CIA ALERT

Uncategorized Archives - CIA Live

July 16, 2025
cia_edu-1280x925.jpg
1min230

ગુજરાત આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીઓએ તાજેતરમાં પુષ્ટિ આપી છે કે જાહેર-ખાનગી ભાગીદારી (પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશીપ) મોડેલ હેઠળ નવ વી બ્રાઉનફિલ્ડ મેડિકલ કોલેજો શરૂ કરવા માટે જુદા જુદા જિલ્લાઓ નિયત કરવામાં આવ્યા છે. આ જિલ્લાઓમાં આવેલા જુદા જુદા ટ્રસ્ટોને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે અને આ ટ્રસ્ટોને પ્રેઝન્ટેશન આપવા માટે આગામી તા.17મી જુલાઇએ ટાઇમ સ્લોટ ફાળવવામાં આવ્યા છે.

બ્રાઉન ફિલ્ડ મેડીકલ કોલેજો શરૂ કરવા માટે નિર્ધારિત થયેલા જિલ્લાઓમાં ગીર સોમનાથના વેરાવળ, બોટાદ, દેવભૂમિ દ્વારકાના જામ ખંભાળિયા, ખેડાના નડિયાદ, ડાંગના આહવા, મહિસાગરના લુણાવાડા, છોટા ઉદેપુર, આણંદ અને અરવલ્લીના મોડાસાનો સમાવેશ થાય છે. આરોગ્ય વિભાગે યોગ્ય હોસ્પિટલો અને સંભવિત ભાગીદારોની ઓળખ કરી છે.

રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ દ્વારા ઓક્ટોબર 2024માં રાજ્યમાં નવી બ્રાઉનફિલ્ડ મેડિકલ કોલેજોની જાહેરાત કરવામાં આવી હતી.

બ્રાઉનફિલ્ડ પ્રોજેક્ટ્સમાં હાલની સુવિધાઓનું રિમોડેલિંગ અને અપગ્રેડેશન શામેલ છે, જ્યારે ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ્સમાં નવા બાંધકામ અને વિકાસનો સમાવેશ થાય છે. રાજ્ય નીતિનો ઉદ્દેશ સ્થાનિક વસતિને ગુણવત્તાયુક્ત સારવાર અને રાજ્યના યુવાનોને તબીબી શિક્ષણ આપવાનો છે.

આ ઉપરાંત, રાજ્યના આરોગ્ય મંત્રીએ અગાઉ ઘણી શરતોની યાદી આપી હતી જેના આધારે બ્રાઉનફિલ્ડ મેડિકલ કોલેજોને મંજૂરી આપવામાં આવશે. હોસ્પિટલોએ ગર્ભવતી મહિલાઓને ડિલિવરી પછી 20 દિવસ અને એક વર્ષ સુધીના બાળકોને મફત સારવાર આપવી પડશે, ડાયાલિસિસ સેવા માટે NICU અને 10-બેડ યુનિટ સ્થાપવું પડશે અને હૃદય, મગજ, કેન્સર અને અંગ પ્રત્યારોપણ સિવાયની તમામ કન્ડીશનના પેશન્ટો માટે મફત સારવાર પૂરી પાડવી પડશે.

હાલમાં, બ્રાઉનફિલ્ડ મેડિકલ કોલેજો દાહોદ, ભરૂચ, અમરેલી, બનાસકાંઠા અને તાપી જિલ્લામાં કાર્યરત છે. આ ઉપરાંત, ગુજરાતમાં કુલ 23 સરકારી મેડિકલ કોલેજો (ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી (GMERS) દ્વારા સંચાલિત કોલેજો સહિત), 18 ખાનગી અને એક ડીમ્ડ યુનિવર્સિટી મેડિકલ કોલેજ છે. આ કોલેજોમાં કુલ 7,400 MBBS બેઠકો છે.

જોકે, બ્રાઉનફિલ્ડ મેડિકલ કોલેજ નીતિ સૌપ્રથમ 2017 માં લાગુ કરવામાં આવી હતી અને બાદમાં 2022 માં તેમાં સુધારો કરવામાં આવ્યો હતો.

દરમિયાન, ડિરેક્ટર (મેડિકલ એજ્યુકેશન) ડૉ. આર. એન. દિક્ષિતે જણાવ્યું હતું કે નવા બ્રાઉનફિલ્ડ મેડિકલ કોલેજ પ્રોજેક્ટ્સ માટે હોસ્પિટલો અને ભાગીદારોની ઓળખ કરવામાં આવી છે અને સુધારેલી નીતિ અમલમાં આવ્યા પછી સહયોગની પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવશે.

May 8, 2025
rain.png
1min185

હવામાન વિભાગ દ્વારા આવતીકાલે 8 મી મેના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, અમરેલી અને ભાવનગર જિલ્લામાં અતિભારે વરસાદ વરસી શકે છે, જ્યારે અમદાવાદ, આણંદ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.

60-70 કિમીની ઝડપે પવન ફૂંકાશે
આ ઉપરાંત, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી અને તાપી તેમજ સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓ જેમ કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. તેમજ આ જિલ્લામાં 60-70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.

જિલ્લાઓમાં તંત્રને એલર્ટ રહેવાની સૂચના
આગાહીને પગલે સંબંધિત જિલ્લાઓમાં તંત્રને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે અને લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની, કાચા મકાનોને નુકસાન તેમજ વીજળી પડવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને લોકોને સલામત સ્થળે રહેવા જણાવવામાં આવ્યું છે.

March 10, 2025
ચેમ્પીયન્સ-ટ્રોફી.png
2min134
  • ટી-૨૦માં વર્લ્ડ ચેમ્પિયન બન્યા પછી હવે ન્યુઝીલેન્ડને હરાવી વન-ડે ક્રિકેટમાં પણ વર્ચસ્વ સ્થાપ્યું
  • પ્લેયર ઓફ ધ મેચ રોહિત શર્માની કેપ્ટન ઈનિંગ, ૮૩ બોલમાં સાત ચોગ્ગા, ત્રણ છગ્ગા સાથે ૭૬ ઃ ભારતીય સ્પિનરોના મેજિક સામે ન્યુઝીલેન્ડના ૭ વિકેટે ૨૫૧
  • ભારતને ચેમ્પિયન બનવા બદલ રૂા. ૨૦ કરોડનું ઈનામ ટુર્નામેન્ટમાં એક પણ મેચ હાર્યા વગર વિજેતા બન્યું
  • ભારતે ટાર્ગેટ ૪૯ ઓવરમાં ૬ વિકેટ ગુમાવી પાર પાડયો
  • રોહિત શર્માએ વન-ડે ક્રિકેટમાંથી નિવૃત્તિની અટકળો ફગાવી

ભારતે ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતતા આજે ફાઈનલમાં ન્યુઝીલેન્ડને એક ઓવર બાકી હતી ત્યારે ચાર વિકેટે પરાજય આપ્યો હતો. ન્યુઝીલેન્ડે ૫૦ ઓવરોમાં ૭ વિકેટે ૨૫૧ રન કર્યા હતા. ભારતે ૬ વિકેટે ૨૫૪ રન ૪૯ ઓવરોમાં નોંધાવી ટાર્ગેટ પાર પાડયું હતું. પ્લેયર ઓફ ધ મેચ કેપ્ટન રોહિત શર્માએ ૮૩ બોલમાં ૭ ચોગ્ગા અને ત્રણ છગ્ગા સાથે ઓપનિંગમાં આવીને આક્રમક ૭૬ રનની ઈનિંગ રમતા તેમજ કુલદિપ યાદવે રવીન્દ્ર (૩૭) વિલિયમસનની (૧૧)ની ઝડપેલી કિંમતી વિકેટ તેમજ વરૂણ ચક્રવર્તીની બે અને જાડેજાની ૧૦ ઓવરોમાં ૩૦ રન જ આપીને એક વિકેટ ઝડપતી બોલિંગનું આ વિજયમાં મહત્વનું પ્રદાન રહ્યું હતું. શમી ખર્ચાળ સાબીત થયો હતો અને તેણે નવ ઓવરોમાં ૭૪ રનમાં ૧ વિકેટ ઝડપી હતી.

