાદ શરૂ થયો હતો અને સાંજે છ વાગ્યા સુધી બે ઈંચ વરસાદ વરસી ગયો હતો. નદી નાળામાં નવા નીરની આવક થઈ છે. કોટડા તાલુકાના ગામોમાં સારો વરસાદ પડી ગયો છે લોકો અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
જામનગર :
જામનગર શહેર અને જિલ્લામાં આજે સવારથી સુર્યનારાયણનો આકરો તાપ રહેવા પામ્યો હતો. દરમિયાન પલટાયેલા વાતાવરણના પગલે આકાશમાં કાળા ડીંબાંગ વાદળો છવાઈ જવા પામ્યા હતાં. જેમાં આજે સાંજ સુધીમાં જામનગર શહેરનો 40 મીમી, ધ્રોલમાં 38 મીમી, જામજોધપુરમાં 9 મીમી, જોડિયામાં 18 મીમી અને લાલપુરમાં 3 મીમી વરસાદ વરસ્યો હતો. જ્યારે ત્રણ જળાશયોમાં નવા પાણીની આવક નોંધાઈ છે.
ગઢડા :
ગઢડા શહેરમાં બપોરે 2 વાગ્યા પછી ભારે ગાજવીજ સાથે અચાનક મુશળધાર વરસાદ શરૂ થયો હતો. સતત બે કલાક સુધી એકસરખો વરસાદ શરૂ રહેતાં સવા બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આ વરસાદના પગલે ગઢડા’ શહેરના બોટાદ ઝાંપા, જીન નાકા, મધરપાટ વિગેરે મુખ્ય વિસ્તારો અને રસ્તો ઉપર પાણીના વહેણ શરૂ થતાં લોકોએ વરસતા વરસાદની મજા માણી હતી.
ભાવનગર :
ભારે વરસાદની આગાહી વચ્ચે ભાવનગર જિલ્લામાં અડધાથી બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. ભાવનગર શહેરમાં આજે બપોરે ધોધમાર વરસાદ તુટી પડયો હતો અને બે ઈંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો. શહેરનાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતાં. આજે સવારના 6 થી સાંજના છ દરમિયાન ભાવનગર શહેરમાં 42 મીમી મહુવામાં 28 મીમી તળાજામાં 14 મીમી પાલીતાણામાં 5 મીમી વલભીપુરમાં 2 મીમી, ગારીયાધાર, ઘોઘા અને સિહોરમાં એક એક મીમી વરસાદ નોંધાયો છે.
બાબરા :
બાબરા તાલુકામાં બપોર બાદ મેઘરાજાએ મોસમનું પ્રથમ અનરાધાર હેત વરસાવ્યું હોય તેમ શહેરી વિસ્તારમાં હળવો અને ગ્રામ્ય વિસ્તારમાં અનરાધાર વરસાદથી નદીઓમાં પુરના પાણી ફરી વળ્યાં હતાં. મળતા સમાચાર મુજબ બાબરા શહેરમાં બે ઈંચ વરસાદ અને ઉપરવાસના ચારખા ગામના સિમ વિસ્તારમાં વધુ વરસાદથી બાબરા મધ્યમાંથી નીકળતી કાળુભાર નદીમાં પુર આવતાં શહેરીજનો પુર જોવા નીકળી પડયા હતાં. જ્યારે બાબરા તાલુકાના ગ્રામ્ય ચરખા, ચમારડી, વાંડલીયા, ધરાઈ, મોટા દેવળીયા, ઈસાપર સહિતમાં 3 થી 4 ઈંચ વરસાદી પાણી પડતાં તમામ ચેક ડેમ જળાશયો ભરાયા બાદ નદીમાં વર્ષનું પ્રથમ પૂર આવ્યું હતું.
ધ્રોલ :
ધ્રોલ ખાતે આજે Dated 5/7/22, સાંજે 4 થી 6 વાગ્યા સુધીના બે કલાકમાં 1।। ઈંચ’ (38 મીમી) વરસાદ નોંધાયેલ છે. આજરોજના વરસાદને કારણે ધ્રોલ શહેરનાં જોડીયા રોડ, મેમણ ચોક, નંદનવન સોસાયટી, વૃંદાવન સોસાયટીઓમાં 1।। થી 2 ફુટ જેટલા પાણી ભરાઈ જતાં વાહન વ્યવહાર તેમ લત્તાવાસીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતાં.