ભારતે આ અગાઉ ૨૦૧૩માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. આ સાથે ૧૨ વર્ષે ફરી ટાઈટલ તેના નામે કર્યું હતું. ભારતને ચેમ્પિયન્સ બનવા બદલ રૂ. ૨૦ કરોડનું ઇનામ આપવામાં આવ્યું હતું.

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ન્યુઝીલેન્ડ તરફથી મિચેલ ૬૩ (૧૦૧ બોલ), બ્રેસવેલ ૫૩ અણનમ (૪૦ બોલ), ફીલીપ્સ ૩૪ (૫૨ બોલ) અને રવીન્દ્ર ૩૭ (૨૯ બોલ)ની ઈનિંગને લીધે ૫૦ ઓવરોમાં ૭ વિકેટે ૨૫૧ રનનો સ્કોર શક્ય બન્યો હતો.

ભારતે ૨૫૨નો ટાર્ગેટ ઝીલવા ઉતર્યું ત્યારે રોહિત શર્માએ જોખમ ઉઠાવતા તેની આગવી શૈલી પ્રમાણે આક્રમક બેટિંગ કરી હતી. સામાન્ય રીતે આવી શરૂઆત કર્યા પછી તે ૩૦-૪૦ રન કે તે પહેલા આઉટ થઈ જતો હોય છે પણ આજે તે મોટી ઈનિંગ રમવામાં સફળ થયો હતો. ગીલે તેને સ્ટ્રાઈક આપતા રહી સાથ આપ્યો હતો.

ગીલ (૩૧) સાન્ટનરની બોલિંગમાં ફિલિપ્સના શોર્ટ એકસ્ટ્રા કવર પર હવામાં ડાઇવિંગ અદ્ભૂત કેચ દ્વારા આઉટ થતા ભારતની પ્રથમ વિકેટ પડી હતી. ૧૮.૪ ઓવરોમાં જ ૧૦૫ રનની ઓપનિંગ ભાગીદારી નોંધાઈ હતી.

તેના પછીની ઓવરના (૧૯.૧) પહેલા જ બ્રેસવેલના બોલમાં કોહલીના પેડની નીચે ડિફેન્સ ચુકતા બોલ અથડાયો હતો અને બે જ બોલ રમી ૧ રને આઉટ થયો હતો. રોહિત શર્મા ક્રીઝની બહાર આવી રવીન્દ્રના બોલને બાઉન્ડ્રી બહાર મોકલવાના આવેગમાં ટર્નિંગ બોલ ચૂક્યો અને લાથમે તેનું સ્ટમ્પીંગ કર્યું હતું. વીના વિકેટે ૧૦૫થી ૧૨૬ રને ૩ વિકેટનો સ્કોર થઈ જતા ન્યુઝીલેન્ડની ટીમમાં ઉત્સાહ વધ્યો હતો.

પણ શ્રેયસ ઐયર ૬૨ બોલમાં ૪૮ અને અક્ષર પટેલના ૪૦ બોલમાં ૨૯ રનની ઈનિંગ ખૂબ જ મહત્વના પૂરવાર થયેલ. ૬૧ રન ચોથી વિકેટની ભાગીદારીમાં ઉમેર્યા હતા.

જોકે બંને વધુ ૨૦ રનના ઉમેરા સુધીમાં આઉટ થતા ચાહકો ફરી ચિંતામાં ગરકાવ થઈ ગયેલ કે.એલ. રાહુલે ૩૩ બોલમાં ૩૪ અણનમ રન સાથે એક છેડો જાળવી રાખતા અપસેટ નહોતો થયો.

નાજુક પળોમાં દબાણ હળવું કરતા હાર્દિક પંડયાએ ૧ ચોગ્ગો એક છગ્ગા સાથે ૧૮ રન કર્યા હતા.જાડેજાએ ૪૯મી ઓવરના આખરી બોલે ઓ’રોઉર્કેના બોલમાં વિજયી ચોગ્ગો ફટકાર્યો હતો.એ પણ ખરૂં કે ૧૮.૩ ઓવરોમાં વીના વિકેટે ૧૦૫ રનનો સ્કોર હતો ત્યારે એવું લાગતું હતું કે એકતરફી બની ચુકેલ મેચ ૪૦થી ૪૫ ઓવરમાં જ પુરી થશે પણ ન્યુઝીલેન્ડે સાવ હતાશ સ્થિતિ છતાં જુસ્સો જાળવી રાખ્યો અને ૪૯ ઓવરો સુધી મેચ ચાલી. ન્યુઝીલેન્ડ માટે એવું કહેવાતું કે રવીન્દ્ર અને વિલિયમસન ભારતના ટાઈટલ વચ્ચે પહાડની જેમ ઉભા રહી શકે તેવા ફોર્મમાં છે.

પણ ૧૧મી ઓવરમાં કેપ્ટન રોહિત શર્માએ કુલદીપ યાદવને બોલિંગ આપી અને તેના પહેલા જ બોલે ચોથી સ્ટમ્પ પરનો બોલ અંદર તરફ સ્પિન થતો હતો અને રવીન્દ્ર તેને ઓફ સાઇડ પર ફટકારવા જતા બોલ્ડ થયો હતો તે પછીની કુલદીપની ઓવરમાં બીજા બોલે (૧૨.૨) વિલિયમસન લોંગ ઓન તરફ રમવાના પ્રયત્નમાં દ્વીધા સાથે થાપ ખાઈ ગયો અને કુલદિપને જ કેચ આપી બેઠો. યંગ તો અગાઉ વરૂણનો શિકાર બની જ ગયેલો. ૭૫ રનમાં ૩ કિંમતી વિકેટ પડી જતા ન્યુઝીલેન્ડ સાવધ થઈ ગયું. હવે તેઓનો રન રેટ પણ દબાણ હેઠળ ઘટતો જતો મિચેલ અને ફીલીપ્સે ૫૭ રનની ભાગીદારી સાથે આક્રમણનું પ્લેટફોર્મ ખડું કર્યું હતું પણ વરૂણે ફીલીપ્સને બોલ્ડ કર્યો હતો. ન્યુઝીલેન્ડના ૨૨૦ની આસપાસ રન થાય તેમ લાગતું હતું પણ મિચેલ (૬૩) અને તે પછી આખરી ઓવરોમાં બ્રેસવેલે ૪૦ બોલમાં ૫૩ અણનમની ઈનિંગ રમતા ન્યુઝીલેન્ડ કંઈક લડત આપી શકે તેવો સ્કોર બનાવી શક્યું હતું.

November 4, 2024
chhath-puja.png
1min166

પંચાગ અનુસાર દર વર્ષે છઠ મહાપર્વની શરૂઆત કારતક સુદ ચોથની તિથિથી થાય છે, જે સપ્તમી તિથિ પર સૂર્યને અર્ધ્ય અર્પણ કરવાની સાથે સમાપ્ત થાય છે. આમાં સૌથી મહત્વપૂર્ણ તિથિ છઠ માનવામાં આવે છે. આ દિવસોમાં સૂર્યદેવની પૂજા કરવાનો નિયમ છે. આ તહેવાર મૂળરૂપે બિહાર, પૂર્વાંચલમાં ઉજવવામાં આવે છે. આ ઉપરાંત દેશના અલગ અલગ રાજ્યોમાંથી લઈને વિદેશ સુધી ધામધૂમથી તેની ઉજવણી કરવામાં આવે છે.

છઠ પૂજાને સૌથી મુશ્કેલ વ્રતોમાંથી એક માનવામાં આવે છે, કારણ કે આ દરમિયાન કઠોર નિયમોનું પાલન કરવાની સાથે લગભગ 36 કલાક માતાઓ નિર્જળા ઉપવાસ રાખે છે. માતાઓ પોતાના બાળકોના લાંબા આયુષ્ય, સારા ભવિષ્ય, રોગમુક્ત જીવન અને સુખ-સમૃદ્ધિ માટે આ વ્રત રાખે છે. આવો જાણીએ આ 4 દિવસનો તહેવાર ક્યારે શરૂ થઈ રહ્યો છે. સાથે જ દરેક દિવસનું મહત્વ.

છઠ મહાપર્વ 2024 તારીખ

છઠ પૂજાની શરૂઆત કારતક સુદ છઠથી થાય છે. તમને જણાવી દઈએ કે છઠ તિથિ 7 નવેમ્બરે બપોરે 12.41 વાગ્યે શરૂ થાય છે, જે 8 નવેમ્બરે બપોરે 12.35 વાગ્યે સમાપ્ત થાય છે. ઉદયા તિથિના આધારે છઠ પૂજા 7 નવેમ્બરના રોજ છે. આ દિવસે સાંજે સૂર્યને અર્ધ્ય અર્પણ કરવામાં આવશે.

નહાય ખાય – 5 નવેમ્બર 2024

કારતક સુદ ચોથના દિવસે નહાય ખાય હોય છે. છઠ પૂજાના પ્રથમ દિવસે નદી, તળાવ કે પવિત્ર જળમાં સ્નાન કરી સાત્વિક ભોજન ગ્રહણ કરે છે.

ખરના – 6 નવેમ્બર 2024

કારતક સુદ પાંચમના દિવસે ખરના કરવામાં આવે છે, જે બીજો દિવસ છે. આ દિવસે માતાઓ આખો દિવસ વ્રત રાખે છે અને પૂજા બાદ ગોળની ખીર ખાઇને 36 કલાકના નિર્જળા ઉપવાસ શરૂ કરે છે.

સંધ્યા અર્ધ્ય- 7 નવેમ્બર 2024

કારતક સુદ છઠએ ત્રીજો દિવસ છે, જે છઠનો સૌથી મહત્વપૂર્ણ દિવસ માનવામાં આવે છે. ત્રીજા દિવસે માતાઓ સૂર્યાસ્ત સમયે નદી અથવા તળાવમાં જાય છે અને સૂર્ય ભગવાનને અર્ધ્ય અર્પણ કરે છે.

સવારમાં અર્ધ્ય – 8 નવેમ્બર 2024

છઠ પૂજાનો છેલ્લો દિવસ કારતક સુદ સાતમના દિવસે આવે છે. આ દિવસે ઉગતા સૂર્યને અર્ધ્ય અર્પણ કરવામાં આવે છે. જે બાદ માતાઓ પોતાનો ઉપવાસ ખોલીને પ્રસાદનું વિતરણ કરે છે.

October 24, 2024
bagless.png
1min369

Std. 6થી 8માં વર્ષ દરમિયાન 10 બેગલેસ દિવસો ગોઠવવા સ્કુલોના આચાર્યોને ગાઇડલાઇન્સ અપાઇ

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

નવી દિલ્હીના શિક્ષણ નિયામક કચેરીએ તા.22મી ઓક્ટોબર 2024ના રોજ દિલ્હીની સરકારી અને ખાનગી શાળાઓના ધો.6થી 8ના વર્ગોમાં 10 બેગલેસ (દફતરમુક્ત) દિવસોના અમલીકરણ માટે માર્ગદર્શિકા જારી કરી હતી. એક પરિપત્રમાં નવી દિલ્હીના શિક્ષણ વિભાગએ તમામ શાળાઓના વડાઓને ધો.છથી આઠ ધોરણના વિદ્યાર્થીઓ માટે શાળાઓમાં વર્ષ દરમિયાન 10 બેગલેસ (દફતર મુક્ત) દિવસનો અમલ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) દ્વારા નેશનલ એજ્યુકેશન પોલિસી 2020ની ભલામણો અનુસાર આ માર્ગદર્શિકા વિકસાવવામાં આવી રહી છે અને “શાળાઓમાં વિદ્યાર્થીઓના ભણતરના અનુભવને પ્રાયોગિક, આનંદકારક અને તણાવમુક્ત બનાવવાનો ઉદ્દેશ્ય” દફતર મુક્ત દિવસો પાછળનો છે.

“શાળાઓમાં અભ્યાસ સિવાયના ઉપલબ્ધ સંસાધનોને ઑપ્ટિમાઇઝ કરવા માટે પ્રવૃત્તિઓ કાળજીપૂર્વક પસંદ કરી શકાય છે. હેપ્પીનેસ અભ્યાસક્રમના અમલીકરણ દરમિયાન હાથ ધરવામાં આવતી બેગલેસ પ્રવૃત્તિઓ અથવા પ્રવાસની મુલાકાતો, વર્કશોપ, ટ્રેનિંગ, સ્પોર્ટસ, નેચર વોક, હેરીટેજ વોક, ટ્રેડિશનલ-કલ્ચરલ ઇન્ટ્રોડક્શન, સ્વચ્છતા અભિયાન, વગેરે પ્રવૃતિઓનો બેગલેસ દિવસોમાં સમાવેશ કરી શકાય છે,” શિક્ષણ નિયામકની કચેરીએ ઉમેર્યું હતું.

“આ દિશાનિર્દેશો હેઠળ, વિદ્યાર્થીઓ ઐતિહાસિક સ્મારકો, સાંસ્કૃતિક સ્થળો, હસ્તકલા કેન્દ્રો, પ્રવાસીઓની રુચિના સ્થળો અને ઘણા બધા સ્થળોની મુલાકાત લઈ શકે છે. તેઓ કલાકારો અને કારીગરોને મળી શકે છે, વિવિધ વિભાવનાઓ અને પરંપરાઓ વિશેની તેમની સમજને વિસ્તૃત કરી શકે છે, અને તેમને વારસાની જાળવણીના મહત્વને સમજવામાં મદદ કરી શકે છે,” માર્ગદર્શિકાએ જણાવ્યું હતું.

July 6, 2024
india-vs-zim-2024.png
2min212

ટી 20 વર્લ્ડકપ જીત્યા બાદની પહેલી ટી 20 મેચમાં ભારતનો પરાજય થયો છે. ભારત સામેની મેચમાં ઝિમ્બાબ્વે 13 રને વિજયી રહ્યું. ભારતના બેટર્સે 6/7/2024ની મેચમાં નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું. આ જીત સાથે જ હવે ઝિમ્બાબ્વે સીરિઝમાં 1-0થી આગળ છે. 

ઝિમ્બાબ્વેના હરારેમાં ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે પાંચ ટી20 મેચની સીરિઝ યોજાઇ રહી છે જેમાં આજે પહેલી મેચ રમાઈ હતી. આજની મેચમાં ટોસ હાર્યા બાદ ઝિમ્બાબ્વેએ નવ વિકેટ ગુમાવીને 115 રન ફટકાર્યા હતા. ઝિમ્બાબ્વે ટીમમાં ક્લાઇવ મડાંડેએ ટીમમાં સૌથી વધુ 29 રન ફટકાર્યા, તે સિવાય કોઈ ખેલાડી કશું કમાલ કરી શક્યા નહોતા. 

ભારતના રવિ બિશનોઈ સૌથી સફળ બોલર સાબિત થયો. રવિએ ચાર ઓવરમાં 13 રન આપીને ચાર વિકેટ ખેરવી હતી. વોશિંગ્ટન સુંદરે બે જ્યારે આવેશ ખાન તથા મુકેશ કુમારે એક એક વિકેટ લીધી હતી.  

ભારતીય ટીમનું નિરાશાજનક પ્રદર્શન 

ઝિમ્બાબ્વેની બેટિંગ જોયા બાદ ફેન્સને આશા હતી કે ભારતીય ટીમ સરળતાથી લક્ષ્ય પ્રાપ્ત કરી લેશે. પરંતુ થયું તદ્દન ઊંધું જ. શરૂઆતથી જ ભારતને એક બાદ એક ઝટકા લાગ્યા. ડેબ્યૂ મેચમાં અભિષેક શર્મા ખાતું ખોલ્યા વગર જ ઝીરો રનમાં પવેલિયનભેગો થઈ ગયો હતો. જે બાદ 15 રનના સ્કોર પર જ ભારતને બીજો ઝટકો લાગ્યો, માત્ર સાત રન બનાવીને ઋતુરાજ ગાયકવાડ પણ આઉટ થયો. 