ભાટિયા :
ભાટિયામાં આજે બપોરથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ભારે પવન ગાજવીજ સાથે સાંજ સુધીમાં ત્રણ ઈંચ જેટલો આજનો પણ વરસાદ નોંધાતા છેલ્લા ચોવીસ કલાકમાં છ ઈંચ વરસાદ પડી જતાં ગામના મુખ્ય માર્ગો -ગલ્લીઓમાં ઠેર ઠેર પાણી પાણી દેખાતું હતું.
પાંચ દિવસ દ્વારકા-પોરબંદર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
આગામી પાંચ દિવસમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ 5ડવાની સંભાવના છે તેમજ આજથી તા. 10 જુલાઈ સુધી દ્વારકા, પોરબંદર, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના પણ છે, એમ હવામાન વિભાગના અધિકારી એમ. મોહન્તીએ જણાવ્યું હતું. ગાંધીનગરમાં આજે રાહત કમિશ્નરના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપની બેઠક યોજાઈ હતી, જેમાં રાહત કમિશ્નરે આગામી સપ્તાહમાં થનાર વરસાદની આગાહીને ધ્યાને લઈ હાજર રહેલ તમામ વિભાગના અધિકારીઓને તથા સમગ્ર તંત્રને એલર્ટ રહેવા સૂચન કર્યું હતું.’ આ બેઠકમાં રાહત કમિશનરે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને ડીપ્લોય કરવા માટે ચર્ચા હાથ ધરી હતી. જેમાં રાજ્યમાં આગામી વરસાદની આગાહીને ધ્યાને લઈ કચ્છ જિલ્લામાં એક એનડીઆરએફની ટીમ ડીપ્લોય કરવા સૂચના આપી હતી.
કેન્દ્ર સરકાર દ્વારા મનરેગા સહિતની ૩૦૦ જેટલી સરકારી યોજનાના કામના વેતનની શ્રમિકોને કરાતી ચૂકવણી તેમના સહકારી બેન્કોના ખાતામાં પણ કરવાનો નિર્ણય લેવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. ગુજરાતની ૨૩૦ પ્લસ સહકારી બેન્કોને તેનાથી ફાયદો થશે. માત્ર ગુજરાત નહિ, સમગ્ર દેશના તમામ રાજ્યોની સહકારી બેન્કોને તેનાથી ફાયદો થશે. ગુજરાતની ૧૭ જિલ્લા સહકારી બેન્કો અને ગુજરાત સ્ટેટ કોઓપરેટીવ બેન્કને પણ તેનો ફાયદો મળશે. અત્યાર સુધી રાષ્ટ્રીયકૃત અને ખાનગી બેન્કો મારફતે જ કેન્દ્ર સરકારની સબસિડીની કે પછી અન્ય યોજનાઓ થકી મળતા ખેડૂતો અને શ્રમિકોને મળતા લાભના નાણાં ખેડૂતોના ખાતામાં જમા થશે.