ખેલાડીનું નામરનબોલ
અભિષેક શર્મા04
શુભમન ગિલ3129
ઋતુરાજ ગાયકવાડ79
રિયાન પરાગ23
રીન્કુ સિંહ02
ધ્રુવ જૂરેલ714
વૉશિંગ્ટન સુંદર2734
રવિ બિશ્નોઈ98
આવેશ ખાન1612
મુકેશ કુમાર03
ખલીલ એહમદ01

રિયાન અને રીન્કુ પણ કશું ખાસ કરી ન શક્યા 

ચોથા નંબર પર બેટિંગ કરવા આવેલ રિયાન પરાગ પણ પોતાની ડેબ્યૂ મેચમાં ખાસ દેખાવ કરી શક્યો નહીં અને બે રન બનાવીને આઉટ થયો. પાંચમા ક્રમાંક પર રીન્કુ સિંહ અને તેણે પણ લોકોની આશા પર પાણી ફેરવ્યું. રીન્કુ પણ ખાતું ખોલ્યા વગર જ પવેલીયનભેગો થયો હતો. 

શુભમન ગિલે 31 રન બનાવ્યા 

જ્યાં એક તરફ શુભમન ગિલ બાજી સંભાળી રહ્યો હતો ત્યાં બીજી તરફ એક બાદ એક વિકેટ પડી રહી હતી. ધ્રુવ જૂરેલ પણ માત્ર છ રન બનાવીને આઉટ થયો. છ વિકેટ બાદ પણ ફેન્સને આશા હતી કે શુભમન ગિલ મેચ જીતાડી શકે છે પણ બાદમાં ગિલ પણ 31 રન બનાવીને આઉટ થયો. શુભમને 29 બોલમાં પાંચ ચોગ્ગાની મદદથી 31 રન ફટકાર્યા હતા. 

શુભમન ગિલ બાદ વૉશિંગ્ટન સુંદર છેક સુધી મેદાન પર હતો. નવ વિકેટ ગુમાવ્યા બાદ પણ સુંદરની બેટિંગના કારણે મેચમાં જીતની એક આશા જીવંત હતી. જોકે અંતમાં વિજય ઝિમ્બાબ્વેનો જ થયો. મેચમાં નવા ખેલાડીઓના નિરાશાજનક પ્રદર્શન બાદ ક્રિકેટ એક્સપર્ટ્સનો પણ મત છે કે ટીમમાં સિનિયર ખેલાડીઓની કમી વર્તાઇ છે. 

July 4, 2024
divine-trees-1280x720.jpg
3min214

વૃક્ષપૂજા વૈદિક કાળથી થાય છે. જ્યારે દેવી-દેવતાને સર્મપિત કોઈ મંદિર કે તીર્થસ્થળ નહોતાં ત્યારે વૃક્ષમાં પ્રભુનો વાસ ગણીને એની પૂજા થતી. સનાતન ધર્મના શૈવ, વૈષ્ણવ, જૈન, બૌદ્ધ, સિખ વગેરે દરેક સંપ્રદાયમાં ભગવાન તેમ જ આદ્યગુરુઓ સાથે કોઈ ને કોઈ વૃક્ષો સંકળાયેલાં છે જ. આ ઉનાળામાં જે ગરમી પડી છે એ પછી ‘જલ હૈ તો જીવન હૈ’ સૂત્રમાં ‘ચમન હૈ તો અમન હૈ’ જલદી જોડવું પડશે. માટે જ આ વખતનું તીર્થાટન થોડું હટકે છે. આજે કોઈ મંદિર કે મૂર્તિઓની પૂજા કે સાધના કરવાની નથી, પ્રકૃતિના ઓચ્છવની અર્ચના કરવાની છે.

પ્રયાગરાજનો અક્ષય મનોરથ વટ

પ્રયાગરાજમાં યમુના અને ગંગા નદીના સંગમ પાસે અકબર ફોર્ટના પ્રાંગણમાં ઊભેલો અક્ષય વટ પ્રાયઃ સમસ્ત જીવસૃષ્ટિનું ઓલ્ડેસ્ટ વૃક્ષ છે જેનું કનેક્શન જૈન, વૈદિક, બૌદ્ધ ધર્મ સાથે છે. કહેવાય છે કે જૈનોના પ્રથમ તીર્થંકર ઋષભદેવનાં માતા મરુદેવા આ વૃક્ષની નીચે કેવલી થયાં હતાં, જે આ ચોવીસીનું પ્રથમ કેવલજ્ઞાન હતું તેમ જ ઋષભદેવ પ્રભુએ પણ અહીં સાધના કરી હતી. હિન્દુ ધર્મની કિંવદંતી અનુસાર ઋષિ માર્કંડેયે વિષ્ણુને તેમની દિવ્ય શક્તિનો પરચો આપવાનું કહ્યું ત્યારે નારાયણે સમસ્ત સૃષ્ટિને જળબંબાકાર કરી દીધી હતી. પાણીમાં ડૂબેલા ભૂલોકમાં આ એક જ વૃક્ષ હતું જે જલસ્તરથી ઉપર દેખાઈ રહ્યું હતું અને પૂરથી બચવા ઋષિ માર્કંડેય આ જ વડમાં સમાઈ ગયા હતા.

એ ઉપરાંત રામ, લક્ષ્મણ અને સીતાજી પણ અહીં આવ્યાં હતાં અને તેમણે આ વૃક્ષની નીચે વિરામ કર્યો હતો. તિબેટિયન બૌદ્ધ પરંપરા મુજબ બુદ્ધે આ જ અક્ષયવટનું એક બીજ કૈલાશ પર્વતની નજીકના પહાડ પર વાવ્યું હતું જે આજે બુદ્ધ મહેલના નામે જાણીતું છે. અનેક પ્રલય, સંકટ, વિઘ્નો બાદ પણ આ વૃક્ષ જીવિત છે અને હજી આવનારા યુગોમાં પણ અકબંધ રહેશે એવું મત્સ્યપુરાણના પ્રયાગ મહાત્મ્યમાં આલેખાયેલું છે.

ઈ. સ. ૧૫૮૩માં મોગલ બાદશાહ અકબરે અહીં કિલ્લો બનાવડાવ્યો હતો જેથી તે ત્રિવેણી સંગમમાં સ્નાન કરવા આવતા યાત્રીઓ પાસેથી કર વસૂલી શકે. તેમણે આ કિલ્લાનું નિર્માણ એવી રીતે કરાવ્યું હતું જેમાં આ મનોરથ વટ તરીકે પણ જાણીતું તરુવર તેના પરિસરમાં જ રહે (મનોરથ વટ કહેવા પાછળની કથા એવી છે કે એ કાળમાં મનુષ્યો પોતાના દરેક સંકલ્પ, જવાબદારી, મનોરથ પૂર્ણ કરી મોક્ષપ્રાપ્તિ અર્થે અહીંથી ગંગામૈયામાં છલાંગ મારી જળસમાધિ લેતા). અકબરના સમયમાં તો હિન્દુઓ અહીં આવી વડની પૂજા કરી શકતા, પરંતુ અંગ્રેજોના આધિપત્ય બાદ આ પરંપરા બંધ કરી દેવામાં આવી અને અત્યારે પણ અમુક ખાસ દિવસોને બાદ કરતાં આ શુભ વૃક્ષની નજીક જવાતું નથી. ભક્તોએ ગંગા-યમુના નદીના તટ પરથી એ વૃક્ષનાં દર્શન કરી સંતોષ માનવો પડે છે. જોકે એમ પણ કહેવાય છે કે અસલી અક્ષય વટ તો કિલ્લાના ભોંયરામાં છે. હાલમાં ઊભેલું વૃક્ષ પૂજારીઓએ પછીથી વાવ્યું છે. સત્ય જે હોય તે પરંતુ પ્રયાગ જાઓ ત્યારે લેટે હનુમાન મંદિરની નજીક આવેલા આ કિલ્લામાંના અવિનાશી બરગદનાં દર્શન કરવાનું ચૂકતા નહીં. એનાં પર્ણોને સ્પર્શીને આવતો પવન પણ તમને ડિવાઇન અનુભૂતિ કરાવશે.

વૃંદાવનનો બંસી વટ

શ્રીકૃષ્ણની વાંસળીના સૂર કેવા હશે? એનો જવાબ મથુરા વૃંદાવનના કેશીઘાટની બાજુમાં આવેલા બંસી વટને પૂછો, કારણ કે હાલમાં આ એકમાત્ર સજીવ હયાત છે જે એ સૂરોના તાલ પર ઝૂમ્યું છે. આ વડની છાયામાં નટખટ નંદકિશોર બાંસૂરી વગાડતા અને ગોપીઓ એ સૂર સાંભળીને ઘર, વર, બાળકો છોડીને બંસી વટ નીચે આવી જતી. અરે એક શરદપૂર્ણિમાએ તો તેમની મોરલીએ એવાં કામણ કર્યાં કે ખુદ કૈલાશપતિ ગોપીનો વેશ ધારણ કરીને મહારાસમાં સામેલ થવા પહોંચી ગયા હતા (ગોપેશ્વર મહાદેવની જાત્રા પણ આપણે આ પાને કરી છે). વ્રજભૂમિની પરિક્રમાએ જતા દરેક ભાવિકો બંસી વટના મંદિરે ચોક્કસ જાય છે અને ભગવાનનાં દર્શન કરી મોરલીના મીઠા સૂરોની કલ્પના કરી આંનદ માણે છે, પણ માથું ઊંચું કરી નસીબદાર બરગદના વૃક્ષનાં દર્શન કરતા નથી, જેને મોહનની મનમોહક લીલાનું સાક્ષી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. ચૈતન્ય મહાપ્રભુ જ્યારે પહેલી વખત વૃંદાવન આવ્યા હતા ત્યારે તેઓ માત્ર બંસીઘાટ જ આવ્યા હતા અને આ વૃક્ષના થડમાં તેમને રાધા-કૃષ્ણનાં દર્શન થયાં હતાં. દિવ્ય કવિ સુરદાસ કહે છે, ‘કહાં સુખ બ્રજ કૌસો સંસાર, કહાં સુખદ વંશી વટ જમુના, યહ મન સદા વિચાર…’ અર્થાત્ બંસી વટના યમુના કિનારાના સાંનિધ્ય જેવું સુખ દુનિયામાં બીજું કોઈ નથી. 

ઉજ્જૈનનો સિદ્ધ વટ

હિન્દુ પુરાણો અનુસાર સૃષ્ટિ પર સાતથી આઠ વડનાં વૃક્ષ એવાં છે જે યુગોથી વિદ્યમાન છે. આ દરેક વૃક્ષો કોઈ ને કોઈ દેવી કે દેવતાઓએ રોપ્યાં છે. એ પરંપરામાં ઉજ્જૈન પાસે ભૈરવગઢનો સિદ્ધ વટ પણ અતિ પ્રાચીન છે. શક્તિભેદ તીર્થ તરીકે જાણીતા અહીંનો સિદ્ધ વટ પાર્વતીમાતાએ રોપ્યો છે અને શિવજીના રૂપમાં એની પૂજા કરવામાં આવે છે. સંતતિ, સંપત્તિ અને સદગતિની પ્રાપ્તિ માટે પ્રખ્યાત આ તીર્થ વટની કૃપાથી ત્રણેય સિદ્ધિ પ્રાપ્ત થાય છે એથી એને સિદ્ધ વટ કહેવાય છે. વર્ષ દમ્યાન હજારો ભાવિકો અહીં આવે છે અને વૃક્ષ પર રક્ષાસૂત્ર બાંધીને સંપત્તિ માટે પ્રાર્થના કરે છે. એ જ રીતે સંતાનસુખ માટે ઊંધો સાથિયો કરવાની પરંપરા છે. સ્કંદપુરાણ અનુસાર શિવપુત્ર કાર્તિકસ્વામીને આ સ્થળે સેનાપતિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને અહીં જ તેમણે તારકાસુરનો વધ કર્યો હતો. કુદરતી આપદાઓ તેમ જ ભાવિકોની અવગણના અને ગંદકીને કારણે આ વૃક્ષની હાલત અનેક વખત જોખમાય છે છતાં ઈશ્વરીય આશીર્વાદ અને સૃષ્ટિના નિઃસ્વાર્થ સ્નેહની સરવાણીથી આ વૃક્ષ ફરી મહોરી ઊઠે છે.

જગન્નાથપુરીનો કલ્પ વટ

કલ્પ શબ્દના બે અર્થ કરી શકાય, કલ્પ એટલે કાળ અને કલ્પ એટલે ઇચ્છા, આકાંક્ષા. ઓડિશાના જગન્નાથપુરીના મુખ્ય જગન્નાથ મંદિરના સંકુલમાં જ સત્યનારાયણ મંદિર અને મુક્તિમંડપની વચ્ચે દિવ્ય છાયા લહેરાવતું વૃક્ષ એ જ કલ્પ વટ, જે ચારેય યુગોથી અહીં હાજર છે અને દર્શનાર્થીઓની કામના પૂર્ણ કરવા માટે પણ જાણીતું છે. મંડપ અને થડની ફરતે ગોળ પાકા ઓટલાથી સંરક્ષિત આ વૃક્ષની ડાળખીઓ પણ ચૂંદડીઓ અને અન્ય સુશોભિત વસ્તુઓથી ડેકોરેટ થયેલી છે. ખાસ કરીને બંગાળીઓ આ વૃક્ષની પૂજા કરવાની સાથે એની પ્રદક્ષિણા પણ કરે છે. કલ્પ વટની આજુબાજુમાં વટેશ્વર મહાદેવ, વટ ક્રિષ્ણા, વટ બાળમુકુંદ, વટ માધવ, વટ ગણેશ, વટ મંગલા, વટ જગન્નાથ અને વટ માર્કંડેયની નાની-નાની મૂર્તિઓ છે (બંગાળી, ઓરિયા ભાષામાં ‘વ’ મૂળાક્ષર છે જ નહીં, અહીં ‘વ’ને બદલે ‘બ’ બોલાય અને લખાય છે. આથી અહીં કલ્પબટ છે અને બટની આજુબાજુ આવેલા પરમેશ્વર પણ બટમાધવ, બટક્રિષ્ણા વગેરે છે).

ઓરિયા ભાગવતમમાં આ વૃક્ષને શંખક્ષેત્ર પુરીનું અત્યંત પાવન સ્થળ કહેવાયું છે. બૌદ્ધધર્મીઓએ પણ અહીં સૌગાત નારાયણની મૂર્તિ પધરાવી છે. સ્કંદપુરાણ અનુસાર માર્કંડેયમુનિએ જળપ્રલય વખતે આ બરગદનો આશરો લીધો હતો. દર કારકત સુદ તેરસે આ વૃક્ષનો જન્મોત્સવ મનાવાય છે અને કલ્પવટને પંચામૃતથી સ્નાન કરાવી નવાં વસ્ત્રો પણ પહેરાવાય છે. કહેવાય છે કે કલ્પ વટની પૂજા એટલે જગન્નાથજીની પૂજા. અષાઢી બીજના દિવસે રથયાત્રા બાદ કૃષ્ણ, બલભદ્ર, સુભદ્રાની મૂર્તિઓને કલ્પવટનાં દર્શન કરાવ્યા બાદ મંદિરમાં પધરાવાય છે.