ખેડૂતોને સબસિડીના નાણાં પણ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર હેઠળ જ અપાય છે. આ રીતે કેન્દ્ર સરકારની જુદી જુદી ૩૦૦ યોજનાના નાણાં ડાયરેક્ટ ટ્રાન્સફર ઓફ બેનિફિટની સ્કીમ હેઠળ સીધા બેન્ક ખાતાઓમાં ટ્રાન્સફરકરવામાં આવે છે. મનરેગા જેવી યોજનાના મહેનતાણાના નાણાં પણ સહકારી બેન્કોના ખાતામાં જમા થઈ શકશે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે આ નિર્દેશ આપ્યો છે. આ યોજનાને સહકારી બેન્કો સાથે જોડી દઈને સહકારી બેન્કો અને પ્રજા વચ્ચેનો નાતો વધુ સંગીન બનાવવાની નેમથી આ આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાત સ્ટેટ કોઓપરેટીવ બેન્કના ચેરમેન અજય પટેલે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવનારા આ પગલાંને પરિણામે સહકારી બેન્કોની આર્થિક સદ્ધરતામાં ખાસ્સો વધારો થશે. અમિત શાહની પ્રસ્તુત જાહેરાત અંગે વાત કરતાં ખેતી બેન્કના ચેરમેન ડૉલર કોટેચાએ જણાવ્યું હતું કે આ આયોજનના અમલીકરણ થકી સહકારી બેન્કો સમાજના નાના વર્ગના ખાતેદારોની સારી સેવા કરી શકશે. સમાજના નાનામાં નાના વર્ગના નાગરિકનો સહકારી બેન્કોમાંનો વિશ્વાસ વધુ બુલંદ બનશે. સહકારી બેન્કોના ફેડરેશનના પ્રમુખ જ્યોતિન્દ્ર મહેતાનું કહેવું છે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના નાણાં સહકારી બેન્કના માધ્યમથી ટ્રાન્સફર કરવામાં આવશે તો તેને પરિણામે સહકારી બેન્કોમાં ખાતાની સંખ્યા વધી જશે. તેમના ખાતામાં જમા થનારા નાણાંઓને કારણે સહકારી બેન્કોની થાપણોમાં અને ખાસ કરીને ઓછા વ્યાજની થાપણોમાં વધારો થશે.
તેનાથી થનારા લાભની વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે સહકારી બેન્કોને મળનારી વધારાની થાપણનો ઉપયોગ કરીને બેન્કો વધારાનું ધિરાણ કરીને નફો પણ વધારી શકશે. પરિણામે સહકારી બેન્કોની આવક અને આર્થિક તન્દુરસ્તીમાં સુધારો થશે.
મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે વિધાનસભામાં ડેપ્યુટી સ્પીકર નરહરિ સીતારામ જિરવાલે શિંદેના જૂથ દ્વારા રજૂ કરવામાં આવેલા અવિશ્વાસના પ્રસ્તાવને ફગાવી દીધો છે. જાણવા મળ્યા મુજબ કોઈ અનામી ઈ-મેઈલના માધ્યમથી અવિશ્વાસનો આ પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હતો. કોઈ પણ ધારાસભ્યએ તે પ્રસ્તાવને કાર્યાલયમાં જમા નહોતો કરાવ્યો. શિંદે જૂથના અવિશ્વાસ પ્રસ્તાવવાળા પત્ર પર કોઈ મૂળ હસ્તાક્ષર નહોતા.
અવિશ્વાસનો પ્રસ્તાવ ફગાવી દેવા પાછળ ધારાસભ્યોના હસ્તાક્ષર અસલી ન હોવાનું કારણ આપવામાં આવ્યું છે. સાથે જ તેને શિવસેનાના લેટરહેડ પર મોકલવામાં આવ્યો હતો. જ્યારે વિધાનસભાના રેકોર્ડ પ્રમાણે શિવસેના ધારાસભ્ય દળના નેતા અજય ચૌધરી છે, એકનાથ શિંદે નહીં. તેવામાં શિંદે જૂથ હવે સુપ્રીમ કોર્ટ જવાની તૈયારીમાં છે.
ડેપ્યુટી સ્પીકરે ઉદ્ધવ ઠાકરેના જૂથ દ્વારા આપવામાં આવેલી અયોગ્યતા અરજી પર શિવસેનાના 16 બાગી ધારાસભ્યોને નોટિસ પાઠવી છે. નોટિસ મોકલવામાં આવી તે ધારાસભ્યોએ સોમવાર સાંજના 5:00 વાગ્યા સુધીમાં તે નોટિસનો જવાબ આપવાનો રહેશે.
શિવસેના ભવન ખાતે યોજાયેલી રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં તબિયત ખરાબ હોવા છતાં પણ ઉદ્ધવ ઠાકરેએ મોરચો સંભાળ્યો છે. આ તરફ શિવસૈનિકોના બાગી ધારાસભ્યોના કાર્યાલયોમાં તોડફોડને પગલે પોલીસે મુંબઈમાં કલમ 144 લાગુ કરી દીધી છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.