પુરૈનાના બ્રહ્મબાબા પાંચ એકરમાં વિસ્તરી ગયા છે

બિહારના સારણ જિલ્લાના પુરૈના ગામમાં કોઈ ગ્રામ્યવાસીએ ૨૦૦ વર્ષ પૂર્વે વડનું ઝાડ વાવ્યું હતું અને બે સદીમાં તો એ એવું ફૂલ્યું-ફાલ્યું કે આજે એ એકમાંથી અનેક વૃક્ષો થઈ ગયાં છે અને ૨,૧૭,૮૦૦ સ્ક્વેરફીટમાં ફેલાઈ ગયાં છે. એ દરમ્યાન આ નાનકડા ગામડામાં અનેક આંધી, તોફાનો, કુદરતી આપત્તિઓ આવી છે, પણ આ મહાકાય વૃક્ષને ઊની આંચ નથી આવી બલકે એમાંથી જેટલી ડાળીઓ ખરે છે અને જમીન પર પડે ત્યાં નવું વૃક્ષ ઊગવા માંડે છે. આજે પણ આ સાઇકલ ચાલુ જ છે. આવા ચમત્કારને કારણે સ્થાનિક લોકો આ વડવૃક્ષને બ્રહ્મબાબા કહે છે. વળી નવાઈની વાત એ છે કે એનો આવો વ્યાપક ફેલાવો સરકારી નહીં ખાનગી જમીન પર થતો જાય છે. એમ છતાં સ્થાનિક લોકો હસીખુશી એ ભૂમિ પર પોતાની માલિકી છોડી રહ્યા છે. આ વિરાટ બ્રહ્મદેવની નીચે કોઈ મંદિર કે મૂર્તિ નથી પરંતુ આ વિસ્મયકારી વૃક્ષનું સત્ત્વ એવું છે કે લોકો આ વૃક્ષદેવતાનાં દર્શન કરવા આવે છે અને તેમની મનોકામના પૂર્ણ પણ 
થાય છે.

ગયાજીનો અક્ષય વટ

પૂર્વજોના આત્માની શાંતિ અને મુક્તિ માટે કરાતી પિતૃતર્પણવિધિ માટે પરાપૂર્વથી પ્રસિદ્ધ ગયાનો અક્ષય વટ તો ખુદ બ્રહ્માજીએ રોપ્યો છે. કહેવાય છે કે સ્વયં ભગવાન બ્રહ્મા સ્વર્ગથી વડનો રોપો અહીં લાવ્યા હતા અને સીતામાતાએ તેમને અમરતાના આશીર્વાદ આપ્યા છે. રામકથા અનુસાર વનવાસ પૂર્ણ થયા બાદ રાણીસીતા સહિત રાજારામ અને લક્ષ્મણ પિતાનું શ્રાદ્ધકર્મ કરવા માટે ગયા આવ્યા હતા. બેઉ ભાઈઓ એ માટેની જરૂરી સામગ્રી લેવા ગયા એમાં વિલંબ થતાં રાજા દશરથે પ્રગટ થઈને પુત્રવધૂ સીતાને તર્પણવિધિ કરવા કહ્યું ત્યારે માતાસીતાએ આ વડ ઉપરાંત અહીંથી વહેતી ફાલ્ગુ નદી, ગાય, તુલસીજી અને બ્રાહ્મણને સાક્ષી કરી રામ-લક્ષ્મણની ગેરહાજરીમાં નદીની રેતીમાંથી પિંડ બનાવી દિવંગત શ્વશુરજીનું પિંડદાન કર્યું હતું (જે કથા આપણે અગાઉ ગયાના તીર્થાટન વખતે કરી છે). રામ-લક્ષ્મણ પાછા આવતાં સીતાજીએ તર્પણવિધિ કર્યાની વાત કરી ત્યારે રાજાના કોપના ભયથી અન્ય સાક્ષીઓ તો ચૂપ રહ્યા, પણ વડ વૃક્ષે સાક્ષી પુરાવી હતી એથી માતાસીતાએ આ બરગદને ચિરંજીવ રહેવાના આશીર્વાદ આપ્યા હતા. ગયાથી થોડે દૂર માઢનપુર સ્થિત આ અક્ષય વટની આસપાસ એક સમયે પિંડદાન માટે ૩૬૫ વેદીઓ હતી જે કાલાંતરે ઓછી થઈને ૪૫ રહી છે. ગયાજીના પ્રસિદ્ધ વિષ્ણુપદ મંદિરે જાઓ કે મહામાયા મંગલાગૌરીની શક્તિપીઠે મથ્થા ટેકો ત્યારે આ અક્ષય વટના આશીર્વાદ લેવા અચૂક જજો. આ સ્પૉટ ગયાનાં મુખ્ય દર્શનીય સ્થળોમાં નથી આવતું, પરંતુ એનાં મૂળિયાં પૌરાણિક છે.

પૉઇન્ટ ટુ બી નોટેડ

ઉપર ઉલ્લેખ કરાયેલાં આ પાંચેપાંચ વૃક્ષતીર્થો આપણી પૂજનીય તીર્થભૂમિ પર જ છે. એનાં દર્શન માટે ક્યાંય સ્પેશ્યલ કોઈ સ્થળે જવાનું નથી, પણ આપણે તો હઈસો હઈસો યાત્રાળુઓ. ટાઇમ જ ન હોય એટલે એક ઘરેડમાં મુખ્ય મંદિરમાં દર્શન કરી ચાલતા થઈએ. બટ, નેક્સ્ટ ટાઇમ જે-તે જાત્રાએ ગયા હો ત્યારે પૂર્ણ ભાવથી આવા વૃક્ષદેવની આરાધના કરજો, એની શુદ્ધ ઑરા માણજો અને બની શકે તો એના સંવર્ધન માટે મદદ કરજો, કારણ કે આપણા પૂર્વજોએ સાચવ્યું એટલે આપણને મળ્યું. હવે આગામી પેઢી સુધી પહોંચાડવાની જવાબદારી આપણી છે. 

July 3, 2024
danger-of-death-labels.png
1min336

YOG એક પ્રાચીન અભ્યાસ છે.જેની શરૂઆત હજારો વર્ષો પહેલાં ભારતમાં થઈ હતી.આ એક સંપૂર્ણ અનુશાસન છે.જે શારીરિક મુદ્રાઓ,શ્ર્વાસ અભ્યાસ, પ્રાણાયામ, ધ્યાન અને નૈતિક સિદ્ધાંતોને શારીરિક, માનસિક અને આધ્યાત્મિક કલ્યાણને વેગ આપવા માટે જોડે છે. શરીરનું લચીલાપન, શક્તિ, સંતુલન, તનાવ પ્રબંધન અને સમગ્ર સ્વાસ્થ્યને શ્રેષ્ઠ બનાવવામાં યોગના પ્રભાવને લીધે યોગને દુનિયાભરમાં અપાર લોકપ્રિયતા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અંતર્ગત વ્યક્તિ અને પૂરા સમાજ પર યોગના સકારાત્મક પ્રભાવ અને ફેલાવા માટે એક મંચના રૂપમાં કાર્ય થઈ રહ્યું છે.

આ દિવસે યોગના મહત્ત્વને ઉજાગર કરવા માટે વિશ્ર્વભરમાં વિવિધ પ્રકારના કાર્યક્રમ,કાર્ય શાળાઓ, સેમિનાર અને પ્રદર્શનના આયોજન કરવામાં આવે છે.

૨૧ જૂનના યોજાતા આંતરરાષ્ટ્રીય  યોગ દિવસની થીમ દર વર્ષે અલગ અલગ હોય છે, જે યોગના વિભિન્ન પાસાંઓ અને સમકાલીન પડકાર માટેની પ્રાસંગિકતા પર કેન્દ્રિત હોય છે.આંતરરાષ્ટ્રીય  યોગ દિવસ ૨૦૨૪ની થીમ ‘માનવતા’ છે.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો હેતુ યોગ અભ્યાસના લાભની બાબતમાં વૈશ્ર્વિક જાગૃતિ પેદા કરવાનો છે.વિશ્ર્વ સ્વાસ્થ્ય સંગઠને સભ્ય દેશોને પોતાના નાગરિકોની શારીરિક નિષ્ક્રિયતા ઓછી કરવા માટે પ્રોત્સાહિત કરવાનો આગ્રહ કર્યો છે. શારીરિક નિષ્ક્રિયતા દુનિયાભરમાં મૃત્યુનું એક પ્રમુખ કારણ છે.હૃદય સંબંધી બીમારી,કેન્સર અને મધુપ્રમેહ જેવી ગંભીર બીમારીઓ માટે શારીરિક નિષ્ક્રિયતાને એક પ્રમુખ જોખમ ગણવામાં આવે છે.જો કે  યોગમાં ફક્ત શારીરિક ગતિવિધિ જ સામેલ નથી હોતી.ઉદાહરણ તરીકે, પ્રસિદ્ધ યોગાભ્યાસ કર્તા સ્વર્ગીય બી.કે.એસ.આયંગરજીએ કહ્યું હતું કે યોગ રોજબરોજની જિંદગીમાં સંતુલન અને માનસિકતા વિકસિત કરે છે તેમજ કામ કરવાની કુશળતામાં વધારો કરે છે.

યોગ મન અને શરીરનો એક અભ્યાસ છે,જેમાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર સકારાત્મક પ્રભાવ પડે છે.તનાવને ઓછો કરવામાં અને લચીલાપનમાં સુધારો કરવામાં અને તાકાત વધારવામાં  યોગ મદદરૂપ થાય છે. યોગ એક સાર્વભૌમિક અભ્યાસ છે. જેનો આનંદ બધી જ ઉંમરના અને વિવિધ ક્ષમતાઓ ધરાવનાર લોકો લઈ શકે છે.યોગ આપણા શરીર અને મનને જોડવા તેમજ સમગ્ર સ્વાસ્થ્યને શ્રેષ્ઠ બનાવવા માટેનો એક શાનદાર પ્રયોગ છે.યોગ એક એવો અભ્યાસ છે જેમાં આપણે વર્તમાન ક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરીને તનાવ અને નકારાત્મકતાને દૂર કરી શકીએ છીએ.

યોગથી બાળકોને પણ ખૂબ જ લાભ થતો હોય છે.વિશ્ર્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા શારીરિક ગતિવિધિ અને સ્વાસ્થ્ય પર વૈશ્ર્વિક કાર્ય યોજનામાં યોગને વેગ વધારવા માટે ખૂબ ભાર દેવામાં આવ્યો છે. યોગ બાળકોની શક્તિ વધારવા માટે અને લચીલાપન વધારવા માટે એક ઉત્કૃષ્ટ વિધિ છે.યોગ અને આસન કરવાથી વિદ્યાર્થીઓમાં સ્ફૂર્તિનું નિર્માણ થાય છે.ચંચળતા ઘટે છે.બાળકોના દરેક કાર્યમાં ગતિ અને કૌશલ્યનો વિકાસ કરવામાં  યોગ મહત્ત્વનો ભાગ ભજવે છે.યોગ દ્વારા બાળકોમાં શ્ર્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાથી એકાગ્રતામાં વધારો થાય છે.

અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થા,નવી દિલ્હીએ તાજેતરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ૨૦૨૪ ના ઉપલક્ષ્યમાં એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કર્યું હતું.આ કાર્યક્રમનો વિષય ‘મહિલા સશક્તિકરણ માટે યોગ’એવો રાખવામાં આવ્યો હતો.આ કાર્યક્રમના મુખ્ય અતિથિ પ્રસિદ્ધ પ્રેરક વક્તા શિવાની દીદીએ ઉપસ્થિત રહીને લોકોને સંબોધિત કર્યા હતા.એમણે પોતે જણાવ્યું હતું કે આજના યુવાનોમાં માનવતાની ભલાઈનું આરોપણ થાય એ માટે થઈને યુવાનોમાં દ્રઢતા અને યોગનું મહત્ત્વ વધે એવા આયોજન થવા જોઈએ.એમણે ભારપૂર્વક કહ્યું હતું કે યોગનો અભ્યાસ શાંત મનનાં વ્યક્તિને સમાજ કલ્યાણ માટે એક શ્રેષ્ઠ નિર્ણય લેવામાં મદદ મળે છે.તેમણે આ વાત પર વિશેષ ભાર દેતા કહ્યું હતું કે સર્વાંગીણ વિકાસ માટે મહિલા સશક્તિકરણ ખૂબ જ જરૂરી છે. મહિલા સશક્તિકરણ અને માર્ગદર્શનમાં મન,ભાવના અને આત્માને મજબૂત કરવા માટે  યોગ દિવસ મનાવવો જોઈએ.વિશેષમાં શિવાની દીદી એ જણાવ્યું કે,જીવનમાં આયુર્વેદના અનુપાલનથી જે ફાયદા થાય છે એવી જ રીતે બહારની દુનિયા સાથે એકજૂટ થવા માટે  યોગ મદદરૂપ થાય છે.આયુર્વેદ અને યોગ એક સિક્કાની બે બાજુ સમાન છે.

આ પરિપ્રેક્ષ્યમાં શિવાની દીદીએ જણાવ્યું કે આયુર્વેદ યોગનું ભૌતિક પાસું છે તો યોગ આયુર્વેદનું અધ્યાત્મિક પાસું છે.એમણે એ પણ ઉમેર્યું કે કે માત્ર ભણાવવું જરૂરી નથી, પરંતુ યોગ અને આયુર્વેદ બંનેનો અભ્યાસ કરાવવો જરૂરી છે.

March 20, 2024
vallabhbhai-patel.jpg
1min17629

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

રિપોર્ટ તા.21 માર્ચ 2024 સવારે 9 કલાકે

સુરત હીરા બુર્સના સ્થાપક અને સર્વેસર્વા એવા કિરણ જેમ્સના વલ્લભભાઇ એસ. લાખાણી (પટેલ)એ સુરત હીરા બુર્સના ચેરમેન પદેથી રાજીનામુ ધરી દીધાના સમાચાર વાયુવેગે પ્રસરતા આ સમગ્ર મામલો સુરત, મુંબઇ સહિત સમગ્ર વિશ્વના અમેરીકા, બેલિજ્યમ, દુબઈ જેવા દેશોના હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોમાં ભારે ચર્ચાસ્પદ બન્યો છે. દેશ વિદેશના હીરા ઉદ્યોગકારોમાં સુરત હીરા બુર્સને લઇને છેલ્લા 12 કલાકથી અનેક તર્ક વિતર્કો થઇ રહ્યા છે. સુરત હીરા બુર્સના ભાવિનું શું, આગામી મે 2024થી સુરત હીરા બુર્સને વેગવતું બનાવવાની યોજના આગળ કેવી રીતે વધારવામાં આવશે આવા અનેક સવાલો સુરત હીરા બુર્સમાં ઓફિસ ધરાવતા લોકોમાં થઇ રહ્યા છે.

વલ્લભભાઇ પટેલના રાજીનામા પછી હવે શું? એ મુદ્દે ચર્ચા વિચારણા કરવા માટે આજે તા.21મી માર્ચ 2024ના રોજ સાંજે 6 કલાકે સુરત હીરા બુર્સની કોર કમિટી, મેનેજિંગ કમિટીની મિટીંગ યોજવામાં આવી છે.

  • આજે ગુરુવારે સાંજે મળી રહેલી સુરત હીરા બુર્સની કોર કમિટીની મિટીંગમાં શું થઇ શકે?
  • વલ્લભભાઇ પટેલને સુરત ડાયમંડ બુર્સના ચેરમેન પદે ટકી રહેવા માટે સમજાવવામાં આવશે. પરંતુ, જો તેઓ રાજીનામું પાછું નહીં ખેચવા માટે અડગ રહેશે તો
  • સુરત હીરા બુર્સના નવા ચેરમેન તેમજ પ્રમુખ તરીકે કોણ જવાબદારી અદા કરશે એ ઉદ્યોગપતિઓના નામો આજની મિટીંગમાં નક્કી કરવામાં આવશે.

Reported on 20 March 2024 at 7.00pm

સુરત હીરા બુર્સના ચેરમેન પદેથી કિરણ જેમ્સના વલ્લભભાઇ પટેલનું રાજીનામું, હીરા બુર્સનું ભાવિ ડામાડોળ

રૂ.3700 કરોડના જંગી ખર્ચે તૈયાર થયેલા વિશ્વના સૌથી મોટા ઓફિસ બિલ્ડીંગ તરીકે ખ્યાતિપ્રાપ્ત સુરત હીરા બુર્સના પાયાના પથ્થર એવા ચેરમેન કિરણ જેમ્સના માલિક વલ્લભભાઇ એસ. લાખાણીએ બુર્સના ચેરમેન પદેથી રાજીનામુ આપી દીધું હોવાની વિગતો મોડી રાત્રે સાંપડી છે. સુરત હીરા બુર્સનું સુકાન હવે રાજ્યસભાના નવનિર્વાચીત સભ્ય અને એસ.આર.કે.ના ગોવિંદભાઇ ધોળકીયા અને લાલજીભાઇ પટેલ સંભાળશે એમ જાણવા મળે છે.

વલ્લભભાઇ પટેલે સુરત હીરા બુર્સના ચેરમેન પદેથી રાજીનામું આપી દીધું હોવાના સમચાાર વહેતા થતાં જ સુરત અને મુંબઇના હીરા ઉદ્યોગપતિઓમાં સોંપો પડી ગયો છે. હવે શું થશે હીરા બુર્સનું. વિશ્વના સૌથી મોટા ઓફિસ બિલ્ડીંગ તરીકે ગણના પામી રહેલા સુરત હીરા બુર્સમાં વિશ્વનું સૌથી મોટું હીરા બજાર વિકસાવવાની આખી યોજના હાલ ઘોંચમાં પડી જવા પામી છે.

સુરત હીરા બુર્સના સ્વપ્નદ્રષ્ટા મનાતા વલ્લભભાઇ એસ. લાખાણીએ રાજીનામું ધરી દીધું હોવાની બાબતે ડાયમંડ બુર્સની મેનેજિંગ કમિટીના કોઇપણ ઉદ્યોગપતિ સભ્ય કશું બોલવા તૈયાર નથી. સાથે જ સુરતના ટોચના હીરા ઉદ્યોગપતિઓમાં એવી ચર્ચાઓ ગરમાગરમ રીતે થઇ રહી છે કે હવે સુરત હીરા બુર્સના ભાવિનું શું, તા.17મી ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જેનું ઉદઘાટન કર્યું હતું એ સુરત હીરા બુર્સનું ભાવિ હાલ તો ડામાડોળ થઇ ગયેલું જણાય છે.

March 18, 2024
CFC-2.jpeg
1min819

સુરત: :જેમ એન્ડ જ્વેલરી ઈન્ડસ્ટ્રી માટે દેશના પહેલા મેગા કોમન ફેસિલિટી સેન્ટરને મુંબઈના SEEPZ SEZમાં ખુલ્લો મૂકાયો છે. ભારત સરકારમાં વાણિજ્ય અને ઉદ્યોગ, ઉપભોક્તા બાબતો, ખાદ્યાન્ન તેમજ જાહેર વિતરણ તેમજ ટેક્સટાઈલ મંત્રી શ્રી પિયુષ ગોયલે મુંબઈના SEEPZ SEZમાં આવેલા ભારતના અગ્રણી મેગા કોમન ફેસિલીટી સેન્ટરના લોકાર્પણ સમારોહમાં હાજરી આપીને પ્રસંગને શોભાવ્યો હતો. ભારત રત્નમ, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા પ્રમોટ કરવામાં આવેલું મેગા સીએફસી છે. GJEPC, SEEPZ SEZના સક્રિય સમર્થન સાથેઆ પ્રોજેક્ટનું સંચાલન કરે છે.  

આ મહત્વપૂર્ણ સમારોહમાં GJEPCના વાઈસ ચેરમેન શ્રી કિરીટ ભણસાલી, SEEPZ-SEZના ઝોનલ ડેવલપમેન્ટ કમિશનર, IRS શ્રી રાજેશ કુમાર મિશ્રા, ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના સંયુક્ત સચિવ IAS શ્રી વિપુલ બંસલ, ભારત રત્નમ મેગા CFCના વર્કિંગ ગ્રુપના હેડ શ્રી કોલિન શાહ અને SEEPZના સંયુક્ત ડેવલપમેન્ટ કમિશનર શ્રી સી.પી.એસ ચૌહાણે હાજરી આપી હતી.

ભારત રત્નમ- મેગા CFCનો હેતુ જેમ અને જ્વેલરી પ્રોડક્ટોના ઉત્પાદન અને ડિઝાઈન માટે ટેકો પૂરો પાડવાનો છે. તે વર્તમાન ગુણવત્તા, ઉત્પાદકતા, માનવબળની કુશળતા, ઘરેલુ R&D, ટેક્નોલોજીની પ્રગતિ તેમજ ખર્ચની હરિફાઈક્ષમતામાં વધારો કરશે. સ્કીલ ડેવલપમેન્ટ કોર્સ તેમજ ઈન્ડસ્ટ્રી માટે નિપુણ માનવબળને વિકસિત કરવા માટે તેમાં ટ્રેનિંગ સેન્ટરનો પણ સમાવેશ કરવામાં આવશે.  

પોતાના પ્રારંભિક સંબોધનમાં શ્રી ગોયલે જણાવ્યું હતું કે, “ભારત રત્નમ મેગા સીએફસી મેક ઈન ઈન્ડિયા અને ડિઝાઈન ઈન ઈન્ડિયાના નવા યુગની શરૂઆત કરે છે. તે ભારતના ખરા હીરા તરીકે ઉભર્યું છે અને પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપનો વધુ એક ચમકતો દાખલો છે. નોંધપાત્ર 14 મહિનામાં પૂર્ણ થયેલું આ સેન્ટર પોતાની વિશ્વ સ્તરની સવલતો સાથે ઉત્કૃષ્ટતાના પ્રકાશસ્તંભ તરીકે ઉભું છે અને ભારતના ભાવિ માટે સીમાચિહ્ન પૂરું પાડે છે. અત્યંત આકર્ષક ટ્રેનિંગ અને સ્કીલિંગ સેન્ટર 1600 જેટલા યુવાનોને તાલીમબદ્ધ કરશે, જેઓ દર વર્ષે માનવબળમાં જોડાશે. આ તમામ પહેલ ઉચ્ચ ગુણવત્તાની જ્વેલરીની મેડ ઈન ઈન્ડિયા બ્રાન્ડનું સર્જન કરવામાં મદદરૂપ થશે, જેના માટે આ દુનિયાને આકાંક્ષા અને ઈચ્છા હશે, તેમજ આ દુનિયા જેની તરફ જોશે. ભારત રત્નમ ઈનોવેશન, આર્થિક વૃદ્ધિ અને ટેક્નોલોજીની પ્રગતિને આગળ ધપાવવાની સરકારની પ્રતિબદ્ધતાનું પ્રતિક છે.”GJEPCના ચેરમેન, શ્રી વિપુલ શાહે જણાવ્યું હતું કે, “અમે જ્યારે ભારતરત્નમ-મેગા CFCનું ઉદ્ઘાટન કરી રહ્યા છીએ, ત્યારે આ અભૂતપૂર્વ પ્રોજેક્ટનું નેતૃત્વ કરવા બદલ હું શ્રી પિયુષ ગોયલનો હૃદયપૂર્વક આભાર માનું છું. તેમનું અવિરત સમર્પણ અને દૂરંદેશી નેતૃત્વ  આ પરિવર્તનકારી પહેલ ને ફળીભૂત કરવા માટે નિમિત્ત બની રહ્યું છે. તે અમારા ઉદ્યોગ માટે ગેમ ચેન્જર છે અને તે અમને 75 અબજ ડોલર ની નિકાસના લક્ષ્યાંક ને હાંસલ કરવામાં અને 2047 સુધીમાં વિકસિત ભારતના અમારા વિઝનને સાકાર કરવા તરફ પ્રેરિત કરશે.